(ગતાંકથી આગળ)

ખેતડીના રાજા સાથે પત્ર વ્યવહાર અને સ્વામીજીના પરિવારની સેવા

ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ થઈને સ્વામીજી મદ્રાસ પહોંચ્યા. જો કે સ્વામીજીએ પોતાના પશ્ચિમ ભારતના તેમજ દક્ષિણ ભારતના પરિભ્રમણ વખતે ગુરુ ભાઈઓ સાથેનો પત્રવ્યવહાર પણ બંધ કરી દીધો હતો. અપવાદ રૂપે ક્યારેક ક્યારેક કોઈક પત્ર લખતા પણ ખરા. એ દરમિયાન વચ્ચે વચ્ચે સ્વામીજીનો રાજા અજિતસિંહ સાથે પત્ર-વ્યવહાર થતો રહ્યો. ઓક્ટોબર ૧૮૯૧માં ખેતડીમાંથી પ્રસ્થાન કર્યા પછીના લગભગ ૧ વર્ષ દરમિયાન સંભવત: અજમેર તેમજ ગુજરાતનાં કેટલાંક સ્થળેથી એમણે રાજાને કેટલાય પત્રો લખ્યા હતા. પરંતુ આ બધા પત્રો લુપ્ત થઈ ચૂક્યા છે. ૧૮૯૨ના જુલાઈથી સપ્ટેમ્બર સ્વામીજી મુંબઈમાં રહ્યા હતા. એવો સંકેત મળે છે કે આ સમય દરમિયાન એમણે મુંબઈથી પણ કેટલાક પત્રો લખ્યા હતા. એમની એવી ટેવ હતી કે મોટે ભાગે એકવાર પત્ર લખવા બેસે તો કેટલાક પત્રો લખી નાખતા. એમાંનો એક વરાહનગર મઠના ગુરુભાઈઓના નામે લખ્યો હતો, પણ તેનો માત્ર ઉલ્લેખ જ મળે છે. ૨૬ ઓક્ટોબર, ૧૮૯૨ના રોજ સ્વામી સારદાનંદજીએ એક પત્રમાં આમ લખ્યું છે: ‘થોડા દિવસ પહેલા સ્વામી નરેન્દ્રના સમાચાર મળ્યા છે. એમણે મુંબઈથી પત્ર લખ્યો છે. તબિયત સારી છે, થોડા જ સમયમાં ત્યાંથી નીકળી જશે. ક્યાં જશે એ વિશે કંઈ લખ્યું નથી.’ (બંગાળી ગ્રંથ ‘સ્વામી સારદાનંદ જીવનકથા’, લેખક બ્રહ્મચારી પ્રકાશચંદ્ર, વસુમતિ સાહિત્યમંદિર, કોલકાતા, ૧૯૩૬ અને પૃ.૮૮) બીજો પત્ર ખેતડીના પંડિત શંકરલાલને લખ્યો હતો. એ પત્ર એમની ગ્રંથાવલીમાં પ્રકાશિત કર્યો છે. અહીંથી એમણે રાજા અજિતસિંહને પણ પત્ર લખ્યો હશે, પરંતુ અનેક પત્રોની જેમ જ એ પત્ર પણ ગુમ થઈ ગયો છે; એવું એક અનુમાન કરી શકાય.

