(ગતાંકથી આગળ)

ગર્વ પતન નોતરે છે અને દિવસે ને દિવસે હૃદયરામનો ગર્વ વધતો જતો હતો. મંદિરના અધિકારીઓ પણ એમનાં વર્તનથી થાકી ગયા હતા અને એમને કાઢી મૂકવા માટેનું કારણ શોધતા હતા. શ્રીરામકૃષ્ણને આ વાતનો ખ્યાલ હતો અને હૃદયરામને થોડા ઓછા આક્રમક થવા માટે ચેતવણી પણ આપતા. ૧૮૮૧ના માર્ચમાં શ્રીમા શારદાદેવી પોતાનાં માતુશ્રી અને બીજા કેટલાંક પડોશીઓને સાથે લઈને જયરામવાટીથી પોતાના પતિને મળવા દક્ષિણેશ્વર આવ્યાં. જેવાં તેઓ આવ્યાં કે હૃદયરામે એમની સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું અને એમનો અહીં ખપ નથી એવું શ્રીમા શારદાદેવીને કહ્યું. આંખમાં આંસું સાથે શ્રીમા અને એમનાં માતુશ્રી એ જ દિવસે જયરામવાટી જવાં નીકળી પડ્યાં. શ્રીરામકૃષ્ણ અસહાય હતા. તેઓ હૃદયને ઉશ્કેરવા માગતા ન હતા એટલે શાંત રહ્યા. પણ પછીથી શ્રીરામકૃષ્ણે એમને ચેતવણીના સૂરે કહ્યું : ‘જો ભાઈ, તું મારું અપમાન કરી શકે પણ તેમની (શ્રીમાની) લાગણીને દુભાવતો નહીં. (પોતાના તરફ આંગળી ચીંધીને) આ દેહમાં જે રહે છે તે ફૂંફાડો મારશે તો ગમે તેમ કરીને તું બચી જઈશ. પણ તેમની (શ્રીમા શારદાદેવીની) ભીતર જે રહે છે તે ફૂંતકારશે તો બ્રહ્મા, વિષ્ણુ કે શિવ પણ તારું રક્ષણ નહીં કરી શકે.’(સ્વામી નિખિલાનંદ કૃત ‘હોલી મધર’, પૃ. ૫૨)

આ ઘટના પછી હૃદયરામે પોતાના પતનના દિવસો લાવી દીધા. ૧૮૮૧ના મે મહિનામાં મથુરબાબુના એક પુત્ર ત્રૈલોક્ય પોતાનાં પત્ની અને બાળકો સાથે મંદિરના વાર્ષિક પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવા દક્ષિણેશ્વર આવ્યા. મહોત્સવની એક પળે માબાપથી વિખૂટી પડેલી ત્રૈલોક્યની આઠ વર્ષની બાળકી શ્રીકાલી મંદિરમાં હતી અને એ સમયે હૃદયરામ પૂજા કરતા હતા. એકાએક આ નાની બાળકીમાં સાક્ષાત્‌ જગદંબાની પૂજા કરવાની ઇચ્છાથી હૃદયરામનું મન લલચાયું અને એમણે તાંત્રિક સાધના પ્રમાણે એ બાળકીનાં ચરણમાં ચંદન-પુષ્પ અર્પણ કર્યા. ચંદન-અર્ચાથી હૃદયરામ ઉઘાડા પડી ગયા. આ પૂજામાંથી જેવી પોતાની પુત્રી પાછી ફરી કે તરત જ ત્રૈલોક્યનાં પત્નીએ પોતાની પુત્રીનાં ચંદનવાળાં ચરણને જોયાં અને હૃદયે જે કાંઈ કર્યું તે જ્યારે તેણે સાંભળ્યું ત્યારે તે ગભરાઈ ગયાં. એનું કારણ એ હતું કે હલકી જ્ઞાતિની છોકરીનું બ્રાહ્મણ પૂજન કરે તો તે છોકરી લગ્ન પછી તરત જ વિધવા બને, એવી માન્યતા હતી. પોતાનાં પત્નીને રડતાં જોઈને અને એનું કારણ જાણીને ત્રૈલોક્ય ખૂબ ગુસ્સે થયા અને હૃદયરામને તરત જ મંદિરના પરિસરમાંથી બહાર નીકળી જવાનો આદેશ આપ્યો. (લાઈફ ઓફ શ્રીરામકૃષ્ણ, અદ્વૈત આશ્રમ, પૃ. ૩૬૦-૬૧)

