બેલુર મઠની અને શ્રીરામકૃષ્ણ મિશનની સ્થાપના થઈ, સ્વામી વિવેકાનંદ અમેરિકા ગયા અને જગપ્રસિદ્ધ બન્યા. તેની પહેલાં જામનગરને સ્વામી વિવેકાનંદના વિખ્યાત ગુરુભાઈ સ્વામી અખંડાનંદના લગભગ એક આખા વરસના રોકાણનો લાભ મળ્યો હતો. ‘ફ્રોમ હોલી વોંડરિંગઝ ટુ સર્વિસ ઓફ ગોડ ઈન મેન’ નામના પોતાના પુસ્તકમાં સ્વામી અખંડાનંદે (પૃ.૬૦-૬૧) જણાવ્યા પ્રમાણે સ્વામી વિવેકાનંદે પણ જામનગરને પાવન કર્યું હતું. સ્વામી અખંડાનંદજીએ જામનગરના મૂળજી વ્યાસ (મૂળજી જેઠાલાલ વ્યાસ. એ મહાન સંગીતકાર આદિત્ય રામજીના શિષ્ય હતા. જોડિયા પાસેના હડિયાણાના ઔદિચ્ય બ્રાહ્મણ એ હતા.) નામના પ્રખ્યાત સંગીતકારને સાંભળ્યા હતા અને સુવિખ્યાત વૈદરાજ ઝંડુ ભટ્ટને પણ મળ્યા હતા. સ્વામી વિવેકાનંદ ઈ.સ. ૧૮૯૨માં કચ્છ ગયા હતા ત્યારે તેઓ જામનગર આવ્યા હોય એ સંભવ છે. ત્યારે કંડલા બંદર અસ્તિત્વમાં ન હતું અને જામનગરના રોઝી બંદરેથી વહાણો કચ્છનાં ત્રણ અગત્યનાં બંદરો તુણા, મુંદ્રા અને માંડવી જતાં, કંડલા ૧૯૩૦ પછી અસ્તિત્વમાં આવ્યું હતું. આમ સ્વામી વિવેકાનંદની પદરેણુનો લાભ પણ જામનગરને મળ્યો હોવાનો સંભવ છે.

પણ ઉપરની કંડિકામાં જેમનો ઉલ્લેખ કર્યો છે તે, સ્વામી અખંડાનંદ જામનગરમાં લગભગ એક વર્ષ જેટલો સમય રહ્યા હતા. પોતાના એ ‘હોલી વોંડરિંગઝ…’ પુસ્તકના ૪૬ થી ૬૬ એમ પૂરાં વીસ પૃષ્ઠોમાં સ્વામી અખંડાનંદે પોતાના જામનગર નિવાસની રસિક વાતો કરી છે. એ પુસ્તકના પૃ. ૪૬ પર અખંડાનંદ જણાવે છે કે, ‘પોરબંદરથી સ્વામીજી જૂનાગઢ ગયા અને… હું જેતપુર, ગોંડલ, રાજકોટ થઈ જામનગર ગયો.’ સને ૧૮૯૩ની સાલ બેસી ચૂકી હોય એમ, પોતાના ‘૧૮૯૩ના અનુભવ’ વિશે લખવાનો ઉલ્લેખ સ્વામી અખંડાનંદે કર્યો છે. (પૃ. ૪૬) તેના પરથી જણાય છે. પુસ્તકના આ ૪૬મા પૃષ્ઠ પર સ્વામી અખંડાનંદ ભારપૂર્વક જણાવે છે કે : ‘સેવાવૃત્તિનો ઉદ્‌ભવ જામનગરમાં થયો; એની ઉત્ક્રાંતિ રાજસ્થાનના ખેતડીમાં થઈ અને મુર્શિદાબાદમાં એને વિકાસ અને પરિપક્વતા પ્રાપ્ત થયાં.’

