શુકદેવજી બોલ્યા : હે મહારાજ! એક વખત વૃંદાવનવિહારી શ્રીકૃષ્ણ મિત્રો સાથે યમુના નદી પર ગયા. આ વખતે તેમની સાથે બલરામ ન હતા. ત્યાં ઉનાળાના તાપથી વ્યાકુળ અને તૃષાતુર થઈને ગાયો તથા ગોવાળિયાઓએ ઝેરથી દૂષિત યમુનાનું પાણી પીધું. તરત જ તેઓ બધાં મૃતવત્ થઈ ત્યાં નદીકિનારે પડ્યાં.

યમુના નદી પાસે કાલિયનાગનો એક વિશાળ ધરો હતો. તેમાં તે મહાવિષધર સર્પ અનેક નાગણીઓ સાથે ઘણા દિવસોથી રહેતો હતો. તે સાપના વિષથી ધરાનું પાણી એકદમ વિષપૂર્ણ થઈ ગયું હતું; તેથી કોઈ એ પાણી પીતું નહિ. કદાચ એ વખતે દેશમાં અતિવૃષ્ટિ થઈ હશે અને ધરાનું પાણી ઉછળીને યમુનાના પાણીમાં ભળી ગયું હશે તેથી ધરાની આસપાસ યમુનાનું પાણી પણ ઝેરી થઈ ગયું હશે. યમુનાનું આ વિષમય પાણી પીને કૃષ્ણનાં સખાઓ અને ગાય-વાછરડાં મરવાની સ્થિતિમાં આવી પડ્યાં હતાં. કૃષ્ણે તેમના પર કૃપાદૃષ્ટિ કરી તેમને સજીવન કર્યાં.

विलोक्य दूषितां कृष्णां कृष्णः कृष्णाहिना विभुः ।
तस्या विशुद्धिमन्विच्छन्सर्पं तमुदवासयत्‌ ॥ (૧૦.૧૬.૧)

યમુનાનું નિર્મળ પાણી કાલિયનાગના ઝેરથી દૂષિત થયું છે. તે જોઈને શ્રીકૃષ્ણે જે સર્વઐશ્વર્યના આધાર તેમણે યમુનાના નીરને વિષથી મુક્ત બનાવવા માટે કાલિયનાગને ત્યાંથી દૂર કરવાની ઇચ્છા કરી.

આ શ્લોકમાં શુકદેવજી ‘કૃષ્ણ’ શબ્દનો ત્રણવાર ઉપયોગ કરે છે. કૃષ્ણ નામ શુકદેવજી અને પરીક્ષિત બંનેને અતિ પ્રિય છે. તેથી તક મળે ત્યારે શુકદેવજી આ પ્રિય નામ ભાગવતમાં વારંવાર ઉચ્ચારે છે. યમુનાનું બીજું એક નામ કૃષ્ણા છે. કૃષ્ણ નામની સાથે યમુનાની એક સમતા છે તેથી કૃષ્ણના થોડા ગુણ યમુનામાં પણ હોવા જોઈએ; તદુપરાંત વૃંદાવન કૃષ્ણની બાહ્યલીલા ભૂમિ છે. આવું પવિત્ર સ્થળ વિષયુક્ત પાણીવાળું થાય તે ન ચાલે; તેથી કૃષ્ણે નક્કી કર્યું કે કાલિયનાગને વૃંદાવનથી દૂર કરવો જ પડશે.

ભગવાનનું પ્રત્યેક કામ જ શત્રુ, મિત્ર, બધાંનાં કલ્યાણ માટે હોય છે. કાલિયનાગને ધરામાંથી દૂર કરીને કૃષ્ણ એક તરફ જેમ યમુનાના પાણીને શુદ્ધ કરે છે તેમ કાલિયધરાને પણ મહાતીર્થ બનાવે છે. બીજી બાજુ કાલિયનાગનો ક્રોધી સ્વભાવ અને અભિમાન દૂર કરીને તેને ભગવાનનો ભક્ત બનાવે છે.