હૃદય તો રામકૃષ્ણ પાસે દોડી ગયા અને જે બન્યું હતું તેની વાત તેમને કરી. તેણે શ્રીઠાકુરને પોતાની સાથે દક્ષિણેશ્વર મંદિરના પરિસરને છોડવા વિનંતી કરી પણ રામકૃષ્ણે એમ કરવાનો ઇન્કાર કર્યો એટલે હૃદય એકલો જ ખિન્ન હૃદયે ત્યાંથી નીકળી ગયો. એવું જણાય છે કે ત્રૈલોક્યે પ્રથમ પોતાના ગુસ્સાના આવેગમાં આવી જઈને શ્રીરામકૃષ્ણની વિરુદ્ધમાં કેટલીક ટિપ્પણી કરી હતી. એમનાથીયે છૂટકારો થાય તો વધારે સારું એવો એનો અર્થ થતો હતો. એ પ્રમાણે મંદિરનો વ્યવસ્થાપક શ્રીઠાકુર પાસે આવ્યો અને તેમને પણ આ સ્થળ તરત જ છોડી દેવા કહ્યું. આ સાંભળતાં જ શ્રીઠાકુરે તો પોતાનો ટુવાલ ખભા પર નાખ્યો અને પોતાના ઓરડામાંથી દવાજા તરફ ચાલવા લાગ્યા. ત્રૈલોક્યે દૂરથી એમને જોયા. તે તેમની પાસે દોડતો આવ્યો અને કહ્યું: ‘મહાશય, આપ ક્યાં જાઓ છો?’ શ્રીઠાકુરે કહ્યું: ‘પણ શું તમે મને અહીંથી ચાલ્યા જવાનું નહોતું કહ્યું?’ આ સાંભળીને ત્રૈલોક્યે વિનમ્રતાપૂર્વક કહ્યું: ‘ના, મેં એવું નથી કહ્યું. તેઓની સમજવામાં ભૂલ થઈ છે. મારો કહેવાનો આશય એવો ન હતો. હું આપને અહીં રહેવા માટે વિનંતી કરું છું!’ આ સાંભળીને શ્રીરામકૃષ્ણના મુખ પર સ્મિત ફરકી ઊઠ્યું અને જાણે કે કંઈ ન બન્યું હોય તેમ પોતાના ઓરડામાં પાછા ફર્યા. (ક્રિસ્ટોફર ઈશરવૂડ કૃત ‘રામકૃષ્ણ એન્ડ હીઝ ડિસાય્‌પલ્સ’, પૃ. ૧૮૩)

હૃદય હજુ દૂર ગયો ન હતો. તેણે દક્ષિણેશ્વરના મંદિરસંકુલની નજીકમાં આવેલ યદુમલ્લિકના ઉદ્યાનગૃહમાં આશરો લીધો હતો. શ્રીરામકૃષ્ણે એને માટે ભોજન મોકલ્યું અને એમને મળવા પણ ગયા. હૃદયરામે શ્રીઠાકુરને અવારનવાર દક્ષિણેશ્વર છોડી દેવા કહ્યું. એણે એવી દરખાસ્ત પણ મૂકી કે ક્યાંક બીજે સ્થળે શ્રીકાલીનું મંદિર સ્થાપીશું અને ત્યાં બંને જણા સાથે સુખેથી રહેશે. પરંતુ શ્રીરામકૃષ્ણ હંમેશાં એના આ સૂચનને નકારતા અને અંતે હૃદયરામ પોતાના વતનમાં પોતાની ખેતીની સારસંભાળ લેવા માટે ગયા. પછીથી શ્રીઠાકુરે ભક્તજનોને કહ્યું હતું : ‘મા જગદંબાએ જ એને દક્ષિણેશ્વરમાંથી દૂર કર્યો. તે યાત્રાળુઓ પાસેથી પૈસા પડાવતો. જો તે મારી સાથે રહ્યો હોત તો આવા બધા શ્રદ્ધાળુ લોકો આવ્યા ન હોત. એટલે જ શ્રીમા જગદંબાએ એને દૂર કર્યો.’ (શ્રીરામકૃષ્ણ કથામૃત ‘ગોસ્પેલ’  પૃ. ૯૨૫)