સ્વામી અખંડાનંદનું આ વિધાન ખૂબ વેધક છે અને ૧૮૯૭માં, માત્ર પા રૂપિયાની મૂડીથી પોતે રામકૃષ્ણ મિશનની સૌથી પહેલી દુષ્કાળ નિવારણ પ્રવૃત્તિ કેવી રીતે આરંભી હતી તેના ઉપર પ્રકાશ પાથરે છે. સાવ સહજ રીતે આરંભાયેલા એ સેવાકાર્યના આરંભ પાછળની પ્રેરણાનો મંત્ર તેમજ પ્રત્યક્ષ દૃષ્ટાંત સ્વામી અખંડાનંદને જામનગરમાં લાધ્યા હતા.

અગાઉ જણાવ્યા પ્રમાણે સ્વામી અખંડાનંદ જામનગરમાં એક વર્ષ જેટલો લાંબો સમય રોકાયા હતા. જામનગર આવતાંવેંત એ પ્રખ્યાત વૈદરાજ ઝંડુ ભટ્ટના નાના ભાઈ મણિશંકરના મહેમાન બન્યા હતા. મણિશંકર અને ઝંડુ ભટ્ટ બંને ભાઈઓ સાથે જ રહેતા હોવાનો સંભવ છે. એ બંને પ્રશ્નોરા નાગર ભાઈઓ માત્ર વૈદની હાટડી ખોલીને બેઠા ન હતા. એ બંને અવિધિસરની હોસ્પિટલ પણ ચલાવતા હતા અને પોતાના ઘરથી એક દોઢ કિલોમીટરને અંતરે, નાગમતી નદીને કાંઠે આવેલા સુખનાથ મહાદેવના મંદિરને અડીને આવેલી વિશાળ જગ્યામાં જાતજાતની ઔષધિઓ ઉગાડતા હતા અને એ વનસ્પતિઓમાંથી વિવિધ ઔષધિઓ તૈયાર કરનારી ઔષધશાળા પણ ત્યાં હતી. આથી દવાઓનું તાજાપણું અને તેમની ચોખ્ખાઈ જળવાતાં.

સ્વામી અખંડાનંદ ભટ્ટજીને ત્યાં બે વાર મળીને ચાર છ માસ રોકાયા હશે. એમના એ નિવાસ દરમિયાન એમણે ઝંડુ ભટ્ટની દિનચર્યાનું બારીકાઈપૂર્વક અવલોકન કર્યું. ભટ્ટજી સતત એક મંત્ર બોલતા રહેતા. સ્વ. હાથીભાઈ શાસ્ત્રીએ જણાવ્યા મુજબ ભટ્ટજી જે મંત્ર રટતા રહેતા તે રંતિદેવનો મંત્ર નીચે પ્રમાણે હતો :

को न स्यात् उपायोऽत्र येनाहं सर्वदेहिनाम्।
अन्तः प्रविश्य सततं भवेयं दुःख भाग भाक्॥

(અર્થ : ‘આ જગતમાં એવો કોઈ માર્ગ છે જેના વડે બધા જીવોના દેહોમાં પ્રવેશી તેમની પીડા ભોગવી શકું?’) 

