(ગતાંકથી આગળ)

સર્વદા સર્વભાવેન નિશ્ચિન્તિતૈ:
ભગવાનેવ ભજનીય: ॥૭૯॥

(સર્વદા, હંમેશા; સર્વ ભાવેન, દરેક રીતે; નિશ્ચિન્તિતૈ:, ચિંતા અને પોતાની સારસંભાળથી મુક્ત થઈને; ભગવાન્‌ એવ, કેવળ ભગવાન જ; ભજનીય:, ભજવા જોઈએ.)

૭૯. ભક્તે પોતાની બધી જ  સારસંભાળ અને કાળજીથી મુક્ત થઈને ફક્ત ભગવાનનું જ ભજન કરવું જોઈએ.

આગલા સૂત્રમાં ઘણા ગુણોનું બયાન કર્યું હતું. એ બધા ગુણોનો વિકાસ કરવો જોઈએ. બધાં જ દુ:ખો અને વ્યથાઓથી છુટકારો મેળવીને ભક્તે ભગવાનને જ ફક્ત ભજવા જોઈએ. કારણ કે તે ભગવાન એકલા જ બધા સદ્‌ગુણોના ભંડાર છે. અર્થાત્‌ મનુષ્યે પોતાના મનને બધી ચિંતાઓ અને દુ:ખોથી મુક્ત કરી દેવું અને ફક્ત ભગવાનનું જ ભજન કરવું. કોઈપણ પ્રકારની ચિંતા કર્યા વગર સમગ્ર મનને ભગવાન તરફ વાળી દેવું.

અહીં બે બાબતો છે. એક તો મનને પહેલાં ધારેલા બધા ખ્યાલોમાંથી મુક્ત કરવું અને બીજું ભૌતિક લક્ષ્યની પ્રાપ્તિ માટેની ચિંતાઓ જેવી કે કીર્તિની ઝંખના, ધનઝંખના, વગેરેમાંથી પણ મુક્ત કરી દેવું. મનનો આ છૂટકારો માત્ર મનની શાંતિ મેળવવા માટે જ નથી કરવાનો હોતો. ના, માત્ર એટલું જ નથી મનને એ બધાંથી મુક્ત તો એટલા માટે રાખવું જોઈએ કે જેથી તે કોઈપણ મુશ્કેલી વિના ભગવાન તરફ ઢળી શકે. એકદમ બેફિકર થઈને જ માણસે ભગવાનને ભજવા-પૂજવા જોઈએ – કેવળ ભગવાનને જ ઉપાસવા જોઈએ.

આની પાછળનો વિચાર એવો છે કે મનની શાંતિ કંઈ માણસને મજા પડે એટલા જ માટે નથી મેળવવાની! આપણને શાંતિ તો મળે, પણ એ મનની શાંતિ જ કંઈ જીવનનું લક્ષ્ય નથી. એ ખાસ યાદ રાખવું જોઈએ. આપણે ઘણી વખત કહીએ છીએ કે ‘હું શાંત છું.’ તો પછી ભક્ત માટે એ મનની શાંતિ શું છે? એ એક સિદ્ધિ તો બેશક છે જ પણ એ નીચા પ્રકારની સિદ્ધિ છે એ ભક્તમાં આનંદ ઉપજાવી શકે અથવા એને ખુશ તો કરી શકે, પણ એ જ કંઈ લક્ષ્ય નથી. લક્ષ્ય તો એકમાત્ર ભગવાન અને ભગવાન જ છે.

એટલે આ બધી આધ્યાત્મિક સાધનાઓ માત્ર માનસિક સુખશાંતિ કે કોઈ કીર્તિ મેળવવાના વિચારથી હાથમાં ન લેવી જોઈએ. પણ કેવળ ભગવાન, બસ ભગવાનના વિચારથી જ સ્વીકારવી જોઈએ.

કેટલીક વાર લોકો માને છે કે શાંતિ અને સુખથી ભરપૂર જીવન જ આધ્યાત્મિક જીવનનો અર્થ છે. પણ ભક્તને માટે એવું નથી. જો ભગવાન પ્રત્યેના પ્રેમની અનુપલબ્ધિ ભક્તને આકુળવ્યાકુળ કરી મૂકતી હોય તો એવી વ્યાકુળતા તો ભક્ત માટે એક વરદાનરૂપ જ છે. એને ખાલી મનની શાંતિ કે સુખ જ ઈષ્ટ નથી – એનું લક્ષ્ય તો ભગવાન અને કેવળ ભગવાન જ છે. એટલે આપણે આપણા મનને ભગવાનની ભક્તિમાં લગાડી દેવું જોઈએ અને એની ભક્તિનો વિકાસ કરવો જોઈએ અને ખાલી મનની શાંતિ કે મનના સુખનો જ ક્યારેય વિચાર ન કરવો જોઈએ.

