(ગતાંકથી ચાલું)

स तरति स तरति स लोकांस्तारयति ॥ ५०॥

(सः, તે; तरति, પાર ઊતારી જાય છે; सः, તે; लोकान्, બીજા લોકોને; तारयति, પાર ઊતારવામાં મદદગાર થાય છે.)

૫૦. તે પોતે એકલો જ કંઈ માયાને પાર કરી જતો નથી, પણ બીજા લોકોને પણ પાર ઊતારવામાં સહાયરૂપ બને છે.

હવે આ માયાના સાગરને કોણ પાર કરી શકે છે? મોહને કોણ ઓળંગી શકે છે? પહેલો તો તે કે જેણે આસક્તિ છોડી દીધી હોય, ઇન્દ્રિય વિષયો સાથેના બધા સંબંધો તોડી નાખ્યા હોય અને બધા આવેશોને વશમાં કરી લીધા હોય.

બીજો તે કે જે ભગવાનના ભક્તોને સેવતો હોય. ભગવદ્‌ ગીતામાં કહ્યું છે કે ‘तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया’ (ગીતા ૪.૩૪) ‘મહાત્માઓને સેવવા એટલે તેમની આગળ નમ્રતા દાખવીને જ્ઞાન મેળવવું, જિજ્ઞાસાપૂર્વક તેમને પ્રશ્નો પૂછવા અને તેમની સેવા કરવી.’ મહાત્માઓની સેવા આપણા મનને તેમની કૃપા મેળવવા માટે સજ્જ કરે છે. એવું કંઈ નથી કે આપણે સેવા દ્વારા એમને મનાવી લઈએ છીએ અને એનાથી આપણા ઉપર એમની કૃપા થાય છે. એમની કૃપા તો આપણા ઉપર કશી શરત વગર જ થાય છે. પણ એ કૃપાને પામવા માટે આપણે પોતે સજ્જ થવું જોઈએ; આપણામાં એને પામવાની ક્ષમતા હોવી જ જોઈએ. જો આપણે કોઈ સંતપુરુષની સેવા કરતા હોઈએ, તો તેઓ જેનો રોજબરોજ ઉપદેશ કરતા હોય, તે મહાન વિચારોના સત્ય તરફ આપણું વલણ જન્મશે. તેમની સેવા દ્વારા આપણે એ મહાન વિચારોને પામવા માટે શક્તિમાન થશું. એટલા માટે સંતસેવા અનિવાર્ય મહત્ત્વ ધરાવે છે. આવી સેવા દ્વારા એનું મન વિચારો પામવા-સમજવા માટે સજ્જ થાય છે.

ત્રીજો તે કે જે ‘હું’ અને મારું’નો વિચાર છોડી દે છે. માલિકીપણાની ભાવના છોડી દેવી જોઈએ. જો આપણે માલિકીની ભાવનાથી ભરેલા હોઈશું, તો એ કૃપા આપણે માટે કશું જ કામ કરી શકશે નહિ. આપણા માટે તે કામ કરતી થાય એનો અર્થ એ છે કે જે જે સંતજન પાસેથી આપણે કૃપા મેળવવા ઇચ્છતા હોઈએ, એને પામવા-સમજવાનું આપણું વલણ વધી જાય કે આવા પુરુષ પાસેથી તો કૃપા મેળવવી જ જોઈએ! આપણે જ્યાં સુધી પરિગ્રહની ભાવનાથી-માલિકીપણાના વિચારથી ભરેલા હોઈશું, ત્યાં સુધી આપણું મન ગ્રહણક્ષમ નહિ બની શકે. જ્યારે હું એમ કહું છું કે ‘મારી પાસે આ કે તે છે’, અથવા ‘હું આનો માલિક છું’, ત્યારે તરત જ મારા મનમાં એ ઇચ્છા ઊગી નીકળે છે કે ‘હવે હું વધારે મેળવીશ’, ‘મારે વધારે વસ્તુઓ મેળવવી જ જોઈએ’. આપણું મન તો પહેલેથી જ રોકાયેલું હોય છે. ‘હું’ અને ‘મારું’નો વિચાર મનને રોકી રાખે છે અને એટલા માટે આપણે મહાપુરુષોની કૃપા મેળવી શકતા નથી. શ્રીરામકૃષ્ણ કહે છે કે જ્યાં જમીનમાં ખાડો હોય ત્યાં જ પાણી એકઠું થાય છે. જો પાણી કોઈ ઊંચી જગ્યાએ પડે તો એ ત્યાં ટકી શકતું નથી. અભિમાની માણસ ભગવાનને મેળવી શકતો નથી. આ અભિમાન શું છે, તે તમે જાણો છો? અભિમાન માટીના ઊંચા ટેકરા જેવું છે. ત્યાં પાણી ભેગું થઈ જ શકતું નથી. પાણી ત્યાંથી દડી જ જાય છે. પાણી તો નીચી જમીનમાં જ એકઠું થાય છે; ત્યાં જ બીજ ઊગી શકે છે; એનાં ઝાડ થાય છે અને એ ફળો ધારણ કરે છે. 

