ન્યાય માટે રાણી રાસમણિ હંમેશાં લડતાં રહ્યાં. અનાવશ્યક રીતે સરકારને પડકાર કરવાની કે તંગ કરવાનો એમનો હેતુ ન હતો. ઊલટાનું ૧૮૫૭ના બળવાના કટોકટીના સમયે અનાજ, ઘેટાં-બકરાં, મરઘાં અને બીજી આવશ્યક વસ્તુઓ પૂરી પાડીને તેમણે સરકારને સહાય કરી હતી. આ કલ્યાણકારી કાર્યની બ્રિટિશ સરકારે ઘણી કદર કરી હતી.

અલબત્ત કેટલાક સૈનિકો આવી કદર ન કરતા. રાણી રાસમણિના ઘરની નજીક બ્રિટિશ લશ્કરની છાવણી હતી. એમાંના કેટલાક સૈનિકો વારંવાર ચોરી-લૂંટ કરતા, રસ્તેથી પસાર થનારને પીડતા કે લૂંટી લેતા અને આજુબાજુની દુકાનોમાંથી પણ લૂંટ ચલાવતા. એક દિવસ થોડા પીધેલી હાલતવાળા સૈનિકો શેરીમાં એક વ્યક્તિને ત્રાસ આપતા હતા. રાણી રાસમણિના જમાઈઓનું ધ્યાન એમના છાપરા પરથી ગયું, એમનાથી એ સહન ન થયું. એમણે પોતાના ચોકીદારોને એ પીધેલી હાલતવાળા સૈનિકોને હાંકી કાઢવા કહ્યું, અને એમ કરવામાં એક સૈનિક ઘાયલ પણ થયો. સૈનિકો તો પોતાની છાવણીમાં પાછા આવ્યા અને એમણે મિત્રોને પોતાની થયેલી કફોડી હાલત વિશે વાત કરી. તરત જ કોપિત થયેલા સૈનિકોનું એક ટોળું છાવણીમાંથી બહાર ધસી આવ્યું અને રાણી રાસમણિના મહેલ પર હુમલો કર્યો. એમના ચોકીદારોએ એ સૈનિકોનો સામનો કરવા પ્રયત્ન કર્યો પણ તેઓ સફળ ન થયા, કારણ કે એ સૈનિકો શસ્ત્રથી સજ્જ હતા, અને સંખ્યામાં પણ વધારે હતા. કેટલાક ચોકીદારો ઘવાયા અને બાકીના નાસી ગયા. રાણી રાસમણિએ પોતાનાં બધાં સગાંઓને પાછળના દરવાજેથી નાસી જવા કહ્યું. પણ એણે પોતાનો જીવ બચાવવા કોઈ પ્રયાસ ન કર્યો. હાથમાં ઉઘાડી તલવાર સાથે તેઓ મંદિરના દ્વારે ચોકી કરતાં ઊભાં રહ્યાં. સદ્‌ભાગ્યે પેલા સૈનિકો ઘરના એ ભાગ તરફ ન આવ્યા. તેઓ આખા મહેલમાં ફરી વળ્યા અને કીમતી વસ્તુઓ, રાચરચિલું, ચિત્રો, બારીઓ અને સંગીતના સાધનોને તોડીફોડી નાખ્યાં. એમણે નિર્દયતાથી રાણી રાસમણિના મોર અને બીજાં પક્ષીઓ તેમજ પ્રાણીઓને મારી નાખ્યાં. રાતના ૧૦ વાગ્યા સુધી ધ્વંશકાર્ય ચાલતું રહ્યું. આ હુમલા વખતે મથુરબાબુ ઘરે ન હતા. જ્યારે તેઓ પાછા ફર્યા અને મહેલમાં શું થઈ રહ્યું છે એ જોયું જાણ્યું કે તરત તેઓ લશ્કરની છાવણીમાં દોડી ગયા અને છાવણીના કમાંડીંગ ઓફિસરને ચેતવણી આપી. તેઓ મથુરબાબુ સાથે મહેલમાં આવ્યા અને બ્યુગલ વગાડ્યું. પછી સૈનિકો પોતાની છાવણીઓમાં પાછા આવ્યા. આ ભયંકર ઘટના પછી રાણી રાસમણિએ પોતાના મહેલનું રક્ષણ કરવા માટે બે વર્ષ સુધી ૧૨ વિશ્વાસુ અંગ્રેજ સૈનિકોને નિમ્યા. પોતાની માલમિલકતને થયેલા નુકશાનનું વળતર પણ બ્રિટિશ સરકાર પાસેથી વસૂલ કર્યું. (પ્રબોધચંદ્ર સાંત્રા કૃત ‘રાણી રાસમણિ’ પૃ.૬૩-૬૬)

