૨૯ ઓગસ્ટ થી ૧૩ સપ્ટેમ્બર, ૨૦૦૪ સુધી સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજની દક્ષિણ આફ્રિકાની યાત્રાનાં સંસ્મરણો અહીં પ્રસ્તુત છે. – સં.

શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી તથા સ્વામી વિવેકાનંદની અસીમ કૃપાથી દક્ષિણ આફ્રિકા જવાનું થયું. દક્ષિણ આફ્રિકાના શ્રીરામકૃષ્ણ સેન્ટર ઓફ સાઉથ આફ્રિકાનું એક સપ્તાહ સુધી ‘દૈનિક જીવનમાં સુખ-શાંતિ માટે ગીતાનો સંદેશ’ આ વિષય પર વ્યાખ્યાનમાળા આપવાનું આમંત્રણ મળ્યું. ત્યારે મનમાં હતું કે જ્યાં મહાત્મા ગાંધીજીએ સત્યાગ્રહના પ્રથમ ચરણ માંડ્યા, એ પછી જ્યાં ગાંધીજીના માર્ગે નેલ્સન મંડેલા પાંત્રીસ વર્ષ સુધી ઝઝૂમ્યા, એ ભૂમિ કંઈ સામાન્ય તો નહીં જ હોય! છતાં મનમાં એમ હતું કે પહાડો, જંગલોથી છવાયેલા એ દેશમાં શ્રીરામકૃષ્ણ ભાવધારાને સમજનારા લોકો કેટલા હશે? આધ્યાત્મિક દૃષ્ટિબિંદુ ધરાવનારા લોકો તો જુજ જ સંખ્યામાં હશે. ત્યાં શ્રીમદ્‌ ભગવદગીતા ઉપર અંગ્રેજીમાં વ્યાખ્યાન આપવાનાં છે, તો કેટલા લોકો આવશે? અને તેમાંથી કેટલા સમજશે? પણ જ્યારે ત્યાં ગયો અને મેં સમગ્ર દક્ષિણ આફ્રિકામાં શ્રીરામકૃષ્ણદેવના પાંત્રીસ કેન્દ્રોની વાત સાંભળી, અને ત્યાં નજરે જોયું કે શ્રીરામકૃષ્ણ ભાવધારાનું તો પૂર વહી રહ્યું છે, ત્યારે મારી માન્યતા સદંતર બદલી ગઈ અને મેં અનુભવ્યું કે શ્રીઠાકુરે દક્ષિણ આફ્રિકાના એ દૂરના અજાણ્યા દેશમાં પણ પોતાનો જબરદસ્ત પ્રભાવ પ્રસાર્યો છે.

૨૯ ઓગસ્ટ, ૨૦૦૪ બપોરે ૧૨-૧૫. બધાંની ભાવભરી વિદાય લઈને ૧-૩૦ના પ્લેઈનમાં મુંબઈ જવા નીકળ્યો. ૩॥ વાગે મુંબઈ પહોંચી ગયો. શ્રીરામકૃષ્ણ મિશન મુંબઈ-ખારમાં આવેલું છે. તે સાંજ ત્યાં ગાળી. બીજા દિવસે એટલે કે ૩૦મી તારીખે વહેલી સવારે ૫॥ વાગ્યે મોરેશિયસ જવા માટેની ફલાઈટ હતી. મુંબઈથી ડરબનની સીધી ફલાઈટ નથી મળતી એટલે મોરેશિયસ થઈને જવાનું નક્કી કર્યું હતું. સહારા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ત્રણ કલાક અગાઉનો રિપોર્ટિંગ ટાઈમ હતો. એટલે રાતના ૨-૩૦ કલાકે મારે ત્યાં પહોંચવાનું હતું. એટલી મોડી રાત્રે બધાંને તકલીફ આપવી એ કરતાં ત્યાં વહેલું પહોંચી જવું સારું એમ માનીને હું રાત્રે સાડાદસ વાગ્યે સહારા એરપોર્ટ પર પહોંચી ગયો. સાથે પુસ્તકો હતાં. એ વાંચવામાં, અને પછી બોર્ડિંગપાસ, સિક્યોરિટી વગેરેમાં સમય જલ્દી પસાર થઈ ગયો. બરાબર ૫॥ વાગે સવારે ફલાઈટ ઊપડી. મુંબઈથી મોરેશિયસનું હવાઈ અંતર છ કલાકનું છે. આથી ત્યાં ભારતના સમય પ્રમાણે સવારના સાડા અગિયારે પ્લેન પહોંચ્યું. પણ વિશ્વ સમયપત્રક પ્રમાણે ત્યાં ત્યારે સવારના ૧૦.૩૦ થયા હતા. એક કલાક વહેલો પહોંચી ગયો!! એરપોર્ટની બહાર નીકળતાં એકાદ કલાકનો સમય લાગ્યો.