વાક્યાત રજિસ્ટરમાં ૨૭ ઓક્ટોબર ૧૮૯૧ સુધી સ્વામીજી ખેતડીમાં રહ્યા હતા એવો ઉલ્લેખ છે. એમણે ત્યાર પછીના બે-ચાર દિવસ પછી જ ત્યાંથી પ્રસ્થાન કર્યું હોય અને થોડા દિવસ જયપુરમાં વીતાવીને ૧૩ નવેમ્બરના રોજ અજમેર પહોંચ્યા હોય એ પણ સંભવ છે. ગુજરાતના ભાવનગરના વજેશંકર ગૌરીશંકરે ૩૧મી માર્ચ ૧૮૯૩ના રોજ એક પત્ર લખીને ખેતડી નરેશને ઘરે જન્મેલ પુત્ર રત્ન માટે વધામણીનો સંદેશ પાઠવ્યો હતો. એના પ્રાસંગિક અંશનો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે: ‘વ્યક્તિગત રૂપે મને મહારાજા પ્રત્યે સન્માન દાખવવાનું સૌભાગ્ય મળ્યું ન હતું. આમ છતાં પણ પૂજ્યપિતા (ગુરુ) આદરણીય સ્વામીજી શ્રી સચ્ચિદાનંદજીને લખેલ ગંભીર તથા વિદ્વત્તાપૂર્ણ આપના પત્રોને વાંચીને મેં અત્યંત આનંદ અનુભવ્યો હતો.’ (ખેતડી પેપર્સ – ૧૯૯૯) આ પત્ર દ્વારા એવું જણાય છે કે પુત્ર જન્મના સમય સુધી ખેતડીમાં સ્વામીજીનું અંતિમ સરનામું મુંબઈના બેરિસ્ટર રામદાસ છબિલદાસનું જ હતું અને એમની પાસેથી સ્વામીજી ઓક્ટોબર, ૧૮૯૨માં વિદાય લઈ ચૂક્યા હતા. એ બે પત્રાંશોમાંથી સહજ રીતે અનુમાન થઈ શકે છે કે સ્વામીજીએ ખેતડી છોડ્યા પછીથી લગભગ એક વર્ષ સુધી રાજાજી સાથે નિરંતર પત્ર વ્યવહાર દ્વારા સંપર્ક-સંબંધ જાળવી રાખ્યો હતો. પરંતુ આપણા દુર્ભાગ્યે એ કાળના મોટા ભાગના પત્રો લુપ્ત થયા છે કે સદાસર્વદા માટે નાશ પામ્યા છે.

ખેતડી છોડ્યાના લગભગ એક વર્ષ પછી મુંબઈથી ખેતડીના પંડિત શંકરલાલને લખેલ સ્વામીજીના પત્ર દ્વારા કેટલીયે જાણકારી મળે છે તથા એમના તત્કાલીન મનોભાવ પણ પ્રગટ થાય છે. આ પત્ર અહીં પ્રસ્તુત છે:

મુંબઈ, ૨૦મી સપ્ટેમ્બર, ૧૮૯૨

પ્રિય પંડિતજી મહારાજ,૧

તમારો પત્ર મને બરાબર મળી ગયો છે. મારા અનુચિત વખાણ શા માટે થવાં જોઈએ તે મને સમજાતું નથી. પ્રભુ ઈશુએ કહ્યું છે તેમ એક સિવાય, અર્થાત્‌ ઈશ્વર સિવાય, અન્ય કોઈ સારું નથી. ‘બીજા બધા તો તેના હાથમાં નિમિત્ત માત્ર છે,’ મહાન ઈશ્વરનાં સહુથી વધુ ગુણગાન ગાઓ,’ અને જેઓ તેને માટે યોગ્ય (અધિકારી) છે તેનાં ગુણગાન ગાઓ; પણ મારા જેવા એક અનધિકારીનાં નહિ. મારી બાબતમાં તો ‘નોકર મહેનતાણાને પણ લાયક ‘નથી’’ અને મારા જેવા ફકીરને કોઈપણ પ્રકારની પ્રશંસાની જરૂર નથી. કેવળ પોતાની ફરજ અદા કરવા માટે તમે તમારા નોકરની પ્રશંસા કરો ખરા.

…. મને આમ પ્રેમપૂર્વક યાદ કરવા માટે પંડિત સુંદરલાલજી અને મારા પ્રોફેસર સાહેબનો ૨ ખૂબ ખૂબ આભાર માનું છું.

