(ગતાંકથી આગળ)

એક રાતે હૃદયરામે જોયું કે શ્રીરામકૃષ્ણ પંચવટી તરફ જઈ રહ્યા છે. શ્રીઠાકુરને પાણીનો કળશો અને ટુવાલની જરૂર પડશે એમ ધારીને હૃદયરામે એ લઈ લીધા અને એમની પાછળ પાછળ ગયા. એકાએક તેમણે એક અદ્‌ભુત દૃશ્ય જોયું. તેમના મામાના સામાન્ય દેહમાંથી એક તેજોમય રૂપ પ્રગટ્યું અને એમનો દિવ્ય પ્રકાશ બધી દિશાઓમાં પ્રસરી ગયો. ચળકતા ચરણો ધરતીને સ્પર્શતા જ ન હતા. એ કોઈ ભ્રમણા તો નથી ને, એની ખાતરી કરવા હૃદયરામે પોતાની આંખો વારંવાર ઘસી. તેમણે પોતાની આજુબાજુ નજર કરી તો ગંગા, વૃક્ષો અને મકાનો એમને એમ હતાં પણ તેમણે શ્રીઠાકુરને એ તેજોમય રૂપમાં પુન: પુન: જોયા. પછી હૃદયરામે પોતાના દેહ તરફ નજર કરી અને તેણે જોયું તો તે પણ પૂર્ણપ્રકાશથી ઝળકી રહ્યો હતો. એની સાથે જ તેમને ખ્યાલ આવી ગયો કે એ દિવ્ય પ્રકાશ શ્રીરામકૃષ્ણે પોતે જ નિપજાવ્યો હતો. હૃદયરામને સ્પષ્ટપણે સમજાઈ ગયું કે તે પોતે દિવ્ય પ્રકાશપુંજસમા ઈશ્વરના એક અંશ અને અંગ માત્ર છે; પરંતુ એમની સેવા કરવાના હેતુથી જ એને અત્યારે અલગ અસ્તિત્વ છે. આ પ્રગટીકરણે હૃદયરામને આનંદવિભોર બનાવી દીધા. આજુબાજુનું બધું અને પોતાની જાતને પણ વીસરી જઈને તેઓ વારંવાર ઉન્મત્ત બનીને બરાડા પાડવા લાગ્યા: ‘અરે ઓ રામકૃષ્ણ! આપણે માનવ નથી, આપણે અહીં શા માટે છીએ? ચાલો આપણે સ્થળે સ્થળે જઈએ અને માનવજાતને બંધનમાંથી મુક્ત કરીએ. તમે અને હું એક જ છીએ!’ (લાઈફ ઓફ શ્રીરામકૃષ્ણ, અદ્વૈત આશ્રમ, પૃ. ૨૩૫), (ક્રિસ્ટોફર ઈશરવૂડ કૃત ‘રામકૃષ્ણ એન્ડ હીઝ ડિસાય્‌પલ્સ’, પૃ. ૧૩૬)

