(ગતાંકથી આગળ)

મહારાજ પરીક્ષિતનો સમયોચિત-યુક્તિયુક્ત પ્રશ્ન સાંભળીને ત્યાં પધારેલા ઋષિઓ વિચારવા લાગ્યા કે જપ, ધ્યાન, યજ્ઞ, જ્ઞાન, યોગ, તપશ્ચર્યા વગેરે ઘણાં સાધનો છે અને એ સાધનો દ્વારા જીવ કૃતાર્થ થાય તેમાં કોઈ શંકા નથી. પરંતુ એક સપ્તાહમાં તો કોઈ સાધન દ્વારા સિદ્ધિ મળે તેમ નથી. તેથી તેઓ પરસ્પર વિચારવા લાગ્યા કે, આ મરણાસન્ન મહારાજ પરીક્ષિતને શું કહેવું? વળી પરીક્ષિત પણ બહુ આશાપૂર્વક તેમના મોં સામે તાકી રહ્યા છે. ઋષિઓ તો મોટી મુશ્કેલીમાં પડ્યા. કારણ કે, પરીક્ષિતને યથાયોગ્ય ઉત્તર આપવો પડશે અને તે પણ હમણાં આપવો પડશે. મોડું કરે તો નહિ ચાલે, સમય તો વીતતો જાય છે.

એવે સમયે પરીક્ષિતના ભાગ્યરૂપી આકાશમાં જાણે પૂર્ણચંદ્ર ઊગ્યો. તે વખતે આજન્મ સંસારમુક્ત પરમહંસ ચૂડામણિ વ્યાસપુત્ર શુકદેવજી પોતાની ઇચ્છાથી ફરતા ફરતા એ જ ગંગાતટે ઉપસ્થિત થયા. ભાગવતમાં અતિ સુંદર રીતે શુકદેવના આવિર્ભાવનું વર્ણન છે.

तत्राभवद्धगवान् व्याीपुत्रो
यदृच्छया गामटमानोऽनपेक्षः।
अलक्ष्यलिङ्गो निजलाभतुष्टो
वृतश्च बालैरवधूतवेषः॥
(१.१९.२५)

મુનિઓ તથા ઋષિઓ જ્યારે પોતાની વચ્ચે ચર્ચા કરતા હતા કે પરીક્ષિતને શું જવાબ આપવો, ઠીક તે જ સમયે જોવા મળ્યું કે, સ્વેચ્છાએ ભ્રમણ કરતા કરતા દૈવયોગે વ્યાસપુત્ર શુકદેવજી ગૃહસ્થ અથવા સંન્યાસીનાં ઉભયપ્રકારનાં લક્ષણરહિત, સ્વાત્માનંદમાં વિભોર થઈને દિગંબર અવસ્થામાં ત્યાં હાજર થયા. કેટલાંક બાળકો, શુકદેવને પાગલ માનીને તેમની પાછળ ધૂળ ફેંકતાં, હાથતાલીઓ પાડતાં પાડતાં તેમની પાછળ પાછળ આવતાં હતાં. શુકદેવજીનું શરીર કેવું હતું? જવાબ આપતા ભાગવતકાર કહે છે :

तद्वयष्टवर्षं सुकुमारपाद-
करोरु बाह्वंसकपोलगात्रम्।
चार्वायताक्षोन्नसतुल्यकर्ण
सुभ्रवाननं कम्बुसुजातकण्ठम्॥
(१.१९.२६)

શુકદેવજીની દેહાકૃતિ સોળ વર્ષના યુવકની જેવી હતી. હાથ, પગ અને શરીરના અન્યાન્ય અવયવ અતિ સુંદર હતા. આકર્ણ વિસ્તૃત નયન, ઉન્નત નાસિકા, સુલલિત કર્ણદ્વય, મનોહર ભ્રૂકુટિવાળું સુંદર મુખમંડળ, તેમ જ કંઠદેશ શંખના જેવો ત્રિરેખાન્વિત હતો. 

निगूढजत्रुं पृथुतुङ्गवक्षस-
मावर्तनाभिं वलिवल्गूदरं च ।
दिगम्बरं वक्त्रविकीर्णकेशं
प्रलम्बबाहुं स्वमरोत्तमाभम् ॥
(१.१९.२७)

શુકદેવજીના કંઠનો નીચેનો ભાગ થોડો સ્થૂળ, વિશાળ ઊંચી છાતી, ગભીર નાભિપ્રદેશ, દિગંબર, વાંકડિયા વિખરાયેલા કેશ, આજાનુલંબિત બાહુઓ તથા તેમના શરીરની કાંતિ શ્રીકૃષ્ણ સમાન તેજસ્વી હતી.

