મહાત્માના દર્શનાર્થે જવું

એક દિવસ સ્વામીજીએ એક વ્યક્તિને પૂછ્યું કે અલવરમાં કોઈ સાધુ મહાત્મા રહે છે કે કેમ? એણે કહ્યું કે એક નિષ્ઠાવાન બ્રહ્મચારી નજીકમાં જ રહે છે. સ્વામીજીએ કહ્યું: ‘તો મને ત્યાં લઈ જાઓ, મને એમનાં દર્શન કરાવી દો.’ બંને એ બ્રહ્મચારીના આશ્રમમાં ગયા. સ્વામીજી એમની નજીક જઈને પ્રણામ કરીને બેઠા એટલે બ્રહ્મચારી કહેવા લાગ્યા: ‘તમે ભગવાં વસ્ત્રો કેમ પહેરી રાખ્યાં છે? હું ભગવાં વસ્ત્રધારી સંન્યાસીઓને ફૂટી આંખેય જોઈ શકતો નથી.’ આમ કહીને તેણે સંન્યાસી કુળ પર અનેક ગાળ્યો વરસાવી, પછી સ્વામીજીને કહ્યું: ‘વારુ, જવા દો એ વાત. તમે કંઈ ખાશો. તમારા પર મારો એવો ગુસ્સો નથી.’ સ્વામીજીએ હાથ જોડીને કહ્યું: ‘ના જી. હમણાં જ ભિક્ષાટન કરીને આવ્યો છું. અને હવે વધારે ખાવાની આવશ્યકતા નથી. મહેરબાની કરીને આપ કોઈ તત્ત્વની વાત કહો તો હું સાંભળું.’

બ્રહ્મચારીએ અત્યંત ક્રોધપૂર્વક કહ્યું: ‘તો પછી અહીંથી દૂર ચાલ્યો જા. કંઈ ખાવું ન હોય તો દૂર ચાલ્યો જા.’ સ્વામીજી ફરીથી પ્રણામ કરીને ત્યાંથી નીકળી ગયા. જે ભાઈ સ્વામીજીને સાધુ દર્શન કરાવવા લઈ આવ્યા હતા તેઓ સ્વામીજીનું આવું અપમાન જોઈને અત્યંત ક્ષુબ્ધ અને ભયભીત બનીને કદાચ સ્વામીજી એના પર ખૂબ નારાજ થયા હશે એમ મનમાં વિચારતા હતા. પરંતુ આ ઘટના પર સ્વામીજીને નારાજગી થવાને બદલે કંઈક એવા મજા આનંદ આવ્યાં કે તેઓ ખૂબ હસી પડ્યા. જ્યાં સુધી તેઓ બ્રહ્મચારીની પાસે રહ્યા ત્યાં સુધી એણે પ્રયત્નપૂર્વક પોતાના આ હાસ્યને દબાવી રાખ્યું. રસ્તામાં થોડું અંતર કાપ્યા પછી તેઓ પોતાના આ દબાવેલા હાસ્યને રોકી ન શક્યા અને એટલા બધા હસી પડ્યા કે એમની સાથે આવનાર હાસ્યનું કોઈ કારણ સમજ્યા વગર તે પ્રવાહમાં ખેંચાઈને તે પણ હસવા લાગ્યા. ત્યાર પછી થોડો રસ્તો કપાયા બાદ સ્વામીજી બોલી ઊઠ્યા: ‘ભાઈ, તમે તો સારો સાધુ બતાવ્યો! ગાળાગાળીની તો કેવી ધારા!’ આમ કહીને તેઓ વારંવાર હાસ્યવિનોદ કરવા લાગ્યા અને એ બ્રહ્મચારીના જેવી જ નકલ કરીને પોતે હસવા પણ લાગ્યા. અને એનાથી પણ વધારે પોતાના સાથીને પણ હસાવવા લાગ્યા. 

એમના અસીમ ઈશ્વરપ્રેમ, અપાર અવિચ્છિન્ન આનંદ અને બધા પ્રત્યેના અગાધ સ્નેહે સૌનાં મન મોહી લીધાં હતાં. જે લોકો દરરોજ એમની પાસે આવતા એમાંથી કોઈ પણ દિવસે કોઈ હાજર ન રહે તો સ્વામીજી – એ કેમ નથી આવ્યો, કંઈ વિપત્તિમાં તો નહિ આવ્યો હોય ને! – એમ વિચારીને ચિંતા કરતા. કોઈને કોઈ માધ્યમથી એ ગેરહાજરના ખબરઅંતર મેળવ્યા પછી તેઓ નિશ્ચિંત બનતા.

