આપણા વિચારો પર કેવી રીતે શાસન કરી શકીએ?

માણસ પોતાના વિચારોથી વધુ કે ઓછું કંઈ નથી. ભીતરના અદૃશ્ય વિચારોની નિપજ એટલે બાહ્ય દૃશ્ય-માનવ. ભય પમાડનારા વિચારોનો મારો ચાલે તો ખડતલ માણસ પોતાની મસમોટી મૂછો સાથે ધ્રૂજવા માંડે. તે અસહાય બની જાય છે, કારણ કે વિચારો માનવનું ચાલક યંત્રબળ છે. તમે જાણે કે કોઈ સંદેશવાહક છોકરડા હો તેમ વિચારો તમને ઊંચે લઈ જાય, તમને દોડતા કરી દે અને તમને કામ કરતા પણ કરી દે. શું તમારી નજરમાં આ બધું નથી આવ્યું? તમે તમારી પથારીમાં સાવ નિરાંતે પડ્યા હો અને એક પડખું ફરતાંય ખચકાતા હો, પણ જેવો વિચાર તમારા મનમાં ઉદ્‌ભવે કે તમારા સ્નાયુઓ ફફડવા માંડે; અને તમે દોડવાયે માંડો, કારણ કે તમારે કોઈ ઘણું અગત્યનું કાર્ય કરવાનું હતું એ તમે કરતાં ભૂલી ગયા છો. કોઈ પણ માણસ ખરું કે ખોટું કાર્ય પોતાની ઈંદ્રિયો દ્વારા કે સંચાલક અવયવો દ્વારા કરે છે તે પહેલાં એના મને તો એ કાર્ય કરી જ નાખ્યું હોય છે. ભીતરના વિચારોની પ્રક્રિયાને જ બાહ્ય-દૃષ્ટ માનવ હંમેશાં અનુસરે છે. સૂક્ષ્મ હંમેશાં સ્થૂળને સંચાલિત કરે છે. માનવ પણ આવા કંઈક અદૃશ્ય બળથી સંચાલિત થાય છે. માનવની ભીતર રહેલ આ વિચારશક્તિ માણસને પોતાની જાત સાથે વિશ્વમાં સર્વકંઈ કરતો – સક્રિય બનાવે છે અને નિષ્ક્રિય પણ બનાવે છે. માનવના વિચારો ચંદ્ર પર પહોંચે તેના કરતાં વહેલો તે ચંદ્ર પર પહોંચતો નથી. માનવના વિચારે હિરોશિમાનો વિનાશ નોતર્યો તે પહેલાં અણુબોંબે કર્યો ન હતો. વિચારનું આ ચાલકચક્ર ચોક્કસ ગતિમાં મૂકે ત્યાર પછી જ માનવ શુભ કે અશુભ કાર્યો પોતાની ઈંદ્રિયો કે ચાલક અવયવો દ્વારા કરે છે.

શું આપણે બધાએ અનેકવાર આવું બનતાં નથી જોયું? માણસ એક વિચાર કરે છે અને સમય મર્યાદામાં જ તે ઊંડી ગટરમાં જઈને પડે છે; વળી પાછો એ જ માણસ એક બીજો વિચાર કરે છે અને તે એવરેસ્ટના શિખર પર પહોંચી જાય છે. જો કોઈ પણ વિચાર માનવજાત માટેની પ્રેમજ્યોત બની જાય અને એ વિચારની જ એને લગની લાગી જાય, તો તે સામાન્યમાં સામાન્ય બાબતમાં બીજાને ખાતર પોતાનું જીવન અર્પણ કરી દેશે.

