ईश्वरस्याप्यभिमानद्वेषित्वाद् दैन्यप्रियत्वात् च ॥२७॥

(ईश्वरस्य, ઈશ્વરના; अपि, પણ; अभिमान, અહંકાર; द्देषित्वात्, ઘૃણાપણું હોવાથી; , અને; चदैन्य, નમ્રતા; प्रियत्वात्, પ્રિય-વહાલી હોવાથી)

૨૭. (ભક્તિમાર્ગ અન્ય માર્ગ કરતાં વધારે ઊંચો છે કારણ કે) – ભગવાન પણ અહંકારને – મદને – ધિક્કારે છે અને નમ્રતાને-દીનતાને ચાહે છે – દૈન્યને આવકારે છે.

પચ્ચીસમું સૂત્ર ભક્તિને અન્ય બધા જ માર્ગો કરતાં – એટલે કે જ્ઞાનમાર્ગ, કર્મમાર્ગ અને યોગમાર્ગ કરતાં – ઊંચે સ્થાને મૂકી દે છે. ભક્તિ એ ત્રણેય માર્ગ કરતાં ચડિયાતી છે, એને માટે પહેલી દલીલ તો એ છે કે ભક્તિ એ ભક્તિનાં જ સાધનથી પરિણામ રૂપે ઉત્પન્ન થતા સ્વરૂપવાળી છે. માર્ગ અને લક્ષ્ય બંને અહીં એક જ છે, જ્યારે અન્ય માર્ગો એ કેવળ માર્ગો છે લક્ષ્ય નથી, પણ ભક્તિ એ કેવળ માર્ગ જ નથી એ લક્ષ્ય પણ છે.

ભક્તિ અન્ય માર્ગો કરતાં શ્રેષ્ઠ છે, એની બીજી દલીલ – ભક્ત અહંકારથી મુક્ત હોય છે અને નમ્રતાની મૂર્તિ હોય છે એ વાતના સૂચનમાં છે. ભગવાન અહંકારને-અભિમાનને ધિક્કારે છે અને નમ્રતાને-દીનતાને વખાણે છે. તેથી ભગવાનને પૂર્ણ રીતે સંતુષ્ટ કરવાનું કાર્ય કેવળ ભક્તિ જ કરી શકે તેમ છે. હવે, આ તો અન્ય માર્ગોના વિરુદ્ધમાં જ ઇચ્છાઓ ઠેરવવાની એક રીતે લાગે છે! અને એનું કારણ તો સાવ ઉઘાડું છે કે કર્મમાં પ્રવૃત્ત મનુષ્ય અભિમાની હોઈ શકે છે અને જ્ઞાનમાર્ગ અનુસરનારો મનુષ્ય પણ પોતે સર્વોત્તમ છે એવું વિચારી શકે છે. જ્ઞાની તો ‘હું પોતે ઈશ્વર છું’ એવું પણ વિચારી શકે છે! એટલે એ બંનેની બાબતમાં તો નમ્રતાનો કે દીનતાનો કોઈ સવાલ જ ઊઠતો નથી.

જે મનુષ્ય સારાં કર્મો કરે છે, અથવા યજ્ઞો આદિ વિધિવિધાનોનું આયોજન કરે છે, તે મનુષ્ય ઘણે ભાગે કોઈક પ્રકારના અભિમાનયુક્ત વિચારોને પોતાના મનમાં સેવતો હોય છે. જેમ કે તે પોતાને ધાર્મિક માનતો હોય છે. એવાનું અભિમાન પછી બહેકી ઊઠે છે કારણ કે પછી તો એ બીજા લોકોની સરખામણીમાં પોતાને ખૂબ જ ઊંચો માનવા લાગે છે. જ્ઞાનનો માર્ગ તો વળી એનાથીય દેખીતી રીતે કર્મમાર્ગ જેવો જ છે. અરે! સ્વામી વિવેકાનંદ પણ જ્યારે જ્ઞાનમાર્ગની વાતો કરતા ત્યારે લોકો એમને પણ અભિમાની માની લેતા! જ્યારે એ જ્ઞાની ‘હું બ્રહ્મ છું’ – એમ કહે ત્યારે સાંભળનાર મનુષ્યને સ્વાભાવિક રીતે જ એમ લાગ્યા વગર ન રહે કે આ બોલનાર અભિમાની છે.

એટલે ભક્તિ સિવાયના અન્ય માર્ગો મનુષ્યોમાં અભિમાન ઉપજાવનારા લાગે છે. જ્યારે ભક્તિની બાબતમાં તો ભક્ત હંમેશાં નમ્ર જ હોય છે અને અહંકારથી વિનિર્મુક્ત હોય છે. એટલે એમ સ્વીકારવામાં આવ્યું છે કે ભગવાન એના ઉપર વધારે પ્રેમ કરે છે. ભક્તનાં વિશિષ્ટ લક્ષણોમાં પણ આ ભારપૂર્વક બતાવવામાં આવેલ છે કે એનામાં અભિમાન હોતું નથી. ભક્તિમાર્ગના મહાન આચાર્યોએ પણ ભક્તિમાર્ગની બે બાબતો ઉપર ભાર મૂક્યો છે. એક તો ભક્તે અભિમાનથી અળગા જ રહેવું જોઈએ અને બીજી બાબત એણે નમ્રતા (દૈન્ય) દાખવવી જોઈએ. ભક્તિમાર્ગના આચાર્યો માંહેના એક મહાન આચાર્ય શ્રીગૌરાંગ વારંવાર આ શ્લોક બોલ્યા કરતાં

तृणादपि सुनीचेन तरोरपि सहिष्णुना।
अमानिना मानदेन कीर्तनीयः सदा हरिः॥

(શ્રીચૈતન્યશિક્ષાષ્ટકમ્‌)

‘જે મનુષ્ય પગોથી ચગદાઈ જતા તણખલાં કરતાં પણ વધારે નમ્ર હોય, જે વૃક્ષ કરતાં પણ વધારે ધૈર્ય રાખી શકે – સહિષ્ણુ રહી શકે એવો હોય, જે કોઈની પાસેથી કશા માનની કે આદરસત્કારની અપેક્ષા ન રાખતો હોય, પણ પોતે બધાને માન આપતો હોય, એવા મનુષ્યે ભગવાનના ગુણાનુવાદ કરવા જોઈએ.’

