અત્યારે દસ વાગ્યા છે. સ્વામીજીએ હર્ષભેર ભાવિ સ્ત્રીમઠની વાત શરૂ કરીને કહ્યું : ‘‘શ્રીશ્રીમા શારદાદેવીને પ્રેરણાના કેન્દ્ર તરીકે રાખીને ગંગાના પૂર્વ કિનારે એક મઠની સ્થાપના કરવી છે. જેમ અહીં બ્રહ્મચારીઓ અને સાધુઓને કેળવવામાં આવે છે, તેમ આ બીજા મઠમાં બ્રહ્મચારિણીઓ અને સાધ્વીઓને કેળવવામાં આવશે.’’

શિષ્ય : સ્વામીજી! પ્રાચીન કાળે ભારતમાં સ્ત્રીઓ માટે આવા મઠો હતા કે કેમ તે વિષે ઇતિહાસમાં કોઈ ઉલ્લેખ નથી. માત્ર બૌદ્ધિક કાળમાં સ્ત્રીઓ માટેના મઠ વિશે સંભળાય છે. પણ સમય જતાં તેમાં ઘણા દુરાચારો પેદા થયા. આખા દેશમાં અનેક દુરાચારો પથરાઈ વળ્યા….

સ્વામીજી: આ દેશમાં જ્યારે વેદાંત એમ કહે છે કે એક જ ચેતન આત્મા બધા જીવોમાં રહ્યો છે, ત્યારે સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે આટલો તફાવત કેમ કરવામાં આવે છે તે સમજવું ઘણું મુશ્કેલ છે. તમે સદાય સ્ત્રીઓની ટીકા કર્યા કરો છો; પણ બોલો, તેમના ઉદ્ધાર માટે તમે શું કર્યું? સ્મૃતિઓ વગેરે લખીને અને તેમને સખત નિયમોના બંધનમાં નાખી દઈને પુરુષોએ સ્ત્રીઓને માત્ર પ્રજોત્પત્તિનાં સાધન બનાવી દીધી છે. જે સ્ત્રીઓ ‘જગદંબા’ની જીવંત મૂર્તિ સમાન છે, તેમનો ઉદ્ધાર નહિ કરો તો તમારે માટે પ્રગતિનો બીજો કોઈ માર્ગ છે, એમ માનશો જ નહિ.

શિષ્ય : પુરુષો માટે સ્ત્રીઓ બંધન અને પાશરૂપ છે; તેઓ તેમની માયાથી પરુષોનાં જ્ઞાન અને વૈરાગ્યને ઢાંકી દે છે. હું માનું છું કે તે કારણે જ શાસ્ત્રકારો તેમને માટે જ્ઞાન અને ભક્તિ મેળવવાં મુશ્કેલ છે એમ સૂચવે છે.

સ્વામીજી : ક્યાં શાસ્ત્રોમાં તમે એવાં વિધાનો જોયાં છે કે સ્ત્રીઓ જ્ઞાન અને ભક્તિ માટે અધિકારી નથી? અધ:પતનના યુગમાં જ્યારે પુરોહિતોએ બીજા વર્ણોને વેદના અભ્યાસ માટે અનધિકારી ઠરાવ્યા ત્યારે તેમણે સ્ત્રીઓને પણ બધા અધિકારોથી વંચિત બનાવી. નહિ તો તમે જોશો કે વેદ કે ઉપનિષદોના કાળમાં મૈત્રેયી અને ગાર્ગી જેવી અન્ય પુણ્યશ્લોક સ્ત્રીઓએ બ્રહ્મ વિશેની ચર્ચાની કુશળતા દ્વારા ઋષિઓનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. વેદમાં પારંગત એવા હજાર બ્રાહ્મણોની સભામાં ગાર્ગીએ બ્રહ્મ અંગેના વાદવિવાદમાં યાજ્ઞવલ્કયને હિંમતભર્યું આહ્‌વાન ફેંક્યું હતું. જો આવી આદર્શ સ્ત્રીઓ આધ્યાત્મિક જ્ઞાનની અધિકારી હતી, તો પછી આજની સ્ત્રીઓને તેવો અધિકાર શા માટે ન હોય? જે એક વખત બન્યું તે બીજી વખત જરૂર બની શકે; ઇતિહાસનું પુનરાવર્તન થાય છે. સ્ત્રીઓને યોગ્ય સન્માન આપીને જ બધી પ્રજાઓ મહાન બની છે. જે દેશ અને જે પ્રજા પોતાની સ્ત્રીઓનું સન્માન કરતી નથી તે કદીય મહાન બની નથી, અને ભવિષ્યમાં કદી બનશે પણ નહિ. આપણી પ્રજા આટલી અધોગતિ પામી છે તેનું મુખ્ય કારણ એ છે કે આપણને શક્તિની આ જીવંત મૂર્તિઓ પ્રત્યે માન નથી. મનુ કહે છે :

યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા:! (મનુસ્મૃતિ : ૩ – ૫૬)

‘‘જ્યાં નારીઓ પૂજાય છે, ત્યાં દેવો આનંદ પામે છે.’’ જ્યાં આમ નથી થતું, ત્યાં બધાં કર્મો અને પુરુષાર્થ નિષ્ફળ નીવડે છે. જે કુટુંબ કે દેશમાં સ્ત્રીઓ માટે માન નથી, જ્યાં તેઓ દુ:ખમાં રહે છે, તે કુટુંબ કે દેશમાં ઉન્નતિની કશી આશા નથી. આ કારણે જ સ્ત્રીઓને પહેલાં ઊંચે લાવવાની જરૂર છે.

Total Views: 117

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.