કમલા તેર વર્ષની હતી. ગંગાકિનારે તે પોતાના પિતા સાથે એક ગામમાં રહેતી હતી. તેને થોડી ગાયો હતી અને ઘણું દૂધ આપતી હતી.

સવારે કમલા વહેલી ઊઠતી અને તેના પિતા ગાયો દોહી લેતા કે તરત તે આજુબાજુના ઘરોમાં વેચી આવતી. ઘરે આવીને ઘરમાં વાળતી અને સાદું ભોજન રાંધી લેતી. 

કમલા સખત કામ કરતી અને સદાય આનંદમાં રહેતી. કામ કરતાં કરતાં તેને ગાવાનો શોખ હતો. હરિનાં ગીતો એને સૌથી વધુ પસંદ હતાં.

તેના પિતા કહેતા, ‘કમલા ગાતી હોય ત્યારે હરિ જાણે અમારા ઘરમાં જ હોય એવું લાગે છે.’

કમલાના ઘરની નજીક ગંગા કિનારે એક હોડીવાળો રહેતો હતો. જ્યારે કોઈને ગંગાને સામે પાર જવાનું હોય ત્યારે આ હોડીવાળાને જ સામે પાર લઈ જવાનું કહેતા. 

હોડીવાળો દરરોજ નદીના બંને કિનારે આવજા કરતો. ક્યારેક કમલા અને તેના પિતાને નદીના સામા કિનારે રહેતા લોકો વિશે કહેતો.

એક દિવસ હોડીવાળાએ કહ્યું, ‘નદીના સામે કાંઠે એક પંડિત રહે છે અને એને સવારે થોડું દૂધ જોઈએ છે. એણે મને તમને આ અંગે પૂછી જોવા કહેલ છે.’

કમલાના પિતાએ કહ્યું, ‘હું દૂધ તો આપું પણ કમલા પંડિતને દૂધ કેવી રીતે પહોંચાડે? તેણે વચ્ચે નદી ઓળંગવી પડે.’

હોડીવાળો બોલ્યો, ‘એમાં મુશ્કેલી નથી. હું કમલાને દરરોજ મારી હોડીમાં નદીને પેલે પાર લઈ જઈશ.’

બીજા દિવસે વહેલી સવારે કમલા પંડિત માટે દૂધ લઈને નીકળી અને હોડીવાળો એને સામે પાર લઈ ગયો. 

પંડિત તો ખુશ થઈ ગયા.

તેણે પૂછ્યું, ‘તું દરરોજ સવારે મારા માટે દૂધ લાવીશ ને, બેટા?’

કમલાએ કહ્યું, ‘હા, પંડિતજી, હું દરરોજ લાવીશ.’

પંડિતે કહ્યું, ‘જો બેટા, આ જ સમયે લાવજે, મોડું ન કરતી. મોડું થશે તો મારો દિવસ બગડશે.’

કમલાએ કહ્યું, ‘ના, ના પંડિતજી, હું મોડું નહિ કરું.’

પંડિતે કહ્યું, ‘દર શુક્રવારે તને પૈસા આપી દઈશ.’

કમલાએ કહ્યું, ‘ભલે, પંડિતજી.’

દરરોજ સવારે કમલા હોડીવાળાની હોડીમાં નદી પાર કરતી અને પંડિતને દૂધ આપી આવતી. હોડીમાં બેસીને હરિનાં ગીત ગાતી. કમલા દરરોજ પંડિતના ઘરે સમયે જ પહોંચી જતી, તેને ક્યારેય મોડું ન થતું.

આમ સમય પસાર થયો. હોડીવાળો એટલો થાકી જતો કે તેને વહેલી સવારે ઊઠવામાં મુશ્કેલી પડતી. તે મોડો પડવા લાગ્યો. કમલાને ગંગા કિનારે એની રાહ જોવી પડતી.

દૂધ મોડું આવતાં પંડિત તેના પર ગુસ્સે થયા.

પંડિતે કહ્યું, ‘આવું નહિ ચાલે, તારે દૂધ સમયે જ પહોંચાડવું પડશે.’

કમલાએ હોડીવાળાને વધારે વહેલું ઊઠવા કહ્યું પણ તે ઊઠી ન શકતો.

બીજે દિવસે પંડિતજી બરાડી ઊઠ્યા, ‘ફરી પાછી કેમ મોડી પડી?’