મોરેશિયસમાં શ્રીરામકૃષ્ણ મિશનનું ઓફિસ્યલ સેન્ટર છે. આ કેન્દ્ર ૧૯૩૯માં શરૂ થયું છે. ૧૪ એકર જમીનમાં પથરાયેલો વિશાળ આશ્રમ છે. આશ્રમમાં શ્રીરામકૃષ્ણદેવનું મોટું મંદિર છે. રામકૃષ્ણ મઠ મિશનના દશમા પરમાધ્યક્ષ સ્વામી વિરેશ્વરાનંદજી મહારાજના વરદ હસ્તે આ મંદિરનું ભવ્ય ઉદ્‌ઘાટન થયું હતું. આશ્રમમાં સુંદર બગીચો છે. નયનરમ્ય લોન છે. વિશાળ પુસ્તકાલય છે. ઉપરાંત આશ્રમને થોડે દૂર ૩૯ એકરનું વિશાળ ખેતર પણ છે, જેમાં શેરડી ને શાકભાજી ઉગાડવામાં આવે છે, જેની આવકમાંથી આશ્રમનો ખર્ચ નીકળે છે.

આ આશ્રમના અધ્યક્ષ સ્વામી કૃષ્ણરૂપાનંદજી મહારાજે મને એરપોર્ટ પર લેવા માટે એક બ્રહ્મચારીને મોકલાવ્યા હતા. લગભગ ૧૨ વાગે ભોગઆરતીના સમયે ત્યાં પહોંચી ગયો. તે દિવસ મોરેશિયસમાં પસાર કર્યો. કેમકે મોરેશિયસથી દક્ષિણ આફ્રિકા જવાની ફલાઈટ સવારે નવ વાગે જ મળતી હતી. આથી બીજે દિવસે એટલે કે ૩૧મી તારીખે સવારે ૬ વાગે આશ્રમમાંથી નીકળ્યો. આશ્રમથી એરપોર્ટ ૩૦ કિલોમીટર દૂર છે. પણ ત્યાંના રસ્તાઓ ખૂબ સારા તેથી અર્ધાકલાકમાં ત્યાં પહોંચી ગયા. મારે ડરબન જવાનું હતું, પણ ડરબનની સીધી ફલાઈટ ન હોવાથી મારે જોહાનિસબર્ગની ટિકિટ લેવી પડી. જોહાનિસબર્ગથી મારે ડરબનની સ્થાનિક એરલાઈનમાં બેસવાનું હતું.

જોહાનિસબર્ગમાં ફલાઈટ બદલવાની હતી. થોડો અવકાશ હતો. ઘણાં ભક્તો ત્યાં મળવા માટે આવ્યા હતા. ખાવાનું લાવ્યા હતા. ભક્તોનો ભાવ અને શ્રીઠાકુર અને શ્રીમા પરની એમની શ્રદ્ધા જોઈને અંતરમાં આશા બંધાઈ કે શ્રીરામકૃષ્ણ-સ્વામી વિવેકાનંદના વિચારોને સમજનારા ઘણાં લોકો અહીં છે ખરા! પછી જોહાનિસબર્ગથી ડરબનની સ્થાનિક ફ્લાઈટમાં બેઠો.

