સત્ય – સત્સંગ – વિચક્ષણતાનો ત્રિવેણી સંગમ

એક ચોર પોતાના ચોરીના કામ માટે રાત્રે બહાર નીકળ્યો. એક મંદિર પાસેથી એ પસાર થતો હતો. મંદિરના સાધુ મહારાજ શાસ્ત્રોમાંથી ઉક્તિઓ ટાંકીને ભક્તોને ઉપદેશ આપતા હતા. સાધુ મહારાજ કહેતા હતા : ‘સત્ય જ પરમેશ્વર છે, ખોટું ન બોલવું. તમે માત્ર આ એક ઉપદેશ પાળશો તો તમને જીવનમાં ઘણો ફાયદો થશે.’ આ સાંભળીને હવે પછીથી તે ક્યારેય ખોટું નહીં બોલે એવો પેલા ચોરે મનમાં નિર્ણય કર્યો. ચોરે તે રાત્રે રાજાના ખજાનામાં હાથ નાખવાનો વિચાર કર્યો હતો. એ રાજમહેલમાં પહોંચ્યો. રાજા પણ છૂપાવેશે લોકોનાં હેમખેમ જોવા નગરચર્યા કરવા નીકળ્યા હતા. બંને સામે મળ્યા. રાજાએ પૂછ્યું : ‘ભાઈ, તું ક્યાં જાય છે?’ ચોરે તો સીધો જવાબ આપ્યો : ‘રાજાના ખજાનામાં હાથ મારવા જાઉં છું.’ સાંભળીને રાજાએ કહ્યું : ‘ભાઈ, હું યે ચોર છું. ચાલ, તારી સાથે આવું અને ચોરી કરવામાં તને મદદ કરું.’ ચોર તો રાજાના ખજાનામાં પહોંચ્યો અને રાજા બહાર ચોકી કરવા લાગ્યા. ચોરે ખજાનામાં ત્રણ રત્નો જોયાં. એમાંથી બે લીધાં, એક પોતાના માટે અને બીજું આ નવા ચોરમિત્ર માટે. ત્રીજું રત્ન ત્યાં જ રહેવા દીધું. ચોરે તો જરાય ખચકાયા વિના રાજાના હાથમાં રત્ન મૂક્યું, અને બંને પોતપોતાને ઘેર ચાલ્યા ગયા. બીજે દિવસે રાજાનો ખજાનો લૂંટાયો એવા સમાચાર બધે ફેલાઈ ગયા. રાજાએ પ્રધાનને આ વિશે તપાસ કરવા આદેશ આપ્યો. પ્રધાનશ્રીએ ખજાનામાં આવીને તપાસ કરી અને જોવા મળ્યું કે એક હીરો એમને એમ અકબંધ પડ્યો હતો. કોઈને કાંઈ ખબર નહીં પડે એમ વિચારીને પ્રધાનજીએ હીરો પોતાના ખિસ્સામાં સરકાવી દીધો અને બહાર આવ્યા. સિપાઈઓએ તપાસ કરીને ચોરને પકડી લીધો અને રાજાની સમક્ષ રજૂ કર્યા. ચોરે કહ્યું : ‘ભાઈ, વાત સાચી કે મેં ચોરી કરી છે. જ્યારે હું રાજખજાનામાં લૂંટ કરવા જતો હતો ત્યારે એક બીજો ચોર પણ મારી સાથે હતો અને એણે રાજાના ખજાનાના બહારના દરવાજે ઊભા રહીને ચોકી પણ કરી હતી. મેં બે કિંમતી હીરા ખજાનામાંથી લીધા હતા. એક મેં મારા માટે રાખ્યો અને બીજો મારા નવા ચોર મિત્રને આપ્યો. જે ત્રીજો હીરો મેં ત્યાં ખજાનામાં જ રાખ્યો હતો એના વિશે હું કાંઈ જાણતો નથી.’ રાજાએ તરત જ સિપાઈને પ્રધાનની તરતપાસ કરવા કહ્યું અને પ્રધાનજીના ખિસ્સામાંથી એક હીરો નીકળ્યો. પછી રાજાએ રાજદરબારમાં બધાને કહ્યું : ‘ભાઈઓ, રાતના એ ચોરનો સાથીમિત્ર હું હતો, એણે બે હીરા લીધા હતા. એક હીરો એણે મને આપ્યો હતો અને બીજો પોતાના માટે રાખ્યો હતો. આ ત્રીજો હીરો જે રાજખજાનામાં જ હતો તે આ પ્રધાનજીએ ચોરી લીધો છે.’ પ્રધાનજીને તરત જ દૂર કરવામાં આવ્યા અને સત્યવાદી ચોરને પ્રધાન બનાવી દીધા.

