ઘણીવાર હું રમૂજમાં કહું છું કે એવું લાગે છે કે જાણે આપણું આ શિક્ષણ મનુષ્ય નિર્માણકારી નથી પણ રાક્ષસ નિર્માણકારી છે! ભર્તૃહરિ ‘નીતિશતક’ના શ્લોક ૭૫માં કહે છે :

एते सत्पुरुषाः परार्थघटका: स्वार्थान्परित्यज्य ये
सामान्यास्तु परार्थमुद्यमभृतः स्वार्थाविरोधेन ये ।
तेऽमी मानुषराक्षसाः परहितं स्वार्थाय निघ्नन्ति ये
ये निघ्नन्ति निरर्थकं परहितं ते के न जानीमहे ॥

સમાજમાં ચાર પ્રકારના મનુષ્યો છે. તેમાં પ્રથમ છે, સત્પુરુષ. જેઓ નિ:સ્વાર્થ ભાવે બીજાની સેવા કરે છે. બીજા છે, સામાન્ય મનુષ્યો, જેઓ પહેલાં પોતાનું સારું કરે અને પછી બીજાનું. ત્રીજા પ્રકારના છે માનુષરાક્ષસા: રાક્ષસ જેવા લોકો. જેઓ દેખાય છે તો મનુષ્ય જેવા પણ તેમની વૃત્તિ રાક્ષસ જેવી છે. તેઓ પોતાના સ્વાર્થ માટે બીજાઓનું નુકસાન કરવા તત્પર હોય છે. આજે આપણા સમાજમાં આવા પ્રકારના લોકો વધારે પ્રમાણમાં જોવા મળે છે. દા.ત. એક એન્જિનિયર લાંચ રૂશ્વત લઈને કોઈ ડેમ, પુલ કે મકાનના બાંધકામમાં કોન્ટ્રાકટરને સિમેન્ટમાં વધારે રેતી ભેળવવાની છૂટ આપી દે છે. આમ કરવાથી તે એન્જિનિયરનો સ્વાર્થ સધાય છે, તેને ઘણાં પૈસા મળે છે. પણ જ્યારે વરસાદ આવે છે, ત્યારે ડેમ તૂટી પડે છે, પુલ ભાંગી જાય છે હજારો લોકો ઘરવિહોણા બની જાય છે, પણ એન્જિનિયર ખુશ થાય છે, કેમકે એનો બંગલો બની ગયો હોય છે! તેના સ્વાર્થીપણાએ ઘણાંની જિંદગી બરબાદ કરી અને રાષ્ટ્રની કિંમતી સંપત્તિનો વિનાશ કર્યો. એવી જ રીતે કેટલાક ડોક્ટરોને પણ દરદીને સાજા કરવામાં રસ હોતો નથી, પણ તેમને ફક્ત પૈસા કમાવવામાં જ રસ હોય છે!

હવે પછી ચોથા પ્રકારના લોકો એવા છે, ભર્તૃહરિ કહે છે કે તેમના માટે મારી પાસે કોઈ નામ નથી કેમકે તેઓ રાક્ષસથી પણ અધમ છે. તેઓ એવા છે કે પોતાને કંઈ પણ લાભ થતો ન હોય તો પણ બીજાનું નુકસાન કરતા હોય છે. ભર્તૃહરિએ માત્ર ચાર પ્રકારના મનુષ્યોની જ વાત કરી છે. હવે આપણે આમાં એક વધારે પ્રકારનો ઉમેરો કરી શકીએ, તેઓ એવા પ્રકારના લોકો છે, કે જેઓ બીજાને નુકસાન કરવામાં એટલો બધો આનંદ મેળવે છે કે પોતાનું નુકસાન કરીને પણ બીજાનું અહિત કરે છે. દા.ત. અત્યારના આતંકવાદીઓ. અત્યારના સમયમાં ત્રીજા, ચોથા અને પાંચમા પ્રકારના લોકો જોવા મળે છે. બીજા પ્રકારના લોકો ઘણા ઓછા છે. પ્રથમ પ્રકારના તો ભાગ્યે જ જોવા મળે છે. તેથી જ સ્વામી વિવેકાનંદની મનુષ્યનિર્માણકારી શિક્ષણ અંગેની વિભાવનાના અમલીકરણની અત્યારે ખૂબ જ જરૂર છે.