એટલે બે વસ્તુની જરૂર છે : ઉપદેશ ગ્રહણ કરવાનું વલણ અને નમ્રતા. આપણે દિવ્ય કૃપાને અથવા તો ગુરુની કૃપાને ઝંખીએ છીએ તો ખરા પણ જો આપણે ‘હું’ અને ‘મારું’ના વિચારથી ભરેલા હોઈશું, તો આપણામાં કદીય ઉપદેશગ્રાહકતા આવશે નહિ. અહીં કોઈ એવો પ્રશ્ન ઉઠાવે કે મોહનો દરિયો કોણ પાર કરી શકે? તો એનો જવાબ આ નીચે આપવામાં આવે છે:

(૧) ઇન્દ્રિયવિષયો પ્રત્યેની આસક્તિ જે છોડી દે છે તે.

(૨) જે ભગવાનના ભક્તો અને સંત -મહાત્માઓની સેવા કરે છે તે.

(૩) જે માલિકીપણાની ભાવના છોડી દે છે તે.

(૪) જે એકાંત અને પવિત્ર ભૂમિમાં વસે છે તે.

હવે, આમાંથી છેલ્લી વાત કોઈ પણ અવરોધ કે આડો ચીલો ચાતર્યા વગર એ માર્ગે જવા માટે વધુ મહત્ત્વ ધરાવે છે. આપણે જો સમાજના ઘોંઘાટિયા વાતાવરણમાં અને ફક્ત દુનિયાદારીની જ વાતો કર્યા કરતા સંસારમાર્ગી લોકોની વચ્ચે રહેતા હોઈએ, તો સ્વાભાવિક રીતે જ આપણું મન જુદે માર્ગે ફંટાઈ જાય. એટલે પહેલી આવશ્યક વાત તો એકાંત સ્થાન-નિવાસની છે કે જે અલગ ચીલો ચાતરવામાંથી રોકી શકે અને સાથોસાથ એ સ્થાન પવિત્ર પણ હોય; એ વધારે સારું છે. એટલે કે એ સ્થાન સાથે કેટલાંક પવિત્ર સ્મરણો કે પવિત્ર પુરુષોનો સંબંધ હોય તો વધારે સારી વાત છે. આવાં સ્થાનોમાં મન સ્વાભાવિક રીતે જ ઈશ્વર તરફ ઢળે છે. એટલે આવા એકાંતવાસનો મોટો મહિમા છે.

(૫) જે ત્રણેય ભુવનોના સુખ-ભોગનાં બંધનોને ઓળંગી ગયો હોય છે.