નિ:સ્વાર્થ દેશપ્રેમ

પ્રાચીન જમાનાની વાત છે. ભારતીય સંસ્કૃતિની જેમ ગ્રીસની સંસ્કૃતિ પણ સમગ્ર માનવ ઇતિહાસમાં અજોડ સંસ્કૃતિ ગણાય છે. ગ્રીસ દેશના સ્પાર્ટા રાજ્યમાં એક યુવાન રહેતો હતો. પીડાર્ટસ નામનો આ યુવાન ભણીગણીને વિદ્વાન બન્યો. ઘર ચલાવવા માટે નોકરી ધંધો તો જોઈએ જ. એ નોકરીની શોધમાં હતો. સ્પાર્ટાના રાજ્યમાં ૩૦૦ જેટલી જગ્યાઓ ભરવાની હતી. એમાં એ પણ અરજદાર બન્યો. ભરતીની બધી કાર્યવાહી પૂરી થઈ અને પરિણામ જાહેર થયું. આ યુવાન વિદ્વાન પીડાર્ટસની પસંદગી ન થઈ. એમના મિત્રોને થયું કે આ બીચારો ઉદ્વિગ્ન બની જશે. એ બધા એમને આશ્વાસન આપવા દોડી ગયા. શાંતિથી પોતાના મિત્રોનું સમાશ્વાસન સાંભળ્યું અને પછી હસતા મુખે પીડાર્ટસે કહ્યું: ‘ભાઈઓ, એમાં ઉદ્વિગ્ન થવાની વાત જ ક્યાં છે? આપણા આ રાજ્યમાં મારા કરતાં પણ વધુ લાયક ૩૦૦ માણસો છે એ જાણીને હું ઘણો આનંદ અનુભવું છું.’

જંગલીપણામાંથી સૌમ્યતા તરફ

અમેરિકાના ઍૅડવર્ડ જૉસેફ ફ્‌લેનગન (૧૮૮૬-૧૯૪૮) કેથેલિક પરંપરાના એક પાદરી હતા. સંગઠિત અપરાધીઓના કુસંગમાં પડીને હત્યા, લૂંટફાટ, હિંસા તથા ક્રૂરતાના કાર્યમાં ડૂબેલા બાળ-અપરાધીઓને સુધારવાનો એમણે પડકાર ઝીલી લીધો. એમણે સ્થાપેલ ‘બાલનગર’માં બધી જાતિઓના તથા બધા સંપ્રદાયોના અનાથ બાળકો રહેતાં. પથભ્રષ્ટ અપરાધી બાળકોનું ભલા અને સદાચારી નાગરિકોમાં રૂપાંતર કરવામાં તેઓ જે અથાક પ્રયાસ કરતા તથા ધૈર્ય રાખતા તે ખરેખર અનુપમ હતાં. પોલિસ દ્વારા પકડાયેલા બગડેલા યુવાનોને તેઓ પોતાના ‘બાલનગર’માં લાવતા. એ બધા અપરાધીકાર્યોમાં દોષી સાબિત થયા હોવા છતાં પણ ફાધર ફલેનગનને એવો વિશ્વાસ હતો કે પ્રત્યેક માનવ મૂલત: ભલો હોય છે, અને તેઓ પોતાની આ ધારણા પ્રમાણે એ બધાની સાથે આચરણ-વ્યવહાર કરતા. એમની જીવનગાડી ફરીથી સાચા રસ્તા પર ચાલવા માંડે એટલે એમણે આવા લોકો પર વિશ્વાસ રાખ્યો, તેમના પર પ્રેમની અમીવૃષ્ટિ કરી, એ બધાએ આપેલ દુ:ખકષ્ટો તથા એમણે મચાવેલા ઉત્પાતોને સહન કર્યા અને એમના કલ્યાણ માટે પ્રાર્થના તથા એમના ઉત્થાન માટે પરિશ્રમ પણ કર્યો. આ રીતે ફ્‌લેનગન બધાના પ્રિય બન્યા અને પ્રેમસહનશીલતા તથા સેવાભાવનું જીવંત ઉદાહરણ બની ગયા.

