રામકૃષ્ણ મિશન, શિક્ષણમંદિર, બેલૂર મઠના સચિવ દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘પેરેન્ટ્‌સ એન્ડ ટિચર્સ ઈન વેલ્યૂ એજ્યુકેશન’નો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ શિક્ષણ જગત માટે અહીં પ્રસ્તુત છે. – સં.

આજથી સોએક વર્ષ પહેલાં જ્યારે ભારત વર્ષ ગુલામીના અંધકારમાં સડવડતો હતો ત્યારે સ્વામી વિવેકાનંદે ઉદ્‌ઘોષણા કરી : ‘જુઓ! જુઓ! આ આપણી માતૃભૂમિ પોતાની દીર્ઘ ગાઢ નિદ્રામાંથી જાગ્રત થઈ રહી છે… હવે એનો કોઈ સામનો કરી શકે તેમ નથી; હવે એ કદી પાછી ઊંઘી જવાની નથી; હવે કોઈ બાહ્ય શક્તિ એના પર ફરીથી કબજો જમાવી શકે તેમ નથી, કારણ કે એ વિરાટકાય રાક્ષસ આળસ ખંખેરીને પોતાના પગ ઉપર ઊભો થઈ રહ્યો છે.’

અલબત્ત, એ વાત સાચી છે કે આજે ભારતવર્ષ સમૃદ્ધિ અને શક્તિમાં ઘણો આગળ વધી રહ્યો છે. સદીઓનાં નિષ્ક્રિયતા, અજ્ઞાનતા અને દાસત્વ પછી પોતાના પગ પર ઊભો થતો મહાકાય રાક્ષસ – ભારત વર્ષ થોડો દિશાભ્રમિત થતો હોય એવું લાગે છે. સમૃદ્ધિ તો વધી પણ સાથે ને સાથે લાંચરુશ્વત, ગુન્હાખોરી અને સ્વેચ્છાચારવાળી સ્વાતંત્ર્યની વૃત્તિ અને હિંસાએ એમની પ્રજાને અપૂર્તિ, ચિંતા, ભય અને ઓછી થતી જતી શ્રદ્ધામાં હડસેલી મૂકી છે.

આ દુ:ખદ પરિસ્થિતિના ઈલાજ માટે અને આપણા મહાન અને પ્રાચીન સમાજની શક્તિમત્તાને પૂર્ણ રૂપે વાસ્તવિક સ્વરૂપ આપવા આપણને નિર્મળ, પવિત્ર ચારિત્ર્યવાળાં અને કાર્યક્ષમતાવાળાં, અત્યંત ઉચ્ચ આદર્શને તેમજ વ્યવહાર આચરણને જીવનમાં ઉતારનારાં સ્ત્રીપુરુષોની જરૂર છે. પવિત્રતાના પ્રબળ ભાવથી પ્રજ્વલિત થયેલાં, ઈશ્વરમાં અનંત શ્રદ્ધા રાખીને દૃઢનિશ્ચયી બનેલાં અને દીન, અધ:પતિત તથા પદદલિત લોકો પ્રત્યેની સહાનુભૂતિ ધરાવતા સિંહની જેવી હિંમત રાખીને મુક્તિ, સેવા, સામાજિક ઉત્થાન અને સમાનતાનો બોધ આપતાં હોય તેવાં યુવાન સ્ત્રીપુરુષોનું એક વૃંદ તૈયાર કરવા સ્વામી વિવેકાનંદ ઇચ્છતા હતા. આવાં સ્ત્રીપુરુષોનું જીવન-ઘડતર બાળપણથી જ થવું જોઈએ. એટલે જ નીતિનિર્ણાયકો, કેળવણીકારો અને વિદ્યાગુરુઓને સાથે રાખીને આપણાં બાળકોને પ્રામાણિકતા, પવિત્રતા, સ્વાશ્રય, અહિંસા, સાદગી, નિસ્વાર્થભાવના, સેવા અને સહકાર જેવા ઉદાત્ત મૂલ્યોનું આચરણ કરવાની કેળવણી આપવા આજે આપણું રાષ્ટ્ર આગળ ધપી રહ્યું છે. ઉપર્યુક્ત મૂલ્યો પાઠ્યપુસ્તક તેમજ બીજાં સાધનોનો ઉપયોગ કરીને વર્ગખંડમાં શીખવવાં એ ઘણું અસરકારક બની રહે એ વાત નિ:શંક છે. પરંતુ સૌથી વધારે પ્રભાવકારી અને તર્કયુક્ત બાબત તો વ્યક્તિગત ઉદાહરણથી શીખવવાની રીત છે. ક્રિયાશીલ વ્યક્તિમત્તાનું ચારિત્ર્યબળ સેંકડો પુસ્તકો કરતાં પણ વધુ બળુકું અને બોલકું હોય છે. બાળકોને આપણે કહીએ તેમ તે કદાચ કોઈ કાર્ય ન પણ કરે પણ જો આપણે જ એવું આચરણ કરશું તો તેઓ ચોક્કસ એ કાર્ય કરવાના.