રંતિદેવની આ ઉક્તિમાં શ્રીરામકૃષ્ણદેવે આપેલા, ‘શિવજ્ઞાને જીવસેવા’નો રણકો સંભળાય છે. ઝંડુ ભટ્ટ જે રીતે ગરીબ-દર્દીઓ સાથે વ્યવહાર કરતા હતા તે પણ અખંડાનંદજીની ચકોર નજરે ચડ્યા વિના નહીં જ હોય. એક રાંક મુસલમાન વિધવાના પુત્રને ભટ્ટજીએ પોતાના જ પલંગમાં દિવસો સુધી સુવાડ્યો હતો અને એને માટે મોસંબીના રસની તથા બીજા ખાદ્યની વ્યવસ્થા પણ ભટ્ટજીએ કરી હતી. (બનતાં સુધી એ દર્દીનું નામ અબ્દુલ કરીમ નવાબ હતુ. બ્રહ્મદેશ જઈ ચોખાના વેપારમાં એણે ખૂબ કમાણી કરી હતી.) માત્ર ગરીબ દર્દીઓ પ્રત્યે જ એમની સહાનુભૂતિ હતી એટલું નહીં પણ, વઢવાણ (હાલના સુરેન્દ્રનગર)ના ઠાકોર સાહેબે ભટ્ટજીને બોલાવતાં, ભટ્ટજી પોતાના સિગરામમાં વઢવાણ ગયા હતા અને ત્યાં દસેક દહાડા રોકાયા હતા એમની આ વિઝિટના અને એમણે આપેલી સારવારના બદલામાં, ઠાકોર સાહેબે થેલી ભરીને રૂપિયા આપ્યા પણ ભટ્ટજીએ એનો અસ્વીકાર કર્યો હતો કારણ, પોતે આપેલી સારવારથી ઠાકોર સાહેબ સાજા થઈ શક્યા ન હતા. સેવાધર્મનું આવું દૃષ્ટાંત ભાગ્યે જ જોવા મળે. સ્વામી અખંડાનંદની દક્ષ દૃષ્ટિએ આ બધું જોયું હતું અને એના કાયમી સંસ્કાર એમના ચિત્ત પર અંક્તિ થઈ ગયા હતા.

જામનગરમાં સ્વામી અખંડાનંદના બીજા યજમાન હતા શંકરજી શેઠ. એ વડનગરા નાગર હતા અને એમની અટક માંકડ હતી પણ એમની શરાફી પેઢી હતી તેને લઈને એ ‘શેઠ’ કહેવાતા. લુહાર સારના ચકલા પાસેની શેરીમાંના ઝંડુ ભટ્ટના ઘરથી દસેક મિનિટ ચાલવાને અંતરે આવેલા ડેલી ફળિયામાં એ રહેતા હતા. ભટ્ટજીની માફક એ પણ એ સમયના જામનગરના અગ્રગણ્ય નાગરિકોમાંના એક હતા. એ ઉદાર અને ધાર્મિક વૃત્તિના હતા. એમને ત્યાં સદાવ્રત ચાલતું અને રોજ એક સંન્યાસીને જમાડવાનો એમનો નિયમ હતો. પોતે વિધુર અને અપુત્ર હતા, ઘરમાં વિધવા માતા તથા ભત્રીજાઓ રહેતાં હતાં. ભત્રીજાઓની દૃષ્ટિ કાકાના પૈસા પર જ હતી.

આ શંકરજી શેઠ ભટ્ટજીને ત્યાં સ્વામી અખંડાનંદને મળ્યા હશે અને એમનાથી આકર્ષાયા હશે. એ આ સ્વામીથી પ્રભાવિત થયા હશે અને પોતાના સત્સંગના લાભ માટે એ શેઠ સ્વામીને પોતાને ઘેર લઈ ગયા હશે.

જામનગર એનાં મંદિરોને લઈને ‘છોટી કાશી’ કહેવાય છે. એ જમાનામાં, અખંડાનંદજીએ જણાવ્યા પ્રમાણે, ગામમાં ત્રણ અગ્નિહોત્રીઓ હતા તેમજ, ઋગ્વેદ, સામવેદ તથા યજુર્વેદનો પાઠ કરનાર બ્રાહ્મણો પણ હતા (મારા પ્રપ્રપિતામહે લખેલો ઋગ્વેદ મારી પાસે છે.) પાઠશાળામાં પ્રારંભિક સંસ્કૃત વ્યાકરણ તથા ક્રિયાકાંડ શિખવાડાતાં. મદ્રાસ યુનિવર્સિટીએ જેમના સામવેદના ગાનની રેકોર્ડ ઉતારી છે તે સ્વ. રેવાશંકર શાસ્ત્રીના ગુરુ સ્વ. લાભશંકર ત્રવાડી પણ જામનગરના જ હતા. ઝંડુ ભટ્ટના એ સમકાલીન હતા. સ્વામી અખંડાનંદ એમના પરિચયમાં આવ્યા જણાતા નથી. આ આડવાતને બાજુએ મૂકીએ.