ફ્‌લેનગન દૃઢપણે માનતા હતા કે બાળકોને ઝડકી-ધમકી, ગાળ કે સજા દ્વારા નહિ પરંતુ એમની સમક્ષ એક અનુકરણીય આદર્શચરિત્ર પ્રદર્શિત કરવાથી જ એમનું દિલ જીતીને એમને સુધારી શકાય છે. ‘બાલનગરના ફાધર ફ્‌લેનગન’ નામના પુસ્તકમાં વર્ણવેલ અહીં આપેલ આ ઘટના પરથી એમને કેવી રીતે એક અત્યંત હિંસક અને ક્રૂર યુવાનને સુધારવામાં સફળતા મળી એનો આપણને ખ્યાલ આવે છે :

પોતાનાં માતપિતાના મૃત્યુ પછી એડ્ડી ચાર વર્ષની વયે જ અનાથ બની ગયો. આઠ વર્ષની ઉંમરમાં જ તેણે એક અપરાધ કરતા સમૂહના નેતા બનવાની ક્ષમતા પ્રાપ્ત કરી લીધી. એક વિચિત્ર વાત તો એ હતી કે એમના જૂથના મોટા ભાગના અપરાધીઓ ઉંમરમાં તેનાથી મોટા હતા. એટલું જ નહિ પરંતુ યુવાનોએ પણ આ બાળકને પોતાનો નેતા માની લીધો હતો. એડ્ડીએ હત્યાઓ કરી હતી. પોતાની શક્તિનું પ્રદર્શન કરવા માટે તેણે એકલે હાથે એક બેંકને લૂંટી હતી અને તેના હજારો ડૉલર લઈને નાસી ગયો હતો. એક ચોરેલી પિસ્તોલની મદદથી તેણે કેટલીય હૉટેલોને લૂંટી હતી. આવા જ એક પ્રસંગે જ્યારે તે એક વૃદ્ધસ્ત્રીની હત્યા કરવા માટે તેના પર ગોળી છોડવા જતો હતો ત્યારે સુરક્ષાગાર્ડોએ તેને પકડી લીધો.

જ્યારે તે ‘બાલનગર’ પહોંચ્યો ત્યારે તેના મનમાં પોલિસનો જરાય ભય ન હતો. સમજી વિચારીને તે બદમાશી કરતો, ધાકધમકી આપતો, સામે આવેલી કોઈપણ વસ્તુને લૂંટીલપેટી લેતો અને પોતાના સમવયસ્ક બીજા છોકરાઓ પ્રત્યે અયોગ્ય અને તોછડી ભાષા વાપરતો. એટલે સુધી કે બધા દ્વારા સન્માન્ય ગણાયેલા ફ્‌લેનગનનો ઉલ્લેખ કરતી વખતે પણ અપશબ્દોનો ઉપયોગ કરતો. દરેક વસ્તુને તે ઘૃણાની દૃષ્ટિએ જોતો સ્કૂલના રમતગમત કે વાદ્યવૃંદમાં ભાગ લેવો કે ખેતીકામ કરવું આ બધું એને ખૂબ અકળાવી દેનારું લાગતું હતું. સામુહિક પ્રાર્થનાના સમયે પણ તે બિલ્લીના અવાજો કાઢતો. કલાકોના પરિશ્રમ પછી બીજા છોકરાઓએ પૂર્ણ કરેલા કામને તે પળવારમાં જ બરબાદ કરી નાખતો. ‘બાલનગર’માં એમના આવ્યાના છ મહિના સુધી એના ચહેરા પર હાસ્યની એક પણ ઝલક કે આંખોમાં આંસુંનું એક ટીપુંયે દેખાયાં નહિ. લોકોને લાગતું હતું કે તે ‘નખશિખ’ વિષથી જ ભરેલો છે. છાત્રાવાસના પ્રબંધકથી આ બધું સહન ન થતાં તેણે ફ્‌લેનગનને એક પત્ર લખ્યો :

‘પ્રિય ફાધર ફ્‌લેનગન,

મેં સાંભળ્યું છે કે તમારા મતાનુસાર આ દુનિયામાં કોઈ માણસ ખરાબ નથી. આ એડ્ડી નામના છોકરાને વિશે તમારે શું કહેવાનું છે, એ વિશે તમે મને કંઈ કહેશો?’

