परोपकाराय सतां विभूतयः

પંજાબના મહારાજા સરદાર રણજિતસિંહજી પોતાનાં કરુણા ને સર્વપ્રેમ માટે સુખ્યાત છે. એક દિવસ તેઓ ઘોડાગાડીમાં બેસીને પોતાના અંગરક્ષક સાથે બહાર નીકળ્યા. એકાએક એના કપાળ પર એક પથ્થરનો કારમો ઘા લાગ્યો. એનાથી અત્યંત પીડા થતી હતી અને લોહી વહી જતું હતું. 

અંગરક્ષકે ઘોડાગાડી રોકી અને એ પથ્થરો ફેંકનારને શોધવા નીકળી પડ્યો. આ પથ્થરો ફેંકનાર એક વૃદ્ધ નારી હતી. અંગરક્ષકે એ વૃદ્ધ નારીને પકડી લીધી અને રાજા રણજિતસિંહજી સમક્ષ હાજર કરી. રાજાને જોઈને સ્વાભાવિક રીતે આ ગરીબ વૃદ્ધ નારી ભયથી કંપવા લાગી. હવે રાજા તેને સારી એવી સજા કરશે એ વાત નિ:શંક હતી.

તેણીએ રાજા રણજિતસિંહજી સામે ઝૂકીને આજીજીપૂર્વક કહ્યું : ‘મહારાજ, મારી મોટી ભૂલ થઈ ગઈ. મેં તો પથ્થરો આ બોરડીના ઝાડ પર ફેંક્યો હતો. મારો દીકરો ભૂખ્યો હતો અને પાકેલા બોર ખરે તો એનો પેટનો ખાડો પૂરવા માગતી હતી. ઘા ચૂકી ગઈ અને આપને કપાળમાં લાગ્યો. મહારાજ, દયાળુ! વૃદ્ધ સ્ત્રીને માફ કરો.’ આમ કહીને એ વૃદ્ધ નારીએ ફરીથી ક્ષમા યાચના માટે રાજાને વિનંતી કરી.

રાજા રણજિતસિંહજી માયાળુ અને કરુણાળુ હતા. વૃદ્ધ નારીની વાત સાંભળીને એમનું હૃદય દ્રવી ઊઠ્યું. તેમણે અસહાય વૃદ્ધ નારીને દયાની નજરે જોઈ. પછી રાજાએ પોતાના અંગરક્ષકને બોલાવ્યો અને તેમને આદેશ આપ્યો : ‘આ વૃદ્ધ માતાને ૧૦૦૦ રૂપિયા અને થોડી ચીજવસ્તુઓ આપજો. આ વૃદ્ધ માતાને ઘોડાગાડીમાં બેસાડીને ઘરે પાછા પહોંચાડી દેજો.’ આ જોઈને અંગરક્ષકના આશ્ચર્યનો પાર ન રહ્યો. એણે મહારાજાને પૂછ્યું : ‘આવો ગુનો કરનારને સજા કરવાને બદલે આવો પુરસ્કારનો બદલો શા માટે વાળો છો?’ 

પ્રજાવત્સલ અને કરુણાભર્યા હૃદયવાળા રાજા રણજિતસિંહજીએ પ્રત્યુત્તરમાં કહ્યું : ‘આ મૂંગું વૃક્ષ પણ જો એને પથ્થરો મારીએ તો આપણને એનાં મીઠાં ફળ આપે છે, તો પછી હું પંજાબનો મહારાજા માની પાસે આવનાર પર શા માટે ઉદારદિલનો ન બનું?’ મહારાજાએ ભવિષ્યમાં વધુ કાળજી રાખીને કામ કરવાની સલાહ આપીને એ વૃદ્ધ નારીને ઘરે પાછી મોકલી દીધી.

સહજ શાલીનતા અને સહાનુભૂતિ

એક દિવસ દસ વર્ષનો એક છોકરો આઈસ્ક્રીમવાળાની દુકાને ગયો. એક ટેબલ પર બેસીને એણે વેઈટર બહેનને પૂછ્યું : ‘આઈસ્ક્રીમના કપનું શું છે?’ પેલી બહેને કહ્યું : ‘એક કપની કિંમત પંદર રૂપિયા છે.’ પેલો છોકરો ખિસ્સામાંથી રૂપિયા કાઢીને ગણવા માંડ્યો. તેની પાસે માત્ર પંદર રૂપિયા જ હતા. વળી પાછો પ્રશ્ન પૂછ્યો : ‘નાનામાં નાના કપનું શું?’ બહેને જરાક અધીરતાથી જવાબ આપ્યો : ‘તેર… રૂપિયા.’ સાંભળીને છોકરાએ વિનંતીથી કહ્યું : ‘તો બહેન, એમ કરોને મને એક નાનો કપ આપો.’ આઈસ્ક્રીમ આવી ગયો, એણે આઈસ્ક્રીમ ખાઈ પણ લીધો અને બીલ ચૂકવીને નીકળી ગયો. જ્યારે વેઈટર બહેને ખાલી પ્લેટ લીધી ત્યારે એનું હૃદય દ્રવી ઊઠ્યું. બીલની નીચે બે રૂપિયા પણ હતા અને આ બે રૂપિયા વેઈટર બહેનની બક્ષિસરૂપે હતા. હવે એ બહેનને ખ્યાલ આવ્યો કે એ નાનકડો છોકરો ખિસ્સામાંથી પૈસા કાઢીને ગણતો હતો અને ત્યાર પછી જ એણે આઈસ્ક્રીમનો ઓર્ડર આપ્યો. જો એણે પંદર રૂપિયાનો આઈસ્ક્રીમ ખાધો હોત તો એ બે રૂપિયા બક્ષિસ ન આપી શકત. આ નાનકડા છોકરાના હૃદયમાં પણ બીજાને માટે જીવવાનો ભાવ હતો. એણે પોતાનો તો વિચાર કર્યો પણ બીજાના ભલા માટે પણ પહેલાં વિચારી જોયું.

Total Views: 50

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.