શંકરજી શેઠ સ્વામી અખંડાનંદથી ખૂબ પ્રભાવિત થયા હતા. એ યુવાન સંન્યાસી પાસેથી શેઠજીએ એ સંન્યાસીના ગુરુ શ્રીરામકૃષ્ણ પરમહંસની કથા સાંભળી હશે તેમજ સ્વામી વિવેકાનંદ જેવા ઠાકુરના બીજા શિષ્યો વિશે પણ એમણે કંઈ સાંભળ્યું હોય. આ બધી કથાઓની પ્રબળ અસર હેઠળ શંકરજી શેઠે સ્વામી અખંડાનંદને કહ્યું : ‘આપ અહીં જ રોકાઈ જાઓ. હું પરમહંસદેવનું એક મંદિર બંધાવી આપું.’

પણ સ્વામી અખંડાનંદે તે વાતનો અસ્વીકાર કરતાં કહ્યું કે : ‘હું એ રીતે બંધાઈને રહી શકું નહીં. સાધુ ચલતા ભલા.’ અને એમના જામનગરથી જવા સાથે શ્રીરામકૃષ્ણનું મંદિર પણ ગયું? એ વાતને પૂરાં એકસો ને ચૌદ વર્ષ વીતી ગયાં છે પણ જામનગર હજી ઠાકુર મંદિર વિહોણું છે.

સ્વામીજીના બીજા કોઈ ગુરુભાઈઓ પછીથી દ્વારકાની યાત્રાએ જતાં જામનગરમાંથી પસાર થયા હોય પણ, અખંડાનંદજીની માફક કોઈ જામનગર ખાસ રોકાયા જણાતા નથી. રેલગાડી રાજકોટથી જામનગર પહોંચ્યા પછી બે એક દાયકે દ્વારકા સુધી પહોંચી હતી. વચ્ચેના ગાળામાં કોઈ આવ્યું હશે તો તે જામનગરથી પગરસ્તે દ્વારકા ગયેલ હશે. અને દ્વારકા સુધી રેલગાડી પહોંચતી થયા પછી, દ્વારકાની યાત્રાએ જનારા પ્રયોજન વિના જામનગર ન ઊતરે.

અહીં ૧૮૯૬ની ઈંગ્લેન્ડની સ્વામીજીની એક ઘટના સાથે જામનગરને થોડો સંબંધ છે તેનો ઉલ્લેખ અસ્થાને નહીં ગણાય. સને ૧૯૦૭માં જામનગરની ગાદીએ આવનાર જામસાહેબ રણજિતસિંહ ૧૮૯૬માં રાજકુમાર તરીકે ઈંગ્લેન્ડમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા. એમનું ક્રિકેટ ઉપરનું પ્રભુત્વ ત્યાર સુધીમાં પ્રગટ થઈ ચૂક્યું હતું. (એમના નામ પર શ્લેષ કરી, એ કાળના પ્રખ્યાત અંગ્રેજ લેખક એ. જી. ગાર્ડિનરે એમનું નામ ‘રનગેટસિંહ’ પાડ્યું હતું.) એ રણજિતસિંહની ક્રિકેટની જ્વલંત ફત્તેહના માનમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓના મંડળ ‘મજલીસે’ એક ખાણું રાખ્યું હતું અને તેમાં ‘ટોસ્ટ’નો ઠરાવ મૂકવા એ ‘મજલીસે’ સ્વામી વિવેકાનંદને નિમંત્ર્યા હતા. (કંમ્પલીટ વર્ક્સ, વો. ૯, પૃ. ૫૪૧). આમ, જામનગરના ભાવિ રાજવીને સ્વામીજીના હાથે સન્માનવાની મહાન તક સાંપડી હતી.

