(ગતાંકથી આગળ)

બેલૂર મઠ, ૧૪-૩-૧૯૬૨

સવારે પરમાધ્યક્ષશ્રી (સ્વામી વિશુદ્ધાનંદ મહારાજ) મુખ્ય મંદિર અને મઠના પ્રાંગણના દરેક મંદિરે ગયા અને ત્યાં દર્શન-પ્રણામ કર્યાં પછી ગંગાતીરે ટહેલવા લાગ્યા. બીજે માળે પોતાના ખંડમાં જતાં પહેલાં આમતલા તરફના વરંડામાં બાંકડા પર બેસીને થોડીવાર વિરામ કરે છે. આવો સુઅવસર જોઈને સાધુ-બ્રહ્મચારીવૃંદ આવીને ભક્તિભાવે ભૂમિ પર નમીને પ્રણામ કરવા લાગ્યા. અધ્યક્ષશ્રીએ કહ્યું: ‘દરરોજ આ રીતે મને પ્રણામ શા માટે કરો છો? શ્રીઠાકુરને સાષ્ટાંગ દંડવત્‌ પ્રણામ કરો એ જ યથેષ્ટ.’

વિજ્ઞાન મહારાજ (સ્વામી વિજ્ઞાનાનંદજી) પાસેથી જેઓ દીક્ષા લેતા તેમને તેઓ કહેતા: ‘બીજું કંઈ કરો કે ન કરો પણ શ્રીઠાકુરને દરરોજ ત્રણવાર સાષ્ટાંગ દંડવત્‌ પ્રણામ કરો.’ આપણા માટે તો દરરોજ એકવાર સાષ્ટાંગ દંડવત્‌ પ્રણામ થાય તો ઉત્તમ. અને જો ત્રણવાર થાય તો તો પછી કહેવું જ શું!

સવારે થોડી વેળા પછી દરરોજની જેમ પૂર્વ તરફના વરંડામાં બેસીને ભક્તજનોને દર્શન આપે છે. કોઈ ભક્ત મહિલાના મુખેથી એમના અસાધ્ય રોગની વાત સાંભળીને દેદીપ્યમાન મુખે કહ્યું: ‘આટલી નાની ઉંમર અને આટલો મોટો રોગ કેમ! પ્રાણપૂર્વક રામનામ જપો, બધું ચાલ્યું જશે. અમારા જાણીતા ડૉ. દુર્ગાપદબાબુના એક અસાધ્ય રોગના દર્દીએ તારકેશ્વર મંદિરમાં અનશનપૂર્વક શિવજી સામે ત્રાગું કર્યું. અને તેઓ સાવ સારા-સાજા થઈ ગયા. શ્રદ્ધાભક્તિ હોય તો ખરેખર આવું બને ખરું.’

‘વિજ્ઞાન મહારાજ ક્યારેય ઔષધ લેતા નહિ, એ અમે અમારી નજરે જોયું છે. તેમને વધારે વિનંતી કરતાં તેઓ કહેતા: ‘એક મોટો દાક્તર મારી દેખરેખ રાખે છે.’

‘આવો તો તમારો કોઈ વિલાયતી ડિગ્રી પાસ કરનાર ડોક્ટર પણ ન હોય. વિજ્ઞાન મહારાજે પોતાનો બધો ભાર શ્રીઠાકુરને સોંપીને સાવ નિશ્ચિંત બની ગયા હતા. જ્યાં સુધી એમનો દેહ રહ્યો ત્યાં સુધી એ જ ભાવે તેઓ રહ્યા. શરીર જતાં પહેલાં સંન્યાસીઓના વિશેષ અનુરોધથી બે-ચાર ટીપાં હોમિયોપથિની દવા લીધી હશે. સાચી વાત તો શ્રદ્ધા-વિશ્વાસ હોવા જોઈએ. એ હોય તો બધું થઈ જાય.