લગભગ બપોરે ૩॥ વાગે ડરબન પહોંચ્યો. એરપોર્ટ પર ઘણાં બધા ભક્તો લેવા આવ્યા હતા. તેમણે ગુલાબનો એટલો જાડો ને મોટો હાર પહેરાવ્યો કે એવો હાર મેં હજુ સુધી જોયો ન હતો! ત્યાંથી અમે ડરબનના શ્રીરામકૃષ્ણ કેન્દ્ર પર આવ્યાં.

આ કેન્દ્રનું નામ છે, શ્રીરામકૃષ્ણ સેન્ટર ઓફ સાઉથ આફ્રિકા. આ કેન્દ્ર એ બેલુરમઠ સાથે જોડાયેલું વિધિવત્‌ કેન્દ્ર નથી. રામકૃષ્ણ મઠ-મિશનની શાખારૂપે નથી. ભારતમાં તેમજ વિદેશમાં મળીને રામકૃષ્ણ મઠ-મિશનના કુલ ૧૬૦ કેન્દ્રો છે. એમાંથી ૪૦ વિદેશમાં અને ૧૨૦ ભારતમાં છે. એમાંથી ૪ ગુજરાતમાં રાજકોટ, લીંબડી, વડોદરા અને પોરબંદર ખાતે છે. આ ઉપરાંત ૧૦૦૦ જેટલાં કેન્દ્રો એવાં છે કે જેનું સંચાલન ભક્તો ખાનગી ધોરણે કરે છે. દક્ષિણ આફ્રિકાનું આ કેન્દ્ર પણ આ એક હજાર કેન્દ્રોમાંનું ખાનગી ધોરણે ચાલી રહેલું એક કેન્દ્ર છે.