‘ગોપાલ ચંપૂ’ ગ્રંથમાં શ્રીજીવ ગોસ્વામી કહે છે કે કાલિયનાગને નાથવાનો સંકલ્પ કરીને કૃષ્ણ ગોવાળિયાઓને કહ્યું : દુષ્ટ કાલિય નાગ યમુનાની પાસેના આ ધરામાં રહે છે. કાલિયનાગના વિષનો એવો પ્રભાવ છે કે ધરાની આસપાસ કોઈ ઝાડ-પાન બચી શકતું નથી. તેની ઉપરથી પક્ષીઓ ઊડતાં તો પણ ઝેરની અસરથી મૃત્યુ પામતાં. ધરાના કિનારે આ એક કદંબનું પુરાણું ઝાડ જુઓ છો, તે બચી ગયું છે; એનું કારણ એ છે કે ગરુડ જ્યારે અમૃત કુંભ લઈને નાગલોકમાં જતો હતો ત્યારે આ કદંબ વૃક્ષ પર તેણે થોડા સમય માટે વિશ્રામ કર્યો હતો. તે સમયના અમૃતના સ્પર્શથી આ વૃક્ષ હજી પણ બચી ગયું છે. મને એવું લાગે છે કે આ કદંબ વૃક્ષની ડાળીમાં હજુ પણ થોડુંક અમૃત રહ્યું હશે. તેથી હું આ કદંબ વૃક્ષ પર ચઢી અને શોધી લઉં કે ત્યાંથી અમૃત મળશે કે નહિ, તમે તેટલીવાર આ ઝેરી ધરા પાસે જતા નહિ અને દૂર જઈને ગાયોને ચરાવજો.

શ્રીધર સ્વામી આ પ્રકારના વૃક્ષ અંગે આલોચના કરતાં કહે છે કે ભવિષ્યમાં શ્રીકૃષ્ણ આ જ કદંબ વૃક્ષ પર ચઢીને કાલિય ધરામાં કૂદકો મારશે. તેથી શ્રીકૃષ્ણના પાદસ્પર્શથી ધન્ય બનશે અને તેથી જ કાલિય નાગનું ઝેર પણ આ કદંબ વૃક્ષને કંઈ નુકશાન કરી શકે નહિ. ભવિષ્યમાં જેઓ ભગવાનની કૃપા પ્રાપ્ત કરશે તેઓને કોઈ કશું જ નુકસાન ન કરી શકે.

દુષ્ટ પ્રાણીઓને શિક્ષા કરવા માટે જ જેમનો અવતાર હતો, તેવા શ્રીકૃષ્ણે ઉગ્રઝેરના પ્રભાવવાળા કાલિયનાગ અને તેને લીધે જ ખરાબ થયેલી યમુના નદીને જોઈને મજબૂત કમર બાંધી અને અત્યંત ઊંચા કદંબના ઝાડ પર ચડી હાથ વડે બંને ખભા ઠોકી એ ઝેરી પાણીમાં પડ્યા. કૃષ્ણના પડવાના વેગથી ધરાનું પાણી સારી પેઠે ઊછળ્યું અને પ્રચંડ તરંગો આંદોલિત થવા લાગ્યા અને તેની વચ્ચે શ્રીકૃષ્ણ આનંદથી તરણ વગેરે જલક્રીડા કરવા લાગ્યા.

