અસહાયતાની લાગણી અનુભવવી એ ભયંકર ભૂલ છે. કોઈની પાસે સહાય માગો નહીં. આપણે જ આપણા પોતાના સહાયક છીએ. આપણે જો આપણી જાતને સહાય ન કરી શકીએ, તો કોઈ બીજું આપણને સહાય કરવાનું નથી. ‘‘તું પોતે જ તારો મિત્ર છે; તું પોતે જ તારો શત્રુ છે; તારા પોતાના સિવાય બીજું કોઈ તારો શત્રુ નથી, તારા સિવાય તારો કોઈ મિત્ર નથી.’ (ગીતા, ૬:૫) આ છેવટનો અને મોટામાં મોટો ઉપદેશ છે. અરે! પણ એ ઉપદેશ સમજવા માટે, એ શીખવા માટે કેટલો બધો સમય લાગે છે! આપણે આ સત્યને સમજ્યા છીએ એમ આપણને લાગે છે, પણ બીજી જ ક્ષણે જૂનું મોજું પાછું આવે છે, કમર ભાંગી પડે છે, આપણે દુર્બળ થઈ જઈએ છીએ અને ફરી પાછા તે જ વહેમ અને સહાય માટે વલખાં મારીએ છીએ. દુ:ખના વિશાળ ડુંગરનો જરા વિચાર કરો, અને જુઓ કે એ બધું સહાય માટે દોડવાના ખોટા ખ્યાલમાંથી ઉદ્‌ભવે છે!

પાપ એક જ છે, અને તે છે નબળાઈ. જ્યારે હું નાનો હતો ત્યારે મેં મિલ્ટનનું પૅરૅડાઈઝ લૉસ્ટ વાંચેલું. તેમાંનાં કોઈ પણ પાત્ર માટે માન ઊપજ્યું હોય તો તે એક માત્ર સેતાનને માટે હતું. તે જ વ્યક્તિ મુનિ છે કે જેનો આત્મા કદી દુર્બળ બનતો નથી, કે જે દરેકનો સામનો કરે છે અને લડતાં લડતાં ખપી જવાને કૃતનિશ્ચયી છે.

ઊભા થાઓ અને લડતાં લડતાં મૃત્યુને ભેટો! . . . એક ગાંડાઈમાં બીજી ગાંડાઈનો ઉમેરો કરો નહીં. જે અનિષ્ટ આવવાનું છે તેમાં તમારી દુર્બળતાનો ઉમેરો કરો નહીં. જગતને મારે આટલું જ કહેવાનું છે. સબળ બનો! તમે પ્રેતો અને ભૂતોની વાતો કરો છો. આપણે જ જીવતાજાગતા ભૂતો છીએ. બળ અને વિકાસ એ જીવંતપણાની નિશાની છે. નિર્બળતા મૃત્યુનું ચિહ્‌ન છે. જે કાંઈ નિર્બળ હોય તેનાથી દૂર રહો! તેમાં મોત છે. જે કાંઈ બળ હોય તેને નર્કમાં જઈને પણ પકડો. માત્ર વીરને માટે જ મુક્તિ છે. ‘માત્ર વીરોને જ સુંદરી વરમાળા આરોપે છે.’ મુક્તિને પાત્ર વીર જ હોય છે. નર્ક કોને માટે? ત્રાસ અને પીડા કોને માટે? પાપ કોને માટે? નિર્બળતા કોને માટે? મૃત્યુ કોને માટે? રોગ કોને માટે?

સર્વ પ્રકારની નિર્બળતા, સર્વ પ્રકારનાં બંધનો, એ બધી કલ્પનાઓ છે. એક શબ્દ સંભળાવતાંની સાથે જ એ અદૃશ્ય થઈ જશે. નબળા થશો નહીં! એ સિવાય બીજો કોઈ રસ્તો નથી. . . . ઊભા થાઓ અને સબળ બનો! ભય ન રાખો; વહેમ ન રાખો. જેવું છે તેવા જ સત્યનો સામનો કરો. જો મૃત્યુ આવે- અને એ આપણું મોટામાં મોટું દુ:ખ છે- તો ભલે આવે! આપણે વીરની માફક મરવા ઈચ્છીએ છીએ. હું જાણું છું તે ધર્મ આટલો જ છે. હું તે પામ્યો નથી, પણ તેને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. હું કદાચ તે પ્રાપ્ત ન કરું, પણ તમે કદાચ પ્રાપ્ત કરી શકશો. આગળ ધપો!

જ્યાં એક અન્યને જુએ છે, એક અન્યને સાંભળે છે, જ્યાં સુધી બેનું ભાન છે ત્યાં સુધી ભય રહેવાનો; અને ભય એ સર્વ દુ:ખોનું મૂળ છે. જ્યાં કોઈ અન્યને જોતું નથી, જ્યાં સર્વ એક જ છે, ત્યાં દુ:ખી થનારું કોઈ નથી. સુખી થનારું કોઈ નથી. (છાંદોગ્ય ઉપનિષદ, ૭: ૨૩-૨૪) ત્યાં માત્ર એક અદ્વિતીય છે. માટે ભય ન રાખો. ઊઠો; જાગો; અને ધ્યેયે પહોંચો નહીં ત્યાં સુધી અટકો નહીં!

(‘સ્વામી વિવેકાનંદ-ગ્રંથમાળા સંચયન’ પૃ.૨૨૪-૨૨૫)

Total Views: 48

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.