માનવનાં પોતાનાં સુદૃઢ બનેલાં વલણો, જે પરિવેશને તે ભીતર ઉતારે છે, જેવો સાથ-સંગાથ તે રાખે છે અને જે સમૂહ કે પક્ષમંડળનો તે હોય તેમાંથી નીપજતા અને એની પાસે આવતા વિચાર વિશે માણસે જરાય કહેવાનું રહેતું નથી. સામાન્ય રીતે કહીએ તો મોટે ભાગે આ વિચાર જ માનવને સંચાલિત કરે છે. વિચાર માનવને કાર્ય કરતો કરી મૂકે ત્યાર પછી જો તે એના વિશે કંઈ કહેવાનો પ્રયત્ન કરે તો એ વિચાર એને નારાજગીથી ઉતારી પાડશે. જ્યારે વિચાર ચુસ્ત પક્ષ કે માન્યતા બની જાય છે અને માનવ એનો જ બની રહે છે, ત્યારે તેણે બધી રીતે એના ગુલામ બની જવું પડે નહિતર એનો ખેલ ખતમ થઈ જાય. આ પરિસ્થિતિ માનવને કેટલાંક નામયશકીર્તિથી દૂર રાખે છે.

પણ માણસ કાયમને માટે આવી નામોશી સહન કરી શકતો નથી. એક દિવસ તે જાગે છે અને ઉદ્વિગ્નતાથી પૂછે છે: ‘હું ક્યાં છું? હું મારી જાતે કંઈક કરી શકું એવું મને લાગતું નથી. હું બહારના કોઈ આડતિયાથી સંચાલિત થઈ રહ્યો છું. એ મારા ફાયદા માટે કે મારા ક્ષેમકલ્યાણ માટે હોય એવું પણ જરૂરી નથી.’

આમ હોવા છતાં પણ પોતાની જાત સિવાય બીજું કોઈ આવી પરિસ્થિતિ માટે જવાબદાર ન હોઈ શકે. જ્યારે માણસ પોતાના વિચારોને કાર્યાન્વિત કરવાને બદલે તેના વિચારો એને કાર્ય કરતો કરી મૂકે ત્યારે એનું અહિત થાય છે અને બધી વસ્તુઓ એની વિરુદ્ધમાં આવી પડે છે. જ્યાં સુધી માનવનું સંચાલન વિચાર કરે છે ત્યાં સુધી માનવ એક સામાન્ય માનવ બની રહે છે; એટલે કે તેને હંમેશાં સંચાલિત કરવા માટે બાહ્ય આડતિયાની જરૂર પડે છે. અને પર્યાવરણ તેને આવો આડતિયો પૂરો પાડી દે છે. આવા માણસને જ્યારે પોતાના હાલ પર છોડી દેવામાં આવે ત્યારે તે સાવ બિચારો-બાપડો બની જાય છે. તે કેવી રીતે કાર્યશીલ બનવું એ જાણતો નથી. તે તો કોઈકના દ્વારા કાર્યાન્વિત થવાનું જ જાણે છે. જ્યારે માનવ પોતાના વિચારને કાર્યરૂપ આપવાનો પ્રયત્ન કરે છે ત્યારે જો કે વસ્તુઓ જુદો આકાર લેવાનું શરૂ કરે છે. અહીંથી જ મહત્તા અને શાણપણના અંકુરો ફૂટી નીકળે છે અને સામાન્ય માનવ અસામાન્ય માનવ બનવા માંડે છે.

નવશક્તિ સંચારવાળા નવજીવનવિહોણા માનવ માટે વિચારને સંચાલિત કરવાની પ્રક્રિયા સરળ નથી. ઐન્દ્રિક અને સંચાલક બળોથી વિલક્ષણ તાત્ત્વિક માનવે સમગ્ર મનોદૈહિક યંત્રક્રિયાનું સંચાલન કરતા વિચારના ગતિચક્રને કાર્યશીલ બનાવવું પડે. આ કેવી રીતે કરી શકાય? સૌ પ્રથમ તો માનવે સચેત, જાગ્રત અને સાવધાન રહેવું પડે. પોતાની ભીતરના ધ્વનિના થડકાઓની જેમ એનો હેતુ વિચારના આંદોલનોને પકડી પાડવાનો છે. એણે પોતાની ભીતરથી આવતા કયા વિચાર-આંદોલનને મક્કમ મનનો આધાર આપવાનો છે અને કયા વિચારને અણગમતો ગણવાનો છે કે એનો બળપૂર્વક વિરોધ કરવાનો છે, એને માનવની વિવેકશક્તિની જાગૃતિ કહે છે.