ધરાના કિનારે ઊભા રહીને ગોપબાલકો ત્યારે આનંદથી કૃષ્ણની જલક્રીડા નિહાળવા લાગ્યાં. આ બાજુ કાલિય નાગ પોતાના નિવાસમાં આ જાતનો ઉત્પાત થતો જોઈને વિચારવા લાગ્યો – મારા આ ધરામાં આવીને ઉત્પાત કરવાનું સાહસ ત્રિભુવનમાં કોઈ પાસે હોય તેવું લાગતું નથી! સામાન્ય જીવની તો વાત જ શું! દેવતાઓ પણ ધરાના ઝેરને કારણે અહીં આવી શકતા નથી, પરંતુ હા, એકમાત્ર ગરુડ મને પકડી શકે. તો પછી શું ગરુડ અહીં પણ મારી સાથે લડાઈ કરવા આવ્યો છે? આ રીતે વિચારતો કાલિય નાગ તેના કર્તવ્ય વિષે સાવચેત થઈ ગયો. આ બાજુ કૃષ્ણ ઇચ્છા પ્રમાણે જલક્રીડા કરવા લાગ્યા અને ધરાનું પાણી એવું આંદોલિત કર્યું કે કાલિયનાગ પોતાના નિવાસ સ્થળે રહી શક્યો નહિ – દૂરથી કૃષ્ણને જોઈને કાલિયનાગ તેની સો ફેણો ફેલાવીને ક્રોધથી અધીરો થઈને દોડી આવ્યો અને કૃષ્ણને દંશવા લાગ્યો. પછી સાપ જે રીતે કરે તેમ કાલિયનાગે પોતાના. વિશાળ શરીર દ્વારા કૃષ્ણને પગથી માથા સુધી લપેટીને પોતાના ભયંકર પાશમાં જકડીને કૃષ્ણના શરીરનો ચૂરેચૂરા કરવા પ્રયત્ન કરવા લાગ્યો. શ્રીકૃષ્ણ ત્યારે રમતની મજા માણવા માટે કાલિયનાગના પાશમાં જાણે નિશ્ચેતન હોય તેમ થઈ ગયા. આ બાજુ યમુના કિનારે ઊભેલા કૃષ્ણના મિત્રો આ ભયંકર દૃશ્ય જોઈને કોઈ ચીસો પાડવા લાગ્યા, કોઈ વળી દોડીને વ્રજવાસીઓને ખબર આપવા ગયા.

આ બાજુ વ્રજધામમાં વિવિધ પ્રકારની અમંગલ સૂચક ઘટનાઓ બનવા લાગી. જેમ કે ભૂકંપ, ઉલ્કાપાત તથા શરીરનું ડાબું અંગ કંપન થવા લાગ્યું. આ જોઈને વ્રજવાસીઓ સમજી ગયા કે વ્રજમાં કોઈ અમંગલ ઘટના બનવાની છે. કૃષ્ણ જ જેમના પ્રાણ, તેઓની પાસે વ્રજનું અમંગલ એટલે શ્રીકૃષ્ણ ઉપર કોઈ મહાવિપત્તિ આવી પડશે અને જીવનનું જોખમ ઊભું થશે. એમ માનીને તેઓ બધાં શોક અને દુઃખથી અધીરાં થઈ કૃષ્ણ દર્શન માટે અત્યંત આતુર થઈ, જ્ઞાનશૂન્ય બની યમુનાને તીરે આવી પહોંચ્યા.

વ્રજવાસીઓએ દૂરથી જોયું કે કૃષ્ણ કાલિયનાગના શરીરમાં લપેટાયેલા છે અને ધરા વચ્ચે નિઃસ્પંદ થઈ પડી રહ્યા છે. ધરાના કિનારે ગોપબાલકો મોહથી અવાક્ થયા છે અને ગાયો તથા વાછરડાં ચારે તરફ ચીસો પાડે છે. આ જોઈને બધાં જ વ્રજવાસીઓ અત્યંત દુઃખિત અને મોહગ્રસ્ત થયાં. મોહગ્રસ્ત એટલા માટે કહેવામાં આવ્યું કે વ્રજવાસીઓ કૃષ્ણની એટલી બધી ઈશ્વરીય લીલા જોઈને પણ અત્યારે તેઓ કૃષ્ણની વિપત્તિની શંકાથી ચિંતાતુર થયાં છે – આ જ તેમનો મોહ. કૃષ્ણની માતા યશોદાને પાગલની જેમ ધરાના પાણીમાં ઊતરતાં જોઈને તેની સરખી ઉંમરવાળી ગોપીઓ રડતાં રડતાં વ્રજપ્રિયકથા-કૃષ્ણનો પૂતના વધ વગેરે લીલાકથા કહીને યશોદાને શાંત કરવા લાગી અને બધાં જ કૃષ્ણના મુખને અનિમેષ નયનથી નિહાળીને જાણે મૃતપ્રાયઃ સ્થિતિમાં પડ્યાં રહ્યાં.