આપણું આ જગત અને બીજા બે ઉચ્ચતર લોક મળીને ત્રિભુવન-ત્રણ ભુવન માનવામાં આવ્યાં છે. એમાંનો એક લોક અંતરિક્ષ – વચ્ચે આવેલો છે. અને એ સ્વર્ગ છે. ત્યાં દેવો અને દેવીઓ વસે છે. અહીં લોકો દિવ્ય ભોગો ભોગવવા માટે જવા ઇચ્છે છે. એટલે એ સાધક આ જગતના ભોગોને છોડી દે એટલું જ કૈં પૂરતું નથી. પરંતુ એણે તો સ્વર્ગલોક કે બીજા ઉચ્ચતર લોકોના ભોગવિલાસોને પણ છોડી દેવા જોઈએ. ભલે ને એ ભોગવિલાસો અગણિત હોય, લાંબા કાળ સુધી ટકનારા હોય અને વધારે દૃઢ હોય! ભોગવિલાસની તો ત્યાં ભરમાર જ હોય છે, એ ઉચ્ચતર લોક ભોગલોક તરીકે મનાયા છે. હવે આ ત્રણેય લોકના ભોગવિલાસોને ભક્તિમાર્ગે ચાલનારે મનમાંથી કાઢી જ નાખવા જોઈએ. મન તો ભોગવિલાસોને ઝંખ્યા જ કરે છે. મનની આ ઝંખનાને સમૂળગી જ ઉખાડી નાખવી જોઈએ. અહીં મેં ‘સમૂળગી જ ઉખાડી નાખવી’ – એવી ભારપૂર્વકની અભિવ્યક્તિ હેતુપૂર્વક કરી છે. ફક્ત છોડી દેવી એટલું જ નહિ, ‘સમૂળગી જ ઉખેડી નાખવી!’ કે જેથી તે ફરી વખત ઊગે જ નહિ – એ હેતુ છે. કોઈ છોડને તમે કેવળ કાપી નાખો, તો પણ જ્યાં સુધી જમીનમાં એનાં મૂળ હશે, ત્યાં સુધી ફરી વખત ઊગવાનો જ! એટલે એનાં મૂળિયાં જ ઉખેડી નાખવાં જોઈએ.

ભોગવિષયો આપણને કેટલીક હદ સુધી બાંધે છે તો ખરા, પણ વધારે બંધનકારી તો એનાં મૂળ છે. જ્યાં સુધી એ મૂળ ખોદી નાખ્યાં ન હોય, ત્યાં સુધી એ ભોગ વિષયો એક નહિ તો બીજા સ્વરૂપે ફરી વખત ઊગી નીકળવાના!

(૬) જે ત્રણ ગુણોમાંથી મુક્ત થઈ ગયો હોય તે.

સત્ત્વ, રજસ્‌ અને તમસ્‌ એ ત્રણ ગુણો છે. એ આ સંસારનાં મૂળ સ્વરૂપ છે. આ ત્રણ ગુણો આ જગતના – બધાના જ મૂળમાં છે. આ ગુણો મનુષ્યને બંધનમાં નાખે છે : ‘सत्त्वं रजस्तम इति गुणाः प्रकृतिसम्भवाः। निबध्नन्ति महाबाहो देहे देहिनमव्ययम्॥’ (ગીતા, ૧૪.૫) આ ત્રણ ગુણોનો ખ્યાલ મૂળમાં છે. આ ત્રણેય ગુણોને ઓળંગી જવા જોઈએ. એમાં ‘તમસ્‌’ એ જડતા છે, ‘રજસ્‌’ એ પ્રવૃત્તિશીલતા છે. એ આપણને ભોગોની પ્રાપ્તિ માટેની પ્રવૃત્તિઓ તરફ દોરી જઈ શકે છે. અને ત્રીજો ‘સત્ત્વ’ આપણને એ ભોગો સાથે બાંધે છે. ‘સત્ત્વ’ ભોગો પ્રત્યે આસક્તિ જન્માવે છે એટલે કે તે વિષયોમાં આપણને સુખ ઉત્પન્ન કરે છે. દુ:ખો ‘રજસ્‌’ ઉત્પન્ન કરે છે અને ‘તમસ્‌’ મૂઢતા જન્માવે છે. (ગીતા, ૧૪.૯) એટલે આ ત્રણેય ગુણોનું અતિક્રમણ કરવું જ જોઈએ. અને જે મનુષ્ય આ ત્રણેય ગુણોને પાર કરી ગયો હોય, તે જ મોહના દરિયાને ઓળંગી શકે છે.

(૭) જે મનુષ્ય ભોગવિષયોની પ્રાપ્તિનો અને એને જાળવી રાખવાનો વિચાર છોડી દે છે, તે.

આની પાછળનો વિચાર એવો છે કે જેઓ આવી વસ્તુઓને ત્યજી દે છે, તેઓ મોહનું અતિક્રમણ કરવા સમર્થ બને છે. કોઈકવાર આપણી પાસે જે કેટલીક વસ્તુઓ હોય છે અને આપણે એને સાચવી રાખવા ઇચ્છીએ છીએ. અને વળી કેટલીક એવીયે વસ્તુઓ હોય છે કે જે આપણી પાસે હોતી નથી. અને એને આપણે મેળવવા મથીએ છીએ. આપણી એષણાઓ આમ બેમાંથી એક સ્વરૂપની હોય છે. આ બંને પ્રકારની એષણાઓ એટલે કે આપણી પાસે રહેલી વસ્તુઓને સાચવી રાખવાની અને આપણી પાસે ન હોય એને મેળવવા મથવાની એષણાઓ ન હોવી જોઈએ. આ બંને પ્રકારની એષણાઓ (તૃષ્ણાઓ)ને દૂર કરવી જોઈએ.