શ્રીરામકૃષ્ણ તરત જ હૃદયરામ તરફ ફર્યા અને એમને શાંત થવા વિનંતી કરી. તેમણે હૃદયરામને કહ્યું કે જો તેઓ આવી રીતે બરાડા પાડવાનું ચાલુ રાખશે તો આ મંદિર ઉદ્યાનના લોકો અહીં કંઈક થઈ તો નથી ગયું ને, એ જોવા દોડતાં આવશે. પણ હૃદયરામ અટક્યા નહિ. પછી શ્રીરામકૃષ્ણે હૃદયની છાતી પર હાથ મૂક્યો અને પ્રાર્થના કરી: ‘હે મા જગદંબા, આ મૂર્ખને ફરીથી દિવ્ય-ચેતનાવિહોણો અને અજ્ઞ બનાવી દો.’ તરત જ હૃદયરામ સામેથી એ ભાવદર્શન અને એમાંથી નીપજેલો આનંદ અદૃશ્ય થયાં. એક ઝટકા સાથે તેઓ આ દુન્યવી જગત પર ઊતરી આવ્યા. ડૂંસકા સાથે એમણે વિરોધ કરતા કહ્યું: ‘મામા, તમે આવું શા માટે કરો છો? તમે તો એ આનંદમય ચૈતન્યદર્શન મારી પાસેથી પાછું લઈ લીધું. અરેરે! હવે મને એ ક્યારેય નહિ સાંપડે!’ શ્રીરામકૃષ્ણે હૃદયરામને કહ્યું: ‘હું તને એમ નથી કહેતો કે આવું દર્શન તને ફરીથી ક્યારેય નહિ થાય. હું તો માત્ર તને શાંત કરવા ઇચ્છતો હતો. આવા તારાં નાના એવાં દર્શન માટે તું આવો દેકારો મચાવી રહ્યો હતો. એટલે જ મેં મા જગદંબાને તમે ફરી પાછો ચૈતન્યભાવવિહોણો બનાવવા કહ્યું. મને દરરોજ કેટલાં બધાં દિવ્ય દર્શન થાય છે એ તું જાણી શક્યો!; છતાં પણ શું હું આટલો દેકારો કરું છું? હજી તું આવા દિવ્યદર્શન માટે સજ્જ નથી. એમને માટે સમય આવશે. (ક્રિસ્ટોફર ઈશરવૂડ કૃત ‘રામકૃષ્ણ એન્ડ હીઝ ડિસાય્‌પલ્સ’, પૃ. ૧૩૬)

હૃદયરામ તત્કાળ પૂરતા તો શાંત થયા પણ એમને ઘણો અપમાનજનક આઘાત પણ લાગ્યો. એ પોતાનાં દિવ્યદર્શનો અને આધ્યાત્મિક અનુભૂતિઓ પાછાં મેળવવાનો પાકો નિર્ણય પણ તેમણે કર્યો. અંધારી રાતે તેઓ એકલા પંચવટીમાં જતા અને જ્યાં શ્રીરામકૃષ્ણ ધ્યાન ધરતા એ જ સ્થળે ધ્યાનમાં બેસી જતા. હૃદયરામના સદ્‌ભાગ્યે શ્રીરામકૃષ્ણને તત્કાળ પંચવટીમાં જવાની ઝંખના થઈ. હજુ તો માંડ તેઓ ત્યાં પહોંચ્યા ત્યાં જ હૃદયરામ એમને આર્જવપૂર્વક કહેતા હતા: ‘અરે! મામા, મારી રક્ષા કરો! હું મૃત્યુની આગમાં બળું છું!’ શ્રીઠાકુર હૃદય પાસે દોડી ગયા અને પૂછ્યું: ‘ભાઈ, શું હકીકત છે એ તો કહે?’ હૃદયરામે ઉત્તર આપતાં કહ્યું: ‘મામા, જેવો અહીં પંચવટીમાં હું ધ્યાન ધરવા બેસું છું કે તરત જ જાણે કે મારા પર સળગતા કોલસા ફેંકાતા હોય એવું મને લાગે છે! અરેરે એની પીડા પણ કેવી અસહ્ય!’ શ્રીરામકૃષ્ણે હળવેકથી પોતાના ભાણેજના દેહને ઠપકાર્યો અને તે તરત જ શાંત થઈ ગયો. પછી શ્રીરામકૃષ્ણે કહ્યું : ‘હવે તને ફરીથી બરાબર હતું તેવું લાગશે. પણ મને એટલું તો કહે કે તે આ બધું કર્યું શા માટે? એલા, મારી સેવા કરવાથી તને બધું પ્રાપ્ત થઈ જશે એમ મેં તને કહ્યું ન હતું?’ ત્યાર પછી પંચવટીમાં ફરી ધ્યાન કરવાનો પ્રયત્ન હૃદયરામે ક્યારેય ન કર્યો. (સ્વામી સારદાનંદ કૃત ‘શ્રીરામકૃષ્ણ, ધ માસ્ટર’, પૃ. ૩૧૭-૩૧૮)