કમલાએ કહ્યું, ‘પંડિતજી, આમાં હું શું કરું? મારે તો હોડીમાં આવવું પડે છે અને હોડીવાળો જ મોડો પડે છે.’

પંડિતજી ગરજી ઊઠ્યા, ‘હોડીવાળો ફોડીવાળો ન ચાલે. તારે મારું દૂધ સમયે જ લાવવું પડશે.’

દુ:ખી હૃદયે કમલા ઘરે આવી. શુક્રવાર થયો અને બપોર પછી પંડિતજી પાસે દૂધના પૈસા લેવા હોડીમાં પંડિતજીના ઘરે જવાનું હતું.

તે દિવસે પંડિતજીના ઘરે ઘણા લોકો એકઠા થયા હતા. તેઓ તેની પરસાળમાં બેઠા હતા અને પંડિતજી ધાર્મિક ગ્રંથ વાંચતા હતા.

ધર્મગ્રંથમાં કહેવામાં આવ્યું હતું કે જન્મથી મૃત્યુ સુધીનું જીવન એટલે સાગર પાર થવું.

પંડિતજીએ કહ્યું, ‘સાગરથી ડરવાની જરૂર નથી. જો જતાં જતાં હરિનામ લેશો તો સરળતાથી સાગર પાર પહોંચી જશો’

બરાબર એ જ પળે કમલા પંડિતજીના ઘરે પહોંચી. સાગર પાર કરવા પંડિતજીએ કહેલી વાત તેણે સાંભળી.

કમલા મનોમન બોલી, ‘હું જેની ચિંતા કરું છું એ સાગર નથી, મારે તો આ નદી જ પાર કરવાની છે, એ જ મારી સમસ્યા છે. મને આશા છે કે કાલે હોડીવાળો મોડો નહિ પડે.’

બીજે દિવસે સવારે કમલા નદીના કિનારે રાહ જોતી ઊભી હતી. હોડીવાળો આજે ય મોડો હતો. કમલા બેચેન બની ગઈ અને રડવા લાગી.

નદી કાંઠે એકલી ઊભી રહીને રડતાં રડતાં બોલી, ‘ફરીથી દૂધ મોડું થશે, પંડિતજી ગુસ્સે થઈને બરાડશે, પણ હવે મારે શું કરવું? માત્ર હરિ જ સહાય કરી શકે.’

એ જ સમયે પંડિતજીનાં વચનો એને યાદ આવ્યાં.

પંડિતજી કહેતા હતા, ‘સાગરમાં જતાં જો હરિનામ લેશો તો સરળતાથી સાગર પાર કરી શકશો.’

કમલા બોલી ઊઠી, ‘અરે, આ વિચાર મને પહેલાં કેમ ન આવ્યો? હું કેવી મુરખ છું! જે સાગર પાર જઈ શકે તે આ નાની નદી તો પાર કરી જ શકે. જતાં જતાં હું હરિનામ લઈશ તો જરૂર નદીને પેલે પાર પહોંચી જઈશ.’

કમલાએ દૂધની મટુકી માથે મૂકી. માત્ર હરિનામ જપતાં જપતાં તેણે નદીમાં પગ મૂક્યો. તે ડૂબી ન ગઈ. જાણે જમીન પર ચાલતી હોય તેમ નદીના પાણી ઉપર ચાલવા લાગી. 

‘હરિ, હરિ, હરિ’ એમ જાપ જપાતો જતો હતો.

હરિનામ જપતાં જપતાં તે ચાલતી રહી અને નદી પાર કરીને પંડિતજીના ઘરે પહોંચી.

પંડિતજી બોલી ઊઠ્યા, ‘અરે, તું તો આજ સમયે જ આવી ગઈ. શું હોડીવાળો વહેલો ઊઠ્યો કે?’

કમલાએ કહ્યું, ‘ના, પંડિતજી, હોડીવાળો તો આજે ય મોડો હતો એટલે મેં એની રાહ ન જોઈ.’

પંડિતજીની મૂંઝવણનો પાર ન રહ્યો.

તેણે પૂછ્યું, ‘તેં શું હોડીવાળાની રાહ ન જોઈ? તો પછી તુ અહીં કેવી રીતે આવી શકી?’