ભગવાનનું સંકીર્તન કરનાર મનુષ્ય પાસે આવા બધા ગુણો હોવા જોઈએ. અન્ય માર્ગોના અનુયાયીઓની સરખામણીમાં ભક્તનાં આ લક્ષણો દેખીતી રીતે જ ઊડીને આંખે વળગે એવાં છે.

એટલા માટે નારદ જણાવે છે કે ભગવાનના લાડકા થવા માટે માણસે નમ્ર બનવું જોઈએ. જો કે ઘણી વખત સ્વામીજી ભક્તમાં રહેલા નમ્રતાના વલણનો ઉપહાસ કરતા ખરા. તેઓ કહેતા, ‘અરે ઓ વૈષ્ણવધર્મના અનુયાયીઓ! (ભક્તિમાર્ગને અનુસરનારા લોકો), તમે તો ભાઈ નમ્રના પણ નમ્ર છો.’ તેઓ આવી રીતે મજાક ઉડાવતા હતા કારણ કે તેમને એવું લાગતું હતું કે એમાનાં ઘણા લોકોની નમ્રતા નિષ્ઠાપૂર્વકની ન હતી – સાચુકલી ન હતી. તેમણે ઘણી વખત એ નોંધ્યું હતું કે તેમની એ નમ્રતા કેટલીક વખત ખાલી દેખાડા પૂરતી જ બની રહેતી હતી – એવો દેખાડો કે ‘તેઓ કોઈ જ નથી, તેઓ કંઈ જ નથી.’ તેથી જો નમ્રતા રાખવી જ હોય તો તે નિષ્ઠાપૂર્વકની-સાચુકલી રાખવી જોઈએ. જ્યારે હું એમ કહું કે હું તો નમ્રનો પણ નમ્ર છું, અને છતાંયે હકીકતમાં તો બીજાઓને મારા કરતાં નીચી કક્ષાના ગણતો હોઉં, તો એ કંઈ ર્નિષ્ઠાપૂર્વકની નમ્રતા નથી – સચ્ચાઈ ભરી નમ્રતા નથી. એ તો ખાલી એનો દેખાવ જ છે. સાચો ભક્ત થવા માટે મનુષ્યે પોતે સર્વદા જ નીચો હોવાનું વલણ અવિરત રાખવું જોઈએ. અને ભવિષ્યમાં ક્યારેય પણ પોતાની ઉચ્ચતા દર્શાવવી ન જોઈએ. એણે તો એક વૃક્ષ કરતાંયે વધારે ધૈર્યવાન, વધારે સહનશીલ બનવું જોઈએ. એમ કેવી રીતે? કારણ કે વૃક્ષ મનુષ્યોને ફળો આપે છે, એ લોકોને છાંયડો આપે છે. છતાં લોકો શું કરે છે? લોકો એની ડાળીઓ કાપી નાખે છે! અને છતાં પણ વૃક્ષ એનો કશો પ્રતિકાર કરતું નથી. એ ધીરજ રાખે છે અને સહન કરે છે. મનુષ્યે એ યાદ રાખવું જોઈએ કે આ કેવળ એક ઉદાહરણ જ છે એનો અર્થ એવો નથી થતો કે વૃક્ષ કંઈ જાણીબૂઝીને માણસોના આવા વર્તનને સહન કરે છે આ તો ખાલી ભક્તના એ આદર્શનું ઉદાહરણ જ છે કે માણસે એનું ખરાબ કરનારાનું પણ ભલું જ કરવું જોઈએ. માણસે તિરસ્કાર સામે તિરસ્કાર પાછો ન વાળવો જોઈએ અથવા તો એવો કોઈ બદલો ન લેવો જોઈએ. લોકોનું એની સામે ગમે તેવું વર્તન હોય તો પણ એને જરાપણ અપરાધ ગણ્યા વગર શાંતિથી સહન કરવું જોઈએ. ભક્તનું આવું સહનશીલ વલણ જ ભગવાનને ગમે છે. ભક્તે અન્ય પાસેથી કશી માનની અપેક્ષા રાખવી ન જોઈએ. જે મનુષ્યની આવી પાત્રતા હોય ત્યારે જ એની ભગવત્સ્તુતિ સાર્થક અને સંનિષ્ઠ બને છે. તો ભક્તનાં કેટલાંક લક્ષણો અહીં આ પ્રમાણે ગણાવવામાં આવ્યાં છે.

तस्याः ज्ञानमेव साधनमित्येके ॥२८॥

(तस्याः, તે ભક્તિનું; ज्ञानम्, જ્ઞાન; एव, જ; साधनम्, સાધન છે – કરણ છે; इति, એમ; एके, કેટલાક)

૨૮. કેટલાક લોકોના મત પ્રમાણે ફક્ત જ્ઞાનમાંથી જ ભક્તિ જન્મે છે.