श्यामं सदापीच्यवयोऽङ्गलक्ष्म्या
स्त्रीणां मनोज्ञं रुचिरस्मितेन ।
प्रत्युत्थितास्ते मुनय: स्वासनेभ्य-
स्तल्लक्षणज्ञा अपि गूढवर्चसम् ॥
(१.१९.२८)

શુકદેવજીના શરીરનો રંગ શ્રીકૃષ્ણની જેવો શ્યામવર્ણ છે, સદા ઉત્તમ એવા યૌવનયુક્ત શરીરની શોભા સ્ત્રીઓના મનને હરનારી છે. ભસ્માચ્છાદિત આગની જેમ ગુપ્ત તેજ સંપન્ન શુકદેવજીને અનન્ય અસાધારણ લક્ષણો દ્વારા ઓળખીને ઉપસ્થિત ઋષિમુનિઓ તરત જ પોતપોતાનાં આસનો ઉપરથી ઊભા થયા અને તેમની અભ્યર્થના કરી.

स विष्णुरातोऽतिथय आगताय
तस्मै सपर्यां शिरसाऽऽजहार ।
ततो निवृत्ता ह्यबुधा: स्त्रियोऽर्भका
महासने सोपविवेश पूजित: ॥
(१.१९.२९)

ત્યારે મહારાજ પરીક્ષિતે પૂજાનો સામાન પોતાના માથા પર લઈ જઈને નવાગત અતિથિ શુકદેવજી મહારાજની પૂજા કરી. જે બધાં બાળકો શુકદેવમુનિને પાગલ સમજીને તથા બધી સ્ત્રીઓ તેમને કામદેવ સમજીને તેમની પાછળ પાછળ આવતાં હતાં, તે બધાં શુકદેવજીનો મહાપ્રભાવ જોઈને પાછા વળી ગયાં. પછી શુકદેવજી પરીક્ષિતે આપેલા મોટા આસન પર ત્યાં બેઠા.

स संवृतस्तत्र महान् महीयसां
ब्रह्मर्षिराजर्षिदेवर्षिसङ्घै: ।
व्यरोचतालं भगवान् यथेन्दु-
र्ग्रहर्क्षतारानिकरै: परीत: ॥
(१.१९.३०)

મહાન બ્રહ્મર્ષિઓ, દેવર્ષિઓ અને રાજર્ષિઓના સમૂહોની વચ્ચે બિરાજેલા તે ભગવાન શુકદેવજી ગ્રહ, નક્ષત્રો અને તારા ગણોની વચ્ચે પૂર્ણ ચંદ્રમા સમાન અત્યંત શોભી રહ્યા છે. આવો તેમનો પ્રભાવ હતો.

શુકદેવજીને જોઈને સાધારણ મનુષ્ય તેમને ઉન્મત્ત, જડ, મૂંગા માનતા; તેઓ જ સર્વજ્ઞ શિરોમણિ છે, તેમ કોઈ સમજતું નહિ. તેમની મેલીઘેલી મૂર્તિ અને દિગંબર અવસ્થા જોઈને લોકો તેમને પાગલ માનતા. પરંતુ કોઈ વિશેષ રીતે તેઓ પાગલ, તે સમજવું સાધારણ માણસ માટે અશક્ય હતું. તદુપરાંત તેઓ મૌન રાખતા. કોઈ સાથે કોઈપણ જાતની વાત ન કરતા. ભાગવતમાં કહેવામાં આવ્યું છે કે, શુકદેવજી ગૃહસ્થોનાં ઘર પવિત્ર કરવા માટે ગાયોને દોહવાય એટલીવાર જ ઊભા રહીને અન્ય જગ્યાએ ચાલ્યા જાય છે. કોઈ ઘરે તેઓ રહેતા નહિ. તેવા શુકદેવજી બહુ દૂર દેશથી આજે પરીક્ષિત પાસે ઋષિમુનિઓની સભામાં અનાયાસે આવ્યા છે. ઋષિમુનિઓએ તેમની અસાધારણ પ્રતિભા જોઈને, તેમનો મહિમા પામીને પરમ શ્રદ્ધાથી તેમની અભ્યર્થના કરી.

प्रशान्तमासीनमकुण्ठमेधसं
मुनिं नृपो भागवतोऽभ्युपेत्य ।
प्रणम्य मूर्ध्नावहित: कृताञ्जलि-
र्नत्वा गिरा सूनृतयान्वपृच्छत् ॥
(१.१९.३१)

ત્યારે ભક્ત શિરોમણિ પરીક્ષિતે અચંચલ, શાંતભાવે બેઠેલ, સર્વજ્ઞ શિરોમણિ શુકદેવજી પાસે ગયા અને તેમનાં ચરણોમાં પ્રણામ કર્યાં. બે હાથ જોડી, પૂછવા લાગ્યા. ચારેબાજુ ઋષિમુનિઓ છે અને સામે ગંગા વહી રહી છે. 