આ કેન્દ્રની સ્થાપના ૧૯૪૨માં સ્વામી નિશ્ચલાનંદજીએ કરી હતી. પૂર્વાશ્રમનું તેમનું નામ હતું ધનગોપાલ નાયડુ. તેમના વડવાઓ દક્ષિણ ભારતમાંથી આવ્યા હતા. ત્રણ પેઢીથી તેઓ ત્યાં રહે છે. ધનગોપાલ નાયડુનો જન્મ જ દક્ષિણ આફ્રિકામાં થયો હતો. દક્ષિણ આફ્રિકાની શોધ ફ્રેન્ચ લોકોએ કરી હતી. આથી શરૂઆતમાં ત્યાં ફ્રેન્ચ લોકોનું પ્રભુત્વ હતું. એ પછી અંગ્રેજો આવ્યા અને તેમનું શાસન સ્થપાયું. અંગ્રેજોએ ઈ.સ. ૧૮૫૦થી ભારતમાંથી મજૂરોને બોલાવવાનું શરૂ કર્યું હતું. આ મજૂરો ગિરમિટીયા તરીકે ઓળખાતા હતા. મોટાભાગના લોકો યુ.પી., બિહારના હતા. દક્ષિણ ભારતમાંથી પણ ઘણાં લોકો આવ્યા હતા. પરંતુ ગુજરાતીઓ બહુ ઓછા હતા. ગુજરાતીઓ મોટેભાગે પૂર્વઆફ્રિકામાં ગયા. દક્ષિણ આફ્રિકામાં આવેલા આ ભારતીયો મોટેભાગે મજૂરી કરવા આવ્યા હતા. એમના ઉપર બ્રિટિશરો ભારે જુલમ કરતા હતા. રંગભેદની સામે ગાંધીજીએ જેહાદ જગાવી. એ પહેલાં ધનગોપાલ નાયડુએ જેહાદ શરૂ કરી હતી. ત્યાં ગોરાઓના રહેણાંક વિસ્તારમાં કોઈ ઈન્ડિયન કે આફ્રિકન રહી શકે નહીં. ગોરાઓ માટે શ્રેષ્ઠ જગ્યાઓ હતી. એ સમયે શિક્ષણમાં ખ્ર્રિસ્તીધર્મનું શિક્ષણ ફરજીયાત હતું તેથી મોટાભાગના આફ્રિકનો તો ખ્ર્રિસ્તી બની ગયા હતા. અને ઘણાં ભારતીયોએ પણ ખ્ર્રિસ્તી ધર્મ અપનાવી લીધો હતો. ધનગોપાલ નાયડુને આ રીતે ફરજીયાત ખ્ર્રિસ્તીધર્મનું શિક્ષણ આપીને ખ્ર્રિસ્તી બનાવવાનું ખૂંચ્યુ. એમણે એ માટે હિંદુઓનું એક વેદાંત ગ્રુપ ઊભું કર્યું. આ ગ્રુપના સભ્યો હિંદુધર્મ ગ્રંથો, શ્રીરામકૃષ્ણ-સ્વામી વિવેકાનંદના પુસ્તકો દ્વારા હિંદુધર્મની મહાનતા લોકોને સમજાવવા લાગ્યા. ધનગોપાલે શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચ્યા અને તેની ભારે અસર થઈ. તેમના જીવનમાં આમૂલ પરિવર્તન આવી ગયું. તેમણે નક્કી કર્યું કે, ‘મારે સંન્યાસ લેવો છે.’ પણ સંન્યાસ દીક્ષા લેવા માટે તો ભારત આવવું પડે. તે સમયમાં ભારત આવવું સહેલું નહોતું. સ્ટીમર દ્વારા દિવસો નીકળી જાય અને વળી એમની પાસે પૈસા પણ નહોતા. પણ સંકલ્પ દૃઢ હતો. આથી ખૂબ પરિશ્રમ કરી પૈસા ભેગા કર્યા. સ્ટીમર દ્વારા ભારત આવ્યા. બેલુરમઠમાં પહોંચી ગયા. સંન્યાસદીક્ષા માટે જણાવ્યું. ત્યારે ત્યાંના વરિષ્ઠ સ્વામીજીએ તેમને સમજાવ્યા કે બેલુરમઠની સંન્યાસી દીક્ષા પછી મઠના નિયમ અનુસાર તમારે બેલુરમઠમાં રહેવું પડે અને પછી તમને જ્યાં મોકલે ત્યાં જવું પડે. મઠના બધાં જ નિયમોનું પાલન કરવું પડે. પછી તમે પાછા આફ્રિકા નહીં જઈ શકો.’ ‘પણ મારે તો આફ્રિકામાં જઈને જ શ્રીઠાકુરનું કામ કરવું છે. વિશેષ જરૂર ત્યાં છે.’ ‘તો પછી સંન્યાસ લીધા વગર કાર્ય કરો.’ પણ સંન્યાસે લેવો હતો ને કાર્ય દક્ષિણ આફ્રિકામાં કરવું હતું. આથી નિરાશ થઈ ગયા. આખરે બેલુરમઠના છઠ્ઠા પરમાધ્યક્ષ સ્વામી વિરજાનંદ મહારાજ પાસેથી એમણે મંત્રદીક્ષા લીધી અને પછી તપ કરવા માટે હિમાલય જતા રહ્યા.

