ખેતડી નિવાસની કેટલીક ઘટનાઓ

ભૂપાલગઢનો કિલ્લો

ખેતડીની પહાડીઓમાં આવેલ ભૂપાલગઢનો કિલ્લો તથા મહેલનો ઉલ્લખ અગાઉના અંકમાં આવી ગયો છે. આ કિલ્લા પરથી ખેતડી નગરનું વિહંગમ દૃશ્ય ઘણું સુંદર લાગે છે. ખેતડી નરેશની કેટલીયે પેઢીઓ આ કિલ્લાના મહેલમાં રહી હતી. રાજા ફતેહસિંહજીના રાજ્યકાળ દરમિયાન આ પહાડીની નીચે આવેલ ઘાટીમાં દીવાનખાનું, સુખમહેલ, વગેરે ભવનોનું નિર્માણ થયું હતું. રાજપરિવાર તથા દરબારના વિભાગ નીચેના ભાગમાં સ્થાનાંતરિત થઈ ગયા હતા. જાળવણીના અભાવે આજે ભૂપાલગઢનો કિલ્લો ક્રમશ: ખંડેર જેવો બની ગયો છે. જ્યારે સ્વામીજી ૧૮૯૧માં ખેતડીમાં પધાર્યા અને ત્યાં કેટલાક માસ સુધી રહ્યા તે વખતે એ કિલ્લો અને એમાં આવેલ મહેલ ઘણી સારી પરિસ્થિતિમાં હતાં. સ્વામીજી એક મહાન કલાપારખું હતા. ત્યાં જઈને એમણે મહેલના સ્થાપત્ય તથા તેમાં અંકિત શેખાવાટીની વિશિષ્ટ ભીંતચિત્ર કળાનું ખૂબ બારિકાઈથી અધ્યયન કર્યું હશે. એમ કહેવાય છે કે એમણે ત્યાંના કોઈ એક ઓરડામાં બે-ચાર દિવસ સુધી નિવાસ કર્યો હતો.

વાઘનો શિકાર

એ સમયના અનેક રાજાઓની જેમ રાજા અજિતસિંહ વાઘનો શિકાર કરવામાં ઘણી રસરુચિ લેતા. મુનશી જગમોહન લાલ પોતાના એક પત્રમાં લખે છે: ‘રાજા અજિતસિંહ બંદૂકનું નિશાન તાકવામાં અનન્ય હતા.. એમણે એટલી મોટી સંખ્યામાં મોટા સિંહ (વાઘ?) નો શિકાર કર્યો હતો અને એ પણ મોટે ભાગે ખુલ્લા પર્વતોમાં. આ શિકારની ચોક્કસ સંખ્યાની માહિતી કેવળ રજિસ્ટરો જોવાથી મળી શકે. (આદર્શ નરેશ, પૃ.૩૫૮)

કેવળ શિકાર માટે જ નહિ, પણ વન્ય પશુઓને પાળવામાં રાજા સાહેબ વધારે રુચિ રાખતા. એવું જણાય છે કે ત્યાં સુધીમાં વનરાજ સિંહ સમગ્ર ભારતમાંથી લુપ્ત પ્રાય બની ગયા હતા. કેવળ જૂનાગઢના ગીરના વનપ્રદેશમાં જ બચી ગયા હતા. સ્વામીજીએ પછીના સમયના પોતાના કેટલાક પત્રોમાં જૂનાગઢના દીવાન હરિદાસ વિહારીદાસ દેસાઈને પૂછ્યું હતું કે તેઓ ખેતડીના નરેશ માટે એમના પ્રદેશનું એક સિંહનું બચ્ચું આપી શકશે કે કેમ? અમેરિકાના પ્રોફેસર રાઈટ દ્વારા સંગ્રહાયેલ સ્વામીજીના નામે ૭ એપ્રિલ, ૧૮૯૪ના રોજ લખેલ રાજા સાહેબના પત્રમાં પણ એક વાઘનો ઉલ્લેખ છે : ‘અંતે અમે એ વાઘને પકડી લીધો છે. એ અમારા ખેતડીની પહાડીઓમાં હરતો ફરતો રહેતો. પકડાયા પહેલાં એ પચાસ ભેંસો ખાઈ ગયો હતો.’ (સ્વામી વિવેકાનંદ ઈન ધ વેસ્ટ : ન્યુ ડિસ્કવરીઝ, લે. મેરી લુઈ બર્ક, વૉ.૨, ૧૯૮૪, પૃ.૯૮)

માઉન્ટ આબુમાં વાઘના શિકાર તથા તેની ચામડી ઉતારવાનો ઉલ્લેખ અગાઉ થઈ ચૂક્યો છે. ખેતડીની પાસે પણ રાજાનું શિકારખાનું તથા એક મિનાર રચાયેલો છે. સંભવ છે કે સ્વામીજી પોતાના ખેતડી પ્રવાસના સુદીર્ઘકાળ દરમિયાન રાજાની સાથે ક્યારેક શિકાર જોવા કે વનભ્રમણ કરવા પણ ગયા હોય.

