‘ભાગવત-કથા’ નામના મૂળ બંગાળી ગ્રંથનો કુસુમબહેન પરમારે કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. – સં.

૧. પ્રથમ ત્રણ શ્લોકની વિશેષતા

जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञः स्वराट्
तेने ब्रह्म हृदा य आदिकवये मुह्यन्ति यत्सूरयः ।
तेजोवारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गोऽमृषा
धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि॥

(१.१.१)

ભાગવતનો આ પહેલો શ્લોક છે. આ શ્લોકથી જ વ્યાસદેવે ભાગવત રચનાનો પ્રારંભ કર્યો છે. ભગવાનનાં સ્વરૂપ લક્ષણ અને તેમનાં તટસ્થ લક્ષણને સમજવાના હેતુથી પ્રથમ ભગવાનનું ધ્યાન કરીને આ શ્લોક દ્વારા મંગલાચરણ કરવામાં આવ્યું છે.

જેઓ વાણી મનથી પર છે તે ભગવાનનું સ્વરૂપ કઈ રીતે સમજી શકાય? જે સત્‌, ચિત્‌ અને આનંદસ્વરૂપે વિરાજમાન છે. જે અનાદિ, અનંત, નિર્ગુણ, નિરાકાર છે, તે વળી પોતાનું સ્વરૂપ કઈ રીતે વ્યક્ત કરે છે? મનુષ્યનો આ ચિરંતન પ્રશ્ન છે. વેદાંત સૂત્રમાં આ પ્રશ્નનો ઉત્તર આપતાં કહ્યું છે કે, બ્રહ્મનાં બે લક્ષણો છે : સ્વરૂપ લક્ષણ અને તટસ્થ લક્ષણ. બેશક સ્વરૂપ લક્ષણ વાણી અને મનથી અતીત છે અને કોઈ એક આરોપિત ધર્મ દ્વારા વસ્તુજ્ઞાન થાય તેને તટસ્થ લક્ષણ કહેવાય. જેમકે કોઈ એક માણસ બહુ ઊંચા ઝાડ ને દેખાડીને બોલે : ‘એ જુઓ નદી’ એટલે કે ઝાડની નીચે જ નદી છે – એ ઝાડ નદી માટે તટસ્થ – નદીનો ધર્મ નથી પરંતુ એ ઝાડમાં જ નદીનો અસાધારણ ધર્મ આરોપણ કરીને નદીને દેખાડવામાં આવી છે. જ્યાં સુધી સૃષ્ટિ છે ત્યાં સુધી વિશ્વ બ્રહ્માંડની સૃષ્ટિ, સ્થિતિ અને લય માટે કર્તારૂપ ધર્મનું આરોપણ કરી; તે જ આરોપિત ધર્મ લક્ષણ દ્વારા આપણે તેમને ઓળખી શકીએ, અર્થાત્‌ તે સૃષ્ટિ સ્થિતિ અને પ્રલયના કર્તા છે. તદુપરાંત આ તટસ્થ લક્ષણ દ્વારા બ્રહ્મનું પૂર્ણ સ્વરૂપ ન સમજી શકાય તો પણ તેના વિશે થોડોક આભાસ તો મળે છે.

આ શ્લોકનો અર્થ આ પ્રમાણે છે – જેમાંથી આ વિશ્વની સૃષ્ટિ, સ્થિતિ, લય થાય છે; જેની સત્તાથી જગતની સઘળી વસ્તુ સત્તાવાન્‌ જણાય છે, જે સર્વજ્ઞ, જે દેવતાઓ માટે અકળ (દુર્બોધ), અંતરયામીરૂપે આદિકવિ બ્રહ્માના હૃદયમાં વેદને સંચારિત કર્યા છે, મૃગજળની ભ્રમણા જેની જેમ જેમાં રહેલી માયિક સૃષ્ટિ સાચી લાગે – તે માયાને દૂર કરનાર, સત્ય સ્વરૂપ પરમેશ્વરનું ધ્યાન ધરીએ. આ એક શ્લોકમાં વ્યાસદેવે સમસ્ત ઉપનિષદનો અર્થ અતિ સંક્ષેપમાં પ્રગટ કર્યો છે.