અહીં ધનગોપાલને વશિષ્ઠ ગુફામાં તપ કરી રહેલા રામકૃષ્ણ મઠના પ્રથમ પરમાધ્યક્ષ સ્વામી બ્રહ્માનંદજીના શિષ્ય સ્વામી પુરુષોત્તમાનંદજીનો મેળાપ થયો. તેઓ વયોવૃદ્ધ હતા. વશિષ્ઠ ગુફામાં તપ કરી રહ્યા હતા. ધનગોપાલ સ્વામીજીની સાથે રહ્યા. તેમની ખૂબ સેવા કરી અને ત્યાં હિમાલયમાં તપશ્ચર્યા કરી. સ્વામી પુરુષોત્તમાનંદજીએ જોયું કે આ પાત્ર બરાબર તૈયાર છે. તેની અંતરની ઇચ્છા ઉત્કટ છે. આથી પ્રથમ તેમણે તેમને બ્રહ્મચર્યની દીક્ષા આપી અને પછી તેમને સંન્યાસની દીક્ષા આપી. નવું નામ મળ્યું સ્વામી નિશ્ચલાનંદ. જાણે રામકૃષ્ણદેવ પ્રત્યેની તેની અનન્ય શ્રદ્ધાભક્તિને પરિણામે જાણે રામકૃષ્ણદેવે સંન્યાસ દીક્ષા અને આફ્રિકામાં કાર્ય કરવાની ઉત્કટ ઇચ્છા, બંનેનો સુયોગ કરી આપ્યો.

સ્વામી નિશ્ચલાનંદ બની તેઓ પછી દક્ષિણ આફ્રિકા ગયા. ત્યાં જઈને ફરી ગ્રુપ બનાવ્યું અને ત્યાં રામકૃષ્ણ સેન્ટર ઓફ સાઉથ આફ્રિકાની સ્થાપના ૧૯૪૨માં કરી જ હતી. પણ હવે ૧૯૫૩માં વિધિવત્‌ કેન્દ્ર ચલાવવાનું શરૂ કર્યું. ધીમે ધીમે અનેક પ્રવૃત્તિઓનો વિસ્તાર કર્યો. પ્રવૃત્તિઓમાં મુખ્ય આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કેન્દ્ર દ્વારા થઈ રહી છે. ૧૯૬૫માં સ્વામી નિશ્ચલાનંદજીની મહાસમાધિ થઈ પરંતુ એ પહેલાં તેમણે સ્વામી શિવપાદાનંદજીને સંન્યસ્ત દીક્ષા આપી કેન્દ્રના કાર્ય માટે તૈયાર કરી દીધા હતા. શિવપાદાનંદજી ખૂબ ઉત્સાહી હતા. તેમણે દક્ષિણ આફ્રિકામાં વિવિધ કેન્દ્રો સ્થાપ્યાં. અનેક પ્રોજેક્ટો હાથ ધર્યા. શ્રીરામકૃષ્ણ ભાવધારાને સમગ્ર દક્ષિણ આફ્રિકામાં વહેતી કરી. દક્ષિણ આફ્રિકાની કુલ વસ્તી ૪॥ કરોડ લોકોની છે. તેમાં ૧૦ લાખ ભારતીયો છે, અને તેમાંથી ૮ થી ૯ લાખ લોકો તો ડરબનમાં જ રહે છે. આથી ડરબન એ શ્રીરામકૃષ્ણ આશ્રમનું મુખ્ય કેન્દ્ર છે. આ મુખ્ય કેન્દ્ર હસ્તક બીજાં ૩૫ કેન્દ્રો કાર્ય કરી રહ્યાં છે. મુખ્ય કેન્દ્ર અને પેટા કેન્દ્રો દ્વારા વિવિધ જાતના સેવાકાર્યો પણ ચાલી રહ્યા છે. મેડીકલ સર્વિસ, હોસ્પિટલો, વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ વગેરે કાર્યો આશ્રમના ભક્તો દ્વારા થઈ રહ્યાં છે.

