(ગતાંકથી આગળ)

निरधस्तु लोकवेदव्यापारन्यासः॥८॥

(निरोध, સંયમ; तु, નો અર્થ (છે); लोक, લોકોનો અભિપ્રાય; वेद, વેદોમાં બતાવેલ આદેશો; व्यापार, બધાં જ કર્મો; न्यास, ત્યાગ.)

૮. નિરોધ કે નિષેધનો અર્થ, ‘લોકોનો અભિપ્રાય, વેદોના આદેશો અને બીજાં બધાં કાર્યોનો ત્યાગ’ – એવો થાય છે.

અહીં નિષેધનો અર્થ ‘દૂર રહેવું’ એવો થાય છે. એટલે વેદોમાં દર્શાવાયેલાં કર્મોથી અથવા તો જગતના રીતરિવાજોનાં સર્વસ્વીકૃત ધોરણોથી દૂર રહેવું એવો અર્થ થયો. આ કરવું જોઈએ અને આ ન કરવું જોઈએ એવા વૈદિક આદેશોનો વિરામ થઈ જવો જોઈએ. જગતનાં લક્ષ્યો તરફ અનુસરણ કરવામાંથી પણ વિરામ થવો જોઈએ. વેદોએ આપણી સમક્ષ જાતજાતનાં ધ્યેયો મૂક્યાં છે. જેમ કે મુક્તિ, સ્વાતંત્ર્ય, અથવા તો વિવિધ વિષયોની ઉપલબ્ધિ વગેરે – આ બધાનો પણ વિરામ થઈ જવો જોઈએ. લોકોને ખુશ કરવા માટે આપણે જે વસ્તુઓની પ્રાપ્તિની ઇચ્છા કરતા હોઈએ, અથવા તો લોકોએ માનેલ નીતિનિયમોની સાથે જે અનુકૂળ હોય તેવાં જેમ કે ‘માણસે આમ વર્તવું જોઈએ કે તેમ વર્તવું જોઈએ.’ એવી અથવા તો લોકોના અભિપ્રાયને અનુકૂળ હોય, એવી – આ બધી જ પ્રવૃત્તિઓ વિરમી જવી જોઈએ. કારણ કે આવા લોકાભિપ્રાયને લોકાદેશને અનુસરવામાં હંમેશા એક તરત દેખી ન શકાય, એવો હેતુ રહેલો હોય છે. આપણે વેદોના આદેશનું એટલા માટે પાલન કરીએ છીએ કે એમાં બતાવેલાં કર્મોનાં ફળો આપણે મેળવીએ. એવી જ રીતે આપણે લોકો અભિપ્રાયને પણ એટલા માટે અનુસરીએ છીએ કે આપણને પ્રસિદ્ધિ મળે – ખ્યાતિ મળે. અથવા આપણને લોકોની અનુમતિ મળે. એટલે હવે આવી બધી વસ્તુઓ ભક્તના જીવનમાંથી તદ્દન ભૂંસાઈ જ જવી જોઈએ. આ ખૂબ અગત્યની બાબત છે કારણ કે સામાન્ય રીતે આપણે બધા આ ‘કરવું’ અને ‘ન કરવું’ના ગુલામ જ હોઈએ છીએ. ભલે કાં તો એ વેદો દ્વારા આદિષ્ટ થયેલી હોય અથવા તો લોકોએ આંધળુકિયાં કરીને ઠપકારી દીધેલ હોય. આપણે એને અનુસરીએ છીએ. આપણે એવે જ ચીલે ચાલતા હોઈએ છીએ. એનું અનુસરણ કરીને આપણે કાં તો વેદોમાં દર્શાવેલી સુપાત્રતા મેળવતા હોઈએ છીએ અને કાં તો આપણે લોકોની વાહવાહી પ્રાપ્ત કરતા હોઈએ છીએ. આપણે લોકોનાં વખાણોથી ફુલાઈએ છીએ. અને એમના મનમાં આપણે મોભો વધારતા હોઈએ છીએ – તો આ બધાંનો ભક્તમાં પૂર્ણવિરામ થઈ જવો જોઈએ.