આજે રાષ્ટ્રમાં પ્રવર્તતી કટોકટી એ વાસ્તવમાં તો ચારિત્ર્યની જ કટોકટી છે. ૧૬મી એપ્રિલ ૨૦૦૪ના રોજ હું રાષ્ટ્રપતિ ભવનમાં આપણા માનનીય રાષ્ટ્રપતિને મળવા ગયો હતો. ત્યારે મેં તેમને કહ્યું કે ‘આપ વિશ્વબેંકમાંથી ગમે તેટલી આર્થિક સહાય લઈ આવશો તો પણ વ્યાપક ભ્રષ્ટાચારને લઈને ભારતની ગરીબી દૂર નહીં થાય.’ મારી આ વાત સાથે તેઓ પણ સંમત હતા અને તેમણે મને પૂછ્યું : એનો ઉપાય શો છે? મેં તેમને જણાવ્યું કે સ્વામી વિવેકાનંદના મનુષ્ય નિર્માણકારી અને ચારિત્ર્ય ઘડતર કરનારાં શિક્ષણનો અમલ કરવો એ જ એક માત્ર ઉપાય છે.’ પછી મેં એમને વિદ્યાર્થીઓના વિકાસમાં તીવ્ર રસ દાખવવા બદલ તેઓશ્રીને અભિનંદન પાઠવ્યા અને મૂલ્યનિષ્ઠ શિક્ષણ અંગેના રામકૃષ્ણ મિશનના પ્રોજેકટ વિષે જણાવ્યું. એ વિષે જાણીને તેઓ ખૂબ પ્રસન્ન થયા અને કહ્યું : ‘સ્વામીજી, આપણે સાથે મળીને આ કાર્ય કરીએ.’

ચારિત્ર્યનો વિકાસ કેવી રીતે કરવો?

એક કહેવત છે, વિચાર વાવો અને કાર્ય લણો, કાર્ય વાવો અને ટેવ લણો. ટેવ વાવો અને ચારિત્ર્ય લણો. સ્વામી વિવેકાનંદના મત પ્રમાણે ચારિત્ર્ય એટલે બીજું કંઈ નહીં પરંતુ વારંવાર કાર્યમાં પરિણમતી ટેવોનો સમૂહ. તે સંસ્કારો અને ભૂતકાળના પ્રભાવોમાંથી આવે છે. કોઈપણ વ્યક્તિના સંસ્કારના વિકાસમાં ચાર પરિબળો મુખ્ય ભાગ ભજવે છે. તેમાં પ્રથમ છે, પૂર્વજન્મમાંથી મળેલા સંસ્કારો. બીજું પરિબળ છે, વ્યક્તિના જીન અને માતાપિતાએ આપેલા સંસ્કારો. ત્રીજું છે, સમાજમાંથી મળતા સંસ્કારો – વ્યક્તિના આસપાસના વાતાવરણમાંથી મળેલા સંસ્કારો. અને ચોથું, ઘણું જ મહત્ત્વનું જે પરિબળ છે, તે છે શિક્ષક. અને આ પરિબળ ઘણો જ મહત્ત્વનો ભાગ ભજવતું હોવાથી જ શિક્ષકોને પરિવર્તનના જ્યોર્તિધર ગણવામાં આવે છે.