‘અમારી અશ્રદ્ધા કે અવિશ્વાસ અને હીનદશા વિદેશી શિક્ષણનું જ દુષ્પરિણામ છે. એ લોકોનું સારું કંઈ ગ્રહણ ન કર્યું, પરંતુ એમનું નઠારું તો પૂરેપૂરા સંતોષ સાથે સ્વીકારી લીધું. પાશ્ચાત્ય વૈજ્ઞાનિકની કોઈ ઉક્તિ છાપામાં આવતાં જ આપણે વિચાર કર્યા વગર એને માનવા મંડી જઈએ છીએ. એટલે જ આપણા ઋષિમુનિઓએ જે જે કંઈ કહ્યું છે તે બધું આપણને ભૂલ ભરેલું લાગે છે. થોડો પણ વિવેક-વિચાર કર્યા વગર આપણે સમજીએ છીએ કે ઋષિવાક્યો મૂલ્યહીન અને સારહીન છે. આનાથી પરિતાપની વાત બીજી કઈ હોઈ શકે?

‘શ્રીઠાકુરે કેવી રીતે મા જગદંબાનાં દર્શન કર્યાં હતાં? ગ્રંથો-શાસ્ત્રો વાંચીને – વિચારીને કે મા પરની સહજસરળ શ્રદ્ધાભક્તિથી? આ યુગમાં આપણા માટે (આધ્યાત્મિક) પથ એટલો સરળસહજ કરી દીધો છે કે એમાં કંઈ કહેવાની જરૂર નથી. એટલે નામ સ્મરણ જ જપો, સરળ હૃદયમનથી અને એમના પ્રત્યે શ્રદ્ધાભક્તિપૂર્વક નામસ્મરણ કરો. હોમ-હવન, યજ્ઞયાગાદિ, તીલકમાળા – એ બધાંની કશીયે જરૂર નથી, એમને માટેની થોડી તાલાવેલી કે ઝંખના અને એમનું નામગુણસંકીર્તન જરૂરી છે.

‘એમણે કેટલી બધી શ્રદ્ધા અને વિશ્વાસથી કહ્યું છે: ‘તમે ૧% કરો અને બધું થઈ જશે.’ એમનું વચન વેદવાક્ય. (આવેગપૂર્વક) નામસંકીર્તન કે જપમાં જે ગુણ છે તે તમે જાણતા નથી. નામસંકીર્તનનાં ગુણથી કે ફળથી બધાં પ્રકારનાં કષ્ટોમાંથી મુક્તિ મળે છે. નામ અને નામી બંને અભેદ છે. (જે ભક્તમહિલાએ પોતાના રોગની વાત કરી હતી તેને ઉદ્દેશીને) : ‘તમે તમારા આ શરીરને સ્વસ્થ કરી લો, ઠીક કરી લો. આ દેહથી જ સાધન-ભજન કરવાં પડે છે ને!’

દર્શનકાળ પૂરો થતાં વિદાય લેતી વખતે બધા ભક્તો એમની ચરણધૂલિ શિરે ધરે છે.

(બપોર પછીનાં દર્શનાર્થીઓને ઉદ્દેશીને):

‘કેટકેટલા અભિનય થાય છે! એક જ અભિનેતા ભિન્ન ભિન્ન નાટકમાં રાજા, ફકીર, સાધુ, દુર્જન જેવી કેટકેટલી ભૂમિકા ભજવે છે. જેવી વેશભૂષા દૂર કરે કે પોતે અસલ જેવો હતો તેવો! ગિરિશબાબુને જોઈને આવું જ મનમાં થતું. વેશભૂષા અને અંગપરિવેશ ધારણ કરીને તેઓ કેટકેટલી ભૂમિકા ભજવતા, અભિનય કરતા, થોડા સમય પછી જ્યારે વેશભૂષા દૂર કરે કે પાછા એના એ ગિરિશબાબુ.

શ્રી ભગવાનની કૃપાથી ગુરુપ્રાપ્તિ થાય છે. ગુરુ કૃપા કરીને માર્ગ ચીંધે છે. સાધુ અને ભક્તજનો કૃપા કરીને સત્સંગનો લાભ આપે છે. પરંતુ આટલા સુઅવસર હોવા છતાં ભવપાર કરી શકતા નથી. કેમ આવો અનર્થ થાય છે? કેવળ એકની કૃપા કે દયાના અભાવે, એ છે આપણું ‘મન’. મનની કૃપા ન થાય તો ચૈતન્યલાભ ન મળે. શ્રીઠાકુર આ વાત ઘણી વખત કરતા : ‘ગુરુ, કૃષ્ણ અને વૈષ્ણવ ત્રણેયની કૃપા થાય તો પણ એક (મન)ની કૃપા ન થાય તો અધ:પતન થવાનું જ.’

