પ્રબુદ્ધ ભારતના પ્રથમ સંપાદકીય લેખ (વર્ષ ૧, અંક ૧, જુલાઈ ૧૮૯૬)માં ‘અવરસેલ્વ્સ’માંથી શિક્ષણમાં વાર્તાઓના મહત્ત્વ વિશે સ્વામીજીના વિચારોનો ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. – સં.

વાર્તાઓના માધ્યમથી મૂલ્યલક્ષી શિક્ષણ પર આપણે ભારતવાસીઓ ઘણી મોટી શ્રદ્ધા ધરાવીએ છીએ. સ્વામીજીએ પણ એમના એક પત્રમાં આપણને આ વિશે લખ્યું હતું:

‘સંસ્કૃત સાહિત્યમાં અહીં તહીં વેરાયેલ અદ્‌ભુત વાર્તાઓનું પુન:લેખન કરવાની અને એને વધુ લોકપ્રિય બનાવવાની તમે સ્વપ્નમાં પણ ન કલ્પી શકો એવી એક મહાન તક છે. આજની ફ્રાંસની પાંચમી કક્ષાની અનારોગ્યકારક, દીલ ધડકાવનારી, પ્રમાદી મગજની નિષ્પત્તિ રૂપ કરોળિયાની જાળ જેવી નવલકથાઓ જેવી આ વાર્તાઓ નથી. આ વાર્તાઓ તો મહાન ઋષિમનનાં પ્રાકૃતિક પુષ્પો જેવી છે અને તે માનવજાતનું સર્વગ્રાહી અને સંસંવેદનાવાળું સર્વેક્ષણ આપણી સમક્ષ મૂકે છે. એટલે જ એમના પર અમરત્વની છાપ લાગી ગઈ છે. રામાયણ અને મહાભારત ઉદ્‌ભવ્યાં એ પહેલાં સદીઓનાં વહાણાં વહી ગયાં હતાં; અને બીજી આવી અનેક સદીઓ પણ વહી જશે; એ બધી વાતો પ્રાચીન પર્વતો કરતાં પુરાણી નથી છતાંયે એ પ્રાચીન પર્વતો કરતાંયે વધારે સુદીર્ઘકાળ સુધી ટકી રહેશે અને વધારે ને વધારે પ્રભાવ પાડતી રહેશે. આ વાર્તાઓનું એક વિશિષ્ટ લક્ષણ એ છે કે માનવ વિકાસના દરેક તબક્કા માટે એ વાર્તાઓનો એક વિલક્ષણ જુદો જ અર્થ છે. અને સામાન્ય માનવ તેમજ મહાન દાર્શનિક પણ તેને માણી શકે છે. જો કે એ બધા પોતપોતાની રીતે એ વાર્તાઓને સમજે-જાણે છે. એનું કારણ એ છે કે માનવ પ્રગતિની દૃષ્ટિએ વધુ વિકસિત માનવીઓએ આ વાર્તાઓ રચી છે; એમાંના કેટલાક તો માનવ પ્રગતિના સર્વોચ્ચ શિખરે પહોંચેલા હતા. આવા મહાન ગ્રંથોમાંથી પુન:સંવર્ધિત કરેલી અને તેનો નિચોડ તારવેલી વાર્તાઓ આપણા માસિકનું મુખ્ય લક્ષણ રહેશે.

અલબત્ત, એની પાછળ આખું માસિક આવી જ વાર્તાઓથી ભરી દેવાનો આશય નથી. દરેક અંકમાં ગંભીર ચિંતનના વિષયો પરના ઘણા લેખો રહેશે પણ એને વધુ સહજસરળ અને રસપ્રદ બનાવવાની કાળજી લેવી પડશે તેમજ પરમ ગૂઢ શાસ્ત્રની ગૂઢ મીમાંસાઓની ચર્ચાઓને સાવધ રીતે દૂર રાખવી પડશે.’ 

આ માસિક પત્રિકાના સંચાલન માટે સ્વામી વિવેકાનંદે આપણને આપેલી સલાહને બને તેટલા પ્રમાણમાં અને ખંતથી અનુસરવાની રહેશે. સ્વામીજી વિવેકાનંદ કહે છે: 

‘આ સામયિકને વિદ્વત્તાપૂર્ણ કે વિદ્વદ્‌ભોગ્ય બનાવવાના બધા પ્રયાસોથી દૂર રહેવું જોઈએ; મને ખાતરી છે કે ધીમે ધીમે સમગ્ર વિશ્વમાં તે પ્રસરી જશે. સાદી સરળ ભાષાનો શક્ય બને ત્યાં સુધી ઉપયોગ કરો અને તમને સફળતા મળશે. સિદ્ધાંતોના શિક્ષણનું મુખ્ય લક્ષણ તેમને વાર્તાઓ દ્વારા સમજાવવામાં રહેલું છે. એને બહુ તાત્ત્વિક ન બનાવી દો… નિડરતાથી આગળ વધો. એક દિવસમાં કે એક વર્ષમાં સફળતા મળી જાય એવી અપેક્ષા ન સેવો. સર્વોચ્ચ આદર્શને જ હંમેશાં પકડી રાખો. ધીર બનો, આજ્ઞાંકિત બનો અને સત્યને પકડી રાખો. સમગ્ર માનવજાત અને તમારા રાષ્ટ્ર પ્રત્યે સદૈવ નિષ્ઠાવાન રહો; તો તમે સમગ્ર વિશ્વને હચમચાવી મૂકશો. આટલું યાદ રાખજો કે વ્યક્તિત્વ કે જીવન એ શક્તિનું રહસ્ય છે, નહિ કે બીજું કંઈ.’

Total Views: 46

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.