શ્રીઠાકુરની વારંવારની ખાતરીઓ છતાં હૃદયરામ વધુ આધ્યાત્મિક સાહસ – સાધના માટે ઝંખના કરતા, પણ પછીથી આ ઝંખનાનો કોઈ પ્રભાવ ન પડ્યો. શ્રીરામકૃષ્ણે એક વખત તેમના શિષ્યોને કહ્યું કે, એક વખત દિવ્યજ્ઞાનના નશામાં ચકચૂર એવો એક સાધુ દક્ષિણેશ્વર આવી ચડ્યા. તે ગાંડાઘેલા જેવો લાગતો હતો અને લગભગ નગ્ન જેવો હતો. તેમના માથા અને દેહ પર રાખના રગેડા હતા, તેમના નખ અને વાળ લાંબા હતા. તેઓ તો કાલીમંદિરની સામે જ મૂર્તિ પર પોતાની આંખો સ્થિર કરીને ઊભા રહ્યા. પછી એમણે શ્રીમાના સ્તોત્રો એવી પ્રબળ શક્તિથી ઉચ્ચાર્યા કે આખું મંદિર જાણે કે હલવા લાગ્યું. તેમને પોતાના આવા ગંદા દેખાવને લીધે બીજા સાધુઓ અને યાત્રાળુઓ સાથે ભોજન દેવાયું નહીં. એટલે તેઓ તો કચરાના ઉકરડે ગયા અને કૂતરાઓની સાથે એંઠી પાતળમાંથી બચેલું અન્ન ખાવા લાગ્યા. એમની આવી ઉચ્ચ આધ્યાત્મિક અવસ્થાને ઓળખીને શ્રીરામકૃષ્ણ હૃદયરામના ઓરડામાં ગયા અને એ સાધુ વિશે વાત કરી.

તરત જ હૃદયરામ એ અસામાન્ય સાધુને જોવા દોડી ગયા અને જઈને જોયું તો તે મંદિરના ઉદ્યાનમાંથી બહાર જઈ રહ્યા હતા. તેઓ તે સાધુની પાછળ પાછળ લાંબે સુધી ગયા અને એમને ‘હે પવિત્ર પુરુષ, હે સાધુ મહાશય! હું કેવી રીતે ઈશ્વરની અનુભૂતિ કરી શકું તે મને શીખવોને!’ એમ કહેવાનું પણ ચાલું રાખ્યું. પહેલાં તો એ સંન્યાસી-પરમહંસે કંઈ જવાબ ન આપ્યો, પણ અંતે ગટરની આજુબાજુ રસ્તામાં વહી જતા ગંદા પાણી તરફ આંગળી ચીંધી હૃદયરામને કહ્યું : ‘ભાઈ, આ પાણી અને ગંગાનું પાણી તને એક સરખું પવિત્ર લાગે ત્યારે તમે ઈશ્વરની અનુભૂતિ કરી શકશો.’ હૃદયરામે વિનંતીથી કહ્યું : ‘મહારાજ, તમે મને તમારો શિષ્ય બનાવો અને મને તમારી સાથે લઈ જાઓ.’ 

પરંતુ પેલા સંન્યાસીએ તેનો કોઈ પ્રત્યુત્તર ન આપ્યો. તેઓ તો આગળને આગળ ચાલવા લાગ્યા. જ્યારે તેમણે પાછા વળીને જોયું ત્યારે હૃદયરામને હજીયે પોતાની પાછળ પાછળ આવતા જોયા. ગુસ્સાભર્યા ચહેરે એણે એક ઈંટ ઊંચકી અને હૃદય તરફ ફેંકવાની ચીમકી પણ આપી. પછી હૃદય નાસી ગયા અને પેલા સાધુએ ઈંટ નીચે નાખી દીધી, એ રસ્તો છોડીને નજરબહાર નીકળી ગયા. (સ્વામી સારદાનંદ કૃત ‘શ્રીરામકૃષ્ણ, ધ માસ્ટર’, પૃ. ૬૦૪ અને (ક્રિસ્ટોફર ઈશરવૂડ કૃત ‘રામકૃષ્ણ એન્ડ હીઝ ડિસાય્‌પલ્સ’, પૃ. ૧૦૩-૧૦૪)