મહેન્દ્રનાથ દત્તની સ્મૃતિકથા

ગંગાધર મહારાજ (સ્વામી અખંડાનંદ) જ્યારે રાજપુતાનામાંથી પાછા ફરીને વરાહનગર મઠમાં આવ્યા ત્યારે તેઓ સ્વામીજીના ખેતડી નિવાસ વિશે વર્ણન કરતા રહેતા. સ્વામીજીના કનિષ્ઠ ભાઈ મહેન્દ્રનાથ દત્તે એમની પાસેથી કંઈક થોડુંઘણું સાંભળ્યું હતું અને પછીથી રાજા અજિતસિંહના અવસાન બાદ મુનશી જગમોહનલાલ કોલકાતામાં આવીને થોડાં વર્ષો માટે ત્યાં જ રહેવા લાગ્યા. એ સમય દરમિયાન મહેન્દ્રનાથ એમની પાસે આવજા કરતા. ત્યારબાદ ખેતડીમાંથી એક ‘ખાઁ સાહેબ’ આવીને મુનશીજી પાસે થોડા દિવસ રોકાયા. આ ત્રણેય પાસેથી મહેન્દ્રનાથે જે કંઈ સાંભળ્યું હતું તેને એમણે ઘણા સમય પછી પોતાની સ્મૃતિમાંથી તારવીને લિપિબદ્ધ કર્યું છે. એના દ્વારા સ્વામીજીના ખેતડી નિવાસની વધુ વાતો આપણને જાણવા મળે છે:

જયપુર આંચલમાં અનેક નાનાં નાનાં રાજ્યો છે. શેખાવાટી વિસ્તારમાં ખેતડી નામનું એક નાનું એવું રાજ્ય છે. અજિતસિંહ નામના રાજા એ વખતે ત્યાં રાજ્ય કરતા હતા. આ રાજા અજિતસિંહ સાથે નરેન્દ્રનાથને સર્વપ્રથમ પરિચય કેવી રીતે થયો એ વાત વર્તમાન લેખકની જાણમાં નથી. પરંતુ ખેતડીના આ રાજા જ નરેન્દ્રનાથના પ્રથમ રાજા શિષ્ય બન્યા હતા અને તેઓ સ્વામીજી પ્રત્યે પરમ નિષ્ઠાવાન હતા.