૧૮૫૦માં રાણી રાસમણિ ભગવાન જગન્નાથનાં દર્શન કરવા જગન્નાથ પુરીની યાત્રાએ ગયાં. એ દિવસોમાં પુરીથી કોલકાતા સુધી રેલવે કે સારા રસ્તા ન હતાં. જો યાત્રાળુ નાણા ખર્ચી શકે તો તેઓ ગંગામાં હોડી દ્વારા યાત્રા કરીને બંગાળની ખાડીને ઓળંગી શકે. રાણી રાસમણિએ પોતાનાં સગાંવહાલાં, મિત્રો, ચોકીદારો અને સેવકો તદુપરાંત અનાજ અને બીજી આવશ્યક ચીજવસ્તુઓ સાથેના નૌકા કાફલા દ્વારા યાત્રાપ્રયાણ કર્યું. મુસાફરી ઘણી લાંબી હતી. જેવા તેઓ બંગાળની ખાડીમાં પ્રવેશ્યા કે એકાએક વાવાઝોડું આવ્યું અને એણે વિવિધ દિશાઓમાં હોડીઓને નાખી દીધી. રાત્રી થઈ ગઈ અને સાગર તો હજુયે ભયાનક હતો. રાણી રાસમણિએ પોતાના ખલાસીઓને દરિયા કિનારા નજીક હોડીને લાંગરવા આજ્ઞા કરી. પછી સેવિકાઓ સાથે તેઓ નીચે ઊતર્યાં અને આજુબાજુ ક્યાંક આશ્રયસ્થાન શોધવા લાગ્યાં. દૂર પ્રકાશ નજરે પડતાં તેઓ એ તરફ ગયાં અને ગરીબ બ્રાહ્મણ કુટુંબનું નાનકડા ઝૂંપડા જેવું ઘર એમને મળ્યું. રાણી રાસમણિએ પોતે કોણ અને કેવા છે એ ન કહ્યું પણ પેલા કુટુંબે બે સ્ત્રીઓને આ વાવાઝોડાવાળી રાત એમની સાથે પ્રેમથી ગાળવા દીધી. બીજે દિવસે તેમણે એ કુટુંબને સો રૂપિયા આપ્યાં એ સમય દરમિયાન નૌકા કાફલો વળી પાછો જોડાઈ ગયો અને રાસમણિએ પોતાની યાત્રા ફરીથી શરૂ કરી.

રસ્તામાં રાણી રાસમણિએ જોયું કે સુવર્ણરેખા નદીની પછીનો પુરીનો રસ્તો ઘણો બિસ્માર હતો. પછીથી યાત્રાળુઓની સુવિધા માટે એ રસ્તાનું સમારકામ કરવા પૈસા પણ આપ્યા હતા. પુરીમાં એમણે સાઠ હજાર રૂપિયાની કીમતના હીરાજડિત ત્રણ મુકુટ જગન્નાથ મંદિરના ત્રણ દેવતા ભગવાન જગન્નાથ, બલરામ, સુભદ્રાને અર્પણ કર્યા. આ ઉપરાંત એમણે મંદિરના પુજારીઓ, બ્રાહ્મણો તેમજ ગરીબોને અન્ન અને ધન પણ આપ્યું. (પ્રબોધચંદ્ર સાંત્રા કૃત ‘રાણી રાસમણિ’ પૃ.૪૯-૫૦)

બીજે વર્ષે રાણી રાસમણિ ત્રિવેણી સંગમ ગંગા સાગર અને ચૈતન્ય મહાપ્રભુની જન્મભૂમિ નવદ્વીપની યાત્રાએ ગયાં. પાછા ફરતી વખતે ચંદનનગર પાસે લૂંટારાઓએ એમની હોડી પર હુમલો કર્યો. રાણી રાસમણિના ચોકીદારોએ એની સામે ગોળીબાર કર્યો અને એક લૂંટારો ઘવાયો. પછી એમણે બંને ટુકડીઓને લડવાનું બંધ કરવા આદેશ આપ્યો અને ચોરના સરદારને એમની સાથે વાતચીત કરવા કહ્યું. પેલા લૂંટારા-સરદારે કહ્યું: ‘મા, અમારે પૈસા જોઈએ છીએ. જો તમે અમારી માગણી નહિ સંતોષો તો અહીં ભયંકર રક્તપાત થશે.’ રાણી રાસમણિએ પૂછ્યું: ‘તમારે કેટલા પૈસા જોઈએ છે? અને તમારી ટોળીમાં કેટલા જણા છો?’ લૂંટારાના સરદારે જવાબ આપ્યો: ‘અમે ૧૨ જણા છીએ.’ રાણી રાસમણિએ કહ્યું: ‘જો ભાઈ, અત્યારે મારી પાસે કંઈ રોકડા નથી. આવતી કાલે સાંજે હું તમને બાર હજાર રૂપિયા મોકલીશ. જો તમને આ સ્વીકાર્ય ન હોય તો મારો સોનાનો હાર અને થોડા ચાંદીના વાસણ લઈ લો.’ લૂંટારાના સરદારે કહ્યું: ‘અમને તમારી દરખાસ્ત માન્ય છે. આવતીકાલ સાંજ સુધીમાં જો અમને પૈસા નહિ મળે તો તમારી યાત્રા અટકી પડશે.’ રાણી રાસમણિ સત્યનિષ્ઠ હતાં. બીજે દિવસે સાંજે પેલા લૂંટારાઓને એક દૂત દ્વારા બાર હજાર રૂપિયા મોકલ્યા. (પ્રબોધચંદ્ર સાંત્રા કૃત ‘રાણી રાસમણિ’ પૃ.૫૦-૫૧)