એક રાત સૂતી વખતે એડ્ડી ઊંહકારા નાખતો હતો. એના ચહેરા તરફ જોતા ફ્‌લેનગન સમજી ગયા કે એને ઘણો તાવ ચડ્યો છે. જો કે તેઓ એડ્ડીના અદમ્ય ઉપદ્રવોથી ઘણાં દુ:ખકષ્ટ ભોગવી ચૂક્યા હતા છતાં પણ ફ્‌લેનગને એ બધું ભૂલી જઈને અત્યંત સ્નેહપ્રેમ સાથે તેમણે એની સેવા કરી. બિમારીમાંથી સાજા થયા પછી પણ ફ્‌લેનગનના શિક્ષક સાથી તથા સહપાઠીઓએ તેના પ્રત્યે વિશેષ સ્નેહ તથા સદ્‌ભાવ રાખ્યો. મોટા વિદ્યાર્થીઓ તેના મનોરંજન માટે તેને સિનેમા દેખાડવા લઈ જતા. ભોજન સમયે એનું વિશેષ ધ્યાન રખાતું. એને કોઈ પણ વસ્તુનો અભાવ વર્તાવવા ન દેતા. પરંતુ આ બધું કરવા છતાંય એડ્ડીના ચહેરા પર હાસ્યનું એક ચિહ્‌ન જોવા ન મળ્યું.

એક દિવસ એડ્ડીએ સીધા ફ્‌લેનગનના કાર્યાલયમાં જઈને કહ્યું : ‘શું આપ મને એક સારો છોકરો બનાવવા ઇચ્છો છો એમ ને? શું તમને લાગે છે કે તમને આ કાર્યમાં સફળતા મળશે? થોડા વખત પહેલાં જ હું મેટ્રનને પાટુ મારીને અહીં આવું છું. આ વિશે આપનું શું કહેવાનું છે?’ ફ્‌લેનગને આ સાંભળીને દૃઢતાપૂર્વક જવાબ આપ્યો: ‘મને હજી પણ વિશ્વાસ છે કે તમે સાચે જ એક સારા તરુણ છો.’ 

‘હમણાં જ મેં આપને શું કહ્યું? એ બધું હોવા છતાં પણ તમે એ જ ખોટી વાત દોહરાવો છો. તમે જાણો છો કે હું સારો નથી તો પણ તમે એમ કહ્યે જ રાખો છો કે તમે સાચે જ એક સારા તરુણ છો! વારંવાર એક ને એક અસત્ય બોલીને તમે તમારી જાતને એક પાકા મિથ્યાવાદી તો પ્રમાણિત નથી કરી રહ્યા ને?’

ફ્‌લેનગને ક્ષણવાર વિચાર્યું. એમને લાગ્યું કે આ છોકરો જીવનના એક મહત્ત્વપૂર્ણ વળાંક પર આવી પહોંચ્યો છે. તેમણે એડ્ડીને પૂછ્યું: ‘ભાઈ, એક સારા છોકરાની ઓળખાણ શી એ વાત તો બતાવો? તે પોતાનાથી મોટેરાનું કહ્યું માને છે, એ જ ને?’ એડ્ડીએ હકારમાં પોતાનું માથું હલાવ્યું. ફ્‌લેનગને ફરીથી પૂછ્યું: ‘પોતાના શિક્ષકોનું કહ્યું તે માને છે, ખરું ને?’ એડ્ડી બોલી ઊઠ્યો: ‘હા, એમ જ.’

ફ્‌લેનગને કહ્યું: ‘તો પછી તું એ જ કરે છે. પરંતુ ભાઈ, અહીં આવતાં પહેલાં તને સારા શિક્ષકો ન મળ્યા. આવારા, રખડુ લોકો તારા માર્ગદર્શક હતા અને તેં એમનું જ કહ્યું માન્યું. એ લોકો તને ખોટે રસ્તે લઈ ગયા. તેં એમનું અનુસરણ કર્યું અને એ બધા વિચારવા લાગ્યા કે તું ખરેખર ખરાબ જ છો. પણ જો તું સારા શિક્ષકોનું અનુસરણ કરીશ તો ખરેખર તું પણ સારો બનીશ.’ આ શબ્દો એડ્ડીના મર્મસ્થળને સ્પર્શી ગયા. થોડીવાર તો તે મૌન બનીને ઊભો ઊભો વિચારતો રહ્યો. તેને લાગ્યું કે ફ્‌લેનગનના શબ્દોમાં થોડીઘણી સચ્ચાઈ છે તો ખરી; અને પોતે મૂલત: ખરાબ છે એવી ધારણા એના હૃદયમાંથી દૂર થઈ ગઈ. ટેબલની બીજી બાજુએ ઊભેલા ફ્‌લેનગનની નજીક તે ગયો તેમણે તેને પ્રેમપૂર્વક આલિંગનપાશમાં બાંધી લીધો. એડ્ડીની આંખમાંથી આંસુંઓની ધારા વહેવા લાગી, એના ગાલ આંસુંઓથી ભીંજાઈ ગયા.