(૮) જે પોતાનાં કર્મફળોને છોડી દે છે તે.

જ્યારે આપણે કોઈ કાર્યમાં પરોવાઈએ છીએ, ત્યારે તે કાર્યના ફળ કે પરિણામ પ્રાપ્ત કરવાની ઇચ્છા આપણને હોય છે. હરિના જનો-સંતોએ એવી કર્મફળની આકાંક્ષાને છોડી જ દેવી જોઈએ. આ કહેવાનો અર્થ એ છે કે સંતપુરુષે કોઈ પણ કાર્યથી પોતાને લાભ થશે એવા હેતુથી કરવું ન જ જોઈએ. કર્મ તો અનાસક્તિપૂર્વક, કોઈ સ્વાર્થી હેતુ વગર, પોતાને એમાંથી કંઈક મળશે એવા કશા ખ્યાલ વગર પણ થઈ શકે છે. આવાં કર્મો કંઈ બંધનકારી હોતાં નથી. અને આપણને સકંજામાં ફસાવતાં નથી. પણ એ જ કાર્યો આપણને ત્યારે તો અવશ્ય મોહપાશમાં જકડી રાખે છે કે જ્યારે આપણે એ કર્મોમાંથી કશુંક ફળ, કશુંક પરિણામ પ્રાપ્ત કરવાની દાનતથી આચરતા હોઈએ! એટલા જ માટે કર્મોનાં ફળ છોડી દેવાં જોઈએ.

(૯) જે બધાં કર્મોનો ત્યાગ કરે છે તે.

અહીં કર્મોનો અર્થ વેદવિદિત અને શાસ્ત્રીય વિધિવિધાનો થાય છે. આ બધાંને પણ છોડી જ દેવાં જોઈએ. કારણ કે તે આપણને જુદે માર્ગે ખેંચી જાય છે. આ બધાંનો ત્યાગ કરી દેવાથી આપણે સુખદુ:ખ જેવાં પરસ્પર વિરોધી દ્વન્દ્વોમાંથી મુક્ત થઈ જઈશું અને માયાને પાર કરી જઈશું.

(૧૦) જેને ઈશ્વર માટે સતત તલસાટ હોય, તે.

આ કહેવાનો ભાવાર્થ એ છે કે ઈશ્વર મેળવવાની ઝંખનામાં ઓટ ન આવવી જોઈએ. કે એ સાવ બંધ પણ ન થઈ જવી જોઈએ, પણ સતત ધારદાર જ રહેવી જોઈએ. ઈશ્વરનો સાક્ષાત્કાર કરવાની કે ઈશ્વરની ભક્તિ કરવાની ઝંખના સર્વદા પ્રજ્વલિત જ રહેવી જોઈએ. એવો તલસાટ દીવાની જ્યોત જેવો અથવા એકમાંથી બીજા વાસણમાં પડતી તેલની ધારા જેવો એકધારો – અખંડિત અને અનવરુદ્ધ ગતિએ વહેતો રહેતો હોવો જોઈએ. જ્યારે મન આ પ્રમાણે કોઈ પણ પ્રકારના અવરોધ વગર ચિંતનમનન કરે છે, ત્યારે તે મન ઈશ્વર સાક્ષાત્કાર માટે અધિકારી બને છે. આ પ્રકારે ઈશ્વર સાક્ષાત્કારની પ્રાપ્તિ માટેનાં સાધનોનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે. આ સાધનો વર્ણવવામાં તો સીધાં-સાદાં છે પણ ઘણાં જ અસરકારક છે. આ સાધનોમાં આપણે ન સમજી શકીએ એવું કશું જ નથી કહેવાયું અને એવું પણ કશું નથી કહેવાયું કે જેની સાધના આપણે ન કરી શકીએ.

(ક્રમશ:)

Total Views: 53

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.