આ શ્લોકનો અસલ અર્થ છે – सत्यं परं धीमहि  આપણે સત્ય સ્વરૂપ પરમાત્માનું ધ્યાન ધરીએ. અહીં પરમેશ્વરના સ્વરૂપ લક્ષણની વાત કહી છે – તેઓ સત્ય સ્વરૂપ છે. પરમેશ્વરનાં તે સિવાયનાં જે બધાં લક્ષણોની વાત કહી છે, જેવી કે સૃષ્ટિ-સ્થિતિ-પ્રલય કરનારા, તેની પોતાની સત્તાથી જગતને સત્તાવાન્‌ કરનારા, સર્વજ્ઞ, બ્રહ્માના હૃદયમાં વેદોનું સ્ફૂરણ કરનારા, વગેરે તેનાં તટસ્થ લક્ષણો છે. અદ્વૈતવાદનો આધાર લઈને શ્રીધર સ્વામીએ આ રીતે શ્લોકને અર્થ સમજાવ્યો છે. વળી દ્વૈત, વિશિષ્ટાદ્વૈત વગેરે મતવાદને અવલંબન કરીને પણ આ શ્લોકની વ્યાખ્યાઓ છે.

શ્રીમદ્‌ ભાગવતમાં ભગવાનની લીલા તથા ગુણનું વર્ણન છે. ભાગવતમાં કહ્યું છે કે, તેના શ્રવણથી પરમ પુરુષ શ્રીકૃષ્ણ માટે ભક્તિભાવ ઉત્પન્ન થાય છે અને જેના દ્વારા મનુષ્ય શોક, મોહ, ભયથી મુક્ત થઈ શકે. આમ ભાગવત મુખ્યત: ભક્તિશાસ્ત્ર છે.

ભાગવતનો પહેલો શ્લોક જ છે सत्यं परं धीमहि– આપણે સત્ય સ્વરૂપ શ્રીકૃષ્ણનું પરમેશ્વરનું ધ્યાન ધરીએ – વળી ભાગવતના છેલ્લા બારમા સ્કંધમાં કહેવામાં આવ્યું છે – तत् शुद्धम् विमलं विशोकममलं सत्यं परं धीमहि। શ્રીધર સ્વામીએ परम् શબ્દનો અર્થ પરમેશ્વર કે નારાયણ નામનું તત્ત્વ કર્યો છે. ભાગવતમાં આરંભથી માંડીને અંત સુધી શ્રીભગવાનની કથા જ કહી છે.

અજ્ઞાનને લીધે ઘણી વસ્તુઓને આપણે સત્ય માનીએ છીએ. પરંતુ યથાર્થ સત્ય શું છે? શાસ્ત્રમાં સત્યની વ્યાખ્યા આપી છે કે જે અગાઉ હતું, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં પણ રહેશે; ત્રિકાળમાં પણ જે રહે, નષ્ટ ન થાય તે જ સત્ય છે. એટલે એક ભગવાન્‌ સિવાય જગતમાં બીજું કંઈ જ સત્ય નથી. વળી કર્તાપણાનું અભિમાન તો દરેકમાં થોડુંઘણું રહેલું જ છે. પરંતુ વાસ્તવમાં કર્તા એકમાત્ર ઈશ્વર જ છે. ઈશ્વર સિવાય કોઈ કર્તા ન હોઈ શકે. માણસ જ્યારે સમજે કે એકમાત્ર ભગવાન જ સત્ય, તે જ એકમાત્ર કર્તા છે, ત્યારે મનુષ્ય પરમ પુરુષાર્થ પ્રાપ્ત કરીને ધન્ય બને છે. અસત્યને સત્ય માનીને અને કર્તાપણાના મિથ્યા અભિમાનને કારણે તો આ સંસાર છે. ભાગવતમાં પ્રથમથી જ માંડીને અંત સુધી કેવળ આ જ તત્ત્વ રહેલું છે કે, (ભગવાન્‌) ઈશ્વર જ સત્ય, તે એક માત્ર કર્તા. તેની જ આરાધના કરીને, અમૃતતત્ત્વ પ્રાપ્ત કરીને મનુષ્ય ધન્ય બને છે.