જેવી રીતે મજબૂત ઈમારત માટે સુદૃઢ પાયાની જરૂર છે, એ જ રીતે રાષ્ટ્રના નિર્માણ માટે ચારિત્ર્ય નિર્માણના સુદૃઢ પાયાની જરૂર છે. નાગરિકોના ચારિત્ર્ય નિર્માણ દ્વારા જ રાષ્ટ્રનું પરિવર્તન લાવી શકાશે. ચારિત્ર્ય ઘડતરનો પાયો નાની વયે જ નખાવો જોઈએ. જ્યારે વ્યક્તિ વિદ્યાર્થી અવસ્થામાં હોય ત્યારે ચારિત્ર્યનું ઘડતર કરવું ઘણું જ સરળ બને છે. વ્યક્તિના ચારિત્ર્યનું ઘડતર કરવા માટેનું સહુથી મહત્ત્વનું પરિબળ શિક્ષક જ છે. ડો. એ.પી.જે. અબ્દુલ કલામ, આપણા આદરણીય રાષ્ટ્રપતિજી એમના પુસ્તક ‘India-2020 A Vision of the millenium’ માં લખે છે: ‘જો તમે કોઈપણ શાળામાં શિક્ષક હો તો તમારે ઘણો જ મહત્ત્વનો ભાગ ભજવવાનો છે. કારણ કે બીજા કોઈ પણ કરતાં તમે ભવિષ્યની પેઢીને સહુથી વધારે અસરકારક ઘાટ આપી શકો છો. આ જ છે, શિક્ષકનું પથદર્શક તરીકેનું મહત્ત્વનું કાર્ય. જો તમારે સ્થૂલ સ્તરે પરિવર્તન કરવું હોય તો પહેલાં સૂક્ષ્મ સ્તરે પરિવર્તન કરવું જોઈએ. આથી જો રાષ્ટ્રને બચાવવું હોય તો રાષ્ટ્રના નાગરિકોના ચારિત્ર્યનો વિકાસ કરવો જ જોઈએ, નહિતર રાષ્ટ્ર સમૃદ્ધ બનશે નહીં. સુપ્રિમ કોર્ટ પાસે એક કેસ આવ્યો હતો. તેમાં સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ શ્રી હંસારિયાએ બીએસઈની વિરુદ્ધમાં ન્યાય આપતાં જણાવ્યું કે સંસ્કૃત વિષય ગૌણ વિષય તરીકે ચાલુ રહેવો જોઈએ તેને અભ્યાસક્રમમાંથી તદ્દન રદબાતલ ન કરી શકાય કેમકે તે તો ભારતીય સંસ્કૃતિનો મૂળભૂત પાયો છે. રાષ્ટ્રની સંસ્કૃતિના રક્ષણ માટે એ કેટલું બધું જરૂરી છે, એ સમજાવવા માટે તેમણે એક ઉદાહરણ આપ્યું. જર્મની અને ગ્રેટ બ્રિટન વચ્ચે યુદ્ધ થયું. કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રોફેસર પોતાના અભ્યાસ-ખંડમાં વાંચવામાં મશગૂલ હતા. ત્યારે તેમના અભ્યાસ ખંડમાં એક સૈનિકે આવીને આક્રોશ ભર્યા અવાજે કહ્યું; ‘અમે સૈનિકો તો રાષ્ટ્ર માટે લડી રહ્યા છીએ, ત્યારે તમે અહીં બેઠા બેઠા કંઈ જ કરતા નથી?’ પ્રોફેસરે તેને વળતો પ્રશ્ન કર્યો, ‘રાષ્ટ્રનું રક્ષણ એટલે શું? તું શું માને છે?’

તેના જવાબમાં સૈનિકે કહ્યું: ‘રાષ્ટ્રની ભૌગોલિક સીમાનું રક્ષણ કરવું.’ પ્રોફેસરે ફરી પૂછ્યું : ‘બસ એટલું જ?’ ત્યારે સૈનિક વિચારમાં પડી ગયો અને બોલ્યો :

‘એનો અર્થ એ પણ છે કે રાષ્ટ્રના લોકોનું અને સંસ્કૃતિનું પણ રક્ષણ કરવું.’ ત્યારે પ્રોફેસરે કહ્યું: ‘તો પછી હું રાષ્ટ્રની સંસ્કૃતિનું રક્ષણ કરી રહ્યો છું.’ આ સાંભળીને પછી સૈનિકે પ્રોફેસરને આદરપૂર્વક સલામ કરીને પછી ચાલ્યો ગયો.