દર્શન ચાલુ છે. ભાગીરથીના વક્ષ:સ્થળ પર ધીમે ધીમે અંધકાર છવાઈ રહ્યો છે. પરમાધ્યક્ષશ્રીને નિરવ અને શાંત જોઈને એક ભક્તે સાહસ કરીને પૂછ્યું: ‘આજે નેશનલ લાઈબ્રેરીમાં ગયો હતો. તેમાં મેક્સમૂલરના ગ્રંથની જૂની નકલનું એક પાનું પલટાવતો હતો અને એમાં જોયું કે ત્યાંથી આપે દક્ષિણેશ્વરનું અનુસંધાન સાધ્યું હતું.’ 

અધ્યક્ષશ્રી: ‘અરે! તમે ત્યાં ગયા હતા? એ પુસ્તકની જ વાત આજે સ્વામી તેજસાનંદજી સાથે થતી હતી.’

દર્શનકાળ પૂરો થતાં બધાંએ એમની ચરણરજ શીરે ધરીને સૌ પોતપોતાના ગંતવ્ય સ્થાને ચાલ્યાં ગયાં.

બેલૂર મઠ, ૧૫-૩-૧૯૬૨

‘આનંદ બજાર પત્રિકા’ના ‘પાદપ્રદીપના પ્રકાશના સ્તંભ’માં નવા સંઘાધ્યક્ષનું સંક્ષિપ્ત જીવન બહુ સારી રીતે પ્રકાશિત કર્યું હતું.

સાંજનાં દર્શન સમયે એક ભક્તના મુખે આ વાત સાંભળીને પરમાધ્યક્ષના મનમાં શ્રીઠાકુરની એક ઉક્તિ જાગી ઊઠી. તેમણે કહ્યું: ‘કેશવબાબુએ શ્રીઠાકુરને એક વખત કહ્યું હતું : ‘આપની કથા વર્તમાન પત્રો અને સામયિકોમાં લખીશ, એને લીધે કેટલાય લોકોને આપનાં દર્શનનો લાભ મળશે.’ શ્રીઠાકુરે આ વાત સાંભળીને કહ્યું: ‘શું? છાપામાં છાપીને તું મને મહાન બનાવીશ! જો ગહનવનમાં કોઈ ફૂલ ખીલે તો એની સૌરભથી આકર્ષાઈને મધમાખીઓ પોતે જ ત્યાં આવે છે, એટલે કે એમને નિમંત્રણ આપવાની જરૂર નથી રહેતી.”

આજના પ્રસંગે ક્રમશ: ઘણી વાતો કરી :

‘આધુનિક શિક્ષણની સમસ્યા, નવા વૃક્ષને ચારે બાજુથી વાડ કરવાની આવશ્યકતા, શ્રીઠાકુરના પિતાશ્રી ખુદીરામની સત્યનિષ્ઠા અને નિડરતા, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચરનું ઉત્તમ ગ્રંથાલય, જીવનાભિનય, વગેરે.

બેલુર મઠ, ૧૬-૩-૧૯૬૨

પરમાધ્યક્ષ શ્રી સાંજે બીજા માળના વરંડામાં બેસીને દર્શન આપે છે. થોડા દિન પૂર્વે મહારાજ કાશીધામ થઈને આવ્યા છે. એ પવિત્ર સ્થળની વાતો એમના મનમાં સતત આવતાં એમણે કહ્યું: 

‘શિવધન્ય કાશીધામનું કેવું અદ્‌ભુત વાતાવરણ! મન એની મેળે જ અંતર્મુખ થઈ જાય. ભક્તો જ ભગવાનને જાગતા રાખે છે. યુગ યુગાંતરથી કેટલાય ભક્તો કાશી વિશ્વનાથ બાબાનાં દર્શન કરીને ધન્ય બની ગયા છે!

