ઈ.સ.૧૯૧૮ મારા જીવનનું સૌથી વધારે સ્મરણીય વર્ષ હતું. એ વર્ષે મેં પ્રથમ વાર શ્રીશ્રીમાનું સાંનિધ્ય પ્રાપ્ત કર્યું. વર્તમાન યુગની શ્રેષ્ઠ પુણ્યપીઠ બેલુર મઠનાં દર્શન કર્યાં અને એ જ વર્ષે મેં શ્રીરામકૃષ્ણદેવના પાંચ મુખ્ય શિષ્યો – સ્વામી બ્રહ્માનંદ, સ્વામી શિવાનંદ, સ્વામી સારદાનંદ, સ્વામી તુરીયાનંદ અને સ્વામી સુબોધાનંદનાં દર્શન કર્યાં.

સીડી ચડીને બીજે માળે જઈને (જૂના) મંદિરમાં પ્રણામ કરતાં જ સંપૂર્ણ મનપ્રાણ આનંદથી ભરાઈ ગયાં. બે-ત્રણ દિવસ મઠમાં રહ્યા પછી હું દરરોજની જેમ એક દિવસ સવારે મહાપુરુષ મહારાજને પ્રણામ કરવા ગયો ત્યારે તેમણે પોતે જ શ્રીશ્રીમાની ચર્ચા કરતાં કહ્યું, ‘તેં તો શ્રીશ્રીમાને નથી જોયાં. તારંુ પરમ સદ્ભાગ્ય છે કે તેઓ હાલમાં બાગબાજારના ઉદ્‌બોધન ભવનમાં છે. જઈને તેમનાં દર્શન કરી આવ. બલરામ મંદિરમાં મહારાજ (સ્વામી બ્રહ્માનંદ) તથા હરિ મહારાજ (સ્વામી તુરીયાનંદ) છે. એમનાં પણ દર્શન કરી લે જે.’ એમણે પછીની સવારે જ જવાનો નિર્દેશ આપ્યો. એમણે વધુમાં કહ્યું, ‘ઉદ્‌બોધનમાં શરત્ મહારાજ અને બલરામ મંદિરમાં મહારાજ અને હરિ મહારાજનાં દર્શન કરીને કહેજે કે મેં તને મઠમાંથી મોકલ્યો છે.’

પછીના દિવસે પૂછતાં-પૂછતાં જ્યારે હું શ્રીશ્રીમાના ઘર, ઉદ્‌બોધન પહોંચ્યો ત્યારે જોયું તો, તે ભવન સામે એક ઘોડાગાડી ઊભી છે. મારા પહોંચતાં જ એ ઘોડાગાડી ચાલી ગઈ. ઘરમાં પ્રવેશતાં જ એક સંન્યાસીએ કહ્યું, ‘શ્રીશ્રીમા હમણાં જ નીકળી ગયાં છે. તેઓ બલરામ મંદિર ગયાં છે. અત્યારે એમનાં દર્શન નહીં થાય. સાંજે મહિલા-ભક્તો માટે દર્શનનો સમય હોય છે. એટલે કાલ સવાર પહેલાં શ્રીશ્રીમાનાં દર્શન અસંભવ છે.’

