(એપ્રિલ, ૦૭ થી આગળ)

અંતર્નિહિત દિવ્યતાને કેવી રીતે પ્રગટ કરવી?

સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપ્ત એ દિવ્યચેતના આપણા અંતરમાં પણ રહેલી જ છે. પણ આપણે તેને જોઈ શકતાં નથી. ૫૨માત્મા સર્વના હૃદયમાં રહેલા છે, પણ દેખાતા કેમ નથી? આવો પ્રશ્ન કોઈ ભક્તે શ્રીરામકૃષ્ણ દેવને પૂછ્યો હતો. તેના ઉત્તરમાં તેમણે એક ટુવાલ લઈને પોતાનું મુખ ઢાંકીને પૂછ્યું, શું તમે મને જોઈ શકો છો? ભક્તે કહ્યું, ‘જી નહીં.’ ફરી તેમણે પૂછ્યું, ‘શું હું તમારી નજીક નથી?’ ત્યારે ભક્તે કહ્યું, ‘આપ અમારી પાસે જ છો, પણ આ ટુવાલના આવરણને લઈને અમે આપને જોઈ શકતા નથી. ત્યારે તેમણે કહ્યું, ‘બસ એમ જ ભગવાન આપણી અંદર જ છે, પણ અજ્ઞાન રૂપી પડદાના આવરણને લઈને મનુષ્ય તેને જોઈ શકતો નથી. આ અજ્ઞાનનો પડદો હટાવી દો અને તમે જોશો કે પરમાત્મા તમારું પોતાનું જ સાચું સ્વરૂપ છે.’

હવે પ્રશ્ન એ થાય છે કે આ અજ્ઞાનના પડદાને કેવી રીતે દૂર કરવો? આ પડદાને દૂર કરવા માટે મુખ્ય ચાર ઉપાયો છે. કોઈ ભક્તિ દ્વારા, કોઈ જ્ઞાન દ્વારા, કોઈ ધ્યાન દ્વારા તો કોઈ નિષ્કામ કર્મ અને સેવા દ્વારા આ અજ્ઞાનના પડદાને દૂર કરે છે. એ રીતે જોતાં પરમાત્માની પ્રાપ્તિ માટે મુખ્ય ચાર માર્ગો રહેલા છે. રાજયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ, અને કર્મયોગ, આમાંથી કોઈપણ એક માર્ગનું અનુસ૨ણ ક૨ીને કે ચારેયનો સમન્વય કરીને પરમાત્માની પ્રાપ્તિ કરી શકાય છે. ચારેય યોગોનો સમન્વય એટલે ધ્યાન, જ્ઞાન (સત, અસતનો વિચાર અને પરમાત્માનું ચિંતન), ભક્તિ તેમજ નિષ્કામ કર્મ – આ ચારેય માર્ગનું અનુસ૨ણ ક૨વાથી માનવના બધાં કરણો – મન, બુધ્ધિ, હૃદય અને શરીરનો સંતુલિત વિકાસ થાય છે, અને પરમાત્માની પ્રાપ્તિ ઝડપથી થાય છે, અને એ જ તો છે, જીવનની સર્વોચ્ચ સફળતા.

(૩) આત્મનિર્ભરતા : પોતાના પગ ઉપર ઊભા રહો. આત્મશ્રધ્ધાથી આત્મનિર્ભરતા પ્રાપ્ત થાય છે.

આત્મનિર્ભરતા એટલે બીજા પર આધારિત થઈને નહીં પણ પોતાની જ આંતર શક્તિઓ દ્વારા વિકાસ કરવો. ભાગ્યના ભરોસે બેસી રહેનારા ભાઈ બહેનોને આળસ ખંખેરી ઊભા થઈ, પુરૂષાર્થમાં લાગી જવા માટે સ્વામીજી હાકલ કરે છે. જ્યોતિષ વિદ્યા, રહસ્યવિદ્યા અને આવા બધા સફળતાના સસ્તા માર્ગોમાં અટવાઈને અમૂલ્ય જીવન બરબાદ કરનારાઓને સ્વામીજી આહ્વાન કરીને કહે છે; ‘તમારા પગ ઉપર ઊભા રહો અને બધી જવાબદારીઓ પોતાને માથે લો. કહો કે, જે આ હું દુઃખ ભોગવું છું, તે મારી પોતાની કરણીનું જ ફળ છે અને એ હકીકત પોતે જ બતાવે છે કે એનો ઉપાય મારે એકલાએ જ કરવો પડશે – માટે ઊભા થાઓ, હિંમતવાન બનો, તાકાતવાન થાઓ. બધી જવાબદારીઓ પોતાના શિરે ઓઢી લો અને જાણી લો કે તમારાં નસીબના ઘડવૈયા તમે પોતે જ છો. જે કાંઈ શક્તિ અને સહાય તમારે જોઈએ તે તમારી અંદર જ છે.’ સ્વામીજીનો આ સંદેશ કર્મના સિધ્ધાંત પર આધારિત છે. – જેવું વાવશો – તેવું લણશો.’