૧૯ ઓગસ્ટ, ૧૮૮૩ના રોજ શ્રીરામકૃષ્ણને હૃદયરામ તરફથી એક પત્ર મળ્યો. એના વિશે શ્રી મ.ને એમણે કહ્યું: ‘જુઓ, ભાઈ, મને આજે ઘણું દુ:ખ થાય છે. હૃદયે મને લખ્યું છે કે તે ખૂબ માંદો છે. એ વિશે મારે શા માટે ખિન્ન થવું જોઈએ? એ શું માયાને કારણે છે કે દયાને કારણે?’ શ્રીઠાકુરે આગળ ઉમેર્યું: ‘માયા શું છે એ તમે જાણો છો? માયા એટલે માતપિતા, ભાઈ, બહેન, પત્ની, સંતાનો, ભત્રીજા, ભત્રીજીઓ, જેવા સગાંવહાલાં પ્રત્યેની આસક્તિ. અને દયા એટલે સર્વજીવો પ્રત્યેનો પ્રેમભાવ. તો પછી મારી હૃદય માટેની લાગણી શું છે? તે માયા છે કે દયા? આમ તો હૃદયે મારા માટે ઘણું કર્યું છે – તેણે મારી સેવાચાકરી પૂરેપૂરા હૃદયથી કરી છે અને જ્યારે હું માંદો હતો ત્યારે તેણે મારી સેવા પણ કરી છે. પણ પછીથી એણે મને ઘણો સતાવ્યો પણ છે. એની આ સતામણી એટલી બધી અસહ્ય થઈ પડી હતી કે એકવખત તો હું ગંગાના કિનારાના પાળાની ટોંચ પરથી ગંગામાં ખાબકીને આપઘાત કરવા જતો હતો. આમ છતાં પણ એણે મારી ઘણી સેવાચાકરી કરી છે. હવે જો એને થોડાઘણા પૈસા મળી રહે તો મારા મનને શાંતિ વળે. પણ એ માટે મારે કોને કહેવું? અહીં આવનાર અમીર મુલાકાતીઓ સમક્ષ આવી વાત કહેવાનું કોને ગમે?’ (શ્રીરામકૃષ્ણ કથામૃત ‘ગોસ્પેલ’  પૃ. ૨૭૪-૨૭૫)

૨૬,ઓક્ટોબર ૧૮૮૪ના રોજ હૃદયરામ દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણને મળવા આવ્યા. શ્રી મ.એ શ્રીરામકૃષ્ણ કથામૃતમાં આ વિષે આવી નોંધ કરી છે:

એટલામાં એક જણે આવીને કહ્યું કે મહાશય, હૃદય યદુ મલ્લિકના બગીચામાં આવેલ છે, અને ફાટકની પાસે ઊભેલ છે; આપને મળવા માગે છે. શ્રીરામકૃષ્ણ ભક્તોને કહે છે કે હૃદયને એક વાર મળી આવું, તમે બેસજો. એમ કહીને કાળી વાર્નિસ કરેલી સપાટ પહેરીને પૂર્વ બાજુના ફાટક તરફ ગયા. સાથે માત્ર માસ્ટર.