દસ વર્ષ પછી એડ્ડી ઉચ્ચશ્રેણી સાથે સ્નાતક થયો. સૈન્યમાં દાખલ થઈને તેણે યુદ્ધમાં ભાગ લીધો. એની યુદ્ધવિશિષ્ટતાને લીધે એને કેટલાય પુરસ્કારો પણ મળ્યા. એને પોતાના મિત્રો તથા પરિચિતોમાંથી પણ સ્નેહપ્રેમ અને સન્માન મળ્યાં. હવે બધાની દૃષ્ટિએ એક વિશ્વસનીય અને પ્રામાણિક માનવ બની ચૂક્યો હતો. પોતાના સારાપણા વિશેના દૃઢ વિશ્વાસથી તેના મનમાં ‘પોતે ખરાબ જ છે’ એવી વસી ગયેલી ધારણા દૂર થઈ ગઈ. ફ્‌લેનગનને એ બાળકની ભીતર રહેલી દિવ્યતા પર પૂર્ણ વિશ્વાસ હતો. અને જુઓ એમનો વિશ્વાસ કેટલો મહાન ફળદાયી રહ્યો! સંદેહ તથા અવિશ્વાસની દૃષ્ટિએ જોવાતા એક પથભ્રષ્ટ બાળકે પોતાના સારાપણામાં આત્મવિશ્વાસ પ્રાપ્ત કરીને સ્વજીવનમાં ઘણી ઉન્નતિ કરી હતી.

*****

એક છોકરો કૂતરાં વેચનારની દુકાને કુરકુરિયું ખરીદવા ગયો. દુકાનમાં ચાર કુરકુરિયાં સાથે બેઠાં હતાં. દરેકની કિંમત ૫૦ ડોલર હતી. એક ખૂણામાં એક બીજું કુરકુરિયું એકલું અટૂલું બેઠું હતું. છોકરાએ પૂછ્યું કે એ પણ એક જ માતાનું છે ને? જો એ પણ વેચવાનું હોય તો એ એકલું અટૂલું કેમ છે? આ સાંભળીને દુકાનદારે કહ્યું : ‘ભાઈ, છે તો એક જ માનું બચ્ચું, પણ જરાક કદરૂપું છે અને એ વેચવાનું નથી.’ છોકરાએ સવાલ કર્યો : ‘એને કયા અંગની ખોટ છે?’ દુકાનદારે જવાબ આપતાં કહ્યું : ‘આ કુરકુરિયાને થાપાનું હાડકું નથી અને એક પગેય નથી.’ છોકરાએ વળી પૂછ્યું : ‘ભાઈ, તમે એનું શું કરશો? એ તમને કંઈ ખપનું ખરું કે નહીં?’ દુકાનદારે કહ્યું : ‘ભાઈ, એને હું સુવડાવી દઉં છું.’ આ સાંભળીને છોકરાએ દુકાનદારને થોડીવાર એ કુરકુરિયા સાથે રમવા દેવા વિનંતી કરી. દુકાનદારે કહ્યું : ‘ભાઈ, મને એમાં શો વાંધો?’ છોકરાએ કુરકુરિયાને ઊંચકી લીધું. એ છોકરાના કાન ચાટવા માંડ્યું. છોકરાએ તરત જ નિર્ણય કરી દીધો કે મારે આ જ કુરકુરિયું ખરીદવું છે. દુકાનદારે કહ્યું : ‘ભાઈ, એ વેચવાનું નથી!’ છોકરાએ વેચાતું લેવાનો ઘણો આગ્રહ કર્યો અંતે દુકાનદાર સહમત થયો. તેણે પોતાના ખિસ્સામાંથી બે ડોલર કાઢ્યા અને બાકીના ૪૮ ડોલર પોતાની મા પાસે લેવા દોડી ગયો. દુકાનને બારણે જ હજી છોકરો પહોંચ્યો ત્યાં દુકાનદારે તેને બૂમ પાડી : ‘આવા લૂલા-લંગડા કુરકુરિયા માટે ૫૦ ડોલર શા માટે વેડફી દો છો? એને બદલે એટલી કિંમતે આ સારું કુરકુરિયું લઈ લો ને.’ છોકરો એક પણ શબ્દ ન બોલ્યો. એણે પોતાના ડાબા પગનું પેન્ટ સહેજ ઊંચું લીધું એના તૂટેલા પગે જોડાણ માટે પટ્ટો બાંધ્યો હતો. એ જોઈને દુકાનદાર બોલ્યો : ‘ભાઈ, હવે તારી વાત મને સમજાણી. ચાલ ભાઈ, આ કુરકુરિયું લઈ લે.’ જેને વીતી હોય તે જાણે, અજાણ્યો કંઈ ન જાણે.