ભાગવતના પ્રથમ શ્લોકમાં જ સમસ્ત ભાગવતનું તાત્પર્ય રહેલું છે. દ્વૈત, અદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, શુદ્ધાદ્વૈત, અચિંત્યભેદાભેદ, વગેરે જુદા જુદા મતવાદી પંડિતો યુક્તિતર્ક દ્વારા પોતાના મત પ્રમાણે ભાગવતની વ્યાખ્યા આપે છે. ગમે તે મત પ્રમાણે વ્યાખ્યા થાય પણ બધાનો એક જ સૂર છે કે પરમતત્ત્વ પરમેશ્વર સત્ય સ્વરૂપ છે અને તે જ એક માત્ર કર્તા છે.

ભાગવતનો આ પ્રથમ શ્લોક ગાયત્રી મંત્રની જેમ પવિત્ર, અર્થપૂર્ણ અને માર્મિક છે. ગાયત્રી મંત્ર – ‘तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि’ તેમાં વિશ્વ બ્રહ્માંડને પ્રસવ કરનાર, સૃષ્ટિ કરનારની શક્તિનું ધ્યાન કરવા કહ્યું છે. અહીં ભાગવતમાં પણ વિશ્વની સૃષ્ટિ-સ્થિતિ-લય કરનાર બ્રહ્માના હૃદયમાં વેદોનો સંચાર કરનારનું ધ્યાન કરવાનું કહ્યું છે. આમ ગાયત્રી મંત્ર અને ભાગવતનો પ્રથમ શ્લોકનો પ્રતિપાદ્ય વિષય એક જ છે.

વ્યાસદેવ પ્રથમ શ્લોકમાં જ ભાગવતમાં મંગલાચરણ કરે છે. ભાગવતનું સઘળું મંગલમય, મંગલમય શ્રીભગવાનની કથાથી જ પૂર્ણ; એથી અલગ રીતે મંગલાચરણ કરવાની જરૂર ન હતી. પરંતુ સામાન્ય નિયમને અનુસરતા વ્યાસદેવે પ્રથમ શ્લોકથી જ ભાગવતનું મંગલાચરણ કર્યું છે. ઉપરાંત આ પ્રથમ શ્લોકમાં વ્યાસદેવ સમસ્ત ભાગવતનું તાત્પર્ય, ભગવત્‌-તત્ત્વને સંક્ષેપમાં વ્યક્ત કરે છે. 

શ્રુતિમાં કહ્યું છે : ‘બ્રહ્મ સત્ય, જ્ઞાન, અનંત, વિજ્ઞાન અને આનંદ સ્વરૂપ છે. અહીં શ્લોકમાં જેનું ધ્યાન કરવાની વાત કહી છે, તેનાં બે રૂપ છે. એક છે માયાતીત અને બીજું છે માયિક. એક અખંડ, અનંત, અચિંત્ય, સત્ય, જ્ઞાન સ્વરૂપ વગેરે અને બીજું છે લીલામય, રસમય, સર્વગુણાધાર, વિશ્વ સૃષ્ટિકર્તા, સર્વની રક્ષા કરનાર, કૃપામય, બંધુ, સ્વામી, પિતા, એકમાત્ર શરણ્ય. અધિકાર પ્રમાણે કોઈ તે સત્યસ્વરૂપ બ્રહ્મને જ્ઞાન માર્ગે જાણીને પ્રાપ્ત કરે વળી અન્ય કોઈ લીલામય, રસમય, બંધુ, સ્વામી, પિતારૂપે તેમનું ભજન કરે અને ભક્તિ માર્ગે તેને પ્રાપ્ત કરે. શ્લોકના આરંભમાં ‘जन्माद्यस्य’ કહીને ઈશ્વરને સૃષ્ટિ-સ્થિતિ અને લય કરનારા કર્તા-સ્વરૂપે અને શ્લોકને અંતે તેને सत्यं परं કહી સત્ય સ્રૂવપે ઉલ્લેખ કરેલ છે. આમ બ્રહ્મના બંને સગુણ-નિર્ગુણ ભાવનું નિરૂપણ એક સાથે કર્યું છે.