હવે હું તમને કંઈક બીજું કહું. હિંદુ માનસ હંમેશાં સામાન્ય સિદ્ધાંત પરથી વિશેષ ઘટનાઓને તારવનારું રહ્યું છે, પરંતુ વિશેષ ઘટનાઓ પરથી સામાન્ય સિદ્ધાંતે કદી નહીં. આપણાં બધાં દર્શનોમાં કોઈક સામાન્ય સિદ્ધાંતને ગૃહીત તરીકે માની લઈને, હંમેશાં અતિ બારીકમાં બારીક દલીલો કરેલી જોવા મળે છે. પછી એ સામાન્ય સિદ્ધાંત પોતે ભલે ગમે તેટલો બાલિશ હોય. આવા સામાન્ય સિદ્ધાંતોની સચ્ચાઈ વિશે પ્રશ્ન પૂછવાની કે તપાસ કરવાની કોઈએ કદાપિ પરવા કરી નથી. પરિણામે આપણે ત્યાં સ્વતંત્ર વિચાર જેવું લગભગ કંઈ જ ઉદ્‌ભવી શક્યું નથી, અને તેથી જ નિરીક્ષણ અને સામાન્યીકરણનાં પરિણામ રૂપ વિજ્ઞાનોનો આપણે ત્યાં અભાવ છે. આમ કેમ બન્યું હશે? એનાં બે કારણો હોઈ શકે. એક તો એ કે અત્યંત ગરમ આબોહવાએ આપણને પ્રવૃત્તિ કરતાં નિવૃત્તિ અને ચિંતન તરફ વિશેષ અભિમુખ કર્યાં; અને બીજું કારણ એ કે પુરોહિતો તરીકે બ્રાહ્મણોએ દૂર દેશાવરના પ્રવાસો કદાપિ ખેડ્યા નહીં. દૂર દૂરના પ્રવાસો ખેડનારા પ્રવાસીઓ તો અનેક હતા જ, પરંતુ એ બધા લગભગ હંમેશાં વ્યાપારીઓ જ હતા, અર્થાત્‌ એ એવા લોકો હતા કે જેમનામાંથી પુરોહિતોએ અને એમની પોતાની અત્યંત ધનલાલસાએ બૌદ્ધિક વિકાસનું તમામ સામર્થ્ય હરી લીધું હતું. તેથી તેમનાં નિરીક્ષણોએ માનવજ્ઞાનના ભંડારમાં ઉમેરો કરવાને બદલે ઊલટું એની દુર્દશા કરી. કેમકે તેમનાં નિરીક્ષણો દોષપૂર્ણ હતાં, અને તેમણે આપેલા અહેવાલો એટલા બધા અતિશયોક્તિભર્યા અને તરંગી હતા કે એ સંપૂર્ણપણે વિકૃત બની ગયા.

માટે આટલું સમજો કે આપણે પ્રવાસો ખેડવા જોઈએ અને પરદેશગમન કરવું જોઈએ. જો આપણને ફરીવાર રાષ્ટ્ર તરીકેની પ્રતિષ્ઠા ખરેખર જોઈતી હોય તો આપણે અન્ય દેશોમાં સમાજનું યંત્ર કેમ ચાલી રહ્યું છે તે જોવું જોઈએ, તથા અન્ય રાષ્ટ્રોના વિચારો સાથે મુક્ત અને ખુલ્લો સંપર્ક સાધવો જોઈએ. વળી સૌથી અગત્યની વસ્તુ તો એ છે કે આપણે સામાજિક જુલમ ગુજારવાનું છોડી દેવું જોઈએ. આપણે કેવી હાસ્યાસ્પદ દશાએ પહોંચી ગયા છીએ! જો કોઈ ભંગી, ભંગી તરીકે કોઈ પાસે આવે તો કોઈ ચેપી રોગ તરીકે તેને દૂર હડસેલી મૂકવામાં આવે; પરંતુ જે ઘડીએ એના મસ્તક ઉપર એક પાદરી, પ્રાર્થનાનો થોડોક બડબડાટ કરીને પાણીનો પ્યાલો છાંટે તથા જેવો મળ્યો તેવો ફાટેલો તૂટેલો એક કોટ પહેરીને એ ભંગી એક ચુસ્તમાં ચુસ્ત સનાતનીના ઘરમાં પ્રવેશ કરે, ત્યારે એને બેસવા માટે ખુરશી આપવાનો અને એની સાથે ભાવપૂર્વક હાથ મેળવવાનો ઈન્કાર કરવાની હિંમત કરે એવો કોઈ માણસ હું તો જોતો નથી! આથી વિશેષ વિડંબના બીજી શી હોઈ શકે? વળી અહીં દક્ષિણમાં આ પાદરીઓ શું કરી રહ્યા છે એ તો આવીને જુઓ. નીચલા વર્ગોને તેઓ લાખોને હિસાબે વટલાવી રહ્યા છે ભારતભરમાં બ્રાહ્મણોનું સૌથી વિશેષ પ્રાધાન્ય ત્રાવણકોરમાં છે, ત્યાં તમામ જમીનના માલિકો બ્રાહ્મણો જ છે અને રાજકુટુંબની સ્ત્રીઓ પણ એમનું ઉપવસ્ત્ર બની રહેવામાં ભારે ગૌરવ અનુભવે છે. એવા ત્રાવણકોરમાં લગભગ ચોથા ભાગના લોકો ખ્ર્રિસ્તી બની ગયા છે! હું એ માટે એમનો દોષ કાઢી શકતો નથી; ડેવીડ કે જેસ્સી સાથે એમને શું લાગેવળગે? હે પ્રભુ, મનુષ્ય, મનુષ્યનો બંધુ ક્યારે, ક્યારે બની રહેશે?