વિકસતાં બાળકો માટે માબાપ, વાલીઓ અને શિક્ષકો અનિવાર્ય આદર્શ છે. બાળકો સ્વાભાવિક રીતે જ તેમનાં વિચારો, ટેવો અને મૂલ્યોની બરાબરી કરે છે. એટલે જ મૂલ્યલક્ષી કેળવણી એ માત્ર વિદ્યાર્થીકેન્દ્રી નથી પણ તેમાં માતપિતા અને શિક્ષકોનો સમાવેશ થાય છે અને તેમની સહાયથી એનો પ્રારંભ થાય છે. આ વરિષ્ઠ પાલકોએ પોતાનાં બાળકો અને વિદ્યાર્થીઓમાં જોવા ઇચ્છતા મૂલ્યોને પોતાના જીવનમાં સૌ પ્રથમ જીવી બતાવવાં જોઈએ. તેમણે સિદ્ધાંતનિષ્ઠ અને આધ્યાત્મિકતાકેન્દ્રી જીવન જીવવું જોઈએ.

પ્રવર્તમાન મૂલ્યનિષ્ઠ કેળવણીનાં નમૂના અને પરિમાણો નૈતિકતા પર વધારે ભાર દે છે. આધ્યાત્મિકતા કે જે નૈતિકતા સાથેના બીજાં મૂલ્યોની આધારશિલા છે તેને દુર્ભાગ્યે ધર્મમૂલ્યોનું નામ આપીને એને કોરાણે મૂકવામાં આવી છે. પરંતુ આધ્યાત્મિકતા એ દરેકેદરેક ધર્મનું સારભૂત તત્ત્વ છે. જ્યાં સુધી આપણી રાષ્ટ્રિય કેળવણીના માળખામાં તે એક મુખ્ય આધારશિલા ન બને ત્યાં સુધી આપણા સમાજની નૈતિક શક્તિ અસ્થિર રહેવાની જ.

ઉપર્યુક્ત બાબતોને ધ્યાનમાં રાખીને આપણે અહીં મૂલ્યલક્ષી કેળવણીમાં માતપિતા, વાલી અને શિક્ષકની ભૂમિકા કેવી હોય, તેની વિગતે ચર્ચા કરીશું.

