સ્વામી વિવેકાનંદે ૧૮૯૮માં થોમસ કેમ્પિસ કૃત ‘ધ ઈમિટેશન ઑફ ક્રાઈસ્ટ’ના ખંડ પહેલાના ૧ – ૬ પ્રકરણોમાંથી કેટલાક ફકરાઓનો બંગાળી અનુવાદ કર્યો હતો, જે ‘સાહિત્ય કલ્પદ્રુમ’ નામના માસિકમાં પ્રગટ થયો હતો. એમાં થોમસ કેમ્પિસના વિચારોને સમાંતર હિંદુ શાસ્ત્ર વાક્યો પાદટીપ તરીકે ટંકાયાં છે અને ટીકા પણ છે. ૧૮૯૧-૯૨માં જ્યારે સ્વામી વિવેકાનંદ જૂનાગઢમાં આવ્યા હતા ત્યારે તેઓ શ્રી છગનલાલ હરિલાલ પંડ્યાના અતિથિ તરીકે રહ્યા હતા અને ‘ધ ઈમિટેશન ઑફ ક્રાઈસ્ટ’ પુસ્તકના મહત્ત્વ વિશે વાત કરી હતી. સ્વામીજીએ એમને એનો આખો અનુવાદ કરવા માટે પ્રેર્યા હતા. પછીથી ૧૯૧૫-૧૬માં ‘ક્રાઈસ્ટનું અનુકરણ અથવા સાર્વલૌકિક ધર્મ’ નામનું પુસ્તક બે ભાગમાં પ્રસિદ્ધ કર્યું હતું. એ પુસ્તકના ઉપોદ્‌ઘાતમાં શ્રી છગનલાલ હરિલાલ પંડ્યાના લખે છે : ‘આ સાથેના ભાષાંતરની નીચે આપણાં ધર્મ શાસ્ત્રો, નીતિ આદિનાં શતકો, કાવ્યો, નાટકો વગેરેમાંથી તેવા જ વિચાર દર્શાવનાર શ્લોકો મૂકેલા છે તેથી વાંચનારને ખાતરી થશે કે સર્વ ધર્મના સિદ્ધાંત એક જ છે. આ શ્લોકોમાંના કેટલાક મેળવી આપવામાં મને અહીંની પાઠશાળાના શાસ્ત્રીજી મૂળશંકર દયારામની વિદ્વત્તાનો લાભ મળેલો તે માટે તેમનો અંત:કરણપૂર્વક આભાર માનું છું.’ આ પુસ્તકમાંથી પ્રકરણ ૧૫-૧૬ અહીં વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. – સં.

દયાનાં કાર્યો વિશે

કોઈપણ ઐહિક પદાર્થને માટે કે કોઈ મનુષ્ય ઉપરના પ્રેમને માટે કોઈએ કંઈ દુષ્ટ કાર્ય કરવાનું નથી. 

धर्मादपेतं यत्कर्म यद्यपि स्यान्महत्फलम्।
न तत्कुर्वीत मेधावी न तद्धितमिहोच्यते। (महाभारत)

જે કર્મ ધર્મથી વિરુદ્ધ હોય અને છતાં ભલે મોટું ફળ આપતું હોય તો પણ શાણા માણસે એ કરવું ન જોઈએ કારણ કે એ ક્યારેય કલ્યાણકારી હોતું નથી.

પરંતુ કોઈને જરૂર હોય તો તેને સારું કોઈ સત્કાર્ય ચાલતું હોય તે કેટલીક વાર વગર આનાકાનીએ રોકવું પડે છે; અથવા તો કેટલીક વાર તેને બદલે વધારે સારું કરવું પડે છે. આમ કરવાથી તેવું સત્કાર્ય નિષ્ફળ જતું નથી પણ તેનું રૂપાંતર વધારે સારા કાર્યમાં થાય છે.

અંત:કરણની દયા વિના બહારનું સર્વ કાર્ય નિરર્થક છે.

