આદર્શોનું જીવનમાં આચરણ

આ બંને આદર્શ (ત્યાગ અને સેવા)ના આચરણની પદ્ધતિ : જેવા આ આદર્શોને આપણે જાણી લઈએ કે તરત જ બીજું પગલું એને જીવનમાં આચરવા માટેની પદ્ધતિને સમજવી એ છે. આદર્શોના આચરણ કે અભ્યાસની પદ્ધતિમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે : ઉત્કંઠા કે કાર્યસાધકતા કેળવવી; આનંદ-સુખનું ઊર્ધ્વીકરણ; કેટલાંક નૈતિક વ્રત લેવાં-પાળવાં અને પ્રાર્થનાઓ કરવી; કર્મયોગનું પાલન કરવું; સામાજિક જીવનમાં પણ સિદ્ધાંતોને ચુસ્તપણે વળગી રહેવું.

ત્યાગ અને સેવાનું આચરણ કરવા માટે માનસિક શક્તિ લાવવાના આ કેટલાક ઉપાયો છે.

ઉત્કંઠા કેળવવી

આદર્શ માતપિતા અથવા શિક્ષક તરીકેની ભૂમિકા ભજવવા તમારી પાસે મર્યાદિત સમય છે : આપણી ઇચ્છાની તીવ્ર ઉત્કંઠા જ આપણા મહાન કાર્યની સફળતાનો માપદંડ નક્કી કરે છે. પોતાની જાતને આદર્શ અને અનુકરણીય ભૂમિકાવાળા માનવ બનાવવા માટે શિક્ષક કે માબાપમાં આવી તીવ્ર ઉત્કંઠા હોવી જોઈએ. તમારામાંની આવી તીવ્ર ઉત્કંઠા તમારાં બાળક કે વિદ્યાર્થીમાં ચારિત્ર્ય કેન્દ્રી ઉત્કંઠા જાગ્રત કરશે. સાથે ને સાથે તે તમને પ્રબળ ઇચ્છાશક્તિ બક્ષશે.

સમય તો વહ્યે જ જાય છે. તમારાં બાળકો કે વિદ્યાર્થીઓ દરરોજે દરરોજ નવા નવા સંસ્કાર ઝીલતાં જાય છે. તમારે તો માત્ર ગણ્યાગાંઠ્યાં વર્ષો જ એક આદર્શ અનુકરણીય માતપિતા કે શિક્ષકની ભૂમિકા ભજવવાની છે. જો તમે દૈનંદિન જીવનની સમસ્યાઓની જાળમાં ફસાયેલા રહો તો આ કટોકટીના સમયે તમારાં બાળકોના કે વિદ્યાર્થીઓના ચારિત્ર્ય પર ભાવાત્મક પ્રભાવ પાડવામાં નિષ્ફળ રહો છો. પછી એક દિવસ એવો આવે છે અને તમે દર્દપૂર્વક અનુભવો છો કે તમારો પુત્ર-પુત્રી કે વિદ્યાર્થી મોટાં થઈ ગયાં અને હવે એને સલાહ-સૂચન કરવાનો સમય જ ન રહ્યો!

આનંદ કે સુખનું ઊર્ધ્વીકરણ

તમારાં આનંદ-સુખને ઊર્ધ્વગામી બનાવો : આનંદ કે સુખનો અનુભવ કરવો એ માનવકાર્યના મૂળ પ્રેરણોમાંનું એક છે. તમે કેવી રીતે આનંદ-સુખ શોધો છો એ ચારિત્ર્ય વિકાસ માટે ઘણું અગત્યનું છે. જો તમારી આનંદ અને સુખની ભાવના ઉન્નત અને વિશુદ્ધ ન બની હોય તો ત્યાગ અને સેવાના આદર્શો તેમના ઉમદા હેતુથી દૂર ચાલ્યા જવાના. આનંદ-સુખને ત્રણ પ્રકારમાં વહેંચી શકાય – એક, વિષયેન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થતાં શારીરિક સુખ-આનંદ; બીજો, મનને કેળવીને મળતાં બૌદ્ધિક સુખ-આનંદ; ત્રીજો, આત્માનુભૂતિ દ્વારા આધ્યાત્મિક કે દિવ્ય આનંદ. આનંદ-સુખની અનુભૂતિ માટેનાં જુદાં જુદાં સાધનોની વાત કરતાં સ્વામી વિવેકાનંદ કહે છે :