યાત્રાળુઓ પોતાના પ્રેમભક્તિ, ઈશ્વર માટેની આરત અને પ્રાર્થનાથી યાત્રાસ્થળને પવિત્ર બનાવે છે. યાત્રાળુઓના તપ અને ઈશ્વર માટેની ઝંખના એવું આધ્યાત્મિક વાતાવરણ ઊભું કરે છે કે જે કોઈ આ સ્થળે આવે છે ત્યારે તેઓ પણ આવી જ પ્રેમભક્તિપૂજા ભાવના અનુભવે છે. દિવ્ય પ્રકાશની નગરી વારાણસી એટલે કે કાશી પણ ભારતનું આવું પવિત્ર તીર્થસ્થાન છે. ૧૮૪૭માં રાણી રાસમણિને કાશીનાં ભગવાન વિશ્વેશ્વર શિવ અને અન્નપૂર્ણા માતાનાં દર્શન કરવાની ઇચ્છા થઈ. એ વખતે કોલકાતા અને વારાણસી વચ્ચે રેલવે ન હતી એટલે એમણે હોડી દ્વારા જવાનું નક્કી કર્યું. છ મહિના સુધી ચાલે એવી જરૂરી વસ્તુઓની સામગ્રીનો ૨૫ હોડીઓનો કાફલો હતો. સાત હોડીઓ અનાજ અને બીજી આવશ્યક વસ્તુઓ માટે હતી, એક પોતાના માટે હતી. ત્રણ હોડીઓ પોતાની ત્રણ પુત્રીઓ અને એમનાં કુટુંબીજનો માટે હતી. બે હોડીઓ ચોકીદાર માટે અને બે હોડીઓ નોકર માટે હતી. ચાર બીજાં સગાંસંબંધી અને મિત્રો માટે હતી. બે હોડીઓ અધિકારીઓ માટે અને એક હોડી ડોક્ટર અને દવા તેમજ બીજી એક હોડી ધોબી માટે હતી. એક હોડી વળી ચાર ગાય અને એના ઘાસ ચારા માટે હતી. (પ્રબોધચંદ્ર સાંત્રા કૃત ‘રાણી રાસમણિ’ પૃ.૭૧-૭૨)

વિદાય થતાં પહેલાંની રાત્રીએ રાણી રાસમણિને મા જગદંબાએ સ્વપ્નમાં આવીને કહ્યું: ‘તારે વારાણસી જવાની જરૂર નથી. ગંગાના કિનારે એક મનોરમ સ્થળે મારી મૂર્તિ પધરાવ અને મારી પૂજા-ભોગની ત્યાં વ્યવસ્થા કર. આ મૂર્તિમાં હું સતત હાજરાહજૂર રહીશ અને હંમેશાં તારી પૂજા સ્વીકારીશ.’ (આ ઘટનાના બીજા એક વર્ણનમાં એમ કહેવાયું છે કે રાણી રાસમણિએ પોતાનો યાત્રા પ્રવાસ શરૂ કર્યો અને પહેલી રાતે તેઓ દક્ષિણેશ્વરમાં રોકાયાં. ત્યાં એમને આ સ્વપ્ન આવ્યું હતું.) રાણી રાસમણિએ તરત જ પોતાની યાત્રા રદ કરી. જે ચીજવસ્તુઓ યાત્રાપ્રવાસ માટે લીધી હતી તે બધી બ્રાહ્મણો અને ગરીબોમાં વહેંચી દીધી. જે ધન યાત્રા માટે લીધું હતું તેને આ મંદિર બંધાવવા માટેની જમીન ખરીદવા અલગ મૂકી દીધું. (સ્વામી શારદાનંદ કૃત ‘શ્રીરામકૃષ્ણ – ધ ગ્રેટ માસ્ટર’ પૃ.૧૩૩)

આવી એક સૂક્તિ છે : ‘ગંગાનો પશ્ચિમ કિનારો એ વારાણસી જેટલો જ પવિત્ર છે.’ પહેલાં તો રાણી રાસમણિએ બાલી અને ઉત્તરપાડા વિસ્તારમાં દક્ષિણેશ્વરથી નદીની આસપાસ જમીન ખરીદવા પ્રયત્ન કર્યો. તેમણે એ માટે મોટી માતબર રકમ આપવાની દરખાસ્ત મૂકી પણ એ જગ્યાના માલિકોએ ઇર્ષ્યાને લીધે એમાંની એક પણ જગ્યા એમને વેંચી નહિ. અંતે કોલકાતાની ઉત્તરે થોડા માઈલ દૂર ગંગા નદીના પૂર્વ કિનારે દક્ષિણેશ્વરમાં ૨૦ એકર જમીનનો એક ટુકડો એમણે ખરીદ્યો. આ જમીનના એક ભાગમાં એક અંગ્રેજની માલિકીનો બંગલો હતો અને બીજા ભાગમાં એક મુસ્લિમ પવિત્ર ફકીરની દરગાહ સાથેનું કબ્રસ્તાન હતું. જમીનનો આ પ્લોટ કાચબાની ઢાલ જેવો, મધ્યમાંથી ઊંચો અને બધે કિનારે નીચો હતો. તાંત્રિકોની દૃષ્ટિએ શક્તિપૂજા માટેનું આ શુભસ્થાન ગણાય. (પ્રબોધચંદ્ર સાંત્રા કૃત ‘રાણી રાસમણિ’ પૃ.૭૩)