બગીચાની બહાર આવીને જોયું તો યદુ મલ્લિકના બગીચાના ફાટકની પાસે હૃદય ઊભેલો.

ઠાકુરને જોતાં વેંત તેણે રસ્તા પર લાકડી પેઠે પડીને પ્રણામ કર્યા. ઠાકુરે ઊભા થવાનું કહ્યું. હૃદય વળી હાથ જોડીને બાળકની પેઠે રુદન કરે છે. શી નવાઈ! ઠાકુર શ્રીરામકૃષ્ણ પણ રડે છે. આંખને ખૂણે આંસુનાં કેટલાંક ટીપાં દેખાયાં. તેમણે હાથથી આંસુ લૂછી નાખ્યાં. જાણે કે આંખમાંથી આંસુ પડયા જ નથી. આ શું? જે હૃદયે તેમને કેટલો ત્રાસ આપેલો, તેને માટે દોડી આવ્યા છે અને રડે છે!

શ્રીરામકૃષ્ણ- અત્યારે તું આવ્યો?

હૃદય (રોતાં રોતાં) – તમને મળવા આવ્યો છું. મારું દુ:ખ બીજા કોની પાસે કહું?

શ્રીરામકૃષ્ણ (સાંત્વના આપતાં, સહાસ્ય)- સંસારમાં એ પ્રમાણે સુખદુ:ખ તો છે જ. સંસાર કરવા જાઓ એટલે સુખદુ:ખ આવે જ.

(માસ્ટરને દેખાડીને) – એટલા સારુ આ લોકો કયારેક કયારેક આવે; ને આવીને ભગવાનની બે ચાર વાતો સાંભળીને મનમાં શાંતિ પામે. તને દુ:ખ શેનું?

હૃદય (રોતાં રોતાં)- આપના સત્સંગથી દૂર થયો, એટલે દુ:ખ.

શ્રીરામકૃષ્ણ- તેં જ તો કહ્યું હતું કે ‘તમારો ભાવ તમારી પાસે ભલે રહ્યો, ને મારો ભાવ મારી પાસે ભલે રહ્યો!’

હૃદય – હા, એ તો કહ્યું હતું, પણ મને શી ખબર?

શ્રીરામકૃષ્ણ- ત્યારે આજે તો તું જા. બીજે એક દિવસ બેસીને વાત કરશું. આજે રવિવાર. ઘણાય માણસો આવ્યા છે, એ લોકો બેસી રહ્યા છે. આ વખતે દેશમાં ધાન બાન કેવુંક પાકયું છે?

હૃદય- હા; એ તો એક રીતે જોતાં ખરાબ નથી.

શ્રીરામકૃષ્ણ- ત્યારે આજે તું હવે જા. બીજે એક દિવસ આવજે.

હૃદયે વળી સાષ્ટાંગ પ્રણામ કર્યા. ઠાકુર એ જ માર્ગે પાછા આવવા લાગ્યા. સાથે માસ્ટર.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને)- મારી સેવા એણે જેટલી કરી છે, ત્રાસ પણ એણે તેટલો જ આપ્યો છે. હું જયારે પેટના રોગથી બે હાડકાં જેવો થઈ ગયો હતો, કાંઈ ખાઈ શકતો ન હતો ત્યારે મને કહે છે કે ‘આમ જુઓ, હું કેવો મજાનો ખાઉં પીઉં છું. તમારા મનની આડાઈથી તમે ખાઈ શકતા નથી!’ વળી કહેતો કે ‘મૂરખ! હું ન હોત તો તમારું સાધુપણું નીકળી જાત!’ એક દિવસે તો તેણે એવો ત્રાસ આપેલો કે હું પુસ્તા ઉપર ચડીને ગંગાની ભરતીનાં પાણીમાં દેહત્યાગ કરવા ગયેલો.

માસ્ટર તો એ સાંભળીને આશ્ચર્યથી ચૂપ જ થઈ રહ્યા! કદાચ વિચાર કરતા હશે કે શી નવાઈ, એવા માણસને માટે આમણે આંખમાંથી આંસુ પાડયાં હતાં!