ધરાના કિનારે બધાં જ વિહ્વળ થઈ ગયાં છે. કોઈ ઉચ્ચસ્વરે કૃષ્ણનાં ગુણગાન ગાતાં વિલાપ કરે છે, કોઈ બેહોશ દશામાં પડ્યાં રહ્યાં છે. એ લોકોમાં એકમાત્ર બલરામ જે શ્રીકૃષ્ણની દ્વિતીય મૂર્તિ છે અને કૃષ્ણના મહાપ્રભાવને સમજે છે, તેઓ ત્યારે સ્થિર થઈને બધાંને સાંત્વના આપવા લાગ્યા અને કૃષ્ણગત પ્રાણ જેના છે તેવા નંદબાબા અને ગોવાળિયાઓને ધરામાં ઊતરતા રોકે છે.

આ બાજુ કાલિયનાગના ભરડામાં રહેલ કૃષ્ણે જોયું કે ધરાના કિનારે ઊભેલાં તેના પ્રિય વ્રજવાસીઓ તેની આવી સ્થિતિ જોઈને અત્યંત દુઃખથી રડે છે. કોઈ બેભાન થઈને પડ્યા છે તો વળી કોઈ તેને મદદ કરવા ધરામાં ઝંપલાવવા તૈયાર છે. કૃષ્ણે ત્યારે પોતાના પ્રિયજનોને શાંત કરવા સર્પનાં બંધનમાંથી છૂટવા પોતાના શરીરને વધાર્યું તેથી કાલિયનાગનાં શરીરમાં ઘણી જ પીડા થવા લાગી, જેથી તેણે પોતાના આંટા ઉકેલી નાખીને કૃષ્ણને છોડી દીધા. પછી તે કોપેલા સર્પે પોતાની અસંખ્ય ફણાઓ ઊંચી કરી ફૂંફાડા મારવા લાગ્યો અને કૃષ્ણને દંશવા કોશિશ કરવા લાગ્યો. ગરુડ જેમ વિષધર સાપની ચારે તરફ ભમવા લાગે તેમ કૃષ્ણ ત્યારે તે ભયંકર કાલિયનાગની ચારે તરફ રમતના બહાને ભમવા લાગ્યા. કાલિયનાગ પણ ત્યારે કૃષ્ણને દંશવા તીક્ષ્ણ દૃષ્ટિથી કૃષ્ણની ગતિવિધિ પર લક્ષ્ય રાખીને તેની ચારે તરફ ઘૂમવા લાગ્યો.

एवं परिभ्रमहतौजसमुन्नतांसम्
आनम्य तत्पृथुशिरःस्वधिरूढ आद्यः ।
तन्मूर्धरत्ननिकरस्पर्शातिताम्र
पादाम्‍बुजोऽखिलकलादिगुरुर्ननर्त ॥ (૧૦.૧૬.૨૬)