શિષ્ય સાથે વાર્તાલાપ

સ્વામીજી અલવરમાં લગભગ બે મહિના વિતાવી ચૂક્યા છે અને હવે તેઓ અહીંથી નીકળવાનું વિચારે છે. આ સાંભળીને એમના શિષ્યે (સંભવત: લાલા ગોવિંદ સહાય, વિજયવર્ગીય) ભિક્ષાન્ન માટે પોતાના ઘરે પધારવા આમંત્રણ આપ્યું. સ્વામીજી જ્યારે એમના ઘરે પહોંચ્યા ત્યારે તેઓ સ્નાન કરતા હતા. સ્વામીજી બેસી ગયા પછી શિષ્યે પૂછ્યું: ‘સ્વામીજી, શરીર પર તેલનું માલિશ કરવાથી કોઈ લાભ ખરો?’ સ્વામીજીએ કહ્યું: ‘જરૂર. સારી રીતે છટાંક તેલનું માલિશ કરવાથી પાશેર ઘી ખાવા જેટલો ફાયદો થાય છે.’ 

આજીવિકાની સમસ્યા

ભોજન વગેરે લીધા પછી ભિન્ન ભિન્ન વિષયો પરના વાર્તાલાપ દરમિયાન શિષ્યે પૂછ્યું: ‘સ્વામીજી મહારાજ! આપ કહો છો કે આપણે ચારિત્ર્ય પ્રત્યે વધારે ધ્યાન દેવું જોઈએ – સત્યનિષ્ઠ, નિશ્છલ, પરોપકારી, કર્મઠ અને અસીમ સાહસી બનવું જોઈએ. આ બધું ન થાય તો ગૃહસ્થ સ્વધર્મનું આચરણ કરી શકતો નથી, ચિત્તશુદ્ધિ થતી નથી, નોકરી કરવી એ દાસતા છે, મારો એ અનુભવ છે કે એનાથી આ બધા ભાવ આવતા નથી. એટલે હું વિચારું છું કે આપણે લોકોએ ધનોપાર્જન તો કરવું પડે નહિતર નિષ્કામ કર્મનું અનુષ્ઠાન કેવી રીતે કરીએ? હાલ વ્યવસાયની જે દશા છે એમાં ઘણી સમસ્યા છે. મને એમ લાગે છે કે એમાં સારી એવી મોટી રકમની આવશ્યકતા છે અને વળી એમાં સરળતા પણ નથી રહેતી. એટલે મહારાજ, એવું કયું કામ કરવાથી આ બધુંય બરાબર રાખી શકાય?’ 