પ્રત્યેક મનુષ્યને માટે કર્મનો સિધ્ધાંત અફર છે. જેમ ભૌતિક જગતમાં સ્થૂળ પદાર્થોની બાબતમાં ગુરુત્વાકર્ષણનો નિયમ પ્રર્વતે છે કે ઉપરથી ફેંકવામાં આવેલો પદાર્થ વચ્ચે કોઈ અવરોધ ન આવે તો નીચે જ પડે છે, એ જ રીતે માનસિક જગતનો નિયમ છે કે જેવું કર્મ કરો તેવા ફળ પામો. કોઈ આ નિયમ સ્વીકારે કે ન સ્વીકારે પણ તેની સચ્ચાઈમાં કંઈ ફેર પડતો નથી. સારાં કર્મો કરનારને સારું ફળ મળે અને ખરાબ કર્મો કરનારને ખરાબ ફળ અવશ્ય મળે છે. એમાં લાંચ આપીને કોઈ છટકી શકતું નથી. દરેકે પોતાના સારાં – માઠાં કર્મોનાં ફળ ભોગવવાં જ પડે છે. પણ તે ફળ ક્યારે મળશે, તે નિશ્ચિત હોતું નથી. આથી વર્તમાનમાં મનુષ્ય દુઃખ ભોગવતો હોય તો તેના માટે બીજું કોઈ જવાબદાર નથી, પણ એના ભૂતકાળનાં કર્મો જ જવાબદાર હોય છે. આમ બીજા ઉપર દોષનો ટોપલો ઢોળ્યા વગર મનુષ્યે હિંમતપૂર્વક પોતાના દુઃખોનો સામનો કરવો જોઈએ. બીજું જો વર્તમાન પરિસ્થિતિ માટે એના ભૂતકાળનાં કર્મો – જવાબદાર હોય તો તેના ભવિષ્યની સ્થિતિ માટે તેના વર્તમાનનાં કર્મો જવાબદાર બનશે. આથી મનુષ્ય પોતાના વર્તમાન કર્મો પ્રત્યે સજાગ બનીને એવાં કાર્યો કરવાં જોઈએ કે જેના દ્વારા તેનું ભવિષ્ય ઉજ્જવળ બને. વર્તમાનમાં કરેલા પુરુષાર્થથી જ ભાવિ ઘડાતું હોય છે. આથી જ સ્વામીજી કહે છે કે ‘તમારા ભાગ્યના નિર્માતા તમે પોતે જ છો.’ ભાગ્યને આધારે બેસી રહેનારાઓ જીવનમાં ક્યારેય આગળ વધી શકતા નથી. સંસ્કૃતના એક સુભાષિતમાં કહેવાયું છે કે ‘બેઠેલાનું ભાગ્ય બેઠું રહે છે, સૂતેલાનું ભાગ્ય સૂતું રહે છે, અને ચાલનારાઓનું ભાગ્ય ચાલતું રહે છે. માટે चरैवेति चरैवेति ચાલતા રહો.’

સ્વામીજીને યુવાનો નસીબની – પ્રારબ્ધની વાતો કરી જ્યોતિષીઓ પાછળ દોડે તે બિલકુલ પસંદ ન હતું. તેઓ કહેતા, “પ્રારબ્ધ બળવાન છે, એવું કાય૨ો કહે છે,’ પણ શક્તિશાળી માણસો તો ખડો થઈને કહે છે, મારું ભાગ્ય હું પોતે ઘડી કાઢીશ. જેઓ ઘરડા થતા જાય છે, એવા માણસો જ ભાગ્યની વાતો કરે છે. જુવાન માણસો સામાન્ય રીતે ભાગ્ય જોવાવાળાઓની પાસે જતા નથી.’

