મૈત્રેયી

મૈત્રેયી વેદકાળમાં મહાન આધ્યાત્મિક સાધક હતાં. જીવનના અંતિમ સત્યને પ્રાપ્ત કરવા માટે તેમણે ભૌતિક સંપત્તિઓનો ત્યાગ કર્યો હતો. મૈત્રેયી મહાન ગુરુ અને સંત યાજ્ઞવલ્ક્યનાં પત્ની હતાં. સંત યાજ્ઞવલ્ક્યને બે પત્ની હતી. ગૃહસ્થ જીવનનો પૂર્ણ અનુભવ લીધા પછી ગૃહસ્થી સર્વોત્કૃષ્ટ સત્યની શોધના માટે વનપ્રસ્થાન કરતા એવી એ યુગની પ્રણાલી હતી.

પોતાનાં બંને ધર્મપત્નીઓની વચ્ચે ભૌતિક સંપત્તિની વહેંચણી કર્યા પછી યાજ્ઞવલ્ક્ય પણ આ સંસારત્યાગ કરવા ઇચ્છતા હતા.

તેમનાં એક ધર્મપત્ની કાત્યાયનીએ પોતાના પતિ તરફથી મળેલ ભૌતિક સંપત્તિના વારસામાં સંતોષ માન્યો.

યાજ્ઞવલ્ક્યનાં બીજાં ધર્મપત્ની મૈત્રેયીએ પોતાના પતિને પૂછ્યું: ‘હે નાથ! સમગ્ર સમૃદ્ધિથી ભરપૂર આ ધરતી જો મારી થઈ જાય તો શું હું અમર બની શકીશ?’ ઋષિ યાજ્ઞવલ્ક્યે કહ્યું: ‘ના, એનાથી તો પેલા સમૃદ્ધ લોકોની જેવું તમારું જીવન થઈ જાય ખરું. પણ અમરત્વ સમૃદ્ધિ કે સંપત્તિથી ન સાંપડે.’

મૈત્રેયીએ વળતો પ્રશ્ન કર્યો: ‘જેનાથી હું અમરત્વ ન મેળવી શકું એનું મારે શું કામ! નાથ, મને તો તમે જાણો છો એવું બધું અમરત્વ વિશેનું જ્ઞાન આપો.’

આ દ્વારા મૈત્રેયીએ પોતાને આ દુન્યવી સુખસમૃદ્ધિમાં રસરુચિ ન હતાં એ વાત સ્પષ્ટ કરી દીધી.

યાજ્ઞવલ્ક્ય આ જાણીને રાજી રાજી થઈ ગયા. તેમણે ગુરુ બનીને મૈત્રેયીને અમરત્વ સાધવા જીવનના અંતિમ સત્ય એટલે કે ઈશ્વરપ્રાપ્તિનું જ્ઞાન આપ્યું.

યાજ્ઞવલ્ક્ય અને મૈત્રેયીનો આ જ્ઞાનોપદેશ એટલે બૃહદારણ્યક ઉપનિષદ.

Total Views: 58

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.