(૧) દક્ષ રાજા હિમાલયના રાજા હતા. એમને પચાસ પુત્રીઓ હતી. એમાંની ૨૭ ચંદ્રને પરણાવી હતી.

– હે ચંદ્રરાજ, તમારે મારી ૨૭ પુત્રીઓને એક સરખો પ્રેમ આપવાનો છે. હું આપને આશીર્વાદ આપું છું.

– આપની ઇચ્છાનું હું પાલન કરીશ.

(૨) થોડા સમય સુધી તો ચંદ્રે પોતાની બધી પત્નીઓને એકસમાન ભાવે ચાહી. પછી તેઓ રોહિણી પ્રત્યે વધારે ભાવ રાખતા થયા. રોહિણી યુવાન અને સૌંદર્યવાન હતી. આને લીધે બીજી દક્ષપુત્રીઓને દુ:ખ થયું.

– અરે! આપણા સ્વામી આપણી આવી અવગણના કરે છે!

– હવે આપણે શું કરીએ?

– ચાલો, આપણે પિતાજીને ફરિયાદ કરીએ.

(૩) પેલી છવ્વીસ બહેનો દક્ષરાજા પાસે ગઈ અને ફરિયાદ કરી.

– પુત્રીઓ, ચિંતા ન કરો. હું જમાઈ સાથે વાતચિત કરીને તમારાં મનનું દુ:ખ દૂર કરીશ.

(૪) અરે, ચંદ્રરાજ! તમે રોહિણી પ્રત્યે વધુ મમતા રાખો છો અને બીજી પત્નીઓને અવગણો છો. તમારું આવું વલણ તમારે તરત જ ત્યજી દેવું જોઈએ.

(૫) રાજા દક્ષની ચેતવણી જેવી શિખામણ સાંભળીને પણ ચંદ્રના વલણમાં કોઈ ફેરફાર ન થયો. પેલી છવ્વીસ કન્યાઓ વળી પાછી પોતાના પિતા પાસે ગઈ અને રડવા લાગી.

(૬) રાજા દક્ષ તો ક્રોધાવેશમાં ચંદ્ર પાસે ગયા. હે ચંદ્ર તમે બીજી છવ્વીસ પત્નીઓ પ્રત્યે લાગણીવિહીન બનીને તેમને દુ:ખ પહોંચાડો છો. તમે એમનાં સૌંદર્ય અને યુવાનીને જાણે કે મૂર્ઝાવી દીધાં છે. એટલે હું તમને અભિશાપ આપું છું કે તમે પણ એની જેમ પીળાફક્ક થઈ જાઓ.

(૭) રાજા દક્ષના અભિશાપથી ચંદ્રનું તેજ ઝાંખું અને ઝાંખું થવા લાગ્યું. ગભરાઈને એ તો સહાય માટે દેવો પાસે દોડી ગયો.

– હે દેવો! દક્ષના અભિશાપથી હું ઝાંખો ને ઝાંખો થતો જાઉં છું. આ અભિશાપની પીડામાંથી બહાર નીકળવાનો કોઈ ઉપાય બતાવો.

– હે ચંદ્ર! તમારા દુ:ખને કેમ દૂર કરવું તેની અમને ખબર પડતી નથી. ચાલો આપણે બ્રહ્માજી પાસે જઈએ અને તેઓ શું કહે છે તે જોઈએ.

(૮) બધા બ્રહ્માજી પાસે ગયા અને ચંદ્રની સમસ્યા એમની સમક્ષ રજૂ કરી.

– ભાઈ ચંદ્ર! તમે પોતે તમારી પત્નીઓ પ્રત્યે એક સમાન વર્તન ન રાખ્યું. વળી તમે દક્ષ રાજાની સલાહને પણ અવગણી. ભાઈ, તમે તો સત્યનો અને વડીલોની શિખામણનો અનાદર કર્યો છે. તમે એને જ લાયક છો. તમારાં આ દુ:ખપીડા બીજાના માટે એક બોધપાઠ બની રહેશે.

– હવે પ્રભુ! હવે મને મારી ભૂલ સમજાય છે. પ્રભુ મારી ભૂલને માફ કરો અને મને આમાંથી બચાવી લો.