૧૮૪૭માં દક્ષિણેશ્વરના કાલીમંદિર સંકુલનું બાંધકામ શરૂ થયું. એને પૂર્ણ થતાં ૮ થી વધુ વર્ષ લાગ્યાં. શ્રીમા કાલીના મુખ્ય મંદિર ઉપરાંત દ્વાદશ જ્યોતિર્લિંગનાં ૧૨ મંદિરો અને કૃષ્ણનું મંદિર છે. રાણી રાસમણિએ જમીન માટે પચાસ હજાર રૂપિયા ખર્ચ્યા હતા. નદીને કિનારે ઘાટ બાંધવા માટે ૧ લાખ ૬૦ હજાર તેમજ સમગ્ર મંદિર સંકુલ માટે ૯ લાખ રૂપિયા વાપર્યા હતા. આ ઉપરાંત એમણે ૨ લાખ ૨૬ હજાર રૂપિયા આ સમગ્ર કાલી મંદિર સંકુલના નિભાવ ખર્ચ માટેની કેટલીક સંપત્તિઓ ખરીદવામાં વાપર્યા હતા.

પોતે બંધાવેલા શ્રીમા કાલીના આ મંદિરમાં દરરોજ રાંધેલા અન્નનું નૈવેદ્ય ધરાય એવી એમની તીવ્ર ઇચ્છા હતી. એ સ્થળે સાધુસંતો, પવિત્ર લોકો આવે અને નૈવેદ્ય પ્રસાદ ગ્રહણ કરે એવી પણ એમની ઇચ્છા હતી. પરંતુ હિંદુ શાસ્ત્રોના વિધિવિધાન પ્રમાણે મંદિરમાંના દેવને માત્ર બ્રાહ્મણ પૂજારી જ નૈવેદ્ય અર્પણ કરી શકે. અને રાણી રાસમણિ બ્રાહ્મણ ન હતાં. એટલે એમને ઈશ્વરની સેવાપૂજા અને સાધુસંતોની આગતાસ્વાગતા કરવાનો અધિકાર ન હતો. એમને મનમાં ચિંતા થવા લાગી કે કદાચ એનું આ બધું ધન અને પ્રયાસો વ્યર્થ નીવડશે. રાણી રાસમણિએ તો ખંત અને ઉત્કટતા સાથે શાસ્ત્રોનું અર્થઘટન કરવામાં નિષ્ણાત અને શાસ્ત્રોક્ત વિધિવિધાન પ્રમાણે સુયોગ્ય સેવાપૂજા મંદિરમાં થાય એ માટેનો અભિપ્રાય આપવા પંડિતોને પત્ર લખ્યા. આ જ્ઞાતિ અને વર્ણ વ્યવસ્થાના જડ અને જટિલ નિયમોમાંથી કંઈક માર્ગ એ પંડિતો બતાવશે એવી એમને આશા હતી.

શ્રીરામકૃષ્ણના મોટા ભાઈ રામકુમાર ચટ્ટોપાધ્યાય સિવાય બીજા પંડિતોના મતાભિપ્રાય સાનુકૂળ ન હતા. રામકુમાર કોલકાતામાં એક સંસ્કૃત પાઠશાળા ચલાવતા હતા અને શ્રીરામકૃષ્ણ એમની સાથે રહેતા હતા. એમનું સૂચન આવું હતું: ‘રાણીએ મંદિરની બધી સંપત્તિ કોઈ બ્રાહ્મણને ભેટ આપી દેવી અને પછી એ બ્રાહ્મણ કાલીમાતાનું મંદિરમાં પ્રતિષ્ઠાપન કરે અને એમને રાંધેલા અન્નનું નૈવેદ્ય ધરે તો એ શાસ્ત્રસંમત વાત છે. એમનાથી શાસ્ત્રોના વિધિવિધાનોનું ઉલ્લંઘન પણ નહિ થાય અને બીજા બ્રાહ્મણો પણ પોતાનો સામાજિક દરજ્જો જાળવીને મંદિરમાં પ્રસાદ પણ લઈ શકશે.’ (સ્વામી શારદાનંદ કૃત ‘શ્રીરામકૃષ્ણ – ધ ગ્રેટ માસ્ટર’ પૃ.૧૩૪)

રાણી રાસમણિ આ અભિપ્રાયથી ખૂબ રાજી થયાં અને એમણે તરત જ રામકુમારની સલાહનું પાલન કર્યું. મંદિરની બધી સંપત્તિ પોતાના કુલગુરુ બ્રાહ્મણને સોંપીને તેઓ માત્ર એ મંદિરની પ્રવૃત્તિઓના વ્યવસ્થાપન કાર્યમાં પ્રવૃત્ત રહ્યાં. 

