સાચા પંડિતનો વિદ્યાવ્યાસંગ અને સહધર્મિણીનું આત્મસમર્પણ

ઘોર અંધારી રાત હતી. ઋષિ સમા એક વૃદ્ધ વિદ્વાન પોતાની ઝૂંપડીમાં હતા. તેમણે એક હસ્તપ્રત લીધી, તેને ચકાસીને એકબાજુ મૂકી. આવી તો કેટલીય હસ્તપ્રતોનો ત્યાં ઢગલો થયો હતો. આ પ્રતો પાછળ એમણે પોતાનાં દેહ-મન-પ્રાણ લગાડી દીધાં હતાં. વર્ષોના પુરુષાર્થનું આ ફળ હતું. કુટિરમાં જલતા દીપકની જ્યોત ઝંખવાતી જતી હતી. દીવડો હોલવાઈ જવાની તૈયારીમાં હતો ત્યાં જ એક વૃદ્ધ સ્ત્રીએ આવીને એમાં દીવેલ અને વાટ ઉમેરી દીધા. દુર્ભાગ્યે દીવો હોલવાઈ જતાં કુટિરમાં અંધારું છવાઈ ગયું. પંડિત શિરોમણિ વિદ્યાવાચસ્પતિ મિશ્રા પોતાનું લેખન કાર્ય ચાલુ રાખી શકે એટલે વૃદ્ધ નારીએ ફરીથી દીવાને પેટાવ્યો. વાચસ્પતિ મિશ્રાએ ઊંચે જોઈને એ સ્ત્રીને પૂછ્યું: ‘હે દેવી, આપ કોણ છો?’ એમના સાહિત્ય-સર્જનના કાર્યમાં અવરોધ થાય એમ એ નારી ઇચ્છતા ન હતા. એટલે એમણે કહ્યું: ‘આપ આપનું કાર્ય ચાલુ રાખો. આવી રીતે દીવો હોલવાઈ જતા તમારા કાર્યમાં ખલેલ પડી એ માટે હું દિલગીર છું.’

વાચસ્પતિ મિશ્રા પૂછેલા પ્રશ્નની વાત પડતી મૂકવા માગતા ન હતા, એટલે એણે તાલપત્ર અને કલમ નીચે મૂકીને કહ્યું : ‘આપ કોણ છો? એ હું નહીં જાણું ત્યાં સુધી કાર્ય શરૂ નહીં કરું. તમારે મને ઓળખાણ આપવી પડશે.’ વાચસ્પતિની મક્કમતા સામે વૃદ્ધ નારી ઝૂકી ગયાં અને કહ્યું: ‘હું આપની પત્ની છું.’ પંડિતે આશ્ચર્ય સાથે કહ્યું: ‘મારાં પત્ની! મારાં લગ્ન ક્યારે થયા હતા?’ વૃદ્ધ નારીએ જવાબ આપ્યો : ‘૫૦ વર્ષ પહેલાં. આ સાંભળીને આશ્ચર્ય તેમજ દુ:ખ સાથે પંડિતે કહ્યું : ‘૫૦ વર્ષ પહેલાં આપણાં લગ્ન થયા અને હું તમને ઓળખી ન શક્યો!’ આ શબ્દો સાંભળીને તેમણે પોતાના પતિને કહ્યું : ‘આપણાં લગ્નના દિવસે તમારો જમણો હાથ મારા હાથમાં મૂકીને લગ્નબંધનથી બંધાયા હતા. તમારા ડાબા હાથમાં અડધું હસ્તલિખિત તાલપત્ર હતું અને છેલ્લા ૫૦ વર્ષથી આપ અભ્યાસ-ધ્યાન અને આ લેખનકાર્યમાં નિમગ્ન રહ્યા છો. પશ્ચાત્તાપ સ્વરે પંડિતે કહ્યું : ‘આટલાં વર્ષોમાં તમે તમારા નારી-અધિકારની માગણી કેમ ન કરી?’ વૃદ્ધ નારીએ વિનમ્ર્રતાથી કહ્યું : ‘હું તમારા મન-કાર્યને કેવી રીતે દુમાર્ગે વાળી શકું. આપ તો કાર્યમાં લીન હતા. આપને બીજા કશામાંય રસ ન પડે એ વાત સ્વભાવિક હતી.’ પંડિતે ખિન્ન મને કહ્યું: ‘આટઆટલા વર્ષ મેં તમને ન જાણ્યા! અરે તમારી સામેય જોયું ય નહીં કે વાતચીત પણ ન કરી.’

