સજા કરતાં પહેલાં હજારવાર વિચાર કરો

બલ્ખના સુલતાન સમૃદ્ધ સુલતાન હતા. એમની જાહોજલાલી અદ્‌ભુત હતી. એમની શય્યાના પલંગ પર દરરોજ તરોતાજાં સવામણ ફૂલોની બિછાત બિછાવવામાં આવતી. સુલતાનની આ શય્યા પર એક ગરીબ દાસી દરરોજ ફૂલની બિછાત પાથરતી. એક દિવસ એનેય આ તાજાં ફૂલોની નજાકત માણવાની ઇચ્છા થઈ. તેણે મનોમન વિચાર કર્યો: ‘સુલતાન તો હજુ મોડા આવશે. ચાલને થોડીવાર હું આ ફૂલની બિછાતવાળા પલંગ પર સૂઈ લઉં! કોણ જોવાનું છે!’ આવું વિચારીને એ પલંગ પર સહેજ આડી પડી. ત્યાં તો એ થોડીવારમાં ઘસઘસાટ ઊંઘી ગઈ. થોડીવાર પછી બલ્ખના સુલતાન પોતાના શયનખંડમાં આવ્યા. જોયું તો પેલી નોકરડી દાસી પોતાની પુષ્પશય્યા પર નિરાંતે ઊંઘે છે! સુલતાન ક્રોધથી રાતાપીળા થઈ ગયા. એમણે હાથમાં લીધો કોરડો અને ચાર-પાંચ કોરડા વીંઝી દીધા.

દાસીના ક્ષોભનો અને ભયનો પાર ન હતો. રડતી રડતી અને થરથર કંપતી એ બીચારી પલંગ પરથી નીચે ઊતરી ગઈ. પણ સુલતાનના આશ્ચર્ય વચ્ચે નીચે ઊતરતા વેંત જ તે હસવા લાગી. દાસીનું આવું આશ્ચર્યકારક અને વિચિત્ર વર્તન જોઈને સુલતાનના મગજનો પારો જરા નીચે ઊતર્યો. એમણે પૂછ્યું: ‘અરે, ઓ નોકરડી! તને આમ અચાનક હસવું કેમ આવ્યું?’ દાસીએ નીચું મોઢું રાખીને નમ્રતા અને વિવેકથી સુલતાનને આ શબ્દો કહ્યા: ‘જહાઁપનાહ, હું ઘડી-બેઘડી આપની આ ફૂલની પથારી પર સૂતી અને મારે કોરડાના અસહ્ય ફટકા ખાવા પડ્યા; પરંતુ આપ નામદાર તો રોજ આખી રાત આ સુખશય્યા પર નિરાંતે ઊંઘો છો! તો અલ્લાહ, પરવરદિગાર આપને કેટલી મોટી સજા કરશે? એ વિચારથી મને હસવું આવી ગયું, જહાઁપનાહ.’

