શ્રી મહાશિવરાત્રી મહોત્સવ

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના શ્રીમંદિરમાં ૧૬મી ફેબ્રુઆરીને શુક્રવારે રાત્રે ૯ થી સવારે ૫.૩૦ સુધી મહાશિવરાત્રી મહોત્સવ યોજાયો હતો. એ દિવસે વિશેષ પૂજા, હવન, શિવનામ સંકીર્તન, શિવ તાંડવ નૃત્ય, વગેરેનું ભાવિકજનોની ઉપસ્થિતિમાં આયોજન થયું હતું.

શ્રીરામકૃષ્ણદેવ : જન્મજયંતી મહોત્સવ

શ્રીરામકૃષ્ણદેવની ૧૭૨મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં ૧૯-૨-૦૭, સોમવારે સવારે ૭.૦૦ વાગ્યે શહેરની શાળાઓનાં વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે ‘વિશ્વના સંતો – પયગંબરો – દેવદેવીઓની વેશભૂષા સ્પર્ધા’નું આયોજન શ્રીરામકૃષ્ણ આશ્રમમાં થયું હતું. આ સ્પર્ધામાં ધો. ૧ થી ૮ના ચાર વિભાગોમાં ૨૦૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાંથી ૪૧ સ્પર્ધકો પારિતોષિકને પાત્ર બન્યા હતા. 

એ જ દિવસે સવારે એક શોભાયાત્રાનું પણ આયોજન થયું હતું. આ શોભાયાત્રાનો પ્રારંભ સવારે ૭.૩૦ વાગ્યે થયો હતો. આ શોભાયાત્રા યાજ્ઞિક રોડ, સ્વામી વિવેકાનંદ માર્ગ, મંગળા રોડ, લોધાવાડ ચોક, માલવિયા પેટ્રોલ પંપ, યાજ્ઞિક રોડ થઈને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ૯ વાગ્યે પરત આવી હતી. શોભાયાત્રાની વિશિષ્ટતા સર્વધર્મ સમન્વયની ભાવનાને, ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિકતા, સંતો અને ભક્તોના જીવનદર્શનને વ્યક્ત કરતા ફલોટ્‌સ બની ગયા હતા.

ઉપસ્થિત શાળા-મહાશાળાનાં વિદ્યાર્થી ભાઈ-બહેનો, ભક્તજનોને સ્વામી ધ્રુવેશાનંદે, યુનિ. સ્ટાફ એકેડેમિક કોલેજના નિયામક ડૉ. ભદ્રાયુ વચ્છરાજાનીએ સંબોધ્યા હતા. પ્રારંભમાં બહેનોએ શંખધ્વનિથી વાતાવરણને પવિત્રતાથી ભરી દીધું હતું. શ્રીરામકૃષ્ણ સંઘના સંન્યાસીઓના વૈદિક મંત્રોચ્ચારથી કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. એસ. એન. કે. સ્કૂલના વિદ્યાર્થી ભાઈ-બહેનોના વૃંદે શ્રીઠાકુર વંદના અભિનય ગીત રજૂ કર્યું હતું. કૃષ્ણા સાયન્સ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ સ્વામી વિવેકાનંદના ખેતડીના પ્રસંગનો નાટ્યપ્રયોગ રજૂ કર્યો હતો. ભાલોડિયા સ્કૂલના નાનાં ભૂલકાંએ સ્વામી વિવેકાનંદની સત્યનિષ્ઠા વિષયનો સુંદર નાટ્યાભિનય કર્યો હતો. મા શારદા વિદ્યાલયના બહેનોએ શ્રીમા શારદાદેવીના સર્વ પ્રત્યેના પ્રેમભાવને વ્યક્ત કરતું નાટક રજૂ કર્યું હતું. લા.બા.શા. અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીએ શ્રીઠાકુરના બાલ્યજીવનને સોરઠી દુહાછંદમાં રજૂ કર્યું હતું. ૧૧ વાગ્યે આ શોભાયાત્રામાં જોડાયેલા ૧૨૦૦ બાળકોને પ્રસાદ અપાયો હતો. આ પર્વ નિમિત્તે શ્રીરામકૃષ્ણ મંદિરમાં સવારે ૫.૧૫ વાગ્યે મંગલ-આરતી પછી વિશેષ પૂજાહવન, ભજનનો કાર્યક્રમ યોજાયો હતો. બપોરે ૧૨.૩૦ વાગ્યે ભોગ-આરતી પછી ૧૪૦૦ ભક્તજનોએ પ્રસાદનો લાભ લીધો હતો. સાંજના સંધ્યા આરતી પહેલાં ‘શ્રીરામકૃષ્ણ નામસંકીર્તન’નું આયોજન થયું હતું. સાંજના સંધ્યા આરતી પછી શ્રીમંદિરમાં ‘શ્રીરામકૃષ્ણ : જીવન અને સંદેશ’ વિશે સ્વામી વિપાશાનંદ અને સ્વામી ધ્રુવેશાનંદજીએ પોતાનાં મનનીય પ્રવચનો આપ્યાં હતાં.