માનવને ગુલામ, બદ્ધ અને વિકૃત કરી નાખે તેમજ તેનો વિનાશ નોતરે એવા પણ વિચારો છે; અને એવાય વિચારો છે કે જે માનવને ઉન્નત, ઉદાત્ત અને મુક્ત બનાવે છે. માનવને મહાન અને ઉદાત્ત બનાવતા આ વિચારોને કેવી રીતે કેળવવા તેમજ એમને કેવી રીતે કાર્યાન્વિત કરવા એ એણે જાણી લેવું પડે. આ કંઈ સહેલી વાત નથી, કારણ કે વિચારો તરકટી અને છૂપા હુમલાના નિષ્ણાત હોય છે. અજાગ્રત માનવ પર ઓચિંતાનો હુમલો કરવા કેવી રીતે ભૂગર્ભમાં ચાલ્યા જવું અને પર્વતો પર સંતાઈ જવું એ વિચારો બરાબર જાણે છે. આ વિચારો પર પ્રભુત્વ કેવી રીતે મેળવવું એ બધા લોકો શીખવી ન શકે. જેઓ વિચાર દ્વારા કાર્યાન્વિત થવાને બદલે વિચારોને પોતાની રીતે કાર્યાન્વિત કરવાની કળા શીખ્યા છે તેઓ જ આવી કેળવણી આપી શકે. જો કે વિચારો પર નિયમન રાખવું અને તેમને કાર્યાન્વિત કરવાનું કાર્ય ચંદ્ર પર જવાના કાર્ય કરતાં પણ કઠિન કાર્ય છે; પરંતુ જાગ્રત, કુશાગ્ર બુદ્ધિવાળા માણસે પોતાની જાતને આ કાર્યમાં ખંત અને દૃઢ શ્રદ્ધાથી પ્રવૃત્ત કરવી જોઈએ. એક વખત આ વિચારો પર પ્રભુત્વ તે મેળવી લે પછી જીવનની બધી હાનિ કરતી પરિસ્થિતિઓ અને વિશ્વનાં અનિષ્ટ તત્ત્વો પર પ્રભુત્વ મેળવી શકે. જ્યાં સુધી માનવને લાગે વળગે છે ત્યાં સુધી સંસાર કે વિચારો એનું ક્યારેય સંચાલન નહિ કરે.

જે માણસ પોતાના વિચારોને પોતાની રીતે કાર્યાન્વિત કરવાની પદ્ધતિ શીખવા ઇચ્છે છે તેને માટે અહીં આપેલ ભગવાન બુદ્ધનો ઉપદેશ ઘણો ઉપયોગી થશે. વિતક્ક-સનાતન-સુત્તમાં વિચારો પર કેવી રીતે પ્રભુત્વ મેળવવું તેનું માર્ગદર્શન ભગવાન બુદ્ધે આ શબ્દોમાં આપ્યું છે :

એક વખત ભગવાન બુદ્ધે ભિખ્ખુઓને કહ્યું: ‘અરે ઓ, ભિખ્ખુઓ! જેમણે ઉન્નત વિચારોમાં પોતાનું મન લગાડ્યું છે એમણે મનના આ પાંચ તબક્કાને પુન: પુન: ચકાસી જોવા જોઈએ.

(૧) જ્યારે તમારા મનમાં ઘૃણા કે ક્રોધ સાથે સંલગ્ન કુવિચારો ઉદ્‌ભવે ત્યારે તમારે તમારા મનને સત્‌ એટલે કે સારું શું છે એ તરફ વાળી દેવું જોઈએ. આમ કરવાથી કુવિચારો અદૃશ્ય થઈ જશે અને મન દૃઢ, અટલ-અચલ અને ધ્યાનમાં પરોવાયેલું રહેશે.