પુરુષાર્થ જીવનનો પારસમણિ છે

જો તમે અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં આવેલી સુખ્યાત યુનિવર્સિટી ઑફ ન્યૂયોર્કની મુલાકાતે જાઓ તો ત્યાં તમને થોમસ આલ્વા એડિસનના નામે ‘હૉલ ઑફ ફેઈમ’ – ‘કીર્તિ ખંડ’ જોવા મળશે. એડિસનનો જન્મ એક સામાન્ય ઘરમાં થયો હતો. એક સામાન્ય ઘરમાં જન્મેલ આ બાળક કેવી રીતે સર્વોત્કૃષ્ટ વિજ્ઞાન શોધક બની શક્યો હશે! તે હંમેશાં આકાશને આંબવાના સ્વપ્ન જોતો અને આકાશને આંબવા તે દૃઢભાવે પ્રયત્ન કરતો. આવા આકાશી સ્વપ્નોને સાકાર કરવામાં નિષ્ફળતા મળે તો પણ એની એને પડી ન હતી. એને મન તો દૃઢ મનનો પ્રબળ પુરુષાર્થ કે પ્રયત્ન કરવો એ જ અગત્યનું હતું. આ મહાન થોમસ આલ્વા એડિસને કહ્યું છે : ‘પ્રતિભાવાન પુરુષોની સફળતા પાછળ ૧% અંત:પ્રેરણા અને ૯૯% પરમ પુરુષાર્થ રહેલો હોય છે. ‘એઆઈ’ના લાડકા નામે પોતાના કુટુંબમાં જાણીતા થોમસ આલ્વા એડિસને બાર વર્ષની ઉંમરથી પોતાના મહાન વૈજ્ઞાનિક કાર્યનો આરંભ કર્યો. એમના માટે વિલક્ષણ બાબત તો એમણે પોતાના જીવનકાળમાં કરેલો અદમ્ય પુરુષાર્થ છે. તેઓ પોતાના કુટુંબને સહાયરૂપ થવા થોડું કમાવા ઇચ્છતા હતા. એ માટે એમણે છાપાં વેંચવાનું કાર્ય કરવાનો નિર્ણય કર્યો. આ કાર્ય માટે પોર્ટ હ્યુરોનથી ડેટ્રોઈટ સુધીની ૩ કલાકની ટ્રેઈનની યાત્રા કરવી પડતી. ગાડીમાં એડિસન મુસાફરોને ફળો, કેન્ડી અને છાપાં વેંચતો. ‘ભાઈ, છાપાં લ્યો, કેન્ડી લ્યો’ એમ આવતાં જતાં બૂમો પાડતો રહેતો અને પોતાના કુટુંબ માટે કમાણી કરતો. દરરોજની કમાણી પોતાનાં મા-બાપના હાથમાં મૂકી દેતો.

આવી રીતે છાપાં વેંચવા એ થકવી દેતું કામ હતું. આવું કપરું કામ કરવા છતાં પણ વિજ્ઞાનના પ્રયોગો કરતાં રહેવાની એમની રુચિમાં કે કાર્યમાં જરાય વિક્ષેપ ન પડ્યો. ચાલુ ગાડીએ શરૂઆતમાં પોતાના છાપાં અને ચીજવસ્તુઓ વેંચીને પછી માલસામાનના ડબ્બામાં બેસીને એ પ્રયોગોની દુનિયામાં ડૂબી જતા. અહીં પાઉડર અને પ્રવાહીનું મિશ્રણ કરતા રહેતા. આવાં પાઉડર અને પ્રવાહીઓ હંમેશાં એમની સાથે જ રહેતાં. એક દિવસ મહાન શોધક બનવાનું એમણે મનમાં નક્કી કરી લીધું હતું.દરરોજ ગાડી હ્યુરોનથી ડેટ્રોઈટ સવારના ૯ વાગ્યે પહોંચી જતી. પછીનો આખો દિવસ એમના હાથમાં રહેતો. મળેલા સમયની એક પળ પણ તેઓ વેડફતા નહિ. ડેટ્રોઈટના જાહેર પુસ્તકાલયમાં ઘણાં પુસ્તકો હતાં. આખો દિવસ પુસ્તકાલયમાં પુસ્તકોની દુનિયામાં તેઓ ડૂબી જતા. એમણે થોમસ પેઈનનું ‘ધ એઈજ ઑફ રિઝન’ વાંચ્યું. પેઈન મહાન શોધક હતા. એમનો થોમસ આલ્વા એડિસન પર ઘણો મોટો પ્રભાવ પડ્યો હતો. 