ચારિત્ર્ય ઘડતર

૧.મૂલ્યો વિશેનો દિશાભ્રમ : નમૂનાના વ્યક્તિગત પાંચ અભ્યાસ અવલોકનો

(ક) શર્મા દંપતીએ પોતાના એકમાત્ર પુત્ર અભિષેકને બેંગલોરમાં ઇજનેરી અભ્યાસ માટે દાખલ કર્યો. ત્યાં એને પ્રતિષ્ઠાસંપન્ન કોલેજમાં સ્થાન મળી ગયું. માબાપ પોતાના પુત્રની સલામતી તેમજ સુદીર્ઘકાળના વિરહદુ:ખથી દુ:ખી હતાં. પરંતુ અભિષેક તેજસ્વી, ખૂબસુરત વિદ્યાર્થી હતો. તે સારો અભ્યાસુ, એક પ્રતિભાવાન વક્તા અને કુશાગ્ર બુદ્ધિવાળો રમતવીર પણ હતો. તેણે પોતાની માતાને પોતે જ પોતાની સંભાળ લેશે એની ખાતરી આપી. તે નિયમિત રીતે ટેલીફોન કરતો રહેશે એવું વચન પણ આપ્યું. બેંગલોરમાં અભિષેકે કોલેજની હોસ્ટેલમાં રહેવાને બદલે એક ભાડાના મકાનમાં રહેવાનું પસંદ કર્યું. અભિષેકના કુટુંબનો ધંધો ઘણો વિકસતો જતો હતો એટલે શર્માજીને અભિષેકના કોલેજના તેમજ નિવાસી ખર્ચની કોઈ સમસ્યા ન હતી. પરંતુ થોડા સમય પછી અભિષેક ઘરે ફોન કરવામાં અનિયમિત થવા લાગ્યો. જ્યારે જ્યારે એની માતા એની પૂછપરછ કરતી ત્યારે તે પોતાની અભ્યાસની સફળતાનું ગુલાબી ચિત્ર આપતો રહેતો.

દોઢેક વર્ષ પછી શર્માજીને ઈજનેરી કોલજમાંથી એક ફોન આવ્યો. અભિષેકને બે ગંભીર અપરાધો કરવા માટે કોલેજમાંથી દૂર કરવામાં આવ્યો છે અને એની પોલીસે ધરપકડ કરી છે. તેણે એક છોકરી સાથે અશોભતું વર્તન કર્યું હતું અને તેના સોના તેમજ હીરાના દાગીના બળજબરીથી પડાવી લીધા હતા. આ સાંભળીને સ્તબ્ધ બની ગયેલાં માતપિતા બેંગ્લોર દોડી ગયાં. 

અભિષેકની વાસ્તવિક વાત બહાર આવી. એમનું નિવાસસ્થાન એમના મિત્રોનું મિલનસ્થાન હતું. એમાંના ઘણા નશીલાદ્રવ્યોનું સેવન અને મદ્યપાન કરનારા હતા. અભિષેકને પણ એમના મિત્રો દ્વારા આ લત લાગી ગઈ. પોતાની વધતી જતી આર્થિક જરૂરતોને પહોંચી વળવા તે પોતાના ઘરમાંથી ઘણી કીમતી વસ્તુઓ વેંચતો રહ્યો. તેણે પોતાના નોકરોને પણ ઠમઠોર્યા અને એમને પગાર-બગાર પણ ન આપ્યો. ક્યારેક તો મિત્રો પાસેથી અને આડોશપાડોશમાંથી કંઈક કીમતી વસ્તુઓ ચોરી પણ લેતો.

આ રીતે સંતપ્ત અને દુ:ખી બનેલાં માબાપે પોલીસમાં કરેલી ફરિયાદને પાછી ખેંચવા માટે પેલી છોકરીને ઘણી મોટી રકમ આપવી પડી. તેઓ અભિષેકને પાછો ઘરે લાવ્યા અને મનોચિકિત્સા માટે એક સંસ્થામાં દાખલ કર્યો. શર્મા દંપતીએ પોતાના પુત્રને ઉત્તમ શિક્ષણ આપ્યું, એમની સહાભ્યાસિક પ્રવૃત્તિઓ માટે પણ પ્રેર્યો. તેઓ પૈસાની પણ સતત સહાય કરતા રહ્યાં. 