હવે ત્યાર પછીનું સૂત્ર કહે છે કે કેટલાક આચાર્યોના અભિપ્રાય મુજબ ભક્તિની પ્રાપ્તિ જ્ઞાન દ્વારા જ થાય છે. પણ એ જ્ઞાન શાનું છે? એ જ્ઞાન સાધ્ય અને સાધન બંનેનું છે. ભક્તિ એક ભાવનાત્મક વલણ છે, પણ ભગવાન તરફ આ વલણને સીધો ઝોક આપવા માટે જ્ઞાન અને વિવેકશક્તિની જરૂર છે. શ્રીરામકૃષ્ણે એકવાર યુવાન નરેનને એવો નિર્દેશ કર્યો છે. નરેને જ્યારે તેમને એમ કહ્યું કે આધ્યાત્મિક જીવનમાં તેને જે કંઈ જોઈએ છે તે શુદ્ધ ભક્તિ જ છે ત્યારે શ્રીરામકૃષ્ણ ખુશ થયા અને તેમણે કહ્યું: ‘જો મનુષ્ય ભગવાન વિશે જાણતો જ ન હોય, તો ભક્તિને કોના પ્રત્યે વાળવી? એને જાણ્યા વગર ભક્તિ થાય જ કેવી રીતે? તો આ સિદ્ધાન્ત પ્રમાણે તો જ્ઞાન જરૂરનું જ છે. શ્રીરામકૃષ્ણના પોતાના જ શબ્દો અહીં ટાંકીએ: ‘પણ તમે કોઈને જાણ્યાજોયા વિના એને પ્રેમ કેવી રીતે કરી શકો?’ વળી, તેમણે ઉમેર્યું: ‘એક બીજા પ્રકારની ભક્તિ છે. એ જ્ઞાનભક્તિ કહેવાય છે. સૂઝ-સમજના પાયા ઉપર ભગવાન પ્રત્યેનો પ્રેમ એ એનું લક્ષણ છે. (ગોસ્પેલ, પૃ.૧૮)

એક બીજી વસ્તુની પણ અહીં જરૂર છે. તે એ કે મનુષ્યે પોતાના ઉદ્દેશે કેવી રીતે પહોંચવું તે અને તે ઉદ્દેશે પહોંચવા માટેનાં સાધનો – એ બંનેનું જ્ઞાન રાખવું જોઈએ. એ જાણ્યા વગર તો મનુષ્ય કેવી રીતે તે માર્ગે યાત્રા કરી શકે? માર્ગ જાણ્યા વગર તો એ કેવી રીતે એને અપનાવી શકે? એટલા માટે કેટલાક આચાર્યોને મતે ભક્તિમાર્ગની યાત્રા માટે જ્ઞાન તો પૂર્વ શરત છે.

अन्योन्याश्रयत्वमित्यन्ये ॥२९॥

(अन्योन्य, પરસ્પર-એકબીજાના; आश्रयत्वम्, અવલંબનમાં રહેવું; इति, એમ; अन्ये, બીજાઓ)

૨૯. બીજા કેટલાક આચાર્યોને મતે, એ જ્ઞાન અને ભક્તિ એકબીજા ઉપર આશ્રય કરી રહેલાં છે.

‘કેટલાક આચાર્યોના મતે’ – એટલે આ મત નારદનો પોતાનો નથી. ભક્તિને પ્રાપ્ત કરવાના સાધન વિશે બીજા આચાર્યો શું કહે છે તેનો અહીં નારદ નિર્દેશ કરે છે. કેટલાક આચાર્યો કહે છે કે ભક્તિ અને જ્ઞાન એકબીજા પર આધાર રાખે છે એટલે કે ભક્તિને પ્રાપ્ત કરવા માટે જ્ઞાનની જરૂરત છે અને જ્ઞાનને સારી રીતે પ્રાપ્ત કરવા માટે ભક્તિની આવશ્યકતા છે. આમ બંને પરસ્પરાવલંબી છે. સ્વાભાવિક રીતે જ આ એક સંતુલિત દૃષ્ટિકોણ માલૂમ પડે છે.

स्वयं फलरूपतेति ब्रह्मकुमारः ॥ ३० ॥

(स्वयम्, પોતે જ (ભક્તિ જ); फल, પરિણામ; रूपता, સ્વભાવરૂપપણું; इति, એમ; ब्रह्मकुमारः, બ્રહ્માના પુત્ર – નારદ)

૩૦. નારદના – બ્રહ્મકુમારના મત મુજબ ભક્તિ પોતે જ ભક્તિની સાધનાનું ફળ-પરિણામ છે.

નારદ પોતે કહે છે કે ભક્તિ પોતે જ પોતાના સાધનનું ફળ છે. બીજા શબ્દોમાં કહીએ તો ભક્તિ કોઈ બીજા સાધનનું ફળ નથી. એ સાવ સ્વતંત્ર જ છે. એને કોઈ અન્ય સાધનની ગરજ નથી; ભક્તિ પોતે જ સ્વયંપર્યાપ્ત છે. એ જ્ઞાન કર્મ કે એવી બીજી કોઈ સાધનની અપેક્ષા રાખતી નથી. એ પોતે જ ચરમ-ઉદ્દેશ-પરમસફળતા છે; એ પોતે જ ધ્યેયસ્વરૂપ છે. એટલે એ સર્વનિરપેક્ષ હોઈ શકે છે. આ નારદનું પોતાનું વલણ છે. ભક્તિ એ ભક્તનો સ્વભાવ છે. અને એ ભક્તિની જ પ્રક્રિયાનું સર્વોચ્ચ શિખર એટલે જ અંતિમ ફળની પ્રાપ્તિ છે. શ્રીરામકૃષ્ણ એને પ્રેમાભક્તિ કે પરાભક્તિ કહેતા. ઈશ્વરની ભક્તિની એ સર્વોત્તમ અભિવ્યક્તિ છે. એ જ ભક્તિનો માર્ગ પણ છે અને એનું ફળ પણ છે. એટલે જ્ઞાનના માર્ગેથી ભક્તિસુધી પહોંચાતું નથી પણ ભક્તિના પોતાના માર્ગેથી જ ભક્તિ સુધી પહોંચી શકાય છે. ભક્તિ પોતે જ પાકી ભક્તિ સુધી પહોંચે છે. તેથી કેવળ ભક્તિ દ્વારા જ અથવા ભગવાનના અનુગ્રહથી જ ભક્તિ પ્રાપ્ત થાય છે.

