यज्ज्ञात्वा मत्तो भवति, स्तब्धो भवति, आत्मारामो भवति ॥ ६ ॥

(यत्, જેને; ज्ञात्वा, જાણીને; मत्तः, મદોન્મત્ત; भवति, થાય છે; स्तब्धः, સ્થિર-શાન્ત; भवति, થાય છે; आत्मारामः, પોતે પોતાના આત્મામાં જ આનંદ અનુભવતો; भवति, થાય છે. )

જેને જાણ્યા પછી ભક્ત મદોન્મત્ત-પાગલ જેવો બની જાય છે. જડ પદાર્થની પેઠે નિષ્ક્રિય બની જાય છે, અને પોતાના આત્મામાં જ આનંદ પામતો બની જાય છે. ૬

આગળના સૂત્રમાં બધી અભિવ્યક્તિઓ નકારાત્મક હતી. જેમકે ભક્ત ધિક્કારતો નથી, ઉત્સાહી બનતો નથી વગેરે. હવે આ સૂત્રમાં બધાં વિધાનો – (અભિવ્યક્તિઓ) હકારાત્મક છે, કે જેને જાણીને સાધક પૂરેપૂરો નિમગ્ન થાય છે, એ આનંદમાં પાગલની પેઠે બેહોશ બની જાય છે… વગેરે. આ બેહોશી-પાગલપણું- એ અર્થમાં છે કે એ ભક્ત પૂર્ણત: નિમગ્ન થઈ જાય છે, જેવી રીતે નશામાં ચકચૂર થયેલો કોઈ મનુષ્ય બહારની દુનિયાનું કશું જ્ઞાન ધરાવતો નથી તેવી જ રીતે આ પ્રબુદ્ધ ભક્ત પણ પાગલ જેવો થઈ જાય છે, આનંદમાં ડૂબી જાય છે, અને એટલો બધો ડૂબી જાય છે કે પોતાની આસપાસની દુનિયાની કશી જ ભાનસાન એને રહેતી નથી.

ધારો કે કોઈ ભક્ત એવી નશીલી હાલતમાં હોય અને ભગવાન પાછળ પાગલ બની ગયો હોય, તો શું એ તોફાન મસ્તી કે ધમાલ કરશે ખરો? નહિ જ. એ તો ભરપૂર-છલોછલ- બની જાય છે અને એટલા જ માટે સ્થિર-નિશ્ચલ- કોઈ જ કાર્યની ચેષ્ટા વગરનો- થઈ જાય છે. પરંતુ, એણે જડ પદાર્થ જેવા બનવાનું શા માટે ઇચ્છવું જોઈએ? કારણ એ છે કે એ પોતાના જ આનંદમાં – નિજાનંદની જ મસ્તીમાં – ડૂબેલો હોય છે એટલે કે એનો આનંદ, એના પોતાના આત્મામાંથી જ ઉદ્‌ભવ પામેલો હોય છે. એનો આનંદ કોઈ બહારના સંજોગોમાંથી જન્મતો નથી કે બહારના સંજોગો પર આધાર પણ રાખતો નથી. એનો આનંદપ્રવાહ એના આત્મામાંથી વહે છે એટલા માટે કાર્યકલાપ એનું આવશ્યક ગુણલક્ષણ નથી.

ઉપનિષદોમાં આ વાત જુદી રીતે કહેવામાં આવી છે. જ્યારે ઋષિ યાજ્ઞવલ્કય જ્ઞાનમાર્ગમાં પ્રબુદ્ધ પુરુષની સ્થિતિનું વર્ણન કરી રહ્યા હતા. ત્યારે તેમાં પણ આવી અભાનતા જ કહેવાઈ છે. મૈત્રેયી આથી મૂંઝવણમાં પડી, બોલી : ‘તો એ મેળવવાના પ્રયત્નો કરવાની જરૂર જ શી છે? હું તો આવી સ્થિતિમાં કોઈ સારાવાટ જોતી નથી. એમાં તો તમે ફક્ત એક જડ પદાર્થ કે જડ વિષય જ બની રહો છો. એમાં શી ભલીવાર થવાની?’ ત્યારે યાજ્ઞવલ્કયે, ‘એ સ્થિતિમાં વસ્તુઓનું ભાન હોતું નથી’; એનો અર્થ શો છે, તે સમજાવ્યું; વિષયોની સભાનતાનો અર્થ વિષયોના મહત્ત્વનો સ્વીકાર થાય છે. અને એ સભાનતા વિષયો ઉપર આધાર રાખે છે. પણ આ ખાસ સ્થિતિ તો કોઈ બહારના વિષય ઉપર આધાર રાખતી નથી.