હૃદયરામ અપવાદરૂપ શક્તિ અને કાર્યનિષ્ઠા ધરાવતી વ્યક્તિ હતા અને એટલે જ મંદિરની દૈનંદિન ફરજો અને નિયમિત ક્રિયાકર્મોથી સંતોષ થવો એ એમને માટે મુશ્કેલ હતું. ૧૮૬૮માં પોતાના ઘરના નવા મંદિરમાં શ્રીદુર્ગાપૂજા યોજવાનો એમણે નિર્ણય કર્યો. શ્રીરામકૃષ્ણે એને મંજૂરી આપી અને મથુરબાબુએ હૃદયરામને જરૂરી નાણાં પણ આપ્યા. હૃદયરામ ઇચ્છતા હતા કે શ્રીઠાકુર એમની સાથે જાય, પણ શ્રીરામકૃષ્ણ એમના કોલકાતાના નિવાસસ્થાને દુર્ગાપૂજામાં ઉપસ્થિત રહે, એવો મથુરબાબુનો આગ્રહ હતો. હૃદયરામને શ્રીઠાકુરે આમ કહીને સધિયારો આપ્યો : ‘તું દુ:ખી નો થા. હું તારી પૂજા નિહાળવા દરરોજ ત્યાં સૂક્ષ્મદેહે હોઈશ. તું એકલો જ મને જોઈ શકીશ. કોઈ બીજા બ્રાહ્મણને મંત્રો વાચવા અને ઉચ્ચારવા રોકી લેજે અને તું તારી રીતે પૂજા કરજે. સાવ નકોરડો ઉપવાસ ન કરતો, પણ થોડું દૂધ,ગંગાજળ અને સાકરનું પાણી કે શેરડીનો રસ બપોરે લેજે. જો તું મારી સૂચનાનું પાલન કરીશ તો મા જગદંબા ચોક્કસ તારી પૂજા સ્વીકારશે.’ (લાઈફ ઓફ શ્રીરામકૃષ્ણ, અદ્વૈત આશ્રમ, પૃ. ૨૩૬)

હૃદયરામ આનંદભર્યા હૃદયે પોતાના ઘરે ગયા અને સૂચના પ્રમાણે ત્રણ દિવસ સુધી દુર્ગાપૂજા કરી. સપ્તમી અને અષ્ટમીના દિવસે થતી સંધિપૂજા તેમજ સંધ્યા પૂજા સમયે શ્રીદુર્ગાની મૂર્તિની બાજુમાં જ તેજોમય રૂપે શ્રીઠાકુરને જોઈને તેઓ અચંબામાં પડી ગયા. ત્યાર પછી થોડા સમયમાં તેઓ દક્ષિણેશ્વર પાછા આવ્યા અને તેમણે જે જોયું હતું તેની વાત શ્રીઠાકુરને કરી. શ્રીરામકૃષ્ણે કબૂલ કરતાં કહ્યું : ‘હા, એ સંધિપૂજા અને સાંધ્યપૂજાના સમયે હું તારી પૂજા જોવા આતુર બની જતો. સમાધિમાં હું મારી જાતને તેજોમય પથે લઈ જઈને તારા મંદિરમાં હું તેજોમય રૂપે હાજર રહેતો.’ (સ્વામી સારદાનંદ કૃત ‘શ્રીરામકૃષ્ણ, ધ માસ્ટર’, પૃ. ૩૧૯) એક વખત ભાવાવસ્થામાં શ્રીરામકૃષ્ણે હૃદયરામને મા દુર્ગાની ત્રણ વખત પૂજા કરવાનું કહ્યું હતું. શ્રીઠાકુરના શબ્દોની અવગણના કરીને હૃદયરામે ખાનગીમાં ચોથી વખતની પૂજા કરવા પ્રયત્ન કર્યો પણ વિઘ્નોની હારમાળાએ એમની યોજનાને સફળ થવા ન દીધી. (સ્વામી સારદાનંદ કૃત ‘શ્રીરામકૃષ્ણ, ધ માસ્ટર’, પૃ. ૩૧૯)