સ્વામી વિવેકાનંદે પોતે અનેક મુશ્કેલીઓ સહી હતી. જ્યારે તેઓ અમેરિકા વિશ્વધર્મ પરિષદમાં ભાગ લેવા ગયા ત્યારે એવી એવી વિકટ પરિસ્થિતિનો તેમને સામનો ક૨વો પડ્યો હતો કે એવી પરિસ્થિતિમાં સામાન્ય મનુષ્ય તો ક્યારનોય પાછો દેશ ભેગો થઈ ગયો હોય. પાસે પૈસા ન હતા, અમેરિકાની ઠંડીનો સામનો કરી શકે એવાં પૂરતાં વસ્ત્રો પણ ન હતાં. એવી કોઈનીય ઓળ ખાણ પણ ન હતી અને બે મહિના જેવો લાંબો સમય ધર્મપરિષદ માટે તેમણે વિતાવવાનો હતો. હિંમત હાર્યા નહીં. બોસ્ટન જઈને રહ્યા. ધર્મપરિષદને આગલે દિવસે પણ મુશ્કેલી ક્યાં ઓછી હતી? પ્રવેશ માટેના ભલામણનો પત્ર, જે વેપારીની સાથે બોસ્ટનથી ટ્રેઈનમાં શિકાગો આવતા હતા, તેની પાસે રહી ગયો. કેમકે વેપારી સ્વામીજીને ધર્મપરિષદના સ્થળ સુધી મૂકવા જવાનો હતો તે તો શિકાગોની ભીડમાં અદૃશ્ય થઈને જતો રહ્યો. સ્વામીજીને આખી રાત રેલ્વે સ્ટેશનમાં એક વેગનમાં બેસીને વિતાવવી પડી. ઠંડી, ભૂખ અને થાકથી શરીર અશક્ત થઈ ગયું હતું. વદન મ્લાન થઈ ગયું હતું છતાં તેમણે શ્રધ્ધા ગુમાવી નહીં. મુશ્કેલીઓ તેમના આત્મબળને તોડી શકી નહીં અને બીજે દિવસે આપેલાં માત્ર દશ જ મિનિટના એમના પ્રવચને તેમને સમગ્ર વિશ્વધર્મ પરિષદના વીરનાયક બનાવી દીધા અને પછી તો તેમને એવી અભૂતપૂર્વ સફળતા સાંપડી કે તેઓ વિશ્વવંદ્ય વિભૂતિ બની ગયા! સ્વામીજીનું જીવન જ અડગ આત્મવિશ્વાસ, આત્મનિર્ભરતા અને આત્મશક્તિના મૂર્તિમંત સ્વરૂપ સમું, આજના યુવાનો માટેના શ્રેષ્ઠતમ આદર્શરૂપ છે.

(૪) આત્મ સંયમ : મનને નિયંત્રણ કરો

ઘણાં વિદ્યાર્થીઓ દ૨૨ોજ કલાકો સુધી વાંચતા હોય છે, છતાં તેઓ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકતા નથી. જ્યારે કેટલાક વિદ્યાથીઓ માત્ર ઓછા સમયમાં વાંચીને પણ ઘણું સારું પરિણામ લાવે છે. એની પાછળનું કારણ છે મનને એકાગ્ર કરીને કરેલો અભ્યાસ. એ જ રીતે કલાકો સુધી જપ ધ્યાન કરવા છતાં ઘણાંની અધ્યાત્મિક પ્રગતિ થતી નથી. કેમકે ભલે તેઓ ધ્યાન કરતા દેખાય છે, પણ તેમનું મન તો ચારે બાજુ ભટકતું હોય છે. કોઈપણ ક્ષેત્રે પ્રગતિ કરવા માટે મનની એકાગ્રતા ખૂબ જરૂરી છે. એકાગ્રતા કેળવવા માટે આત્મસંયમની આવશ્યકતા રહે છે.

આપણાં દેશમાં પ્રાચીન કાળમાં ગુરુકુળોમાં ધ્યાન અને એકાગ્રતાના શિક્ષણ પર વિશેષ ધ્યાન આપવામાં આવતું હતું. પરંતુ દુર્ભાગ્યે આજે આપણી મોટા ભાગની શૈક્ષણિક સંસ્થાઓમાં એકાગ્રતાનું શિક્ષણ આપવામાં આવતું નથી અને તેથી જ યુવાનોની શારીરિક, માનસિક અને બૌધ્ધિક શક્તિઓ પૂરેપૂરી વિકસતી નથી. પરંતુ હવે છતાં તેઓ વિદેશોમાં ધ્યાન અને એકાગ્રતાના શિક્ષણ પ્રત્યે લોકોની ઉત્સુકતા વધી રહી છે. હોલેન્ડની એક ઉચ્ચતર માધ્યમિક શાળામાં કેટલાક વિધાર્થીઓને શ્રી અંધારે એસ. જોઆ (Andhare S. Joah) દ્વારા એક વર્ષ માટે ધ્યાન અને એકાગ્રતાનું શિક્ષણ આપવામાં આવ્યું. વર્ષને અંતે એ જણાયું કે આ વિદ્યાર્થીઓ અન્ય વિદ્યાર્થીઓ કરતાં માત્ર ભણવામાં જ નહીં પણ ઈતરપ્રવૃત્તિઓ અને રમતગમત વગેરેમાં પણ આગળ હતા. ઈગ્લેંડ અને યુરોપના કેટલાક દેશોમાં પણ હવે એકાગ્રતા અને ધ્યાનનું શિક્ષણ પ્રાયોગિક ધોરણે અપાઈ રહ્યું છે. હવે એ સાબિત થઈ ચૂક્યું છે કોઈ પણ પ્રકારની સફળતા માટે મનની એકાગ્રતા અનિવાર્ય છે.

