(મે ’૦૭ થી આગળ)

એક વખત મથુરબાબુ અને શ્રીઠાકુર યાત્રા એટલે કે લોકનાટ્ય નિહાળતા હતા. મથુરબાબુએ દસ-દસ રૂપિયાની એક એવી સો રૂપિયાની દસ હાર શ્રીઠાકુરની સામે મૂકી કે જેથી તેઓ દરેક કલાકારને દસ રૂપિયાનો ઢગલો આપીને નવાજી શકે. પરંતુ શ્રીરામકૃષ્ણને પૈસાની તો કંઈ પડી જ ન હતી. તેઓ તો પોતાના ગીત કે વક્તવ્યથી ખુશ કરનાર પ્રથમ કલાકારને જ આ ઢગલા હડસેલીને આપી દીધા. જરાય ઉશ્કેરાયા વિના મથુરબાબુ શ્રીઠાકુરના આ શાહીમિજાજને ઓળખીને વળી બીજા રૂપિયા મૂકી દીધા. વળી પાછા એક બીજા કલાકારને શ્રીરામકૃષ્ણે એ બધા રૂપિયા આપી દીધા. ત્યાર પછી ત્રીજા એક કલાકારને પણ ઈનામ આપવાની ઇચ્છા થઈ પણ સામે પૈસા તો હતા નહીં એટલે એમણે પોતાનાં કપડાં ઉતારીને આપી દીધાં.

આ ઘટના બન્યા તે પૂર્વેનાં થોડા વર્ષો પહેલાં કાંચન પ્રત્યેની તીવ્ર અનાસક્તિને લીધે શ્રીરામકૃષ્ણે એક દિવસ પોતાના એક હાથમાં સિક્કો મૂક્યો અને બીજા હાથમાં માટી રાખી અને બંનેને ‘ટાકા-રૂપિયા માટી, માટી ટાકા-રૂપિયા’ એમ કહેતાં ગંગામાં પધરાવી દીધાં. (સ્વામી શારદાનંદ કૃત શ્રીરામકૃષ્ણ ધ ગ્રેટ માસ્ટર પૃ. ૫૩૧)

જો કે મથુરબાબુ આ બધું જાણતા હતા છતાં પણ શ્રીઠાકુરને મોંઘી વસ્તુઓ અર્પણ કરવાનું તેમને ગમતું. ક્યારેક તેઓ શ્રીઠાકુરને પોતાના કોલકાતાના નિવાસસ્થાને લઈ આવતા કે જેથી તેમને શ્રીઠાકુરના પવિત્ર સંગાથનો લાભ મળે અને પોતાના હૃદયને સંતોષ થાય તે રીતે તેમની સેવા પણ કરી શકાય. કોઈપણ મનપસંદ વ્યક્તિને સર્વશ્રેષ્ઠ વસ્તુ એમને અર્પણ કરવી કે ભેટ આપવી તે માનવનો સ્વભાવ છે. એટલે મથુરબાબુ એક દિવસ સોના-ચાંદીના થાળી- વાટકાનો નવો સેટ માત્ર શ્રીઠાકુરના ઉપયોગ માટે લઈ આવ્યા. શ્રીરામકૃષ્ણને મન તો પાતળ કે સોનાની થાળી બંને એક સરખાં હતાં. તેઓ મથુરબાબુના ઘરે આવ્યા અને કોઈપણ જાતના આશ્ચર્ય વિના એ અત્યંત કિંમતી થાળીઓનો ઉપયોગ પણ કર્યો. પછી મથુરબાબુએ શ્રીઠાકુરને સારાં મજાનાં વસ્ત્રો પહેરાવ્યાં અને કહ્યું : ‘બાબા, તમે આ બધાના માલિક છો, આ સંપૂર્ણ જાગીરના પણ. હું તો તમારા કારભારી સિવાય બીજું કશું નથી. જુઓ, તમે સોનાની થાળીમાં ભોજન લીધું અને ચાંદીના પ્યાલામાં પાણી પીધું. આમ છતાં પણ તમે એમના તરફ પાછું વળીને જોયા વિના એમને મૂકી દીધાં. હવે એનો ફરીથી ઉપયોગ કરી શકો એટલે એમને માંજવાની અને સલામત જગ્યાએ મૂકવાની મારી ફરજ છે.’ (સ્વામી શારદાનંદ કૃત શ્રીરામકૃષ્ણ ધ ગ્રેટ માસ્ટર પૃ. ૫૦૧)