રાજા અજિતસિંહ નરેન્દ્રનાથ પ્રત્યે અત્યંત શ્રદ્ધાભક્તિ રાખતા. એમણે ધર્મ વિશે અનેક પ્રકારના પ્રશ્ન પૂછ્યા હતા. સ્વામીજીમાં અસાધારણ વિદ્વત્તા છે એ જાણ્યા પછી તેઓ એમને બધા વિષયના પ્રશ્નો પૂછતા ગયા. એટલે સુધી કે આવશ્યકતા પ્રમાણે રાજનૈતિક વિષયો પર પણ તેઓ એમનો ઉપદેશ સાંભળતા. મુનશી જગમોહનલાલ રાજા સાહેબના દીવાન કે અંગત સચિવ હતા. તેઓ રાજા અજિતસિંહના જાણે કે જમણા હાથ હતા. મુનશીજી અંગ્રેજી, સંસ્કૃત, ફારસી, ઉર્દૂ તથા પોતાની રાજસ્થાની ભાષાઓ જાણતા હતા. સાથે ને સાથે રાજનીતિ તેમજ કાર્યકૌશલમાં નિપુણ હતા. તેઓ વૈષ્ણવ સંપ્રદાયના હતા. એને લીધે શાકાહારી હતા અને શ્રીરાધાકૃષ્ણના ઉપાસક હતા. તેઓ નિષ્ઠાપૂર્વક પૂજાસંધ્યા વગેરે કરતા. મુનશી જગમોહનલાલ નરેન્દ્રનાથનું શિષ્યત્વ ગ્રહણ કરીને એમના વિશેષ ભક્ત બની ગયા. રાજસભાના મોટા ભાગના લોકો એ સમયે નરેન્દ્રનાથના શિષ્ય-સ્વરૂપ જેવા બની ગયા હતા. જે લોકો પોતે એમના શિષ્યો કહીને પોતાનો પરિચય ન આપતા એવા લોકો પણ એમના નિતાંત ભક્ત બની ગયા હતા. એ સમયે ખેતડી રાજ્યની સાર્વત્રિક ઉન્નતિ થવા લાગી અને રાજસભા પ્રચૂર ઐશ્વર્યપૂર્ણ અને સાધુપંડિતો દ્વારા આદરણીય બની જતી. નરેન્દ્રનાથ દરેકેદરેક સમયે એક ભિન્ન ભિન્ન પ્રકારની એકેએક વાતો કરતા. જ્યારે તેઓ એક સાધુની જેમ અત્યંત ત્યાગ વૈરાગ્ય કે સાધન-ભજન વિશે કહેતા ત્યારે ત્યાં બેઠેલા બધાનું મન સાધન માર્ગ તરફ પ્રવાહિત થવા લાગતું. વળી બીજા કોઈક સમયે દર્શન શાસ્ત્રો પર વાતો થતી. વળી ક્યારેક તેઓ સામાન્ય ઇતિહાસ અને એમાંય વિશેષત: રાજસ્થાનના ઇતિહાસ પર તેઓ એવા ભાવુક બનીને કહેતા કે એમને સાંભળીને બધા અદ્‌ભુત ઉષ્મા અનુભવતા. પોતાની પૂર્વકીર્તિ સાંભળીને એ બધાની ભીતર એક અજબનો અગ્નિ જલી ઊઠતો અને બહારની હાલની દશા જોઈને તેઓ ખિન્ન પણ થઈ જતા. ક્યારેક નરેન્દ્રનાથ પ્રધાનમંત્રીની જેમ સમજાવી દેતા કે રાજ્ય કેવી રીતે ચલાવવું જોઈએ વળી ક્યારેક સાધન-ભજન વિષય પર વિવિધ પ્રકારના ઉપદેશ આપતા તો ક્યારેક ક્યારેક હસીમજાક પણ થતાં રહેતાં. વચ્ચે વચ્ચે તેઓ ભજન પણ ગાતા.