જો કે મંદિરનું બાંધકામ હજુ પૂર્ણ થયું ન હતું છતાં પણ રાણી રાસમણિને આ મંદિરની પ્રતિષ્ઠા જેટલી બને તેટલી ઝડપથી થાય તેવું તેમને લાગ્યું. શ્રીરામકૃષ્ણદેવ આ પ્રમાણે વાત કહેતા : ‘જ્યારથી મૂર્તિ બનાવવાનું કાર્ય શરૂ થયું ત્યારથી જ રાણી રાસમણિ શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે કઠિન તપસ્યાનું અનુસંધાન કરતાં રહ્યાં. દરરોજ તેઓ ત્રણ વખત નહાતાં, સાદું અને શાકાહારી ભોજન લેતાં, જમીન પર જ સૂતાં, પોતાની ક્ષમતા પ્રમાણે જપ-પ્રાર્થના-સેવાપૂજા વગેરે કરતાં… (એ સમય દરમિયાન) શ્રીમાની આ પ્રતિમા તૈયાર થઈ ગઈ પછી પ્રતિમા ખંડિત ન થાય એટલા માટે તેને એક પેટીમાં જાળવીને રાખવામાં આવી હતી. ગમે તે કારણે એ મૂર્તિને પરસેવો વળ્યો અને રાણી રાસમણિને સ્વપ્નમાં આવો આદેશ આપ્યો: ‘કેટલા વખત સુધી મને આવી રીતે ગોંધી રાખીશ? મને તો ગુંગળામણ થાય છે! જેમ બને તેમ વહેલા મારી પ્રતિષ્ઠા કરો.’ જેવો રાણીને આવો આદેશ મળ્યો કે તરત જ તેઓ આતુર બન્યા અને (પ્રતિષ્ઠાનો) શુભદિન શોધવા માટે પંચાંગના નિષ્ણાતો પાસે મુહૂર્ત માગ્યું. સ્નાનયાત્રા (ભગવાન જગન્નાથનો સ્નાનયાત્રાનો દિવસ) પહેલાં આવું કોઈ શુભ મુહૂર્ત ન હતું. એટલે રાણીએ એ જ દિવસે પ્રતિષ્ઠાવિધિ કરવાનું નક્કી કર્યું.’ (સ્વામી શારદાનંદ કૃત ‘શ્રીરામકૃષ્ણ – ધ ગ્રેટ માસ્ટર’ પૃ.૧૩૯)

૧૮૫૫ની ૩૧મી મેનો દિવસ હતો. રાણી રાસમણિની વિનંતીથી રામકુમારે શ્રીમા કાલીની મૂર્તિપ્રતિષ્ઠાપનવિધિમાં મુખ્ય આચાર્ય બનવાનું સ્વીકાર્યું. સાથે ને સાથે એમનો અનુગામી જ્યાં સુધી ન મળે ત્યાં સુધી કાલીમંદિરના પૂજારી તરીકે ચાલુ રહેવાનું પણ સ્વીકાર્યું. આ પ્રતિષ્ઠા-મહોત્સવ શાહી ઠાઠમાઠ અને ધાર્મિક વિધિવિધાન સાથે ઉજવાયો. મંદિરોને છૂટે હાથે નાણાં વેરીને શણગારવામાં આવ્યાં હતાં અને અસંખ્ય દીપથી ઝળહળાં કરી દીધાં હતાં. મંત્રોચ્ચાર, ભક્તિભાવભર્યાં ભજન-સંકીર્તન, શંખધ્વનિ અને ઝાંઝ-પખવાજના ધ્વનિ સમગ્ર મંદિરના વિશાળ પટાંગણમાં ગુંજતા હતા. આ શુભ પ્રસંગે સમગ્ર ભારતવર્ષમાંથી પંડિતો આવ્યા હતા. એમને રેશમી વસ્ત્રો, સુવર્ણ મુદ્રાઓ અને બીજી અમૂલ્ય વસ્તુઓ ભેટ આપવામાં આવી હતી. હજારો-હજારો લોકોએ શ્રીમાનો નૈવેદ્ય પ્રસાદ આરોગ્યો હતો. આ પ્રતિષ્ઠા-મહોત્સવમાં રાણી રાસમણિએ રૂપિયા બે લાખ વાપર્યા હતા. એમનાં જીવનની આ ખરેખર સર્વોત્કૃષ્ટ સિદ્ધિ હતી. 

એ વખતે શ્રીરામકૃષ્ણની ઉંમર ૧૯ વર્ષની હતી અને તેઓ શ્રીમા કાલીની પ્રતિષ્ઠા પ્રસંગે ઉપસ્થિત પણ હતા, પરંતુ એમણે શ્રીમાને ધરેલું નૈવેદ્ય ન લીધું. એને બદલે એમણે બજારમાંથી થોડા મમરા ખરીદ્યા અને કોલકાતા સૂવા જતાં પહેલાં ખાઈ લીધા. બીજે દિવસે જ્યારે શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર પાછા આવ્યા ત્યારે રામકુમારે એમને ત્યાં રોકાઈ જવા કહ્યું; પરંતુ તેમણે ઇન્કાર કર્યો. પોતાના મોટાભાઈ થોડા વખતમાં પાછા ફરશે એવી અપેક્ષા સાથે વળી પાછા તેઓ કોલકાતા ગયા. અઠવાડિયું વીતી ગયું પણ શ્રીરામકુમાર પાછા ન આવ્યા, એટલે શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર ગયા. એ વખતે રામકુમારે એમને કહ્યું કે રાણી રાસમણિની વિનંતીથી એમણે શ્રીમા કાલીના પૂજારીનું સ્થાન સ્વીકાર્યું છે અને એની પાઠશાળા તેઓ બંધ કરી દેશે. અંતે શ્રીરામકૃષ્ણ શ્રીરામકુમાર સાથે દક્ષિણેશ્વરમાં રહેવા સહમત થયા. પરંતુ પોતાનું ભોજન તો તેઓ ગંગાના પાણીથી પોતે જ રાંધી લેતા. પોતાની દૃઢ શ્રદ્ધા સાથેની સાધનાના પ્રારંભમાં તેઓ બ્રાહ્મણ જ્ઞાતિના નીતિનિયમોનું ચુસ્તપણે પાલન કરતા હતા.