સાંજના ૬ વાગ્યે હ્યુરોન જવાની ગાડી પકડવા માટે તેઓ ચાલીને જતા. છાપા વાંચતી વખતે લોકોને અગત્યના સમાચાર કેવા લાગ્યા એ વિશે પણ ખ્યાલ આવી જતો. એટલે એણે પછીથી એક જૂનો પ્રિન્ટીંગ પ્રેસ ખરીદ્યો અને ‘ધ વીકલી હેરલ્ડ’ નામનું પોતાનું વર્તમાન પત્ર શરૂ કર્યું. આ પત્રને ઘણી સફળતા મળી.

એક દિવસ સવારે તેઓ રેલવે સ્ટેશને હતા. રેલવેના પાટા પર એક છોકરો રમતો હતો. એવામાં એક ગાડી આવતી જોઈને એના મનમાં ત્વરિત વિચાર વીજળી ચમકી ગઈ. છાપાને એક બાજુએ ફંગોળી દીધા અને પ્લેટફોર્મ પરથી કૂદીને પેલા છોકરાને મોતના મોંમાંથી બચાવી લીધો. આ છોકરાના પિતા જેમ્સ મેકેન્ઝી સ્ટેશન માસ્તર હતા. એમણે કહ્યું: ‘બેટા, હું કેવી રીતે મારો આભાર વ્યક્ત કરી શકું!’ નાના થોમસે કહ્યું: ‘સાહેબ, મારો આભાર માનવાની જરૂર નથી. પણ હું ટેલીગ્રાફી શીખવા ઝંખું છું.’ આ સાંભળીને શ્રી મેકેન્ઝીએ કહ્યું: ‘હું તને આ દેશનો શ્રેષ્ઠ ટેલીગ્રાફર બનાવીશ.’ વિદ્યુત સંકેતોનો ઉપયોગ કરીને સંદેશો મોકલવાની રીત ટેલીગ્રાફી-તારસંદેશ કહેવાય છે. શ્રી મેકેન્ઝી પાસેથી ટેલીગ્રાફી શીખતી વખતે એ વિષય પર મળતાં બધાં પુસ્તકો થોમસે વાંચી નાખ્યાં. પછીથી ટેલીગ્રાફર તરીકેની કારકીર્દિ દરમિયાન એમનું મન અન્વેષણમાં પૂરેપૂરું ડૂબેલું રહેતું. ૧૮૬૮માં એને માટે એમણે સર્વપ્રથમ પેટન્ટ મેળવ્યા. જ્યારે તમે કોઈ પણ વસ્તુ કે વિષય બાબતમાં આવો પેટન્ટ મેળવો એનો અર્થ એ થાય છે કે એ વસ્તુ કે વિષયના શોધક તરીકે ગ્રાહ્ય બન્યા છો. પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન પોતાની ૧૦૯૩ શોધો માટે એમણે આવા પેટન્ટ મેળવ્યા હતા. આવી શોધોમાંથી ફોનોગ્રાફે-ધ્વનિમુદ્રણે એને વિશ્વ વિખ્યાત માનવ બનાવી દીધા. આ શોધથી એમણે માનવના અવાજને અમર બનાવી દીધો. સમાચાર પત્રોએ એમને ‘ધ વિઝાર્ડ ઑફ મેન્લો પાર્ક’ – ‘મેન્લો પાર્કની વિચક્ષણ પ્રતિભા’થી સંબોધ્યા હતા.

સમભાવમાં જ જીવનની સાર્થકતા છે

મહાન સંત એકનાથજી પાસે એક દિવસ એક ભક્ત આવ્યો. એણે એકનાથજીને વિનંતી કરતાં કહ્યું: ‘મહારાજ, આપનું જીવન કેટલું મધુર છે. અમને તો એક પળેય શાંતિ મળતી નથી. અમને પણ લોભમોહ, મદમત્સર જેવા શત્રુ ન સતાવે અને અમારું જીવન સદૈવ આનંદ પ્રાપ્તિ કરે, એવો કોઈ ઉપાય બતાવો.’ 