હવે, આ જડવત્‌ સ્થિતિ, એ કંઈ આવનજાવન કરતા વિચારોનો અભાવમાત્ર જ નથી પણ એ વિચારોના દ્રષ્ટાનો ક્યારેય અભાવ થતો નથી, એનો પણ અનુભવ મૈત્રેયીને બરાબર થાય એટલા માટે યાજ્ઞવલ્કયે પોતાનો ઉપદેશ આગળ વધાર્યો હતો. એટલે આપણે જ્યારે સામાન્ય રીતે સભાનતાની વાત કરતા હોઈએ, ત્યારે તો એ માત્ર વિષયોની અથવા સભાનતાના સીમિત ટુકડાઓની જ વાત છે. અહીં ‘मत्तः’ શબ્દમાં જે સભાનતાના અભાવની વાત છે, તે આવી સભાનતા છે.

પરંતુ અહીં તો ભક્તિયોગની વાત છે. એટલે આપણે વસ્તુઓનો બીજા દૃષ્ટિકોણથી વિચાર કરવો જોઈએ. જ્યારે ભક્ત આવી ઉન્માદની અવસ્થા પામે છે, ત્યારે એનો આનંદ કોઈ બહારના સંજોગો ઉપર આધાર રાખતો નથી અને આમ હોવાથી એ આનંદ અમર-અનંત થાય છે. જો આપણો આનંદ કે આપણું સુખ કોઈક બહારના પદાર્થ કે સંજોગો આધાર રાખતાં હોય, તો એ સંજોગ બદલાઈ જાય ત્યારે એ સુખ અને આનંદ પણ અદૃશ્ય જ થાય છે. પણ આ બાબતમાં એવું નથી અહીં કોઈ જ એવી સ્થિતિ આવતી નથી કે જે આનંદને સીમિત કરી દે. આ આનંદ તો સ્થિતિનિરપેક્ષ છે અને તેથી જ અનવચ્છિન્ન પણ છે, અનવરુદ્ધ છે. અહીં ‘आत्माराम’ શબ્દથી આ જ સૂચિત થાય છે. સૂત્રમાં જો આ શબ્દ ન મૂક્યો હોત, તો પેલો ‘સ્તબ્ધ’ શબ્દ, સાધારણ લૌક્કિ જડતાનો વાચક જ બની રહેત અથવા ‘મત્ત’ નો અર્થ સાધારણ બેહોશી કે પાગલપણાનો જ થાત. એટલે એવા અર્થોથી અલગ અર્થ કરવા માટે આવી અભિવ્યક્તિ કરવામાં આવી છે. આ અભિવ્યક્તિ (આત્મારામ)નો અર્થ, ‘આત્મામાંથી ઊભરાતા આનંદમાં રમમાણ’ એવો થાય છે.