મંદિરની પ્રતિષ્ઠાના મહોત્સવના ત્રણ માસ પછી શ્રીરાધાકાંતના મંદિરમાં એક અકસ્માત સર્જાયો. મંદિરના પૂજારી ક્ષેત્રનાથ ભગવાન કૃષ્ણની મૂર્તિને સિંહાસન પરથી શયનખંડમાં લઈ જતાં લપસી પડ્યો. એને પરિણામે શ્રીકૃષ્ણની મૂર્તિનો એક પગ ખંડિત થયો. આ આકસ્મિત ઘટનાથી સારો એવો ખળભળાટ મચી ગયો, કારણ કે આ એક અશુભ સંકેત ગણાય છે. પૂજારીને તત્કાળ દૂર કરવામાં આવ્યા અને હવે મૂર્તિનું શું કરવું એ વિશે પોતપોતાનો મત આપવા પંડિતોને બોલાવવામાં આવ્યા. બધા પંડિતોએ એક મતે કહ્યું કે ખંડિત મૂર્તિની પૂજા ન થઈ શકે; એને બદલે બીજી મૂર્તિ પધરાવવી જોઈએ અને જૂની પ્રતિમાને ગંગામાં પધરાવી દેવી જોઈએ.

આ નિર્ણયથી રાણી રાસમણિ ઘણા ખિન્ન થઈ ગયાં. જેમની આટલી શ્રદ્ધા-ભક્તિથી પોતે સેવા પૂજા કરી હતી એ મૂર્તિને ગંગામાં પધરાવી દેવાનું તેઓ ઇચ્છતા ન હતા. મથુરબાબુના સૂચનથી એમણે રામકૃષ્ણનો અભિપ્રાય માગ્યો. એણે તો ભાવાવસ્થામાં આવો પ્રત્યુત્તર આપ્યો: ‘જો રાણીના કોઈ જમાઈનો પગ ભાંગી જાય તો શું એણે એનો ત્યાગ કરી દેવો? અને એની જગ્યાએ બીજાને મૂકવો? કે રાણી એને ડૉક્ટર દ્વારા સારો-સાજો કરે એ વધારે સારું નહિ? આનું પણ એમ જ થવું જોઈએ. ખંડિત મૂર્તિના પગને સાંધી દો અને પેલાની જેમ જ એની પૂજા કરવા માંડો.’ (સ્વામી ગંભીરાનંદ કૃત ‘શ્રીરામકૃષ્ણ ભક્તમાલિકા’ પૃ.૪૩૨-૩૩)

આવો સાદો, સૌને ગળે ઊતરે એવો અને તાર્કિક ઉત્તર સાંભળીને પંડિતો આશ્ચર્યમાં પડી ગયા, પણ રાણી રાસમણિ અને મથુરબાબુ રાજી રાજી થઈ ગયા. શ્રીરામકૃષ્ણે પોતે જ કુશળતાથી એ ખંડિત મૂર્તિનો પગ જોડી દીધો. રાણી રાસમણિ અને મથુરબાબુની વિનંતીથી શ્રીરામકૃષ્ણ શ્રી રાધાકાંતના મંદિરમાં પૂજારી બનવા માટે રાજી થયા. 

હવે રામકુમારની તબિયત બગડતી જતી હતી. રાણી રાસમણિની મંજુરીથી તેણે શ્રીરામકૃષ્ણને શ્રીમા કાલી મંદિરમાં પૂજાવિધિ શીખવવાનું શરૂ કર્યું. આ વિધિ ઘણી કઠિન અને જવાબદારીઓ સાથેની હતી. રામકુમારે પોતે રાધાકાંતના મંદિરનો હવાલો સંભાળ્યો. પરંતુ એક જ વર્ષમાં થોડા દિવસ સુધી કોઈ કામકાજ માટે બહાર હતા ત્યારે એકાએક એમનું અવસાન થયું. આવી અણધારી ઘટનાથી શ્રીરામકૃષ્ણે ઘણો આઘાત અનુભવ્યો. એમના પિતા તો તેઓ સાત વર્ષના હતા ત્યારે જ મૃત્યુ પામ્યા હતા એટલે રામકુમાર શ્રીરામકૃષ્ણને મન પિતા સમાન હતા. શ્રીરામકૃષ્ણે જગન્માતા કાલીની સેવાપૂજા કરવાનું ચાલુ રાખ્યું. પરંતુ ધીમે ધીમે પ્રભુપ્રેમમાં મતવાલા રહેવાનો ભાવ એમના પર પ્રભુત્વ જમાવતો રહ્યો. તેમને આ સંસારની ક્ષણભંગુરતાનો અનુભવ થવા લાગ્યો. એમની એકમાત્ર ઇચ્છા મા કાલીનાં સાક્ષાત્કારની કે દર્શનની હતી. એમનું અસામાન્ય વર્તન અને પૂજાની વિચિત્ર રીતભાત મંદિરના કર્મચારીઓની નજરે તરત જ પડી ગયાં. એ બધાને પૂરી ખાતરી થઈ ગઈ કે શ્રીરામકૃષ્ણ ગાંડા થઈ ગયા છે અને એમને એમની ફરજમાંથી મુક્ત કરવા જોઈએ. એનો અમલ કરવા માટે રાણી રાસમણિ અને મથુરબાબુને સંદેશો પણ પહોંચાડી દીધો.