શ્રીઠાકુર અવતર્યા. એટલે જ તો મા ભવતારિણી, દ્વાદશશિવ અને શ્રીવિષ્ણુ જાગ્રત થયાં. એમણે જ જાગ્રત કર્યા હતા. જો ભક્ત ન હોય તો ભગવાન અજાગ્રત જ રહે. હમણાંની જ આ વાત છે. તેઓ આવ્યા, એટલી સાધના, આટલો ત્યાગ, એટલો ભગવત્પ્રેમ સમગ્ર વિશ્વને દેખાડી ગયા. કોઈનેય એનાથી વંચિત ન રાખ્યા. કોઈનેય (ખાલી હાથે) પાછો ન ઠેલ્યો. જેવો જેનો ભાવ એ ભાવે જ એમના પર કૃપા એમણે વરસાવી છે. વેદ-વેદાંત વગેરે કશુંય વાંચવાની દરકાર નથી, બધાં શાસ્ત્રોનો સાર પોતે જ કેટલો સહજસુલભ કરીને એ પ્રભુસંદેશને પ્રેમોન્મત્ત બનીને પુન: પુન: ઉચ્ચાર્યો છે. એ બધી વાતો સામાન્ય માણસના અંતરમાં સહજભાવે પ્રવેશ કરીને મનમાં ઘૂસી જાય.

શ્રીઠાકુરની વાણી એટલે દેવવાણી. વેદવેદાંતને પણ ઓળંગી ગયા. સ્વામીજીએ કહ્યું છે કે શ્રીઠાકુરને ન જાણીએ તો, એમનું જીવન ન જોઈએ તો શાસ્ત્રોપદેશની યોગ્ય પ્રમાણમાં ધારણા ન થઈ શકે. અને ‘કથામૃત’ ન વાંચીએ તો શ્રીઠાકુરને જાણી ન શકાય. આ હિંદુધર્મ જ સનાતન ધર્મ. પૃથ્વીના આદિકાળથી આજ સુધી જેટલા જેટલા ધર્મમત ઉદ્‌ભવ્યા છે, જેટલી જેટલી સાધના થઈ છે, શ્રીઠાકુરે પોતે જ એ બધાની અનુભૂતિ કરીને, પ્રમાણિત કર્યું છે કે એ બધાં સત્ય છે. તેઓ પોતે જ જાણે કે સનાતન ભારત! એમના આગમનથી બધાં તર્કાતર્ક, સંશય, દ્વન્દ્વ, કાયમને માટે મટી ગયાં છે. એમની પાસે પૂર્ણરૂપે આધુનિક વિશ્વે પોતાનું માથું ઝુકાવ્યું છે, એમના પ્રતિનિધિ હતા સ્વામી વિવેકાનંદ. જો આનું થોડુંઘણું ચિંતન-મનન કરીએ તો મનનું પરિવર્તન અવશ્ય થવાનું. પણ આવું ચિંતન-મનન કરવાનો સમય છે ક્યાં? બધા બહિર્મુખી બનીને દોડી રહ્યા છે. ભીતર નજર કરવાનો સમય નથી!’

કેટલાંક ભક્ત મહિલાઓ આવ્યાં. ભાવપૂર્વક એમણે પ્રણામ કર્યા. પોતાના અંતરની પ્રેરણાથી પોતપોતાના શ્રીગુરુના નામનો ઉલ્લેખ કર્યો. પરમાધ્યક્ષ મહારાજે એમના તરફ ભક્તિભાવપૂર્વક માથું નમાવીને કહેવા લાગ્યા: 

