(ગતાંકથી આગળ)

મહારાજ પાનાની રમત રમે છે

મદ્રાસ મઠમાં મહારાજ (સ્વામી બ્રહ્માનંદજી) અમારી સાથે પાનાની રમત રમતા હતા.એક પક્ષે મહારાજ અને નિરદ મહારાજ હતા. સામે પક્ષે શશી મહારાજ અને હું હતો. હું પહેલેથી જ ગંભીર હતો. મહારાજને હરાવવા જ જોઈએ. પાનાની રમત ચાલે છે. શશી મહારાજની ભૂલને કારણે હું જોઉં છું કે મહારાજ વારંવાર જીતતા જાય છે. મને ઉદ્વિગ્ન થયેલો જોઈને મહારાજે ખુશખુશાલ થઈને જોયું. મારામાં પણ હું જીતીશ એવી મગરૂરી મને થઈ ગઈ. હું શશી મહારાજને ઘણી વખત કહું છું: ‘મહારાજ, તમે સાવધાનીથી રમો; જેથી અંતે એકાદવાર તો આપણે જીતી શકીએ.’ પરંતુ મારી વિનંતી મિથ્યા નીવડી. સારાં સારાં પાનાં પણ શશી મહારાજ માટે નિરર્થક નીવડ્યાં. અમારી ભયંકર હાર થઈ. વિશેષ કરીને મારા વ્યર્થ પ્રયાસો જોઈને રાજા મહારાજની સ્ફૂર્તિ તો ઘણી વધી. મેં જરા ગુસ્સે થઈને કહ્યું: ‘મહારાજ, હું એકલો શું કરું? શશી મહારાજનો કંઈ સાથ-સહકાર ન મળ્યો.’

રમત પૂરી થતાં મને એક બાજુએ લઈ જઈને શશી મહારાજે તિરસ્કારપૂર્વક ઠપકો આપ્યો: ‘અરે મૂરખ! તું તો જાણે ધંધાદારી ખેલાડી જેવો બની ગયો! હું મહારાજ સાથે કેવળ પાના રમવા જ બેઠો હતો, એમ તું સમજતો હતો? આપણને હરાવ્યા પછી એમને કેટલો બધો આનંદ થયો હતો, એ તેં ન જોયું? એમના મોં પર કેવું અદ્‌ભુત સ્વર્ગીય તેજ ફૂટી ઊઠ્યું હતું! દેવશિશુના જેવું સુંદર અને પવિત્ર હાસ્ય વારંવાર જોવા છતાં પણ મારી તૃષા છુપાણી નહિ. અરે મૂરખ! સારાં સારાં પાનાં તો મેં જાણીબૂઝીને છોડી દીધાં છે. એમને આનંદમાં રાખવા એ જ મારો ઉદ્દેશ હતો. રાજા મહારાજ શું સામાન્ય માનવ છે! આપણા કલ્યાણ માટે જ એમણે દેહધારણ કર્યો છે. એમની કેટલી કૃપાકરુણા છે, એ તું શું સમજે?’ હું તો હતપ્રભ થઈ ગયો. મહાપુરુષોની આવી પાનાની રમતમાં પણ આટલું બધું ગંભીર તાત્પર્ય સમાયેલું હોય છે, એ વાત મારી કલ્પનામાં પણ ન આવી. વાહ! શશી મહારાજનો કેવો ગહનગંભીર પ્રેમભાવ!

એમના અંતરમાં રાગદ્વેષને સ્થાન ન હતું. સ્વયં રાજા મહારાજે જ આ વાત સ્વીકારી હતી. આ કાશીમાં રાજા મહારાજે એક દિવસ કોઈ પણ કારણે સ્વામી શુભાનંદને ખૂબ ઠપકો આપ્યો હતો. એમનું રૌદ્ર સ્વરૂપ જોઈને હું તો જડવત્‌ બની ગયો. દોષ કે ત્રુટિ તો અમારી પણ થઈ જાય, અને એ સમયે રાજા મહારાજ આવો ક્રોધ પ્રગટ કરે તો અમે લોકો શું કરીએ? આ વાત સમજીને મને ઘણો ઉદ્વેગ થયો.

થોડા સમય પછી મહારાજને શાંતભાવે બેઠેલા જોઈને મારી શંકાની વાત મેં એમને કરી. તેમણે એ વાત સાંભળી અને હસ્યા. ત્યાર પછી પોતાનો જમણો હાથ મુખ પર ફેરવીને છાતી પર લાવ્યા અને પછી વિદ્યાન્ગુષ્ઠ બતાવ્યો. એમનું આમ કરવાનું તાત્પર્ય એ હતું કે ઠોકઠપકો તો મોંની વાત હતી, પણ એમના હૃદયમાં કંઈ ન હતું. એ વખતે મેં કેટલી સ્વસ્થતા અનુભવી એની શી વાત કરું! સતનો ક્રોધ જળ પર કરેલા પ્રહાર જેવો હોય છે – આ સૂક્તિનો મર્મ મને તે દિવસે સમજાયો. (સેવાશ્રમ, કાશી, ૩૧-૧૦-૫૧)