પથદર્શક શિક્ષકનાં ઉદાહરણો

સામાન્ય શિક્ષકો સમાજમાં અસામાન્ય પરિવર્તન કેવી રીતે લાવી શકે તેનાં કેટલાંય ઉદાહરણો છે : શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત સામાન્ય શિક્ષક હતા. એક દિવસ તેઓ અનાયાસે દક્ષિણેશ્વર કે જ્યાં શ્રીરામકૃષ્ણ રહેતા હતા, ત્યાં જઈ ચડ્યા. એ સમયે તેઓ ઘણી પારિવારિક સમસ્યાઓથી ઘેરાયેલા હતા અને આત્મહત્યાનો વિચાર કરી રહ્યા હતા. તેઓ આકસ્મિક રીતે જ શ્રીરામકૃષ્ણના ઓરડામાં પહોંચી ગયા. શ્રીરામકૃષ્ણને મળ્યા. તેમને મનની એટલી બધી શાંતિ મળી કે તેમણે આત્મહત્યાનો વિચાર જ માંડી વાળ્યો અને પછી તો તેઓ નિયમિત રીતે શ્રીરામકૃષ્ણ પાસે જવા લાગ્યા અને શ્રીરામકૃષ્ણ તેમના ભક્તો, અનુયાયીઓ સાથે જે કંઈ વાર્તાલાપ કરતા હતા તેની તેઓ પોતાની અંગત ડાયરીમાં નોંધ કરવા લાગ્યા. જ્યારે સ્વામી વિવેકાનંદને આની ખબર પડી, ત્યારે તેઓ ખૂબ પ્રસન્ન થયા અને તેમણે કહ્યું કે આમાં તો ખૂબ મહત્ત્વની વાતો છે. આ વાર્તાલાપો પુસ્તક રૂપે પ્રકાશિત થવા જોઈએ. પાછળથી આ વાર્તાલાપો સર્વપ્રથમ બંગાળીમાં ‘રામકૃષ્ણ કથામૃત’ પુસ્તક રૂપે પ્રકાશિત થયા. પછી અંગ્રેજીમાં ‘ગોસ્પેલ ઓફ શ્રીરામકૃષ્ણ’ના શીર્ષકથી પ્રકાશિત થયા. પછીથી તેનું હિન્દી, ગુજરાતી, તામિલ, તેલુગુ, મરાઠી, કન્નડ, મલયાલમ, ઉડિયા, સ્પેનિશ, જાપાનીઝ, રશિયન, ડચ, ગ્રીક અને ફ્રેન્ચ અને દુનિયાની બીજી ઘણી ભાષાઓમાં પ્રકાશન થયું.તેની લાખો નકલો વેંચાણી છે. છેલ્લા એક સૈકાથી લાખો લોકો તેમાંથી મનની શાંતિ અને આધ્યાત્મિક પ્રકાશ મેળવી રહ્યા છે. ઘણા લોકો આના વાંચનથી આત્મહત્યા કરતાં અટકી ગયાં છે. ૧૮૯૭, ૨૪મી નવેમ્બરે સ્વામી વિવેકાનંદે તેના લેખક કે જેમણે આ મહાન ગ્રંથના લેખક તરીકે ખૂબ વિનમ્ર્રતાપૂર્વક માત્ર ‘મ’ એટલું જ નામ દર્શાવ્યું હતું, તેમને પત્રમાં ખૂબ અભિનંદન આપતાં લખ્યું કે ‘સોક્રેટીસના વાર્તાલાપોમાં પ્લેટો છવાયેલા છે. જ્યારે અહીં તમે સંપૂર્ણપણે છૂપાયેલાં છો, ઉપરાંત તેનો નાટયાત્મક હિસ્સો તો ખૂબ જ સરસ છે. અહીં અને પશ્ચિમમાં દરેકને એ ગમે છે.’ મહાન સંત અલ્ડસ હક્સલીએ તેમના પુસ્તકના આમુખમાં લખ્યું હતું કે ‘વાર્તાલાપના સાહિત્યમાં જ્યાં સુધી મને જાણ છે ત્યાં સુધી ‘એમ’ એ અજોડ પુસ્તક લખ્યું છે કે જેમાં એમણે પોતાની નૈસર્ગિક શક્તિ અને સંજોગોનો ઉત્તમ ઉપયોગ કરીને પોતાની જાતને રેડી દીધી છે!’ આજે આ પુસ્તક સમાજમાં મૂલ્યનિષ્ઠાના ઉત્તમ માધ્યમ તરીકે ઉપયોગમાં લેવાય છે.

બીજું દૃષ્ટાંત છે, ભગિની નિવેદિતાનું (૧૮૬૭-૧૯૧૧) તેમનું નામ હતું, કુમારી માર્ગરેટ નોબલ. ઈંગ્લેન્ડમાં તેઓ શિક્ષક તરીકે કામ કરતાં હતાં. સ્વામી વિવેકાનંદના વ્યાખ્યાનો સાંભળીને તેઓ ખૂબ જ પ્રભાવિત બન્યાં. સ્વામી વિવેકાનંદે પણ તેમની પ્રખર બુદ્ધિમત્તાને પિછાણી અને તેમને ભારતને પોતાનું જીવન સમર્પિત કરવા કહ્યું. કેમકે તેઓ જાણતા હતા કે આપણો દેશ ત્યાં સુધી વિકાસ નહીં કરી શકે કે જ્યાં સુધી તેમની સ્ત્રીઓની સ્થિતિ નહીં સુધરે. વળી જ્યાં સુધી સ્ત્રીઓને શિક્ષણ આપવામાં નહીં આવે ત્યાં સુધી સ્ત્રીઓની સ્થિતિ પણ નહીં સુધરે. તે સમયે તો માત્ર એક ટકો સ્ત્રીઓ જ શિક્ષિત હતી. આથી તેઓ ભારતમાં સ્ત્રીઓ માટે શાળા શરૂ કરવા ઇચ્છતા હતા. પણ આ કાર્ય માટે ભારતમાંથી એવી કોઈ સુશિક્ષિત સ્ત્રી આગળ ન આવી. આથી તેમણે તા. ૭-૬-૧૮૯૬ના રોજ નિવેદિતાને એક પ્રેરણાદાયી પત્ર લખ્યો, ‘જાગો, જાગો, મહાન આત્માઓ જાગો, આખું જગત દુ:ખથી સળગી રહ્યું છે, ત્યારે તમે શું સૂઈ શકો? જ્યાં સુધી સૂતેલા દેવતાઓ ન જાગે અને અંદર રહેલા દેવો પોકારનો પ્રત્યુત્તર ન આપે ત્યાં સુધી આપણે સતત પોકારીએ. જગતને પ્રકાશ કોણ આપશે? બલિદાન, ભૂતકાળમાં તો બલિદાન જ કાયદો હતો. દુ:ખની વાત એ છે કે ભવિષ્યમાં પણ યુગો સુધી એ જ થવાનું છે. પૃથ્વી ઉપરના શ્રેષ્ઠ લોકોએ પોતાનું બલિદાન અસંખ્ય લોકોના કલ્યાણ અને ભલા માટે આપવું જ પડશે.’ મિસ માર્ગરેટ નોબલ ભારતમાં આવ્યા અને પોતાનું સમગ્ર જીવન ભારતની સેવામાં અર્પણ કર્યું. પછી સ્વામી વિવેકાનંદે એમને બ્રહ્મચર્યની દીક્ષા આપી અને એમને ‘નિવેદિતા’ નામ આપ્યું. જેનો અર્થ થાય છે, જેણે પોતાની જાત સમર્પિત કરી છે તે.