એક દિવસ મથુરબાબુએ શ્રીઠાકુરને ઘણી કિંમતી શાલ ભેટ આપી. શ્રીરામકૃષ્ણે આનંદથી એને લઈ લીધી, માથે ઓઢી લીધી અને એક હર્ષોન્મિત બાળકની જેમ બીજા લોકોને બતાવતા હોય તેમ મંદિરના ઉદ્યાનમાં ટહેલવા લાગ્યા. તેઓ આ શાલની કિંમત કહેવાનું ચૂક્યા નહીં. એની કિંમત એ સમયે ૧૦૦૦ રૂપિયા હતી. થોડીવાર પછી એમના મનોભાવમાં પરિવર્તન આવ્યું. એમની વિવેકબુદ્ધિ કામે લાગી અને કહેવા લાગ્યા : ‘આ શાલમાં છે શું? એક ઘેટાંના ઊન સિવાય એમાં બીજું કંઈ નથી. બીજી બધી વસ્તુઓની જેમ આ એક પદાર્થનું સુંદર રૂપાંતર છે. તે ઠંડીથી રક્ષણ આપે છે એ વાત સાચી પણ એ બધું તો ધાબળા કે રજાઈ ગોદડાથી પણ થઈ શકે અને બીજા બધા પદાર્થોની જેમ આ શાલ પણ ઈશ્વરની અનુભૂતિ કરવામાં કોઈને સહાયભૂત ન બને. ઊલટાનું એને ધારણ કરનારના મનમાં સર્વોચ્ચતાનો અહં આવી જાય છે. તે પોતાની જાતને પૈસાદાર માને છે અને ગર્વ પણ કરે છે. એટલે એવી વસ્તુ તો માણસને પ્રભુથી દૂર લઈ જાય છે.’ શ્રીરામકૃષ્ણને મન આ વિચાર અસહ્ય બની ગયો હતો. તરત જ તેમણે એ શાલને કાદવવાળી જમીન પર ફેંકી દીધી અને પગેથી કચડવા માંડ્યા અને એના પર થૂક્યા પણ ખરા. પછી દીવાસળી લાવ્યા અને એને બાળી નાખવા જતા હતા. એ સમય દરમિયાન કોઈકે એ શાલ આંચકી લીધી અને દૂર મૂકી દીધી. શાલની આવી કઢંગી દશા વિશે સાંભળીને મથુરબાબુ હસ્યા અને કહ્યું : ‘બાબાએ યોગ્ય જ કર્યું છે.’ (સ્વામી શારદાનંદ કૃત શ્રીરામકૃષ્ણ ધ ગ્રેટ માસ્ટર પૃ. ૫૦૧)

એક વખત શ્રીરામકૃષ્ણે મા જગદંબાને પ્રાર્થના કરી: ‘હે મા! તું મને શુષ્ક સંન્યાસી ન બનાવતી. તારા સર્જનની માયા-ભ્રમણા અને લીલાને પણ માણવા દેજે. (સ્વામી શારદાનંદ કૃત શ્રીરામકૃષ્ણ ધ ગ્રેટ માસ્ટર પૃ. ૫૩૨)