ભક્તે ઈશ્વરની અનુભૂતિના આનંદમાં પૂરેપૂરા નિમગ્ન રહેવું જોઈએ. ભક્ત પામી શકે એવું મોટામાં મોટું એ આકર્ષણ છે. પરંતુ, તો પછી જો આ જ ‘આત્મારામ’ની સ્થિતિ એને માટે ઇચ્છનીય હોય, અને જો એને કોઈ અન્ય પ્રત્યે સહાનુભૂતિની લાગણી થઈ આવે, ત્યારે તો એ સ્વાભાવિક રીતે જ પોતાના આનંદની અન્ય સાથે ભાગીદારી કરવાનો જ ને! અને તો એણે એ સ્થિતિ કેવળ પોતાને માટે જ પ્રાપ્ત કરી ન કહેવાય. અને અન્ય લોકો એ સ્થિતિ પ્રાપ્ત ન કરી શક્યા હોય, એ માટે એ ભક્ત દુ:ખી પણ થવાનો જ ને! અને અન્યને એવી સ્થિતિ પ્રાપ્ત થાય, એ માટે એ ભક્ત પોતાનો સમય અને શક્તિ પણ ખર્ચવાનો જ! ભક્ત હંમેશાં આવો જ સ્તબ્ધ કે શાન્ત હોય એવું હોતું નથી. જો કે શ્રીરામકૃષ્ણે વારંવાર કહ્યું છે કે ‘મનુષ્ય જેમ જેમ ભગવાન તરફ આગળ વધતો જાય છે, તેમ તેમ એની બહારની પ્રવૃત્તિઓ ઓછી થતી જશે અને પછી જ્યારે એ સત્યનો સાક્ષાત્કાર કરી લેશે ત્યારે એ અનુભૂતિમાં તે નિમગ્ન રહે છે.’ પણ એ તો નિમ્નકોટિના લોકો માટેની વાત છે. શ્રીરામકૃષ્ણના મનમાં તો એથી વધારે ઊંચી કોટિના લોકો જ છે. એમની વાત એમણે સાધારણ લોકો આગળ કહી નથી. કારણ કે એ કક્ષા સુધી પહોંચવાની તેમની પાત્રતા હોતી નથી. આનો અર્થ એ થયો કે ઉપરની વાત તો કેટલાક ઉચ્ચતમ ભક્તાત્માઓ માટે જ છે. માણસ માટે પોતાની મુક્તિની સાધના કરવી એ જ પૂરતું છે, પણ એ સ્થિતિએ અન્યોને પહોંચવાની મહેનત કરવી, એ તો વળી એથીય વધારે મોટી સિદ્ધિ છે, વધારે ઊંચી સ્થિતિ છે, વધારે ઊંચી કક્ષા છે.

બુદ્ધના જીવનમાં એમ કહેવામાં આવે છે કે નિર્વાણની પ્રાપ્તિ પછી તેઓ સાત દિવસ સુધી એના આનંદમાં ડૂબેલા રહ્યા. ત્યાર પછી બહારના જગતનો અનુભવ તેમને થવા લાગ્યો. અને ત્યાર પછી જ તેમણે પોતાની આસપાસનાં દુ:ખો નિહાળ્યાં. અને એ દુ:ખાનુભવે જ એમને નિર્વાણની ખોજ કરવા માટે ઉતાવળા બનાવ્યા હતા! પણ પહેલાં પોતાને જ્યારે નિર્વાણ મળ્યું, ત્યારે તો એ એમાં એટલા બધા ડૂબી ગયા હતા કે સાત સાત દિવસ સુધી એ તન્મયતામાંથી બહાર જ ન નીકળી શક્યા. અને એ વખતે દુનિયાના દુ:ખોનો વિચાર પણ એમના મનમાંથી ભુંસાઈ ગયો હતો. સાત દિવસ પછી જ્યારે એ નિમજ્જનથી બહાર આવ્યા, ત્યારે તેમણે પોતાની આસપાસ નિહાળ્યું. અને જેની સાથે પોતાનો જૂનો પનારો પડ્યો હતો, એવાં દુ:ખો તેમણે જોયાં. અને પછી એમણે અન્યોને ઉપદેશ દેવાનો આરંભ કર્યો.

તો આ રીતે પ્રવૃત્તિ શરૂ થાય છે. પણ પ્રબુદ્ધ માનવની પ્રવૃત્તિઓ અને અપ્રબુદ્ધની પ્રવૃત્તિઓ વચ્ચે એક પાયાનો ફરક છે. પ્રબુદ્ધ આત્માની પ્રવૃત્તિઓ પારકા માટે હોય છે, પોતાને માટે નથી હોતી, જ્યારે અપ્રબુદ્ધ મનુષ્યની પ્રવૃત્તિઓ એના સ્વાર્થી હેતુઓ માટેની – પોતાના માટેની – જ હોય છે બસ આ પાયાનો ફરક છે.