ભવદીય,
વિવેકાનંદ

સપ્ટેમ્બર ૧૮૯૨ પછી ફેબ્રુઆરી ’૯૩ સુધી ખેતડીના મિત્રો સાથેનો સ્વામીજીનો પત્ર વ્યવહાર બંધ રહ્યો હોય. 

સ્વામીજીના પરિવારના સેવક : રાજા અજિતસિંહ

સ્વામી વિવેકાનંદજીના જીવનમાં ખેતડીના નરેશ અજિતસિંહની ભૂમિકા સમજવા માટે આપણે એમની જીવનકથાના એક પુરાણા પૃષ્ઠને ઉથલાવવું પડશે. ઘટના વર્તમાન કાળક્રમથી પાંચ-છ વર્ષ પહેલાંની છે. એ વખતે એમના ગુરુદેવ શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરમાં રહેતા હતા. સ્વામીજીના મનમાં પ્રબળ વૈરાગ્યનો ઝંઝાવાત ચાલતો હતો. તેઓ સંન્યાસ લઈને ક્યાંક તપશ્ચર્યામાં લીન થઈ જવા ઇચ્છતા હતા. પરંતુ પિતાના અવસાન પછી સગાંવહાલાઓએ એમની પૈતૃક સંપત્તિ પર દાવો કર્યો. ઘરમાં હાંડલાં આટાં મારતાં હતાં અને સૌથી મોટા પુત્ર હોવાને નાતે માતા તથા નાના ભાઈ-બહેનોના ભરણપોષણની જવાબદારી એમના શિરે આવી પડી. એટલે પોતાના પરિવાર માટે અન્નવસ્ત્રનો પ્રબંધ થઈ ગયા પછી તેઓ નિશ્ચિંત બનીને ત્યાગપથ અપનાવી શકે તેમ હતા. જગદંબા કાલી શ્રીરામકૃષ્ણની પ્રાર્થના સાંભળે છે. એટલે એમને જ કહીને શા માટે પોતાના પરિવારના અભાવના દુ:ખને દૂર કરાવી ન લઉં, એવું એમણે વિચાર્યું.

એક દિવસ તેઓ દક્ષિણેશ્વર જઈને શ્રીરામકૃષ્ણ પાસે એ વિશે વિનંતી કરવા લાગ્યા. શ્રીરામકૃષ્ણે કહ્યું: ‘તું જગદંબાને માનતો નથી એટલે તને આટ-આટલું દુ:ખકષ્ટ છે. આજે મંગળવાર છે, આજ રાતે કાલી મંદિરમાં જઈને શ્રીમાને પ્રણામ કરીને તું જે કંઈ માગીશ તે બધું મા તને આપશે.’ 

સ્વામીજીના શબ્દોમાં જ વર્ણવીએ તો : ‘હવે મને દૃઢ વિશ્વાસ થયો; જ્યારે ઠાકુરે આવું કહ્યું છે તો પ્રાર્થના કરતાં જ અવશ્ય દુ:ખ મટી જવાનું. પ્રબળ ઉત્કંઠા સાથે રાત પડવાની રાહ જોવા લાગ્યા. રાત પડી. એક પ્રહર વીત્યા પછી શ્રીઠાકુરે મને મંદિરમાં જવા માટે કહ્યું. અંદર જતાં જ જાણે કે નશા જેવો ભાવ થવા લાગ્યો, મારા પગ લડખડવા લાગ્યા અને હું માને ખરેખર જોઈ શકીશ અને એમના શ્રીમુખની વાણી સાંભળી શકીશ, આવા દૃઢ વિશ્વાસ સાથે મારું મન બીજા બધા વિષયોને ભૂલીને એકાગ્ર અને તન્મય બનીને એ જ વાત વિશે વિચારવા લાગ્યું. મંદિરમાં પ્રવેશીને જોયું તો મા ખરેખર ચિન્મયી, વાસ્તવિક રીતે જીવંત પ્રતિમા અને અનંત પ્રેમ તેમજ સૌંદર્યની આધારરૂપિણી છે. ભક્તિ અને પ્રેમથી મારું હૃદય ઊછળવા લાગ્યું. વિહ્‌વળ બનીને હું વારંવાર પ્રણામ કરતાં કરતાં આવું કહેવા લાગ્યો: ‘હે મા, મને વિવેક આપો, વૈરાગ્ય આપો, જ્ઞાન આપો, ભક્તિ આપો; જેનાથી તમારું અબાધ દર્શન નિત્યપ્રાપ્ત કરી શકું, એવું કરી દો.’ હૃદય શાંતિસાગરમાં ડૂબી ગયું. સંસાર પ્રપંચ સાવ વિલુપ્ત થઈ ગયો અને કેવળ મા જ હૃદયને પૂર્ણ કરતી વિરાજમાન રહી.