સ: કીર્ત્યમાન: શીઘ્ર્રમેવાવિર્ભવ-
ત્યનુભાવયતિ (ચ) ભક્તાન્‌ ॥૮૦॥

(સ:, હંમેશા; કીર્ત્યમાન:, દરેક રીતે; શીઘ્ર્રમ્‌ એવ, ચિંતા અને પોતાની સારસંભાળથી મુક્ત થઈને; આવિર્ભવતિ, કેવળ ભગવાન જ; (, અને) અનુભાવયતિ પોતાની દ્વારા કૃતાર્થ બનાવે છે;  ભક્તાન્‌, ભક્તોને).

૮૦. આ પ્રમાણે ભજનકીર્તન કરાયેલા પ્રભુ એકદમ જલદી પોતે પોતાને પ્રકટ કરે છે. અને ભક્તને દર્શન (સાક્ષાત્કાર) કરાવીને ધન્ય ધન્ય બનાવી દે છે.

ભગવાનને માર્ગે ચાલનારા ઘણા લોકોને મોઢેથી આપણને એવું સાંભળવા મળે છે કે ‘અહા! અમને શાંતિ મળે છે!’ જાણે કેમ એ જ છેવટનું સાધ્ય હોય! અથવા તો ‘મને શાંતિ મળી ચૂકી છે’ બસ, જાણે કે એ જ માત્ર એનું છેવટનું લક્ષ્ય હાંસલ કરી લીધું હોય! પણ આ કંઈ અંતિમ સાધ્યો નથી જ. ભલે ભક્તને ચિંતાઓથી મુક્ત કરવામાં એ મદદગાર બની શકે કે જેથી ભક્ત પોતાનું બધું ધ્યાન ભગવાન તરફ વાળી શકે. અને એમાં એને કોઈ અવરોધ ન આવે એટલું જ. પરંતુ એને બદલે જો આપણે એ મનની શાંતિ અને સુખને જ માણ્યા કરીશું તો ભગવાનની ભક્તિમાંથી ભ્રષ્ટ જ થઈ જઈશું. એ યાદ રાખવાની જરૂર છે.

આવા બધા ખોટા ખ્યાલોને તો મનમાંથી ખસેડી જ મૂકવા જોઈએ. એનો એવો અર્થ નથી કે આપણે હંમેશાં દુ:ખી જ રહેવું જોઈએ. હું એવું કહેવા માગતો જ નથી. કહેવાનું તાત્પર્ય તો એ છે કે આપણું સુખ, પરમાત્મના પરમપ્રેમની પ્રાપ્તિમાંથી જ નીપજવું જોઈએ. નહિતર તો બીજાં તો સામાન્ય સુખ જ હોય છે અને તે તો આપણે ઇચ્છતા નથી. કારણ કે એ સુખો શાશ્વત નથી હોતાં. માટે ભગવાનને જ સર્વ રીતે ભજવા જોઈએ અથવા પરમાત્મા પ્રત્યેના પ્રેમનો જ સર્વત: વિકાસ કરવો જોઈએ. આ ‘સર્વત:’ ખૂબ મહત્ત્વની વાત છે. આપણે ખાઈએ છીએ, પીએ છીએ, રોજબરોજની સામાન્ય ક્રિયાઓ કંઈ આધ્યાત્મિક કે એવા કશા પ્રકારની તો હોતી નથી અથવા તો કોઈને નુકસાન કરનારી પણ હોતી નથી તો આવી બધી ક્રિયાઓને પણ ભગવાનના વિચાર કરતાં કરતાં કરવી જોઈએ. આ જીવનમાં એવું કશું જ નથી કે જે ભગવાનના વિચારથી વ્યાપ્ત ન થઈ શકે. ભક્તનું દરેકેદરેક કાર્ય ભગવાનની પૂજા રૂપ હોવું જોઈએ. ભક્તનું સમગ્ર જીવન જ દિવ્યતાની સતત આરાધનારૂપ હોવું જોઈએ. મનમાં બીજો, કશો વિચાર રાખ્યા વગર, જગતમાં કોઈને કશી ખલેલ પહોંચાડ્યા વગર, ભક્તે ભગવાનની વિવિધ રીતે સતત સાધના કરવી જોઈએ.

આ રીતે ભક્તે આરાધેલા ભગવાન પોતે જ શીઘ્ર્ર પ્રકટ થાય છે અને ભક્તને સાક્ષાત્કાર – દર્શન દ્વારા કૃતાર્થ કરી દે છે અને ત્યારે જ ભક્તને ભગવાનની ઉપસ્થિતિની અનુભૂતિ થાય છે અને ત્યારે જ ભગવાનનો સાક્ષાત્કાર – જીવનનું પરમ ધ્યેય પ્રાપ્ત થાય છે.