ડરબનમાં મુખ્ય આશ્રમ પહાડની ટોચ ઉપર આવેલો છે. નવ એકર જમીનમાં પથરાયેલો વિશાળ આશ્રમ છે. લીલીછમ હરિયાળીની વચ્ચે છે. સમુદ્રથી ફક્ત ત્રણ કિલોમીટર જ દૂર આવેલો છે. બહુ જ ભવ્ય મંદિર છે. મંદિરમાં શ્રીરામકૃષ્ણદેવની સુંદર પ્રતિમા છે. જાણે શ્રીરામકૃષ્ણદેવ આપણી સામે હસી રહ્યા છે, એવી અનુભૂતિ પ્રતિમાના દર્શન કરતાં થાય છે. સવારના મંગલ આરતી થાય છે. બપોરના ભોગ ધરાય ને ભોગ આરતી થાય. સાંજે ખંડન ભવ બંધન આરતી થાય. અઠવાડિયામાં બેત્રણ વખત સત્સંગ થાય છે. બધા લોકો સત્સંગના અર્ધાકલાક વહેલાં આવીને કીર્તન કરે. ધૂન બોલાવે. લગભગ ત્રણસો જેટલા લોકો આવે છે. બધાં સફેદ વસ્ત્રો પહેરીને આવે. પછી ઊભી લાઈનમાં વ્યવસ્થિત બેસે. બેચાર વ્યક્તિ ભજન ગાય અને બાકીના બધાં ભજન ઝીલે. બધાં જ ધૂન બોલે. આથી અત્યંત પવિત્ર વાતાવરણ સર્જાઈ જાય.

ત્યાં આપણા બધા તહેવારો મંદિરમાં ઉજવાય છે. જન્માષ્ટમી, ગણેશ ઉત્સવ, રામનવમી, હનુમાન જયંતિ, મોટા પાયા પર ઉજવાય છે. સમગ્ર દક્ષિણ આફ્રિકામાં હનુમાનજીની પૂજા લગભગ દરેક ઘરમાં થાય છે. આ બધા ઉત્સવોમાં મોટાભાગના ભક્તો હાજર રહે છે. ભક્તો દ્વારા જ બધાં કાર્યો થાય છે. ત્યાં કોઈ પગારદાર નોકર નથી. પણ ભક્તોની સેવા દ્વારા આશ્રમનું સંચાલન થાય છે. દર મંગળવાર અને શુક્રવારે બહેનો આવે. સફાઈ કામ કરે, રસોડાનું કામ કરે. બધાંએ કામની વહેંચણી કરી લીધી હોય એ પ્રમાણે કાર્ય કરે એ પછી સત્સંગ થાય. આશ્રમમાં પ્રસાદ લઈને પછી તેઓ સાંજે ઘરે જાય. એ જ રીતે શનિ-રવિ બગીચો, રસ્તાઓ, ગેસ્ટહાઉસ એ બધું સાફસુફ કરવાનું કાર્ય ભાઈઓ કરે. આવડો વિશાળ આશ્રમ છે પણ તેની સારસંભાળ ભક્તો દ્વારા જ થાય છે.

૧૯૯૪ સુધી શિવપાદાનંદજીએ કાર્ય કર્યું. તેમની મહાસમાધિ પછી અત્યારે સ્વામી શારદાનંદજી કાર્યભાર સંભાળી રહ્યા છે. સ્વામી શારદાનંદજી અનેકવાર ભારત આવ્યા છે. ઘણાં શ્રીરામકૃષ્ણ મિશનના કેન્દ્રોમાં જઈ આવ્યા છે. બેલુરમઠ સાથે પણ ગાઢ સંબંધ ધરાવે છે. હવે તેમની એવી ઇચ્છા છે કે શ્રીરામકૃષ્ણ સેન્ટર ઓફ સાઉથ આફ્રિકા – રામકૃષ્ણ મઠ-મિશનમાં વિલિન થઈ જાય. એ માટે તેઓ પ્રયત્નશીલ છે.

૩૧મી ઓગસ્ટ સાંજે પાંચ વાગે કેન્દ્ર પર પહોંચ્યા. અને ૬ વાગે તો વ્યાખ્યાન આપવાનું હતું. વ્યાખ્યાનનો વિષય હતો. The message of Gita for happiness and peace આ પ્રથમ વ્યાખ્યાન હતું. ત્યારબાદ ભજન-કીર્તન થયાં.

