એક વાર નારદે જગન્નિયંતાને આજીજી કરી કહ્યું, ‘પ્રભુ, મને આપની માયાનું દર્શન કરાવો. કેવી તો એ અશક્યને શક્ય બનાવી દે છે!’ ભગવાને હામાં મસ્તક ધુણાવ્યું. થોડા દિવસ પછી નારદની સાથે પ્રભુ વિહાર કરવા નીકળ્યા. કેટલેક ગયા પછી એમને તરસ લાગી અને પોતે બેસી ગયા અને નારદને કહ્યું, ‘નારદ, મને તરસ લાગી છે. ગમે ત્યાંથી થોડું પાણી લઈ આવો.’ પાણીની શોધમાં નારદે દોટ મૂકી.

નજીકમાં ક્યાંય પાણી નહીં ભાળીએ ત્યાંથી થોડા આઘે ગયા અને દૂર દૂર એમને નદી દેખાણી. એ નદી પાસે ગયા ત્યારે, એમણે ત્યાં એક અતિ સુંદર યુવતીને બેઠેલી ભાળી અને એના રૂપમાં એ મોહી પડ્યા. નારદ એની પાસે આવ્યા ત્યારે નારદને એ મીઠાં વેણથી બોલાવવા લાગી અને, થોડી જ વારમાં, બંને એકબીજાના પ્રેમમાં પડ્યા. પછી નારદ એને પરણ્યા બંને ઘર માંડીને રહ્યા. સમય જતાં એમને કેટલાંક બાળકો થયાં. આમ એ પોતાનાં સ્ત્રી બાળકો સાથે આનંદથી રહેતા હતા તેવામાં દેશમાં કોઈ મહામારી ફાટી નીકળી. દરેક ઘરમાંથી યમરાજ પોતાનો લાગો લેવા મંડ્યા. નારદે કહ્યું, ‘ચાલો આપણે અહીંથી નીકળી બીજે જઈ વસીએ.’ એની પત્નીએ એ વાત સ્વીકારી અને બંને, ઘર છોડી, બાળકોને આંગળીએ વળગાડી ચાલવા લાગ્યાં. પણ નદી ઓળંગવા માટે જેવાં એ પૂલ પાસે આવ્યાં તેવું જ નદીમાં ઘોડાપૂર આવ્યું અને એમનાં બધાં બાળકો, એક પછી એક, તણાઈ ગયાં. આખરે એમની પત્ની પણ ડૂબી ગઈ. શોકથી વિહવળ થઈ જઈ. નારદ નદીકાંઠે જ બેસી પોકે-પોક રડવા લાગ્યા. બરાબર તે જ સમયે ભગવાન ત્યાં આવ્યા અને કહેવા લાગ્યા, ‘અરે નારદ, પાણી ક્યાં? તે તમે શું કામ રડો છો?’ ભગવાનને જોઈ નારદ ચમકી ગયા ને પછી એ બધું સમજી ગયા. પછી એ પોકારી ઊઠ્યા, ‘પ્રભો, આપને મારા પ્રણામને આપની માયાને પણ મારા પ્રણામ!’

Total Views: 48

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.