હજુ એક બીજો મુદ્દો : એવું યે કંઈ નથી કે એ પ્રબુદ્ધપુરુષ અન્યો માટે સદાસર્વદા પ્રવૃત્તિઓ કરતો જ રહેતો હોય; એવું કંઈ જરૂરી નથી. જો કોઈ એવો પોતામાંની જ પૂર્ણતાની અનુભૂતિમાં સંપૂર્ણ રીતે નિમગ્ન રહેતો હોય, એ ફરી વખત પ્રવૃત્તિમય જીવનનો માર્ગ ન પણ સ્વીકારે. પણ એ ‘ન પણ સ્વીકારે’ શબ્દોમાં ‘સ્વીકારવો ન જોઈએ’ એવો અર્થ ફલિત થતો નથી. એ પ્રબુદ્ધજન સામાન્ય મનુષ્યના સ્તરે પણ આવી શકે અને અન્યોને સહાય કરવાનો પ્રયત્ન પણ કરી શકે છે અથવા તો પોતાની સાક્ષાત્કારીય સ્થિતિમાં નિમગ્ન પણ રહી શકે છે. શ્રીરામકૃષ્ણ બેમાંથી એવા પુરુષોને વધારે વખાણે છે કે જેઓ અન્યોને માટે સામાન્ય સ્તરે આવે. જે મનુષ્યે પૂર્ણત્વ પ્રાપ્ત કર્યું હોય અને બહારની દુનિયાની સભાનતાના નીચલા સ્તરે ન આવે, તે પણ વખાણવાલાયક તો છે જ. જીવનના ધ્યેયને હાંસલ કરનાર વ્યક્તિ તરીકેનું સન્માન એ પામે જ છે. પરંતુ, ત્યાર પછી શ્રીરામકૃષ્ણના કથન મુજબ વધારે મહાન આત્મા તો એ છે કે જે અન્યને સહાય કરવા માટે, પૂર્ણતાના પ્રાપ્ત આનંદથી પણ પોતાને વંચિત કરી દે. પણ બધા જ કંઈ આવી ઉચ્ચતર કક્ષાના ભક્તો થઈ શકતા નથી. એટલે ભક્ત પોતાની મુક્તિ માટે સાધના કરતો હોય, તો તે ચલાવી લેવું જોઈએ- એ પણ ઠીક છે. પોતાની મુક્તિમાં જ પર્યવસાન પામતા એવા ભક્તનાં પ્રશસ્ય ગુણલક્ષણો તો અકબંધ જ રહે છે – દૂર થતાં નથી. પણ જો એ અન્ય માટે પોતાના આનંદને જતો કરતો હોય તો વળી વધારે પ્રશંસાપાત્ર છે, એટલું જ.

આવા મહાન આત્માઓ તો જ્વલ્લે જ મળે છે. અને આવા લોકોને કારણે જ આધ્યાત્મિક્તાનો ઉચ્ચતમ આદર્શ ગુમાવાયો નથી. જો આવા મહાત્માઓ અજ્ઞાનીઓને સહાય કરવા માટે નીચે ન આવે, તો એ ઉચ્ચતમ આદર્શ પૂરેપૂરો ગુમાવાઈ જ જાય! કારણ કે જે સ્ત્રી કે પુરુષે ભગવાનનો સાક્ષાત્કાર કરી લીધો હોય છે, તે સ્ત્રી-પુરુષ જગતને માટે તો મરી ગયેલ જ હોય છે. અને એટલાં બધાં મરેલાં હોય છે કે દુનિયા એમને મૂલવવાની સ્થિતિમાં જ હોતી નથી. પરંતુ, જ્યારે તેઓ નિમ્નસ્તરે આવે અને લોકોને પોતાની અવસ્થાની સમજૂતી આપે અને એવી અવસ્થાની પ્રાપ્તિ માટેના માર્ગ પણ બતાવે, ત્યારે જ આવી અવસ્થાની મહત્તાનો આદર મનુષ્યો કરી શકે. એ સિવાય તો નહિ જ.