રામકૃષ્ણ મઠ-મિશનના મહાસચિવ શ્રીમત્‌ સ્વામી સ્મરણાનંદજી મહારાજ ગુજરાતનાં કેન્દ્રોની મુલાકાતે

શ્રીમત્‌ સ્વામી સ્મરણાનંદજી મહારાજ કોલકાતા-મુંબઈથી ભૂજ હવાઈ માર્ગે ૯ ફેબ્રુઆરી, બપોરે શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિર, ભૂજ પહોંચી ગયા હતા. ત્યાં સ્વામી ધ્રુવેશાનંદજી, સ્વામી આદિવભાનંદજી અને ભક્તજનોએ એમનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. સાંજના પ્રાર્થનામંદિરમાં યોજાયેલી જાહેરસભામાં ૩૫૦ જેટલા ભક્તજનોની ઉપસ્થિતિમાં ‘શ્રીરામકૃષ્ણનો ગૃહસ્થ ભક્તોને સંદેશ’ એ વિષય પર શ્રીમત્‌ સ્વામી સ્મરણાનંદજી મહારાજ અને સ્વામી આદિભવાનંદજી મહારાજનાં વક્તવ્યો ભાવિકજનોએ માણ્યાં હતાં. બધા ભક્તજનોને જાહેરસભા પછી ભોજન પ્રસાદ અપાયો હતો.

૧૦ ફેબ્રુઆરી શનિવારે સવારે ૧૧.૩૦ વાગ્યે શ્રીમત્‌ સ્વામી સ્મરણાનંદજી મહારાજના વરદ હસ્તે ‘વિવેકાનંદ વિદ્યાર્થીભવન, ધાણેટી’નું મંગળ ઉદ્‌ઘાટન થયું હતું. ધાણેટીની આજુબાજુના ગરીબ અને પછાત વર્ગના વિદ્યાર્થીઓને રહેવા, જમવા અને ભણવાની સારી સુવિધા મળી રહે તે માટે ૫૦ વિદ્યાર્થીઓની સુવિધા સાથેનું આ વિદ્યાર્થીભવન શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા રૂ. ૩૦ લાખના ખર્ચે બાંધાયેલ ‘વિવેકાનંદ વિદ્યામંદિર’ના પ્રાંગણમાં ધાણેટીના બહેનોના આર્થિક ઉત્કર્ષ માટે સીવણ અને ભરતગૂંથણની તાલીમ માટેના ખંડનું ઉદ્‌ઘાટન મહારાજશ્રીના વરદ હસ્તે થયું હતું. આ મંગલ દિવસે યોજાયેલ જાહેરસભામાં સાંસદ શ્રીપુષ્પદાન ગઢવી, ભૂતપૂર્વ સાંસદ શ્રી અનંતભાઈ દવે, ધારાસભ્યશ્રી આહિરભાઈ, વેલ્સ્પન કંપનીના ઉચ્ચ અધિકારી શ્રી ચક્રવર્તી વગેરે ઉપસ્થિત હતા. આ પ્રસંગે મહારાજશ્રીએ કચ્છના લોકોને આગળ આવીને દેશની પ્રગતિમાં પોતાનો સાથ-સહકાર આપવા હાકલ કરી હતી. સ્વામી નિખિલેશ્વરાનંદજી, સ્વામી આદિભવાનંદજીએ પ્રાસંગિક પ્રવચનો આપ્યાં હતાં.

તેઓશ્રી તે જ દિવસે સાંજે શ્રીરામકૃષ્ણ પ્રાર્થનામંદિર, આદિપુર જવા રવાના થયા. ચેમ્બર ઓફ કોમર્સ, કચ્છ અને કચ્છ મેનેજમેન્ટ એશોશિયેશન અને આદિપુર કેન્દ્રનાં સંયુક્ત ઉપક્રમે ‘દૈનંદિન જીવનમાં આધ્યાત્મિકતાનો આદર્શ’ એ વિશે શ્રીમત્‌ સ્વામી સ્મરણાનંદજી મહારાજ, સ્વામી નિખિલેશ્વરાનંદે પોતાનાં મનનીય પ્રવચનો આપ્યાં હતાં. ત્યાર બાદ યોજાયેલ પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ ઘણો રસપ્રદ અને માહિતીપ્રદ રહ્યો હતો. ૨૫૦ જેટલા ભાવિકોએ આ પ્રવચનોનો લાભ લીધો હતો.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વિવેક હૉલમાં ૧૧ ફેબ્રુઆરી, રવિવારે સાંજે ૫ વાગ્યે યોજાયેલી જાહેરસભામાં શ્રીમત્‌ સ્વામી સ્મરણાનંદજીની નિશ્રામાં ગુજરાતના ચારેય કેન્દ્રોના અધ્યક્ષોની ઉપસ્થિતિમાં આ વર્ષે યોજાયેલ સ્વામી વિવેકાનંદ જન્મજયંતી મહોત્સવ સ્પર્ધાઓના ૩૫૦ જેટલાં વિજેતા ભાઈ-બહેનોને ઉપસ્થિત સંન્યાસીઓના વરદ હસ્તે પારિતોષિક અર્પણ કરવામાં આવ્યાં હતાં.