(૨)

પણ આ પછીના ચારપાંચ દાયકા જામનગર રામકૃષ્ણ – વિવેકાનંદ ભાવધારાથી તદ્દન અલિપ્ત રહ્યું હતું. રાજકોટનો રામકૃષ્ણ આશ્રમ વીસમી સદીના વીસીના દાયકામાં અસ્તિત્વમાં આવ્યો હતો અને એ પછી મુશ્કેલીઓની વચ્ચે પગભર થતો હતો. આજનું ભવ્ય મંદિર ત્યારે ન હતું, આખા સૌરાષ્ટ્રમાં માત્ર બે જ કોલેજો હતી તે તત્કાલીન શિક્ષણને નિર્દેશતી હતી અને, એ આશ્રમને પણ સહન કરવી પડતી અડચણોનો પાર ન હતો. વળી ત્યારે પ્રવાસનાં સાધનો પણ ટાંચાં હતાં એટલે રાજકોટનો રામકૃષ્ણ આશ્રમ વર્ષો સુધી મર્યાદિત પ્રવૃત્તિઓ જ કરતો હતો.

આ પરિસ્થિતિમાં દેશની આઝાદીએ અને દેશના વિભાજને પલટો આણ્યો. સિંધના કરાંચીથી આવેલા કેટલાક નિરાશ્રિતો કરાંચીના રામકૃષ્ણ આશ્રમના અને પૂજ્ય સ્વામી રંગનાથાનંદજીના ભક્તો હતા. કચ્છનું ગાંધીધામ ભારતનું કરાંચી બનવા તરફ વિકસાવાઈ રહ્યું હતું અને ત્યાં, ભાઈ પ્રતાપ વગેરે અનેક સિંધી ગૃહસ્થો વસતા હતા. પૂજ્ય સ્વામી રંગનાથાનંદજી દિલ્હીમાં ગોઠવાયા પછી ગાંધીધામ, જામનગર, અલિયાબાડા, રાજકોટ, શારદાગ્રામ વગેરે સ્થળોમાં વસેલા કરાંચીવાસીઓની અને સિંધીવાસીઓની મુલાકાતે આવવા લાગ્યા. જામનગરમાં સ્વ. કેશવજીભાઈ અંજારિયા સાથે અને અલિયાબાડામાં સ્વ. ડોલરભાઈ માંકડ સાથે સ્વામીજીને નિકટનો નાતો હતો. સ્વામી રંગનાથાનંદજીની કૃપા પામવાનું સૌભાગ્ય આ લેખકને પણ સાંપડ્યું હતું.

રાજકોટ આશ્રમના પૂ. ભૂતેશાનંદજી મહારાજે પણ ધીમે ધીમે આશ્રમની જડ ઊંડી અને સુદૃઢ કરી હતી અને કુદરતી આફતોને પ્રસંગોએ જામનગરના શ્રેષ્ઠીઓ પાસે એ આવતા હતા. આમ જામનગર પાછું આ પવિત્ર ભાવધારા ભણી વળવા મંડ્યું હતું. સ્વામી રંગનાથાનંદજી આવે ત્યારે ટાઉન હોલમાં એમનું જાહેર પ્રવચન યોજાય અને એ અંગ્રેજીમાં બોલે તેનો વાક્યે વાક્યે ગુજરાતીમાં અનુવાદ થાય, ‘ટાઉન હોલ’ ચિક્કાર જ હોય.