પશ્ચિમના મહાન ચિંતક ઈમરોન કહે છે કે સફળતાનું રહસ્ય તો છે, એકાગ્રતા. યુધ્ધમાં, વેપારમાં, બધા જ પ્રકારની બાબતોમાં, જેમ સૂર્યના કિરણો જ્યારે લેન્સ પર પડીને કેન્દ્રીભૂત થાય છે, ત્યારે તેની નીચે રાખેલા કાગળને તે બાળી નાંખે છે, તેવી રીતે મન જ્યારે એકાગ્ર થાય છે, ત્યારે તેનામાં અદ્ભુત શક્તિ પ્રગટ થાય છે. આપણે મહાન પુરુષોના જીવનચરિત્ર જોશું તો તેઓ ચિત્તની એકાગ્રતાને લઈને જ મહાન બન્યા હતા તે જાણવા મળે છે. સિકંદર એકાગ્રતાને લઈને જ મહાન બન્યો. નેપોલિયન બોનાપાર્ટે લક્ષ્ય પ્રત્યેની એકાગ્રતાને લઈને જ વિશ્વવિજય પ્રાપ્ત કર્યો. મહાત્મા ગાંધીજીએ આઝાદીની લડતમાં પોતાના મનને એકાગ્ર કર્યું અને ભારતમાતાને આઝાદ કરી રાષ્ટ્રપિતા બન્યા. સુપ્રસિધ્ધ શહનાઈવાદક બિસ્મિલાખાંએ પોતાની સફળતાનું રહસ્ય બતાવતાં દૂરદર્શનનાં ઈન્ટરવ્યૂમાં કહ્યું કે તેઓ નાનપણથી જ એકાગ્રચિત્તે શહનાઈવાદનની સાધના કરતા હતા. ટેસ્ટ મેચોમાં સહુથી વધુ ૨ન ક૨ી વિશ્વ રેકોર્ડ કરનાર સુનિલ ગાવસ્કરે પોતાની સફળતાનું રહસ્ય બતાવતાં કહ્યું કે તે નાનપણથી જ એકાગ્રચિત્તે ક્રિકેટ રમતો, તેનું ધ્યેય મહાન ક્રિકેટ પ્લેયર બનવાનું હતું. આમ મોટાભાગનાં મહાન પુરુષોની મહાનતાનું રહસ્ય મનની એકાગ્રતામાં રહેલું છે. એટલું જ નહીં પણ આપણાં રોજિંદા જીવનમાં પણ એકાગ્રતાનું અત્યંત મહત્ત્વ છે. સારી રીતે ભણવા, ભણાવવા, ચિત્રકામ કરવા, ગ્રંથો લખવા, ભાષણ આપવા, રસોઈ બનાવવા કે સફાઈ કરવા જેવાં સામાન્ય કાર્યમાં પણ એકાગ્રતાની આવશ્યકતા રહે છે. એકાગ્રતાની મહત્તા વિષે સ્વામી વિવેકાનંદ કહે છે કે ‘જ્ઞાન પ્રાપ્ત કરવાની આપણી પાસે માત્ર એક જ રીત છે. અધમમાં અધમ માણસથી માંડીને ઊંચામાં ઊંચા યોગી સુધી બધા માટે તે જ રીત છે, એ રીત એકાગ્રતાની છે.’

એકાગ્રતાની શક્તિથી સર્જાતાં આશ્ચર્યકારક પરિણામો : –

સ્વામી વિવેકાનંદના જીવનમાં એકાગ્રતા દ્વારા માનવ મનને આશ્ચર્ય પમાડે તેવાં કાર્યો થયેલાં જોવા મળે છે. તેમાનાં કેટલાંક દ્રષ્ટાંતો આ પ્રમાણે છે.