શ્રીરામકૃષ્ણની કૃપાથી હૃદયરામે આધ્યાત્મિક અનુભૂતિઓ અને દર્શનો મેળવ્યાં હતાં છતાં પણ તેઓ મુખ્યત્વે તો ઘરસંસારના માણસ હતા. પહેલાં વર્ષની દુર્ગાપૂજાના થોડા સમય પછી તેમણે બીજી વખત લગ્ન કર્યાં અને વળી પાછા દક્ષિણેશ્વરમાં શ્રીમા કાલીની પૂજાના અને પોતાના મામાની સેવાના કામમાં લાગી ગયા. આમ છતાં પણ જ્યારે તેઓ મંદિરમાં પૂજારી તરીકે કાર્ય કરતાં તેમનું મન તો તેમનાં પત્ની અને ઘરના વિચારોમાં રહેતું. શ્રીરામકૃષ્ણે આ એક ઘટના તેમના ભક્તોને કહી હતી : “એક દિવસ હૃદયરામ અહીં એક વાછરડો લાવ્યો. એક દિવસ મેં જોયું તો તેને બગીચામાં એક દોરડાથી બાંધ્યો હતો કે જેથી તે ત્યાં ચરી શકે. મેં તેમને પૂછ્યું : ‘હૃદય તું ત્યાં દરરોજ આ વાછરડો શા માટે બાંધે છે?’ હૃદયરામે કહ્યું : ‘મામા, એ વાછરડાને મારા ગામે મોકલવાનો છું. જ્યારે એ શસક્ત બનશે ત્યારે હું એને હળે જોડીશ.’ આ શબ્દો સાંભળીને મારો વિચાર પ્રવાહ થંભી ગયો અને સ્તબ્ધ બની ગયો : ‘અરે! દિવ્યમાયાની લીલા તો કેવી અગાધ છે – અગમ્ય છે! કામારપુકુર અને શિહર, કોલકાતાથી કેટલા દૂર! આ બિચારા વાછરડાએ આખા લાંબા રસ્તે જવું પડશે. પછી એ મોટો થશે અને અંતે તે હળે જોડાશે. આ છે આપણી દુનિયા, સંસાર! આ ખરેખર માયા જ છે!’ મારી બાહ્ય ચેતના ચાલી ગઈ. ઘણાં લાંબા સમય પછી હું બાહ્યભાનમાં આવ્યો.” (શ્રીરામકૃષ્ણ કથામૃત ‘ગોસ્પેલ’  પૃ. ૨૭૦)

કામિની અને કાંચન માયા છે એ બંને ઈશ્વરની અનુભૂતિ આડેનાં બે મોટાં વિઘ્નો છે પોતાની સાધનાના પ્રારંભકાળમાં શ્રીરામકૃષ્ણે એક હાથમાં સિક્કો અને બીજા હાથમાં માટી લીધી. વિવેક, વૈરાગ્યથી એ બંને એક જ છે, ‘માટી ટાકા, ટાકા માટી છે, એવી અનુભૂતિ પર આવ્યા. પછી એમણે એ બંનેને ગંગામાં પધરાવી દીધા. (સ્વામી સારદાનંદ કૃત ‘શ્રીરામકૃષ્ણ, ધ માસ્ટર’, પૃ. ૧૯૩) 