પહેલી તારીખે સવારે સમુદ્રકિનારે આવેલી કિંગ ઝૂલુની કબર જોવા ગયા. ડરબનને ત્રણ બાજુએ સમુદ્ર વીંટળાયેલો છે. ત્યાંનો સમુદ્રકિનારો નયનરમ્ય છે. સાંજે છ વાગે ગીતા ઉપરનું બીજું વ્યાખ્યાન થયું.

બીજી તારીખે સવારે આશ્રમથી બે કિલોમીટર દૂર આવેલા ફિનિકસ આશ્રમમાં ગયા. ગાંધીજીનો સત્યાગ્રહ અહીંથી જ શરૂ થયો હતો. અત્યાર સુધી ગાંધીજી જે રીતે રહેતા હતા, એ રીતનો જ આશ્રમ હતો, પણ બે વરસ અગાઉ ત્યાંના સ્થાનિક લોકોએ બ્રિટિશરોની ઉશ્કેરણીથી ફિનિકસ આશ્રમને સળગાવી નાંખ્યો હોવાથી ગાંધીજીની સ્મૃતિવાળો આશ્રમ અત્યારે નથી. પણ હવે ત્યાં નવું મકાન બાંધ્યું છે અને એક મ્યુઝિયમ બનાવ્યું છે, તે જોયું. ગાંધીજી અહીંથી જે ઓપિનિયન સાપ્તાહિક ચલાવતા હતા, તેને છાપનારું પ્રિન્ટિગ મશીન એ જ સ્થિતિમાં જાળવી રાખવામાં આવ્યું છે. તે પણ જોયું. ગયા વરસે જ ત્યાં ગાંધીજીની સુંદર પ્રતિમા મૂકવામાં આવી છે, તેનાં પણ દર્શન કર્યાં, સાંજે ગીતા ઉપરનું ત્રીજું વ્યાખ્યાન થયું.

ત્રીજી તારીખે સવારે ગાંધીજીના પૌત્રી ઈલાબેન ગાંધી મળવા આવ્યાં. તેઓ ત્યાં સામાજિક કાર્યકર છે. તેમની સાથે ત્યાંની સામાજિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક બાબતોની ઘણી ચર્ચા કરી. ૯॥ વાગે આશ્રમના ભક્તો મને ત્યાંના મેડિકલ સેન્ટરમાં લઈ ગયા. ત્યાં મારા હાથેથી બધાંને ખાવાનું અપાવ્યું. બધા બહુ જ રાજી થયા. ૧૧.૩૦ વાગે આશ્રમમાં સફાઈ કામ કરવા માટે આવેલી બહેનોનો સત્સંગ હતો. આ વખતે તેમને મારે સત્સંગ કરાવવાનો હતો. આ બધી ભક્ત બહેનો ખૂબ જ ઉત્સાહી હતી. તે સાંજે ૬ વાગે ગીતા ઉપરનું ચોથું વ્યાખ્યાન થયું.

ચોથી તારીખે સવારે આશ્રમના એક ખાસ ભક્ત નાયડુને મળવાનું થયું. એ પછી આશ્રમ દ્વારા જેને ઘણી મદદ મળી રહી છે, એ અનાથાલયમાં જવાનું થયું. આ અનાથાલય વિશિષ્ટ પ્રકારનું છે. સમગ્ર વિશ્વમાં સહુથી વધારે એઈડ્‌સના દરદીઓ દક્ષિણ આફ્રિકાના ઝુલુ અને નાતાલ વિસ્તારમાં છે, જ્યાં આશ્રમ આવેલો છે. એઈડ્‌સમાં પતિ-પત્ની બંને મરી ગયાં હોય તેમના બાળકોને રાખવાનો પ્રશ્ન હતો. આમાંથી ઘણા બાળકો પોતે પણ એઈડ્‌સના દરદી હોય છે, જેને કોઈ રાખવા તૈયાર નથી થતું. આવાં બાળકો માટેનો આ અનાથાશ્રમ છે. એક ક્રિશ્ચિયન ફાધર આ ચલાવે છે અને આશ્રમ તેને બધી રીતે મદદ કરે છે. આવાં બાળકોને મિઠાઈ, ફળ, ચોકલેટ આપવા માટે હું ગયો હતો. બાળકોની દેખરેખ રાખનાર નીગ્રો બહેન બહુ જ પ્રેમાળ અને ઉત્સાહી છે. હું ગયો, ત્યારે બાળકોએ બધાંએ ભેગાં થઈને પહેલાં ઝુલુ ભાષામાં અને પછી અંગ્રેજી ભાષામાં શ્રીરામકૃષ્ણનું સ્તુતિગાન ગાયું. બધાં બાળકો એક સાથે અંગ્રેજીમાં ગાવા લાગ્યાં.