અન્યો માટે પોતાના આનંદનો ત્યાગ કરનાર મનુષ્ય અને પોતાની મુક્તિ માટે સાધના કરનાર મનુષ્ય- બન્ને મહાન છે. છતાંયે પ્રથમ મનુષ્ય વધારે મહાન છે. સ્વામી વિવેકાનંદના જીવનનો એક જાણીતો પ્રસંગ છે. સ્વામીજી (ત્યારે નરેન્દ્ર) સમાધિમાં જ મગ્ન રહેવા ઇચ્છતા હતા – સમાધિનો આનંદ જ અનુભવવા ઇચ્છતા હતા. ત્યારે રામકૃષ્ણે તેમને ઠપકો આપ્યો. એ વખતે એમણે કહ્યું : ‘મેં તો માન્યું હતું કે તું વધારે મહાન થઈશ. શાખાપ્રશાખાઓ ફેલાવતા, છાયા પાથરતા મહાન વટવૃક્ષ સમો તું થઈશ કે જેની નીચે થાક્યા માંદા મુસાફરો આવીને આરામ લઈ શકે.’ એટલે કે એમણે એવું કહ્યું કે પોતાનાં દુ:ખોમાંથી મુક્ત થઈ શકે એટલા માટે દીન દુ:ખિયારી માનવજાતને મદદ કરવાને બદલે નરેન્દ્ર તો કેવળ પોતાના આત્માના આનંદમાં જ નિમગ્ન રહેવા માગતો હતો! એ વાત શ્રીરામકૃષ્ણના મત પ્રમાણે કોઈ વખાણવાલાયક વલણ ન હતું. ઉચ્ચતમ માનદંડથી માપીને જ રામકૃષ્ણ સ્વામીજીનું મૂલ્યાંકન કર્યા કરતા. પોતાના ગુરુના આવા વલણને સ્વામીજી પણ સમજતા જ હતા. અને એ પછીના સમયમાં સ્વામીજીએ પોતે જ કહ્યું હતું કે જ્યાં સુધી બંધનમાં પડેલો છેલ્લામાં છેલ્લો મનુષ્ય મુક્ત નહિ થાય, ત્યાં સુધી હું પોતાની મુક્તિ ઇચ્છતો નથી. એટલા જ માટે તેઓ શ્રીરામકૃષ્ણના શ્રેષ્ઠ શિષ્ય હતા.

सा न कामयमाना निरोधरूपत्वात् ॥७॥

(सा, તે (ભક્તિ); न कामयमाना, બીજું કશું ઇચ્છતી નથી; निरोधरूपत्त्वात्, સંયમના સ્વરૂપવાળી હોવાથી).

ભક્તિને બીજા કશાની આવશ્યકતા નથી કારણ કે ઈંદ્રિયોના પૂર્ણ સંયમ દ્વારા તે પ્રાપ્ત થયેલી હોય છે.૭

આપણે છ સૂત્રો પૂરાં કર્યાં. હવે સાતમા સૂત્રની શરૂઆત કરીએ. આ સૂત્ર ભક્તિનાં વધારાનાં ગુણલક્ષણો સાથે સંબંધ ધરાવે છે. અગાઉ નારદ એવા સાધકોનાં ગુણલક્ષણો બતાવી રહ્યા હતા કે જેમણે ભક્તિની ઉપલબ્ધિ કરી લીધી હોય. અને હવે તેઓ ભક્તિના સ્વરૂપનો વિસ્તાર કરે છે. ભક્તિ, એ કોઈ ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ માટે સાધન તરીકે વાપરી શકાય એવી વસ્તુ નથી. એટલા માટે એને ‘નિરોધરૂપા’ કહેવામાં આવી છે. ‘નિરોધ’ એટલે ઇચ્છાઓનો નાશ. જ્યારે મનુષ્યના મનમાં સાચી ભક્તિનો ઉદય થાય છે, ત્યારે બધી જ ઇચ્છાઓ સમૂળગી નાશ પામી જાય છે. ભક્તિનું આવું સ્વરૂપ હોવાથી એ કોઈ જ ઇચ્છાપ્રાપ્તિનું સાધન બની શકે નહિ. ભક્તિનો ચોખ્ખો અર્થ જ બધી ઇચ્છાઓનો નિષેધ થાય છે. એટલે એ બન્ને સાથે તો ન જ નભી શકે. ઇચ્છાઓ અને સાથોસાથ સમાંતરે ભક્તિ અથવા તો કોઈ વસ્તુની પ્રાપ્તિ માટે ભક્તિ – આ તો અશક્ય જ છે.

