રામકૃષ્ણ મિશન દ્વારા ૨૦૦૬ – ૨૦૦૭ના વર્ષમાં થયેલ રૂપિયા ૨૦૧.૮૯ કરોડનાં રાહતસેવાકાર્યો

રામકૃષ્ણ મિશનની ૯૮મી વાર્ષિક સાધારણ સભા બેલૂર મઠમાં ૧૬ ડિસેમ્બર, ૨૦૦૭ના રોજ બપોરના ૩.૩૦ વાગ્યે યોજાઈ હતી.

૪ નવેમ્બર, ૨૦૦૭ના રોજ રામકૃષ્ણ મઠ અને મિશનના ચૌદમા પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી ગહનાનંદજી મહારાજની મહાસમાધિની નોંધ સભ્યોએ ઊંડા શોક સાથે લીધી હતી. તેઓ ૯૧ વર્ષના હતા. ૨૭ વર્ષના સુદીર્ઘકાળ સુધી કોલકાતામાં આવેલ સેવાપ્રતિષ્ઠાન ઇસ્પિતાલ કેન્દ્રમાં એમણે રોગી અને પીડિત લોકો માટે કામ કર્યું હતું. ભારત અને ભારત સિવાયના વિભિન્ન દેશોનો પ્રવાસ ખેડીને એમણે વેદાંત તેમજ શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા સારદાદેવી અને સ્વામી વિવેકાનંદના સંદેશના પ્રચાર-પ્રસારમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. એમનું નિધન સંઘ માટે એક મોટી ઊણપ છે. સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ પંદરમા અધ્યક્ષ રૂપે નિયુક્ત થયા છે.

આ વર્ષે રામકૃષ્ણ મિશનનાં મધ્યપ્રદેશમાં ભોપાલ કેન્દ્ર અને કર્ણાટકના બેલગાઁવમાં નવા ઉપશાખા કેન્દ્રનો શુભારંભ થયો છે.

ચિકિત્સાક્ષેત્રમાં આ વર્ષની આ પ્રવૃત્તિઓ વિશેષ ઉલ્લેખનીય છે: ઈટાનગરમાં હરતું ફરતું ચક્ષુ, શલ્ય ચિકિત્સા; જમ્મુ આશ્રમમાં ચિકિત્સા કેન્દ્ર અને જર્મન કુષ્ટરોગ નિવારણ સંસ્થાન સાથે મળીને પશ્ચિમ બંગાળમાં આવેલ કામારપુકુર કેન્દ્ર દ્વારા રાષ્ટ્રિય એચ.આઈ.વી. એઈડ્‌સ નિયંત્રણ કાર્યક્રમનો પ્રારંભ થયો છે.

શૈક્ષણિક ક્ષેત્રમાં આ વર્ષની આ પ્રવૃત્તિઓ વિશેષ ઉલ્લેખનીય છે: વિવેકાનંદ વિશ્વ વિદ્યાલય દ્વારા નરેન્દ્રપુર, સ્વામી વિવેકાનંદ પૈતૃકગૃહ અને રાંચી (મોરાબાદી)માં આવેલ શિક્ષણ સંસ્થાનોમાં સ્નાતકોતર અભ્યાસક્રમ તેમજ બીજા કાર્યક્રમો; બેલૂર મઠમાં આવેલ શારદાપીઠ કેન્દ્રની વિદ્યામંદિર કોલેજ દ્વારા ગણિત અને સંસ્કૃત વિષયોમાં સ્નાતકોતર અભ્યાસક્રમ; કોઈમ્બતુર કેન્દ્ર દ્વારા આઈટી. એકેડેમી, ઓનલાઈન એજ્યુકેશન જેવા વિભિન્ન કાર્યક્રમો અને નરેન્દ્રપુરની લોકશિક્ષા પરિષદ દ્વારા ૧૧ પ્રિપ્રાઈમરી શિક્ષણકેન્દ્રનો પ્રારંભ થયો છે.

ગ્રામીણ વિકાસ કાર્યક્રમો :