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – વારુ એ આટલી સેવા કરતો તોય એનું નામ કેમ થયું? નાના છોકરાંને જેવી રીતે સંભાળે તેવી રીતે તેણે મારી સંભાળ રાખી હતી. હું તો રાતદિ’ (સમાધિમાં) બેહોશ પડયો રહેતો, એ ઉપરાંત વળી ઘણાય દિવસ સુધી પેટના રોગથી હેરાન થયો છું. એ જેવી રીતે મને રાખતો તેવી રીતે હું રહેતો.

માસ્ટર શું બોલે? ચૂપ રહ્યા. કદાચ વિચાર કરતા હશે કે હૃદયરામ નિષ્કામ થઈને ઠાકુરની સેવા નહિ કરતા હોય. (શ્રીરામકૃષ્ણ કથામૃત ‘ગોસ્પેલ’  પૃ. ૬૪૩-૬૪૪)

આધારભૂત નોંધ પ્રમાણે રામકૃષ્ણદેવ સાથેની હૃદયરામની આ છેલ્લી મુલાકાત હતી. હૃદયરામના મામા (શ્રીરામકૃષ્ણ) કેન્સરની બીમારીથી પીડાતા હતા અને તેઓ કોલકાતા કે કાશીપુરમાં રહે છે, એ વિશે તેણે સાંભળ્યું હશે; પણ તે એમની ખબર કાઢવા ક્યારેય ન ગયા. શ્રીરામકૃષ્ણના દેહાવસાન પછી હૃદયરામ કામધંધો મેળવવા કોલકાતા આવ્યા. શ્રીઠાકુરના અંતરંગ ગૃહસ્થ ભક્ત શ્રીરામચંદ્ર દત્તે શ્રીરામકૃષ્ણદેવના અસ્થિપૂંજને પોતાના ઉદ્યાનગૃહ કાંકુડગાછી યોગોદ્યાનમાં રાખ્યા હતા અને ત્યાં એમની દરરોજ પૂજા કરવાનું પણ શરૂ કરી દીધું હતું. તેમણે હૃદયરામને શ્રીઠાકુરની પૂજાવિધિ કરવા કહ્યું. એના બદલામાં એમને માસિક પગાર સાથે રહેવા-જમવાનું મફત મળી રહે તેવી સગવડતા આપવાનું પણ કહ્યું. પણ થોડા જ વખતમાં તેણે અસહ્ય ભૂલો કરવાનું પહેલાંની જેમ શરૂ કરી દીધું. સવારમાં શ્રીઠાકુરને ધરવાના માખણ અને મીસરી (સાકર) એમને ધરવાને બદલે તે પોતે જ ખાવા મંડતો. સાંજને વખતે પણ શ્રીઠાકુરને ધરવાનું નૈવેદ્યાન્ન તે ખાઈ જતો. રામચંદ્ર દત્ત આનાથી ખૂબ કંટાળી ગયા અને અંતે બિસ્તરા પોટલા બંધાવીને રવાના કર્યો. (મહેન્દ્રનાથ દત્ત કૃત ‘રામચંદ્રેર અનુધ્યાન’, પૃ. ૯૪-૯૫)