એક દિવસ મથુરબાબુએ ઓચિંતાની મંદિરની મુલાકાત લીધી અને છુપી રીતે શ્રીરામકૃષ્ણની પૂજાની રીતભાતનું નિરીક્ષણ કર્યું. જેવી રીતે શ્રીરામકૃષ્ણ શ્રી જગદંબાના શણગાર કરે છે, એમની સાથે વાતો કરે છે, એમને નૈવેદ્ય આરોગાવે છે, પંખો ઢાળે છે, આ બધું જાણે કે જગદંબા જીવંત-હાજરાહજૂર હોય એમ કરે છે. મથુરબાબુ પર આની પ્રભાવક અસર પડી અને એમણે મંદિરના કર્મચારીઓ અને અધિકારીઓને શ્રીરામકૃષ્ણની શ્રીમા કાલીની સેવા પૂજાની બાબતમાં કોઈ પણ પ્રકારની આડખીલી ન નાખવાનો આદેશ આપ્યો. પછી એમણે રાણી રાસમણિને જણાવ્યું: ‘આપણને એક અદ્‌ભુત પૂજારી મળી ગયો છે. મને એવું લાગે છે કે મા ભગવતી થોડા વખતમાં જાગ્રત બનશે.’ (સ્વામી શારદાનંદ કૃત ‘શ્રીરામકૃષ્ણ – ધ ગ્રેટ માસ્ટર’ પૃ.૧૬૨)

શ્રીરામકૃષ્ણનું વર્તન એ સમયે કેવું વિચિત્ર હતું અને મંદિરના અધિકારીઓ દ્વારા કેટલી બધી ટીકા-નિંદા આવતી રહી, છતાં પણ શ્રીરામકૃષ્ણને રાણી રાસમણિ અને મથુરબાબુએ જે પ્રેમ – આદર આપીને એમને સમર્થન પણ આપ્યું, એ ખરેખર નવાઈ જેવું લાગે છે. ઉદાહરણ તરીકે એક વખત રાણી રાસમણિ ગંગા નદીમાં સ્નાન કરીને દક્ષિણેશ્વરમાં આવ્યાં, અને જપધ્યાન માટે સીધાં મા કાલીના મંદિરમાં પ્રવેશ્યાં. એ સમયે રામકૃષ્ણ પણ ત્યાં હતા. રાણી રાસમણિએ ઘણી વખત એમના પ્રેમભક્તિના ભજનગીત સાંભળ્યાં હતાં અને તે સાંભળવાનું એમને બહુ ગમતું; એટલે એમને ભજન ગાવા કહ્યું. શ્રીરામકૃષ્ણે ભજન ગાવાનું શરૂ કર્યું પણ એકાએક તેઓ ગાતાં અટક્યા અને રાણી રાસમણિ તરફ વળીને આશ્ચર્ય સાથે કહ્યું: ‘અરે! આ સમયે પણ તમે આવા વિચારો કરો છો!’ એમ કહેતાંની સાથે જ એણે રાણી રાસમણિને લાફો ચોડી દીધો.

મંદિરમાં તરત કોલાહલ અને ખળભળાટ થઈ ગયો. રાણી રાસમણિની દાસીઓ તો ચીસો પાડવા લાગી અને મંદિરના ચોકીદારો અને અધિકારીઓ મંદિરમાંથી શ્રીરામકૃષ્ણને બહાર કાઢવા ધસી આવ્યા. રાણી રાસમણિના આદેશની રાહ જોતાં તેઓ ખચકાઈને ઊભા રહ્યા. પરંતુ રાણી રાસમણિ તો શાંતિથી અંતર્મુખી ભાવમાં બેઠાં હતાં. શ્રીરામકૃષ્ણનું ભજન સાંભળવાને બદલે તેઓ એક કોર્ટ-કચેરી કેસનો વિચાર કરતાં હતાં. પોતે મનમાં શું વિચારતી હતી, તે શ્રીરામકૃષ્ણ કેવી રીતે જાણી ગયા, એ એમનો મોટો અચંબો હતો. આજુબાજુના વાતાવરણનો ખ્યાલ આવ્યો ત્યારે તેમણે જોયું તો લોકો એમની આસપાસ ઊભા હતા અને શ્રીરામકૃષ્ણને સજા કરવા તત્પર હતા. શ્રીરામકૃષ્ણ તો શાંતિથી બેઠા હતા અને હળવું હળવું હસતા હતા. પછી રાણી રાસમણિએ આદેશ આપ્યો: ‘આ યુવાન પૂજારીનો કાંઈ વાંકગુનો નથી. એની સામે કોઈ પગલાં લેશો નહિ.’ (સ્વામી શારદાનંદ કૃત ‘શ્રીરામકૃષ્ણ – ધ ગ્રેટ માસ્ટર’ પૃ.૪૮૦-૮૧)