‘દીક્ષા તો થઈ ગઈ, હવે સાધન-ભજન કેવાં ચાલે છે? આ બધું અંતરમનથી ચાલે છે ને? (ગંભીર બનીને) અત્યારે મંત્રદીક્ષા લેવાનો ચસકો લાગ્યો છે, પણ એ બધું દીક્ષા લેવા સુધી જ. ત્યાર પછી વધુ ઉદ્યમ પરિશ્રમ કરીને શ્રીગુરુએ દર્શાવેલા પથે ચાલવાનું થતું નથી, કારણ કે સમય નથી! ૨૪ કલાકમાં થોડો સમય કાઢીને નિયમ-નિષ્ઠા રાખી શકતા નથી. પોતે કહે છે ખરા, પણ કરી શકતા નથી, આવા લોકો શું ઈશ્વરપ્રાપ્તિ કરી શકવાના! આ બધું કંઈ સરળ નથી. બધી વિદ્યાઓમાં શ્રેષ્ઠ વિદ્યા એટલે બ્રહ્મવિદ્યા. પણ જો કોઈ ખાનદાની ખેડૂત (વરસાદ આવે કે ન આવે તો પણ દર વર્ષે બીજ વાવે) ની જેમ મંડ્યા રહે તો એને સહજભાવે ઈશ્વર પ્રાપ્તિ થવાની અને થવાની જ. જે મંત્ર આપ્યા છે એ બધા સિદ્ધ મંત્ર છે. એ મહામંત્રની નિયમિત સાધના કરીએ તો આધ્યાત્મિક ઉન્નતિ થવાની જ છે. પછી થોડાઘણાં પ્રયત્નોય કરવા પડે ને? નાનું એવું રાઈના દાણા જેવું બીજ જોઈને પહેલાં આપણા મનમાં એવું નથી થતું કે આમાંથી વટવૃક્ષ થશે. દીક્ષા લીધા પછી પેલા ખાનદાની ખેડૂતની જેમ જ એમાં મંડ્યા તો રહો. દિવસરાત પરિશ્રમ કરતા રહો. એનું કારણ એ છે કે બીજમાંથી અંકુર ફૂટશે એને માટે તમારે જ સહાય કરવી પડશે. 

(ધ્યાનસ્થ મુદ્રામાં) બીજ ચારે બાજુ વેરી દીધાં છે. કેટલાંક બીજ રસ્તા પર પડ્યાં છે અને લોકોના પગતળે ચંપાઈ ગયાં છે. કેટલાંક બીજ તળાવમાં પડ્યાં છે, એટલે એ કોહવાઈ ગયાં છે. કેટલાંક બીજ પથ્થર પર પડ્યાં અને પાણીના અભાવે મરી ગયાં. કેટલાંક બીજ માટીમાં પડ્યાં પણ જમીન સારી ન હોવાથી એ ફૂટી ન શક્યાં. પરંતુ જે બીજ સારી જમીનમાં પડ્યાં અને ખેડૂતે પહેલેથી જ એનું જતન કર્યું, એ બીજ સહજ રીતે અંકુરિત થઈ ઊઠ્યાં. પછી ગાય-બકરાં એને ચરી ન જાય એટલે એની ચારે બાજુએ વાડ કરી લે છે અને જરૂર પ્રમાણે પાણી અને ખાતર પણ આપે છે. ક્રમશ: આ અંકુર મોટું વૃક્ષ બને છે. એનું થડ પણ મજબૂત બની જાય છે. થડ એટલું બધું મોટું અને મજબૂત બની જાય છે કે હાથીને પણ એની સાથે બાંધી શકાય. અને વળી કેવો શીતળ આશરો! એની તળે જે કોઈ આવે એને શાંતિ જ શાંતિ. એની છાયા તળે આરામ કરવાથી બધાંય દુ:ખ દૂર થઈ જાય. આ વૃક્ષ પર શિયાળો, ઉનાળો, વર્ષા વહેતાં રહે છે. પરંતુ આ બધું સહન કરીને પણ એ માથું ઊંચું કરીને ઊભું રહે છે.  કંઈ દુ:ખ-સુખ નહિ. આપણે પણ આવું જ થવું પડે. તાનમાં ને તાનમાં દીક્ષા તો લઈ લીધી અને બધુંય ભૂલી જાય છે.

તમને કંઈ ખબર છે? આ બધા મહાન શક્તિશાળી મંત્ર છે. મંત્ર લઈને એની બરાબર સાધના ન કરીએ તો વિશેષ અપરાધ થાય છે. અને એમાંય વિશેષ કરીને સંસારી લોકોનું ઝાઝું અનિષ્ટ થાય છે.