આધ્યાત્મિક જીવનમાં ઇચ્છાઓનું સેવન કરવાનું નથી હોતું. પરંતુ જ્યારે મથુરબાબુ એમના સાથી-સખા અને રખેવાળ હતા ત્યારે શ્રીરામકૃષ્ણ તો એમની સાથે ઇચ્છાઓનો ય ખેલ કરી લેતા. પછીના વર્ષોમાં શ્રીરામકૃષ્ણ ભક્તજનોને પોતાની આ ઇચ્છાઓ અને એમની સાથે તેઓ કેવી રીતે વર્તતા અને દૂર કરતા, તેની વાત કરતા કહેતા : ‘એક વખત સોનેરી ભરતકામવાળો ખૂબ કિંમતી ઝભ્ભો પહેરવાનો અને રૂપેરી હુક્કો ગડગડાવવાનો વિચાર મારા મનમાં આવ્યો. મેં ઝભ્ભો પહેર્યો અને જુદી જુદી રીતે હુક્કાને ગડગડાવ્યો પણ ખરો. ક્યારેક એકબાજુએ અઢેલીને હુક્કો ગગડાવ્યો, વળી ક્યારેક બીજી બાજુ વળીને હુક્કામાંથી દમ લીધો; ક્યારેક માથું ઊંચું રાખીને તો વળી ક્યારેક માથું નીચું રાખીને હુક્કો પી લીધો. પછી મેં મારી જાતને કહ્યું : ‘હે મન, આને લોકો સોનેરી હુક્કો પીવાનું કહે છે.’ તરત જ મેં એ ત્યજી દીધો. થોડી ક્ષણો સુધી મેં ઝભ્ભો ધારણ કરી રાખ્યો અને પછી એ પણ કાઢી નાખ્યો. ‘તો આ છે કિંમતી ઝભ્ભો! પણ એ તો માણસના રજોગુણમાં વૃદ્ધિ કરે છે.’ આમ કહેતા તેઓ તેને પગ તળે રગડવા લાગ્યા અને થૂંક્યા પણ ખરા.’’ (શ્રીરામકૃષ્ણ કથામૃત પૃ. ૫૩૪)

એ એક આશ્ચર્યની વાત છે કે જ્યારે જ્યારે શ્રીરામકૃષ્ણે કોઈ વિશેષ આધ્યાત્મિક પથની સાધના કરવાની ઇચ્છા કરી ત્યારે ત્યારે કોઈ ગુરુ કે એ પથના નિષ્ણાત દક્ષિણેશ્વરમાં આવી પહોંચ્યા અને એમને મદદ પણ કરી. એ સમય દરમિયાન મથુરબાબુ બરાબર એમની પડખે ઊભા રહ્યા અને શ્રીઠાકુરને બધી ચીજવસ્તુઓ અને પદાર્થો પૂરા પાડતા રહ્યા કે જેથી શાસ્ત્રમાં વર્ણવ્યા પ્રમાણે તેઓ જે તે સાધનાપથના ક્રિયાકાંડો અને જપતપનું અનુસંધાન કરી શકે. જ્યારે શ્રીરામકૃષ્ણે મધુરભાવની સાધના આરંભી ત્યારે તેમણે મથુરબાબુને સ્ત્રીઓનાં પહેરવાનાં વસ્ત્રો લાવી આપવા કહ્યું. મથુરબાબુએ તેમને માટે સુંદર મજાની બનારસી સાડી, માથે બાંધવાનું વસ્ત્ર, ચોળી વગેરે લાવી આપ્યા. રાધાનું રૂપ પૂર્ણ કરવા માટે મથુરબાબુએ એમને સોનાના અલંકારો અને કૃત્રિમ વાળથી પણ શણગાર્યા હતા. એ કહેવું અયોગ્ય નહીં કહેવાય કે શ્રીઠાકુરની આ મધુરભાવની વિચિત્ર સાધનાથી કેટલીક નિંદા, ટીકા વગેરે થઈ, પણ એ બંનેએ એટલે કે શ્રીઠાકુર અને મથુરબાબુએ એને જરાય ધ્યાનમાં ન લીધી.

શ્રીરામકૃષ્ણે છ મહિના સુધી સ્ત્રીનાં વસ્ત્રો ધારણ કરી રાખ્યા અને આ સમયગાળા દરમિયાન લોકો એમની હાલચાલ, બોલચાલ, અંગચેષ્ટા, અરે! એમનું નાનું કાર્ય કે વર્તન બરાબર સ્ત્રી જેવાં જ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. એક વખત મથુરબાબુ શ્રીરામકૃષ્ણને કોલકાતાના જાનબાઝારના પોતાના નિવાસસ્થાને લઈ ગયા. ત્યાં કુટુંબની સ્ત્રીઓ શ્રીઠાકુર પ્રત્યે ઘણો પ્રેમભાવ રાખતી અને તરત જ તેમને અંત:પુરમાં લઈ જતી. પછી મથુરબાબુ હૃદયનાથને પોતાના નિવાસસ્થાનના એ ભાગમાં લાવતા અને એમના મામાને સ્ત્રીઓની વચ્ચેથી શોધી લાવવાનું કહેતા. જો કે હૃદયનાથ શ્રીઠાકુર સાથે રહ્યા હતા અને એમની દરરોજ સેવા-ચાકરી પણ કરતા, છતાં એમને ઓળખવાની એને ઘણી મુશ્કેલી પડતી.