આ અભ્યાસ પરથી આટલા પ્રશ્નો ઊભા થાય:

માબાપે આટઆટલું કર્યું છતાં પણ અભિષેકે તેનાં માબાપને શા માટે છેતર્યા? આવો પ્રતિભાસંપન્ન વિદ્યાર્થી આવી લાલચોને તાબે કેવી રીતે થાય? અને એને જેલમાં જવાના તેમજ માનસિક રીતે માંદાની ઇસ્પિતાલમાં જવાનો દહાડો કેવી રીતે આવે? માબાપની ક્યાં ભૂલ થઈ? શું તેઓ જીવનનો મહત્ત્વનો બોધપાઠ આપવાનું ભૂલી ગયા? શું તેમણે પોતાના વિકસતા પુત્રનું વધુ બારિકાઈથી નિરીક્ષણ કરવું જોઈતું હતું ખરું? શું અભિષેક ફરીથી પોતાનું જીવનઘડતર કરી શકે ખરો?

(ખ) ૧૮ વર્ષની લતા ઉંદર મારવાની દવા પી ગઈ. આના માટે કોઈ દેખીતું કારણ ન હતું. તેના માબાપ ઘણા દયાળુ હતાં. તેની ઇચ્છા વિરુદ્ધ કંઈ પણ કરવાની તેમણે ફરજ પણ પાડી ન હતી. આમ જોઈએ તો ઘર શાંતિવાળું હતું.

મધ્યમવર્ગના આ કુટુંબમાં માતા અને પિતા બંનેએ કામ કરવું પડતું. સારા રાચરચિલાંવાળું નાનું એવું રહેવા માટે પોતાનું ઘર પણ હતું. એમને નોકરાણી ન હતી અને લતાની મા જ પોતાના હાથે ઘરકામ કરી લેતી અને નાની લતા પોતાનો વધુ સમય અભ્યાસ માટે ગાળતી. પણ લતા ઠીકઠીક અને મધ્યમકક્ષાની વિદ્યાર્થિની હતી. સખીસહેલી વિનાની અને નિરસ સ્વભાવની લતા ખિન્ન રહેતી. દરરોજ સાંજે તે માબાપ વિહોણા ખાલી ઘરમાં સ્કૂલેથી પાછી આવતી. એને જીવન અસહ્ય અને નિરસ લાગ્યું. આ નિરસ જીવનમાંથી છૂટવા માટે તે પ્રમાણમાં ખૂબ ખાતી અને ઘણા લાંબા સમય સુધી કેબલ-ટીવી જોયા કરતી. તે પોતાના ઘર કરતાં ઘણા મોટા અને કીમતી રાચરચિલાંવાળાં તેમજ નોકર-ચાકર સાથેના ઘરમાં રહેવાના સ્વપ્ન સેવવા લાગી. તેના માબાપ તેની બરાબર સારસંભાળ લેતા નથી એવી મનમાં લાગણી ઉદ્‌ભવી.

પછી તે રાજેશ નામના છોકરાને ઈન્ટરનેટ પાર્લરમાં મળી. આ મિત્રતા દૈહિક સંબંધો સુધી પહોંચી ગઈ. બીજે અઠવાડિયે જ્યારે લતાને તેણે બીજી છોકરી સાથે લગ્ન કરી લીધાની વાત કરી ત્યારે લતાના સ્વપ્નની દુનિયા ખળભળી ઊઠી. એને લાગ્યું કે આવું જીવવું એના કરતાં મરવું સારું અને એણે ઉંદર મારવાની દવા પી લીધી. 

હવે આટલા પ્રશ્નો આ અભ્યાસ પરથી થાય છે:

લતાએ જિંદગી પ્રત્યે આવું શુષ્ક અને નિરસ વલણ કેવી રીતે દાખવ્યું? પોતાની જાતને આવી રીતે મારી નાખીને એમના માબાપ પર આવી પડનારાં દુ:ખનો શું તેણે ક્યારેય વિચાર નહોતો કર્યો? લતા કેમ વાસ્તવિકતાનો સ્વીકાર ન કરી શકી? લતા આપઘાત કરવા તરફ વળે એવી તેની દુ:ખદ પરિસ્થિતિની ગંધ એમના માબાપને કેમ ન આવી? શું લતા ફરીથી જીવન જીવવાની સાચી કળા શીખે ખરી?