Ramkrishna we love you, નૃત્ય કરતાં કરતાં આ બાળકો જ્યારે આ ગીત ગાઈ રહ્યાં હતાં, ત્યારે ત્યાં અદ્‌ભુત વાતાવરણ સર્જાઈ ગયું હતું! બાળકોને મિઠાઈ, પ્રસાદ આપતાં તેઓ ખુબ ખુશ થઈ ગયાં! એ બાળકો સાથે થોડો સમય વીતાવ્યો. શનિવાર હોવાથી વ્યાખ્યાનનો સમય ૬ વાગ્યાને બદલે ચાર વાગ્યાનો રાખ્યો હતો. બધાં લોકો દૂર દૂરથી આવતાં હતાં. એટલે દૂર પાછું જલ્દી જવાનું હોવાથી વ્યાખ્યાન પછી તેઓ ઝડપથી જતાં રહેતાં. પણ શનિવારે રજા હોવાથી લગભગ ૩૦૦ જેટલાં માણસો વ્યાખ્યાન માટે આવ્યા. વ્યાખ્યાન પૂરું થયા પછી પણ બધા રોકાયા. ભક્તોનું સંમેલન રાખ્યું હતું, એટલે કે બધાંને મળવાનું રાખ્યું હતું. પ્રણામ માટે એટલી લાંબી લાઈન હતી કે તેમાં જ લગભગ બે કલાક વીતી ગયા! શનિવારે ચોથી તારીખે ગીતા ઉપરનું પાંચમું વ્યાખ્યાન થયું.

પાંચમી તારીખે રવિવાર હતો. રવિવારે સવારે આશ્રમથી લગભગ દશ કિલોમીટર દૂર આવેલાં શ્રીશારદાદેવી આશ્રમમાં જવાનું થયું. આ આશ્રમ બહેનોનો આશ્રમ છે. સંન્યાસિની ઈષ્ટપ્રાણા તેના અધ્યક્ષ છે. પહેલાં આ આશ્રમ તે ડરબનના મુખ્ય આશ્રમ હસ્તક હતો. પણ હવે તે તદ્દન સ્વતંત્ર છે. તેનું ટ્રસ્ટીમંડળ પણ અલગ છે. ત્યાં પણ સરસ મંદિર છે. મંદિરમાં સંગેમરમરની શ્રીરામકૃષ્ણદેવની સુંદર પ્રતિમા છે. ત્યાંનું વાતાવરણ પણ ખૂબ જ શિસ્તમય છે. ત્યાં શરૂઆતમાં બહેનોએ સુંદર ભજનો ગાયાં અને આધ્યાત્મિક વાતાવરણ સર્જી દીધું. ત્યાં બહેનો અને ભાઈઓ મળીને લગભગ ૪૦૦ જેટલી સંખ્યા હતી. ૯॥ થી ૧૧॥ સુધી શ્રીકૃષ્ણ અને શ્રીરામકૃષ્ણ એ વિષય પર મારું પ્રવચન હતું. સાંજે કેન્દ્ર પર ગીતા પરનું ૬ઠ્ઠું વ્યાખ્યાન થયું. રવિવાર હોવાથી વ્યાખ્યાન પછી ફરી ભક્તોને મળવાનું થયું.

Total Views: 43

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.