‘શ્રીશ્રીમાનાં દર્શન નહીં થાય’ એ સાંભળીને મારું મન ખિન્ન થઈ ગયું. ત્યારે એક સ્થૂળકાય વરિષ્ઠ સંન્યાસી ગંગાસ્નાન કરીને પાછા આવ્યા. ભીનો ગમછો લપેટીને, ખભે ધોયેલાં ભીનાં કપડાં અને તેમણે હાથમાં ગંગાજળ ભરેલો ઘડો લીધો હતો. હું એમને પ્રણામ કરવા લાગ્યો એટલે એમણે ગંભીર અવાજે કહ્યું, ‘ઊભા રહો, પહેલાં પગ ધોઈ નાખું.’ પછી મને જણાવ્યું કે તેઓ પોતે જ સ્વામી સારદાનંદ છે! પગ ધોઈને ઓસરીમાં ઊભા રહેતાં જ મેં એમને પ્રણામ કર્યા અને શ્રીશ્રીમાનાં દર્શન માટે પ્રાર્થના કરી. એ સાથે એમને જણાવ્યું કે પૂજ્ય મહાપુરુષ મહારાજે મને મોકલ્યો છે. સ્વામી સારદાનંદે પણ કહ્યું કે એ દિવસે શ્રીશ્રીમાનાં દર્શન સંભવ નથી. પછીના દિવસે સવારે તેમનાં દર્શન થઈ શકશે. હરિ મહારાજનાં દર્શન ન થયાં. એમના સેવકે કહ્યું કે હમણાં અહીં સંધ્યા પછી તેમનાં દર્શન થશે. સંધ્યા પછી હું ફરીથી બલરામ મંદિર ગયો. સેવક મહારાજ સાથે મારે મુલાકાત થઈ. તેઓ મને હરિ મહારાજના ઓરડામાં લઈ ગયા. દંડવત્ પ્રણામ કર્યા પછી મેં એમનાં ચરણોનો સ્પર્શ કર્યો. મને શ્રીશ્રીમાનાં દર્શન થયાં ન હતાં અને તેથી મારું મન ખિન્ન હતું. મમતાપૂર્ણ સ્વરે તેમણે મને કહ્યું, ‘શ્રીશ્રીમાનાં દર્શન પામવાં એ શું સહજ વાત છે? તારા હૃદયની વ્યાકુળતા વધારવા જ તેમણે આજે દર્શન નથી આપ્યાં. પછીથી એમનાં દર્શન કરી શકશો. આ માટે દુ :ખી ન થાઓ. મનમાં એમનો અભાવબોધ વધવાથી તેઓ યથાસમયે દર્શન દેશે.’ શ્રીશ્રીમાનાં દર્શન પામવા આટલી બધી તૈયારી જોઈએ, મને એની કલ્પના જ ન હતી. એમની વાતોથી મન શાંત થયું. એમને પ્રણામ કરીને હું મારા નિવાસસ્થાને પાછો આવ્યો.

પછીની સવારે વળી પાછો હું શ્રીશ્રીમાનાં દર્શન માટે ગયો, પરંતુ ફરી પાછી નિરાશા જ મળી. મહારાજ લોકોએ જણાવ્યું કે એ દિવસે સવારે વિશેષ કારણે પુરુષભક્તોને શ્રીશ્રીમાનાં દર્શન નહીં થાય. વળી પાછા પછીના દિવસે સવારે આવવા કહ્યું. મન ઘણું દુ :ખી થયું. હવે એક દિવસ પણ સેંકડો યુગ જેવો લાગ્યો. મારાથી બને તેટલાં મેં ધ્યાન તેમજ પ્રાર્થના કર્યાં. પરંતુ મનમાં એક વિરાટ શૂન્યતા વ્યાપી ગઈ. શૂલથી વિંધાયેલ પ્રાણીની જેમ તરફડીને મેં એ દિવસ તો વિતાવી દીધો. સાંજે પાછો હરિ મહારાજ પાસે ગયો. તેમણે મને અનેક રીતે સાંત્વના આપી. ઘણી વાર સુધી તેમની પાસે બેસીને એમના સ્નેહથી તરબોળ થઈને હું અનિચ્છાપૂર્વક પાછો ફર્યો. પ્રાણના તરફડાટથી રાતના ઊંઘ ન આવી.

હું એક ભક્તના ઘરે રોકાયો હતો. પછીની સવારે ગંગાસ્નાન પછી હું તે ભક્તના ઘરે ધ્યાન કરવા બેઠો. થોડીવાર ધ્યાન કરીશ એમ વિચારીને બેઠો, ત્યાં એક અલૌકિક ઘટના ઘટી. આનંદ અને વિસ્મયથી બાહ્ય ચેતનારહિત અવસ્થામાં હું આસન પર બેઠો રહ્યો. આસન પરથી ઊઠ્યો તો ૬ :૩૦ વાગી ગયા હતા. હું પણ ધ્યાન વિશે વિચાર કરતો કરતો આશાથી પરિપૂર્ણ બનીને શ્રીશ્રીમાના ઘર તરફ ચાલવા લાગ્યો. ઉદ્‌બોધન ભવન પર પહોંચીને જોયું તો ૧૫-૨૦ ભક્તો શ્રીશ્રીમાનાં દર્શનની રાહ જોતા હતા. સાંભળ્યંુ કે શ્રીશ્રીમાનાં દર્શન થશે. હું આનંદથી વિહ્વળ બની ગયો. ૭ :૩૦ વાગ્યા પછી એક મહારાજે એક મોટા વાસણમાં શાલના પાંદડામાં સજાવેલ પ્રસાદ લાવીને બધાના હાથમાં દેતાં દેતાં કહ્યું, ‘શ્રીશ્રીમાએ મોકલ્યો છે, આ પ્રસાદ ખાઈને રાહ જુઓ. દર્શન માટે બોલાવ્યા પછી આપ સૌ શ્રીશ્રીમાનાં દર્શને જજો.’ તેમણે એ પણ દર્શાવ્યું કે શ્રીશ્રીમાએ જ પોતાના હાથે સજાવીને આ પ્રસાદ અમારા માટે મોકલ્યો છે. એ પ્રસાદ ખાતી વખતે અમે પરમ આનંદ અનુભવ્યો. જે પ્રસાદ શ્રીશ્રીમાએ કૃપાપૂર્વક પોતાના હાથે મોકલ્યો હોય એનાથી મહાન ઉપલબ્ધિ બીજી કઈ હોઈ શકે તેમ હતી? પ્રસાદ શ્રીશ્રીમાનાં સ્પર્શ, સ્નેહ અને મમતાથી પરિપૂર્ણ હતો.