પત્નીએ કહ્યું : ‘તમે મારી સામે જોયું હતું. મારી સાથે બોલ્યા પણ હતા. પણ મને તમારા પ્રત્યે સાંસારિક આસક્તિ ન હતી. આપના આ સુકાર્ય માટે મારે આપની સાથે એક અનન્ય પવિત્ર સંબંધ હતો.’ આ સાંભળીને પંડિતે પત્નીને પૂછ્યું: ‘તો પછી આ પાંચ દાયકા સુધી આપણો ઘરસંસાર કેવી રીતે ચલાવ્યો?’ પત્નીએ વિનમ્રતાથી કહ્યું: ‘હું આપના માટે આ હસ્તપ્રતોની, દીવાની અને ભોજનની સંભાળ રાખતી. મારા ફુરસદના સમયે અહીં નજીક રહેતી બાલિકાઓને હું સંગીત શીખવતી. તેઓ અનાજપાણી આપતાં. એનાથી આપણું ગુજરાન થતું. એ બધું આજ સુધી ચાલતું રહ્યું છે.’ દુ:ખ અને પસ્તાવાની લાગણી સાથે પતિએ કહ્યું: ‘અરે, ઓ દેવી, મને ક્ષમા કરો. આટઆટલાં વર્ષ મેં આપની ઉપેક્ષા કરી અને પતિ તરીકે કોઈ ફરજ ન બજાવી!’ આમ કહેતાં કહેતાં વાચસ્પતિ મિશ્રાએ કૃતજ્ઞતા અને પૂજ્યભાવ સાથે પોતાનાં પત્નીના ચરણોનો સ્પર્શ કર્યો. લજ્જાભાવ સાથે દૂર હટીને પત્નીએ કહ્યું: ‘પત્નીને ભૂલી જઈને તમે વિદ્વતાભર્યા ગ્રંથરચનાકાર્યથી સમગ્ર માનવજાતની સેવા કરી છે. એમાં મેં જે કંઈ ભલે ગુમાવ્યું હોય પણ વિશ્વને તો ફાયદો જ થયો છે. આપની સેવા કરીને અને આપના કાર્યને પૂર્ણ કરવામાં સહાયરૂપ બનીને હું ખરેખર ધન્ય બની છું. મારે આનાથી વધારે બીજું શું જોઈએ!’

અત્યાર સુધી આવી રીતે ઉપેક્ષિત પોતાનાં પત્નીની આવી સરળ-સહજ ભલમનસાઈથી વાચસ્પતિ મિશ્રા મુગ્ધ બની ગયા. એમના મુખેથી પોતાનાં પત્નીની પ્રશંસાના આ શબ્દો સરી પડ્યા: ‘અરે ઓ ભામતિ! વ્યાસજીના વેદાંતદર્શન પર ટીકા લખવા હું પ્રભુની કૃપાથી જ શક્તિમાન બન્યો અને મેં મારું સમગ્ર જીવન એ માટે સમર્પિત કરી દીધું. આ બધું હોવા છતાં પણ આપની અડગ સમર્પણભાવના અને સેવા વિના મારું આ કાર્ય ક્યારેય પૂરું ન થાત. હું મારા આ ગ્રંથને ‘ભામતિ’ એવું નામ આપું છું. હું મારી આ ટીકા આપની સમર્પિત સેવાભાવનાને લીધે પૂર્ણ કરી શક્યો છું, એ વાત ભલે આખું જગત જાણે.’ વ્યાસના વેદાંત દર્શનના સૂત્રો પરની પ્રાસાદિક ટીકા રૂપે ‘ભામતિ’ નામનો સુખ્યાત અને વિદ્વત્પ્રિય ગ્રંથ આ રીતે રચાયો હતો.

Total Views: 49

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.