શ્રીઠાકુરની પાસે પાછો આવતાં જ એમણે પૂછ્યું: ‘કેમ રે! તારા સંસારના અભાવને દૂર કરવાની શ્રીમાને પ્રાર્થના કરી કે નહિ?’ આ પ્રશ્નથી આશ્ચર્યચકિત થઈને મેં જવાબ આપતાં કહ્યું: ‘ના, મહારાજ, હું તો ભૂલી જ ગયો. હવે હું શું કરું?’ એમણે કહ્યું: ‘જા જા. ફરી પાછો જઈને પ્રાર્થના કરી આવ.’ હું ફરી પાછો મંદિર તરફ ચાલ્યો અને મા જગદંબા સામે ઉપસ્થિત થઈને ફરી પાછો મુગ્ધ બની ગયો અને બધુંય ભૂલીને વારંવાર પ્રણામ કરતાં કરતાં જ્ઞાન અને ભક્તિલાભ માટે પ્રાર્થના કરીને પાછો ફર્યો. હસતાં હસતાં શ્રીઠાકુરે પૂછ્યું: ‘કેમ રે, આ વખતે તો કહી આવ્યો ને?’ હું વળી પાછો આશ્ચર્યમાં ડૂબી ગયો. થોડીવાર પછી મેં કહ્યું: ‘ના મહારાજ, માને જોતાં જ એક દૈવી શક્તિના પ્રભાવથી એ બધી વાતો ભૂલીને કેવળ જ્ઞાનભક્તિ લાભની વાત જ કહી છે. હવે શું થશે?’ શ્રીઠાકુરે કહ્યું: ‘અરે, આ તે કેવું? પોતાની જાતને સંભાળીને એવી પ્રાર્થના કેમ ન કરી શક્યો? જો બને તો એક વાર જઈને એ બધી વાતો જગદંબાને કહી આવ. જા, જલ્દી જા.’ હું તો વળી ચાલ્યો. પરંતુ મંદિરમાં પ્રવેશ કરતાં જ હૃદય લજ્જાથી છવાઈ ગયું. મેં મનમાં વિચાર્યું: ‘અરે! આ કેવી તુચ્છ વસ્તુની વાત હું મા જગદંબાને કહેવા આવ્યો!’ શ્રીઠાકુર કહે છે: ‘રાજાની પ્રસન્નતા મેળવ્યા પછી શું એમની પાસે તુંબડાં કે કોળાં માગવા?’ આ પણ એવી જ મૂર્ખતાની વાત હતી. મારી પણ એવી જ હીનબુદ્ધિ થઈ છે. લજ્જા સાથે પ્રણામ કરતાં મેં ફરીથી મા જગદંબાને કહ્યું: ‘હે મા! હું બીજું કંઈ નથી માગતો! મને કેવળ જ્ઞાન અને ભક્તિ આપો!’ મંદિરની બહાર આવીને મનમાં એવો ભાવ આવ્યો કે આ વાસ્તવિક રીતે શ્રીઠાકુરની જ લીલા છે. નહિ તો ત્રણ ત્રણવાર હું મા જગદંબા પાસે આવીને કંઈ પણ કહી ન શકું, એમ બને! ત્યાર પછી મેં એમનાં ચરણ પકડીને કહ્યું: ‘આપે જ મને બધું ભૂલાવી દીધું. હવે આપે જ કહેવું પડશે, એને લીધે મારા પરિવારજનોને અન્નવસ્ત્રનું દુ:ખ ભોગવવું નહીં પડે.’ એમણે મને કહ્યું: ‘અરે! હું તો એવી પ્રાર્થના કોઈને માટે ક્યારેય કરી શક્યો નથી. મારા મુખે તો એવી વાત નીકળતી જ નથી. તને તો કહી દીધું હતું કે મા પાસેથી તું જે માગીશ તે તને મળી રહેશે. તારા ભાગ્યમાં સંસારસુખ છે જ નહિ, તો હું શું કરું ભાઈ!’ મેં કહ્યું: ‘મહારાજ, એમ ન બની શકે. આપે મારા માટે એ વાત જગદંબાને કહેવી પડશે. મને પાકાં શ્રદ્ધાવિશ્વાસ છે કે આપના કહેવાથી જ એ લોકોના બધા અભાવો દૂર થઈ જશે.’ આ રીતે જ્યારે મેં એમને છોડ્યા જ નહિ ત્યારે એમણે મને કહ્યું: ‘વારુ, જા; એમને સાધારણ અન્નવસ્ત્રનો અભાવ રહેશે નહિ.’ (શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ, સ્વામી સારદાનંદ, રામકૃષ્ણ મઠ, નાગપુર, ખંડ-૩, સંવત ૧૯૫૩, પૃ.૧૮૦-૮૨)