‘બધી પ્રજાઓમાં માનવજાતની નીચલી કક્ષાના લોકોને ઈંદ્રિયોના વિષયોમાં વધારે આનંદ આવે છે. જ્યારે સંસ્કારી અને કેળવાયેલા લોકોને વિચારણા, તત્ત્વજ્ઞાન, કલા અને વિજ્ઞાનમાં વધારે આનંદ આવે છે. આધ્યાત્મિકતા એથી પણ ઊંચી કક્ષા છે; અનંત હોવાથી તેની ભૂમિકા ઊંચામાં ઊંચી છે. અને જે લોકો એમાં રસ લઈ શકે તેમના માટે તેમાંથી મળતો આનંદ ઊંચામાં ઊંચો છે. તેથી ઉપયોગીતાના સિદ્ધાંત પ્રમાણે પણ જે માણસને આનંદ મેળવવો હોય તેણે ધાર્મિક વિચારો કેળવવા જોઈએ, કારણ કે ઊંચામાં ઊંચો આનંદ એ જ છે.’ (સ્વા.વિ.ગ્રં.મા. ભા.૭, પૃ.૮૭)

દૈહિક આનંદ : આધુનિક વિશ્વ ઈન્દ્રિય સુખોપભોગને માણવામાં જ કેન્દ્રિત થયું છે. દરરોજે દરરોજ આવતાં ભૌતિક નવતર સુખાનંદની પાછળ એક આંધળી દોટ કરે છે. પરંતુ જો ઈન્દ્રિયસુખોપભોગ જ સુખ અને આનંદનું એક માત્ર વલણ બની જાય તો તે ચોક્કસપણે મુસીબતોને આમંત્રણ આપવા જેવું બની જાય છે. માત્ર ઈન્દ્રિયસુખોપભોગમાં જ મચ્યા રહેવાથી આપણું મન એક પ્રાણી કક્ષા જેટલું નીચે ઊતરી જાય છે. તેને લીધે કોઈ પણ વસ્તુને મેળવીને પોતાની કરી લેવાની એક ઉત્કટ લાલસા ઉદ્‌ભવે છે. વળી એ વસ્તુ ગુમાવી બેસવાના ભયથી મન વ્યગ્ર હોય છે. આ ઉપરાંત ઈન્દ્રિયસુખોપભોગ દ્વારા આપણને આનંદ સુખ પણ કયારેય લાંબા સમય સુધી મળી શકતાં નથી. એ સમયે પણ જો ઈન્દ્રિયસુખોપભોગની લાલસા વધુ ઉત્કટ બને તો તેે આપણને અકથ્ય હતાશા અને દુ:ખ તરફ દોરી જાય છે. વળી આ એક સાર્વત્રિક અનુભવ છે કે ઈન્દ્રિયસુખોપભોગમાં મચ્યા રહેવાથી કયારેય એ તૃપ્ત થતો નથી. ઈન્દ્રિયસુખોપભોગ હરસમયે સંતોષાય તો તે માત્ર ઈચ્છાને પ્રબળ બનાવે છે.એટલે જ દેહ કરતાં વધુ અનશ્વર વસ્તુમાંથી આનંદ કે સુખ મેળવવાં એ ચોખ્ખીચટ સામાન્ય સમજણની વાત છે. એટલે જ તો  ઉચ્ચતર સ્વરૂપનાં આનંદસુખને ગ્રહણ કરીને તેના પર પસંદગી ઉતારવા મનને કેળવવાથી આ બની શકે. ત્યાર પછી જ આનંદસુખ મેળવવાનાં નિમ્નતર સ્તર સ્વાભાવિક રીતે જ દૂર થઈ જશે, એટલે કે એને સરળતાથી ત્યજી શકાશે.