ભગવાન પોતે જ આપણી સમક્ષ હાજરાહજૂર થઈ જાય છે અને આપણને પોતાનાં દર્શન – પોતાનો સાક્ષાત્કાર કરાવી દે છે. એની હસ્તીની આપણે અનુભૂતિ કરીએ છીએ અને તે પણ વળી ખૂબ જલદી!

ભક્તને ભગવાનના સાક્ષાત્કાર તરફ દોરી જતા આ માર્ગો છે અને તે પણ ઓછા સમયમાં દોરી જનારા છે. આ સમયગાળો લાંબો થઈ જાય એનો આધાર ભક્તની સાધનામાં રહેલા તલસાટ અને તીવ્રતાના પ્રમાણ ઉપર છે.

જ્યારે જે ભક્ત ભગવાનના ગુણાનુવાદ કરે છે કે ભગવાનનું ધ્યાન કરે છે, ત્યારે એ પોતાને નિર્મળ રાખે છે. બીજા બધા પૂર્વ ખ્યાલોથી મુક્ત રાખે છે અને પોતાને ભગવાનના વિચારોમાં જ સતત રમમાણ રાખે છે. એવા ભક્ત માટે સાક્ષાત્કાર એ કંઈ દૂરની વસ્તુ નથી.

ત્રિસત્યસ્ય ભક્તિરેવ ગરીયસી
ભક્તિરેવ ગરીયસી ॥૮૧॥

(ત્રિસત્યસ્ય, ત્રિકાલાબાધિત શાશ્વત; ભક્તિ: એવ, ભક્તિ જ; ગરીયસી, સર્વથી મોટી છે.)

૮૧. ત્રિકાલાબાધિત શાશ્વત એવા ભગવાનની ભક્તિ જ સૌથી મોટી છે. ભગવાન શાશ્વત સ્વરૂપે સત્ય છે. વર્તમાનકાળમાં, ભૂતકાળમાં અને ભવિષ્યકાળમાં પણ એ સત્ય જ છે. એનું અસ્તિત્વ ક્યારેય મટતું નથી. એ હંમેશા હાજરાહજૂર જ હોય છે. એ જ તો ભગવાનનો મહિમા છે. આવા ભગવાન પ્રત્યેની ભક્તિ એ ઉચ્ચતર ભક્તિ છે. અનન્ત શાશ્વત સત્ય તરફનો પ્રેમ સૌથી ઊંચો પ્રેમ છે.‘ આ પ્રેમ ખરેખર શ્રેષ્ઠ છે.’ – એવું બે વખત કહ્યું છે કારણ કે એના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે.

એટલે આવી પરાભક્તિ કે ઉચ્ચતમ ભગવત્પ્રેમને પ્રાપ્ત કરવાનાં સાધનો અહીં વિસ્તારથી વર્ણવવામાં આવ્યાં છે. અને એમાં આવતા અવરોધોને દૂર કરવાનું પણ કહેવામાં આવ્યું છે. એ બતાવેલી રીતે એવાં પતનસ્થાનોથી પોતાને દૂર રાખી શકશે. અહીં બતાવેલાં પરમ તત્ત્વના સાક્ષાત્કારનાં સાધનોમાં સતત વળગ્યો રહેશે. એ પરમ તત્ત્વ – ભગવાન ઉચ્ચતમ સત્‌ છે; ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળમાં સત્ય સ્વરૂપ છે – એટલે કે શાશ્વત સત્ય છે. અહીં આ સૂચન છે કે : ‘કેવળ ભગવાન જ શાશ્વત સત્ય છે. બાકીનું બધું તો કાલિક કે પરિવર્તનશીલ હસ્તી ધરાવે છે. ભગવાન એક જ ત્રિકાલાબાધિત વિદ્યમાન છે, એટલે એ એક જ પ્રેમના સુપાત્ર છે.