તેમાંય શુકદેવજી અચંચલભાવે, સ્વાત્માનંદે વિભોર થઈને વિરાજમાન છે. આ અવસ્થામાં પરીક્ષિત શુકદેવજીને પૂછવા લાગ્યા : ‘આપ દીન વત્સલ છો તેથી મારા પર કૃપા કરીને અતિથિરૂપે મારી પાસે આવ્યા છો. જેમના સ્મરણમાત્રથી ગૃહસ્થના ઘર તીર્થ સમાન શુદ્ધ થાય છે તેવાં આપનાં દર્શન અને ચરણ સ્પર્શ પણ મને મળ્યાં છે. તેથી ક્ષત્રિયાધમ હોવા છતાં આપની કૃપાથી તીર્થ તુલ્ય પવિત્ર થયો છું. શ્રીકૃષ્ણ પાંડવોના પરમ બાંધવ હતા અને તે જ પાંડવોના વંશમાં હું જન્મેલો છું. અને શ્રીકૃષ્ણે મારા પ્રાણની રક્ષા કરી હતી. વળી તે પાંડવ વંશનો જ હોવાને કારણે આ વખતે પણ શ્રીકૃષ્ણે મારો ઉદ્ધાર કરવા માટે આપને મારી પાસે મોકલ્યા છે. નહિ તો કોઈ સહેજેય આપનાં દર્શન ન પામે તે જ આત્મારામ શિરોમણિ એવા આપ સ્વયં પધાર્યા છો અને મારા જેવી મરણાસન્ન વ્યક્તિને તત્ત્વજ્ઞાન આપીને કૃતાર્થ કરો. તેથી તમને પૂછું છું :

अत: पृच्छामि संसिद्धिं योगिनां परमं गुरुम् ।
पुरुषस्येह यत्कार्यं म्रियमाणस्य सर्वथा ॥

(१.१९.३७)

યોગીઓના પરમ ગુરુ સર્વસિદ્ધિ દાતા એવાં આપનાં જ્યારે દર્શન પામ્યો છું ત્યારે મરણાસન્ન જીવનું કર્તવ્ય શું એ પૂછ્યા વગર રહી શકતો નથી. પરીક્ષિત વધુમાં બોલ્યા :

यच्छ्रोतव्यमथो जप्यं यत्कर्तव्यं नृभि: प्रभो ।
स्मर्तव्यं भजनीयं वा ब्रूहि यद्वा विपर्ययम् ॥

(१.१९.३८)

હે પ્રભુ! જીવોને જેમનું શ્રવણ કરવું ઉચિત, કેટલા જપ કરવા જોઈએ, કેટલા નિયમો પાળવા જોઈએ, કોનું સ્મરણ કરવું, કોનું ભજન કરવું યોગ્ય અને જેનાથી પરમાર્થ પ્રાપ્તિમાં વિઘ્ન ન આવે તે અંગે કૃપા કરીને મને ઉપદેશ આપો. પરીક્ષિત ફરી બોલ્યા : આપને તો ગૃહસ્થોના ઘરે થોડા સમય માટે પણ રોકાતા જોયા નથી. તેમ જ આપનાં દર્શન તો બહુ સૌભાગ્ય હોય તો જ મળે છે. 

પરીક્ષિતનો પ્રશ્ન – મૃત્યુ સમયે મારે શું કરવું જોઈએ, મારે શું સાંભળવું – કયા નિયમ પાળવા – કયો મંત્ર જપવો – ભગવાનની અનંત મૂર્તિઓમાંથી કઈ મૂર્તિનાં ચરણે આત્મસમર્પણ કરવું અને મારા માટે કયું કામ ઈષ્ટ અને કયું અનિષ્ટકર તે કૃપા કરીને કહો, જેથી સાત દિવસની અંદર જ હું પૂર્ણતાને પામું – સાર્થક થાઉં.

મહારાજ પરીક્ષિતની મધુરવાણી અને અતિ માર્મિક પ્રશ્ન સાંભળીને સર્વજ્ઞાન સંપન્ન શુકદેવજી ખૂબ જ આનંદિત થયા અને કહ્યું : ‘વાહ, ખૂબ સુંદર પ્રશ્ન કર્યો છે.’

वरीयानेष ते प्रश्न: कृतो लोकहितं नृप ।
आत्मवित्सम्मत: पुंसां श्रोतव्यादिषु य: पर: ॥

(२.१.१)

શુકદેવજીએ કહ્યું : ‘હે રાજન, જીવે કોનું શ્રવણ કરવું જોઈએ? તે અંગે જે પ્રશ્ન કર્યો તે શ્રેષ્ઠ પ્રશ્ન છે અને અહીં ઉપસ્થિત આત્મવિદો પણ આ પ્રશ્નને અનુમોદન આપશે. આ પ્રશ્નથી જગતનું પરમ કલ્યાણ થશે. 