वेदास्त्यागश्च यज्ञाश्च नियमाश्च तपांसि च।
न विप्रदुष्टभावस्य सिद्धिं गच्छन्ति क्रर्हिचित्॥ (मनु)

જે મનુષ્યની ભાવનાઓ ખૂબ દુષ્ટ હોય તે માણસે ભણેલા વેદો, કરેલો ત્યાગ, યજ્ઞો, નિયમો, અને તપશ્ચર્યા ક્યારેય પણ સિદ્ધિ પામતાં નથી.

પણ દયા વડે જે કંઈ કરવામાં આવે તે જગત્‌ની આંખે ગમે તેવું તુચ્છ અને ક્ષુદ્ર હોવા છતાં પરિપૂર્ણ રીતે ફલદાયી થાય છે, કેમકે પ્રભુ તો, આપણે કેટલું કામ કરીએ છીએ તેના કરતાં કેટલા પ્રેમથી કરીએ છીએ તેની વિશેષ તુલના કરે છે. જેના અંત:કરણમાં પ્રેમ વિશેષ છે, તે જ વિશેષ કંઈ કરી શકે છે : – જે કોઈ કાર્ય સારી રીતે કરે છે તે જ વિશેષ કંઈ કરે છે. 

‘જ્યાં છે પ્રેમ ત્યાં પરમ આનંદ છે, અન્ય આનંદ ત્યાં અન્ય હોયે.’ (નરસિંહ મહેતા)

 જે સ્વેચ્છાને અધીન રહેવાને બદલે સમાજનું હિત સાધવા પ્રયત્ન કરે છે તેજ શુભ કાર્ય કરે છે.

કેટલીક વાર તો દેખીતી જ દયા હોય છે પણ અંદરથી વિષયાસક્તિ હોય છે, કેમકે સ્વાભાવિક વલણ, દુરાગ્રહ, બદલાની આશા અને સ્વાર્થ સાધવાની ઇચ્છા ભાગ્યે જ મનમાંથી દૂર રહે છે.

જે વિશુદ્ધ અને પરિપૂર્ણ દયાવાન છે તે સ્વાર્થ-લોભ કોઈમાં રાખતો જ નથી પણ સર્વ કાર્ય કરવામાં એમ જ ઇચ્છે છે કે પ્રભુનો મહિમા કેમ વધે.

कियन्तस्ते सन्तः सुकृतपरिपाकप्रणयानो।
विना स्वार्थ येषां भवति परकृत्येष्वभिरुचिः॥

પોતાના સત્કાર્યના ફળને ઇચ્છનારા સંતો કેટલા છે કે જેઓ સ્વાર્થવગર પરોપકારમાં અભિરુચિ રાખતા હોય?

વળી તે કોઈની ઈર્ષ્યા પણ કરતો નથી કેમકે તેને કોઈ સ્વાર્થ આડે આવે એવો છે જ નહિ, તેમજ તે કોઈ કામ કરીને મનમાં ફુલાઈ જતો નથી પરંતુ પ્રભુભક્તિનો આનંદ પ્રાપ્ત કરવામાં જ સુખ માને છે. શુભ પરિણામ કોઈ મનુષ્યના પ્રયત્ન વડે આવ્યો એમ તે ગણતો નથી પરંતુ પ્રભુની કૃપાનું જ ફળ છે એમ તે સમજે છે,

‘હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, શક્ટનો ભાર જેમ શ્વાન તાણે.’ (નરસિંહ મહેતા)

अहंकारविमूढात्मा कर्ताहमिति मन्यते।

અહંકારથી મોહિત થયેલા મનવાળો મનુષ્ય ‘હું કર્તા છું’ એમ માને છે.