ભક્તજન ઉપરની બાબતોથી જરાય લેપાતો નથી. એનું વર્તન, વેદોના કે શાસ્ત્રોના આદેશથી અથવા તો લોકોના અભિપ્રાયથી ખરડાતું નથી. આનું તાત્પર્ય એ છે કે જ્યારે એ કંઈક સારું કરે છે, અથવા તો શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણેનું કશુંક આચરણ કરે છે, ત્યારે એ બધું કંઈ શાસ્ત્રમાં લખ્યું છે, એટલા માટે નથી કરતો, પણ એ તો ફક્ત એ બધું એટલા જ માટે કરે છે કે એવી રીતે કરવાની એને આદત પડી ગઈ હોય છે, એટલા જ માટે કરે છે. એનું સહજ વર્તન જ આવું હોય છે. અથવા તો જ્યારે એ લોકોએ વખાણેલું કંઈક સારું કામ કરે છે, ત્યારે પણ એ કંઈ લોકોની સ્વીકૃતિ કે વખાણ મેળવવા માટે એ નથી કરતો પરંતુ, એ પણ એની એક આદત જ પડેલી હોય છે. આવી જ રહેણીકરણીથી તે ઘણા લાંબા વખત સુધી જીવતો રહ્યો હોય છે એટલે આવું વર્તન એના સ્વભાવમાં વણાઈ ગયેલું હોય છે. તે આવું આચરણ કરે છે, તે કંઈ ભગવાન પાસેથી કે લોકો પાસેથી કશુંક વળતર મેળવવા માટેની પાકી ગણતરીપૂર્વકના હેતુવાળું હોતું નથી.

તેમ એવું પણ નથી કે તે વેદોના આદેશો પ્રમાણે આચરણ ન જ કરે. જો કે એટલું તો ખરું કે જેમ કોઈ વાણોતર શેઠના હુકમને ગમે તેમ પણ અવશ્ય પાળે જ છે, એ રીતે આ ભક્તજન વેદના આદેશને અનુસરતો નથી. કારણ કે એ આદેશો સ્વયંસ્ફુર્ત હોતા નથી. જે મનુષ્ય અંત:પ્રેરિત રૂપે જ ભલો છે, તે ભલાઈના કામો કરવાની કોઈ ઇચ્છાથી એવું કરતો નથી. પણ એના પોતાના આત્મામાંથી જ ભલાઈનાં કામો ફૂટી નીકળે છે. આ રીતે ભલું કરવામાં એને કોઈ વ્યક્તિગત પ્રયત્ન કરવો પડતો નથી. એનો અર્થ એવો નથી કે એ સારાં કામ નહિ જ કરે, પણ વેદોમાં નિર્દેશેલાં અથવા લોકોએ સ્વીકૃતિ આપેલાં સારાં કામો કરવા માટે એ પ્રયત્ન તો નહિ કરે, એ જ વાત યાદ રાખવી જરૂરી છે.