(૯) દેવોએ પણ બ્રહ્માજીને ચંદ્રને મદદ કરવા વારંવાર વિનંતી કરી.

– ચંદ્ર બધી વનસ્પતિનો દેવતા છે. જો એ આવી રીતે કરમાઈ જશે તો બધાં છોડવેલીઓ પણ નાશ પામશે, પરિણામે બધા સજીવોનું જીવવું અશક્ય બની જશે. વળી ચંદ્રનાં કિરણોથી આપણને અમીરસ પીવા મળી રહે છે. સમગ્ર વિશ્વના કલ્યાણને ધ્યાનમાં રાખીને ચંદ્રને માફ કરો અને એમને બચાવી લો.

– ધરતી પર પ્રભાસ નામનું એક પવિત્ર સ્થળ છે. ત્યાં ચંદ્રે જવું જોઈએ અને ‘ૐ નમ:શિવાય’ એ મંત્રનો અવિરત જાપ કરવો જોઈએ. શિવજીની કૃપાથી જ ચંદ્રનો અભિશાપ દૂર થશે. ચંદ્રને અભિશાપથી મુક્ત થવા માટે બીજો કોઈ માર્ગ નથી.

(૧૦) અભિશાપ મુક્તિનું સાધન મળી જતાં ચંદ્ર પ્રભાસ ગયા. અહીં તેમણે ચંદ્રતીર્થ નામનું એક તળાવ ગાળ્યું. તળાવની પાસે શિવલિંગની સ્થાપના કરીને તે દરરોજ શિવપૂજા કરવા લાગ્યા. ‘ૐ નમ:શિવાય’ના દસ કરોડ જપ કર્યા.

– ૐ નમ: શિવાય, ૐ નમ: શિવાય, ૐ નમ: શિવાય.

(૧૧) કરુણાના સાગર શિવજી ચંદ્ર સમક્ષ પ્રગટ થયા.

– હે ચંદ્ર સ્ત્રીઓને સંતાપીને કરેલું પાપ ભયંકર છે. પોતાના પતિની સેવા કરવા જીવતી પત્નીઓ પ્રત્યે પ્રેમ અને મીઠાશથી વર્તવું જોઈએ. એમના હૃદયને દુ:ખ દેવું એ મહાપાપ છે. એ સારું થયું કે હવે તમને તમારી ભૂલ સમજાઈ છે. તમે વરદાન માગી લો.

– હે પ્રભુ! મને દક્ષના અભિશાપથી મુક્ત કરો.

(૧૨) – હું અર્ધો અભિશાપ દૂર કરીશ. પંદર દિવસ સુધી તમે દર માસે વૃદ્ધિ પામતા રહેશો અને બાકીના પંદર દિવસ તમે ક્ષીણ થતા રહેશો.

– હે પ્રભુ! મારા અભિશાપના દુ:ખને દૂર કરીને તમે મારા પર કૃપા કરી છે. હે પ્રભુ! આ ચંદ્રતીર્થમાં સ્નાન કરીને અને તમારી પૂજા કરીને બીજા ભક્તજનો પણ પોતાનાં દુ:ખદર્દ દૂર કરે એવી પણ પ્રાર્થના કરું છું.

– તારી ઇચ્છા પ્રમાણે થાઓ.

(૧૩) ચંદ્રનું નામ સોમ પણ છે. એટલે જ પ્રભાસ ક્ષેત્રમાં ચંદ્રે સ્થાપેલ મહાદેવનું નામ સોમનાથ છે. આ ચંદ્રતીર્થમાં (ત્રિવેણીતીર્થ) સ્નાન કરનાર અને ભગવાન સોમનાથને ભજનારના દુર્ભાગ્ય દૂર થાય છે.

દ્વાદશ જ્યોતિર્લિંગમાં સોમનાથનો સમાવેશ થાય છે. અસંખ્ય ભક્તજનો માટે આજે પણ ભગવાન શિવજીનું મંદિર ત્યાં ઝળહળી રહ્યું છે.

Total Views: 42

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.