ત્યાર પછી હૃદયરામ એક રેકડી સાથે ફેરિયો બન્યો અને કોલકાતામાં ઘરે ઘરે કપડાં વેંચવા માંડ્યો. ક્યારેક ક્યારેક તે આલમબજારના મઠમાં કે જ્યાં શ્રીઠાકુરના સંન્યાસી શિષ્યોએ શ્રીરામકૃષ્ણનું પૂજાઘર સ્થાપ્યું હતું ત્યાં જતો. હૃદય ત્યાં ક્યારેક ક્યારેક બપોરનું ભોજન લેતો અને શિષ્યોને શ્રીરામકૃષ્ણદેવની સાધનાઓ, યાત્રાઓ, એમની વિશિષ્ટ વ્યક્તિઓ સાથેની મુલાકાતોની વાતો કરતો. સાથે ને સાથે દક્ષિણેશ્વરના એ જૂના દિવસો તેમજ રાણી રાસમણિ, મથુરબાબુ અને કામારપુકુરની વાતો પણ કરતો. શ્રીરામકૃષ્ણદેવના શિષ્યો ૧૮૭૯ સુધી શ્રીઠાકુરથી પૂરેપૂરા માહિતગાર ન હતા એટલે હૃદય વિના સ્વામી સારદાનંદજી દ્વારા શ્રીઠાકુરની જીવનકથા લેખનનું કાર્ય પૂર્ણ કરવું અશક્ય બની જાત. હૃદયરામ શ્રીઠાકુરના વ્યક્તિગત અને જાહેર જીવનની વિગતો પૂરી પાડી શકતા, કારણ કે તે બીજા કોઈ પણ વ્યક્તિ કરતાં શ્રીરામકૃષ્ણના લાંબા સમય સુધી સાથીદાર રહ્યા હતા.

૧૮૯૦ના કોઈક સમયગાળામાં શ્રીઠાકુરના એક મહાન શિષ્ય નાગ મહાશયે સુરેશચંદ્ર દત્ત અને શરત્‌ચંદ્ર ચક્રવર્તી સાથે દક્ષિણેશ્વરની મુલાકાત લીધી. શરત્‌ ચંદ્રની આ પ્રથમ મુલાકાત હતી. એમણે પોતાના પુસ્તક ‘સેંટ દુર્ગાચરણ નાગ’ માં આમ લખ્યું છે:

‘એ દિવસે શ્રીઠાકુરનો ભાણેજ હૃદયરામ મુખોપાધ્યાય પણ દક્ષિણેશ્વર ઉદ્યાનમાં આવ્યો હતો. (મંદિરના વ્યવસ્થાપકોએ જાણે કે એને નજરઅંદાજ કર્યો કે એના પ્રત્યે કોઈએ ધ્યાન ન આપ્યું.) એણે પોતાની સાથેના કપડાંલતાં બાંધી લીધાં હતાં અને તે ખિન્ન દેખાતો હતો. નાગ મહાશય એને જાણતા હતા એટલે બંને શ્રીરામકૃષ્ણ વિશે વાતચીત કરવા લાગ્યા. હૃદયે જગદંબાનાં કેટલાંક ભજનગીતો પણ ગાયાં. નાગ મહાશયે કહ્યું કે શ્રીઠાકુર આ ગીતો ગાતા. લાંબી ચર્ચા પછી હૃદયે કહ્યું: ‘શ્રીઠાકુરની કૃપાથી આપના જીવનમાં કેવું અદ્‌ભુત પરિવર્તન આવ્યું! પણ અરેરે! હું તો દરરોજ એ ફેરિયો બનીને શેરીઓમાં ઘરે ઘરે પેટીયું રળવા ભટકું છું! મામાએ મારા પર કૃપા ન કરી.’ આટલું કહીને તે એક બાળકની જેમ અત્યંત વિલાપ કરવા લાગ્યો.’ (શરદચંદ્ર ચક્રવર્તી કૃત ‘સાધુ નાગમહાશય’ ઉદ્‌બોધન, પૃ. ૭૪)