આ વાત ભાગવતના એક શ્લોકમાં ખૂબ સુંદર રીતે કહેવામાં આવી છે. ભગવાન શ્રીકૃષ્ણે વાંસળી વગાડીને ગોપીઓની કસોટી કરવા માટે આહ્‌વાન કર્યું, ત્યારે ગોપીઓ શ્રીકૃષ્ણને મળવા પહોંચી. શ્રીકૃષ્ણે તેમને પૂછ્યું : ‘પહેલી વાત એ કે અડધી રાતે આ ગાઢ જંગલમાં તમે શા માટે તમે ઘરબાર છોડીને અહીં દૂર સુધી આવ્યાં એટલે તમારા કુટુંબીજનો તમારી નિંદા કરશે અને તમારાં વાંક કાઢશે. તમારે તમારા કુટુંબીજનો સાથે વફાદારીથી રહેવું જોઈએ અને તમારા ઘરકામમાં જ રચ્યાંપચ્યાં રહેવું જોઈતું હતું, એને બદલે તમે તમારા ધર્મને અવગણ્યો છે. એ તો ભારે નિંદનીય કામ કર્યું. અને બીજી વાત એ છે કે, આ વનમાં ઘણાં હિંસક પ્રાણીઓ વસે છે. એ તમારે માટે ઘણી જ ભયંકર બાબત છે, એટલે તમે પાછાં જાઓ અને તમારી જાતને ઘરકામમાં પરોવી દો.’ ગોપીઓએ આનો જવાબ વાળ્યો : ‘અમારાં મન તો ઘરકામની ફરજોમાં જોડાયેલાં જ હતાં, એ તો જાણે બરાબર; પણ તમે અમારાં એ મનને ચોરી લીધાં છે. અમારા હાથ ઘરકામ કરવામાં વ્યસ્ત હતા, પણ હવે એ પોતાની શક્તિ ખોઈ બેઠા છે. અમારા પગોએ પણ હલનચલનની શક્તિ ગુમાવી દીધી છે; એટલે હવે અમે પાછાં કેમ જઈ શકીએ? અમારા હાથેય હાલી શકતા નથી અને પગેય ચાલી શકતા નથી. એટલે ઘરકામની ફરજો તો અમે કેવી રીતે અદા કરી શકીએ વારુ? એટલે અમે ઘેર પાછા કેમ વળીએ? અને જેમતેમ કરીને કદાચ પાછાં વળીએ, તો પણ અમે ત્યાં જઈને કરીશું શું?’

આવું હૃદયસ્પર્શી વર્ણન એમાં આપવામાં આવ્યું છે. જ્યારે મન ઈશ્વરમાં એકદમ લાગી જાય છે, ત્યારે એવા મનુષ્યને માટે શાસ્ત્રોમાં કહેલા આદેશો પ્રમાણે અથવા તો લોકસમુદાયના સ્વીકૃત ધોરણો પ્રમાણે વર્તન કે કર્મો કરવાનું અસંભવિત બની જાય છે. એ અસંભવિત બની જાય છે એનો અર્થ એવો નથી થતો કે એવો માણસ પોતાની ઇચ્છાથી જ આવી ફરજોને ફગાવી દે છે. પણ આવો સાધક એ ફરજોને અદા કરવા માટે અપાત્ર બની જાય છે. એવાં ધર્મકર્મો કરવાની એની યોગ્યતા જ રહેતી નથી. આવી ફરજો પાળવા માટે જે મનને તાલીમ આપવી પડે છે, તે મન તો ઈશ્વરમાં એકાકાર થઈ ચૂકેલું હોય છે! એટલે મન ઈશ્વરમાં તલ્લીન થતાં બીજી જ્ઞાનેન્દ્રિયો પણ પોતપોતાનું સાધારણ કામ કરતી અટકી જાય છે. ગોપીઓ પોતાની આ વાત શ્રીકૃષ્ણને કાને નાખવા માગતી હતી.

तस्मिन्ननन्यता तद्विद्दरोधिषूदासीनता च ॥ ९ ॥

(तस्मिन्, તે (ભક્તિ)માં; अनन्यता, અન્ય બધી વસ્તુઓનો વિરામ; (અથવા એકાગ્રતા); , અને; तद्विरोधिषु, એની વિરોધી વસ્તુઓમાં; उदासीनता, ઉપેક્ષા;)

૯. એ ભક્તિમાં ભક્તિ સિવાયની બીજી બધી વસ્તુઓનો વિરામ થઈ જાય છે. (એટલે એકાગ્રતા હોય છે). અને એ ભક્તિની વિરોધી બધી વસ્તુ તરફ ઉપેક્ષા – બેદરકારી – હોય છે.