(૨) આવા સન્માર્ગના તબક્કે મનને વાળ્યા પછી પણ જો પહેલાંની જેમ કુવિચારો ચાલુ રહે તો એ વિચારો જે અનિષ્ટો નિપજાવે તેનો અભ્યાસ કરવો જોઈએ. આવા અભ્યાસથી કુવિચારો દૂર થશે અને મન દૃઢ, અટલ-અચલ અને ધ્યાનમાં પરોવાયેલું રહેશે.

(૩) આવા અનિષ્ટોનો અભ્યાસ કરવા છતાં પણ કુવિચારો ઉદ્‌ભવે અને એવા વિચારો મનમાં આવતા રહે તો પછી તમારે એને અવગણવા જોઈએ અને એના પર તમારું ચિત્ત ન ચોટે એવું કરવું જોઈએ. કુવિચારોને આ રીતે અવગણતાં તે દૂર થશે અને મન દૃઢ, અટલ-અચલ અને ધ્યાનમાં પરોવાયેલું રહેશે.

(૪) આવા કુવિચારોની અત્યંત અવગણના કરવા છતાંયે એ આવતા રહે ત્યારે તમારે કયા ઢાળામાં એ ઢળાયા છે અને કેવી રીતે તે નિપજ્યા છે તે જાણવું જોઈએ. તમે આવું કરશો કે તરત મનમાંથી કુવિચારો દૂર થશે અને અને મન દૃઢ, અટલ-અચલ અને ધ્યાનમાં પરોવાયેલું રહેશે.

(૫) આ બધું કરવા છતાં પણ જો કુવિચારો ઉદ્‌ભવે અને મનમાં ઘર કરે તો પછી અણીવાળી ખીલીને વાળી નાખે તેમ તેને દબાવી દો અને દૃઢ નિર્ણયશક્તિથી તેના પર તમારે તમારી હકુમત ચલાવવી જોઈએ. આમ કરવાથી કુવિચારો ચોક્કસ દૂર થવાના અને મન દૃઢ, અટલ-અચલ અને ધ્યાનમાં પરોવાયેલું રહેશે.

જ્યારે અંતે ભિખ્ખુ આ પાંચ પથોનું અનુસરણ કરીને કુવિચારો પર વિજય મેળવે, ત્યારે તે બધી ઇચ્છાઓ પર વિજય મેળવીને અને સદૈવને માટે બધાં અનિષ્ટો દૂર કરીને, પોતાના મનનો માલિક બને છે.’ આવી રીતે ભગવાન બુદ્ધે ભિખ્ખુઓને ઉપદેશ આપ્યો અને ભિખ્ખુઓ પણ એ સાંભળીને હર્ષોન્મિત બની ગયા.

વળી ભગવાન બુદ્ધે કહ્યું: ‘હે ભિખ્ખુઓ, આટલું યાદ રાખજો. કોઈ પણ વ્યક્તિએ કુવિચારો પર વિજય મેળવવા માટે સમયે સમયે મનના ઉપર્યુક્ત સોપાનોનું પુનરાવલોકન કરી લેવું જોઈએ, તેનું ચિંતનમનન કરવું જોઈએ અને જે કંઈ પણ અનિષ્ટ છે તેને જડમૂળથી ઉખેડી નાખવું જોઈએ અને જે કંઈ પણ શુભ છે, ઈષ્ટ છે તેને કેળવવું જોઈએ.’

જે લોકોએ પોતાના મનના વિચારો પર પ્રભુત્વ ધરાવવાની કળાને પોતાની કરી લીધી છે અને બીજાને પણ એમ કરવામાં સહાય કરે છે તે પોતાના અને વિશ્વના સાચા શ્રેષ્ઠ મિત્ર છે.