પ્રશ્ન ઉદ્‌ભવે કે, જગતમાં તો ઘણાં ધર્મશાસ્ત્રો છે. જેમાં ધર્મનું સ્વરૂપ, ઉપાસના પદ્ધતિ વગેરે વિસ્તારપૂર્વક આપવામાં આવેલ છે. તો વળી નવીન રૂપે ફરી ભાગવતની રચના કરવાની શી જરૂર પડી? આ પ્રશ્નના ઉત્તર માટે વ્યાસદેવે ભાગવતની વિશિષ્ટતા દર્શાવતા બીજા શ્લોકની રચના કરી.

धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां
वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम्।
श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः
सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तत्क्षणात्॥

(१.१.२)

ફળની આશા સાથે જે ધર્મનું આચરણ કરવામાં આવે છે તે તો કપટ ધર્મ છે. ભાગવતમાં કપટ ધર્મ સંપૂર્ણપણે છોડી દેવામાં આવ્યો છે. ફળની આકાંક્ષા વગરનો, સર્વભૂત પ્રતિ દયાવાન્‌, સાધુઓ દ્વારા અનુષ્ઠિત, ભગવાનની આરાધના સ્વરૂપ પરમ ધર્મ નિરૂપિત થયો છે; આથી ત્રિતાપ – આધ્યાત્મિક, આધિદૈવિક, આધિભૌતિક દુ:ખ દૂર કરનાર પરમ મંગલપ્રદ પરમાર્થ-તત્ત્વ અનાયાસે હૃદયગંમ થાય. મહામુનિ સ્વયં નારાયણ દ્વારા રચિત આ પરમ સુંદર ભાગવતશાસ્ત્ર રહેતાં બીજાં શાસ્ત્રોની જરૂર શી? કેમકે, ભાગવતના શ્રવણની ઇચ્છા રાખનાર ભાગ્યવાન્‌ વ્યક્તિ તેના શ્રવણમાત્રથી ભગવાનને હૃદયમાં ધારણ કરવા સમર્થ બને છે.

શ્રીમદ્‌ ભાગવત તો બીજાં શાસ્ત્રો કરતાં શ્રેષ્ઠ છે એટલું મનમાં સમજાય જાય તો ભાગવત સાંભળવાનું મન થાય. તેથી આ શ્લોકમાં વ્યાસદેવે ભાગવતની વિશેષતા દેખાડી છે. 

પહેલી વિશેષતા એ છે કે, સ્વયં નારાયણે નિજમુખથી બ્રહ્માને ભાગવતનો ઉપદેશ આપ્યો હતો. તેથી સમજી શકાય કે ભાગવતમાં અસાધારણ વિશેષતા રહી છે.