જ્યારે પૂનમના ચંદ્રનો પ્રકાશ છીછરા પાણી પર પડે છે ત્યારે નાની માછલીઓ ખૂબ રાજી રાજી થઈ જાય છે અને તેઓ આ ચાંદો જાણે કે પોતાનો સહસાથી હોય તેમ રમવા લાગે છે. પરંતુ જેવો આ ચંદ્ર આથમે છે કે આ માછલીઓ પોતાના તેજોમય મિત્રને ગુમાવીને જાણે કે દુ:ખી દુ:ખી થઈ જાય છે. એવી જ રીતે હૃદયરામ પણ શ્રીઠાકુરથી ખિન્નતા અને દુ:ખ સાથે અલગ પડ્યા. હૃદયરામનો દેહ તો આ દુનિયામાં હતો પણ એનું મન દક્ષિણેશ્વરમાં રહેલા પોતાના પ્રિય મામામાં લાગેલું હતું. વળી પાછા ૧૮૯૫માં શ્રીરામકૃષ્ણદેવના જન્મજયંતી મહોત્સવ પ્રસંગે હૃદયરામ દક્ષિણેશ્વરના મંદિર સંકુલમાં ઉપસ્થિત હતા અને એમણે ભક્તજનોને શ્રીઠાકુરની ઘણી વાતો કહી. તેમણે ડૂસકાં ખાતાં કહ્યું: ‘જ્યારે કોઈ નહોતું આવ્યું ત્યારે મેં શ્રીઠાકુરની સેવાચાકરી કરી છે અને અત્યારે મારી કોઈ દરકાર કરતું નથી. જો બિલાડી શ્રીઠાકુરનું દૂધ બોટે કે બગાડે તો શું ઠાકુર એ બિલાડીને દૂર ફેંકી દેશે?’ (મહેન્દ્રનાથ દત્ત કૃત ‘વિવેકાનંદ સ્વામીજિર જિવનેર ઘટનાવલિ’, વો.-૨, પૃ. ૫૮) હૃદયરામની આ દયનીય દશા જોઈને શ્રીઠાકુરના કેટલાક ભક્તો એમને આર્થિક સહાય આપવા લાગ્યા.

જ્યારે હૃદયરામ શ્રીઠાકુર સાથે દક્ષિણેશ્વરમાં રહેતા હતા ત્યારે તેઓ સુદ્રઢ અને તંદુરસ્ત હતા. પરંતુ પછીનાં વર્ષોમાં એમની તબિયત ધીમે ધીમે લથડતી ગઈ. એનું કારણ એ હતું કે આખો દિવસ એણે ફેરી કરીને કપડાં વેંચવા પડતા અને રાત્રે ભૈરવી તાંત્રિક સાધનાઓ કરવી પડતી. (મહેન્દ્રનાથ દત્ત કૃત ‘વિવેકાનંદ સ્વામીજિર જિવનેર ઘટનાવલિ’, વો.-૩, પૃ. ૫૪) ભગ્નહૃદયી હૃદયરામ અંતે પોતાના વતનના ઘરે શિહડમાં આવ્યા અને અહીં જ ૧૮૯૯ (વૈશાખ બંગાબ્દ ૧૩૦૬)માં મૃત્યુ પામ્યા. (શ્રી ‘મ’ કૃત ‘શ્રીશ્રીરામકૃષ્ણ કથામૃત’ વો.-૧, પૃ. ૧૧૮)

પોતાના ઘરે જતાં પહેલાં એક દિવસ હૃદયરામ આલામબજાર મઠમાં આવ્યા હતા અને શ્રીમંદિરમાં શ્રીઠાકુર સમક્ષ પોતાનું મસ્તક નમાવ્યું હતું. શ્રીઠાકુરના સંન્યાસી શિષ્યોમાંના એક સ્વામી નિરંજનાનંદે હસતાં હસતાં એમને કહ્યું: ‘વારુ, મુખર્જી; હવે તમને કેમ છે?’ હૃદયે ખિન્નતા સાથે જવાબ આપ્યો: ‘ભાઈ, હું તો મૃત અવસ્થામાં જીવું છું. એ બધા દિવસો ચાલ્યા ગયા! મારા મામા ચાલ્યા ગયા અને મારું હૃદય એની સાથે ગયું! ભાઈ, હું તો આ વિશ્વમાં નિષ્પ્રાણ દેહે ભટકું છું!’ (મહેન્દ્રનાથ દત્ત કૃત ‘વિવેકાનંદ સ્વામીજિર જિવનેર ઘટનાવલિ’, વો.-૨, પૃ. ૫૬)

Total Views: 41

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.