શુકદેવજી કહે છે કે તારા આ પ્રશ્નમાં કોઈનો કશો વાંધો ન હોઈ શકે. બદ્ધજીવથી માંડીને મુક્ત આત્મારામ પર્યંત બધા માટે આ જ ચિંતાનો વિષય છે, કેમ કે મૃત્યુ તો બધાની પાછળ પડેલું છે અને તેથી જીવમાત્ર મૃત્યુને અધીન છે. તેથી મૃત્યુના હાથથી બચવાના પ્રયત્ન કરવા એ બધાને માટે સર્વોપરિ કર્તવ્ય છે.

મહારાજ પરીક્ષિત શુકદેવજીને કહે છે : ‘પાંડવોના રક્ષણહાર શ્રીકૃષ્ણે જ આપને મારી પાસે મોકલ્યા છે, નહિ તો મારાં એવાં તે ક્યાં પુણ્ય છે કે, આ સમયે આપનાં દર્શન થાય? ત્યારબાદ પ્રશ્ન કરે છે – મરણાસન્ન જીવનું કર્તવ્ય શું છે? અને તેણે ક્યાં કથાકીર્તન સાંભળવાં જોઈએ અને શાનો ત્યાગ કરવો જોઈએ. પ્રશ્ન પરથી જ સમજી શકાય છે કે, પરીક્ષિત જગત સાથેના સંબંધનો ત્યાગ કરીને જગતપતિ ભગવાન સાથે સંબંધ જોડવા માટે વ્યાકુળ બન્યા છે અને શુકદેવજીને તેના ઉપાય માટે પૂછે છે. પરીક્ષિતના મનનો ભાવ જાણીને શુકદેવજીએ કહ્યું કે, वरीयानेष ते प्रश्नः – તમારો આ પ્રશ્ન શ્રેષ્ઠતર છે. કોના કરતાં, ક્યા પ્રશ્નોથી આ પ્રશ્ન શ્રેષ્ઠતર છે? એ અંગે શુકદેવ કહે છે કે તમારા (પિતામહ) દાદા અર્જુને કુરુક્ષેત્રના યુદ્ધમાં શ્રીકૃષ્ણને જે પ્રશ્ન કર્યા હતા તેના કરતાં તમારો આ પ્રશ્ન શ્રેષ્ઠતર છે. કારણ અર્જુને વિચાર્યું હતું કે કુરુક્ષેત્રના યુદ્ધમાં પોતાના આત્મીય, બાંધવ વગેરે બધાનું મૃત્યુ થશે અને એવા ખાલીખમ રાજ્યના શાસક થવાથી શો ફાયદો? તેથી અર્જુને પૂછ્યું: ‘હવે હું શું કરું? શું કરવાથી મારું કલ્યાણ થશે? મને ઉપદેશ આપો’ અને પરીક્ષિત તમે જીવનસંગ્રામ વચ્ચે વિચારો છો કે, હવે તો બહુવાર નથી. આ વેળાએ જ ભવપાર કરવાની સાધના કરી લેવી પડશે. તેથી તો તમે ભવ-ભય-હારી શ્રીહરિની કથા સાંભળવા માટે મને પ્રશ્ન કરો છો. અર્જુને તો જગતના વિષય અંગે પ્રશ્ન કર્યો હતો અને તમે પ્રશ્ન કરો છો- જગતપતિ વિશે તેથી જ કહું છું કે, તમારો પ્રશ્ન શ્રેષ્ઠતર છે. એનાથી જગતનું યથાર્થ કલ્યાણ થશે.

જગતના બધા જીવ જાણે મોહાંધકારમાં સબડે છે. તેથી હું કોણ અને હું કોનો? એવો પ્રશ્ન કોઈનાં મનમાં ઉદ્‌ભવતો નથી. પરંતુ આ પ્રશ્ન જ બધાના મનમાં સૌ પ્રથમ ઊઠવો જોઈએ કે હું કોણ અને વાસ્તવમાં મારું પોતાનું કોણ? આ પ્રશ્ન સિવાય બીજા કેટલાક વિચાર મનમાં આવે અને તેના માટે કેટકેટલા સિદ્ધાંત કેટકેટલા પ્રયત્નો! દુર્લભ મનુષ્યજીવન પૈસા કમાવામાં અને વિષયભોગમાં દુ:ખકષ્ટ વેઠતાં વીતી જાય છે. અસલ વસ્તુ તરફ કોઈની દૃષ્ટિ જતી નથી. શુકદેવજીએ સૌ પ્રથમ એક નાનકડા શ્લોક દ્વારા પરીક્ષિતને ઉત્તર આપતા કહ્યું.