આપણે સામાન્ય રીતે કોઈક વસ્તુ મેળવવા માટે ભગવાનને ભજીએ છીએ. જે વસ્તુ આપણે બીજી કોઈ રીતે મેળવી શકતા ન હોઈએ, તે ભગવાનના અનુગ્રહથી પ્રાપ્ત કરવા પ્રાર્થના કરીએ છીએ. અથવા તો આપણા પોતાના પ્રયત્નથી જે વસ્તુની પ્રાપ્તિ મુશ્કેલ હોય, તેને મેળવવા ભગવાનને પ્રાર્થીએ છીએ. એ ધનદોલત હોય કે પછી આપણે હસ્તગત કરવા ઇચ્છેલો કોઈ ભૌતિક વિષય હોય; એ નામ અને કીર્તિ પણ હોય, એ સમાજમાંનું અગ્રગણ્ય પદ વગેરે પણ હોઈ શકે, આપણી ઇચ્છાઓ તો અપાર છે. અને જે ગતિથી એ વધતી રહે છે, એની આપણે કલ્પના પણ કરી શકતા નથી. આવી ઇચ્છાઓની પ્રાપ્તિ માટે સામાન્ય માણસો ઈશ્વરની પ્રાર્થના કરે એ તો સાવ સ્વાભાવિક જ છે. પરંતુ, આપણે અત્યારે અહીં જે ભક્તિની ચર્ચાવિચારણા કરી રહ્યા છીએ, તે પ્રકારની ભક્તિ એ નથી. અહીં તો ભક્તિને ‘પરમ પ્રેમ’ કહી છે. એ કોઈપણ કામના સાથે રહી જ ન શકે એટલે કહ્યું છે કે ભક્તિ કોઈ ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ માટે હોતી નથી. કારણ કે એનું સ્વરૂપ કામનાઓના નિરોધરૂપ છે. ભક્તિના યથાતથ સ્વરૂપને જ્યાં સુધી લાગેવળગે છે ત્યાં સુધી આ વાત અત્યંત મહત્ત્વની છે.

ભગવદ્‌ગીતામાં આપણને ભક્તોના ચાર પ્રકારો પાડેલા જોવા મળે છે : ‘आर्तो जिज्ञासुरर्थार्थी ज्ञानी च भरतर्षभ।’ (ગીતા ૭, ૧૬)

૧. દુ:ખમાં પડેલો મનુષ્ય (આર્ત). એ દુ:ખમાંથી છૂટકારો મેળવવા પ્રભુની પ્રાર્થના કરે છે.૨. એક એવા પ્રકારનો મનુષ્ય કે જે સૃષ્ટિની રચનાના રહસ્યને જાણવા ઇચ્છે છે. સૃષ્ટિના ગૂઢ અર્થને ઉકેલવા ઇચ્છે છે. પોતાના મર્મને સમજવા મથે છે. આ પ્રકારનો ભક્ત (જિજ્ઞાસુ) જાણવા-ખોળવા-પારખવા ઇચ્છે છે. પણ એ હેતુ માટે એ ભગવાનને પ્રાર્થે છે એટલે એ ભક્ત તો છે જ.૩. કોઈક ઇચ્છિત પદાર્થ પ્રાપ્તિ કરવા માટે પરમેશ્વરની પ્રાર્થના કરનાર મનુષ્ય (અર્થાર્થી). એવો મનુષ્ય પોતાની આવશ્યકતાઓની પૂર્તિ માટે પ્રભુને પ્રાર્થે છે. ભગવાનના અનુગ્રહ દ્વારા – ઈશ્વરના આશીર્વાદ દ્વારા – એ કશુંક હાંસલ કરવા માગતો હોય છે.૪. જ્ઞાની ભક્ત એ છે કે જેણે એ જાણી લીધું છે કે કેવળ ઈશ્વર જ મેળવવા યોગ્ય શ્રેષ્ઠ વિચાર છે. એની ઈશ્વર પ્રત્યેની ભક્તિ સ્વયં-સ્ફૂર્ત રીતે જ વહેતી રહે છે.