ખેતડીના રાજાની સાથે એમના નિવાસ દરમિયાનની વાતો વર્તમાન લેખકે મુનશી જગમોહનલાલ પાસેથી સાંભળી હતી અને રાજપુતાનામાંથી પાછા ફર્યા પછી ગંગાધર મહારાજે (સ્વામી અખંડાનંદ) પણ થોડું ઘણું બતાવ્યું હતું. ખેતડીમાં એક દિવસ રાજવંશની ઉત્પત્તિની કથા શરૂ થતાં બધા વિશેષ આગ્રહપૂર્વક એ વાત સાંભળવા લાગ્યા. નરેન્દ્રનાથ ટોડનો ‘રાજસ્થાન’ ગ્રંથ પોતાની સ્મૃતિમાંથી દોહરાવવા લાગ્યા. બધા લોકો અત્યંત પ્રસન્ન હતા; કેટલાક રાજાઓ ચંદ્રવંશી હતા; વળી કેટલાક રાજાઓ સૂર્યવંશી હતા અને વળી કેટલાક હરિકુળવંશી હતા. આવી બધી બાબતો પર વિવિધ પ્રકારની ચર્ચા થવા લાગી. ક્રમશ: આ વાતો ગંભીર અને વિદ્વત્તાપૂર્ણ બની ગઈ. બધા પોતપોતાના મતાભિપ્રાય વ્યક્ત કરવા લાગ્યા અને પોતપોતાના વંશ ગૌરવથી વિશેષ માનગૌરવ અનુભવવા લાગ્યા. ત્યાં એક સ્થાનિક મુસ્લિમ રાજપૂત ગાયક પણ બેઠા હતા. તેઓ રાજસભામાં ધ્રુપદ ગાયા કરતા. એ ખાઁ સાહેબ નરેન્દ્રનાથના વિશેષ અનુરાગી ભક્ત હતા. તેઓ એકાએક બોલી ઊઠ્યા: ‘સ્વામીજી! કેટલાક ચંદ્રવંશી છે તો કેટલાક સૂર્યવંશી છે; હું પણ એક રાજપૂત છું. મારો વંશ કયો?’ નરેન્દ્રનાથ ગંભીર અને હાસ્યપૂર્ણ મુખથી એકાએક બોલી ઊઠ્યા: ‘ખાઁ સાહેબ, આ ચંદ્રવંશી અને સૂર્યવંશી વગેરે તો જૂની વાતો થઈ ચૂકી છે. આપ તો તારાવંશી છો.’ ખાઁ સાહેબ તથા બીજા બધા લોકો આ નવી વાત તથા વ્યંગ વિનોદ સાંભળીને ખૂબ આનંદ કરવા લાગ્યા. ત્યારથી ખાઁ સાહેબ પોતાની જાતને ‘તારાવંશી’ કહીને પોતાનો પરિચય આપતા. ખાઁ સાહેબ કોલકાતાની કોટન સ્ટ્રીટમાં મુનશી જગમોહનલાલની પાસે કેટલાક દિવસથી આવ્યા હતા. વર્તમાન લેખક ત્યારે એમને મળવા ગયા હતા. એમની સાથે સ્વામીજી વિશે વર્તમાન લેખકની ભિન્ન ભિન્ન પ્રકારની જૂની વાતો થવા લાગી. ખાઁ સાહેબ ગર્વપૂર્વક પોતાની જાતને ‘તારાવંશી’ કહીને પોતાનો પરિચય દેતાં આમ કહેવા લાગ્યા: ‘સ્વામીજીએ મને આ જ નામ આપ્યું છે. આ મારા જીવનની શ્રેષ્ઠ ઉપાધિ છે.’ પરંતુ પછીની ક્ષણે જ ખાઁ સાહેબ સાવ ઉદાસભાવે દીવાલના સહારે ટેકો લઈને બંને ઘૂંટણિયા ઊંચા લઈને મનમાંને મનમાં કોણ જાણે શું વિચારવા લાગ્યા. એમની આંખો આંસુંથી છલકાઈ ગઈ. થોડીવાર પછી દીર્ઘશ્વાસ લઈને તેઓ બોલ્યા: ‘રાજા સાહેબ તો ચાલ્યા ગયા છે! સ્વામીજી પણ ચાલ્યા ગયા છે. હવે આપણા લોકોને જીવિત રહેવાની શી જરૂરત છે? એ દિવસોની વાતો પર વિચાર કરતાં એક અપૂર્વસ્મૃતિ જાગી ઊઠે છે. અહા! કેવી સત્‌ ચર્ચામાં, કેવા સત્પ્રસંગમાં અમારા લોકોના એ દિવસો વીતી જતા હતા! રાજા પ્રજા એવું બધું ભૂલીને અમે બધા જાણે કે એક બની ગયા હતા! બધા સ્વામીજીના ભક્ત હતા, બધા સ્વામીજીના શિષ્ય હતા. શું અમારા એ દિવસો ફરી પાછા આવે ખરા!’ આટલું બોલીને ખાઁ સાહેબ ખિન્ન બની ગયા.