વિવેકાનંદ ત્યારે બેલુડ મઠ હતા. તેમના ઓરડામાં એન્સાઈક્લોપિડિયા બ્રિટાનિકાના (વિશ્વકોષના) દળ દાર ગ્રંથો પડ્યા હતા. એ જોઈને એમના શિષ્ય શરતચંદ્ર ચક્રવર્તીએ પૂછ્યું, ‘સ્વામીજી, એક જિંદગીમાં તો માણસ આટલું બધું વાચી ન શકે.’ આ સાંભળીને સ્વામીજીએ કહ્યું; ‘તું એ શું બોલે છે? આ દશ ભાગ તો થોડા દિવસોમાં જ વાંચી નાંખ્યા છે. હવે અગિયારમો ભાગ વાંચું છું.’ ‘ખરેખર?’ આશ્ચર્યથી શિષ્યે પૂછ્યું.

‘હા, તારે મને આમાંથી કંઈ પણ પૂછવું હોય તો પૂછી શકે છે.’ અને શિષ્યે દશ ભાગમાંથી જે કંઈ પૂછ્યું, તેના સ્વામીજી બરાબર સાચા જવાબો આપતા ગયા, અને ક્યાંક ક્યાંક તો તેમણે પુસ્તકમાંનાં વાક્યો જ ઉદ્ધૃત કર્યાં.’

‘સ્વામીજી, આપ ચમત્કારિક પુરુષ છો માનવની મગજશક્તિની આ વાત જ નથી.’ આ સાંભળીને સ્વામીજીએ કહ્યું, ‘અરે વત્સ, એમાં ચમત્કાર જેવું કશું નથી. આ તો મનની એકાગ્રતાની શક્તિનું પરિણામ છે. તને ખબર તો છે કે કડક બ્રહ્મચર્યના પાલનથી તમામ વિદ્યા ઉપર અલ્પસમયમાં પ્રભુત્વ મેળવી શકાય છે. એના પરિણામે એક જ વાર સાંભળેલી કે એક જ વખત જાણેલી વાતની અચૂક સ્મૃતિ માણસને રહે છે. બ્રહ્મચર્યના અભાવે આ દેશમાં બધું વિનાશને આરે આવીને ઊંભું છે.’

આવો જ એક બીજો પ્રસંગ મેરઠમાં બન્યો હતો. પરિવ્રાજક રૂપે ભ્રમણ કરી રહેલા સ્વામીજી તે સમયે મેરઠમાં હતા. ત્યાંના પુસ્તકાલયમાંથી જ્હોન લબકના પુસ્તકોના સેટમાંથી દરરોજ એક એક ભાગ મગાવતા અને બીજે દિવસે તે પાછો મોકલાવતા. આથી ત્યાંના ગ્રંથપાલે તેમના ગુરૂભાઈને કહ્યું કે ‘સ્વામીજી ને વાંચવા ન હોય તો શા માટે દ૨૨ોજ આવા ગ્રંથો મગાવે છે?’ એના ઉત્ત૨માં બીજે દિવસે સ્વામીજી જાતે પુસ્તકાલયમાં ગયા અને ગ્રંથપાલને કહ્યું, ‘મે આ બધા ગ્રંથો વાંચી લીધા છે. તમને શંકા હોય તો તેમાંથી કંઈ પણ પૂછો.’ ગ્રંથપાલે થોડા પ્રશ્નો પૂછ્યા અને સ્વામીજીના એકદમ સાચા જવાબો સાંભળીને તેમને પણ આશ્ચર્ય થયું ને કહ્યું ‘સ્વામીજી, આટલી ઝડપથી આપ કઈ રીતે વાંચી શકો છો? ખરેખર આપની પાસે ચમત્કારિક શક્તિ રહેલી છે.’ ત્યારે સ્વામીજીએ કહ્યું ‘ના રે ભાઈ એમાં ચમત્કાર નથી. આ તો એકાગ્રતાની શક્તિનું પરિણામ છે.’