સ્વામીજીએ જવાબ આપ્યો: ‘જુઓ, આ વિષય પર મેં પણ ઘણો વિચાર કર્યો છે. પરંતુ મેં જોયું છે કે ચારિત્ર્ય જાળવી રાખીને ધનોપાર્જન કરવામાં લોકોને રુચિ નથી. આ વિષય પર કોઈ વિચાર કરતું નથી, કોઈના મનમાં કોઈ સમસ્યા ઉદ્‌ભવતી નથી. આપણી શિક્ષણપ્રણાલીના દોષને કારણે આવું થયું છે. ગમે તે હોય પણ ઘણું વિચારમંથન કરીને હું તો એમ માનું છું કે ખેતીવાડી જ ઘણી સારી છે. ખેતીવાડીની વાત કરતાં જ મને આવું લાગે છે: તો પછી ભણવાગણવાની શી આવશ્યકતા હતી? ખેતીવાડીની વાત કરતાં જ સર્વપ્રથમ મનમાં થાય છે, તો શું દેશભરના લોકોને આપણે વળી ખેડૂત જ બનાવવા પડશે? સમગ્ર દેશના લોકો તો ખેડૂત છે જ. એટલે તો આપણી આટલી દુર્ગતિ થાય છે. પણ વાત આવી નથી. મહાભારત વાંચી જુઓ, જનક ઋષિ એક હાથે હળ ચલાવી રહ્યા છે અને બીજા હાથે વેદોનું અધ્યયન કરે છે. આપણા દેશના બધા ઋષિઓએ આવું જ કર્યું છે. અને વળી આજકાલ જુઓ, અમેરિકા ખેતીવાડી કરીને જ આટલો મહાન દેશ બન્યો છે. ખાલી ગ્રામ્યબુદ્ધિથી ખેતીવાડી નથી કરવાની, વિદ્વાન-બુદ્ધિમાનની બુદ્ધિથી એ કરવાનું રહેશે. ગામડાના છોકરા બે શબ્દ અંગ્રેજી ભણીને શહેરમાં ભાગી આવે છે. ગામડામાં એમને ઘણી જમીન છે, પરંતુ એનાથી એનું પેટ ભરાતું નથી, મનની તૃપ્તિ નથી થતી. એમને લાગે છે કે શહેરી બનવું પડશે, નોકરી કરવી પડશે. એટલે આપણી હિંદુ જાતિ અન્ય જાતિઓની જેમ સમૃદ્ધ નથી થઈ શકતી. આપણા લોકોમાં મૃત્યુનો દર એટલો વધારે છે કે જો આ રીતે જન્મમૃત્યુ ચાલતાં રહે તો પછી આપણે લોકો મરવાને માર્ગે જ છીએ. આનું કારણ એ છે કે ઉત્પાદન સારી એવી માત્રામાં થતું નથી. શહેરમાં રહેવા માટેનું વલણ વધારે છે અને થોડુંઘણું ભણીગણીને જ ખેડૂતનો છોકરો સ્વધર્મ છોડીને અંગ્રેજોની ગુલામી કરવા દોડી જાય છે. ગ્રામ્ય પરિવેશમાં રહેવાથી ઉંમર વધે છે, રોગ તો લગભગ આવતા જ નથી. ભણેલાગણેલા લોકો ગામડાંમાં નિવાસ કરે તો નાનામોટા ખરાબ ગામડાં સારાં બની જાય. વિજ્ઞાનની સહાયથી ખેતીવાડી કરવાથી ઉત્પાદન વધારે મળે છે. ખેડૂતોની આંખો ઊઘડી જાય છે. એમની પણ થોડીઘણી વૃદ્ધિ થાય છે, ભણવાગણવાની ઇચ્છા થાય છે અને તે પણ થઈ રહે છે. આની આપણા દેશને સૌથી વધુ આવશ્યકતા છે.’ શિષ્યે આગ્રહપૂર્વક પૂછ્યું: ‘એ શું સ્વામીજી?’

સામાજિક સમરસતા

ઉપર્યુક્ત પ્રશ્નના ઉત્તરમાં સ્વામીજી ફરીથી કહેવા લાગ્યા: ‘નાની જાતિઓ અને મોટી જાતિઓની વચ્ચે ભાઈ-ભાઈના ભાવથી એકતા આવે છે. જો તમારી જેમ લોકો થોડું ભણીગણીને ગામડામાં રહીને ખેતીવાડી કરે અને ખેડૂતોની સાથે પોતીકાપણાનો વ્યવહાર કરે, એમની ઘૃણા ન કરે તો તમને જોવા મળશે કે તે લોકો એટલા બધા વશીભૂત થઈ જશે કે તેઓ તમારા માટે પ્રાણ દેવા પણ તૈયાર થશે. આ સમયે જે વસ્તુની આપણને પરમ આવશ્યકતા છે – જનસામાન્યની કેળવણી, નાની જાતિઓમાં ધર્મના ઊંચા ઊંચા ભાવ ભરી દેવા, અરસપરસનો પ્રેમ, સહાનુભૂતિ તથા ભલાઈ કરતાં શીખવું, એ પણ અત્યંત અલ્પપ્રયાસ સાથે શરૂ થાય.’

શિષ્યે વળી કહ્યું: ‘તે કેવી રીતે થાય?’