ભક્તની વાત સાંભળીને એકનાથજી ગંભીરભાવે બોલ્યા: ‘ભાઈ, તને ઉપાય તો બતાવી શકું, પણ તું હવે આઠ દિવસનો મહેમાન છો! એટલે પહેલાંની જેમ જ તારું જીવન જીવી જા.’

હવે પોતે જાજા દિવસનો મહેમાન નથી એવું સાંભળતાં જ તેના મોતિયા મરી ગયા. નિરાશ વદને ઘરે પાછો ફર્યો. ઘરમાં જઈને પત્નીને કહ્યું: ‘અરે, મેં તમને કેટલીયેવાર નકામા દુભવ્યાં છે. મને માફ કરી દેજો!’ થોડીવાર પછી પોતાનાં બાળકો પાસે જઈને કહ્યું: ‘બેટા, મેં તમને કેટલીયે વાર માર્યાકૂટ્યા છે, તમે બધાં મને માફ કરી દેજો.’ મિત્રો પાસે જઈને એમની પણ ક્ષમાયાચના કરી લીધી. આમ જે જે મળ્યાં એમની સાથે જે કોઈ દુર્વ્યવહાર કર્યો હતો એની માફી માગી લીધી. આમ કરતાં કરતાં આઠ દિવસ પસાર થઈ ગયા. એ તો પહોંચી ગયો એકનાથજી પાસે અને બોલી ઊઠ્યો: ‘મહારાજ, આઠ દિવસ તો વીતી ગયા! હવે મારી અંતિમ ઘડી આવવામાં કેટલો સમય બાકી છે?’ 

એકનાથજીએ વળી પાછા ગંભીર થઈને કહ્યું: ‘ભાઈ, તારી અંતિમ ઘડી તો પ્રભુ જ બતાવી શકે. પણ તું મને એટલું તો કહે કે તારા આ આઠ દિવસ કેવી રીતે વીત્યા? ભોગવિલાસમાં રત રહીને તેં આનંદ પ્રમોદ માણ્યા હશે, ખરું ને?’ એકનાથજીની વાત સાંભળીને ભક્ત બોલી ઊઠ્યો: ‘અરે, મહારાજ! શું વાત કરું? આ આઠ દિવસ સુધી મને મૃત્યુ સિવાય બીજી કોઈ વસ્તુ જ નજરે પડતી ન હતી. એનાથી મને મારા બધાં દુષ્કર્મો યાદ આવી ગયાં અને એનો પસ્તાવો કરવામાં અને એની ક્ષમાયાચના કરવામાં આ અવધિ વીતી ગઈ.’ 

ભક્તની હૃદયની વાણી સાંભળીને એકનાથજીએ કહ્યું: ‘વત્સ, તેં જે વાતને યાદ રાખીને, ધ્યાનમાં રાખીને આ આઠ-આઠ દિવસ પસાર કર્યા, અમે સાધુ લોકો પણ એ જ વાતને નજર સમક્ષ રાખીને કર્મ કરતાં રહીએ છીએ. વત્સ, એટલું ધ્યાન રાખજે કે આપણો આ દેહ ક્ષણભંગુર છે અને અંતે માટીની કાયા માટીમાં ભળી જ જશે. આ માટીની કાયાના ગુલામ બનવાને બદલે પરમેશ્વરનો ગુલામ બનવું વધારે શ્રેયસ્કર છે. પ્રત્યેક માનવ સાથે સમાન ભાવ રાખવાથી જ જીવન સાર્થક બને છે. અને એને લીધે જ આ જીવનમાં મધુરતાનો અનુભવ થાય છે. તને તો તારું જીવન અસહ્ય લાગતું હતું, ખરું ને?’ 