(‘મ્યુઝિંગ્સ ઑફ ધ મુસાફીર’ નામના ફેબ્રુઆરી, ૧૯૭૧ના ‘પ્રબુદ્ધ ભારત’ના લેખમાંથી)

નિંદક નિયરે રાખિએ, આંગન કુટી છવાય;
બિન પાની સાબુન બિના, નિર્મલ કરે સુભાય.

ફ્‌લોરેન્સ શહેર એક જમાનામાં કલા-સાહિત્ય-શિલ્પની ભૂમિ ગણાતું. આ ફ્‌લોરેન્સ શહેરની કીર્તિમાં ટોંચે પહોંચાડનાર છે ત્યાંના શિલ્પી ડોનટેલો. દેશ વિદેશમાં આ મહાન કલાકારનું નામ પ્રસરી ગયું હતું. પોતાના શિલ્પકાર્ય માટે તેઓ પીસા શહેરમાં રહેતા હતા. અહીં રહીને આ શિલ્પકારે અનુપમ શિલ્પકૃતિઓની રચના કરી. એ શિલ્પકૃતિઓની અનુપમ રચનાને કારણે ચોમેરથી એમના પર પ્રશંસાનાં પુષ્પો વેંરાવાં લાગ્યાં. એક સુખ્યાત કલા સમીક્ષકે કહ્યું: ‘ડોનટેલો જગતના મહાન શિલ્પીઓની પંક્તિના એક મહાન શિલ્પકાર છે.’ વળી બીજા સમીક્ષકે એમની કલા કૃતિઓ વિશે આ ઉદ્‌ગારો કાઢ્યા: ‘એમની શિલ્પકૃતિઓ અદ્‌ભુત અને અનન્ય છે. ગમે તેટલું મથો તોયે એમાં તમને ક્યાંય ક્ષતિ ગોતીયે ન મળે.’ 

આવી રીતે પીસામાં રહીને ડોનટેલોને એની અનુપમ કલા માટે વિપુલ પ્રમાણમાં પ્રસિદ્ધિ સાંપડતી રહી. એનો કીર્તિકળશ સમગ્ર વિશ્વમાં ઝળકી ઊઠ્યો. ડોનટેલો આ અપૂર્વ કીર્તિથી અને ખ્યાતિથી થાકી ગયો. એણે પીસાથી પોતાના વતન ફ્‌લોરેન્સમાં પાછા ચાલ્યા જવાનો નિર્ણય કર્યો. પીસાના નગરવાસીઓ અને ડોનટેલોના મિત્રો અને ચાહકો માટે આ એક મોટો આઘાત હતો. એ બધા દોડી ગયા ડોનટેલો પાસે અને એમને વિનંતી કરી: ‘અરે ભાઈ, અહીં આ નગરમાં યશકીર્તિ, ધનસમૃદ્ધિ બધું તમને મળ્યું છે. તમે જ્યાં જવાનો નિર્ણય લીધો છે એ ફ્‌લોરેન્સ તો છિદ્રાન્વેષણ કરનારાની ભૂમિ છે. તમે આ વિચાર છોડી દો.’ પોતાના હિતેચ્છુઓની આ મધુર વાણી સાંભળીને મહાન શિલ્પી ડોનટેલોના મુખેથી આ ઉદ્‌ગારો સરી પડ્યા: ‘ભાઈ, તમે કહો છો તે બધું મને અહીં મળી રહે છે. એટલે જ હું આ નગર છોડીને ફ્‌લોરેન્સ જવા ઇચ્છું છું. મને ખબર છે કે ફ્‌લોરેન્સવાસીઓ મારી કલાની આકરી ટીકા કરનારા છે. એમની આવી કડક સમીક્ષાને લીધે હું ક્યારેય આત્મસંતુષ્ટ, આત્મપ્રશંસક કે પ્રમાદી બનતો અટકું છું.’

Total Views: 42

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.