ईश्वरः सर्वभूतानां हृद्देशेर्ज्जुन तिष्ठति।
भ्रामयन् सर्वभूतानि यंत्रारुढानि मायया॥ (भगवद्गीता)

હે અર્જુન! ઈશ્વર બધા પ્રાણીઓના હૃદયમાં રહેલો છે અને બધા પ્રાણીઓને પોતાની માયાથી એક યંત્રમાં ચડાવેલા હોય તેમ ઘુમાવે છે.

यस्तु कर्तारमात्मानं मन्यते साध्वसाधु वा।
तस्य दोषवती प्रज्ञा अतत्वज्ञेति मे मतिः॥ (शांतिपर्व)

જે કોઈ સારાંનરસાં કાર્યનો કર્તા ‘હું છું’ એમ માને છે તેની બુદ્ધિ દોષવાળી અને તત્ત્વ નહિ જાણનારી છે એવો મારો મત છે.

જલ-પ્રસવસ્થાનની પેઠે સર્વ તેનામાંથી જ ઉદ્‌ભવે છે, અને પોતાના કર્મના ઉચ્ચતર વિપાક રૂપે સર્વ સાધુઓ અંતે તેનામાં જ વિરમે છે. અરે! જેનામાં દયાનો માત્ર છાંટો પણ હોય છે તે તો નિ:શંક સમજી શકે છે કે સર્વ ઐહિક પદાર્થો મિથ્યા છે.

‘તુલસી દયા ન છાંડીએ જબલગ ઘટમેં પ્રાણ.’

*****

પરદોષ-સહિષ્ણુતા વિશે

પોતાનામાં કે બીજાઓમાં જે દોષ સુધરી શકે એવા ન હોય તે, પ્રભુ બીજી વ્યવસ્થા કરે ત્યાં સુધી આપણે સહન કરવા જોઈએ. એમ જ માનવું જોઈએ કે આપણી કસોટી અને ધૈર્યને માટે જ તે નિર્માણ થયેલા છે. તેના વિના આપણાં સર્વે સત્કર્મો કંઈ ઝાઝી કિંમતનાં નથી. એવી અપૂર્ણતાઓ હોવા છતાં આપણે પ્રભુની પ્રાર્થના કરવી જોઈએ કે તે આપણને સહાય કરવાની કૃપા કરે અને આપણાથી પ્રશાંત ચિત્તે તે સહન થઈ શકે.

કોઈને આપણે એક બે વખત વારીએ છતાં તે જો સુધરે નહિ તો તેની સાથે ઝાઝી રકઝક કરવી નહિ પણ પ્રભુને સર્વ સમર્પવું અને એની ઇચ્છાને અધીન થઈને રહેવું, અને એનું નામ સર્વ સેવકોમાં કેમ માન પામે, તે લક્ષમાં રાખવું. દોષનું ગુણમાં રૂપાંતર કરવું એ તેને સુવિદિત છે.

બીજાઓની અપૂર્ણતાઓ તથા દોષો ગમે તે પ્રકારનાં હોય તથાપિ તે ધૈર્યથી સહન કરવાનો પ્રયત્ન કરવો, કેમકે આપણા પોતાનામાં પણ એવા ઘણા દોષો હશે કે જે બીજાઓને સહન કરવા પડતા હશે.

તું ઇચ્છે તેમ તને પોતાને સુધારી શકતો ન હોય તો પછી બીજાનામાં તું તારો મનગમતો સુધારો થવાની આશા જ શી રીતે રાખી શકે?

आत्मानमसमाधाय समाधित्सति यः परान्।
विषयेष्विद्रियवशं मानवाः प्रहसन्ति तम्॥

વિષયો પ્રત્યે ઈંદ્રિયોને વશ થયેલો માણસ પોતાના આત્માને સ્થિર કર્યા વગર બીજાઓને સ્થિર કરવા ઇચ્છે છે ત્યારે માણસો એનો ઉપહાસ કરે છે.