મોરનાં ઈંડાંને ચીતરવા ન પડે

મહાન સમ્રાટ સિકંદરનું નામ આપણે બધા જાણીએ છીએ. એમના પિતા રાજા ફિલિપ પણ મહાન પરાક્રમી શાસક હતા. સિકંદર તો હજી નાનો હતો. એ વખતે રાજા ફિલિપે યુરોપ અને એશિયાનાં ઘણાં રાષ્ટ્રો પર આક્રમણ કર્યું અને એ બધાં પર પોતાનો વિજયડંકો વગાડ્યો. રાજા ફિલિપ આવડો-મોટો વિજય મેળવીને પોતાના દેશમાં પાછા આવ્યા. સમગ્ર રાજ્ય આનંદ ઉત્સવની ઉજાણી માણી રહ્યું હતું. લોકોના હર્ષોલ્લાસનો પાર નથી. બધે આનંદ આનંદ જ છે. પિતાએ આ મહાન દિગ્વિજય મેળવ્યો એ સમાચાર નાના સિકંદરના કાને પણ પડ્યા. સમાચાર સાંભળીને એની આંખમાંથી આંસું વહેવાં માંડ્યાં. કોઈકે ગુસ્સે થઈને પૂછ્યું: ‘અલ્યા, તારો બાપ આખી દુનિયા જીતીને આવે છે અને તું આમ રડે છે? આ તે કેવું? તારે રડવું જોઈએ કે હરખાવું જોઈએ?’ આ ઠપકો સાંભળીને નાના સિકંદરે જવાબ આપ્યો: ‘મારા પિતા આખી દુનિયા પર જીત મેળવે એનાથી મારે હરખાવાનું જ હોય. પણ જો મારા પિતા આ રીતે આખી દુનિયા પર વિજય મેળવી લે તો મારે માટે જીતવાનું બાકી શું રહેશે?’

દોષ જુઓ પણ પોતાના

વિનોબાજી પોતાને મળેલા પત્રોને સંભાળીને રાખતા અને એ બધાનો સુયોગ્ય જવાબ પણ આપતા. એક દિવસ એમને ગાંધીજીનો પત્ર મળ્યો. એમણે તો એ પત્ર વાંચીને ફાડી નાખ્યો. નજીકમાં જ શ્રી કમલનયન બજાજ પણ બેઠા હતા. આ જોઈને એમના આશ્ચર્યનો પાર ન રહ્યો. તેઓ પોતાના મનનો ઉદ્વેગ દબાવી ન શક્યા. એમણે તો પત્રના ટુકડેટુકડા જોડીને આખો પત્ર વાંચ્યો. એ પત્રમાં વિનોબાજીની ભરપૂર પ્રશંસા કરવામાં આવી હતી. એમાં લખ્યું હતું: ‘આપના જેવો ઉચ્ચ આત્મા મેં બીજો કોઈ જોયો નથી.’ બજાજે આશ્ચર્ય સાથે વિનોબાજીને પૂછ્યું: ‘આપે આ પત્ર કેમ ફાડી નાખ્યો? એમાં સાચું જ લખ્યું હતું. એને તો સાચવી રાખવાની જરૂર હતી.’ વિનોબાજીએ સસ્મિત વદને જવાબ આપ્યો: ‘એ પત્ર મારા માટે બેકાર છે, એટલે મેં ફાડી નાખ્યો. પૂજ્ય બાપુએ પોતાની ઉદાર અને વિશાળ દૃષ્ટિએ મને જેવો જોયો એવું આ પત્રમાં લખી નાખ્યું છે. પણ એમને મારા દોષોની ક્યાં ખબર છે? મને આત્મપ્રશંસા જરાય પસંદ નથી. હા, કોઈ મારા દોષ બતાવે તો હું એના પર બરાબર ધ્યાન દઈશ.’ 