तस्माद्भारत सर्वात्मा भगवानीश्वरो हरि: ।
श्रोतव्य: कीर्तितव्यश्च स्मर्तव्यश्चेच्छताऽभयम् ॥

(२.१.५)

હે પરીક્ષિત! જેઓ મૃત્યુની પાર જવા ઇચ્છે છે, તેમણે સર્વમય ભગવાન શ્રીહરિની કથા સાંભળવી, કીર્તન કરવું અને સ્મરણ કરવું યોગ્ય છે. આ જ જીવનું પરમ કર્તવ્ય છે. યાદ રાખવું જોઈએ કે પરીક્ષિતના પ્રશ્નથી જ ભાગવતકથાનો આરંભ થયો. પરીક્ષિતનો પ્રશ્ન છે, મુમૂર્ષુ જીવનું કર્તવ્ય શું? પ્રત્યેક જીવ મૃત્યુને અધીન છે અને વળી ક્યારે, કોનું મૃત્યુ થશે તે તો કોઈ કહી શકે નહિ. તેથી તો મૃત્યુ તો જીવનું ચિરસાથી છે. તે સિવાય અનંતના વ્યાપમાં જીવનનાં કેટલાંક વરસો તો અતિ અલ્પ સમય કહેવાય. તેથી બધા જ મૃત્યુપરાયણ, બધા જ મુમૂર્ષુ છે. જીવનું કર્તવ્ય શું કે જેથી તે સાત દિવસમાં એટલે કે, અતિ અલ્પ સમયમાં કૃતકૃત્ય થઈ શકે? શુકદેવજી અતિ ટૂંકાણમાં સૌ પ્રથમ સૂત્રાકારે મનુષ્યજીવનના આ ચરમ પ્રશ્નનો ઉત્તર આપ્યો – સર્વવ્યાપી ભગવાન શ્રીહરિની કથા-શ્રવણ, કીર્તન અને સ્મરણ કરવું એ જ મનુષ્ય જીવનનું કર્તવ્ય છે. તેથી સમજી શકાય કે ભાગવતની મૂળકથા છે : ‘ભગવાનનું સ્મરણ, મનન, કીર્તન કરવું. આ જ સારવસ્તુ છે.’

શુકદેવજીએ કહ્યું : ‘જ્ઞાન, કર્મ, ધર્મ, યોગ વગેરે સાધનાની સિદ્ધિ જ ‘નારાયણ સ્મૃતિ’ છે.’ એટલે કે ભગવાન શ્રીકૃષ્ણનું સ્મરણ. જો મૃત્યુ સમયે મનમાં ભગવાનનું સ્મરણ ન આવે તો મનન, વૈરાગ્યનો અભ્યાસ, વર્ણાશ્રમધર્મનું પાલન, સાંખ્યયોગ, અષ્ટાંગયોગ વગેરેનું અનુસરણ કરવા છતાં જીવ કૃતાર્થ થઈ શકે નહિ. જો મનુષ્યને મૃત્યુસમયે નારાયણ સ્મરણ – ભગવાનનું સ્મરણ મનમાં ન આવે તો, યોગ શું કે યાગયજ્ઞ શું આ કશાનો કોઈ અર્થ નથી. તેથી કહું છું :

प्रायेण मुनयो राजन्निवृत्ता विधिषेधत: ।
नैर्गुण्यस्था रमन्ते स्म गुणानुकथने हरे: ॥

(२.१.७)

સનક, સનતકુમાર, નારદ વગેરે જીવન્મુક્ત મહાપુરુષો બધા પ્રકારના વિધિનિષેધથી પર અને બ્રહ્મનિષ્ઠ, નિર્ગુણ અવસ્થા પ્રાપ્ત કરીને પણ ગોવિંદગાન-કીર્તન દ્વારા જ પરમ આનંદ પ્રાપ્ત કરે છે. આ પરથી સમજી શકાય કે, બ્રહ્માનુભૂતિ કરતાં ભગવાનનાં નામ-રૂપ-ગુણ-લીલાનાં કીર્તનનું માધુર્ય વિશેષ છે. નહિ તો નારદ વગેરે આત્મજ્ઞપુરુષો નિર્ગુણ અવસ્થાએ પહોંચ્યા પછી પણ શા માટે ગોવિંદના આટલાં ગુણગાન કરે? નારદ વગેરે મહાપુરુષો જાણે છે કે, નિર્ગુણ અદ્વૈત તત્ત્વ જ માણસ પર કૃપા કરીને રામ, કૃષ્ણ વગેરે અનેક દેહરૂપ ધારણ કરીને અપાર્થિવ લીલા કરે છે. શ્રીરામકૃષ્ણદેવ જેમ કહેતા, સમુદ્રનું પાણી ક્યાંક ક્યાંક ઠંડીથી થીજીને બરફ થઈ જાય, તે જ રીતે સચ્ચિદાનંદ સાગરનું જળ ભક્તિ-હિમથી અવતાર રૂપ ધારણ કરે છે. જેથી મનુષ્ય એ સચ્ચિદાનંદ મૂર્તિ, અવતારની મધુરલીલાની કથા સ્મરણ-ચિંતન કરીને રસમય-કૃષ્ણમય થઈ શકે! નિર્ગુણ, નિરાકાર બ્રહ્મનું ચિંતન અતિ કઠિન. સાધારણ લોકો માટે તે સંભવે નહિ. તેથી તે પરમ અવ્યય-તત્ત્વ કૃપા કરીને દેહ ધારણ કરે, ત્યારે માણસ તેનું ચિંતન કરીને આનંદિત થાય છે. આ તો તેની મહાન કૃપા! તેથી હે મહારાજ, મૃત્યુગ્રસ્ત માણસનું બીજું શું કર્તવ્ય હોઈ શકે? સમસ્ત સાધનાઓની સિદ્ધિમાં જે મહાન સંપદ્‌ પ્રાપ્ત થાય, તે જ ગોવિંદ ગુણ-શ્રવણ અને કીર્તનમાં મગ્ન રહેવું એ બધાનું એકમાત્ર કર્તવ્ય છે. આ મારી જ અવસ્થા જુઓ.