સને ૧૯૬૩માં સ્વામી વિવેકાનંદના જન્મ શતાબ્દિ ઉજવાઈ. જામનગરમાં પણ એ પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો અને તેના થોડા સમય પછીથી જામનગરમાં રામકૃષ્ણ – વિવેકાનંદ કેન્દ્રની અવિધિસરની સ્થાપના કરવામાં આવી. એ કાળે મૂળ સૌરાષ્ટ્રના જ પણ પછીથી નાસિક પાસે પંચવટીમાં પોતાનો આશ્રમ ચલાવતા સ્વામી ચૈતન્યાનંદજીને સ્વામી ભૂતેશાનંદજી રાજકોટ લાવ્યા હતા અને ‘સ્વામી વિવેકાનંદના કંપ્લીટ વર્ક્સ’ના આઠ ભાગ તથા ‘રામકૃષ્ણ કથામૃત’ના ત્રણ ભાગોના અનુવાદના ભગીરથ કાર્યમાં ચૈતન્યાનંદ મદદ કરી રહ્યા હતા. ભૂતેશાનંદજી અને ચૈતન્યાનંદજી ગાઢ મિત્રો હતા. સ્વામી ચૈતન્યાનંદજી દર શનિવારે જામનગર આવતા અને અંજારિયા કુટુંબના બંગલાના અતિથિગૃહમાં ઊતરતા. કેશવજીભાઈના પુત્ર જયંતીભાઈ તથા ભત્રીજા શાંતિભાઈ પણ શ્રીઠાકુરને રંગે રંગાયેલા હતા. સ્વ. શાંતિભાઈ રામકૃષ્ણ – વિવેકાનંદ કેન્દ્ર માટે જમીન પણ આપવા તૈયાર હતા. પણ રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના તત્કાલિન અધ્યક્ષને એ જમીન ખૂબ નાની લાગી હતી. શનિવારે રાતે રામનામ સંકીર્તન થતું અને રવિવારે સવારે ‘કથામૃત’માંથી વાચન થતું. શનિવારે આરતી પણ થતી. વીસપચીસ લોકોનો સમુદાય ભાવપૂર્વક આવતો. સ્વ. ડો. સેન, સ્વ. મધુભાઈ તન્ના, સ્વ. ઉછરંગભાઈ પંડ્યા, સ્વ. દોલતરાય આચાર્ય – એ કરાંચીમાં નિયમિત રીતે સ્વામી રંગનાથાનંદજીનાં ગીતા પ્રવચનો સાંભળવા આવતા – સ્વ. ચુનિભાઈ ત્રિવેદી, જાડેજા કુટુંબ વ. અન્ય મુખ્ય વ્યક્તિઓ હતી. આ લેખકને શિરે એ કાર્યની વ્યવસ્થાની જવાબદારી રહેતી. શ્રી વિદ્યોત્તેજક મંડળ સંચાલિત શ્રીમતી ઝવેરબાઈ નરભેરામ કુમાર મંદિરના મધ્યસ્થ ખંડમાં અમે સૌ એકત્રિત થતાં, પછી કુમારમંદિરમાંથી એ કેન્દ્રને ટાઉન હોલમાં દરવાજા સામેના મકાન તુલસી બાગમાં લઈ જવામાં આવ્યું.

પોતાનું અનુવાદ કાર્ય પૂરું થયે સ્વામી ચૈતન્યાનંદજી નાસિક ગયા અને, અમારા આ કેન્દ્રને ભૂતેશાનંદજી મહારાજનો લાભ મળ્યો. પણ ૧૯૬૫માં મારે એક વર્ષ માટે શિક્ષણ વિનિમય કાર્યક્રમ હેઠળ અમેરિકા જવાનું થતાં અમારી એ તુલસીબાગની સગવડનો અંત આવ્યો. પણ અમારું એ કેન્દ્ર બંધ થયું નહીં. સાત રસ્તા પાસે આવેલા એસ.ટી. ડીપોની સામે આવેલા શ્રી જાડેજાભાઈએ અને એમની બહેનોએ પોતાને ત્યાં એ કેન્દ્ર ચાલુ રાખ્યું. શ્રી ગજેરા નામના એક ગૃહસ્થ કથામૃતમાંથી વાચન કરતા અને આરતી વગેરેનો કાર્યક્રમ થતો. કેટલાક જૂના મિત્રો અવસાન પામી ગયા હતા. કેટલાક નવા આવતા પણ થયા હતા. આમ એ જાડેજા કુટુંબે જ્યોત જલતી રાખી હતી.