એમની જીવનકથા વાંચવા જેવી છે. તેમણે કલકત્તામાં ૧૮૯૮માં કન્યાશાળા શરુ કરી. આજે તો આ કન્યાશાળા કલકત્તાની પ્રખ્યાત શાળા બની ગઈ છે. અને તે ‘ભગિની નિવેદિતા બાલિકા વિદ્યાલય’ના નામે ઓળખાય છે. એ શાળાનો શતાબ્દિ મહોત્સવ ઉજવાયો ત્યારે તેમાં આપણા પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી નારાયણન્‌ ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ એ શાળાને પ્રારંભમાં ભારે મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડયો હતો. શરૂઆતમાં પ્રવર્તમાન સામાજિક રૂઢિઓને કારણે લોકો પોતાની કન્યાઓને શાળાએ મોકલતાં અચકાતા હતા. તે સમયે ભગિની નિવેદિતા પોતે ઘરે ઘરે જતાં અને માતાપિતાને ખાતરી આપતાં કે પોતે દીકરીઓને લઈ જશે અને સંભાળપૂર્વક પાછી મૂકી જશે. આ શાળામાં કોઈપણ જાતની ફી તો હતી જ નહીં, પણ બાલિકાઓને ભોજન પણ નિ:શુલ્ક આપવામાં આવતું હતું. નિવેદિતા પ્રત્યેક બાળાની અંગત રીતે કાળજી લેતાં હતાં અને દરેકને તેનાં નામથી ઓળખતાં હતાં. એ સમયે શ્રી રવીન્દ્રનાથ ટાગોર નિવેદિતાને ‘લોકમાતા નિવેદિતા’ કહી બોલાવતા હતા. તેઓ ઘણાં ક્રાન્તિકારીઓનાં પ્રેરણા સ્રોત હતાં. પોતાના રોજિંદા કાર્યોમાં અત્યંત વ્યસ્ત રહેતા હોવા છતાં પણ તેઓ બાળાઓ માટે સમય ફાળવતાં. તેઓ આદર્શ શિક્ષક હતાં. એક સામાન્ય શિક્ષકે કેટલાં બધાંને પ્રેરણા આપી! નિવેદિતા અને બીજા દેશભક્તોની પ્રેરણાથી બંગાળમાં ક્રાન્તિકારી ચળવળ શરૂ થઈ અને આ ચળવળે ભારતની સ્વતંત્રતાની ચળવળને પરાકાષ્ટાએ પહોંચાડી દીધી! એ કેવું આશ્ચર્ય કહેવાય કે બ્રિટિશ કાયદાઓની વિરુદ્ધ એક બ્રિટિશરે જ ભારતની સ્વતંત્રતામાં ઘણો મહત્વનો ભાગ ભજવ્યો!

એક દિવસ નિવેદિતા જગદીશચંદ્ર બોઝને ત્યાં ભોજન માટે ગયાં હતાં. ત્યાં એકાએક એમને યાદ આવ્યું કે એમની વિદ્યાર્થિની પ્રફુલ્લમયી કે જે બાળવિધવા હતી, તેને તે દિવસે એકાદશીનો ઉપવાસ હતો. નિવેદિતા તેમને ફળાહાર આપતાં ભૂલી ગયાં હતાં. ‘અરેરે મારી દીકરી ત્યાં ભૂખી હશે.’ એ વિચારે તેઓ વ્યગ્ર બની ગયાં અને યજમાનની રજા લઈને તુરત જ પોતાના ઘરે પાછાં આવ્યાં. નિશાળે જઈને પ્રફુલ્લમયીની માફી માંગીને તેને ફળાહાર કરાવ્યો. આ હતું એમનું સમર્પણ!