એક વખત સ્વામી વિવેકાનંદ અમેરિકાના એક ગામડામાં નદી કિનારે ટહેલતા હતા. ત્યારે જોયું કે નવયુવકોનું એક ટોળું પુલ પર દોરીથી બાંધેલા અને નદીના વહેણમાં તરતાં ઇંડાના કોચલાઓને વીંધવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યું હતું. સ્વામીજી સ્મિતપૂર્વક તેમના પ્રયત્નને જોતા હતા. એક યુવકે આ જોઈને સ્વામીજીને પડકાર ફેંકતા કહ્યું કે આ કંઈ જેવું તેવું કાર્ય નથી, તમે કરો તો ખબર પડે. સ્વામીજીએ તેની પાસેથી બંદૂક લીધી, નિશાન તાક્યું અને એક પછી એક એમ ડઝન કોચલાં વીંધી નાંખ્યા. યુવકો આભા બનીને જોઈ રહ્યા અને કહ્યું સાચે જ તમે અચ્છા નિશાનેબાજ છો! ત્યારે સ્વામીજીએ સ્મિતપૂર્વક કહ્યું, ‘મેં આજે પહેલી વખત જ આ બંદૂક પકડી છે!’ આથી તે યુવાનોને વધારે આશ્ચર્ય થયું કે આમ પહેલીવારમાં જ આટલી સફળતા કેમ મળી શકે? ત્યારે સ્વામીજીએ જણાવ્યું કે તે એકાગ્રતાની શક્તિનું પરિણામ છે. સ્વામી વિવેકાનંદ પોતાના ૩૯ વર્ષના અલ્પાયુષ્યમાં કેટ કેટલાં મહાન કાર્યો કરી શક્યા, એનું કારણ એમનામાં રહેલી આ એકાગ્રતાની અદ્ભૂત શક્તિને ગણાવી શકાય. તેઓ કહેતા કે જીવનમાં દરેક પ્રકારની સફળતા માટે મનની એકાગ્રતાની અત્યંત જરૂર છે. મનની એકાગ્રતાની કેળવણી એ જ ખરી કેળવણી છે, એ જણાવતાં તેમણે કહ્યું હતું, ‘હાલની કેળવણીની પ્રથા સાવ ખોટી છે. મનને હજુ વિચાર કરતાં પણ ન આવડે તે પહેલાં તો એમાં હકીકતો ઠાંસી ઠાંસીને ભરી દેવામાં આવે છે. પહેલાં તો એ શીખવું જોઈએ કે મનને કેવી રીતે વશ રાખવું? મારે જો ફરીથી શિક્ષણ લેવાનું થાય તો, અને એમાં મારું ચાલે તો, મનની એકાગ્રતા પ્રાપ્ત કરવાનું હું પહેલાં શીખું, લોકોને અમુક વસ્તુ શીખતાં સમય લાગે છે, તેનું કારણ એ છે કે તેઓ પોતાની ઇચ્છા પ્રમાણે મનને એકાગ્ર કરી શકતા નથી.’

જો મનની એકાગ્રતા હોય તો એક કલાકનું કામ દશથી પંદર મિનિટમાં થઈ શકે અને તે પણ ઉત્તમ રીતે. આથી સમય, શક્તિ અને સાધનોનો વધુને વધુ સારી રીતે ઉપયોગ થઈ શકે છે. જ્યારે મન એકાગ્ર બને છે, ત્યારે તેની શક્તિ પ્રચંડ બની જાય છે. સ્વામી વિવેકાનંદ આ સંદર્ભમાં કહે છે, ‘અનિયંત્રિત અને અવ્યવસ્થિત મન આપણને હંમેશા નીચેને નીચે ખેંચશે, આપણને ચીરી નાંખશે, મારી નાંખશે અને નિયંત્રિત, વ્યવસ્થિત મન આપણો ઉદ્ધાર કરશે, આપણને મુક્ત બનાવશે, પરંતુ મનને નિયંત્રિત કરવું કેવી રીતે? ચંચળ મન કેમેય સ્થિર થતું હોતું નથી. તેને એકાગ્ર કરવાનો પ્રયત્ન કરતાં જ તે છટપટવા લાગે છે, તો એનો શો ઉપાય?

આત્મત્યાગ : નિઃસ્વાર્થ સેવા કરો

ત્યાગ વગર કોઈ પણ મહત્ત્વનું કાર્ય સિધ્ધ થતું નથી. સ્વામી વિવેકાનંદ કહે છે કે ‘ત્યાગ અને સેવા એ આપણા રાષ્ટ્રીય આદર્શો છે.’ ભારતીય સંસ્કૃતિ ત્યાગ અને સેવાના પાયા ઉપર ઊભેલી છે. ઈશોપનિષદમાં પણ तेन त्यक्तेन भुंजीथाः એટલે કે ત્યાગીને ભોગવવાનો આદેશ આપવામાં આવેલો છે. તેમાં ઉપભોગનો નિષેધ કરવામાં આવ્યો નથી. પણ સાથે સાથે અન્યને માટે ત્યાગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