राजगृहभोजनादिषु तथैव दृष्टत्वात् ॥ ३१ ॥

(राजगृह, રાજાનો મહેલ; भोजन, (સ્વાદિષ્ટ) ભોજન; आदिषु, વગેરેમાં; तथा एव, એ પ્રમાણે જ; दृष्टत्वात्, જોવામાં આવતું હોવાથી)

૩૧. કેવળ રાજમહેલને જોવામાં-એના જ્ઞાનમાં અને ભોજનની વાનગીના જોવામાં-જ્ઞાનમાં પણ એવું જ (ફલયદિત્ય) જોવામાં આવે છે. (તેથી ભક્તિનું ફક્ત જ્ઞાન જ હોવું, એ કોઈનેય પરિતોષ આપી શકે નહિ.)

न तेन राजपरितोषः क्षुधाशान्तिर्वा ॥ ३२ ॥

(तेन, તેથી-માત્ર જોવાથી; , નથી તો; राजपरितोषः, રાજાને કોઈ સંતોષ થતો; वा, અથવા તો; क्षुधाशान्ति, ભૂખની શાંતિ પણ નથી થતી)

૩૨. એ ખાલી જોવાનું જ્ઞાન નથી તો રાજાને સુખી કરતું કે (ભોજનની સ્વાદિષ્ટ વાનગીનું જ્ઞાન) ભૂખને ય મટાડી શકતું.

तस्मात्सैव ग्राह्या मुमुक्षुभिः ॥ ३३ ॥

(तस्मात्, તેથી; मुमुक्षुभिः, મોક્ષને ઝંખતા મનુષ્યોએ; सा, તે (ભક્તિ); एव, જ; ग्राह्या, સ્વીકારવી જોઈએ)

૩૩. તેથી જેઓ મોક્ષ પ્રાપ્ત કરવા ઇચ્છે છે, તેમણે તો કેવળ ભક્તિનો જ સ્વીકાર કરવો જોઈએ.

ભક્તિ જ્ઞાન ઉપર આધારિત છે કે પછી એ બધા જ માર્ગોથી સ્વતંત્ર છે? આ મુદ્દો છેલ્લાં કેટલાંક સૂત્રોમાં ચર્ચવામાં આવ્યો છે. નારદ કહે છે (જુઓ સૂત્ર ૩૦) કે ભક્તિ પોતે જ પોતાનું ફળ-પરિણામ- છે. એને કશી બાહ્ય સહાયની આવશ્યકતા નથી. નારદ અહીં એક ઉદાહરણ આપે છે કે કોઈ માણસ રાજાના મહેલનું જ્ઞાન રાખતો હોય, તો શું એથી રાજાને કોઈ સંતોષ મળે ખરો? એવી જ રીતે જો કોઈ ભગવાન શું છે તે ખાલી જાણતો જ હોય તો શું એ ભગવાનને ખુશ કરી શકે ખરો? જરા પણ નહિ! રાજા જેવી રીતે પોતાને ખાલી ઓળખનાર ઉપર ખુશ થતો નથી, તેવી જ રીતે આ બાબતમાં પણ કેવળ જ્ઞાન કશો ફાયદો કરી શકે તેમ નથી. કોઈ ઈશ્વરને જાણી લે, તેથી એવું સાબિત નથી થઈ જતું કે તે ભક્ત થઈ ગયો છે. ભક્ત થવા માટે તો મનુષ્યે પોતાનામાં એવી ભાવના કેળવવી પડે છે. એમાં જ્ઞાન કોઈ મદદ કરી શકે નહિ, આ માટે નારદ એક બીજું પણ ઉહારણ આપે છે એ તે છે ખાવાની વાનગીનું. વિવિધ વાનગીઓના જ્ઞાનમાત્રથી કંઈ પેટ ભરાઈ જતું નથી. માણસ ભૂખ્યો થયો હોય, તો એને ગમે તેટલું વાનગી બનાવવાનું જ્ઞાન હોવા છતાં એના ફક્ત જ્ઞાનથી ભૂખની શાંતિ થઈ જતી નથી. ક્ષુધાશાંતિ માટે તો માણસે અન્ન ખાવું જોઈએ.

આ રીતે માણસની ઈશ્વરના જ્ઞાનમાત્રથી ભક્તિ વધતી નથી. જેમ ખોરાકના જ્ઞાન-માત્રથી ભૂખ મટાડી શકાતી નથી, એમ જ માણસના પ્રેમના પાત્ર (વિષય) – ભગવાન સાથેનો આ એક વિશિષ્ટ પ્રકારનો સંબંધ છે કે જે ભક્તોને પરિતોષ આપવા માટે અને પ્રભુને રીઝવવા માટે જરૂરી છે, એટલે ભક્તિ જ્ઞાન પર અવલંબિત નથી. એ વાત અહીં સુંદર રીતે સમજાવવામાં આવી છે. તો પછી જે મનુષ્યને ભગવાન પ્રત્યે પ્રેમભાવ નથી એવા માટે જ્ઞાન શા કામનું ભલા? જો માણસમાં ભક્તિ હોય, તો એથી તે ભગવાન તરફ આકર્ષિત થાય, પણ એ ભક્તિ જ્ઞાનથી તો ઉત્પન્ન થતી નથી. એ તો સ્વયંસ્ફુરિત રીતે એકાએક ઉત્પન્ન થાય છે. જ્ઞાનનું મહત્ત્વ તો ગૌણ છે અને એવું કંઈ જરૂરી તો નથી જ કે જેના પ્રત્યે મનુષ્ય ભક્તિવલણને ઢાળી રહ્યો હોય એ વસ્તુનું જ્ઞાન એને હોવું જ જોઈએ. આ બાબતમાં તો એક ચોખ્ખો વિરોધ જ જણાય છે. શ્રીરામકૃષ્ણ કહે છે: ‘જો માણસ જાણતો જ ન હોય કે કોના તરફ એ પોતાનો ભક્તિભાવ ઢાળવાનો છે, તો એ અજ્ઞાત વસ્તુને એ મેળવી જ કેમ શકે? આમ કહેવાનો તેમનો અર્થ એ છે કે ભક્તિના વિષયનું જ્ઞાનમાત્ર ભક્તિની ખીલવણીમાં કશો જ ફાળો આપી શકે તેમ નથી. વધારેમાં વધારે એ ભક્તિની દોરવણીમાં કંઈક મદદ કરી શકે. પણ ભક્તિ જ્ઞાન દ્વારા ઉત્પન્ન થતી નથી. એ અહીં ઉલ્લેખનીય બાબત છે.