આ કાર્યક્રમ હેઠળ ઈટાનગર કેન્દ્ર દ્વારા ગ્રામીણ સ્વચ્છતા કાર્યક્રમ, જમ્મુ કેન્દ્ર દ્વારા જમ્મુ કાશ્મીર ભૂકંપ આર્થિક પુનર્વસન કાર્યક્રમ હેઠળ નિયંત્રણ રેખાની આજુબાજુના વિસ્તારોમાં સીવણ પ્રશિક્ષણ કેન્દ્રોનો પ્રારંભ; રાંચી (મોરાબાદી) કેન્દ્ર દ્વારા ફળઝાડ-વાવેતર, મરીમસાલાની ખેતી, બીજ ઉત્પાદન, ઝરણાના પાણીની સિંચાઈ, શાળા છોળી દીધી હોય એવી ગ્રામીણ છોકરીઓ માટે નિવાસીય સેતુબંધ શિક્ષણ કાર્યક્રમ વગેરે; કોલકાતાના નરેન્દ્રપુર કેન્દ્રની લોકશિક્ષા પરિષદ દ્વારા સામાજિક તેમજ આર્થિક વિકાસ કાર્યક્રમો હેઠળ ભિન્ન ભિન્ન ક્ષમતા વિકાસ, લાખનું ઉત્પાદન, નવીનીકરણ યોગ્ય ઊર્જાપ્રસાર, કૃત્રિમ ગર્ભાધાન અને પાણીસુરક્ષા જેવા વિષયોમાં વ્યાવસાયિક શિક્ષણના કાર્યક્રમોનો પ્રારંભ થયો છે. 

રામકૃષ્ણ મઠની આ વર્ષની આ પ્રવૃત્તિઓ વિશેષ રૂપે ઉલ્લેખનીય છે:

ગુજરાતમાં વડોદરા કેન્દ્રનો પ્રારંભ; શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ગુજરાતના કચ્છ જિલ્લાના ધાણેટીમાં એક હોલ અને છાત્રાલય ભવનનું ઉદ્‌ઘાટન; પશ્ચિમ બંગાળના આંટપુર કેન્દ્રમાં ચિકિત્સાલય ભવનનું ઉદ્‌ઘાટન; તામીલનાડુના મદુરાઈ કેન્દ્રમાં નર્સરી અને પ્રાથમિક શાળાના વિસ્તૃત ભવનનું ઉદ્‌ઘાટન; પશ્ચિમ બંગાળના કૂચબિહાર કેન્દ્રમાં સ્વરોજગાર કાર્યક્રમનો પ્રારંભ. 

ભારતની બહાર સંયુક્ત રાજ્ય અમેરિકામાં આવેલ ફલોરિડા રાજ્યમાં સેન્ટ પીટર્સબર્ગ શહેરમાં રામકૃષ્ણ મઠનું શાખાકેન્દ્ર તેમજ દક્ષિણ આફ્રિકાના ડર્બનમાં રામકૃષ્ણ મિશનના શાખાકેન્દ્રનો શુભારંભ થયો છે.

રામકૃષ્ણ મઠ-મિશને કરેલ ૨૦૧.૮૯ કરોડ રૂપિયાના પ્રજાસેવાકાર્યો

રાહત – પુનર્વસન : ૩.૮૭ કરોડ રૂપિયાના ખર્ચે દેશના કેટલાય ભાગોમાં મોટા પાયે રાહત-પુનર્વસન કાર્ય રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા થયાં હતાં. એનાથી ૨૦૨૭ ગામનાં ૧.૩૦ લાખ કુટુંબોના ૫.૬૭ લાખ વ્યક્તિઓને રાહતસેવા લાભ મળ્યો છે.

શિષ્યવૃત્તિ અને અન્ય સહાય : નિર્ધન વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ; વૃદ્ધ, બીમાર તેમજ અસહાય લોકોને આર્થિક સહાયતાનાં કલ્યાણ કાર્યો હેઠળ ૬.૨૫ કરોડ રૂપિયા વાપર્યા છે.

આરોગ્ય ચિકિત્સા સેવા : રામકૃષ્ણ સંઘની ૧૫ હોસ્પિટલો તેમજ હરતાં-ફરતાં દવાખાના સહિતના ૧૭૩ ચિકિત્સા કેન્દ્રો દ્વારા ૮૫.૩૨ લાખથી વધુ રોગીનારાયણની સેવા થઈ છે. આ સેવા હેઠળ રૂપિયા ૬૧.૫૫ કરોડ વપરાયા છે.

શિક્ષણ : રામકૃષ્ણ સંઘનાં શિક્ષણસંસ્થાનો દ્વારા બાલવિહારથી માંડીને સ્નાતકોત્તર કક્ષા સુધીના ૩.૩૯ લાખ વિદ્યાર્થીઓને શિક્ષણ અપાયું હતું. આ શિક્ષણ કાર્યયોજના હેઠળ રૂપિયા ૧૧૧.૬૦ કરોડ ખર્ચાયા છે.

ગ્રામીણ એવં આદિવાસી વિકાસ યોજના : ૧૮.૬૨ કરોડના ખર્ચે આ યોજના કાર્યાન્વિત થઈ છે.

અમારા આ સત્કાર્યમાં નિરંતર અને હાર્દિક સહકાર આપનાર રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાને વરેલા ભક્તજનો અને રામકૃષ્ણ મઠ-મિશનના ચાહકો પ્રત્યે સંસ્થા ધન્યવાદપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરે છે.

સ્વામી પ્રભાનંદ
મહાસચિવ

Total Views: 45

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.