ભક્તો પરસ્પર ચર્ચા કરી રહ્યા હતા, ‘સામેની સીડીએથી ઉપર જવાનું છે અને શ્રીશ્રીમાનાં દર્શન કરીને બીજી બાજુએથી ઊતરવાનું રહેશે. શ્રીશ્રીમા ભક્તો સાથે વાતચીત કરતાં નથી’ વગેરે વગેરે. હું આ બધું જાણતો ન હતો. ‘શ્રીશ્રીમા ભક્તો સાથે વાતચીત કરતાં નથી’- એ સાંભળીને મન ક્ષુબ્ધ થઈ ગયું. મન આ ચિંતાથી અતિ વ્યાકુળ થતું હતું. ત્યારે જોયું તો ભક્તોને બોલાવવામાં આવતા હતા. ઉપર જવા બધા ભક્તો પંક્તિબદ્ધ રીતે દાદરો ચડતા હતા. બધા એક હારમાં ઊભા રહી ગયા. મનમાં વિચાર આવ્યો કે હું બધાની પાછળ રહીશ, બધાની છેલ્લે પ્રણામ કરીશ. મારી તો બાળક જેવી બુદ્ધિ હતી. વળી ડર લાગ્યો કે જો શ્રીશ્રીમા ત્યાં સુધીમાં ચાલ્યાં જાય અને હું પ્રણામ ન કરી શકું તો?

પરંતુ ત્યાં સુધીમાં તો આગળ વધીને બીજું કંઈ કરવાનો સમય જ રહ્યો ન હતો. તે લાઈનમાં બધાની છેલ્લે છાનોમાનો પ્રાર્થના કરતાં કરતાં હું ઊભો રહ્યો અને શ્રીશ્રીમા વિશે વિચારવા લાગ્યો. સવારના મારા ધ્યાનનું ચિત્ર અંત :કરણમાં જાણે કે ખડું થઈ ગયું.

ભક્તો સીડીએથી શ્રીશ્રીમાને પ્રણામ કરવા આગળ વધવા લાગ્યા, હું પણ તેમનું અનુસરણ કરીને ચાલતો હતો. ક્રમશ : દાદરે પહોંચીને જોયું તો એક ઓરડાના બારણા સામે એક એક ભક્ત ભૂમિ પર માથું ટેકવીને પ્રણામ કરી રહ્યા છે અને બીજી તરફથી ઊતરી રહ્યા છે. હું આગળ વધી રહ્યો હતો. મારી પાછળ કોઈ ન હતું. બારણાની સામે પ્રણામ કરવાની જગ્યાએ જઈને જોયું તો શ્રીશ્રીમા માથાથી પગ સુધી સફેદ રેશમી ચાદરથી આખું શરીર ઢાંકીને બેઠાં છે. શ્રીશ્રીમાનાં ચરણ પણ દેખાતાં ન હતાં. આખું શરીર ઢાંકેલું હતું. મન મૂંઝાઈ ગયું. રાહ જોવાનો સમય પણ ન હતો.