જ્યારે સ્વામી વિવેકાનંદ અમેરિકામાં હતા, ત્યારે એ સમયનો સહુથી વધારે શ્રીમંત ઉદ્યોગપતિ રોકફેલર એમને મળવા આવ્યો અને તેણે કહ્યું હું રોકફેલર છું. સ્વામીજી તેને મહાન ઉદ્યોગપતિ તરીકે ઓળખતા હતા પણ તેમણે નિદોર્ષ ભાવે પૂછ્યું, ‘વોટ ડુ યુ વોન્ટ’ – તમારે શું જોઈએ છે? સ્વામીજીનો આવો પ્રશ્ન સાંભળી તેને આંચકો લાગી ગયો. તેનો અહંકાર ઘવાયો. આથી તેણે કહ્યું, ‘આઈ ડોન્ટ વોન્ટ એનીથીંગ’ – મારે કંઈ જોઈતું નથી. ‘ધેન વ્હાય યુ હેવ કમ હીયર’ – તો પછી તમે અહીં શા માટે આવ્યા છો? સ્વામીજીના આવા સીધા પ્રશ્નનો તેની પાસે જવાબ ન હતો. પછી સ્વામીજીએ જ તેને કહ્યું કે તમે મનની શાંતિ મેળવવા માટે અહીં આવ્યા છો.’ એ પછી સ્વામીજીએ એના જીવનની અમુક ખાનગી બાબતો તેને કહી જણાવી ત્યારે તેને આશ્ચર્ય થયું. તેણે પૂછ્યું પણ ખરું, ‘આ બાબતની કોઈને ય ખબર નથી, તમે કેવી રીતે જાણી શક્યા? તેના ઉત્તરમાં સ્વામીજીએ જણાવ્યું કે ‘મને તમારા મનની ખબર છે અને દરેકનું મન વિશ્વમનનો એક ભાગ છે. જેનું મન વિશ્વમન સાથે જોડાયેલું છે, તેઓ પોતાના મનની જેમ જ અન્યના મનને પણ જાણી શકે છે.’ રોકફેલર સ્વામાજીથી ખૂબ પ્રભાવિત થયો. સ્વામીજીએ તેને તેની સંપત્તિનો લોકોના કલ્યાણ માટે ઉપયોગ કરવાથી સાચી શાંતિ મળશે તેમ જણાવ્યું. પણ ત્યારે તો તેને આ વાત યોગ્ય ન લાગી. પણ થોડા દિવસો બાદ તે ફરી સ્વામીજી પાસે આવ્યો અને તેણે પોતાની ઘણી સંપત્તિનું દાન કર્યું હતું, તે કાગળ સ્વામીજીને આપી કહ્યું કે ‘હવે તમારે મારો આભાર માનવો જોઈએ, કેમકે મેં તમારા કહેવા પ્રમાણે સંપત્તિનું દાન કર્યું છે.’ ત્યારે સ્વામીજીએ કહ્યું કે ‘આભાર તો તમારે મારો માનવો જોઈએ કે મેં તમને સાચી શાંતિનો માર્ગ બતાવ્યો.’ પછી પાછળથી રોકફેલરે પોતાની આત્મકથામાં લખ્યું છે કે ‘આપણે જેટલી બીજાની સેવા કરશું તેટલી આપણને શાંતિ વધારે મળશે.’

સ્વામી વિવેકાનંદે તે સમયના સહુથી ધનાઢ્ય રોકફેલરને લોક કલ્યાણ માટે સંપત્તિનો ઉપયોગ કરવાની જેમ પ્રેરણા આપી હતી. તેમ વર્તમાન સમયના સહુથી ધનાઢ્ય બિલગેટ્સને પણ લોક કલ્યાણ માટે પ્રેરણા આપી છે. બિલગેટ્સે વર્તમાનપત્રોમાં જણાવ્યું હતું કે તેઓ દરરોજ સૂતાં પહેલાં સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો વાંચે છે. તેમણે પોતાની સઘળી સંપત્તિ ગરીબોના કલ્યાણ માટે આપી દેવાની જાહેરાત કરી છે. આ પ્રેરણા તેમને સ્વામીજીના પુસ્તકોમાંથી મળી હશે, તેમ આપણે કહી શકીએ.