ભક્તોના આ ચાર પ્રકારો છે. ભગવદ્‌ગીતામાં એવું કહેવામાં આવ્યું છે કે આ બધા ભક્તો મહાન જ છે કારણ કે તેઓ ઈશ્વરની ભક્તિ કરે છે. આમ છતાં પણ એ જ્ઞાની ભક્ત, કે જેણે ભગવાનને જ શ્રેષ્ઠ પ્રાપ્ત કરવા યોગ્ય વિષય તરીકે જાણ્યો છે, જે જાણે છે કે સમગ્ર જ્ઞાનની પૂર્તિ એકમાત્ર પરમેશ્વર જ છે- એવાની સાથે તો ખરેખર જ કોઈનીય સરખામણી થઈ શકે નહિ. ભગવાન ઘોષણા કરે છે કે, ‘ज्ञानी त्वात्मैव मे मतम्’ (ગીતા ૭,૭-૮) – ‘જ્ઞાનવાન પુરુષ તો મારો પોતાનો જ આત્મા છે.’ ‘એ મારું જ સ્વરૂપ છે અને એટલા માટે મને જેમ હું વહાલો છું, તેવી જ રીતે તે વહાલો છે.’ આનો અર્થ એ છે કે ભક્તશ્રેણીમાં સર્વશ્રેષ્ઠ તો જ્ઞાનીભક્ત જ છે, અને બીજા બધા નિમ્નતર કક્ષાના છે આ સૂત્રમાં એ વાતને જુદી રીતે મૂકવામાં આવી છે. જ્યાં સુધી આપણે ઈશ્વરને એક સાધનરૂપે જ ઝંખતા હોઈએ અને પરમલક્ષ્યરૂપે ગણતા ન હોઈએ, ત્યાં સુધી આપણે સાચા ભક્ત કહેવાઈએ નહિ. સાચો ભક્ત ભગવાનને સાધનમાત્ર બનાવી દેતા નથી એને માટે તો ભગવાન સ્વયં પરમધ્યેય સ્વરૂપ જ છે : સાચી ભક્તિ કશાનું સાધન નથી પણ પોતે એક સ્વયંપૂર્ણ સાધ્ય જ છે. કારણ કે ભક્તિ અને ભોગેચ્છા ક્યારેય ભેળાં રહી શકતાં નથી. કારણ કે એકમાં બીજાનો નિષેધ જ નિહિત હોય છે. ભક્તિ હોય ત્યાં ક્યારેય ભોગેચ્છા ન હોય. એટલે આ સૂત્રમાં ભાર એ જ વાત પર મૂકવામાં આવ્યો છે કે ભક્તિ એ કોઈ ઈષ્ટપ્રાપ્તિનું સાધન નથી કારણ કે ત્યાં ઇચ્છાઓનો જ નિષેધ છે. આ મુખ્ય મુદ્દો છે.