પરિતોષ અને પ્રતિષ્ઠા

‘બીજી વસ્તુ ખરીદી, એટલે પગમાં બીજો પથરો બાંધ્યો. નવી માલિકી, અને નવી ગુલામી. હાથમાં માલ લેવો, એટલે દિલને બેડીઓ પહેરાવવી.’

અપરિગ્રહનો એ પ્રાચીન મંત્ર હતો. પણ એ જૂના ઉપદેશમાં હવે નવો રણકો વાગે છે. કારણ કે એ ઉપદેશ આપનાર એક આધુનિક વિજ્ઞાની હતા. ઉપર ટાંકેલા શબ્દો આજના યુગમાં વિજ્ઞાનીઓના શિરોમણિ એવા આલ્બર્ટ આઈન્સ્ટાઈનના હતા.

લોકો એમને કોઈ ભેટ આપવા જાય, કોઈ સારા પ્રસંગે પ્રેમાદર બતાવવા કંઈક મોકલે કે એમના હાથમાં કોઈ વસ્તુ મૂકે, ત્યારે તે કંઈક મજાકમાં ને કંઈક ઠપકામાં ફરિયાદ કરતા : ‘મને આ શું આપો છો? મારા હાથમાં આ કેવી બેડીઓ નાખો છો? મારે આ બધી વસ્તુઓની ક્યાં જરૂર છે? અને જરૂર નથી, પછી એના મોહમાં શા માટે ફસાઉં?’

અને જેવું કહેતા, તેવું કરતા. સાદું તપસ્વીને શોભે એવું જીવન. ઘેર મોંઘું રાચરચીલું નહીં. ભીંત પર કોઈ ચિત્રની શોભા નહીં. રોજ જેમતેમ દાઢી બનાવે- સામાન્ય સાબુ ને બ્લેડ વાપરીને. વાળ કપાવવા તો કોઈ દિવસ ન જાય – વર્ષમાં એકાદ વાર માથા પરનાં ડાળખાંમાં પત્નીને માલણની કામગીરી બજાવવા દે.

પ્રિન્સટન યુનિવર્સિટીએ એમને અધ્યાપક નીમ્યા ત્યાં સુધીમાં તો એ દુનિયામાં સૌથી પ્રખ્યાત વિજ્ઞાની બની ચૂક્યા હતા. વિજ્ઞાનના ક્ષેત્રમાં પ્રિન્સટન પહેલી હરોળમાં, ત્યાં એમને સંશોધન માટે પૂરી સગવડ મળી શકે. તેનું આમંત્રણ આઈન્સ્ટાઈને સ્વીકાર્યું ત્યારે યુનિવર્સિટીના પ્રમુખે એમની આગળ કાગળ ધરીને કહ્યું: ‘આપના પગાર-પુરસ્કાર માટે આપને યોગ્ય લાગે તે રકમ આમાં ખુશીથી લખી નાખો. આપ જે કાંઈ આંકડો મૂક્શો, તે યુનિવર્સિટીને મંજૂર હશે.’

આઈન્સ્ટાઈને કાંઈક રકમ લખી. જે જોઈને પ્રમુખશ્રીનું મોં પડી ગયું. ‘આવું તે કાંઈ લખાતું હશે?’ એટલે આઈન્સ્ટાઈને કાગળ પાછો લઈને ઓછી રકમ લખવા જતા હતા, ત્યાં પ્રમુખે ખુલાસો કર્યો : ‘આટલો ઓછો પગાર તો આ યુનિવર્સિટીના કારકુનને પણ અમે આપતા નથી. અને આપ એટલો જ પગાર લો, તો યુનિવર્સિટીની આબરૂ જાય. માટે આપની આ માગણી અમારાથી નહીં સ્વીકારી શકાય.’

અને આઈન્સ્ટાઈને લખેલ આંકડાની પછી એક મીંડું ચડાવીને યુનિવર્સિટીના પ્રમુખે નિમણૂકપત્ર પર સહી કરી.

Total Views: 53

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.