પહેલાં એમ કહેવામાં આવ્યું છે કે ભક્તિ એ નિરોધસ્વરૂપ છે – પોતાના સિવાયની બીજી બધી વસ્તુઓને પોતાનાથી દૂર રાખનારી છે. તો એ બીજી કઈ વસ્તુઓથી પોતાને દૂર રાખે છે? અહીં એક બીજું સૂચન એ માટે આપ્યું છે. એ છે ‘અનન્યતા’. ઈશ્વર પ્રત્યેની એકાગ્રતા ઈશ્વરમાં આ સંપૂર્ણ નિમજ્જન છે – પૂર્ણ વિલીનીકરણ છે. એનો અર્થ, ભગવાન સિવાય મનમાં કશું જ ન હોવું, એવો થાય છે. ભગવાન સિવાયની કોઈ વસ્તુની ત્યાં હસ્તી હોતી નથી. આ એનો એક ભાગ થયો. બીજો ભાગ એ છે કે જે કંઈ એ ભક્તિપ્રવાહનું વિરોધી હોય, જે કંઈ એ ઈશ્વરભક્તિનું અવરોધક હોય, જે કંઈ એનું આડખીલીરૂપ હોય, એ બધા જ અવરોધો-નીરસતા સહિત બધાં વિઘ્નો- અદૃશ્ય થઈ જાય છે. ભોગવિલાસના વિષયો પ્રત્યે ઢળી પડવાનું આપણા મનનું વલણ હોય છે. ભોગવિષયો તરફની આ પ્રકારની આસક્તિ ભગવાન તરફ વહેતા મનની વિરોધી છે,એટલે ભગવાન તરફ ઢળી રહેલા મનના પ્રવાહને માટે જે કંઈ અવરોધક બાબત લાગતી હોય તે પ્રત્યે ઉદાસીનતા – લાપરવાહી રાખવી જોઈએ.

શ્રીરામકૃષ્ણે વૈરાગ્યનું વર્ણન આ રીતે આપ્યું છે : વૈરાગ્યનો દેખીતો અર્થ તો દુનિયાની બધી ચીજોમાં આસક્તિનો અભાવ થાય છે. પરંતુ, એ કંઈ વૈરાગ્યનો સંપૂર્ણ અર્થ થતો નથી. ઈંદ્રિયોના વિષયો પ્રત્યે અનાસક્તિ રાખવા ઉપરાંત સાથોસાથ ઈશ્વર પ્રત્યે પ્રેમાસક્તિ પણ હોવી જોઈએ. જો તમારી અનાસક્તિ, એને સમાન્તરે જ ઈશ્વર પ્રત્યેના પ્રેમની સાથે જોડાઈ ગયેલ ન હોય, તો એવી અનાસક્તિ કંઈ સાચા અર્થની અનાસક્તિ નથી. એવોય સંભવ છે કે કોઈ માણસ જીવનમાં હતાશાનો અનુભવ કરતો હોય અને એને કારણે ભોગવિલાસનાં સાધનો પ્રત્યે અનાસક્તિ કે અણગમો ઉત્પન્ન થઈ જાય! પણ જ્યાં સુધી મન ભગવાનમાં ભળી ન જાય, ત્યાં સુધી આવી અનાસક્તિ કંઈ સાચી નથી. ધારો કે તમારું મન ભગવાન તરફ ઢળ્યું છે. પરંતુ, ભોગવિષયો તરફ બેદરકારી થતી નથી, તો એનો અર્થ એ છે કે જેટલા પ્રમાણમાં તમને એવું થાય છે, એટલા પ્રમાણમાં ભગવાન તરફનો તમારા મનનો પ્રવાહ રોકાઈ જશે.