સ્વામીજીએ કહ્યું: ‘કેમ, જુઓ ને, ગામમાં નાની જાતિઓની સાથે થોડો થોડો હળવામળવાનો સંબંધ, એકતા રચવાથી એ લોકો કેટલા બધા પ્રેમપૂર્વક ભદ્રલોકોનો સંગ કરવા ઇચ્છે છે! જ્ઞાનની પિપાસા બધા મનુષ્યોની ભીતર છે. એટલે તો એક ભદ્ર માણસને પામીને એમને ઘેરી વળીને લોકો બેસી જાય છે અને એની વાતો સાંભળે છે. આ લોકો આ અવસરનો લાભ લઈને જો પોતાના ઘરમાં સંધ્યાને સમયે એમને એકત્ર કરીને વાર્તાલાપના માધ્યમ દ્વારા કેળવણી આપવાનો આરંભ કરે તો રાજનૈતિક આંદોલન કરીને હજારો વર્ષમાં જે નથી કરી શકાતું એનાથી સો ગણું વધારે ફળ કે પરિણામ દસ વર્ષની અંદર જ આવી જશે.’ 

શિષ્યે થોડીવાર વિચાર કરીને પૂછ્યું: ‘તો પછી મહારાજ, આવા લોકોની તો ઘણી જરૂર છે, ખરું ને?’

સ્વામીજીએ કહ્યું: ‘લોકો તો ઘણા છે બસ શિક્ષિત લોકોના મનમાં આ વાત ઘુસાડી દેવી જોઈએ. કેવળ સમાચારપત્રોમાં રાજનૈતિક આંદોલન કે દેકારા કરવાથી કંઈ વળશે નહિ. જે લોકો કેવળ આવા જ આંદોલન કરે છે તેમણે આ બધી વાતો જાણી લેવી જોઈએ. યુવાવર્ગને એ પણ સમજાવી દેવું પડશે; અને એ લોકો આવા કાર્યોમાં લાગી જાય એવી ચિંતા કરવી ન જોઈએ. નહિ તો એક આંદોલનનો સમય થયો તો બેચાર વાતોનું ભાષણ ઝીંકી નાખ્યું. એના પછી જે થવાનું હોય તે થાય, હું તો શાબાશી અને વાહ વાહ લાવ્યો, એનાથી શું કોઈ ઉન્નતિ થાય છે ખરી? ત્યાર પછી એમનામાંથી બે-એક જણને આવા કાર્યનો આરંભ કરીને દેખાડી દેવું જોઈએ. વ્યાવહારિકતાની ઘણી આવશ્યકતા છે. એનો જ આ દેશમાં અભાવ છે. કેવળ આંદોલન જ એને લાવવાનો ઉપાય નથી. લોકો કામ થતું જોઈને કામ કરવાનું શીખે છે. તો શું કેવળ વાતોથી કાર્યો કરવાનું શીખે છે? જે કેવળ વાતોથી કામ કરાવવા ઇચ્છે છે તે તો ગુલામની ઉપર ગુલામ બનાવવા ઇચ્છે છે. જે જેવી કેળવણી આપવા ઇચ્છે છે તેણે એવું જ કાર્ય કરીને બતાવવું જોઈએ, ત્યારે જ લોકો શીખે છે. આ જ જગતનો નિયમ છે. 

શિષ્યે કહ્યું: ‘ઠીક છે મહારાજ, એટલા માટે દેશના લોકો વ્યાખ્યાન સાંભળી સાંભળીને કેવળ વ્યાખ્યાન આપવાનું શીખ્યા છે. એનું કારણ એ છે કે આંદોલનને નામે બસ ભાષણ ઝીંકવાનું અને વર્તમાનપત્રોમાં લખવાનું જ કાર્ય થઈ રહ્યું છે, બીજું કંઈ નહિ.’

શિષ્યે થોડો વિચાર કરીને વળી કહ્યું: ‘મેં વિચારીને જોયું છે કે નોકરી કરીને મેં ઘણું અનુચિત કાર્ય કર્યું છે, ઘણી મોટી ભૂલ કરી છે, આવું વિચારીને વચ્ચે વચ્ચે ઘણાં દુ:ખકષ્ટ થાય છે.’ 