બીજી વિશેષતા એ છે કે, સાધારણપણે જોવા મળે છે કે, યજ્ઞયાગ વગેરે ધર્માનુષ્ઠાન અને ધર્મગ્રંથના પાઠનું લક્ષ્ય ભોગ્ય વસ્તુની પ્રાપ્તિ હોય છે. પુત્રપ્રાપ્તિ, ધનપ્રાપ્તિ, યશપ્રાપ્તિ અને પરલોકગમને સ્વર્ગ પ્રાપ્તિ વગેરે. પરંતુ ભાગવત એ એક એવો ધર્મગ્રંથ છે, જેમાં વાસના કામનાનો કોઈ સંપર્ક નથી. ભાગવત પાઠ અને શ્રવણથી મનુષ્ય વાસના છોડીને ભગવાનનો પ્રેમ પ્રાપ્ત કરવા સમર્થ બને છે અને ભગવાનની આરાધના જ પરમ્‌ મંગલપ્રદ એવો અનુભવ કરી શકે છે. લગભગ સઘળાં શાસ્ત્રોક્ત સાધન સકામ, માત્સર્યયુક્ત અને ભૂતદ્રોહી વ્યક્તિઓ દ્વારા સાધેલાં હોય છે. કોઈ વિશેષ કામના લઈને યજ્ઞયાગનું અનુષ્ઠાન કરી શકાય. તેથી સકામ વ્યક્તિઓ જ કર્મકાંડનું અનુષ્ઠાન કરે છે. વળી સકામ કર્મમાં ફળપ્રાપ્તિ માટે મનુષ્યો એકબીજા પ્રત્યે હિંસા, દ્વૈષ અને માર્ત્સ્યપરાયણ હોય છે. જેમ પુરાણમાં છે કે જ્યારે સગર રાજાએ સો અશ્વમેધ યજ્ઞ કર્યા ત્યારે દેવરાજ ઈંદ્રને ઈર્ષા થઈ અને તેણે યજ્ઞમાં વિઘ્નો ઊભાં કર્યાં. વળી જોવા મળે છે કે, અશ્વમેધ વગેરે યજ્ઞમાં પશુવધ અત્યંત આવશ્યક હતો, પશુવધ વગર આ બધા યજ્ઞો થાય જ નહિ. તેથી આ બધા યજ્ઞ કે ભૂતદ્રોહી પણ છે. પરંતુ ભાગવત ધર્મનું અનુસરણ કરનારામાં ઈર્ષ્યા લેશમાત્ર પણ નથી હોતી અને તેઓ સર્વભૂત પ્રત્યે દયા-પરાયણ હોય છે. ભાગવત ધર્મમાં કામના-વાસના લેશમાત્ર નથી, એટલું જ નહિ તેઓ મુક્તિની કામના પર્યંત ત્યાગીને એકાંતભાવે ભગવાનના ભજનમાં નિમગ્ન રહે છે. ભગવત્‌-ભજન જ તેમની પાસે પરમ ધર્મ હોય છે. મનથી વાસના કામના દૂર થતાં ચિત્ત શુદ્ધ થાય અને એ શુદ્ધચિત્તમાં ભગવાનનું સ્વરૂપ પ્રકાશિત થાય છે. વૈષ્ણવ પંડિતો સિદ્ધાંત આપે છે કે, ભગવાનની આરાધના જ પરમ પુરુષાર્થ છે; મુક્તિ કરતાં નિત્ય ભક્તિ અથવા નિત્ય દાસ્ય ભાવ શ્રેષ્ઠ છે; કેમ કે, જીવ ત્યારે પણ ભગવાનની ઉપાસના દ્વારા તેના લીલામાધુર્યનો ઉપભોગ કરે છે. વાસનાનો ત્યાગ, ચિત્તશુદ્ધિ, ભગવાન પ્રતિ પ્રેમ અને ભગવત સર્વસ્વતાના લાભ – આ બધાં કરતાં ભગવાનના લીલામાધુર્યનું આસ્વાદન જ શ્રેષ્ઠ ઉપાય છે અને ભાગવતમાં જ ભગવાનની લીલાનું વિશેષ વર્ણન રહેલું છે.

ત્રીજી વિશેષતા એ છે કે જીવ હંમેશાં ત્રિતાપની જ્વાળાથી દુ:ખી હોય છે. આ ત્રિતાપથી છૂટીને જીવની સુખની આશા વ્યવહારુ જગતથી અતિ દૂર હોય છે. કામના-વાસના, ઈર્ષ્યા-દ્વેષ વગેરે મનમાંથી દૂર કરીને આંતરિક અને એકાંત ભાવે ભગવાનની આરાધના ન કરે ત્યાં સુધી પ્રાણમાં શાંતિ મળતી નથી. ભાગવતમાં જોવા મળે છે કે ગોવિંદની ચરણસેવા કરવાથી, તેમની કૃપાથી, જીવના ત્રિતાપ ટળે છે અને તે પરમાનંદ પ્રાપ્ત કરે છે. ભગવાનની માયાથી જીવ આત્મ-વિસ્મૃતિમાં રહે છે, જેથી વારંવાર સંસારમાં આવે અને દુ:ખ પામે છે. વળી ભગવાનની જ કૃપાથી તેના ચરણાશ્રયની પ્રાપ્તિ થતાં તે માયાના પ્રભાવથી મુક્ત થઈ જાય છે અને ભગવાનનો સેવાધિકાર પ્રાપ્ત કરીને ધન્ય બને છે. ઘણી જાતની લીલા, કથા અને ભક્ત ચરિત્રનું વર્ણન ભાગવતમાં વિશેષભાવે જોવા મળે છે. તેના દ્વારા જીવોનો અનાયાસે ત્રિતાપ દૂર થાય છે.