હૃદયરામને શ્રીઠાકુરનો આ કાર્યભાવ મંજૂર ન હતો. એમને તો ધન માટેની તીવ્ર ઇચ્છા હતી અને તેઓ શ્રીરામકૃષ્ણના ધનવાન ભક્તોની ખુશામદ પણ કરતા અને પોતાના મામાના ભોગે એમની પાસેથી આર્થિક લાભ મેળવવાનું પ્રયત્ન પણ કરતા. એક વખત મથુરબાબુ શ્રીઠાકુરને એક સ્થાવર મિલકત ભેટ આપવા માગતા હતા અને એને માટે હૃદયરામની સલાહ લીધી. શ્રીરામકૃષ્ણના કાને આ બધી ચર્ચાની વાત પડી અને તેમણે એમને કહ્યું : ‘ભાઈ, આવા વિચારને સ્થાન ન આપવું. એનાથી મને ઘણું દુ:ખ થશે.’ (શ્રીરામકૃષ્ણ કથામૃત ‘ગોસ્પેલ’  પૃ. ૫૧૯)

ત્યાગની કસોટી લાલચમાં રહેલી છે. વિશ્વના બધા મહાન ધર્મગુરુઓને આ કસોટીનો સામનો કરવો પડ્યો હતો. શ્રીરામકૃષ્ણ એમાં અપવાદરૂપ ન હતા. હૃદયરામે એક વખત ખાનગી રીતે લક્ષ્મીનારાયણ મારવાડી પાસેથી ૧૦,૦૦૦ રૂપિયા મેળવવાનો કારસો રચ્યો. શ્રીરામકૃષ્ણદેવ પછીથી આ વિશે આવી વાત કહેતા : ‘લક્ષ્મીનારાયણ મારવાડી નામના એક વેદાંતી ભક્ત અહીં (દક્ષિણેશ્વર) વારંવાર આવતા. એક દિવસ એમણે મારી પથારી પર મેલો ઓછાડ જોયો અને કહ્યું : ‘તમારા નામે હું ૧૦,૦૦૦ મૂકવા માગું છું. તેના વ્યાજમાંથી તમારો બધો ખર્ચ નીકળી જશે.’ જેવા લક્ષ્મીનારાયણે આ શબ્દો ઉચ્ચાર્યા કે હું જાણે કે મને કોઈએ દંડો ફટકાર્યો હોય એમ બેભાન બની ગયો. ભાનમાં આવીને મેં એમને કહ્યું : ‘જો તારે આવા શબ્દો ફરીથી ઉચ્ચારવાના હોય તો તું અહીં ન આવ એ જ બહેતર છે. પૈસાનો સ્પર્શ કરવો એ મારા માટે અશક્ય છે. એને મારી નજીક રાખવા કે મૂકવા એ પણ મારા માટે શક્ય નથી.’ પછી લક્ષ્મીનારાયણ એ રકમ હૃદયરામને આપવા માગતા હતા. મેં એમને કહ્યું : ‘એમ પણ નહીં બને. જો તમે એ રકમ હૃદયને આપશો તો હું એને મારી ઇચ્છા મુજબ વાપરવાનો આદેશ આપીશ અને જો એ નહીં માને તો હું ગુસ્સે થઈશ. પૈસાનો સંપર્ક- સંસ્પર્શ ખરાબ છે. ના, તમે એ રકમ હૃદય પાસે પણ નહીં રાખી શકો. (શ્રીરામકૃષ્ણ કથામૃત ‘ગોસ્પેલ’  પૃ. ૫૮૪)