આપણે તો બીજાઓ પરિપૂર્ણ હોય એમ માગીએ છીએ- પછી આપણે પોતે ગમે તેટલા દોષવાન હોઈએ તેની ચિંતા નહિ. બીજાઓના દોષની સખ્ત ટીકા કરીને તેને આપણે સુધારવા જઈએ છીએ પણ આપણા દોષ તો સુધારતા જ નથી.

परोपदेशे पाण्डित्यं सर्वथा सुकरं नृणाम्।

પારકાને ઉપદેશ દેવા માટેની પંડિતાઈ હંમેશાં માણસો માટે સહેલી છે.

બીજાઓ મોટી છૂટ લેતા હોય તો આપણે નાખુશ થઈ જઈએ છીએ પણ આપણી ઇચ્છા અનુસાર કંઈ ન થાય તો તરત મિજાજ ખોઈ દઈએ છીએ. બીજાઓ સખ્ત કાયદાના બંધનમાં રહે એમ આપણે માગીએ છીએ પણ આપણે તો કોઈ પ્રકારના અંકુશ તળે આવવા ચાહતા જ નથી.

આ ઉપરથી જ સ્પષ્ટ જણાશે કે આપણા પડોશીઓને અને આપણને પોતાને આપણે એક ત્રાજવે તોળતા નથી.

परगुणपरमाणून् पर्वतीकृत्य नित्यं।
निजहृदि विकसंतः सन्ति सन्तः कियन्तः॥ (भर्तृहरि)

પારકાના અણુ જેટલા ગુણોને પર્વત સમાન માનીને હંમેશાં પોતાના હૃદયમાં વિકાસ પામતા સંતો કેટલા છે?

જો સર્વે પ્રાણીઓ પરિપૂર્ણ હોય તો પછી પ્રભુ નિમિત્તે આપણે આપણા સહવાસીઓ તરફથી સહન કરવાનું રહે એ શું?

પ્રભુએ જ એમ નિર્માણ કરેલું છે કે આપણે એકબીજાની અપૂર્ણતાઓ સહન કરતાં શીખવું જોઈએ કેમકે કોઈપણ મનુષ્ય કેવળ દોષરહિત તો છે જ નહિ. કોઈને દુ:ખભાર નથી એમ નથી. કોઈપણ બીજાની જરૂર વિનાનો નથી. કોઈપણ એકલો પોતાની મેળે જ ડાહ્યો બનીને રહે એવો નથી માટે આપણે એકબીજાના દોષની ક્ષમાયાચના કરવી જોઈએ – એકબીજાને આશ્વાસન આપવું જોઈએ – સહાય કરવી જોઈએ – બોધ આપવો જોઈએ, અને સુધારવા જોઈએ.

अबुद्धिमाश्रितानां तु क्षंतव्यमपराधिनाम्।
न हि सर्वत्र पाण्डित्यं सुलभं पुरुषस्य वै। (महाभारत)

ખરાબ બુદ્ધિને આશરે રહેલા અપરાધી માણસોનું અજ્ઞાન ક્ષમા કરવા યોગ્ય છે કારણ કે પુરુષને માટે બધે ઠેકાણે પાંડિત્ય મળવું સુલભ નથી.

આપત્તિ-કાળે જ કોનામાં વધારે સદ્‌ગુણ કે બળ છે તે સ્પષ્ટ જણાઈ આવે છે. આવા પ્રસંગો મનુષ્યને નિર્બળ બનાવી દેતા નથી પણ તે વાસ્તવિક રીતે કેવો છે તે દર્શાવી આપે છે.

बन्धुस्त्रीभृत्यवर्गस्य बुद्धेः सत्वस्य चात्मनः।
आपन्निकषपाषाणे जनो जानाति सारताम्॥

ભાઈઓ, સ્ત્રીઓ, સેવકવર્ગ અને પોતાની બુદ્ધિની શક્તિના તત્ત્વને મનુષ્ય આપત્તિ રૂપી કસોટીના પથ્થર પર ઘસીને જ જાણી શકે છે.

કોણ કોને શીખવે?