શ્રીઠાકુરે આ મધુરભાવની સાધના પૂર્ણ કર્યા પછી થોડા સમયમાં તોતાપુરી નામના અદ્વૈત વેદાંતના સાધક-સંન્યાસી દક્ષિણેશ્વરમાં આવ્યા. એમણે શ્રીરામકૃષ્ણને સંન્યાસ દીક્ષા આપી. વેદાંતિક સાધનાના સર્વોત્કૃષ્ટ અનુભવ એવી નિર્વિકલ્પ સમાધિ શ્રીઠાકુરે ત્રણ દિવસમાં જ પ્રાપ્ત કરી. શ્રીઠાકુરે ગોવિંદ નામના એક સૂફીની મદદથી ઈસ્લામિક સાધના પણ કરી. એ સમય દરમિયાન તેઓ અલ્લાહનું નામ જપતા રહ્યા. ત્રણ દિવસમાં ઈસ્લામના સૂફી તત્ત્વના પરમ ધ્યેયની અનુભૂતિ એમણે કરી લીધી. આ સાધના દરમિયાન શ્રીરામકૃષ્ણ હિંદુ દેવદેવીઓની મૂર્તિઓ તરફ પણ ન જોતા. આરબ મુસ્લિમના જેવો તેઓ પોશાક ધારણ કરતા અને મુસ્લિમની જેમ દિવસમાં પાંચ વખત નમાજ પઢતા અને ખુદાની ઈબાદત કરતા. પરંતુ એમણે ઈસ્લામી ખાણું ખાવાનું કહ્યું ત્યારે મથુરબાબુએ એવું ખાણું ન ખાવા વિનંતી કરી, કારણ કે એમાં ગાયનું માંસ હોય છે. એમના મનના સમાધાન રૂપે મથુરબાબુએ એક મુસ્લિમ ખાણું પકવતા રસોઈયાને પોતાની રસોઈની રીતરસમ હિંદુ રસોઈયાને શીખવવા માટે રોક્યો. 

શ્રીરામકૃષ્ણે અદ્વૈત વેદાંતની સાધનાનો પ્રારંભ કર્યો તે પહેલાં થોડા સમય પૂર્વે એમનાં માતુશ્રી કામારપુકુરથી દક્ષિણેશ્વર આવ્યાં. મથુરબાબુને એમના પ્રત્યે ઘણો પ્રેમભાવ હતો અને તેઓ એમને ‘દાદી મા’ કહીને બોલાવતા. મથુરબાબુને શ્રીઠાકુરના ભવિષ્યની ઘણી ચિંતા થતી. આ પહેલાં એમણે હૃદયનાથ સાથે આ વિશે ચર્ચા કરી હતી અને શ્રીરામકૃષ્ણને કોઈ એક સ્થાવર જાગીર અર્પણ કરવાનો નિર્ણય પણ કર્યો હતો. પરંતુ જેવું શ્રીઠાકુરે આ વિશે સાંભળ્યું કે તેઓ ક્રોધે ભરાયા તેમજ મથુરબાબુને મારવા દોડ્યા. તેમણે બરાડીને મથુરબાબુને કહ્યું : ‘ગધેડા, તું મને આ સંસારી માનવ બનાવવા માગે છે?’ આ રીતે આ યોજના અમલમાં ન આવી. અંતે મથુરબાબુએ બીજી યોજના વિચારી. તેઓ શ્રીઠાકુરનાં માતુશ્રી ચંદ્રામણિ પાસે ગયા અને એમને જે કંઈ જોઈતું હોય તે માગવા વિનંતી કરી. પરંતુ અત્યંત સહજસરળ સ્વભાવના આ વૃદ્ધ માતા તો મુંઝાઈ ગયાં. તેમણે કહ્યું: ‘બેટા, તેં તો મારી બધી જરૂરતો પૂરી કરી છે. ભવિષ્યમાં મારે કંઈ જરૂર પડશે તો હું તને કહીશ. મને અહીં પૂરા વસ્ત્ર મળી રહે છે અને અન્ન પણ તેં ઘણું આપ્યું છે. હવે મારે વધારે શું જોઈએ?’ જ્યારે મથુરબાબુએ વધારે ભારપૂર્વક કંઈક માગવા કહ્યું ત્યારે ચંદ્રામણિએ મનમાં થોડો વિચાર કર્યો અને કહ્યું: ‘સારું ભાઈ, તું ખરેખર મને કંઈક આપવા ઇચ્છતો હો તો એક આનાની તમાકું મને લાવી દે. હું એમાંથી થોડી દાંતે ઘસવાની બજર બનાવવા માગું છું.’ મથુરબાબુની આંખમાં આંસું આવી ગયા. તેમણે ચંદ્રામણિદેવીને પ્રણામ કર્યા અને કહ્યું: ‘આવી માતા સિવાય બીજું કોણ શ્રીરામકૃષ્ણ જેવા પુત્રને જન્મ આપી શકે?’ (સ્વામી શારદાનંદ કૃત શ્રીરામકૃષ્ણ ધ ગ્રેટ માસ્ટર પૃ. ૨૮૧-૮૨)