થોડો વખત આ રીતે કૃષ્ણ અને કાલિય એક બીજાની આસપાસ ઘૂમતા રહ્યા પછી એમ ભમતાં ભમતાં તે કાલિયનાગ એકદમ થાકી ગયો; ત્યારે કૃષ્ણે ડાબા હાથે કાલિયની ફેણો નીચી કરીને તેના મસ્તક ઉપર ચડી ગયા. કાલિયનાગના મસ્તક પર જે બધા મણિ હતા તેના પ્રકાશથી કૃષ્ણનાં લાલ ચરણ વિશેષ લાલીમાં સાથે ચળકવા માંડ્યાં અને બધાં જ પ્રકારના નૃત્ય, ગતિ વગેરે કલાવિદ્યાના ગુરુ, તેવા શ્રીકૃષ્ણ ત્યારે કાલિયનાગના માથા પર નૃત્ય કરવા લાગ્યા. કાલિયનાગના મસ્તકનાં મણિના પ્રકાશથી કૃષ્ણનાં લાલ ચરણ વિશેષ રીતે પ્રકાશિત થયા. મણિના પ્રભાવથી જેમ કૃષ્ણનાં ચરણ પ્રકાશિત થયા તેમ કૃષ્ણનાં ચરણની જ્યોતિથી કાલિયનાગના મસ્તકનાં બધા મણિ પણ વિશેષપણે સુંદર લાગતા હતા. કૃષ્ણ ચરણથી ઉજ્જવળ કાલિયનાગના મસ્તક પર કૃષ્ણ અતિ મનોહર નૃત્ય કરવા લાગ્યા.

કાલિયનાગની સો વિશિષ્ટ ફણાઓ ત્યારે પણ કૃષ્ણના ચરણસ્પર્શથી નમી નહિ. કૃષ્ણે નૃત્યના બહાને તેના પર પગથી પ્રહાર કર્યા અને એક પછી એક બધી કણા નમવા લાગી. કાલિયનાગ ત્યારે મૃતપ્રાયઃ થઈને ચારે તરફ અંધકાર જોવા લાગ્યો; તેના મોઢા અને નાકમાંથી લોહી પડવા લાગ્યું. કૃષ્ણના ચરણસ્પર્શથી કાલિયનાગની દુષ્ટબુદ્ધિ અને બીજાને હિંસા કરવાની પ્રવૃત્તિ દૂર થઈ.

કાલિયનાગ વિચારવા લાગ્યો – અગાઉ મને ખબર હતી કે એક્માત્ર ગરુડ સિવાય મારા જેવો શક્તિશાળી જગતમાં બીજો કોઈ નથી; પરંતુ અહીં જોઉં છું, જે સામાન્ય બાળકરૂપે મારા માથા પર નૃત્ય કરે છે, તે મારા કરતાં હજારગણા લાખો ગણા વધારે શક્તિશાળી છે. તેણે નૃત્યના બહાને સામાન્ય પદ પ્રહારથી મારી સો ફણાઓ ભાંગી નાખી. તે જો ક્રોધિત થઈને વેગપૂર્વક મારા પર પ્રહાર કરત તો પછી મારી શી સ્થિતિ થાત, એ અંગે હું વિચારી પણ શકતો નથી. તેથી સમજાય છે કે આ કોઈ સામાન્ય બાળક નથી; સાક્ષાત્ નારાયણ! કાલિયનાગને હજુય એમ લાગ્યું કે તેની પત્નીઓ કૃષ્ણ ભક્ત, તેમણે કેટલીવાર તેને કૃષ્ણની અચિંત્ય લીલાકથા કહીને કૃષ્ણ પાસે પ્રાર્થના કરવાનું કહ્યું હતું, પરંતુ શક્તિના મદમાં છકીને તેણે કદી તેઓની વાત સાંભળી નહિ કાલિયનાગ હવે પત્નીઓની વાતનું સ્મરણ કરીને પોતાના મસ્તક ઉપરના બાળકને સર્વનિયંતા, પુરાણ-પુરુષ સ્વયં ભગવાન માનીને મનમાં ને મનમાં શ્રીકૃષ્ણનું શરણ લીધું.

Total Views: 72

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.