માતૃપદની છાયા માટે

શ્રીમા જ્યારે દક્ષિણના દેશમાં આવ્યાં ત્યારે હું બેંગ્લોર આશ્રમમાં હતો. શ્રીમા મદ્રાસ થઈને બેંગ્લોર આવ્યાં હતાં. એક દિવસ ૫૦-૬૦ ભક્તો આશ્રમમાં આવીને શ્રીમાનાં દર્શનની રાહ જોતા હતા. શ્રીમા હૉલના ખંડમાં આવીને ખુરશીમાં બેઠાં છે. ભક્ત લોકો એક પછી એક આવીને દક્ષિણ ભારતની પ્રણાલી પ્રમાણે શ્રીમાને સાષ્ટાંગ દંડવત્‌ પ્રણામ કરે છે. હું શ્રીમા પાસે ઊભો હતો. આજુબાજુ શાંતિ છવાઈ છે. શ્રીમા અને એમનાં ભક્ત-સંતાનો પરસ્પર એકબીજાની ભાષા જાણતાં-સમજતાં ન હતાં. આ લોકની ભાષા તેઓ જાણતાં ન હતાં પણ એમના ગહન-ગંભીર અંતરમાં નિરવ સંલાપ જાણે કે ચાલી રહ્યો હોય, એવો મને અનુભવ થયો. એ દિવસે શ્રીમાનાં દર્શન કરીને ભક્ત લોકો એટલા બધા આનંદવિભોર બની ગયા કે એમનાં મોંએથી વાણી દ્વારા કંઈ પ્રગટ ન થઈ શક્યું. દર્શનાનંદથી પોતાના હૃદયને ભરપૂર ભરી દઈને ભક્તજનો પોતપોતાને ઘરે ગયા. ભક્ત-સંતાનોને જોઈને શ્રીમાને પણ પરમસંતોષ થયો.

આશ્રમથી થોડે દૂર ગોબીપુરમાં શિવપાર્વતીનું મંદિર હતું. એક દિવસ બપોરે શ્રીમાને હું ખુલ્લી કારમાં બેસાડીને ત્યાં લઈ ગયો હતો. ગુફામાં આવેલા મંદિરને જોઈને શ્રીમા અત્યંત પ્રસન્ન થયાં. એક પથ્થર પર શ્રીમા થોડો સમય ચૂપચાપ બેઠાં રહ્યાં. પગમાં વાનું દરદ છે. એટલે ત્યાંની માટી લઈને ગોઠણ પર પોતે લગાડી અને પછી કહ્યું: ‘ગોઠણમાં ઘણી પીડા થાય છે, બેટા! થોડી માટી લગાડીને જોઉં છું કે આ પીડા જાય છે કે કેમ!’ ખુલ્લી કારમાં જ પાછા આશ્રમમાં આવી ગયાં. ગાડી મુખ્ય દરવાજામાં પ્રવેશતાં જ એક અદ્‌ભુત ઘટના ઘટી, અપૂર્વ દૃશ્ય જોવા મળ્યું. પાંચસો-છસ્સો જેટલા ભક્તજનો દર્શનાર્થે આશ્રમમાં પ્રાંગણમાં ઊમટી પડ્યા હતા. દરવાજામાંથી આવીને ભક્ત-સંતાનોને જોઈને, ત્યાં જ ગાડીમાંથી શ્રીમા નીચે ઊતરી ગયાં. અભયમુદ્રા સાથે જમણો હાથ ઊંચો કરીને ઊભાં રહ્યાં. તત્ક્ષણ તેઓ વાક્‌શૂન્ય ભાવસમાધિમાં આવી ગયાં. બધા ભક્તોએ એકીસાથે શ્રીમાને સાષ્ટાંગ દંડવત્‌ પ્રણામ કર્યા. સાત-આઠ મિનિટ પછી શ્રીમા સહજભાવમાં આવી ગયાં. ઓચિંતાના તેઓ પડી ન જાય એટલે એમની પાસે ઊભો રહીને હું એમનું રક્ષણ કરતો હતો. પછી માને કાળજીપૂર્વક ગાડીમાં બેસાડીને આશ્રમના મકાનમાં લઈ ગયો. ભક્તલોકો પણ એમની પાછળ પાછળ ત્યાં ગયા. શ્રીમાનાં દર્શન કરીને તેઓ ધન્ય બની ગયા. જાણે કે તેઓ આનંદસાગરમાં ડૂબી ગયા.

૧૯૧૬માં હું પ્રથમવાર દક્ષિણમાંથી કાશી ગયો. રસ્તામાં જતાં જતાં થોડા પૈસા બચ્યા હતા. પૂજ્ય કેદારબાબા (સ્વામી અચલાનંદ) સાથે જઈને જયરામવાટીમાં શ્રીમાનાં શ્રીચરણદર્શન કર્યાં હતાં. ત્યાં રાસબિહારી અને બ્ર.હેમને જોઈને હું એટલો બધો ખુશ થયો કે એની શી વાત કરું? એ લોકોને માટીની દિવાલ ચણતાં જોઈને મારામાં ઘણી શ્રદ્ધા ઉદ્‌ભવી. અહા! આ લોકો જ ધન્ય છે! આટલો પરિશ્રમ કરીને માની સેવા કરવા નૂતન મકાનોનું નિર્માણ કરી રહ્યા છે!

Total Views: 55

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.