(ગ) શ્રીમાન અને શ્રીમતી રાવ ખૂબ શિક્ષિત દંપતી હતાં. તેમણે પોતાનું માબાપ તરીકેનું કર્તવ્ય ઘણી ગંભીરતાથી નિભાવ્યું છે. તેનો પુત્ર રાહુલ ઉચ્ચતર પ્રાથમિકના છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે અને રાહુલની નાની બહેન પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. છેલ્લાં બે વર્ષથી રાવ દંપતીને એક મૂંઝવતી સમસ્યાનો સામનો કરવો પડ્યો. છેલ્લાં બે વર્ષથી શાળામાં રાહુલનો અભ્યાસ ધીમે ધીમે નિમ્નકક્ષાએ જઈ રહ્યો હતો. ગયે અઠવાડિયે પોતાના અત્યંત નબળા અભ્યાસને લીધે કોમળ સ્વભાવના રાહુલે શાળાએ જવાનો ઇન્કાર કરી દીધો! શામ-દામ-દંડ-ભેદ કંઈ કામમાં ન આવ્યાં.

માતપિતા રાહુલનાં ઉછેર અને પ્રગતિ માટે પૂરતાં ધ્યાન અને શક્ય કાળજી રાખતાં હતાં. શાળા ઉપરાંત તેમણે અનેક અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં જોતર્યો. એને તબલા શીખવવા અઠવાડિયામાં ત્રણ વખત એના ઘરે શિક્ષક આવતા. તે માર્શલ આર્ટ પણ શીખે છે અને અઠવાડિયામાં એક વખત લોન ટેનિસની તાલીમ પણ લે છે. માધ્યમિક કક્ષાના કઠિન વિષયોમાં કુશળતા મેળવવા એને માટે ગણિત અને જીવવિજ્ઞાનના ટ્યુશન પણ ચાલુ છે. ટેલિવિઝન જોવાનું ઘણું સખ્તાઈથી નિરીક્ષણ થાય છે. શ્રીમતી રાવ તો પોતાનો છોકરો શું ખાય છે, શું પહેરે છે એની પણ ચોક્કસાઈ અને ચિંતા સેવે છે. તેનો આખો દિવસ સુયોજિત દૈનંદિન કાર્યોમાં ચાલ્યો જાય છે. માબાપને એમ કે મારો છોકરો અભ્યાસમાં કુશળતા કેળવશે અને સારું વ્યક્તિત્વ પણ ઘડશે. કમભાગ્યે પરિણામ તો આનાથી ઊલટું આવે છે. રાહુલને નિશાળમાં જરાય રસ પડતો નથી. માબાપ પોતાના બાળક માટે હવે વધુ શું કરી શકે, એની મનોમૂંઝવણ રાવ દંપતીને સતાવતી હતી. તેઓ બાળકોના તજ્‌જ્ઞ મનોચિકિત્સકની સલાહ લેવાનું નક્કી કરે છે. 

આ અભ્યાસ પરથી આવા પ્રશ્નો ઊભા થાય છે:

રાવ દંપતી આટલો બધો સમય અને આટલી શક્તિ પોતાના પુત્ર રાહુલના ઉછેર માટે ખર્ચે છે. છતાં પણ રાહુલનો વિકાસ કેમ થતો નથી? માતપિતા બીજું કરી પણ શું શકે? માતપિતાની ક્યાંય ભૂલ થઈ હોય એવું લાગે છે? માતપિતાની વધુ પડતી અપેક્ષાઓ રાહુલના સ્વાતંત્ર્યને હરી લે છે ખરાં? એમની વધુ પડતી અપેક્ષાઓ એના મનને વધુ ને વધુ મંદ બનાવી દે છે ખરું? રાહુલની શક્તિમત્તાને હણી નાખીને એના નિર્ણયોને માતપિતા કાયમને માટે મારી નાખે છે ખરાં?

(ક્રમશ:)

Total Views: 55

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.