કમલા બોલી, ‘કેમ, પંડિતજી, હું તમારા ચીંધેલા માર્ગે આવી. એ તો વધારે સારો રસ્તો. પંડિતજી તમે મને રોજ ઠપકો આપતા પણ આ વાત પહેલાં કેમ ન કરી?’

પંડિતજી બોલી ઊઠ્યા, ‘છોકરી, તું શેની વાત કરે છે? ‘મારો ચીંધેલો’ માર્ગ વળી કયો? તું શું કહેવા માગે છે?’

કમલાએ કહ્યું, ‘કેમ વળી, પંડિતજી, ગઈ કાલે જ તમને સાગર પાર કેમ કરાય તે વિશે લોકોને કહેતાં સાંભળ્યા હતા. તમે કહ્યું હતું, ‘જતાં જતાં હરિનામ લેજો.’ જો સાગર પાર કરવાનો એ ઉપાય હોય તો એ જ ઉપાય છે નદી પાર કરવાનો ખરું ને? તમને આ વાતનો ખ્યાલ હતો અને તમે મને એ વાત ક્યારે ય ન કહી!’

પંડિતજી તો કમલા તરફ આશ્ચર્ય સાથે જોઈ જ રહ્યા.

પંડિતજી બોલ્યા, ‘તું એમ કહેવા માગે છે કે તું એ રીતે ગંગા પાર કરીને આવી, એમ ને?’

કમલાએ જવાબ આપ્યો, ‘હા, એ મુશ્કેલ નથી, ખરું ને? તે કેટલું સરળ છે એ જાણવું જોઈએ. હવે હું રોજ તમારું દૂધ સમયે જ લાવીશ અને મને એ વાતનો ઘણો આનંદ છે.’

પંડિતજી તો હજી અનિમેષ નેત્રે કમલા તરફ જોઈ રહ્યા. એની વાત સાચી માનવી કે કેમ એ નક્કી ન કરી શક્યા!

‘બેટા, તું મારી સાથે આવ.’ એમ કહીને પંડિતજી કમલાને નદી કાંઠે લઈ ગયા.

પંડિતજીએ કહ્યું, ‘બેટા, હવે તું ઘરે જા. તું નદી પાર કેવી રીતે જાય છે એ હું પણ જોઉં.’

કમલાએ કહ્યું, ‘પંડિતજી, તમે નહિ આવો? મારા પિતાને તમારો આભાર માનવો ગમશે.’

પંડિતે કહ્યું, ‘અરે, એમ છે? સારું, તું પહેલાં જા. હું પાછળ આવું છું.’

કમલાએ કહ્યું, ‘ના, પંડિતજી, એમ કેમ બને? તમારે જ પહેલાં જવું જોઈએ.’

પંડિતજી ના ન પાડી શક્યા. એ તો પાણીની સપાટી પાસે ઊભા અને હરિનામ લેવા માંડ્યા. અને એમણે પાણી પર એક ડગલું માંડ્યું.

એમણે ડગલું માંડ્યું ને એમને યાદ આવ્યું કે એમનું ધોતિયું લાંબું છે અને પલળી જશે. તેથી તેને ઝડપથી ઊંચે લીધું, ક્ષણવાર એમના પગ પાણી પર ન રહ્યા, તે ડૂબ્યા અને ડૂબકાં ખાવા લાગ્યા. કમલા બોલી ‘હરિ, હરિ, હરિ’.

હરિનામનો અવિરત જાપ કરતી કમલા તો ઊભી રહી પાણીના પ્રવાહ પર અને પંડિતજીનો હાથ પકડ્યો. તેણે પંડિતને નદીકાંઠે પાછા લાવવા સહાય કરી.

તેણે કહ્યું, ‘તમે પલળી ગયા એ માટે હું ક્ષમા માગું છું, પંડિતજી. તમે તો તમારા ધોતિયાની ચિંતા કરતા હતા, ખરું ને?’

પંડિતે કહ્યું, ‘કમલા, મારી દીકરી, તારા પર પ્રભુની કૃપા થઈ છે કારણ કે તારામાં પૂર્ણ શ્રદ્ધા-ભક્તિ છે. બેટા, હવે જા. તારા પિતા પાસે તું જા. દીકરી, તું આ નદી પાર કરી શકીશ અને તારો જીવનસાગર પણ પાર કરીશ કારણ કે જતાં જતાં તેં હરિનામ લેવાનું શીખી લીધું છે.’

Total Views: 70

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.