બૌદ્ધિક આનંદ : સંગીત, ચિત્ર, શિલ્પ-કોતરકામ અને નૃત્ય જેવી લલિતકળાઓનાં અભ્યાસ અને અધ્યયન મનને કેળવવામાં સહાયરૂપ બને છે. નિત્ય અને સઘન પાઠ માટે રામાયણ અને મહાભારત જેવા ગ્રંથો લઈ શકાય. આ બે મહાકાવ્યો સદ્‌ગુણો અને મૂલ્યોનો ખજાનો છે. એ બંને ગ્રંથોમાં આવતાં અસંખ્ય વાર્તાઓ અને પાત્રો વિદ્વાનો અને સામાન્યજનોને સ્પર્શી જાય તેવાં છે.આ બંને ગ્રથો આપણાં લલિતકળા, સંગીત અને સાહિત્ય માટે નિરંતર પ્રેરણાનું મૂળ છે. આ બંને મહાકાવ્યોની વાર્તાકથાઓ અસંખ્ય બાઉલ્સ, હરિકથાકારો અને સાધુ-સંન્યાસીઓ સમ્રગ દેશમાં પ્રજાજનો સમક્ષ રજૂ કરે છે. આ વાર્તાકથાઓ અનેક મૂંઝવણભરી અને કટોકટી ભરેલી પરિસ્થિતિઓ આપણી સમક્ષ મૂકે છે અને આપણને નિર્ણયશક્તિ કેળવવામાં સહાયરૂપ બને છે. ધર્મ કે સત્યની અહીં વિસ્તારપૂર્વક અને સૂક્ષ્મદૃષ્ટિથી ચર્ચા થઈ છે.આ મહાકાવ્યોનું વિશાળફલક અસંખ્ય વ્યક્તિમત્તા આપણી સમક્ષ રજૂ કરે છે. આ વ્યક્તિમત્તા ભિન્ન-ભિન્ન પ્રકારના માનવચારિત્ર તેમજ પરિણામગામી જીવનના સંગ્રહસ્થાન છે.

મહાભારતનો સૌથી અગત્યનો ભાગ એટલે શ્રીમદ્‌ ભગવદ્‌ગીતા. ભગવાન કૃષ્ણે અર્જુનને કરુક્ષેત્રના રણમેદાનમાં આ ભગવદ્‌ગીતા કહી હતી. ભગવદ્‌ગીતા એ સનાતન ધર્મ કે હિન્દુધર્મના ત્રણ શાસ્ત્રગ્રંથો પૈકી એક છે. ભગવદ્‌ગીતા સાધુ-સંતો, રાજા-મહારાજાઓ, રાજનીતિજ્ઞો, વ્યાપારીઓ, ઉદ્યોગપતિઓ અને સામાન્યજનો માટે ‘કર્મયોગ માર્ગદર્શિકા’ સમી બની રહી છે. આધુનિક મનોવિજ્ઞાન અને વ્યવસ્થાપન ક્ષેત્રની કેટલીયે શાખાઓ પણ આજે આ મહાન ગ્રંથનો અભ્યાસ કરે છે.