શ્રીમદ્‌ ભાગવત નામના સર્વવેદ તુલ્ય પુરાણનો દ્વાપર યુગના અંતે મારા પિતા વ્યાસદેવ પાસે મેં અભ્યાસ કર્યો હતો. હું નિર્ગુણ બ્રહ્મમાં મગ્ન રહેતો હોવા છતાં શ્રીકૃષ્ણની લીલામાધુર્યથી આકર્ષાઈને આ ભાગવત પુરાણનું અધ્યયન કર્યું છે. શુકદેવજીએ ઉમેરતાં કહ્યું : ‘ભગવાનનાં ગુણ અને લીલા શ્રવણથી જે આનંદ થાય, તે બ્રહ્માનંદ કરતાંય વધારે!’

તેઓ પોતે નિર્ગુણ બ્રહ્મનિષ્ઠ હોવા છતાંય વ્યાસદેવ પાસે ગોવિંદગુણલીલા વર્ણનપ્રધાન ભાગવતનું શ્રવણ કર્યું હતું. શુકદેવજી કહે છે કે, ભગવાનની લીલાકથાનો એવો તો મહિમા અને આકર્ષણશક્તિ છે કે બ્રહ્મમગ્ન પરાયણ એવા મને પણ ભગવત્‌ માધુર્ય આસ્વાદન કરાવ્યું અને એની તો એવી માધુર્ય શક્તિ છે કે તેના આસ્વાદનને માટે વધુ ને વધુ લોભી બનાવે છે. હું આટલા દિવસ મૌન હતો. કોઈની સાથે વાત ન કરતો. પરંતુ આજે તમને જોઈને તમારી પાસે ગોવિંદલીલાની કથા વર્ણવવાની મને પ્રબળ ઇચ્છા થાય છે. 

હે પરીક્ષિત! તમે મહાન પૌરુષી શ્રીકૃષ્ણના અનુગ્રહ પાત્ર છો. તેથી આ ભાગવત પુરાણ હું તમને કહીશ. એમાં શ્રદ્ધા રાખવાથી શ્રીગોવિંદ પ્રત્યે નિશ્ચલાભક્તિ પ્રાપ્ત થાય છે અને કહે છે :

एतन्निर्विद्यमानानामिच्छतामकुतोभयम् ।
योगिनां नृप निर्णीतं हरेर्नामानुकीर्तनम् ॥

(२.१.११)

હે મહારાજ! ભક્ત, સ્વર્ગ કે મોક્ષાકાંક્ષી, કર્મી, જ્ઞાની અને યોગી બધાં જ ભગવાનનાં નામ કીર્તનને એક માત્ર દુ:ખહારી સર્વભયહારક કહે છે.

ભગવાનનાં નામકીર્તનને ‘અકુતોભય’ કહેવાય છે. એટલે કે નામકીર્તનમાં કોઈ પ્રકારના પતનની આશંકા નથી. યાગ, યજ્ઞ, જ્ઞાનનાં સાધન વગેરેમાં પગલે પગલે પતનની આશંકા રહેલી છે. તેથી સાધકો બધું ત્યાગ કરીને સર્વફળના દાતા ગોવિંદનું નામ કીર્તન કરે છે.