આ દરમિયાન કોઈ કોઈ સ્થળે શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અનુસારનાં કેન્દ્રો ઊભાં થવા લાગ્યાં હતાં. એ કેન્દ્રોને એકસૂત્રે બાંધવાનું અને માર્ગદર્શન આપવાનું સુંદર કાર્ય રાજકોટના શ્રીરામકૃષ્ણ આશ્રમે ઉપાડ્યું. રાજકોટના આશ્રમના માર્ગદર્શન હેઠળ અમે અમારા કેન્દ્રનું બંધારણ તૈયાર કરાવ્યું, એની નોંધણી કરાવી અને ૧૯૯૬ના જૂનમાં પૂજ્ય સ્વામી રંગનાથાનંદજી મહારાજને વરદ હસ્તે એનું વિધિસરનું ઉદ્‌ઘાટન કર્યું. પોતાની નાદુરસ્ત તબિયત છતાં પૂજ્ય સ્વામી રંગનાથાનંદજી ખાસ જામનગર પધાર્યા હતા. જામનગરની – અને રાજકોટની પણ – એ એમની અંતિમ મુલાકાત હતી. કરાચીના સ્વામીજીના ખૂબ નિકટના અંજારિયા ભાઈઓ, ડો.સેન તેમજ બીજા કેટલાક સ્થાનિક ભક્તો આ દુનિયા છોડી ગયા હતા.

આ કેન્દ્રમાં અમે દર શનિવારે સાંજે મળીએ છીએ અને આરતી તથા મૌન પછી ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ વાચનનો કાર્યક્રમ રાખીએ છીએ. દર રવિવારે એમ.પી. શાહ વૃદ્ધાશ્રમમાં સવારે દસથી રામનામ સંકીર્તનનો કાર્યક્રમ રાખીએ છીએ, કોઈ કોઈવાર કોઈ ભક્તને ઘેર પણ રામનામ સંકીર્તન રાખવામાં આવે છે.

જે વૃદ્ધાશ્રમનો ઉલ્લેખ કર્યો છે ત્યાંના ૬૦-૭૦ અંતેવાસીઓનું પૂરું તબીબી પરિક્ષણ એકવાર કરાવ્યું હતું અને એમાંથી જેમને આંખોની કોઈ સારવારની જરૂર હતી તેમને માટે તેની, ક્ષયચિકિત્સાની જરૂર હતી તેમને માટે તેની તથા એની બીજી જે જરૂરિયાતો હતી તેની વ્યવસ્થા આ કેન્દ્રે કરી હતી. ખંભાળિયા – દ્વારકાને રસ્તે નંદાણામાં તથા જોડિયા તાલુકાના ગામ કુંડળમાં મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યા હતા જેનો લાભ ૫૦૦ કરતાં વધારે લોકોએ લીધો હતો. ૧૯૯૮ના વાવાઝોડા વખતે, ૨૦૦૨ના ભૂકંપ વખતે તથા અતિવૃષ્ટિના વર્ષમાં રાજકોટના આશ્રમની નિગાહમાં કે સ્વતંત્ર રીતે રાહતકાર્ય આ કેન્દ્રે કર્યું હતું. આ ૨૦૦૭ની અતિવૃષ્ટિને સમયે રાજકોટ આશ્રમના અને પોરબંદર મિશનના સંન્યાસીઓની સાથે રહીને, દરેડ ગામમાં તથા તારાજ થયેલા ઝૂંપડાવાસીઓની સેવામાં પણ સહાય આપી હતી.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, રામકૃષ્ણ મિશન, પોરબંદર, લીંબડી તથા વડોદરાના સ્વામીજીઓએ અહીં પધારી અનેકવાર અમને માર્ગદર્શન આપ્યું છે તથા જાહેર સભાઓને સંબોધી છે અને કોઈ ને કોઈ શિક્ષણ સંસ્થાના વિદ્યાર્થીઓને તેમણે લાભ આપ્યો છે. આ રીતે અમે આ સ્વામીજીઓ પાસેથી પ્રેરણા લઈએ છીએ અને માર્ગદર્શન મેળવીએ છીએ. રાજકોટના તથા પોરબંદરના કેન્દ્રમાં પ્રસંગોપાત્ત અમે હાજરી આપીએ છીએ અને ત્યાં આવેલા બેલુડ મઠના કે બીજા કોઈ કેન્દ્રના સ્વામીજીને સાંભળી પ્રેરણા લઈએ છીએ. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના નવા મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને સમયે બેલુડથી મઠ-મિશનના પરમાધ્યક્ષ અને બીજા અનેક સંતો રાજકોટ આવ્યા હતા. તે સૌ દ્વારકાની યાત્રાએ જતાં જામનગરને પાવન કરી ગયા હતા. એકાદવાર શ્રીશારદામઠનાં સંન્યાસિની માતાજીઓએ પણ જામનગર પધાર્યાં હતાં.

