ઈચ્છાપૂરણ સંતસમાગમ

એક ગરીબ ગામડિયો ધનવાન બનવા ઇચ્છતો હતો. એમણે દિલ્હીના સુખ્યાત સૂફીસંત હઝરત નિઝામુદ્દીન વિશે સાંભળ્યું હતું. તેણે વિચાર્યું કે એ સંતને ઘણા ધનવાન અનુયાયીઓ છે એટલે એમની મદદ માગવા માટે તે એમને મળવા માગતો હતો. ચાલીને એ દિલ્હી જવા ઉપડ્યો. રસ્તામાં વિચારતો હતો કે વળતાં તે સુંદર ઘોડા પર સવાર થઈને પાછો ફરશે. થાક્યો, ભૂખ્યો તે સૂફીસંત નિઝામુદ્દીનના ઘરે આવી પહોંચ્યો. સંતજીએ એને પ્રેમથી આવકાર્યો. સંતના સેવકોએ એની ભોજન અને આરામની વ્યવસ્થા કરી. આરામ કર્યા પછી આ ગામડિયા ભાઈએ આવવાનો હેતુ કહ્યો. સૂફીસંત નિઝામુદ્દીને કહ્યું : ‘ભાઈ, તને ધન મેળવવાની મહેચ્છા શા માટે જાગી છે?’ ગામડિયા ભાઈએ પોતાની વાત કરતા કહ્યું કે પોતે ગામડામાં રહે છે, માંડ માંડ ગુજરાન ચાલે છે. ક્યારેક તો ખાવાનુંયે મળતું નથી એટલે મારે મારું જીવન બનાવવું છે. આ સાંભળીને સૂફીસંત નિઝામુદ્દીને કહ્યું : ‘ભાઈ, તને જેટલા દિવસ ગમે એટલા દિવસ મારી સાથે રહેજે; તારે ભૂખનું દુ:ખ નહીં વેઠવું પડે.’ સાંભળીને ગામડિયાએ કહ્યું : ‘સાહેબ, મને તો ગામડામાં રહેવું ગમે અને વેપાર ધંધો માંડવા માટે મારે પૈસાની જરૂર છે.’ સૂફીસંત નિઝામુદ્દીને કહ્યું : ‘ભાઈ, મારે ધન સાથે કંઈ લેવા દેવા નથી. તું મારી પાસે શા માટે આવ્યો?’ દિલ્હીમાં ઘણાય પૈસાદાર લોકો છે અને સૌથી સંપત્તિવાન છે બાદશાહ. એમની પાસે શા માટે નથી જતો?’ ગામડિયાએ કહ્યું : ‘પણ અરે, નિઝામુદ્દીનજી! મને ખબર છે કે ધનવાન માણસો પોતાના ધનમાંથી એક કોડીયે ગરીબને ન આપે અને બાદશાહ તો મને મળવાની જ ના પાડે. મેં એવું સાંભળ્યું છે કે, તમે કોઈને ખાલી હાથે જવા દેતા નથી. એટલે જ હું આપની પાસે આવ્યો છું.’ નિઝામુદ્દીને કહ્યું: ‘વાત એમ છે!’ એમ કહી એમણે ફાટેલાં જોડાં પગમાંથી કાઢી ગામડિયાને આપતાં કહ્યું: ‘ભાઈ, તારે ઘણો લાંબો ધૂળિયો માર્ગ કાપવાનો છે. આ જોડાં તને ઉપયોગી થશે. મેં જે કંઈ પહેર્યું છે એ જ મારું છે. એટલે હું હૃદયના આશીર્વાદ સાથે આ જોડાં આપું છું.’ ગામડિયો હતાશ થયો. તે મોટા સંતનું અપમાનયે કરવા માગતો ન હતો. એ તો જોડાં લઈને દુ:ખી હૃદયે ચાલતો થયો. તે મનમાં વિચારતો હતો: ‘આ નિઝામુદ્દીન પણ બિચારા મારા જેવા જ ગરીબ છે!’ એણે તો પાઘડીમાં જોડાં બાંધ્યા અને પોટલું હાથમાં લીધું. ‘અરે! આ જોડાં હું વેચીએ ન શકું એવાં જૂનાં અને નકામાં છે. અરે! આને જોઈને તો મારા ગામના ભાઈઓ મારા પર હસશે. એના કરતાં તો એને રસ્તામાં ફેંકી દેવાં સારા! ’ પેલો ગામડિયો તો મનમાં વિચાર કરતો કરતો દિલ્હીની બહાર નીકળ્યો. પોતાની આંખ અને પાંપણ પર આવેલા પરસેવાને લૂછવા તેણે હાથ ઊંચો કર્યો. ત્યાં તો ધૂળનો વંટોળિયો એની સામે ધસ્યો. તેણે જોયું તો એક ભવ્ય શ્વેત અશ્વ દેખાણો. આ અશ્વ શહેરમાંથી બહાર આવી રહ્યો હતો. એના આશ્ચર્ય સાથે પેલો ઘોડો અને ઘોડેસવાર એની સામે આવીને ઊભા રહ્યા. સુંદર ઘોડેસવાર ઘોડેથી ઊતરીને ગામડિયાના હાથમાં પોટલું જોઈ આશ્ચર્યથી કહ્યું: ‘ભાઈ, તમે તો સંત નિઝામુદ્દીન પાસેથી આવો છો ને! આમ પોટલી બાંધીને શું લઈ જાઓ છો? સંતજીએ કંઈક અમૂલ્ય ભેટ આપી લાગે છે!’ આ સાંભળીને પેલો ગામડિયો તો અવાક્‌ બની ગયો. તેણે પૂછ્યું: ‘ભાઈ, તમને આ અમૂલ્ય ભેટની કેવી રીતે ખબર પડી?’ આ સાંભળીને ઘોડેસવારે કહ્યું : ‘તમારી આ પોટલીમાંથી આવતી મારા માલિક સૂફીસંત હઝરત નિઝામુદ્દીનની સુવાસથી હું એને ઓળખી ગયો! ભાઈ, મને મૂરખ ન બનાવી શકે! હું છું અમીર ખૂશરો!’ હવે પેલા ગામડિયાને પોતાની પોટલી ખોલ્યા વગર અને એમાં ફાટેલાં જોડાં બતાવ્યાં વિના છૂટકો ન હતો. એના આશ્ચર્ય સાથે જાણે કે સુંદર પ્રસાદીનાં પુષ્પ હોય એમ અમીર ખૂશરોએ એને હાથમાં લીધાં અને છાતીએ અડાડ્યાં. પછી એણે ગામડિયાને કહ્યું : ‘ભાઈ, છ મહિનાથી મેં મારા માલિકને જોયા નથી. એમનાં દર્શને હું જતો હતો. ભાઈ, તું મારા ઉપર દયા કર અને આ જોડાં મને વેંચી દે. મને ખબર છે કે આ જોડાં અમૂલ્ય છે. એને બદલે આ સોનાની થેલી, આ ઘોડો, મારો કિંમતી લિબાસ લઈ લે!’ સૂફીસંત હઝરત નિઝામુદ્દીનના કવિ શિષ્ય અને સલાહકાર અમીર ખૂશરો વિશેની વાત ગામડિયાએ સાંભળી હતી. આ કવિરાજ પોતાની ફૂરસદની પળો સંત નિઝામુદ્દીન સાથે જ ગાળતા. આજે તેને ખ્યાલ આવ્યો કે આ કવિરાજ છે ગાંડીયા! એણે તો પેલાં જોડાં કવિરાજને વેંચી દીધાં. બંનેને જાણે કે કોઈ મોટો ખજાનો મળ્યો હોય એમ આનંદ અનુભતા છૂટા પડ્યાં.

Total Views: 52

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.