મૃત્યુની અણી પર રહેલા જીવનાં કર્તવ્ય અંગે બોલતાં શુકદેવજીએ શ્રવણ, કીર્તન અને સ્મરણ – આ ત્રણ પ્રકારની સાધનાની વાત અગાઉ તેમણે કહી છે. આ શ્લોકમાં તેમણે અત્યંત સહજ, મહાશક્તિશાળી અને કળિયુગના જીવના એક માત્ર કર્તવ્ય નામસંકીર્તનને પ્રાધાન્ય આપ્યું છે. પદ્મપુરાણમાં કહ્યું છે : શ્રીભગવાનનાં નામ, રૂપ, ગુણ અને લીલા વગેરેની સ્મૃતિથી જીવનાં અશેષ પાપ દૂર થાય છે તે તો બરાબર છે. પરંતુ તે બહુ આયાસ સાધ્ય છે, પરંતુ નામકીર્તન તો માત્ર હોઠના સ્પંદનથી સધાય છે. તેથી નામસંકીર્તન જ સર્વ પ્રકારે સહજ અને સમસ્ત સાધનાઓમાં શ્રેષ્ઠ છે. શ્રીચૈતન્યદેવ તેમના શિક્ષાષ્ટકમ્‌માં કહે છે : नाम्नामकारी बहुधा निज सर्वशक्ति स्तत्रार्पिता नियमितः स्मरणे न कालः ભગવાનનાં ઘણાં નામ છે – અનંત નામ અને પ્રત્યેક નામમાં તેમની સમસ્ત શક્તિ રહેલી છે. તે ઉપરાંત નામકીર્તન કરવા માટે કોઈ ચોક્કસ સમય કે નિયમ નથી. જ્યારે ઇચ્છા થાય ત્યારે ભગવાનનાં નામકીર્તન કરી શકાય.

શુકદેવજી કહે છે – હે મહારાજ, ભગવાનનાં નામકીર્તન જ યોગી, જ્ઞાની, કર્મયોગી, ભક્ત બધાનો સંસાર ભય દૂર કરી શકે છે અને સાધક સકળ પ્રકારની સાધનાની ફળપ્રાપ્તિ કરી શકે. હું જ કેવળ આ વાત કહું છું તેમ નથી. અગાઉના આચાર્યો એ પરીક્ષા કરીને આવું વિધાન કર્યું છે. તેથી કહું છું મહારાજ! નજીકમાં મૃત્યુ નિશ્ચિત હોય ત્યારે તમે વળી બીજી શી સાધના કરશો? પરમ સાધન ગોવિંદ નામકીર્તન કરો અને તેમાં જ તમે મગ્ન થાઓ. તેમાં જ તમારું સર્વાર્થ સિદ્ધ થશે.

જીવ ભગવાનને ભૂલીને વિષય સુખની આશામાં જીવનનો દીર્ઘકાળ તો વીતાવી દે પરંતુ તેનાથી તો પરમાર્થ પદ લાભ થાય નહિ. કેવળ બચી રહેવાથી ઈશ્વરપ્રાપ્તિનો જીવન ઉદ્દેશ્ય સફળ થાય નહિ. પરંતુ જ્યારે જીવ પોતાની ભૂલ સમજી શકે, ત્યારે તે પરમાર્થ પરમ પ્રાપ્તિના લાભનો માર્ગ શોધે અને ત્યારે જ તેના જીવનનો યોગ્ય સમય ઉપસ્થિત થાય છે.

किं प्रमत्तस्य बहुभि: परोक्षैर्हायनैरिह ।
वरं मुहूर्तं विदितं घटते श्रेयसे यत: ॥

(२.१.१२)

વિષયાસક્ત થઈને માણસ અજ્ઞાનમાં ઘણાં વર્ષો વિતાવી દે છે. પરંતુ તેનાથી કોઈ ફળ મળતું નથી. પરંતુ જે મૂહુર્તે માણસ સમજી શકે છે કે, ‘જીવન નકામું વેડફાઈ રહ્યું છે’ તે જ ક્ષણ અગાઉનાં વર્ષોથી શ્રેષ્ઠ છે કારણ કે, ત્યારે જ તે પોતાના યથાર્થ કલ્યાણ માટે પ્રયત્નશીલ બને છે.

આ અંગે એક વાર્તા છે. પહેલાંના જમાનામાં ખટ્‌વાંગ નામના એક રાજાએ દેવતાઓનો પક્ષ અવલંબન કરીને અસુરોને યુદ્ધમાં હરાવ્યા હતા. દેવતાઓ ખુશ થઈને તેમને વરદાન દેવા ઇચ્છતા હતા. ત્યારે રાજાએ કહ્યું : ‘વરદાન તો આપશો. પરંતુ પહેલાં કહો કે મારું હવે કેટલું આયુષ્ય છે?’ દેવતાઓએ કહ્યું: ‘રાજર્ષિ, હવે એક મૂહુર્ત માત્ર તમારું આયુષ્ય રહ્યું છે.’ આ વાત સાંભળીને રાજાએ ઝડપથી દેવતાઓ પાસેથી અતિદ્રુત રથ લઈ તેના પર સવાર થઈને પૃથ્વી પર શીઘ્ર્ર આવ્યા અને શ્રીગોવિંદના શરણાગત થઈને કૃતકૃત્ય થયા.