આધ્યાત્મિક દિવ્યાનંદ : ધર્મ વિષયક વિચારો કેળવવવાનો સરળ રસ્તો એટલે દિવ્ય અવતારીપુરુષો અને સંતોનાં જીવન અને સંદેશનો અભ્યાસ કરવો. શાસ્ત્રગ્રંથોનું નિયમિત વાચન, નિયમિત ધ્યાન અને ઈશ્વરનામનાં જપ કે સ્મરણ એ માટેનાં શક્તિશાળી સાધનો છે. બીજો એક અભિગમ ‘હું કોણ છું?’, ‘હું શા માટે અહીં છું?’, ‘હું ક્યાં જઈશ?’, ‘મૃત્યુ શું છે?’ આવા પાયાના પ્રશ્નોના ઉત્તર શોધવામાં જ રહેલો છે. આ મૂળભૂત પાયાના પ્રશ્નો આપણા જ્ઞાનમાં વૃદ્ઘિ કરે છે અને એ રીતે આપણી ભોગેચ્છાને ઓછી કરે છે. માનવના સર્વોત્કૃષ્ટ આનંદનું રસપ્રદ માપન તૈતિરીય ઉપનિષદમાં આ રીતે આપ્યું છે :

‘સાધુ સ્વભાવવાળો નવયુવક વેદાદિ શાસ્ત્રોનું અધ્યયન કરેલ, અત્યંત આશાવાન, અત્યંત દૃઢ અને અત્યંત બળવાન હોય; તેમજ એનાં ઉપભોગનાં સાધન ધનધાન્યાદિ પરિપૂર્ણ સંપૂર્ણ પૃથ્વી પણ હોય (અર્થાત્‌ પારલૌકિક ધર્માદિક સાધન દ્વારા અને લૌકિક ભોગ દ્વારા યુક્ત પૃથ્વીપતિ રાજા હોય) એનો એ આનંદ એક મનુષ્યનો આનંદ છે. (તૈતિરીય ઉપનિષદ, ૨.૮.૧-૪)

આ આનંદની ઉન્નતિશીલ વૃદ્ધિના માપથી ઉપનિષદો કહે છે કે આનંદનો આ એકમ મનની શાંતિમાં સોગણો વધારો કરે છે અને માનવની અનાસક્તિ કે નિરિચ્છાની વૃદ્ધિમાં પણ એટલો જ વધારો કરે છે. સર્વોત્કૃષ્ટ આધ્યાત્મિક આનંદની અનુભૂતિ માટે નિરાસક્તિ એ શ્રેષ્ઠ સાધનોમાનું સાધન છે.

કેટલીક નૈતિક પ્રતિજ્ઞાઓ

કામ અને ક્રોધ પરના અંકુશની આવશ્યકતા : ભગવદ્‌ગીતામાં અર્જુન નૈતિકતાનાં અભ્યાસ અને સમજણ માટે એક પ્રશ્ન પૂછે છે. (ગીતા: ૩.૩૬-૩૭)

અથ કેન પ્રયુક્તોઽયં પાપં ચરતિ પુરુષઃ।
અનિચ્છન્નપિ વાર્ણેય બલાદિવ નિયોજિતઃ॥

તો પછી આ માણસ કોના દ્વારા પ્રેરિત થઈને, પોતે ઈચ્છતો ન હોય છતાં પણ જાણે પરાણે જોડાયો હોય તેમ પાપનું આચરણ કરે છે?

ભગવાન કૃષ્ણ તેનો ઉત્તર આપતાં કહે છે :

કામ એષ ક્રોધ એષ રજોગુણસમુદ્ભવઃ।
મહાશનો મહાપ્મા વિદધયેનમિહ વૈરિણામ્॥

રજોગુણથી ઉત્પન્ન થયેલ આ કામ છે, આ જ ક્રોધ છે તે ખૂબ ખાનારો – ભોગોથી કદી ધરાય નહિ તેવો – અને મહાપાપી  છે. એને તું શત્રુ માન.