અમારા કેન્દ્રના મકાન માટે અમે વર્ષોથી મથામણ કરતા હતા. બેએક વાર હાથતાળી આપીને જગ્યા છટકી ગઈ. પછી એક સજ્જને પોતાની વિશાળ જમીનમાંથી કોમન પર્પઝ પ્લોટ અમને અપાયો પણ ત્યાં અમને આ લોકહિતના કાર્ય માટે મકાન બાંધવાની મંજૂરી ન મળી. અમારા કેન્દ્રના માનદ મંત્રી શ્રી બળવંતસિંહ સરવૈયા કોઈ શુભ ચોઘડિયે શ્રી મુળુભાઈ કંડોરિયાને મળવા ગયા અને પળનાયે વિલંબ વિના એમણે પોતાની વિશાળ જમીનમાંથી ત્રીસ હજાર ચો. ફીટનો પ્લોટ અમને આપ્યો એટલું જ નહીં પણ, શ્રી મુળુભાઈએ એ જગ્યાની ફરતી દીવાલ – કમ્પાઉન્ડ વોલ – બાંધી આપવા પણ તત્પરતા બતાવી છે. મકાનનો નકશો તૈયાર થઈ ગયો છે અને એ મંજૂર થયે તુરત અમે બાંધકામ હાથ ધરીશું.

એ શુભ કાર્યમાં સાથ આપવા માટે અમે અપીલ બહાર પાડી છે. અને મુંબઈના સેન્ટર ફોર મોનિટરિંગ ઈંડિયન ઈકોનોમી સાથે એના આરંભથી સંકળાયેલા ખ્યાતનામ અર્થશાસ્ત્રી શ્રી દેવરાજ ચૌહાણે એ વિશે તા.૩૦મી જૂનના ‘જન્મભૂમિ-પ્રવાસી’માં લેખ લખતાં, વિવિધ સ્થળોએથી તદ્દન અજાણ્યા મિત્રો સહાયસરવાણી વહેવરાવવા મંડ્યા છે. અમને પૂરી શ્રદ્ધા છે કે ઠાકુર, મા અને સ્વામીજીની કસોટીમાંથી અમે પાર ઊતરશું અને અમારું આ કેન્દ્ર વિધિસરના શ્રીરામકૃષ્ણ મઠ-મિશનની શાખા બની જશે.

અમારું કેન્દ્ર ચાલુ થશે ત્યારે જામનગરના સદ્‌ગત શ્રેષ્ઠી શંકરજી શેઠ (માંકડ)નું સ્વપ્ન સાકાર થશે. અમે ભલે ટિપવાન વિંકલની માફક એક સદી સૂતાં રહ્યાં પણ હવે જાગ્રત બન્યાં છીએ એટલે એ પૂજ્ય ત્રિમૂર્તિની કૃપાથી, વરને પ્રાપ્ત કરશું.’

Total Views: 101

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.