સ્વામી પ્રેમેશાનંદજી પણ (૧૮૮૪-૧૯૬૭) એક સામાન્ય શિક્ષક હતા. તેમણે કેટલાયે વિદ્યાર્થીઓને પ્રેરણા આપી, જેમાંના ઘણાં મહાન લેખક કે કવિ બન્યા અને ઘણા સાધુ પણ બન્યા. તેમાંના કેટલાક તો હોલીવુડ, દિલ્લી કે બીજા મહત્વના રામકૃષ્ણ મઠ-મિશનના કેન્દ્રોના અધ્યક્ષ પણ બન્યા!

સામાન્ય શિક્ષક મહાન કાર્યો કરી શકે છે. અને એટલે જ શિક્ષકોને સંપૂર્ણ સન્માન આપવું જોઈએ. દુર્ભાગ્યે આજના યુગમાં આથી વિપરિત જોવા મળે છે. કોઈક રીતે એક વિષચક્ર સર્જાયું છે. જ્યારથી શિક્ષકોએ પોતાનો શિષ્ઠ વ્યવહાર છોડી દીધો ત્યારથી તેમને સંપૂર્ણ સન્માન મળવાનું બંધ થઈ ગયું અને જ્યારથી તેમને સન્માન મળવાનું બંધ થયું ત્યારથી તેઓ એવું માનવા લાગ્યા કે તેઓ સામાન્ય માણસો જેવા જ છે. તેઓ વિચારે છે કે જો સમાજના બીજા માણસો પૈસા પાછળ દોડતા હોય તો તેમણે શા માટે બાકાત રહેવું જોઈએ. તેઓ એ ભૂલી જાય છે કે તેમણે સમાજને અનુસરવાનું નથી પણ સમાજના પથદર્શક તરીકે તેમણે તો સમાજને દોરવાનો છે. જો આ વિષચક્રને તોડવું હોય તો શિક્ષકોએ ત્યાગ કરવો જોઈએ. ત્યાગ, ત્યાગ અને ત્યાગ. ભૂતકાળમાં પણ આ જ રસમ હતી અને ભવિષ્યમાં પણ આ જ હશે.

વિદ્યુત્‌ના ઝાટકાની તીવ્ર જરૂરિયાત :

અત્યાર સુધીમાં મેં કંઈ નવું કહ્યું નથી આપણે બધા જ આ જાણીએ છીએ. પણ આપણે જે ઉપદેશ આપીએ છીએ, તેનો અમલ કરવામાં જ મુશ્કેલી રહેલી છે. આપણી સ્થિતિ મૃત્યુ પામવાનો ઢોંગ કરી રહેલા દારૂડિયા જેવી છે. એક રસપ્રદ વાર્તા છે :

એક વખત કલકત્તામાં પાંચ દારૂડિયા ભેગા થયા. મોડી રાત્રિનો સમય હતો. તેમણે જરૂરિયાત કરતાં વધારે દારૂ પીધો હતો. તેઓએ સ્મશાનયાત્રા કાઢવાની એક રમૂજી યોજના વિચારી. એક દારૂડિયો ખાટલા ઉપર સૂઈ ગયો. અને તે જાણે મરી ગયો છે, તેમ માનવા લાગ્યો. બીજા ચાર જણાએ એ ખાટલી ખભા પર ઊંચકી લીધી અને એ ચારેય જણા રાતના અંધારામાં ‘રામનામ સત હૈ, સબ કી યહી ગત હૈ’ એમ બોલતાં બોલતાં સ્મશાન તરફ ચાલવા લાગ્યા. ચાલતા ચાલતા તેઓ ચાર રસ્તા ભેગા થતા હતા, ત્યાં આવી પહોંચ્યા. તેમાંના આગળના બે જણા કહે કે આ બાજુ સ્મશાન આવ્યું, એટલે તેઓ ખાટલીને એ બાજુ ખેંચવા લાગ્યા. જ્યારે પાછળના બે જણા કહે ના, આ બાજુ નહીં, પણ પેલી બાજુ સ્મશાન આવ્યું, એમ કહીને તેનાથી ઊલટી દિશામાં ખાટલી ખેંચવા લાગ્યા. આવી ખેંચાતાણી જોઈને મડદું બનીને સૂઈ રહેલો દારૂડિયો ખાટલીમાં જ બેઠો થઈ ગયો અને બોલી ઊઠ્યો : ‘આમ ખેંચાખેંચ શું કરો છો?’ ત્યારે ચારે ય જણાએ પોતાની મુશ્કેલી જણાવી. 