સમાજ અને માનવઘડતર

ન્યૂયોર્કના મેયર લા ગાર્ડિયા પોતાની સહૃદયતા અને સુવ્યવસ્થા માટે ઘણા પ્રસિદ્ધ હતા. પોલિસ-મુકદ્દમામાં એમને વિશેષ રસરુચિ હતાં. આવા મુકદ્દમામાંથી એમને શહેરની વાસ્તવિક પરિસ્થિતિની પૂરેપૂરી જાણકારી મળી રહેતી. એટલે જ મોટે ભાગે તેઓ આવા મુકદ્દમા હાથમાં લેતા. એક દિવસ એવું બન્યું કે પોલિસે કોર્ટમાં એક ચોરને હાજર કર્યો. એ ચોરે રોટીની ચોરી કરી હતી. આ એનો ગુન્હો હતો. લા ગાર્ડિયાએ એમની ચોરી વિશે પ્રશ્ન કરતાં ચોરે બચાવમાં એક જ વાક્ય કહ્યું: ‘મારું કુટુંબ ભૂખ્યે મરતું હતું. એટલે હું આ રોટીની ચોરી કરવા લાચાર બન્યો.’ આ સાંભળીને લા ગાર્ડિયાએ ચુકાદો સંભળાવ્યો: ‘આ ગુન્હેગારે ચોરી કરી છે એટલે હું દસ ડોલર દંડ કરું છું.’ બીજી જ પળે પોતાના ખિસ્સામાંથી દસ ડોલર કાઢીને ચોરને આપ્યા અને કહ્યું: ‘આ રહ્યો તમારે ભરવાનો દંડ.’ પછી ગંભીરભાવે કોર્ટમાં હાજર લોકોને કહ્યું: ‘સાથે ને સાથે અદાલતમાં હાજર દરેક વ્યક્તિનો હું પચાસ સેંટ (અડધો ડોલર) દંડ કરું છું. એનું કારણ એ છે કે જે સમાજમાં લાચાર માણસને રોટીની ચોરી કરવા માટે મજબૂર બનવું પડે છે એવા સમાજમાં એને રહેવું પડે છે.’

કાર્ય પહેલાં, યશકીર્તિ પછી

અનન્ય અને નિ:સ્વાર્થ સેવાના રંગે રંગાઈને પચાસ-પચાસ વર્ષ સુધી ગરીબ, દુ:ખી, રોગી, રક્તપિત્તિયાંની સેવા કરીને ૧૯૬૫માં ડૉ. આલ્બર્ટ સ્વિટ્‌ઝર અવસાન પામ્યા. તેઓ એક વખત રક્તપિત્તિયાંની હોસ્પિટલ માટે છાપરું બાંધતા હતા. એ વખતે સ્વીડનથી એક સંદેશવાહક આવ્યો અને એમની સામે ઊભો રહ્યો. એમણે ખુશાલી સાથે કહ્યું : ‘હું સ્ટોકહોમથી આવું છું. આપશ્રીને મારે …’

ડૉકટરે એમને વચ્ચેથી રોકીને કહ્યું : ‘સારું ભાઈ, આ પતરાંનો પેલો છેડો જરા પકડવા લાગશો? સારું થયું કે તમે વખતસર આવી ગયા. મને એકલે હાથે ખીલા મારવાનું ફાવતું નહોતું.’ સંદેશવાહક તો પોતાની ખુશીનો ઉમળકો માંડ માંડ સમાવી શક્યો અને એ ડૉ. આલ્બર્ટ સ્વિટ્‌ઝરને મદદ કરવા લાગ્યો. ખીલા બરાબર બેસાડી દીધા પછી સંદેશવાહકે પોતાની વાત આગળ ચલાવતા કહ્યું : ‘ડૉ. સ્વિટ્‌ઝર, નૉબેલ પારિતોષિક સમિતિએ મને આપની પાસે મોકલ્યો છે. આપ સ્ટોકહોમ પધારો અને શાંતિ માટેનું નૉબેલ પારિતોષિક સ્વીકારો, એવી સમિતિએ વિનંતી કરી છે.’ ડૉક્ટરે કામમાંથી માથું ઊંચું કરીને સહજ સરળભાવે કહ્યું : ‘ભાઈ હું આવીશ ખરો, પણ હમણાં આવી શકાય તેમ નથી. મારે હજી આ હોસ્પિટલનું મકાન તૈયાર કરવાનું છે. બાપડા દર્દીઓને ઘણી અગવડ પડે છે. તમે મારા વતી સમિતિનો આભાર માનજો… એ પારિતોષિકના પૈસા આ મકાન બાંધવામાં બહુ કામ લાગશે.’ આટલું બોલીને ડૉ. આલ્બર્ટ સ્વિટ્‌ઝર નીચું મોં રાખીને વળી પાછા પતરાં બેસાડવાના કામે મંડી પડ્યા.