નિરંકુશ ઇચ્છા કે કામ અને ક્રોધ કેવી રીતે માણસને નૈતિક મૃત્યુ તરફ દોરી જાય છે એનું વર્તન ભગવદ્‌ગીતામાં આ રીતે કર્યું છે :

ધ્યાયતો વિધ્યાન્ પુંસઃ સઙ્‌ગસ્તેયૂપજાયતે।
સઙ્ગાત્ સંજાયતે કામઃ કામાત્ ક્રોધોઽભિજાયતે ॥૬૨॥
ક્રોધાદ્ભવતિ સંમોહઃ સંમોહાત્ સ્મૃતિવિભ્રમઃ।
સ્મૃતિભ્રંશા બુદ્ધિનાશો બુદ્ધિનાશાત્ પ્રણશ્યતિ ॥૬૩॥

વિષયોનું ચિંતન કરનાર પુરુષની તેમાં આસક્તિ થાય છે. આસક્તિથી કામના અને કામનામાંથી ક્રોધ પ્રગટે છે. (૬૨)

ક્રોધથી મૂઢતા ઉત્પન્ન થાય  છે, મૂઢભાવથી સ્મૃતિમાં ભ્રમ ઉત્પન્ન થાય છે. આ સ્મૃતિભ્રમથી  બુદ્ધિનો નાશ થાય છે, અને બુદ્ધિના નાશથી મનુષ્ય નાશ પામે છે. (૬૩)

એટલે જ આ કામ અને ક્રોધના બળને અંકુશમાં ન લેવાય તો ત્યાગ અને સેવાનો અભ્યાસ સાર્થક નિવડતો નથી.

વૈધાનિક નૈતિક પ્રતિજ્ઞાઓ : આવા સંયમ માટે પ્રબળ ઇચ્છાશક્તિની આવશ્યકતા રહે છે. આવી ઇચ્છાશક્તિ અને મનની શુદ્ધિ પ્રાપ્ત કરવા માટે આપણા સમાજે પ્રાચીનકાળથી જ કેટલાંક વૈધાનિક નૈતિક મૂલ્યોનો અભ્યાસ કરવાનું સૂચવ્યું છે. નૈતિકતા, ધર્મ અને કાયદાને આનુષંગિક બાબતોનાં મૂલ્યો સ્મૃતિ ગ્રંથોમાં આવે છે. ભૂતકાળમાં મહર્ષિ મનુ, મહર્ષિ યાજ્ઞવલ્ક્ય અને મહર્ષિ પતંજલિએ આપેલાં મૂલ્યોનું તેમજ ભારતની આધુનિક સ્મૃતિ એટલે કે આપણા બંધારણે સુનિશ્ચિત કરેલ મૂલ્યોનો ખ્યાલ અહીં આપેલા ચાર્ટમાંથી મળી રહેશે.

મહર્ષિ મનુ – સત્ય, અસ્તેય, સ્વચ્છતા, આત્મસંયમ, બ્રહ્મચર્ય, ક્ષમા, સાહસ, જ્ઞાન, શાણપણ, ક્રોધ નિયંત્રણ.

મહર્ષિ યાજ્ઞવલ્ક્ય – સત્ય, અસ્તેય, સ્વચ્છતા, આત્મસંયમ, દાનશીલતા, સહિષ્ણુતા, કરુણા.

મહર્ષિ પતંજલિ – કરુણા, અહિંસા, અપરિગ્રહ, શુદ્ધિ, અસ્વીકારવૃત્તિ, પવિત્રતા, સંતોષ, સ્વશાસન, અભ્યાસ, ઈશ્વરપરાયણ વૃત્તિ.

ભારતનું બંધારણ – ન્યાય, સમાનતા, સ્વતંત્રતા.

ઉપર્યુક્ત લાંબી યાદીનાં નૈતિક મૂલ્યોનું પાલન અત્યંત કષ્ટભર્યું અને ભયાવહ લાગશે. પરંતુ તમારે આ મૂલ્યોને એક પછી એક જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવાનો નથી. જો તમે આ બે મૂલ્યો – ‘સત્ય’ અને ‘આત્મસંયમ – નો અભ્યાસ કરો કે જીવનમાં ઊતારો તો બાકીનાં બીજાં બધાં મૂલ્યો સરળતાથી આવી જશે.

(ક્રમશઃ)

Total Views: 44

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.