ભક્તિ આપણા જ્ઞાન ઉપર આધાર રાખતી નથી. એ સ્વતંત્ર અને સ્વપર્યાપ્ત છે. આપણા પ્રત્યે રાજાનો સંતોષ અથવા તો આપણી અને રાજાની વચ્ચે પ્રેમનું બંધન કંઈ રાજાની ઓળખાણ માત્ર ઉપર જ આધાર રાખતું નથી. રાજાનું પૂરેપૂરું જ્ઞાન તો એના શત્રુને પણ હોઈ શકે છે. બરાબર એવી જ રીતે કોઈ મનુષ્ય ભગવાનના સ્વરૂપ વિશે લાંબીલચક ચર્ચા કરતો હોય અને એ વિષયમાં પૂર્ણ રીતે પરિચિત મનાતો હોય તો પણ એનામાં કોઈ પ્રકારની ભક્તિ ન પણ હોઈ શકે. એ તો ફક્ત એક બૌદ્ધિક બાબત જ છે – એ તો ખાલી એક માનસિક કવાયત છે, કે જે મનુષ્યને ક્યાંય પણ દોરી લઈ જઈ શકતી નથી. આ મુદ્દા ઉપર અહીં ભાર મૂકવામાં આવ્યો છે.

હવે એક બીજો મુદ્દો આવે છે – એ છે પરસ્પરાવલંબન. આ પરસ્પરાવલંબન – અન્યોન્યાશ્રયત્વ – જે કેટલાક આચાર્યોએ પ્રસ્તુત કર્યું છે તે (જુઓ સૂત્ર ૨૯ ઉપર) વિધાન ઘણું તર્કસંગત અને બુદ્ધિગમ્ય જ ગણાય છે. જો આપણે આપણા ભક્તિના પાત્રને (વિષયને) જાણી લઈએ, તો સ્વાભાવિક છે કે આપણી ભક્તિ તેના તરફ વળી શકે. જો આપણે ભગવાનને આપણી ભક્તિના પાત્ર-વિષય તરીકે સમુચિત રીતે જાણી લઈએ તો આપણી ભક્તિ એની મેળે જ ભગવાન તરફ વળી જશે.

પણ નારદનો દૃષ્ટિકોણ આનાથી જુદો છે. ધારો કે કોઈ ભગવાનનું જ્ઞાન ધરાવતો નથી. તો શું તે એમના પ્રત્યે ભક્તિ દાખવી જ ન શકે? અને વળી ભગવાનને જાણ્યા પછી પણ ભગવાન તરફ પોતાની ભક્તિને કોણ વાળે છે? શું એને જે હંમેશાં જાણે છે, તે જ એમ કરે છે કે? આપણું ભગવાન વિશેનું જ્ઞાન ભલે ને ઘણું જ અપૂર્ણ કે નહિ જેવું જ હોય, છતાં પણ આપણે તેના તરફ આપણી ભક્તિને વાળી – ઢાળી શકીએ છીએ જ. ભક્તિની એક બીજી વ્યાખ્યા છે. હકીકતે તે આ પુસ્તકની સર્વ પ્રથમ વ્યાખ્યા છે. એ કહે છે કે ‘તેમાં – ગમે તેમાં (तस्मिन्) પણ પરમપ્રેમ – સર્વોચ્ચ પ્રેમ હોય તે ભક્તિ છે.’ એમાં તો એ ચોખ્ખેચોખ્ખું કહ્યું છે કે ‘તેમાં-શેમાંક-ગમે તેમાં-જેને વિશે આપણને ખાસ કશો ખ્યાલ ન હોય તેમાં-પરમોચ્ચ પ્રેમ.’ આપણે જેના ભક્ત હોઈએ તેના વિશે ભક્તિના પાત્ર વિશે – ભલે આપણને કોઈ ખાસ જ્ઞાન કે જાણકારી ન હોય, છતાં પણ ભક્તિ આપણને ઉચ્ચ સાક્ષાત્કાર કરાવી શકવા સમર્થ નીવડી શકે છે, એ જ અહીં મુદ્દો છે.

એટલે ભક્તિની ઉત્પત્તિમાં જ્ઞાનનું યોગદાન નહિ જેવું જ છે. છતાં પણ સામાન્ય માણસો માટે આટલી અત્યલ્પ સહાય પણ નકારવા જેવી નથી. જ્યાં સુધી શક્ય હોય, ત્યાં સુધી સાધન અને સાધ્યનું જ્ઞાન મેળવવું જ જોઈએ. હું એમ કહેવા નથી માગતો કે એવું જ્ઞાન અનિવાર્યપણે જરૂરી જ છે. છતાં એવું જ્ઞાન ઘણીવાર ખપમાં આવે છે. એક દાખલો જુઓ: એક માણસને એવું કહેવામાં આવ્યું કે, ‘આ ગાયનું પૂંછડું પકડી રાખો, એ તમને સ્વર્ગ સુધી લઈ જશે.’ એ સમયે તો આંખો બંધ કરીને પૂંછડું જોરથી પકડી રાખ્યું. ગાયે તો એને કાંટાળી ઝાડીઓમાં ઢસડ્યો, એને ઉઝરડા પડી ગયા, એ ઘાયલ થઈ ગયો, એના શરીરમાંથી પુષ્કળ લોહી વહેવા લાગ્યું. આટલું થયું હોવા છતાં એને તો એમ જ લાગતું હતું કે ‘હું સ્વર્ગમાં જઈ રહ્યો છું.’ કહેવાનું તાત્પર્ય એ છે કે આ એક અંધની પ્રગતિ છે. એ એને કદી સ્વર્ગમાં લઈ જઈ શકે નહિ. એ તો એને એક પીડામાંથી બીજી પીડામાં લઈ જાય! જો આપણને આપણે ક્યાં જઈ રહ્યા છીએ, એની ખબર જ ન હોય, તો આપણે કેવી રીતે જઈ શકીએ? આપણે કેવી રીતે પ્રગતિ સાધી શકીએ? આપણી આંખે પાટા બાંધીને આપણને કોઈ મોટા ખેતરમાં છોડી દેવાયા હોય તો આપણે કદાચ એમાં જ ગોળ ગોળ ચક્કર માર્યા કરવાના. અને કોઈ પણ સ્થળે કદીય પહોંચી શકવાના નથી.