સ્વામીજીએ કહ્યું: ‘જુઓ, જીવનસંગ્રામમાં જે હારી જાય છે તે પાછળ નજર નાખે છે. પાછળ નજર નાખવાથી શું થાય? બસ, સામેની બાજુએ કંઈ દેખાશે નહિ. એટલા માટે નિરંતર સામે જ દૃષ્ટિ રાખવી જોઈએ. જો કોઈથી એક પાપ થઈ ગયું છે તો એના પર જ વિચાર કરી કરીને રોવાથી શું પાપ બરાબર (પુણ્ય) થઈ જશે? તેણે સારાં કાર્યોનું અનુષ્ઠાન કરવું પડશે. હાર તો થાય જ છે, જે હારતો નથી તેને કોઈ શિક્ષણ કે બોધજ્ઞાન મળતાં નથી. અત: હારને જરાય નિષ્ફળ ન ગણીને એમાંથી જેટલાં કેળવણીજ્ઞાન મળતાં હોય તેને લઈને આગળ વધવું જોઈએ. વિચારી-પરખીને સારી રીતે સમજી-જાણીને જે કાર્ય પર એના સારા થવાની શ્રદ્ધા બંધાય એની સિદ્ધિ માટે પ્રાણપણે એ કાર્યમાં લાગી જવું જોઈએ. અને વળી, જો એ કાર્ય કરવાના પ્રારંભમાં જ એકાદ-બે જોરના ધક્કા લાગી જાય તો હાર માનીને પલાયન થઈ જવું એ ઘણી ખોટી વાત છે, એ મહાપાપ છે. અને જો એમાં વારંવાર અસફળતા મળે, સર્વસ્વનો નાશ થાય અને અંતે પ્રાણપણ ચાલ્યા જાય તો પણ એ જ સારું છે. સંકલ્પ કરીને કાર્યમાં પડવું જોઈએ. તો જ કર્મ સિદ્ધ થાય છે. 

બ્રાહ્મણ બાળકના ઉપનયન

અલવરના પ્રવાસ દરમિયાન એક નિર્ધન બ્રાહ્મણ બાળક પણ એમની પાસે આવતો. તે સ્વામીજી પર ગુરુ જેવી શ્રદ્ધા રાખતો અને સ્વામીજીને પણ એના પ્રત્યે ઘણો સ્નેહભાવ હતો. એક દિવસ પૂછપરછ કરતાં સ્વામીજીને જાણવા મળ્યું કે ઉપનયન સંસ્કારની ઉંમર વીતી જવા છતાં પણ એને યજ્ઞોપવીત સંસ્કાર થઈ શક્યા નથી. એના કારણ રૂપે એણે કહ્યું કે જો પેટ ભરવા માટે જ પૂરતું અન્ન ન મળતું હોય તો પછી ઉપનયન સંસ્કાર થાય કેવી રીતે! હવે સ્વામીજીને એની જ ચિંતા થતી રહેતી. જે કોઈ આવતા એને એ બ્રાહ્મણ બાળકની પૂરેપૂરી વાત સંભળાવતા અને કહેતા કે બધા લોકો ફંડ એકઠું કરીને તેને યજ્ઞોપવીત અપાવી દે. એક દિવસ બધા આવી ગયા પછી તેમણે કહ્યું: ‘જુઓ, મારી એક ભિક્ષા-માગણી છે. ગૃહસ્થ હોવાને લીધે આપ સૌ લોકોનું એ વિશેષ કર્તવ્ય છે કે ફંડ એકઠું કરીને આ છોકરાના ઉપનયન સંસ્કાર કરાવી દો. બ્રાહ્મણનો છોકરો, અભણ બનીને ફરે છે એ સારું નથી. જો એને માટે વિદ્યા પ્રાપ્ત કરવાની કોઈ વ્યવસ્થા થઈ જાય તો ઘણું સારું થશે. એ સાંભળીને ભક્તગણ અરસપરસ એને માટે ફંડ એકઠું કરવામાં લાગી ગયા. પરંતુ ત્યાર પછી થોડા દિવસો બાદ સ્વામીજી અલવરથી નીકળી ગયા. આમ હોવા છતાં પણ તેઓ વાત ભૂલ્યા ન હતા અને એક મહિના પછી જ આબુ પર્વત પરથી જ એમણે અલવરના મિત્રોમાંના એક – લાલા ગોવિંદ સહાય (૧૮૬૬-૧૯૨૫) -ને જે પ્રથમ પત્ર લખ્યો એ પત્ર વાંચીને આપણને જાણવા મળે છે કે તેઓ ઉપર્યુક્ત બ્રાહ્મણ બાળકની વાત ભૂલ્યા ન હતા. આ પત્ર આપણે આગળ એટલે હવે પછી ઉદ્ધૃત કરીશું. કોણ કેમ છે, અને કઈ રીતે પાર્થિવ અને આધ્યાત્મિક ઉન્નતિ સાધી રહ્યા છે, વગેરે વિશે સ્વામીજીએ આ પત્રમાં પ્રત્યેકનું નામ દઈને એમના ખબર-અંતર પૂછ્યા હતા. પરંતુ સર્વપ્રથમ એમણે એ નિર્ધન બાળકના ઉપનયન સંસ્કાર થયા કે નહિ એ વિશે પૂછ્યું છે!