ગુણમાહાત્મ્યાસક્તિ – રૂપાસક્તિ – પૂજાસક્તિ-સ્મરણાસક્તિ –
દાસ્યાસક્તિ- સાખ્યાસક્તિ –
વાત્સલ્યાસક્તિ – કાન્તાસક્તિ –
આત્મનિવેદનાસક્તિ – તન્મયતાસક્તિ –
પરમવિરહાસક્તિ – રૂપા એકધા
અપિ એકાદશધા ભવતિ ॥ ૮૨ ॥

(એકધા, એક; અપિ, હોવા છતાં; (ભક્તિ:, ભક્તિ); ગુણમાહાત્મ્યાસક્તિ:, ભગવાનના સદ્‌ગુણોના મહિમા પ્રત્યેનો પ્રેમ; રૂપાસક્તિ:, તેમના અદ્‌ભુત રૂપ પ્રત્યેનો પ્રેમ; પૂજાસક્તિ:, તેમની ઉપાસના તરફનો પ્રેમ; સ્મરણાસક્તિ:, ભગવાનના સ્મરણની ઇચ્છા; દાસ્યાસક્તિ:, ભગવાનની સેવા કરવાની ઇચ્છા; સખ્યાસક્તિ:, એના મિત્ર થવાની ઇચ્છા; વાત્સલ્યાસક્તિ, તેના પર પુત્ર તરીકેનો પ્રેમ; કાન્તાસક્તિ, જેમ કોઈ પત્ની પતિ ઉપર પ્રેમ રાખે તેવો પ્રેમ રાખવાની ઇચ્છા; આત્મનિવેદનાસક્તિ, શરણાગતિની ઇચ્છા; તન્મયતાસક્તિ:, ભગવાનમાં ઓગળી જવાની ઇચ્છા; પરમવિરહાસક્તિ:, અને ભગવાનથી અલગ થવાની થતી અત્યંત વ્યથા નો પ્રેમ; (ઈતિ, એમ;) એકાદશધા, અગિયાર પ્રકારની; ભવતિ, થાય છે.

૮૨. જો કે મૂળે તો ભક્તિ એક જ છે છતાં એની અભિવ્યક્તિ અગિયાર પ્રકારે થાય છે. ભગવાનના દિવ્યાદ્‌ભુત સૌંદર્ય પ્રત્યેનો પ્રેમ, ભગવાનની પ્રાર્થના પ્રતિનો પ્રેમ,ભગવાનના સતત સ્મરણ તરફનો પ્રેમ,ભગવાનની સેવા કરવામાં પ્રેમ,ભગવાન પ્રત્યે મૈત્રીભાવનો પ્રેમ,ભગવાન પ્રત્યે પુત્ર તરીકેનો પ્રેમ,ભગવાનને પતિ તરીકે માનવાનો પ્રેમ, ભગવાનને શરણે પોતાને સમર્પી દેવાની ઇચ્છા, ભગવાનમાં તદ્દન વિલીન થઈ જવાની ઇચ્છા અને ભગવાનના વિરહની અત્યંત ભારી વ્યથા પ્રત્યે પ્રેમ.

આ સૂત્રમાં આપણે એવું વાંચીએ છીએ કે આમ તો પરાભક્તિ એક જ પ્રકારની છે. પણ એની અભિવ્યક્તિ આ નીચે બતાવેલાં સ્વરૂપોમાં થાય છે :-

(૧) ભગવાનના સદ્‌ગુણોના મહિમા પ્રત્યેનો પ્રેમ- ભગવાનના ભાતભાતના પરમ સદ્‌ગુણો પ્રત્યેનો પ્રેમ (અર્થાત્‌ ભગવાનના સદ્‌ગુણોનું ધ્યાન કરવું અથવા તો ભગવાનના સદ્‌ગુણોનું સતત સંસ્મરણ કરવું;

(૨) ભગવાનના સૌંદર્ય તરફ આકર્ષણ હોવું;

(૩) ભગવાનના ગુણાનુવાદ તરફ લગાવ હોવો;

(૪) ભગવાનના સ્મરણમાં પ્રીતિ હોવી;

(૫) જેમ કોઈ નોકર પોતાના શેઠની સેવાચાકરી કરતો હોય, તેમ ભગવાનના દાસ થઈને રહેવાની વૃત્તિ;

(૬) ભગવાન પ્રત્યે મૈત્રીભાવ રાખવાની લાલસા;

(૭) ભગવાનના બાળક થઈ રહેવાની ઝંખના (ભગવાન પ્રત્યે ભક્ત એનો દીકરો થઈને રહેવાની ભાવના સેવે છે);

(૮) ભક્ત ભગવાનને પતિરૂપે ભજવા ઝંખે છે (કોઈ પત્ની પતિ સાથે જેવો સંબંધ રાખે છે, તેવો સંબંધ ભગવાન સાથે રાખવા ઇચ્છે છે.)

(૯) ભગવાન પ્રત્યે સંપૂર્ણ શરણાગતિનો ભાવ ભક્ત ઇચ્છે છે;

(૧૦) ભગવાનમાં સંપૂર્ણ રીતે એકમેક થઈ જવાની લાલસા;

(૧૧) ભગવાનના વિરહથી થતી મહાવ્યથાની અનુભૂતિ કરવાની ઇચ્છા.

(ક્રમશઃ)

Total Views: 46

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.