આમ આંખો બંધ કરીને કરવામાં આવતી ભક્તિ સારી નથી. આંખો ઉઘાડી રાખવી આવશ્યક છે. પરંતુ આ વાત તો ઉપર કહ્યું છે તેમ સામાન્ય માણસો માટે જ છે. અહીં વાંધો એ આવે છે કે ‘ભક્તિ તો કોઈ પણ રીતે જ્ઞાન ઉપર આધારિત છે જ નહિ!’ આ વાંધો નારદનો છે. ભક્તિનો જ્ઞાન ઉપર આધાર માનવો, એ તો એક હાસ્યાસ્પદ વાત જ છે. ભક્તિ તો સર્વતન્ત્રસ્વતંત્ર છે. માણસ પોતાના ધ્યેયને ન જાણતો હોય તો પણ – શ્રીરામકૃષ્ણે પણ કહ્યું છે તે પ્રમાણે – ભગવાન તો એ જાણે જ છે કે એનું મન શેની ઝંખના કરી રહ્યું છે. ભક્ત તો ભગવાનને કેવી રીતે બોલાવવા તે જાણતો નથી, એને તો ભગવાનના ગુણોનું પૃથક્કરણ કરતાં આવડતું નથી. પણ એનામાં ભક્તિ છે. અને આ ભક્તિ પોતે જ એને અવશ્ય કલ્યાણ તરફ લઈ જશે.

ઘણા સામાન્ય માણસોની બાબતમાં તો તેઓ એવા જ્ઞાનથી જ શરૂ કરે એ જ વધારે સારી વાત છે. ભલે એમનું એ જ્ઞાન અપૂરતું કે એકાંગી હોય. છતાં પણ એ એમને સહાયક નીવડશે. પરંતુ, આત્યંતિક કક્ષાની બાબતમાં જો ભક્તને કશું જ જ્ઞાન ન હોય અને છતાં પણ એ જો ખૂબ સંનિષ્ઠ હોય, તો હું એમ કહીશ કે એવાની નિષ્ઠા જ એને ધ્યેય સુધી પહોંચાડી દેશે. આ કંઈ આંધળી પ્રક્રિયા નથી. ભગવાન તો સર્વજ્ઞ છે. જો એ એવું જુએ કે એનો ભક્ત એને જાણ્યા વગર પણ એની ઝંખના કરે છે – એને માટે તલપાપડ થાય છે, અને એ પણ એ જાણતો નથી કે કયે માર્ગે જવું જોઈએ, તો સ્વાભાવિક રીતે ભગવાન જ એને સાચી દોરવણી આપશે. એટલે એ કક્ષાના ભક્ત માટે જ્ઞાનની અનિવાર્યપણે આવશ્યકતા નથી. જેની ખાસ જરૂર છે તે છે પૂર્ણ નિષ્ઠા, તે છે તલસાટ, તે છે ભગવાનને મેળવવાની ઝંખના! જો આટલું હોય તો બીજા કશાની જરૂર નથી, કેવળ ઝંખના જ એને ભગવાન પાસે લઈ જશે. શ્રીરામકૃષ્ણે જ્યારે એમની સાધના શરૂ કરી, ત્યારે તેમણે આ બતાવી આપ્યું છે.

