એક દિવસ શંકરાચાર્ય શિષ્યો સાથે ગંગા સ્નાન કરવા જઈ રહ્યા હતા. મણિકર્ણિકાની નિકટ આવતા એમણે જોયું તો સામેથી એક કુરૂપ ભીષણમૂર્તિ ચાંડાલ સાંકળે બાંધેલ ચાર કૂતરાને લઈને ઉદ્દંડતાથી ચાલ્યો આવતો હતો. અસહાય બનીને આચાર્ય શંકરે ચાંડાલને કહ્યું: ‘અરે ચાંડાલ, કૂતરાની સાથે તું એક બાજુ ઊભો રહે; અમને નીકળી જવા દે.’ ચાંડાલે સાંભળ્યું ન સાંભળ્યું કર્યું અને આગળ વધ્યો. એટલે શંકરાચાર્યે ઉત્તેજિત થઈને કહ્યું: ‘અરે! ઊભો રહે! તારા કૂતરાને રોક અને અમને માર્ગ કરી દે.’ એમની વાતને પેલા ચાંડાલે સાંભળી ન સાંભળી કરી. પછી એક વિકટ હાસ્ય સાથે શંકરને સંબોધીને શ્લોકબદ્ધ સંસ્કૃત ભાષામાં કહ્યું: ‘તું કોને હટી જવાનું કહે છે, આત્માને કે દેહને? આત્મા તો સર્વવ્યાપી નિષ્ક્રિય અને સતત શુદ્ધ સ્વભાવનો છે અને જો તમે દેહને હટાવવાની વાત કરતા હો તો દેહ જડ છે, એ કેવી રીતે હટે? તારા દેહથી બીજો દેહ કેવી રીતે ભિન્ન છે? તમે ‘એકમેવાદ્વિતીયમ્‌’ આ બ્રહ્મતત્ત્વમાં પ્રતિષ્ઠિત હોવાનું મિથ્યાભિમાન કરો છો. તત્ત્વદૃષ્ટિએ બ્રાહ્મણ અને ચાંડાલમાં ભેદ છે ખરો?.. ગંગાજળમાં પ્રતિબિંબિત સૂર્ય અને સુરામાં પ્રતિબિંબિત સૂર્યમાં કંઈ ભેદ ખરો? શું આ જ તમારું બ્રહ્મજ્ઞાન?’ ચાંડાલનાં જ્ઞાનગર્ભિત વચનો સાંભળીને શંકર તો થંભી ગયા અને ભોંઠા પડી ગયા. એના મનમાં સૂઝી આવ્યું કે ચોક્કસ આ કોઈ દેવ લીલા જ છે. ત્યાં જ એમણે હાથ જોડીને પ્રાર્થના કરી: ‘જે બધાં ભૂતો પ્રત્યે સમજ્ઞાની છે, એ પ્રમાણે જ જેમનો વ્યવહાર છે, એ જ મારા ગુરુ છે. એમનાં ચરણોમાં કોટિ કોટિ પ્રણામ કરું છું.’ એકાએક ચાંડાલ અને કૂતરાં અદૃશ્ય થઈ ગયાં. એમણે જોયું તો સૂર્ય અને અગ્નિસમા દિવ્ય પુરુષ મહાદેવ ચારે વેદ હાથમાં લઈને એમની સન્મુખ છે. શંકરે ભક્તિભાવે પ્રાર્થના કરી.

પશુનાં પતિં પાપનાશં પરેશં, ગજેન્દ્રસ્ય કૃત્તિં વસાનં વરેણ્યમ્‌ । જટાજૂટ મધ્યે સ્ફૂરદ્‌ગાંગ્ગવારિં, મહાદેવમેકં સ્મરામિ સ્મરારિમ્‌ ॥

સમસ્ત જીવોના પતિ, પાપનાશક પરમેશ્વર, ગજચર્મધારી અને રમણીય તેમજ જેમની જટામાં ગંગાનું જળ વહી રહ્યું છે, એવા અદ્વિતીય મહાદેવનું હું સ્મરણ કરું છું.

અજં શાશ્વતં કારણં કારણાનાં, શિવં કેવલં ભાસકં  ભાસકાનામ્‌ । તુરીયં તમ: પરમાદ્યન્તહીનં, પ્રપદ્યે પરં પાવનં દ્વૈતહીનમ્‌ ॥

જે જન્મરહિત, શાશ્વત, બધાં કારણોનું કારણ, કેવળ મંગલમય, જગત્પ્રકાશક, તમ: પારવર્તી, આદિ-અંતહીન, તુરીય પરમ પાવન અને અદ્વૈત છે એમનું હું શરણ લઉં છું.

નમસ્તે નમસ્તે વિભો વિશ્વમૂર્તે, નમસ્તે નમસ્તે ચિદાનન્દમૂર્તે । નમસ્તે નમસ્તે તપોયોગગમ્ય, નમસ્તે નમસ્તે શ્રુતિજ્ઞાનગમ્ય ॥

હે વિભુ, હે વિશ્વમૂર્તિ,હે ચિદાનંદ મૂર્તિ, હે તપયોગ્યગમ્ય, વેદજ્ઞાનગમ્ય,  તમને વારંવાર પ્રણામ કરું છું.

પ્રસન્ન થઈને મહેશ્વર શિવે શંકરના મસ્તક પર હાથ મૂકીને કહ્યું: ‘હે વત્સ! હું પ્રસન્ન થયો છું. તમે જગતમાં વૈદિક ધર્મની પુન: પ્રતિષ્ઠા કરો એમ હું ઇચ્છું છું. બ્રહ્મસંકુલ મતવાદોનું ખંડન કરીને વેદાંતની નિર્દોષ નિર્મળ વ્યાખ્યા દ્વારા વ્યાસ રચિત બ્રહ્મસૂત્ર પર ભાષ્ય રચો અને વેદાંતના મુખ્ય તાત્પર્ય બ્રહ્મજ્ઞાનની પ્રતિષ્ઠા કરીને વૈદિક ધર્મનો સર્વસાધારણ જનમાં પ્રચાર કરો. તમારું કાર્ય પૂર્ણ થતાં તમે મારામાં મળી જશો. જગતના સર્વવિધ કલ્યાણ માટે તમે મારા અંશથી જન્મ ગ્રહણ કર્યો છે.’

આમ કહીને શિવજી અંતર્ધાન થઈ ગયા.

(‘આચાર્ય શંકર’ (હિન્દી), પૃ.૩૮-૪૦)

Total Views: 66

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.