શ્રીરામકૃષ્ણના આ આશ્વાસન પર વિશ્વાસ રાખીને સ્વામીજી કેવી રીતે પોતાનાં માતા તેમજ ભાઈ-બહેનોને સંકટની દશામાં જ છોડીને નીકળી પડ્યા હતા. એમની આ કરુણ કથા એમના જ શબ્દોમાં જોઈએ:

‘મારા પર તો બહુ મોટું ભીષણ દુર્ભાગ્ય છવાઈ ગયું હતું! એક બાજુ હતાં મારાં માતુશ્રી અને ભ્રાતાગણ. મારા પિતાજીનું દેહાવસાન થયું અને અમે લોકો અસહાય નિર્ધન અવસ્થામાં આવી પડ્યા. એટલા બધા નિર્ધન હતા કે લગભગ દરરોજ ભૂખ્યે પેટે ચલાવી લેવું પડતું. કુટુંબની એક માત્ર આશા હું હતો. થોડુંઘણું કમાઈને થોડી સહાયતા કરી શકત, હું તો આ બે દુનિયાની સંધિસીમા પર ઊભો હતો. એક બાજુએ હતાં મારી માતા અને ભાઈઓના ભૂખે મરવાનાં દૃશ્યો અને બીજી બાજુ હતો આ મહાન પુરુષનો વિચાર કે આદર્શ. મેં વિચાર્યું આ આદર્શથી માત્ર ભારતનું જ નહિ પરંતુ સમગ્ર વિશ્વનું કલ્યાણ થઈ શકે તેમ છે અને એટલે જ એનો પ્રચાર કરવો અને એને કાર્યાન્વિત કરવો એ અનિવાર્ય હતો. આ રીતે મારા મનમાં મહિનાઓ સુધી સંઘર્ષ ચાલતો રહ્યો. ક્યારેક તો હું છ છ, સાત સાત દિવસ અને રાત નિરંતર પ્રાર્થના કરતો હતો. કેવી વેદના હતી એ! જાણે કે હું જીવતે જીવતો જ નરકમાં હતો. કુટુંબનાં નૈસર્ગિક બંધન અને મોહ મને પોતાની તરફ ખેંચી રહ્યાં હતાં. મારા બાળસમા કોમળ હૃદયમાં કેવી રીતે પોતાનાં આટલાં સગાંના દુ:ખદર્દને જોઈ રહેતો? વળી બીજી બાજુએ કોઈ સહાનુભૂતિ દાખવવાવાળુંયે નહિ, એક બાળક જેવી કલ્પનાઓ સાથે સહાનુભૂતિ દાખવે પણ કોણ? આવી કલ્પનાઓથી બીજાઓને પણ શું દુ:ખકષ્ટ ન ઉપજે? અરે ભલા ભાઈ, મારી સાથે પછી કોની સહાનુભૂતિ હોય?… 

મને એવો વિશ્વાસ હતો કે આ વિચારોથી (શ્રીરામકૃષ્ણદેવના આદર્શ અને વિચારોથી) ભારત વધારે જ્ઞાનપ્રકાશિત બનશે અને ભારત સિવાય બીજા પણ અનેક દેશો અને જાતિઓનું એનાથી કલ્યાણ થઈ શકશે. એટલે આવું જ્ઞાન થયું કે આ વિચારો કે આદર્શોનો નાશ થવા દેવાને બદલે વધુ શ્રેયષ્કર તો એ રહેશે કે મૂઠીભર લોકો પોતે જ પોતાની જાતને અર્પણ કરતા રહે! અને જો એક મા ન રહે, કે બે ભાઈ મરી જાય તો શું બગડી જવાનું છે? આ તો આત્મબલિદાન છે, એ કરવું જ પડે. બલિદાન વિના કોઈ પણ મહાન કાર્ય સિદ્ધ થઈ શકતું નથી. આ કાળજાને બહાર કાઢી નાખવું પડશે અને એને બહાર કાઢીને પૂજાની વેદી પર લોહીલુહાણ અવસ્થામાં બલી રૂપે ચઢાવી દેવું પડશે. ત્યારે જ કોઈ મહાન ઉપલબ્ધિ થાય છે. અને આ સિવાય બીજો માર્ગ પણ છે ખરો? અત્યાર સુધી તો આવો માર્ગ કોઈને મળ્યો નથી. હું તમને બધાને એક પ્રશ્ન પૂછું છું: ‘કોઈ એક સફળ કાર્યનું કેટલું મૂલ્ય ચૂકવવું પડે છે?’ કેવી વેદના અને કેવી પીડા! પ્રત્યેક સફળ કાર્ય પાછળ કેવી ભયાનક યાતનાની કહાણી રહેલી છે. (મેરા જીવન તથા ધ્યેય, અમેરિકાના પાસાડેનામાં અપાયેલ વ્યાખ્યાનમાંથી, વિવેકાનંદ સાહિત્ય, સંવત ૧૯૬૩, ખંડ-૧૦, પૃ.૧૦-૧૧) 