ચીનની એક લોકકથા છે. ડ્યુક યુઆન નામનો એક વિદ્વાન સદ્‌ગૃહસ્થ પોતાના ઘરમાં બેસીને એક ગ્રંથ વાંચતો હતો. નીચે પીઆન નામનો નોકર લાકડાંનાં પૈડાં બનાવતો. હથોડી અને વીંધણું બાજુએ રાખીને એ ઉપર ગયો અને યુઆનને પૂછ્યું: ‘આપ શું વાંચો છો?’ યુઆને કહ્યું: ‘સંતોનો સદુપદેશ હું વાંચું છું.’ અભણ પીઆને પ્રશ્ન કર્યો: ‘એ બધા અત્યારે જીવે છે ખરા?’ યુઆને શાંતિથી કહ્યું: ‘ના, એ બધા તો મરી ગયા છે.’ પીઆને કહ્યું: ‘એટલે કે તમે જે કંઈ વાંચો છો એ બધું ફીફાં ખાંડવા જેવું છે.’ આ સાંભળીને યુઆને પૂછ્યું: ‘તારા જેવા ગમાર સુથારે હું જે વાંચું છું એ વિશે શા માટે કહેવું જોઈએ? તારે એ બધું મને સમજાવવું પડશે નહિ તો તારો મરવાનો વારો છે.’ આ સાંભળીને સુથાર બોલી ઊઠ્યો: ‘તમારો આ નોકર સુથારી કળાની દૃષ્ટિએ બધી વસ્તુઓને જુએ છે. જ્યારે હું ગાડાનું પૈડું બનાવું ત્યારે એને ખૂબ કોમળ હાથે કારીગીરી કરું તો મારા માટે એ કામ સરળ રહે. પણ એ પૈડાંની ગુણવત્તા સારી ન રહે. વળી જો હું જરાક ભારે હાથે અણઘડની જેમ પૈડું બનાવું તો મારે માટે એ થોડું મહેનતનું કામ થઈ જાય અને પૈડુંય આડી અવળી ચાલનું થઈ જાય. પણ જો મારો હાથ ન તો બહુ કોમળ રીતે ચાલે કે ન અણઘડની જેમ ચાલે, એ સપ્રમાણ ચાલે તો મારા મનમાં એ પૈડાંનું એક ચિત્ર ઉદ્‌ભવે; અને જે પૈડું બને એ સર્વાંગ સુંદર હોય. હવે આ બધું કેવી રીતે કરવું એ કોઈને કહીને બતાવી ન શકું; એને માટે એક કુનેહ-કુશળતાની જરૂર પડે. મારા દીકરાને પણ હું એ કૌશલ્ય શીખવી ન શકું અને એ પણ મારી પાસેથી શીખી ન શકે. એણે તો પોતાની મેળે આ કળા શીખવી પડે.’

સુથારની વાત સાંભળીને હ્યુઆન તો વિચારમાં પડી ગયો. તે કંઈ બોલે તે પહેલાં જ સુથારે કહ્યું : ‘જો સાહેબ, મને ૭૦ વર્ષ થયાં છે, છતાં હું એવાં જ પૈડાં બનાવું છું. તમે જે પુસ્તકો વાંચો છો એ બધાંના પ્રણેતા પણ ક્યારનાય મરી ગયા છે. એમની સાથે એમના ઉપદેશનું કૌશલ્ય ચાલ્યું ગયું. એ ઉપદેશોને સંક્રમિત કરવા અશક્ય હતા અને છે. એટલે જ કહું છું કે સાહેબજી, તમે જે વાંચો છો એ બધું ગઈકાલનું છે. એવાં કુશકા ખાંડ્યે કણ ન મળે! ખાલી પુસ્તકોનાં થોથાં ઉથલાવ્યે કંઈ મળતું નથી. મેળવવા માટે તો એ ગ્રંથકારના જેવી અનુભૂતિ કરવી પડે.

Total Views: 54

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.