આ જ સમય દરમિયાન મથુરબાબુના કુટુંબમાં એક એવી ઘટના ઘટી કે જેણે મથુરબાબુની શ્રીઠાકુર પ્રત્યેની શ્રદ્ધામાં ઘણી વૃદ્ધિ કરી. એમનાં બીજાં પત્ની જગદંબાને ભયંકર ઝાડા થઈ ગયા. ડૉક્ટરોએ એમને સાજા કરવા પોતાનાથી બનતા બધા પ્રયત્નો કર્યા અને અંતે આની હવે વધુ દવાદારુ થઈ શકે એમ નથી એવું સ્પષ્ટપણે જણાવ્યું. મથુરબાબુ માટે આ દુ:ખ કારમા-ઘા જેવું હતું. તેઓ જાણતા હતા કે જો એમનાં પત્ની મૃત્યુ પામે તો રાણી રાસમણિની અસ્ક્યામત (જાગીર) પરનો બધો અંકુશ તેઓ ગુમાવી દેશે. એટલે તેઓ પોતાના છેલ્લા શરણ રૂપ શ્રીરામકૃષ્ણ પાસે ધસી ગયા, તેઓ રડવા લાગ્યા અને કહ્યું: ‘બાબા, મારા પર વ્યક્તિગત રીતે એક ભયંકર ખોટ તો આવશે જ, પણ જો આ બધી મિલકતની વ્યવસ્થા બીજાના હાથમાં ચાલી જશે તો હું તમારી સેવાઓ ચાલુ રાખી શકીશ નહિ.’ મથુરબાબુની આ ઉદ્વિગ્નતા અને પીડા જોઈને શ્રીરામકૃષ્ણનું મન સંસંવેદનાથી ભરાઈ ગયું. તેમણે ભાવાવસ્થામાં કહ્યું: ‘બેટા, ડરતો નહિ. તારાં પત્ની સારાં-સાજાં થઈ જશે.’ આ શબ્દોથી મથુરબાબુના અંતરમાં ઘણી મોટી પાકી ખાતરી થઈ ગઈ. તેઓ ઘરે પાછા આવ્યા અને જોયું તો જગદંબાની બીમારીમાં ઓચિંતાનું નાટ્યાત્મક પરિવર્તન આવ્યું અને તેમની તબિયત સુધરવા લાગી. પછીથી આ ઘટનાનો ઉલ્લેખ કરતાં શ્રીરામકૃષ્ણ કહેતા: ‘એ જ દિવસથી જગદંબા ધીમે ધીમે સાજી થતી ગઈ અને એમનો એ રોગ (પોતાના તરફ આંગળી ચીંધીને) આ દેહમાં આવી ગયો. આ (જગદંબાની) તંદુરસ્તીના પરિણામે મારે પોતાને ઝાડા અને બીજી બીમારીઓ સહન કરવી પડી.’ (સ્વામી શારદાનંદ કૃત શ્રીરામકૃષ્ણ ધ ગ્રેટ માસ્ટર પૃ. ૨૯૨-૯૩)

(ક્રમશ:)

Total Views: 55

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.