અલવરથી પ્રસ્થાન

બીજે દિવસે ૨૮ માર્ચના રોજ સ્વામીજીએ અલવરની વિદાય લીધી. એમના મિત્રોમાંથી મોટા ભાગના ઘણી મુશ્કેલીએ પોતાની આંખનાં આંસું રોકી શક્યા. સ્વામીજી અલવરથી ૧૮ માઈલ દૂર આવેલ પાંડુપોલ નામના સ્થાન તરફ ચાલી નીકળ્યા. સ્વામીજીની ઇચ્છા પગપાળા ચાલવાની હતી પરંતુ ભક્તો અને મિત્રોએ અનુરોધ કર્યો કે સૂર્યના પ્રખરતાપ અને એકાકીપણાથી બચવા માટે એમને માટે ‘રથ’ (માફાવાળું ગાડું)માં બેસીને જવું યોગ્ય રહેશે. સ્વામીજી એ લોકોની વાત ટાળી ન શક્યા. એટલું જ નહિ એ અનુરાગી ભક્તોએ ઓછામાં ઓછું પચાસ-સાઠ માઈલ સુધી એમની સાથે ચાલવાની અનુમતિ પણ માગી.

પાંડુપોલમાં હનુમાનજીનાં દર્શન

છ-સાત કલાકની માફાવાળા ગાડાની યાત્રા પછી તેઓ પાંડુપોલ પહોંચ્યા. અહીં હનુમાનજીનું એક સુપ્રસિદ્ધ મંદિર છે. ત્યાં દર વર્ષે એક મોટો મેળો ભરાય છે. ગામમાં પહોંચતાં જ સ્વામીજી તત્કાળ મંદિર તરફ આગળ વધ્યા. મૂર્તિનાં દર્શન કરતી વખતે એમના મનમાં રામાયણની એ જે કથાઓ પોતાના બાળપણથી જ એમને રોમાંચિત, પુલકિત અને અનુપ્રાણિત કરતી એ કથાઓ જાગ્રત-સજીવ બની ગઈ. થોડીવાર સુધી તેઓ મહાવીરજીની પ્રતિમાની સન્મુખ મૌન બેસીને ધ્યાન કરતા રહ્યા. હનુમાનજીનાં દર્શન કર્યા પછી તે રાતે એ બધા લોકો સાથે એ જ મંદિરના પ્રાંગણમાં વિશ્રામ કર્યો. 

ટાહલાના નિલકંઠ મહાદેવનાં દર્શન

બીજે દિવસે સવારે એ લોકોએ બળદગાડીને પાછી મોકલી દીધી. અને સ્વામીજી સાથે પગપાળા ત્યાંથી સોળ માઈલ દૂર આવેલ ટાહલા ગામ તરફ જવા ઉપડ્યા. આ વન્યપથ ઘણો જ દુર્ગમ હતો. ચોતરફ પર્વતમાળાઓ અને હિંસક પશુઓથી ભર્યું જંગલ આવેલું છે. સ્વામીજી ચાલતાં ચાલતાં ક્યારેક ક્યારેક સુમધુર ભજનો ગાતા તો ક્યારેક ક્યારેક રસપૂર્ણ વાતો કરતાં કરતાં બધાની સાથે ઉચ્ચ હાસ્યના વનમાં પડઘા પાડતા. 