ચોથી વિશેષતા છે – અન્યાન્ય શાસ્ત્રવર્ણિત સાધના દ્વારા તત્ક્ષણ ઈશ્વરને પામી શકાતો નથી. જ્ઞાન, વૈરાગ્યાદિ, અભ્યાસ દ્વારા ચિત્ત શુદ્ધ થઈ જાય ત્યારે હૃદયમાં ભગવત્‌-તત્ત્વ પ્રકાશિત થાય. પરંતુ કોઈને જો શ્રીભગવાનનાં નામ અને લીલાવર્ણન પ્રધાન શ્રીમદ્‌ ભાગવત સાંભળવાની ઇચ્છા થાય તો ભગવાન્‌ તેના હૃદયમાં તુરંત બંધાઈ જાય છે. ‘सद्यो हृद्यवरुध्यते’ તુરંત તેના હૃદયમાં ભગવાન બંધાઈ જાય છે. ભાગવત સાંભળવાથી પરીક્ષિત સાત દિવસમાં ભગવાનમય, ભગવદ્‌-સર્વસ્વ થયા હતા.

આ બધી વિશિષ્ટતાઓને કારણે ભાગવત બીજાં બધાં શાસ્ત્ર કરતાં શ્રેષ્ઠ છે. વાસ્તવમાં મૂળ હકીકત એ છે કે, ભાગવત-શ્રવણ।થી મનની મલિનતાઓ દૂર થાય છે. ભગવાનમાં અહૈતુકી ભક્તિ પ્રાપ્ત થાય છે, સંસાર જ્વાળા દૂર થઈને તુરત જ ભગવાન્‌ હૃદયમાં બિરાજમાન થાય છે અને ચારેય પુરુષાર્થ પ્રાપ્ત થાય છે; તેથી ભાગવતનું પઠન કે શ્રવણ ભક્તો માટે પરમ આવશ્યક છે.

निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रवसंयुतम।
पिबल भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः॥

ભાગવત રસની ભાવનામાં તરબોળ હે ભક્તવૃંદ! વેદરૂપી કલ્પતરુનું પરમાનંદ રસમય ફળ જેનું નામ શ્રીમદ્‌ ભાગવત; તે શુકમુનિના મુખથી નીકળેલ છે. આ દિવ્યામૃત ફળનું સાધનાકાળથી સિદ્ધિલાભ પર્યંત વારંવાર આસ્વાદન કરો.

અગાઉના શ્લોકમાં કહેવામાં આવ્યું હતું કે બધાં શાસ્ત્રોમાં ભાગવત શ્રેષ્ઠ છે. અહીં દર્શાવ્યું છે કે વેદનાં તત્ત્વોના સારવસ્તુથી ભાગવત તૈયાર કરવામાં આવ્યું છે. તેથી ભાગવત સર્વવેદમય, પરમાનંદમય અને પરમ રસમય છે. શુકપક્ષી જેમ મીઠા ફળ સિવાય અન્ય ફળ ખાય નહિ તેવી રીતે પરમહંસ ચૂડામણિ આજન્મ સંસાર ત્યાગી શુકદેવજી મહારાજ પણ પરમ મધુર ભાગવત રસ સિવાય અન્ય કોઈ રસનું આસ્વાદન કરે નહિ. તેથી શુકદેવના મુખમાંથી નીકળેલ વાણી પરમ મધુર છે. સામાન્ય રીતે જોવા મળે છે કે, સાધક જ્યારે સિદ્ધિલાભ કરે ત્યારે તેને બીજા કશાનો આગ્રહ રહે નહિ. પરંતુ શુક, નારદ વગેરે જેવા સિદ્ધ, મુક્ત, આત્મારામ, મુનિઓ સર્વસ્વ ત્યાગ કરીને પણ શ્રીભગવાનના લીલા રસ માટે સદાસર્વદા આગ્રહી રહે છે. તેઓ હંમેશા ભગવાનના નામ કીર્તનમાં મગ્ન રહે છે. તેથી અહીં કહેવામાં આવ્યું છે : ‘पिबल भागवतं रसमालयं’ ‘હે ભક્તવૃંદ! સર્વદા આ ભગવદ્‌ રસનું પાન કરો.’

આ રીતે પ્રથમ ત્રણ શ્લોકથી ભાગવતનું મંગલાચરણ થયું અને શ્રેષ્ઠત્વ અર્પીને ભાગવતનો મૂળ પ્રસંગ આરંભ કર્યો છે.

Total Views: 110

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.