મુનશી જગમોહનલાલે ખાઁ સાહેબને પાસે સ્વામીજીના પ્રિય એવાં બે-એક ભજન ગાવા માટે કહ્યું. પરંતુ ખાઁ સાહેબનો કંઠ સ્વર નીકળ્યો નહિ. મુખમાંથી શબ્દ જ ન નીકળ્યા. તેઓ તો વધુ વિષણ્ણ બનીને નિસ્પંદભાવે બેઠા રહ્યા અને એમનાં બંને નેત્રો આંસુંથી ભીનાં થઈ ગયાં. ખાઁ સાહેબ શાંત થઈ ગયા પછી મુનશીજી પણ એ સમયે ખૂબ વ્યથિત બની ગયા અને દુ:ખ સાથે પોતાના હાથે માથું કૂટવા લાગ્યા. થોડીવાર પછી મુનશી જગમોહનલાલે ધૈર્ય ધારણ કરીને કહ્યું: ‘સ્વામીજીને ચંદબરદાઈની કવિતા સાંભળવાનું બહુ ગમતું. સ્વામીજીએ નિવેદિતાને પણ ‘પૃથ્વીરાજ રાસો’ની કથા સંભળાવી હતી. આ કથા એમાંની એક છે.’ એમ કહીને તેઓ ચંદબરદાઈના એક વર્ણનનું પઠન કરવા લાગ્યા. બોલતાં બોલતાં વૃદ્ધ મુનશી જગમોહનલાલ જાણે કે યુવાન અને તેજસ્વી થઈ ગયા, એમનો કંઠસ્વર ક્રમશ: ઘેરગંભીર બની ગયો અને એમના મુખની ભાવભંગિમા એક વીરપુરુષ સમી ઝળકવા લાગી. આ પઠન સમાપ્ત કર્યા પછી એમને વર્તમાન લેખકને એનો અર્થ પણ સમજાવી દીધો : ‘યોદ્ધા સમૂહ ઘોડા પર સવાર થઈને એક ગઢ પર અધિકાર કરવા એક પર્વતના શિખર પર ચઢી રહ્યા છે અને પ્રતિપક્ષી લોકો એમનો સામનો કરવાનો પ્રયાસ કરે છે. વર્ષા તેમજ તલવારના ઝણઝણ એવા સંભળાતા શબ્દો, ઘોડાના ડાબલાના ધ્વનિ ત્યાં એટલા સુંદરભાવે તથા સુલલિત છંદમાં વર્ણવવામાં આવ્યા છે કે જાણે આ બધું અત્યારે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું ન હોય!’ ત્યાર પછી મુનશી જગમોહનલાલે કહ્યું: ‘ખેતડીમાં રહેતી વખતે આવી રીતે કોઈને કોઈ ઉચ્ચ ચર્ચા કરવામાં બધા મતવાલા રહેતા.’ તેમણે વળી ઉમેર્યું: ‘સ્વામીજી ખેતડીમાં કેવી રીતે રહ્યા હતા એનો કેવળ થોડોઘણો આભાસ આ બાબત પરથી મળી શકે છે.’ મુનશી જગમોહનલાલે વળી ઉમેર્યું: ‘સ્વામીજીએ જાપાન તથા અમેરિકાથી રાજાસાહેબને જે પત્ર લખ્યા હતા એ બધા પત્રો રાજમહેલમાં વિશેષ રૂપે સંગ્રહિત હતા. પરંતુ રાજા સાહેબ તથા રાણીમાના મૃત્યુ પછી રાજ્ય અત્યારે બીજાના હાથમાં ચાલ્યું ગયું છે. જો ક્યારેય સુવિધા મળશે તો હું એ પત્રોને અને સ્વામીજીએ ઉપયોગમાં લીધેલી વસ્તુઓને ત્યાંથી બહાર લાવવાનો પ્રયત્ન કરીશ.’ જો કે નરેન્દ્રનાથ પોતાના પૂર્વપરિચિત લોકોમાં ‘નરેન્દ્રનાથ’ના નામે જ જાણીતા હતા. એ જ રીતે તેઓ પોતાનું નામ લખતા રહેતા. પરંતુ ખેતડી નિવાસ દરમિયાન એમની સાથે વાતો કરનારા તથા ભક્તવૃંદ એમને ‘સ્વામીજી’ના નામે સંબોધિત કરવા લાગ્યા હતા. (શ્રીમત્‌ વિવેકાનંદ સ્વામીજીર જીવનેર ઘટનાવલિ, મહેન્દ્રનામ દત્ત, ભાગ-૨, પૃ.૧૭૫-૭૯)

અન્ય એક ઘટના

મહેન્દ્રનાથ દત્તે એક બીજું વિવરણ પણ આપ્યું છે: ‘રાજપુતાનામાં ભ્રમણ કરતી વખતે એકવાર સ્વામીજી એક સ્થળે પહોંચ્યા. અહીં આશ્રય કે આહારની કોઈ વ્યવસ્થા ન થઈ. એટલે તેઓ એક કૂવાની નજીક આવેલા એક વૃક્ષની નીચે બેઠા. જ્યારે ભૂખ અને તરસ પ્રબળ બની જતી ત્યારે કોઈના કૂવામાંથી પાણી સીંચવાથી એમાંથી થોડુંઘણું પાણી લઈને તેઓ પીઈ લેતા અને પછી ચૂપચાપ બેઠા રહેતા. અહીં ભોજનની કોઈ વ્યવસ્થા ન થવાથી બે ત્રણ દિવસ આવી જ રીતે પાણી પીધા પછી તેઓ બેભાન થઈ ગયા. ત્યાંના રાજાની પાસે આ સમાચાર પહોંચ્યા અને એમણે સ્વામીજીને વિશેષ કાળજી સાથે રાખ્યા હતા. આ ઘટના રાજપુતાનામાં ક્યાં ઘટી હતી એની કંઈ માહિતી નથી. (વિશ્વપથિક વિવેકાનંદ, ઉદ્‌બોધન કાર્યાલય, પૃ.૧૯૪)

(ક્રમશ:)

Total Views: 61

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.