રાજર્ષિ ખટ્‌વાંગ પરમાયુ જાણી શક્યા અને એક મુહૂર્તમાં બધું જ ત્યાગ કરીને સર્વ ભય હરનાર ભગવાન શ્રીકૃષ્ણનું શરણ લીધું. સ્વર્ગ તો ભોગ ભૂમિ છે તેથી રાજર્ષિ સ્વર્ગ ત્યાગ કરીને કર્મભૂમિ-સાધન ભૂમિ, પૃથ્વી પર સાધન કરવા માટે આવ્યા હતા. શુકદેવજી કહે છે : ‘હે મહારાજ! હવે તો સમય નથી. આ વેળા ભવનદી પાર કરવાનો ઉપાય કરો – આ જ્ઞાન જેને થાય તે એક મુહૂર્તમાં જ કૃતાર્થ થાય છે.’ પરીક્ષિતને દીક્ષા આપીને શુકદેવજી કહે છે : ‘તમારી પાસે તો હજુ સાત દિવસનો સમય છે, આ સાત દિવસમાં તમે ભવપાર થવા માટેનો આધાર મેળવી લો. મૃત્યુને આવતું જોઈને શરીર-ઘર છોડીને કેવી રીતે ક્યાં જવું? એવા ભયથી ભાન ભૂલીને દિશાશૂન્ય ન બનશો. દેહ વગેરેથી અનાસક્ત થવા પ્રયત્ન કરવો એ જ સાચા બુદ્ધિમાનનું કામ છે. અનાસક્ત રૂપી મહાઅસ્ત્ર દ્વારા જ સમસ્ત બંધન છેદી શકાય. ગૃહ જે મોહનો આકાર ધારણ કરે છે તેનો ત્યાગ કરીને પુણ્યતીર્થમાં જઈને ભગવાનમાં મન જોડવું જોઈએ. આ બધું તો તમે કરો જ છો. સર્વસ્વ ત્યાગ કરીને ગંગાતીરે પ્રાયોપવેશન કરીને તમે શ્રીભગવાનના શરણાગત થયા છો. તેથી તમારે હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે પરમ પુરુષ શ્રીકૃષ્ણના એકાંત ભક્ત છો. હવે હું તમને શ્રીકૃષ્ણલીલા વર્ણન પ્રદાન શ્રીમદ્‌ ભાગવત કથા કહીશ, કે જેને મેં મારા પિતા વ્યાસદેવ પાસેથી સાંભળી હતી. આ ભાગવત કથા સાંભળી ભગવાનનાં નામકીર્તન કરો, તેમની લીલાનું સ્મરણ કરો. તમે ભગવાનમાં ચિત્ત પરોવી અને ઈશ્વરમાં તલ્લીન થઈને ધન્ય થાઓ.

પરીક્ષિતને લક્ષમાં રાખીને શુકદેવજી જાણે જગતના સમસ્ત લોકોને કહે છે : જીવન તો ક્ષણભંગુર, કમળનાં પાંદડાં પરનાં જલબિંદુ જેવું ચંચળ છે. વળી અનંત કાળની તુલનામાં એકસો વર્ષનું જીવન પણ બહુ નાનું કહેવાય. તેથી સમજી શકાય કે પ્રત્યેક માણસ મરણશીલ છે. મૃત્યુમુખી બધા જીવની સ્થિતિ પરીક્ષિત જેવી જ છે. તો પછી મનુષ્યે શું કરવું જોઈએ? શુકદેવ કહે છે : ભગવાનના ચિંતનમાં જીવન વિતાવવું એ જ બુદ્ધિશાળીનું કામ છે. શ્રીમદ્‌ ભાગવતમાં આ વાત જ વિશેષ રીતે કહેવામાં આવી છે.

આ રીતે શુકદેવજીએ પરીક્ષિતને ભાગવત કથા કહેવાનો આરંભ કર્યો અને ક્રમશ: અષ્ટાંગયોગ, જ્ઞાન, કર્મ, ભક્તિ, વર્ણાશ્રમધર્મ, દેવતા અને રાજાઓની કીર્તિગાથા, ભક્તોનું અપૂર્વ જીવન, વિભિન્ન અવતારોની કથા, ખાસ કરીને શ્રીકૃષ્ણની પરમ મનોહર અપાર્થિવ લીલાની કથા વિસ્તારથી સાત દિવસ સુધી બોલ્યા – જેથી ભગવાનની વાતો સાંભળતાં સાંભળતાં પરીક્ષિત ભગવાનમય, કૃષ્ણમય થઈ શકે.

જો કે પરીક્ષિત માટે શુકદેવજીએ ભાગવત કથા કહી હતી. તો પણ ભાગવત પ્રત્યેક મનુષ્યના જીવનની પરમ સંપત્તિ છે. કેટલા લોકો ભાગવતમાંથી પ્રેરણા પામીને જીવનમાં શાંતિ અને આનંદ મેળવે છે, કે તેનો કોઈ પાર નથી. જે લોકો આ ભાગવત કથા સાંભળશે, ભગવાનનું નામકીર્તન કરશે, તે ધન્ય થશે. મૃત્યુભયથી મુક્ત થઈને ચિર શાંતિ પામશે.

(ક્રમશ:)

Total Views: 78

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.