સ્વામીજીએ પોતાના મહાન ગુરુદેવ શ્રીરામકૃષ્ણે આપેલા શિવજ્ઞાને જીવસેવાના આદર્શને ચરિતાર્થ કરવા રામકૃષ્ણ મઠ અને મિશનની સ્થાપના કરી પાછળથી બહેનો માટેના શારદામઠની પણ સ્થાપના થઈ. સ્વામીજીએ માનવમાં રહેલા ઈશ્વરની સેવા કરવાનો આદર્શ આપ્યો છે. તેઓ કહે છે, ‘બધી સેવા પૂજાનો સાર છે– પવિત્ર રહેવું અને બીજાઓની સેવા કરવી રંક, રોગી અને નિર્બળમાં જે શિવના દર્શન કરે છે, તે જ ખરેખર શિવની પૂજા કરે છે અને જે માત્ર મૂર્તિમાં શિવનાં દર્શન કરે છે, તેની પૂજા હજી પ્રાથમિક શરૂઆતની જ છે. જે મનુષ્ય કેવળ મંદિરોમાં શિવનાં દર્શન કરે છે, તેના કરતાં વર્ણ કે ધર્મના ભેદભાવ વગર જે મનુષ્ય કોઈ પણ દુ:ખી દરિદ્રની શિવરૂપે સેવા કરે છે, તેના ઉપર શિવ ભગવાન વધારે પ્રસન્ન થાય છે.’ તેમણે દુઃખી, દરિદ્ર, રોગી, પાપી વગે૨ે રૂપે આવતા નારાયણની સેવા પૂજા રૂપે કરવાનો ઉપદેશ આપ્યો છે. આવી પૂજા દ્વારા મનુષ્યજીવન સફળ બને છે, તેમ ભારપૂર્વક તેમણે જણાવ્યું છે. પોતાના અનુભવની વાત કરતાં તેઓ એક પત્રમાં લખે છે;

‘દિનહીન માટે લાગણી રાખો અને મદદને માટે ઊંચે જુઓ. જરૂર મદદ મળશે. હૃદય પર આ બોજો અને મગજમાં આ વિચાર ધારણ કરીને હું બાર વર્ષ સુધી આમતેમ ફર્યો છું. કહેવાતા ધનિકો અને મહાપુરુષોને ઘેર ઘેર હું ગયો છું. લોહી નીંગળતે હૃદયે અર્ધી દુનિયા ઓળંગીને મદદ માગતો હું આ અજાણ્યા પ્રદેશમાં આવ્યો છું. પરમાત્મા મહાન છે. હું જાણું છું કે તે મને મદદ કરશે. આ દેશમાં હું ભૂખ્યો તરસ્યો કદાચ મરી જાઉં, પરંતુ નવયુવાનો, દીન, અભણ, પીડિત એ બધાં માટેની લાગણી, તેમને માટે પ્રયત્નો, એ હું તમને વારસામાં આપી જાઉં છું. સ્વામી વિવેકાનંદજીએ મૈસુરના યુવાન રાજાને પ્રેરણાદાયી પત્રમાં લખ્યું હતું, ‘આ જીવન ટૂંકું છે, સંસારના ખોટા ભભકાઓ અસ્થિર છે, જેઓ બીજાને માટે જીવે છે, તેઓ જ ખરેખર જીવે છે, બાકીનાં તો જીવતાં કરતાં મૂએલાં વધારે છે.’

સ્વામી વિવેકાનંદે આપેલા આ વારસાને ગ્રહણ કરીને અસંખ્ય યુવાન-યુવતીઓએ ‘આત્મનો મોક્ષાર્થં જગત હિતાય ચ’ (પોતાની મુક્તિ માટે અને જગતની સેવા માટે) પોતાનું જીવન સમર્પી સંન્યસ્ત સ્વીકારી લીધું છે, તો બીજાં કેટલાંય યુવાન – યુવતીઓ ત્યાગ અને સેવાના આદર્શને અપનાવીને ગામડાંઓમાં આદિવાસી વિસ્તારોમાં સમાજસેવા, આરોગ્ય શૈક્ષણિક વગેરે ક્ષેત્રોમાં અદ્ભૂત કાર્ય કરીને પોતાનાં જીવનને સફળ કરી રહ્યા છે.

સ્વામી વિવેકાનંદના ઉપદેશોના અર્ક સમા આ પાંચ-સૂત્રો જીવનમાં અપનાવવાથી ત્રણેય પ્રકારની સફળતા ટૂંકાગાળાની-લાંબાગાળાની અને શાશ્વતકાળની–પ્રાપ્ત કરી શકાય છે. એટલું જ નહીં પણ કેટલાય યુવાન ભાઈ-બહેનોના સર્વાંગી વ્યકિતત્વના વિકાસ માટે તથા ઉત્તમ ચારિત્ર્યનિર્માણ માટે પણ આ સૂત્રો અત્યંત ઉપયોગી પૂરવાર થઈ રહ્યા છે.

Total Views: 98

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.