અહીં આપણે ભારતમાં શાની જરૂર છે? જો પરદેશીઓને એ બાબતોની જરૂર છે તો આપણને વીસગણી જરૂર છે. કારણ કે ઉપનિષદોની મહત્તા છતાં, આપણે ઋષિઓના વંશજો તરીકેની બડાઈ મારતા હોવા છતાં, બીજી ઘણી પ્રજાઓની સરખામણીમાં, મારે તમને કહેવું જોઈએ કે આપણે દુર્બળ છીએ, અતિ દુર્બળ છીએ. સૌથી પહેલી આવે આપણી શારીરિક દુર્બળતા. ઓછામાં ઓછાં આપણાં એક તૃતીયાંશ દુ:ખોનું મૂળ આપણી શારીરિક નબળાઈ છે. આપણે આળસુ છીએ; આપણે કામ કરી શકતા નથી; આપણે સંગઠન સાધી શકતા નથી, આપણને એકબીજા પ્રત્યે પ્રેમ નથી; આપણે અતિશય સ્વાર્થી છીએ; આપણામાં ત્રણ જણ જરા પણ એકબીજાનો દ્વેષ કર્યા વિના કે એકબીજાને ધિક્કાર્યા વિના ભેગા થઈ શકતા નથી. એનું કારણ શું? શારીરિક નબળાઈ. આ જાતનું નબળું મગજ કાંઈ પણ કરવાને શક્તિમાન થતું નથી. આપણે તેને મજબૂત બનાવવું જોઈએ. સૌ પહેલાં આપણા નવયુવકો તાકાતવાન બનવા જોઈએ; ધર્મ પાછળથી આવશે. મારા યુવક મિત્રો! સુદૃઢ બનો; મારી તમને એ સલાહ છે. ગીતાના અભ્યાસ કરતાં ફૂટબોલ રમવાથી સ્વર્ગની વધુ નજીક જશો. આ શબ્દો આકરા છે, પણ મારે તમને તે સંભળાવવા પડે છે, કારણ કે હું તમને ચાહું છું. પગરખું ક્યાં ડંખે છે એ મને ખબર છે. મેં થોડોએક અનુભવ લીધો છે. તમારાં બાવડાં અને સ્નાયુઓ જરા વધુ મજબૂત હશે તો તમે ગીતા વધુ સારી રીતે સમજી શકશો. તમારામાં જરા તાકાતવાળું લોહી હશે તો શ્રીકૃષ્ણની શક્તિશાળી પ્રતિભા અને મહાન સામર્થ્ય વધુ સારી રીતે સમજી શકશો. જ્યારે તમારું શરીર તમારા પગ ઉપર ટટ્ટાર ઊભું રહેશે અને તમને લાગશે કે તમે માણસ છો, ત્યારે ઉપનિષદો અને આત્માનો મહિમા વધુ સારી રીતે સમજશો. આપણી જરૂરિયાતોનો વિચાર કરી આપણે કામે લાગવાનું છે.

કારણ એ જ છે કે તમારું લોહી લોહી નથી પણ કેવળ પાણી છે, તમારાં મગજોમાં કાદવ ભર્યો છે, તમારાં શરીરો સાવ મુડદાલ છે! તમારે એ શરીરને બદલી નાખવું જોઈએ. શારીરિક દુર્બળતા જ એનું કારણ છે, બીજું કાંઈ નહીં. છેલ્લાં સો વરસથી સુધારાની, આદર્શોની અને એવી ઘણી બધી બાબતોની તમે વાતો કરતા આવ્યા છો; પણ જ્યારે પ્રત્યક્ષ કામ કરી બતાવવાનો વખત આવે છે ત્યારે તમારો ક્યાંય પત્તો જ લાગતો નથી. પરિણામે આખી દુનિયાને તમારા પ્રત્યે તુચ્છ ભાવ આવી ગયો છે, અને સુધારાનું નામ પણ હાંસીને પાત્ર થઈ પડ્યું છે! એનું કારણ શું? તમે એ કંઈ નથી જાણતા? તમે બહુ સારી રીતે જાણો છો. એનું એક જ કારણ છે કે તમે દુર્બળ છો, દુર્બળ છો, દુર્બળ છો! તમારું શરીર દુર્બળ છે, તમારું મન દુર્બળ છે, તમને તમારી જાતમાં શ્રદ્ધા નથી.

ઘણી વાર લોકો મારા અદ્વૈતવાદના પ્રચારથી કંટાળી જાય છે. મારો હેતુ દુનિયામાં અદ્વૈતવાદ કે દ્વૈતવાદ કે અન્ય કોઈ વાદનો પ્રચાર કરવાનો નથી. આજે આપણે માટે જે એક વાદની આવશ્યક્તા છે તે આ આત્માની અદ્‌ભુત ભાવનાની, તેની શાશ્વત શક્તિની, તેના શાશ્વત સામર્થ્યની, તેની શાશ્વત પવિત્રતાની અને તેની શાશ્વત પૂર્ણતાની છે. જો મારે એક બાળક હોત તો જન્મથી જ હું તેને કહેવા માંડત કે ‘તું શુદ્ધ છો.’ આપણા એક પુરાણમાં રાણી મદાલસાની સુંદર કથા છે. તેમાં તમે વાંચ્યું હશે કે રાણી મદાલસાને પોતાને બાળક જન્મતાં જ એણે એને પોતાને હાથે પારણામાં સુવડાવ્યું, અને પારણું ઝુલાવતાં હાલરડું ગાવા લાગી કે ‘તું શુદ્ધ છો, તું પવિત્ર છો, તું નિરંજન છો, તું જ્ઞાનમય છો, તું મહાન છો, તું શક્તિમાન છો.’ આ વાતમાં ઘણું તથ્ય સમાયેલું છે. તમે મહાન છો એવી ભાવના કરવા લાગો એટલે તમે જરૂર મહાન થશો.

(‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા સંચયન’ પૃ.૫૪-૫૫)

Total Views: 56

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.