તે જ દિવસે શ્રીમત્‌ સ્વામી સ્મરણાનંદજી મહારાજના વરદ હસ્તે ‘સ્વામી પ્રેમાનંદ’, ‘સ્વામી નિરંજનાનંદ’, ‘સ્વામી યોગાનંદ’ અને ‘જીવનઘડતરની કળા’ – આ ચાર પુસ્તકોનો અનાવરણવિધિ સંપન્ન થયો હતો. ૩૫૦ વિદ્યાર્થીઓ ઉપરાંત ૭૦૦ ઉપસ્થિત ભક્તજનોએ આ કાર્યક્રમને મનથી માણ્યો હતો.

૧૨ ફેબ્રુઆરી, સોમવારે સવારે ૯ વાગ્યે શ્રીમત્‌ સ્વામી સ્મરણાનંદજી મહારાજે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની વેબસાઈટ ખૂલી મૂકી હતી. રામકૃષ્ણ મિશન, લીંબડીમાં રાતના ૮ વાગ્યે ‘શ્રીરામકૃષ્ણદેવ : જીવન અને સંદેશ’ વિશે ૨૦૦ જેટલા ભક્તજનોની ઉપસ્થિતિમાં શ્રીમત્‌ સ્વામી સ્મરણાનંદજી મહારાજનું પ્રવચન યોજાયું હતું.

૧૩ ફેબ્રુઆરી, મંગળવારે સાંજે ૪ વાગ્યે રામકૃષ્ણ-વિવેકાનંદ, સેવાસમિતિ ઉપલેટામાં યોજાયેલ જાહેરસભામાં મહારાજશ્રીએ શ્રીઠાકુરના જીવનને આદર્શ રૂપે રાખીને જીવનમાં આગળ વધવું એ વિશે પોતાનું પ્રવચન આપ્યું હતું. એ જ દિવસે સાંજે ઉપલેટાથી મહારાજશ્રી રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરની મુલાકાતે ગયા.

અહીં ૧૪ ફેબ્રુઆરી, બુધવારે સવારે ૧૦.૩૦ વાગ્યે સંસ્થાના પ્રાંગણમાં અદ્યતન સુવિધા-સંપન્ન ઔષધાલય ભવનનો શિલાન્યાસવિધિ શ્રીમત્‌ સ્વામી સ્મરણાનંદજી મહારાજના વરદ હસ્તે સંપન્ન થયો હતો. ૨૫૦ જેટલા ભાવિકોને તે દિવસે મહારાજશ્રીએ સંબોધન કર્યું હતું. પોરબંદરથી તેઓશ્રી હવાઈ માર્ગે મુંબઈ જવા રવાના થયા. 

રામકૃષ્ણ વિવેકાનંદ સેવાકેન્દ્ર, સાવરકુંડલામાં સ્વામી વિવેકાનંદ જન્મજયંતીની ઉજવણી

૧૨ જાન્યુઆરીના રોજ સાવરકુંડલામાં શ્રી એસ. એન. મહેતા, કે. કે. જાની, નિમામત સાહેબ, સેલડિયા સાહેબ અને ભટ્ટસાહેબની નિશ્રામાં સ્વામી વિવેકાનંદની છબિનું પૂજન થયું હતું. ત્યાર પછી સ્વામીજીના જીવનસંદેશ વિશે ઉપર્યુક્ત વક્તાઓએ પ્રવચનો આપ્યાં હતાં. પ્રવચનો પછી વિદ્યાર્થીઓની એક વિરાટ રેલી શહેરના મુખ્ય માર્ગેથી પસાર થઈ હતી. આ પ્રસંગે શ્રી એસ. એન. મહેતા સાહેબ દ્વારા મહિલા અધ્યાપન મંદિર, ઘેલાણી મહિલા કોલેજ, વી.ડી. પાણકિયા આટર્‌સ અને કોમર્સ કોલેજ, પી. એચ. બંજારા હાઈસ્કૂલ, એસ. વી. દોશી ગર્લ્સ હાઈસ્કૂલ, કે. કે. તથા જે. વી. મોદી હાઈસ્કૂલ, શ્રી એમ.એલ. શેઠ અંગ્રેજી હાઈસ્કૂલ અને સી.ડી. સંઘવી કુમારશાળાના આચાર્યોને સ્મૃતિચિહ્‌ન રૂપે શ્રીરામકૃષ્ણ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદની છબિઓ અપાઈ હતી.

Total Views: 54

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.