એટલા માટે આ બંને (અનાસક્તિ અને ઈશ્વરાભિમુખતા) સાથે જ લેવાં જોઈએ. એમાંનું એક વલણ હકારાત્મક – વિધાનાત્મક છે અને બીજું વલણ નકારાત્મક – નિષેધાત્મક છે. પહેલો હકારાત્મક વિચાર એ અર્થમાં છે કે આપણું મન ભગવાન તરફ એકલક્ષી થઈને વહેતું રહે અને બીજો વિચાર એ કે મનને ઈશ્વરથી દૂર ખેંચી જતી વસ્તુઓ તરફ પૂરેપૂરી વિમુખતા. આનું નામ જ ખરો ત્યાગ કહેવાય; એનો અર્થ જ ‘દૂર થઈ જવું’ થાય છે. દેખીતી રીતે તો ‘દૂર થવું’ એ શબ્દસમૂહ નકારાત્મક છે પણ એ નકારાત્મકતાને એના સમોવડિયા સામા ભાગ સાથે જોડી દેવી જોઈએ અને એ ભાગ હકારાત્મક છે – એ છે ઈશ્વરનો પ્રેમ! ઈશ્વર પ્રત્યેની એકલક્ષિતા અને એની સામે બાજુએ, એની વિરોધી વસ્તુઓ પ્રત્યે અનાસક્તિ – આમ આનું તાત્પર્ય થયું. લગભગ બધાં જ પુસ્તકોમાં તમને વૈરાગ્યનો અર્થ ત્યાગ જ મળશે. અને ત્યાગ એટલે ઈંદ્રિયસુખોનો અસ્વીકાર કે ઈંદ્રિયસુખો પ્રત્યે વિમુખતા એવો જ થાય. પરંતુ, શ્રીરામકૃષ્ણ તો કહે છે કે માત્ર ઈંદ્રિયવિષયોનો અસ્વીકાર કરી દેવો, એ કંઈ સાચા ત્યાગનું સ્વરૂપ નથી. સાચુકલો ત્યાગ તો અનિવાર્ય રીતે કોઈક હકારાત્મક ત વ સાથે જોડાયેલો હોય છે. એ હકારાત્મક ત વ છે મન ભગવાન તરફ વહેતું જ રહે – ભગવાન તરફ જ અને બીજા કોઈ તરફ નહિ.

આ બંને વસ્તુ સમાંતરે હોવી જોઈએ. ભક્તિ વગર તો સાચો વૈરાગ્ય પણ ન હોઈ શકે અને ત્યાગ વગર સાચી ભક્તિ પણ ન હોઈ શકે – એક વિના બીજાની સચ્ચાઈ હોઈ ન શકે.

આ એકલક્ષિતા, ઈશ્વરસાક્ષાત્કારની ઉપલબ્ધિ માટે જરૂરી એવી ખાસ એકમાત્ર યોગ્યતા છે. ભગવદ્‌ગીતામાં એ સાચું જ કહ્યું છે કે જે કોઈ એકલક્ષિતાથી મારું ચિંતન કરે, મારી પ્રાર્થના કરે, મારું ધ્યાન કરે, જેનું મન બીજે ક્યાંય પણ જાય નહિ, એને જે જરૂર હોય તે હું આપું છું એનું યોગક્ષેમ હું વહન કરું છું (ગીતા, ૧૨/૮) અર્થાત્‌ ભગવાન ભક્તનું યોગ-ક્ષેમ પોતાને માથે લે છે (યોગ એટલે ભક્તને જરૂરી વસ્તુઓ આપવી અને ક્ષેમ એટલે ભક્તને મળેલી બધી વસ્તુઓની જાળવણી કરવી). પરંતુ, શું કોઈ માણસ એટલા ખાતર ભક્ત બને છે કે ભગવાન એની બધી જ કાળજી રાખ્યા કરે? ના, ના, એવું તો ન જ થાય. સાચો ભક્ત તો ભગવાન પાસેથી કશી જ અપેક્ષા રાખતો નથી. અરે, પોતાના રક્ષણ માટે પણ એ ઇચ્છા ધરાવતો નથી. તો પછી આ ક્યા પ્રકારની ભક્તિ છે? આ ભક્તિ પ્રદાન કરવાની – આપવાની છે, આદાનની – કશું લેવાની નથી. ભક્ત ભગવાનને પોતાનો પ્રેમ આપે છે અને એના વળતર રૂપે કશું જ માગતો નથી. સ્વામી વિવેકાનંદ પોતાનાં ભક્તિયોગનાં પ્રવચનોમાં કહે છે કે, ‘જો ભક્તિમાં કશા વળતરની અપેક્ષા હોય, તો તો એ ફક્ત એક વેપાર જ થયો.’ ભક્તિમાં વેપારી બાંધછોડની સમજૂતીઓ કામ આવતી નથી. એક વસ્તુ આપીને એના બદલામાં બીજી વસ્તુ લેવાની વેપારી બાબત આ નથી. ભક્ત ભગવાનને પ્રેમ આપે છે. અને એના બદલામાં એ કશાની અપેક્ષા રાખતો નથી. એ એકમાર્ગી ઘટના છે – કોઈ જ વળતર વગરનું કેવળ પ્રદાન! આ ભક્તિ પરમોચ્ચ ભક્તિ છે.