વચ્ચે વચ્ચે આ ટોળી કોઈ ઝરણાને કિનારે કે વળી કોઈ વિશાળ વૃક્ષની નીચે ઉતારો કરીને વિશ્રામ લેતી કે ઊંડા ધ્યાનમાં ડૂબી જતી. આ રીતે આ બધા લોકોએ આ સોળ માઈલનો રસ્તો ઘણા આનંદપૂર્વક વટાવ્યો ને ટાહલા પહોંચ્યા.

ટાહલામાં નિલકંઠ મહાદેવના મંદિરમાં દર્શન આદિ કર્યા પછી એ લોકોએ મંદિરની પાસે જ રાત ગાળી. આ વિશ્રામ દરમિયાન સ્વામીજીએ એમને દેવાસુર સંગ્રામ, સમુદ્રમંથન, વિષની ઉત્પત્તિ, વિષપાન કરીને મહાદેવને મૃત્યુંજય નામ મળવું વગેરે કથાઓની એક નવી જ વ્યાખ્યા સંભળાવી. નીલકંઠ મહાદેવ વિશે પ્રચલિત કથા આવી છે: 

એકવાર દેવતાઓનો મહિમા ધુંધળો થવા લાગ્યો. તેઓ એ મહિમાની પુન:સ્થાપનાનો ઉપાય પૂછવા ભગવાન વિષ્ણુ પાસે ગયા. વિષ્ણુએ દેવતાઓને સમુદ્રમંથન કરવાની સલાહ આપી. એને માટે મેરુપર્વતની રવાઈ, શેષનાગનું નોતરું અને ભગવાન કચ્છપ (કાચબા)ને આધાર બનાવવાનું કહ્યું. દેવતાઓએ શેષનાગની પૂંછડી અને અસુરોએ એનું શિર પકડ્યું અને મેરુ પર્વત સાથે લપેટીને તેને કચ્છપની પીઠ પર રાખીને સમુદ્રમંથન શરૂ કર્યું. થોડીવાર પછી એ મંથનથી અનેક અદ્‌ભુત વસ્તુઓ નીકળવા લાગી. એમાં ભવ્ય ઐરાવત હાથી, સુંદર રથ, વિશાળ ઘોડા, એક સુંદર નારી, એક અમૂલ્ય રત્ન હતાં. દેવતાઓ અને અસુરોમાંથી જેમને જે કંઈ હાથમાં આવ્યું એના પર પોતાનો અધિકાર જમાવવા માંડ્યા. ત્યાર પછી એકાએક સમુદ્રમાંથી કાળારંગનું હળાહળ વિષ નીકળ્યું. એની ગંધથી જ બધા જીવોના પ્રાણ નીકળવા માંડ્યા. આ હળાહળ વિષથી કેવી રીતે છૂટકારો કરવો અને પોતાના પ્રાણની રક્ષા કેવી રીતે કરવી એ સમસ્યા દેવતાઓ અને અસુરો એ બંનેની સમક્ષ ઊભી થઈ. દેવતાઓ તો ભાગીને ભગવાન વિષ્ણુ પાસે ગયા. તેમણે કહ્યું કે આ સંકટમાંથી કેવળ મહાદેવ શિવ જ એમની રક્ષા કરી શકે.

અત્યાર સુધી સમુદ્રમાંથી નીકળનારી ભોગ્ય વસ્તુઓથી પૂર્ણત: ઉદાસીન બનીને મહાદેવ કૈલાસ પર્વત પર ધ્યાનમાં ડૂબ્યા હતા. સહાયતાનો પોકાર સાંભળીને એમનું ધ્યાન તૂટ્યું અને તેઓ ઊઠીને સમુદ્ર પાસે આવ્યા. એમણે દેવતાઓને શાંત કર્યા અને વિષ ગ્રહણ કરવા પોતાની અંજલી આગળ ધરી. ઘણા આશ્ચર્યની વાત તો એ છે કે એ બધું વિષ એમની અંજલીમાં એકઠું થઈ ગયું. અંજલીને એમણે પોતાની મોંએ લગાવી. અસુરોએ વિચાર્યું કે મહાદેવનું તત્કાળ મૃત્યુ થશે. શિવજીએ બધા જીવોની રક્ષા માટે પોતાનું જીવન હોડમાં મૂકીને બધું ઝેર ગટગટાવી ગયા. જે વિષ દેવતાઓ, અસુરો અને વિશ્વ કે બ્રહ્માંડના બીજા બધા જીવોનો નાશ કરી શકે તેમ હતું એ વિષે મહાદેવના ગૌરકંઠ પર એક આકાશી રંગનું ચિહ્‌ન રાખી દીધું. પરંતુ એ ચિહ્‌ન પણ એમને માટે એક આભૂષણ બની ગયું. એને કારણે જ મહાદેવ શિવને ‘નીલકંઠ’ એવું નામ મળ્યું. અને એટલે જ એમને ‘મૃત્યુંજય’ એવું નામ મળ્યું.