ત્યારે ખાટલામાં સૂતેલા તે દારૂડિયાએ કહ્યું : ‘તમે ચારે ય મૂરખ છો. તમે આટલો સીધો રસ્તો પણ જાણતા નથી? હું કેવડાતલા સ્મશાન અને નીમતલા સ્મશાન બંનેનો રસ્તો જાણું છું. પણ હું કેવી રીતે બોલું? હું તો મડદું છું?’ તે આપણી પણ આ જ સમસ્યા છે. આપણે બધી જ સમસ્યાઓનો ઉકેલ જાણીએ છીએ, પણ આપણે જે જાણીએ છીએ તેનો અમલ કરી શકતાં નથી. કોઈ માણસ ખરેખર ઊંઘી ગયો હોય તો તેને જગાડી શકાય, પણ જે ઊંઘવાનો ઢોંગ કરે છે, તેને કઈ રીતે જગાડવો? એનો માત્ર એક જ રસ્તો છે. ‘ઈલેકટ્રીક શોક’ આપવો અને એ ઈલેક્ટ્રીક શોક – આપણે સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચીને મેળવી શકીશું. ફ્રેન્ચ મનીષી અને ઉમદા રાજકવિ રોમાંરોલાંએ સ્વામી વિવેકાનંદના પુસ્તકોની અસર વિષે લખ્યું છે : એમની વાણી એટલે ભવ્ય સંગીત, એમની શબ્દાવલિઓમાં બિથોવનની શૈલીનો રણકો છે; અને ભાવોત્કર્ષ જગાવતા એમના વાણીલયમાં હેન્ડેલના સમૂહગીતોની પરંપરા પ્રતીત થાય છે. આજથી ત્રીસ વર્ષ પહેલાં ગ્રંથસ્થ થયેલાં એમના વચનામૃતોને જ્યારે હું વાંચું છું, ત્યારે વિદ્યુતના ઝાટકા જેવી ઝણઝણાટી મારા દેહમાં અનુભવ્યા વગર રહી શકતો નથી.’

સ્વામી વિવેકાનંદ અમેરિકા અને યુરોપના દેશોમાં વેદાંતનો ઉપદેશ આપીને જ્યારે ચાર વરસે પાછા ફર્યા ત્યારે ભારતમાં તેઓ જ્યાં જ્યાં ગયા ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ સ્વાગતના પ્રત્યુત્તરમાં તેમણે અગ્નિમય ભાષણો આપ્યાં. ‘લેકચર્સ ફ્રોમ કોલંબો ટુ અલમોડા’ ભારતમાં આપેલા ભાષણો એ પુસ્તકમાં આ ભાષણોનો સાર આપવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમના બીજા સુંદર પુસ્તક ‘માય ઈન્ડિયા, ધ ઈન્ડિયા ઈટર્નલ’માં પણ એમના પ્રેરણાદાયી ભાષણો છે. કટકમાં નવમા ધોરણમાં ભણતા એક બાળકે સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચ્યા અને દેશને માટે બલિદાન આપવાનું નક્કી કરી લીધું, જે પાછળથી મહાન રાષ્ટ્રભક્ત નેતાજી સુભાષચંદ્ર બોઝ તરીકે વિખ્યાત બન્યા. ડો. રાધાકૃષ્ણન્‌ પણ કહેતા હતા કે જ્યારે તેઓ તેના મિત્રોને પત્ર લખતા ત્યારે સ્વામી વિવેકાનંદના પત્રોના અવતરણો લખતા. કારણે તે સમયે જેઓ સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચતા, તેમની બ્રિટિશ સરકાર શંકાની નજરે જોતી. મોટેભાગે દરેક ક્રાન્તિકારીઓના ઘરમાં બોમ્બ માટેની ઘણી શોધ પછી છૂપી પોલીસના માણસો બોમ્બ કરતાં પણ વધારે ભયંકર શસ્ત્રો શોધી કાઢતા અને તે હતાં સ્વામી વિવેકાનંદના પુસ્તકો. આથી છૂપી પોલીસે બ્રિટિશ સરકારને ભલામણ કરી કે સ્વામી વિવેકાનંદના પુસ્તકો રાખવાની મનાઈ ફરમાવવી જોઈએ. પંડિત જવાહરલાલ નહેરુએ કહ્યું હતું કે તેમના સમયમાં ભાગ્યે જ એવો કોઈ યુવાન હશે કે જેમણે સ્વામી વિવેકાનંદના પુસ્તકોમાંથી પ્રેરણા નહીં મેળવી હોય!