શ્રીરામકૃષ્ણ બાળક જેવા સરળ અને નિર્દોષ છે. એટલે એમને જે કંઈ પણ કહેવામાં આવે તેને તેઓ પૂર્ણહૃદયે માની લે. હૃદયરામ જાણતા હતા કે એમના મામાને મા જગદંબા સાથે પ્રયત્ક્ષ સંબંધ છે. તેઓ એ પણ જાણતા હતા કે શ્રીઠાકુર પાસે એમનું કંઈક ચાલશે પણ ખરું. તેઓ મામાને શ્રીમા જગદંબા પાસે પ્રાર્થના કરીને એને ફાયદો કરાવનારી ગૂઢશક્તિઓ અપાવવા વારંવાર કહેતા. શ્રીરામકૃષ્ણ પોતાના અનુભવની વાત વર્ણવતાં કહે છે : ‘થોડા સમય પહેલાં હું ખૂબ બીમાર પડ્યો. હું શ્રી કાલીમંદિરમાં બેઠો હતો. જગન્માતાને મારી માંદગી દૂર કરવા માટે પ્રાર્થના કરતો હોઉં એવું મને લાગ્યું, પણ એ બધું હું પ્રયત્ક્ષ રૂપે મારા નામે કરી ન શક્યો. મેં મા જગદંબાને કહ્યું: ‘મા, હૃદય મને મારી માંદગી વિશે તમને કહેવાનું કહે છે.’ હું આગળ કંઈ બોલી ન શક્યો. એકાએક એશિયાટિક સોસાયટીના મ્યુઝિયમમાં એક તાર સાથે લટકાડેલું માનવનું હાડપિંજર મારા મનમાં ચમકી ગયું. મેં માને કહ્યું: ‘હે મા, પેલા હાડપિંજરની જેમ મારા દેહના તારને બરાબર ખેંચી લે; કે જેથી હું તમારાં નામમહિમાગુણ ગાતાં ગાતાં ફરતો રહું. મારા માટે ગૂઢશક્તિઓ માગવાનું અશક્ય છે. (શ્રીરામકૃષ્ણ કથામૃત ‘ગોસ્પેલ’  પૃ. ૮૭૧)

ટૂંકી બુદ્ધિના લોકો પોતાના રોગદોગ દૂર કરવા, કોર્ટ-કચેરીમાં વિજય મેળવવા પાણી કે આગ પર ચાલવા જેવી આવી ગૂઢ શક્તિઓની ઝંખના સેવતા હોય છે. પણ પ્રભુના સાચા ભક્તો એમનાં શ્રીચરણકમળ સિવાય બીજા કશાની અપેક્ષા રાખતા નથી. એક દિવસ હૃદયે મને કહ્યું: ‘મામા, મારા માટે શ્રીમા જગદંબાને શક્તિઓ, કેટલીક ગૂઢ શક્તિઓ આપવા પ્રાર્થના કરો.’ હું તો બાળકના જેવી પ્રકૃતિવાળો છું. એક દિવસ કાલીમંદિરમાં જપ કરતી વખતે મેં શ્રીમા કાલીને કહ્યું: ‘મા, હૃદય મને થોડી ગૂઢ શક્તિઓ માટે તમને પ્રાર્થના કરવાનું કહે છે.’ મા જગદંબાએ તરત જ મને એક દૃશ્ય બતાવ્યું. ચાલીસેક વર્ષની એક પ્રૌઢ વારાંગના આવી અને મારી પાછળ બેસી ગઈ. એના નિતંબ ઘણા મોટા હતા અને કાળી કિનારની સાડી પહેરી હતી. થોડા જ વખતમાં તે મળમૂત્રથી ઢંકાઈ ગઈ. મા જગદંબાએ મને બતાવ્યું કે ગૂઢ શક્તિઓ વારાંગના પર છવાયેલા મળમૂત્ર જેવી ઘૃણાસ્પદ છે. પછી હું હૃદય પાસે ગયો. મેં એને ઠપકો આપતાં કહ્યું : ‘તે મને શા માટે આવી પ્રાર્થના કરવા કહ્યું? તારે જ લીધે મારે આવું અનુભવવું પડ્યું.’ (શ્રીરામકૃષ્ણ કથામૃત ‘ગોસ્પેલ’  પૃ. ૭૪૫)

(ક્રમશ:)

Total Views: 226

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.