સ્વામીજીએ આ કથાનું તાત્પર્ય બતાવતાં કહ્યું: ‘અહીં સમુદ્રનો અર્થ છે માયારૂપી સમુદ્ર. રૂપ-રસ-ગંધ વગેરેથી બનેલ આ વૈચિત્ર્યમય જગત માયાની રચના છે. આ બ્રહ્માંડમાં રહેનારા બધા જીવો જાણે કે જીવનરૂપી સમુદ્રનું મંથન કરે છે. એનાથી એમને ઇન્દ્રિયોને ગમતી ભોગ્ય વસ્તુઓના રૂપે અસંખ્ય રત્ન મળે છે. પરંતુ તરત જ એમની સમક્ષ મૃત્યુ રૂપી વિષ પણ પ્રગટ થાય છે. પણ ભૂમાનંદમાં ડૂબેલા સંન્યાસીઓ આ વિષયોથી સૌથી વધુ દૂર રહે છે. માયાના કોઈ પણ પ્રકારના મોહક ઉપહારની તેઓ કામના કરતા નથી. ઊલટાનું તેઓ દેવાધિદેવ મહાદેવની જેમ જ ઈંદ્રિયભોગપરાયણ જીવોની મૃત્યુ આદિ અવસ્થાઓમાં એમને સહાયતા કરે છે. તેમજ એમના ઉદ્ધાર માટે પોતાના પ્રાણોને પણ ત્યજી દે છે. તેઓ (સંન્યાસીઓ) માયાનો વિનાશ કરીને મૃત્યુના મુખમાંથી જગતની રક્ષા કરે છે અને બધાને એ બતાવી દે છે કે માયાજયીલોકો મૃત્યુને પણ જીતી લે છે.’ આટલું કહ્યા પછી સ્વામીજી થોડા સમય માટે દેવાધિદેવ મહાદેવની મૂર્તિની સન્મુખ ધ્યાનમગ્ન થઈ ગયા. 

નારાયણી દેવીનાં દર્શન તથા બસવા

બીજા દિવસની પ્રભાતે વળી યાત્રા શરૂ થઈ અને યથાસમયે તેઓ ૧૮ માઈલ દૂર આવેલ ‘નારાયણી’ નામના એક દેવીના સ્થાન પર આવી પહોંચ્યા. અહીં દર વર્ષે એક વિશેષ દિવસે એક મોટો મેળો ભરાય છે. આ મેળામાં રાજપુતાનાના દૂરસુદૂરના લોકો ભાગ લેવા આવે છે અને આ જાગ્રત દેવીની પૂજા પણ કરે છે. એ રાત ત્યાં ગાળી અને ત્યાર પછી બીજે દિવસે પ્રાત:કાળે સ્વામીજીએ અલવરથી આવેલા પોતાના બધા મિત્રોની વિદાય લીધી અને એકલા જ સોળ માઈલનો રસ્તો પાર કરીને બસવા નામના રેલ્વે સ્ટેશને આવ્યા.

બસવાથી જયપુર તરફ

બસવાથી જયપુર સુધીનો ૬૩ માઈલનો રસ્તો પાર કરવા માટે તેઓ આગગાડીમાં બેઠા. થોડે દૂર આવેલ બાંદીકુઈ નામના સ્ટેશને એમના અલવરના એક પૂર્વપરિચિત ભક્ત એમની રાહ જોતા હતા. તેઓ પણ સ્વામીજીની સાથે જયપુર જવા ગાડીના એ જ ડબ્બામાં બેઠા. ગાડી જયપુર તરફ જવા ઊપડી.

(ક્રમશ:)

Total Views: 58

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.