ધ્યેયપ્રાપ્તિ માટેનાં સાધનો કેવાં હોવાં જોઈએ, તે અવતારી પુરુષે પોતાના જીવન દ્વારા બતાવી આપવું જોઈએ એટલા માટે શ્રીરામકૃષ્ણે પોતાના જીવનના નિદર્શન દ્વારા એ બતાવી આપ્યું કે હૃદયનો તલસાટ જ મનુષ્યને ઉચ્ચતમ ધ્યેયની પ્રાપ્તિ પ્રત્યે દોરી જશે. શ્રીરામકૃષ્ણે શરૂઆતમાં કોઈપણ પ્રકારની પદ્ધતિસરની સાધના કરી ન હતી. એ વખતે તો એમનામાં ફક્ત ઈશ્વરને જોવાની તાલાવેલી જ હતી અને એ તાલાવેલી તીવ્રતમ હતી – અસીમ હતી. જેમ કોઈ બાળક માતા માટે ઝૂરતું હોય. જ્યારે એ તલસાટ હદ બહારનો થઈ ગયો, ત્યારે એમને સાક્ષાત્કાર થયો! આવી સાક્ષાત્‌ અનુભૂતિની પ્રાપ્તિ થયા પછી જ એમણે પદ્ધતિસરની સાધનાઓ કરવાની શરૂઆત કરી હતી! કારણ કે દુનિયાને માટે એ વાત સિદ્ધ કરવાની પણ પૂરી જરૂર હતી કે એ બધી જુદી જુદી સાધનાઓ પણ પરમલક્ષ્યને હાંસલ કરી શકે છે. એટલે તેમણે વિવિધ સાધનાઓ કરી હતી. પરંતુ, તેમને ઘણા વખત પહેલેથી જ કોઈ ખાસ પ્રકારની સાધના પ્રક્રિયા સિવાય જ, કેવળ ઈશ્વરસાક્ષાત્કારની તીવ્ર ઝંખનાના જોરમાત્રથી જ, દિવ્યતાનો સાક્ષાત્કાર થઈ ચૂક્યો હતો. આ દર્શાવી આપે છે કે કેવળ તાલાવેલી પણ મનુષ્યને ઉચ્ચતમ ધ્યેય તરફ ખેંચી જાય છે. એ ઝંખનાને પોતાના કોઈ આધારની જરૂર પડતી નથી. આ વાત સાચી હોવા છતાં સાધારણ મનુષ્યને માટે તો પોતાના ધ્યેયનો કંઈક ખ્યાલ હોય અને એને પામવા માટેના રસ્તા માટે કશીક જાણકારી હોય, એ જ વધારે સલામતી ભર્યું ગણાય. આવું ન હોય, તો તો એવો મનુષ્ય અહીંતહીં ભટકતો જ રહેવાનો! ટોકિયો ટાવર કયે ઠેકાણે છે એની મને ખબર જ ન હોય અને જો હું એને ગોતવા અહીંથી નીકળું, તો હું ગોળ ગોળ ઘૂમ્યા જ કરવાનો અને એને જવલ્લે જ છેલ્લે શોધી શકવાનો. પણ જો મને એના માર્ગની માહિતી હોય તો સ્વાભાવિક રીતે જ હું ત્યાં જલદી અને ઓછી મુસીબતથી પહોંચી શકું અને મારી શક્તિનો દુર્વ્યય ન થાય. બીજી વાત એ પણ છે કે મને માર્ગની તો ભલે ખબર ન હોય પણ મારામાં ધીરજ, નિષ્ઠા અને પ્રબળ ઝંખના હોય, તો ય હું ધ્યેય સુધી પહોંચી તો શકું. જો મનુષ્યમાં આવો સર્વગામી અનન્ય રસ હોય, તો એ જ ધ્યેયની માવજત કરશે. ભક્તિના આ આચાર્યે અહીં આ મુદ્દા ઉપર જ ભાર મૂક્યો છે. પરમધ્યેયની પ્રાપ્તિ માટે કેવળ તલસાટ હોવો એ જ પૂરતું છે.

આ બેય ઉપદેશો એકબીજાના વિરોધી હોય એવું જણાય ખરું. પણ એની પાછળની એની સામે રહેલી પશ્ચાદ્‌ ભૂમિકાને સમજવાનો જો આપણે પ્રયત્ન કરીશું તો એ બંને માર્ગોની અસર સ્પષ્ટ રીતે જોવા મળશે. ભક્તિના માર્ગમાં જ્ઞાનની પણ જરૂર છે, કર્મની પણ જરૂર છે અને યોગની પણ જરૂર છે જ. તે બધા જ ઉપયોગી છે કારણ કે તે બધા આપણને વધારે અહીં-તહીં આથડવા દીધા વગર જ અને ત્વરાથી ધ્યેયની પ્રાપ્તિ કરાવે છે. એટલા માટે તેમની આવશ્યકતા છે. સાથોસાથ નારદ પણ જે મત આપે છે, તે પણ સાચો જ છે કે નિષ્ઠા અને ભક્તિ પણ પોતાની સ્વતંત્ર રીતે આપણને ધ્યેય સુધી પહોંચાડે છે. નારદે તારણ કાઢ્યું છે તે આ છે કે મુક્તિ ઇચ્છતા મનુષ્યોએ કેવળ ભક્તિમાર્ગનું જ અનુસરણ કરવું જોઈએ. ભક્તિ જ સૌથી મોટો પદાર્થ છે. જેની પાસે એ ભક્તિ છે, એવા કોઈ પુરુષ કે સ્ત્રીને પોતાના ધ્યેયને ચૂકી જવાનો કશો ભય રહેતો નથી. એ સ્ત્રી કે પુરુષ અવશ્ય જ ધ્યેય પ્રાપ્તિ કરશે – એમ નારદ ખૂબ જ ભારપૂર્વક જણાવે છે.

હવે અહીં એકવાત ખાસ ધ્યાન રાખવા યોગ્ય છે અને તે એ કે નારદ કેવળ ભક્તિ ઉપર જ ભાર મૂકે છે એનું કારણ એ અનન્ય રીતે ભક્તિમાર્ગના જ આચાર્ય છે. એટલે જ તેઓ કહે છે કે કેવળ ભક્તિમાત્રથી મુક્તિ મળે છે. પણ તો પછી જ્ઞાન વિશે શું કહીશું? તો આ ભક્તિમાર્ગના પુરસ્કર્તા તો ભક્તિ સિવાયના અન્ય માર્ગોની પરવા જ કરતા નથી, એમને માટે જ્ઞાન તો વેરાન અને સૂકી ચર્ચા જ હોઈ શકે. જ્ઞાનમાર્ગ-નિત્યાનિત્ય વસ્તુનું પૃથક્કરણ-વિવેક તો મનુષ્યને ફક્ત બૌદ્ધિક તર્કો અને અનુમાનો સુધી જ પહોંચાડી શકે અને એમાં જ એની સમાપ્તિ થઈ જાય છે. એ માર્ગમાં કંઈ એવું જરૂરી નથી જણાતું કે મનુષ્ય પોતે બ્રહ્મ રૂપ બની જાય! ભલે એવો મનુષ્ય પોતાની વિદ્વત્તાને જોરે બ્રહ્મને જાણી લે ખરો, પણ એ જાણકારી એને બ્રહ્મરૂપ કરી દેતી નથી. દુનિયામાં એવા તો કેટલાય વેદાંતી વિદ્વાનો છે શું એ બધાયે બ્રહ્મરૂપ બની ગયા છે ખરા?