ઉપર્યુક્ત વિવરણથી સ્વામીજીએ કેવી મન:સ્થિતિમાં ગૃહત્યાગ કર્યો હતો એનું સહજ અનુમાન કરી શકાય છે. શ્રીરામકૃષ્ણે એમના પરિવારને સામાન્ય અન્નવસ્ત્રનો અભાવ નહિ રહે એવું આશ્વાસન તો આપ્યું હતું અને આના પર જ શ્રદ્ધા રાખીને તેઓ ‘બહુજન હિતાય બહુજન સુખાય’ ભારત પરિભ્રમણમાં નીકળી પડ્યા હતા. જગદંબાએ એમના પરિવારના ભરણપોષણની તેમજ સારસંભાળની વ્યવસ્થા ખેતડી નરેશ રાજા અજિતસિંહના માધ્યમથી કરી હતી. એનું વિવરણ આવું છે :

૧૮૯૧ના ઓગસ્ટ થી ઓક્ટોબર સુધી સ્વામીજી જ્યારે ખેતડીમાં રહ્યા હતા ત્યારે કોઈ એક દિવસે રાજા અજિતસિંહજીએ સ્વામીજીના પરિવાર વિશે પૂછપરછ કરીને બધું જાણી લીધું હતું. પરંતુ સ્વામીજી એ દિવસોમાં અજ્ઞાત રૂપે પરિભ્રમણ કરી રહ્યા હતા અને એમના પરિચિત લોકો એમની પ્રવૃત્તિઓ વિશે જાણે અને એમને તંગ કરે, એમ સ્વામીજી ઇચ્છતા ન હતા. એટલે સંભવત: તેઓ ખેતડી છોડે ત્યાર પછી જ પોતાના પરિવારની વર્તમાન પરિસ્થિતિ જાણવા વરાહનગર મઠ સાથે પત્ર વ્યવહાર કરે, એવો નિર્દેશ એમણે રાજા સાહેબને આપ્યો હતો. ૧૮૯૧ના ઓક્ટોબરના અંતે સ્વામીજીએ ખેતડીમાંથી વિદાય લીધી. ત્યાર પછી રાજાએ વરાહનગર મઠને પત્ર લખીને સ્વામીજીના પરિવાર વિશે માહિતી અને જાણકારી માગ્યાં. અને ક્રમશ: એમના નાના ભાઈ મહેન્દ્રનાથ દત્ત સાથે પત્ર વ્યવહાર કરીને ઘરની પરિસ્થિતિનો તાગ મેળવવા લાગ્યા. સાથે ને સાથે નિયમિત રૂપે આર્થિક સહાય પણ મોકલવા લાગ્યા. આ વિશે મહેન્દ્રનાથ દત્ત આમ લખે છે:

વાત વાતમાં રાજા સાહેબને જાણવા મળ્યું કે સ્વામીજીનાં માતા અને બીજા સંબંધી છે. રાજા સાહેબ એમનાં વિશે બધી વાતો જાણવા માટે આતુર બન્યા. એમણે શરત મહારાજ, યોગીન મહારાજ તેમજ સંન્યાલ મહાશયને સ્વામીજીના ઘરના ખબર-અંતર મોકલવા માટે એક પત્ર લખ્યો અને આ વાતને બીજા કોઈ સમક્ષ પ્રકટ કરવાની મના પણ કરી. ત્યારથી તેઓ જગમોહનલાલ દ્વારા પ્રતિ મહિને સો રૂપિયા સ્વામીજીનાં માતાજીને પ્રણામીના રૂપે મોકલવા લાગ્યા. રાજા સાહેબ જ્યાં સુધી જીવતા રહ્યા ત્યાં સુધી તેઓ નિયમિત રૂપે આ રકમ મોકલતા રહેતા. રાજા સાહેબે પોતાના પુત્રના જન્મોત્સવના ઉપલક્ષ્યમાં પણ પ્રણામી રૂપે સ્વામીજીનાં માતાજીને સો રૂપિયા મોકલ્યા હતા. લંડનમાં નિવાસ કરતા હતા ત્યારે વાતચીત દરમિયાન એકવાર સ્વામીજીએ આમ કહ્યું હતું: ‘એ સમયે રાખાલને કહ્યું હતું કે ખેતડીના રાજા મઠ માટે પ્રતિમાસ રૂપિયા ૧૦૦ આપવા રાજી થયા છે, તેને તેઓ લઈ લે. એ વખતે રાખાલે ઘોર વૈરાગ્યથી એ લીધા નહિ, અભાવ ભોગવીને જીવતા રહ્યા. એટલે હું રાખાલ પર નાખુશ થઈ ગયો હતો.’

રાજા સાહેબ નરેન્દ્રના એટલા અનુરાગી બન્યા હતા કે તેઓ પોતાના હાથે દર મહિને બે પત્ર વર્તમાન લેખકને લખ્યા કરતા. આ પત્રલેખનમાં એમના રાજા કે ઉચ્ચાધિપતિ હોવાનો કોઈ ભાવ ન હતો. પત્રોમાં કેવળ તેઓ સ્વામીજીના એક અનુગત ભક્ત માત્ર છે એવો ભાવ વ્યક્ત થતો હતો. મુનશી જગમોહનલાલ આત્મીયભાવથી હંમેશાં પત્ર લખ્યા કરતા અને પ્રત્યેક વ્યક્તિનું નામ લઈને સમાચાર કે ખબરઅંતર લેતા રહેતા.’ (સ્વામીજીર્‌ જીવનેર્‌ ઘટનાવલિ, બંગાળી, ભાગ-૨, પૃ.૧૭૯-૮૧)

દુર્ભાગ્યવશ મહારાજા તથા મુનશી દ્વારા લખેલા કોઈ પણ પત્ર અત્યારે ઉપલબ્ધ નથી. પરંતુ સદ્‌ભાગ્યે પત્રોના ઉત્તર રૂપે સ્વામીજીના ભાઈ મહેન્દ્રનાથ દત્ત, ભૂપેન્દ્રનાથ દત્ત, ગુરુભાઈ સ્વામી રામકૃષ્ણાનંદ વગેરે દ્વારા લખાયેલ અનેક પત્ર પ્રાપ્ય છે. આ પત્રો પરથી એના વિષયવસ્તુનું અનુમાન કરી શકાય છે. ૧૮૯૧ તથા ૧૮૯૨નો કોઈ પણ પત્ર વ્યવહાર હજી સુધી જાહેરમાં પ્રકાશિત થઈ શક્યો નથી. પરંતુ ૧૮૯૩માં મહેન્દ્રનાથ વગેરેના લખેલા અંગ્રેજીના અનેક પત્ર પ્રાપ્ય છે. એ પત્રો પરથી તત્કાલીન સ્વામીજીનો પરિવાર, વરાહનગર મઠના ગુરુભાઈઓ તથા સ્વામીજીની પ્રવૃત્તિઓ વિશે સારી એવી માહિતી મળે છે. એટલે આપણે એમાંથી મોટા ભાગનો અનુવાદ યોગ્ય સ્થાને રજૂ કરતા રહીશું. વરાહનગર મઠના અધિકાંશ ગુરુભાઈઓ તીર્થયાત્રા તેમજ તપશ્ચર્યા કરતા હતા. આમાં એક માત્ર અપવાદ હતા સ્વામી રામકૃષ્ણાનંદ. સંભવત: એમણે અથવા સ્વામી સારદાનંદજીએ ખેતડીના રાજાના પહેલા પત્રનો ઉત્તર આપ્યો હશે. એ સમયથી શરૂઆતના પ્રાય: એક વર્ષના પત્રો લુપ્ત થઈ ચૂક્યા છે. જે મળે છે એમાં પહેલો પત્ર મહેન્દ્રનાથ દત્તે ૨ ફેબ્રુઆરી, ૧૮૯૩ના રોજ લખેલો છે. આ પત્ર આપણે હવે પછી યોગ્ય સ્થળે ઉદ્ધૃત કરીશું.

(ક્રમશ:)

Total Views: 59

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.