સંપૂર્ણ નિ:સ્વાર્થતા એ ભક્તિનો મુદ્રાલેખ છે. ભક્ત ભગવાન પાસે કશું વળતર માગતો નથી. એની પાસેથી કશું ય ન માગવાની આ વાત ખૂબ મુશ્કેલ તો લાગે, પણ જ્યાં સુધી મનુષ્ય પોતાને આ કક્ષા સુધી ઊંચે ન લઈ જાય, ત્યાં સુધી તો એને સાચો ભક્ત કહી ન શકાય. જ્યાં સુધી કંઈક અપેક્ષાનું ત વ હોય છે, ત્યાં સુધી એ પરમોચ્ચ સ્થિતિમાંથી થોડી ચ્યુતિ કે એનું અવમૂલ્યન જ છે. આ બાબત હવે પછી તબક્કાવાર બતાવવામાં આવશે.

આ રીતે ઘણાં સૂત્રોમાં ભક્તિનું વિવરણ કરવામાં આવી રહ્યું છે. પહેલાં તો ભક્તિમાં કોઈ ઇચ્છા હોતી નથી કારણ કે ભક્તિનું સ્વરૂપ જ ઇચ્છાઓનો અભાવ છે. ત્યાર પછી એમાંથી જ આપોઆપ ફલિત થતો ‘નિરોધ’ એટલે શાસ્ત્રોના આદેશ કે લોકસમૂહની સ્વીકૃતિવાળાં સઘળાં કાર્યોનો ત્યાગ આવે છે. શાસ્ત્રોના આદેશોનો અર્થ એવો આદેશો થાય છે કે જે અમુક ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ માટેના આદેશ હોય. આવી બધી વસ્તુઓને છોડી દેવી એનું નામ નિરોધ.

अन्याश्रयाणां त्यागो ऽनन्यता ॥ १० ॥

(अन्य, બીજા; आश्रयाणाम्, આધારોનો (ઇચ્છા અને એની ભક્તિ સિવાયનાં બધા જ આધારોનો); त्यागः, ત્યજી દેવા; अनन्यता, (તે) અનન્યતા – એકાગ્રતા – એકાશ્રયતા – કહેવાય છે.)

૧૦. ભક્તિ અને ભગવાન સિવાયના બધા જ આધારોને છોડી દેવા, એને એકાશ્રયતા – અનન્યતા કહેવાય છે.

लोकवेदेषु तदनुकूलाचरणं तद्विरोधिषूदासीनता ॥ ११ ॥

(लोकवेदेषु, જનમત અને વેદોના આદેશોના સંબંધમાં; तदनुकूल, એની સાથે મેળ ખાય તેવું; आचरणम्, વર્તન; तद्विरोधिषु, એનાથી વિરોધી વિચારો વિશે; उदासीनता, બેપરવાઈ – ઉપેક્ષા – વિમુખતા)

૧૧. ભક્તની વર્તણૂક લોકમત અને વેદોના આદેશને અનુકૂળ હોવી જોઈએ અને લોકાચાર કે વૈદિક આદેશથી જે વિરોધી હોય, તેના પ્રત્યે તેણે વિમુખ થવું જોઈએ.

भवतु निश्चयदार्ढ्यादूर्ध्वं शास्त्ररक्षणम् ॥ १२॥

(निश्चयदार्ढ्यात्, શ્રદ્ધાની દૃઢતા; ऊर्ध्वम्, જ્યાં સુધી થાય ત્યાં સુધી; भवतु, ભલે થાય – થવું જોઈએ; शास्त्ररक्षणम्, શાસ્ત્રો સાથેની અનુકૂળતા)

૧૨. જ્યાં સુધી ભક્તની ભગવત્‌-શ્રદ્ધા દૃઢ થઈ જાય, ત્યાં સુધી શાસ્ત્રને અનુકૂળ આચરણ એનું હોવું ઘટે.

(ક્રમશ:)

Total Views: 67

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.