એકની કૃપા વિના જીવનું અધ:પતન થાય છે, અને એક એટલે મન. બીજું બધું યોગે-અનુયોગે મળી જાય પણ મનની હોંશ ન હોય તો ઈશ્વરપ્રાપ્તિ ન થાય. મનને વશમાં રાખવું અત્યંત કઠિન કાર્ય. એટલે જ શ્રીઠાકુરે આ યુગમાં બહુ સાચો અને સરળ માર્ગ બતાવ્યો છે. મૂળ વાત એ છે કે એમના પર પ્રેમશ્રદ્ધા રાખવાં. એમની સાથે ચોક્કસ સંબંધ સ્થાપિત કરો તો પછી કંઈ આડું-અવળું ન થાય. એમના પર પ્રેમશ્રદ્ધા રાખીને, અનુરાગ સાથે એમનું નામ જપો, બીજું કંઈ કરવાની જરૂર નથી. સંસારનાં કાર્યો મન દઈને પ્રેમપૂર્વક કરવાથી સારાં થાય. સંસારનાં બધાં કામોમાં સૌને પ્રેમ હોય છે. બધાની સાથે કોઈ ને કોઈ સંબંધ હોય છે ખરો. અને જે ખરેખર અસલ વસ્તુ છે એવા ઈશ્વર પ્રત્યે નકલી સંબંધ હોય છે. જેટલી ક્ષણ શ્રીઠાકુરના મંદિરમાં રહો અને નિયમરક્ષા માટે જપતપ વગેરે કરો ત્યાંથી તેમના; જેવા ત્યાંથી બહાર નીકળ્યા કે તરત એ બધું ભૂલાઈ જાય, પછી તો માત્ર ‘હું…હું અને હું’. આ જ છે સંસારી જીવનની સૌથી મોટી ભૂલ. તમારે બીજું કંઈ કરવાની જરૂર નથી. તેમના પર પ્રેમશ્રદ્ધા રાખીને પ્રાણપૂર્વક દિનાંતે એકવાર પણ એમનું નામ જપો. મીરાંબાઈ શું કહી ગયા છે, ખબર નથી? તેઓ કહેતા : ‘આપણે બધું સાંભળીએ, બધું જાણીએ, પરંતુ ઠીક સમયે ભૂલી જાય.’ આપણે તો પહેલાં ‘હું’ને સ્થાન આપીએ અને પછી ભગવાનને સ્થાન!’

હવે દરરોજ એમની પાસે આર્દ્રભાવે પ્રાર્થના કરો, બોલો : ‘સંસારમાં બધું તમારું છે, માત્ર તમે જ અમારા છો.’ અને એની જ ધારણા કરતા રહો. સ્મરણ, મનન, નિદિધ્યાસન કરવાં પડશે, ત્યારે જ બધું થશે ને! માત્ર શ્રવણથી ન ચાલે. ઈશ્વરપ્રાપ્તિ કે આત્મોદ્ધાર બીજા કોઈ તો તમારા માટે કરી ન શકે ને? તમારું કાર્ય તમારે જ કરવું પડશે. પ્રથમ શૂન્ય લખીને પછી ગમે તેટલાં મીંડાં ઉમેરીએ તો તેનું કોઈ મૂલ્ય નથી. પરંતુ આગળ એક લખીને પછી ગમે તેટલાં મીંડાં ઉમેરીએ તો એનું મૂલ્ય વધતું જ રહેવાનું. મૂળ વાત તો આ છે કે પહેલાં શ્રીઠાકુર અને પછી સંસાર. એમની સાથેનો સંબંધ પાકો-દૃઢ કરી દો. એ દૃઢ સંબંધને પકડીને પછી વિશ્વમાં સર્વની સાથે સંબંધો રચો. તો જ તમારા આ નાના સંસારમાં તમે આસક્ત નહિ થઈ જાઓ. એટલે જ સાધકોએ કહ્યું છે: ‘આ સંસાર આનંદનો હાટ છે, અમે ખાઈએ પીઈએ અને મજા લૂંટીએ.’ પણ મહામાયાનો એવો પ્રભાવ કે આ સત્યનું વારંવાર આપણાથી વિસ્મરણ થઈ જાય છે. પણ હતાશ થવાની જરૂર નથી. શરણાગતિ સ્વીકારો, એમના પર નિર્ભર બનીને ચાલતાં શીખો. જો જો ધીમે ધીમે બધું સહજ-સરળ થઈ જશે, આનંદ અને શાંતિથી હૃદય ભરપૂર ભરાઈ જશે.

(ક્રમશ:)

Total Views: 61

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.