મેં પણ શ્રીશ્રીમાની સમક્ષ ઘૂંટણ ટેકવીને ભૂમિ પર માથું રાખીને પ્રણામ કર્યા. લગભગ ૩૦ કે ૪૦ સેકન્ડ કે એકાદ મિનિટ માથું ઝૂકેલું રહ્યું, આંખમાં આંસુ ભરાણાં. માથંુ ઊંચું કરીને જોયું તો શ્રીશ્રીમાએ ચાદર હટાવી લીધી છે, મુખ પર હવે ઘૂંઘટ નથી. તેઓ સ્નેહપૂર્વક મારા તરફ જોઈ રહ્યાં હતાં. હું આનંદવિભોર બની ગયો. એમના ચરણસ્પર્શ માટે હાથ આગળ ધરતાં જ શ્રીશ્રીમાએ મધુર સ્મિત સાથે મારા ચહેરા પર હાથ ફેરવતાં ફેરવતાં મારી આંખનાં આંસુ લૂછી નાખ્યાં અને મારી હડપચીને સ્પર્શ કરીને પોતાના હાથે ચૂમતાં મધુર સ્વરે કહ્યું, ‘બેટા, પ્રસાદ મળ્યો છે ને?’

એમના ચહેરા તરફ જોતાં જોતાં આ બે શબ્દો બોલી શક્યો, ‘હા મા, મળ્યો છે!’ શ્રીશ્રીમાનાં સ્નેહપૂર્ણ મધુર વચનથી મારું હૃદય પરિતૃપ્ત થઈ ગયું હતું. હું અવાક બનીને માત્ર શ્રીશ્રીમા તરફ જોઈ જ રહ્યો. બ્રાહ્મમુહૂર્તમાં ધ્યાનના સમયે મને તેમનું દર્શન થયું હતું. આ જ લાલ કિનારવાળી સાડી પહેરીને શ્રીશ્રીમાએ મને ખોળામાં બેસાડીને છાતીએ ચાંપીને, ચૂમીને, સ્પર્શ કરીને કેટકેટલું વહાલ કર્યું હતું! બધંુ જ જાણે સ્વપ્નવત્ હોય એવું લાગતું હતું. મનમાં થયું કે શ્રીશ્રીમાને બધું પૂછી લઉં, પરંતુ એમ ન કરી શક્યો. શ્રીશ્રીમાને એક વાર ફરી પ્રણામ કરીને મેં વિદાય લીધી. થોડું આગળ ગયો અને પાછું વળીને જોયું તો શ્રીશ્રીમા ત્યારે પણ સ્નેહભરી દૃષ્ટિથી મારી તરફ જોઈને બેઠાં હતાં. એમની દૃષ્ટિ જાણે કે મારું અનુસરણ કરતી હતી. આટલાં વર્ષો પછી હવે હું ઠીક ઠીક સમજી શક્યો છું કે ભલે ગમે તેમ હોય પણ દૂર ચાલ્યો જાઉં, પણ હું કોઈપણ રીતે એમની દૃષ્ટિથી ઓજલ ન થઈ શકવાનો નથી. સ્થૂળ દેહે પૂજ્ય હરિ મહારાજનાં દર્શન મને બીજીવાર ન થયા. એમના આશીર્વાદથી જ મને શ્રીશ્રીમાનાં દર્શન થયાં હતાં. એમણે પોતાના પુણ્યસ્પર્શથી મારાં તનમન પવિત્ર કરી દીધાં હતાં, પ્રાર્થના દ્વારા માતૃદર્શનની બધી બાધાઓ દૂર કરી દીધી હતી અને પોતાની શક્તિપૂર્ણ પ્રેરણાથી મને તીવ્ર ગતિથી લક્ષ્ય તરફ વધારે પરિચાલિત કર્યો હતો. હું મારા પોતાના હૃદયની બધી કૃતજ્ઞતા એમને બતાવી ન શક્યો, એનો મને આજે પણ ખેદ થાય છે.

મઠમાં જઈને મહાપુરુષ મહારાજને મેં બધી વાત કરી. તેઓ ખુશ થઈને બોલ્યા, ‘તમારું ભાગ્ય સારું છે, નહીં તો આટલો બધો સંયોગ કેવી રીતે મળે? તમને શ્રીશ્રીમાનાં દર્શન પ્રાપ્ત થયાં, એમણે તમારી સાથે વાતચીત કરી, આશીર્વાદ દીધા, આ શું સામાન્ય વાત છે? તમારું મંગળ થશે, હું કહું છું, ઘણું મંગળ થશે! શ્રીઠાકુરે તમારા પર કૃપા કરી છે.’

Total Views: 358

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.