આ નિષેધ-નિરોધ એક એવો માનદંડ છે કે જેનાથી આપણે આપણી ભક્તિની સાચુકલાઈ પારખી શકીએ. જો આપણી ભક્તિ સાચુકલી હશે, તો આપણે ઈશ્વર પાસેથી કશી જ વસ્તુની અપેક્ષા રાખશું નહિ, એટલી હદ સુધી કે આપણે એની પાસેથી જનમ મરણના ફેરામાંથી મુક્તિ પણ માગશું નહિ – એટલે કે મોક્ષની અપેક્ષા પણ રાખીશું નહિ. સાચા ભક્તને આ બધી વસ્તુઓની કશી જ ખેવના હોતી નથી. એટલું જ નહિ, એ ભક્તિ દ્વારા સુખ પ્રાપ્ત કરવા પણ ઇચ્છતો નથી. જો આપણે ભક્તિ દ્વારા કોઈક સુખ કે શાંતિનો અનુભવ કરવાની ઝંખના સેવતા હોઈએ, તો તો આ ભક્તિ કંઈ સ્વયં પર્યાપ્ત સાધ્ય ન રહી! તો તો એ એક સાધન જ બની ગઈ! એ ખરા ભક્તની ભક્તિ ન રહી, એટલે ‘હું ભક્તિ દ્વારા જ સુખ અને શાંતિ પ્રાપ્ત કરી શકું’ – વગેરે, જેવી વારંવારે કરવામાં આવતી આપણી વાતચીતો તો ઠીક છે, એ ભલે ચાલ્યા કરે. પણ ઉચ્ચતમ ભક્તિની કક્ષા કરતાં તો એ ઘણી જ નીચી કક્ષાની ભક્તિ છે. સાચુકલી ભક્તિ માટે તો ભક્તિ પોતે જ ભક્તિનું લક્ષ્ય છે. સ્વામી વિવેકાનંદે પોતાના ‘ભક્તિયોગ’માં આ મુદ્દા ઉપર ભાર મૂક્યો છે એ પ્રેમયોગ છે. જો એમાં ગમે તેવી ઉચ્ચ પ્રકારની પણ એષણાની એક રેખા પણ પડી ગઈ તોય આખરે તો એ એષણા જ છે. એટલે એના સદંતર નિરોધ-નિષેધના સ્વરૂપવાળી ભક્તિ કહી છે. પરંતુ, શ્રીરામકૃષ્ણે તો એવું કહ્યું છે જો કે ‘ભક્તિની એષણાને એષણા કહેવાય જ નહિ.’ એનું શું કરીશું? ઉત્તર એ છે કે એ જાણે કે એક તાર્કિક શબ્દચાતુરી માત્ર છે : ભક્તિની એષણા એ એષણા નથી. કારણ કે ભક્તિ એટલે તો એષણાનો નિરોધ જ છે. અને ભક્તિની એષણા એટલે એષણાના નિરોધની એષણા! આ જ બતાવે છે કે એવી એષણા (ઇચ્છા)એ એષણા જ નથી.

એટલા માટે ભક્તિને બે શ્રેણીમાં વહેંચી શકાય : એક માર્ગ છે (ભક્તિમાર્ગ) અને બીજી છે લક્ષ્ય-ધ્યેય! આપણે ‘ભક્તિ’ એ શબ્દ દ્વારા શિથિલ અર્થમાં એના સંપૂર્ણ ક્ષેત્રને (બન્ને શ્રેણીઓને) એકમાં સમાવી લેતા હોઈએ છીએ. જ્યાં સુધી આપણે ભક્તિના માર્ગ ઉપર હોઈએ ત્યાં સુધી આપણે માટે સ્વાભાવિક છે કે આપણા મનમાં રહેલા કોઈ વિષયની પ્રાપ્તિ માટે ભક્તિ દ્વારા ઇચ્છા કરીએ એ સહજ છે. પરંતુ, જ્યારે આપણે એ ધ્યેયને પામી જ ચૂક્યા હોઈએ ત્યારે તો ભલે ઊંચાંમાં ઊંચા પ્રકારની ઇચ્છા કેમ ન હોય, તો પણ એ રહી જ શકશે નહિ.

એટલે ભક્તિનું ‘निरोधरुपत्वात्’ – ‘ઇચ્છાના નિરોધરૂપ ગુણલક્ષણ યાદ રાખવું જોઈએ કામનાઓનો નિરોધ એ એનું સ્વરૂપ છે. પણ આ નિરોધ કે નિષેધ શેનો છે? – કેવી ઇચ્છાઓનો છે? – આ વાત હવે પછીના સૂત્રમાં બતાવવામાં આવશે.

(ક્રમશ:)

Total Views: 69

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.