શ્રીરામકૃષ્ણ કહે છે : ‘નિત્ય-અનિત્યના પૃથક્કરણ અને ત્યાગ વિના ખાલી વિદ્વત્તા શું ભલું કરી દેવાની છે? .. હું જો કોઈ સદસત્‌-વિવેક અને ઈશ્વરપ્રેમ વગરના કોઈ પંડિતને જોઉં તો એને એક તણખલાંની તોલે જ ગણું.’ (ગોસ્પેલ, પૃ.૮૮૯) કહેવાનું તાત્પર્ય એ છે કે માણસ ગમે તેવો સુવિખ્યાત પંડિત હોય પણ એમાં બીજા ગુણો ન હોય, તો એ ક્યાંયનો-કશાય કામનો નથી.

એટલે જ્ઞાન-ખાલી જાણકારી જ-કંઈ સર્વસ્વ નથી. ભલે ને જ્ઞાનમાર્ગના આચાર્યો એમ કહ્યા કરે કે ‘જ્ઞાન જ છેવટે અજ્ઞાનમાંથી મુક્તિ અપાવશે. અજ્ઞાનને દૂર કરવા માટે એનું નિવારક બીજું શું હોય? જ્ઞાન જ ને! એટલે જો આપણને જ્ઞાન થાય નહિ તો આપણું અજ્ઞાન ક્યારેય પણ દૂર ન જ થાય.’ આના જવાબમાં ભક્ત તો હસતાં હસતાં કહેશે કે ‘જો મારામાં ભક્તિ હશે તો ભગવાન મને બધું જ આપી શકે છે. શું મને એ સાચું જ્ઞાન નહિ આપે? શું મારે તારો તર્કનો અને સદસત્‌-વિવેકનો માર્ગ જ પરાણે પકડવો પડશે? મારો પ્રભુ તો સર્વશક્તિમાન છે. એ તો મને ગમે તે આપી શકે છે.’

એટલે આ રીતે ભક્તિ અન્યનિરપેક્ષ અને સ્વયંપર્યાપ્ત છે. ભક્ત એમ નથી વિચારતો કે કેવળ ભક્તિ એને ધ્યેય સુધી નહિ પહોંચાડી શકે. એની વિભાવના મજબૂત છે. પણ પેલો જ્ઞાનમાર્ગી જ એને કહેશે કે ‘અરે, તું તો મૂર્ખ છે. ભગવાન શું છે એની તો તને ખબર નથી અને તોય તું કહી રહ્યો છે કે ભગવાન તને મુક્તિ આપશે!’ બસ, આ રીતે બંનેની વઢવાડ ચાલ્યા જ કરે છે. અને આજ દિવસ સુધી પણ આ મતભેદનું કોઈ સમાધાન મળ્યું નથી. મનુષ્યના માનસિક બંધારણ – રસ-રુચિ-વલણની ભિન્નતાને કારણે જ આવા મતભેદો ચાલુ રહ્યા છે.

આમ તે બંનેના દૃષ્ટિકોણ ભલે અલગ અલગ હોય, છતાં આપણે એટલું તો સમજી જ શકીએ છીએ કે એ બંને માર્ગો પૈકીના કોઈ પણ એક માર્ગનો વ્યવહારમાં અમલ કરવામાં આવે તો ઉચ્ચતમ ધ્યેયે પહોંચાડવામાં તે સમર્થ થઈ શકે છે. એમ શ્રીરામકૃષ્ણે વારંવાર કહ્યું છે. જો કે તેઓ જ્યારે ભક્તોની વચ્ચે બોલતા ત્યારે બધો ભાર ભક્તિ ઉપર જ મૂકતા અને જ્યારે જ્ઞાનમાર્ગીઓ વચ્ચે બોલતા ત્યારે બધો ભાર જ્ઞાન ઉપર જ મૂકતા. તેઓ પોતે તો બધું જ હતા – ભક્તેય હતા, મહાજ્ઞાની પણ હતા, અને મહાન કર્મયોગી પણ હતા! તેમનામાં આપણે જોયું છે કે આ માર્ગોમાંનો ગમે તે માર્ગ આપણને પરમધ્યેય સુધી પહોંચાડી શકે છે.

तस्याः साधनानि गायन्त्याचार्याः ॥ ३४ ॥

(तस्याः, તે (ભક્તિ)નાં; साधनानि, સાધનો-કરણો; आचार्याः, મહાન ઉપદેશકો; गायन्ति, ગાય છે – વર્ણવે છે)

૩૪. એ ભક્તિની પ્રાપ્તિનાં સાધનોનું એ માર્ગના મહાન ઉપદેશકોએ સ્તોત્રોમાં અને ગીતોમાં વર્ણન કર્યું છે.

तत् तु विषयत्यागात् संगत्यागात् च ॥ ३५ ॥

(तत्, તે-ઈશ્વરપ્રેમ; विषयत्यागात्, ભોગવિષયોના ત્યાગથી; , અને; संगत्यागात्, આસક્તિના ત્યાગથી)

૩૫. ભક્તિની ઉપલબ્ધિ ભોગવિષયોના ત્યાગથી તેમજ એ વિષયો તરફની આસક્તિના ત્યાગથી થાય છે.

अव्यावृतभजनात् ॥ ३६ ॥

(अव्यावृत, સતત-અવિરત પ્રયત્ન; भजनात्, ભજનથી)

૩૬. અને સંકીર્તનના સાતત્યથી (ભક્તિની ઉપલબ્ધિ થાય છે).

लोकेऽपिभगवद्गुणश्रवणकीर्तनात् ॥ ३७ ॥

(लोके अपि, જીવનનાં સામાન્ય કર્મો દરમિયાન પણ; भगवत्, દિવ્ય; गुण, લીલા; श्रवण-कीर्तनात्, સાંભળવાથી અને સંકીર્તન કરવાથી)

૩૭. જીવનનાં સામાન્ય કામકાજ દરમિયાન પણ ભગવાનની લીલાઓનું શ્રવણ કરવાથી અને એનું સંકીર્તન કરવાથી ભક્તિલાભ થાય છે.

Total Views: 73

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.