લાલ બહાદૂર શાસ્ત્રીના વિનયવિવેક

આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. લાલબહાદૂર શાસ્ત્રી પોતાના નોકર ચાકર સાથે પણ વિનય વિવેકથી વર્તતા, નોકરો સાથે અધિક પ્રેમભાવ રાખતા. એમનાં પત્ની લલિતાદેવી નોકરો કંઈ ભૂલ કરે તો તેમના પ્રત્યે તેઓ નારાજ થતાં. એકવાર એક નોકર બરાબર કામ નહોતો કરતો એટલે એમના પર તેઓ ગુસ્સે થયાં અને મંડ્યાં સંભળાવવા. શાસ્ત્રીજીએ આ બધું જોયું અને પછી પોતાનાં પત્નીને કહ્યું: ‘નોકરો સાથે વિનમ્રતાભર્યું વર્તન રાખવું જોઈએ. ઠપકા-બપકા ન આપવા જોઈએ. તો જ એ લોકો દિલ દઈને કામ કરે.’ આ સાંભળીને લલિતાદેવી ક્રોધે ભરાયાં. એમણે કહ્યું: ‘નોકર-ચાકર પર આપણે અંકુશ ન રાખીએ તો એ બધા મનમાની કરવા માંડે. એમની ભૂલો તો એમને બતાવવી જ જોઈએ.’ આ સાંભળીને શાસ્ત્રીજીએ હસતાં હસતાં કહ્યું: ‘શ્રીમતીજી, તમારે આ શેરનું અનુકરણ કરવું જોઈએ : કુદરત કો ના પસંદ હૈ, સખ્તી બયાન મેં । ઇસી વજહ તો દી નહીં હડ્ડી જબાન મેં ॥’

સતત પરિશીલન અને સફળતા

પ્રખ્યાત સંગીતકાર ફૈયાઝખાઁએ એક વખત પોતાની સંગીતકલા અને પરીક્ષાની પળ વિશે કેટલાક યુવાન ચાહકોએ પૂછતાં એમણે આવા ઉદ્‌ગારો કાઢ્યા હતા: ‘ભાઈ, અમે તો કંઈ ગાતા નથી, અલ્લાહ જ અમારા દ્વારા આ બધું ગવડાવે છે. અને એટલે જ અમે આવું બધું ગાઈ લઈએ છીએ. આપ સૌને મારું શાસ્ત્રીયગાન ગમે છે એ તો મારા પ્રત્યેનો આપ સૌનો અનન્ય પ્રેમભાવ છે. સંગીત ગાનમાં પોતાની જાતને ક્યારેક ભૂલી જવી પડે છે અને ત્યારે જ કંઈક સારું શાસ્ત્રીય ગાન થઈ જાય છે. તમે બધા પણ બે-ચાર વર્ષ કેળવણી મેળવો છો, પરીક્ષા આપો છો અને બી.એ. કે એમ. એ.ની ઉપાધિ પણ પ્રાપ્ત કરો છો. પણ અમારા જેવા લોકોએ તો સંગીતની એકેએક મજલિસમાં ગાતી વખતે એક પરીક્ષા આપવી પડે છે.

Total Views: 98

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.