પછી રાણી રાસમણિ પોતાના ઓરડામાં ગયાં. જ્યારે તેમની સેવિકાઓને શ્રીરામકૃષ્ણના એમના પ્રત્યેના ઉદ્ધત વર્તન વિશે કહ્યું ત્યારે તેમણે જવાબ આપ્યો: ‘તમે એ બાબત સમજતાં નથી. મા કાલીએ પોતે જ મને સજા કરી છે અને એ રીતે મારા હૃદયને અજવાળ્યું છે.’ (‘લાઈફ ઑફ શ્રીરામકૃષ્ણ’ પૃ.૮૫)

શ્રીરામકૃષ્ણની કઠોર પ્રતિક્રિયામાંથી પોતાના અત્યંત નિર્મળ સ્વભાવને કારણે રાણી રાસમણિ એને સમજી શક્યાં, સ્વીકારી શક્યાં અને એમાંથી લાભ પણ મેળવી શક્યાં.

દક્ષિણેશ્વર મંદિરની પ્રતિષ્ઠા પછી રાણી રાસમણિ પોતાનો વધુ ને વધુ સમય આધ્યાત્મિક સાધનામાં ગાળવા માંડ્યાં. તેમને દક્ષિણેશ્વરમાં આવવું, શ્રીરામકૃષ્ણ સાથે પ્રભુ વિશેની વાતચીત કરવી અને એમની પાસેથી ભક્તિગીતો સાંભળવાં બહુ ગમતાં. પરંતુ ધીમે ધીમે શ્રીરામકૃષ્ણની આ દિવ્યલીલામાંથી વિદાય લેવાનો સમય આવી ચૂક્યો. ૧૮૬૧ના પ્રારંભના કાળમાં તેઓ તાવ અને સતત ઝાડાથી બીમાર પડ્યાં. કોલકાતાના શ્રેષ્ઠ ડૉક્ટરોએ એમને સાજાં કરવાં પોતાનાથી બનતા શ્રેષ્ઠ પ્રયત્ન કર્યા, પણ અંતે એમણે આશા છોડી દીધી. પછી ડૉક્ટરોએ સલાહ આપી કે એમને ક્યાંક વધારે તંદુરસ્ત સ્થળે લઈ જવા જોઈએ. કોલકાતાની દક્ષિણે આદિગંગાને કિનારે આવેલા અને એમાંથી ગંગામાં વહેતાં ઝરણાંવાળા પોતાના ઉદ્યાનગૃહમાં જવાની રાણી રાસમણિની ઇચ્છા હતી.

રાણી રાસમણિને ખ્યાલ આવી ગયો કે હવે મૃત્યુ ચોક્કસ છે અને એક અગત્યનું મોટું કાર્ય હજુ અધૂરું રહી જતું હતું. દક્ષિણેશ્વર મંદિરના કાયમી નિભાવ માટે દિનાજપુર (બાંગ્લાદેશ)માં ખરીદેલી સ્થાવર મિલકતનો ફેરબદલો મંદિરના ટ્રસ્ટમાં થયો ન હતો. ૧૮મી ફેબ્રુઆરી, ૧૮૬૧ના દિવસે તેમણે એ ડીડ કરાવી લીધું અને બીજે જ દિવસે એટલે કે ૧૯મી ફેબ્રુઆરીએ તેઓ અવસાન પામ્યાં. 

મૃત્યુ પહેલાં તેમને આદિગંગાને કિનારે લાવવામાં આવ્યાં. એમની સામે કેટલાક દીવડા ઝલતા હતા. એ જોઈને તેમણે આશ્ચર્ય સાથે કહ્યું: ‘દૂર કરી દો. આ બધા દીવડા દૂર કરી દો. હવે મારે આ કૃત્રિમ પ્રકાશની જરાય જરૂર નથી. હવે તો મારી મા આવી છે અને પોતાના દિવ્ય પ્રકાશથી આ સમગ્ર સ્થળને ઝળહળાં કરી દીધું છે.’ થોડીવાર પછી ‘મા, તમે આવી ગયા છો!’ આ શબ્દો સાથે તેમણે પ્રાણત્યાગ કર્યો. (સ્વામી શારદાનંદ કૃત ‘શ્રીરામકૃષ્ણ – ધ ગ્રેટ માસ્ટર’ પૃ.૨૧૧)

રાણી રાસમણિના મૃત્યુ વિશેના બીજા એક વર્ણનમાં એવું આવે છે કે તેમના મૃત્યુ પહેલાં જ કાલીઘાટ મંદિરના બધા દીપ ઝંઝાવાતી પવનને લીધે હોલવાઈ ગયા હતા અને પછી જગન્માતાએ એમને દર્શન આપ્યાં હતાં. (‘ઉદ્‌બોધન’ – ‘શ્રી શ્રીમાયેર કથા’ વૉ. ૨. પૃ.૧૩૪)

Total Views: 50

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.