૩૦મી જાન્યુઆરી ૧૯૨૧ના રોજ ગાંધીજી અમારા મુખ્ય મથક બેલૂર મઠમાં આવ્યા હતા ત્યારે તેમને ભાષણ આપવા કહ્યું. ત્યારે તેમણે જણાવ્યું કે, ‘હું અહીં ભાષણ આપવા નથી આવ્યો, હું તો સ્વામી વિવેકાનંદ પ્રત્યે મારો અહોભાવ પ્રગટ કરવા અહીં આવ્યો છું. અહીં હાજર રહેલા યુવાનોને હું માત્ર એક જ વસ્તુ કહેવા ઇચ્છું છું કે મહેરબાની કરીને અહીંથી ખાલી હાથે નહીં જતા. આ મહાન સ્થળમાંથી કંઈક પ્રેરણા મેળવજો. સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચજો. મેં પોતે પણ આ પુસ્તકો વાંચ્યા છે, અને એ વાંચ્યા પછી મારી અંદર રહેલી દેશભક્તિ હજાર ગણી વધી ગઈ છે!’

આમ સ્વામી વિવેકાનંદના પુસ્તકોમાં મહાન શક્તિ રહેલી છે. તે વિદ્યુતના ઝાટકા જેવું કામ કરે છે, અને તે શિક્ષકોને જગાડે છે અને તેઓ જ્યોર્તિધર છે, એ તેમને સતત યાદ કરાવે છે. તે લોકોએ કંઈ ચીલાને અનુસરવાનું હોતું નથી. અધિકારીઓ, ઉદ્યોગપતિઓ, પ્રધાનો વગેરે જો પૈસા માટે કામ કરતા હોય તો તેમને કદાચ માફી પણ મળે. પણ શિક્ષકને માફ કરી શકાય નહીં, કેમકે તેમના ખોટા વર્તનથી હજારો વિદ્યાર્થીઓને નુકસાન થાય છે તેમના ભવિષ્ય બગડે છે. સ્વામી વિવેકાનંદે ‘બનો અને બનાવો’ એ મંત્ર આપ્યો છે. એટલે સર્વપ્રથમ તો આપણે પોતાના ચારિત્ર્યનું નિર્માણ કરવું પડશે અને પછી બીજા લોકોના ચારિત્ર્યનિર્માણ માટે મદદ કરવી પડશે. શિક્ષકના પ્રભાવથી વિદ્યાર્થી મહાન પણ બની શકે અને રાક્ષસ પણ બની શકે. તેમને કેવી પ્રેરણા મળે છે, તેના ઉપર એનો આધાર રહેલો છે. વિદ્યાર્થીઓને શિક્ષકો શું કહે છે, એ અગત્યનું નથી, પણ શિક્ષકો પોતે શું કરે છે એ અગત્યનું છે. કહેવત છે – ‘Values are never taught, but they are caught.’ ‘મૂલ્યો શીખવાડાતાં નથી, પણ તે ગ્રહણ કરવાનાં હોય છે.’ અત્યારના વિદ્યાર્થીઓ બુદ્ધિશાળી છે, તેઓ બરાબર જાણે છે કે તેમના શિક્ષકો વર્ગની બહાર શું કરે છે. જો તમે તેને સાચું બોલવાનું કહો, પણ જો તમારા આચરણમાં તે ન હોય તો તેની જરાપણ અસર થશે નહીં.

તમે કદાચ એ વાર્તા સાંભળી હશે. કેટલાક બાળકો રમત રમી રહ્યા હતાં, તે વખતે એક શિક્ષક ત્યાંથી નીકળ્યા અને પૂછ્યું કે ‘તમે શું કરી રહ્યા છો?’

‘સાહેબ, અમે ગપાટા હાંકવાની હરિફાઈ કરી રહ્યા છીએ.

અમારામાંનું જેનું સહુથી મોટું ગપાટું હશે તેને ઈનામ આપવામાં આવશે.’ આ સાંભળી શિક્ષકે કહ્યું : ‘આવી રમત કાંઈ રમાતી હશે. માણસે હંમેશા સાચું જ બોલવું જોઈએ. જુઓ, હું મારી આખી જિંદગીમાં ક્યારેય જૂઠ્ઠું બોલ્યો જ નથી.’

આ સાંભળીને બધા જ વિદ્યાર્થીઓ તાળીઓ પાડવા લાગ્યા અને બોલવા લાગ્યા કે ‘સાહેબ, તો તો આ ઈનામ તમને જ મળશે.’ આમ આપણે શું કહીએ છીએ તે નહીં, પણ શું કરીએ છીએ તે અગત્યનું છે.

(ક્રમશ:)

Total Views: 50

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.