(શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ સંન્યાસી શિષ્ય તથા રામકૃષ્ણ સંઘના દ્વિતીય અધ્યક્ષ સ્વામી શિવાનંદજી મહારાજ ગહન આધ્યાત્મિક અનુભૂતિનું પાન કરીને ધર્મરાજ્યના સર્વોચ્ચ શિખરે વિરાજમાન હતા. અહીં તેઓ આપણા પ્રશ્નોના સહજ સરળ ભાષામાં ઉત્તર આપે છે. ભક્તોમાં તેઓ ‘મહાપુરુષ મહારાજ’ નામે પણ પ્રખ્યાત હતા. તેઓના ઉપદેશ-સમાવિત શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત પુસ્તક ‘આનંદધામના પથ પર’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. – સં.)

એક યુવક ભક્તે સ્વપ્નમાં મહાપુરુષ મહારાજનાં દર્શન મેળવ્યાં હતાં, અને એ વિશે મહારાજને પત્ર લખીને જણાવ્યું હતું. અત્યારે મહારાજની સંમતિ મેળવીને બેલુર મઠમાં નિવાસ કરી રહ્યો હતો. એક દિવસ સવારે મહારાજ મંદિરમાંથી પાછા ફરી રહ્યા હતા, એ સમયે યુવકે ભક્તિપૂર્વક મહારાજને પ્રણામ કર્યા અને મંત્રદીક્ષા મેળવવા માટે પ્રાર્થના જણાવી અને કહ્યું:

“મહારાજ, તમે કૃપા કરીને મને સ્વપ્નમાં દર્શન આપ્યાં છે. હવે મારા હૃદયની એકનિષ્ઠ ઇચ્છા છે કે તમે જ કૃપા કરીને મને દીક્ષા આપો.” આમ કહેતાં કહેતાં ભક્તે અશ્રુપૂર્ણ લોચને મહાપુરુષનાં પાદ-યુગલ ધારણ કર્યાં.

યુવકનો અત્યંત આગ્રહ જોઈને મહારાજે સસ્નેહ કહ્યું: “બેટા, હું હૃદયપૂર્વક આશીર્વાદ કરું છું કે ઠાકુરનાં શ્રીપાદ-પદ્મમાં તારાં ભક્તિ-વિશ્વાસ-પ્રેમ પ્રતિદિન વર્ધિત થાય. તું એમની તરફ ખૂબ આગળ વધ. દીક્ષા સંબંધે મને કશું ખબર નથી. હું કોઈને દીક્ષા આપતો નથી. ઠાકુરે મને સહેજ પણ ગુરુબુદ્ધિ આપી નથી. હું તેમનો સેવક, તેમનો દાસ, તેમનું સંતાન.

“આ સિવાય, દીક્ષા આપવા સંબંધી ઠાકુર પાસે કોઈ પણ આદેશ હજુ સુધી મેળવ્યો નથી. હું તો આટલું જ જાણું છું કે — ‘રામકૃષ્ણ’ નામ જ છે આ યુગનો મહામંત્ર. જે કોઈ ભક્તિભાવપૂર્વક પતિતપાવન યુગાવતાર શ્રીરામકૃષ્ણના નામનો જપ કરશે તેની ભક્તિ-મુક્તિ કરામલકવત્‌ (હાથમાં રહેલ આમળાની જેમ સહજલભ્ય) હશે. ‘રામકૃષ્ણ’ આ યુગનું સર્વઘોષિત નામ છે. જીવની મુક્તિ માટે રામકૃષ્ણ નામ-જપ જ યથેષ્ટ છે. બીજી કોઈ દીક્ષાનું પ્રયોજન છે એવું તો મને લાગતું નથી. જે કાય-મનો-વાક્યે શ્રીરામકૃષ્ણનો આશ્રય લેશે, તેમનો નામ-જપ કરશે એ જ મુક્ત થઈ જશે, એ વાતમાં બિંદુમાત્ર સંદેહ નથી. જે રામ, જે કૃષ્ણ—એ જ આ યુગમાં શ્રીરામકૃષ્ણરૂપે આવિર્ભૂત થયા છે; જીવને મુક્તિ આપવા માટે.”

ભક્ત: “ઠાકુરના નામનો યથાસંભવ જપ તો કરું છું. એમને પ્રાર્થના પણ કરું છું. તેઓ યુગાવતાર ભગવાન છે એ વિષયમાં પણ મારો પૂર્ણ વિશ્વાસ છે. તમે એમના જ અંતરંગ પાર્ષદ છો અને આપની કૃપા મેળવવાથી મારું જીવન સાર્થક થઈ જશે એવી મારી દૃઢ ધારણા છે.”

મહાપુરુષજી: “અમારી કૃપા તો છે જ, ના હોત તો આટલું કહ્યું કેમ હોત? ઘણી પ્રાર્થના કરું છું કે બેટા, તારું કલ્યાણ થાય. ઠાકુરની કૃપાથી તેમના અવતારત્વમાં જ્યારે તને પૂર્ણ વિશ્વાસ થયો છે, ત્યારે હવે ચિંતા શેની? તું મહાભાગ્યવાન, તને પૂર્વજન્મ અર્જિત બહુ સુકૃતિના ફળે ભગવાનના યુગાવતારત્વે વિશ્વાસ થયો છે. હવે તારે ચિંતા શેની વળી? હું કહું છું, મારી વાત પર વિશ્વાસ કર—તું આ ભવબંધનથી મુક્ત બની જઈશ, નિશ્ચય. ખૂબ પ્રાણપૂર્વક એમને પોકાર. કાતરભાવે પ્રાર્થના કર. તેઓ તારો આ વિશ્વાસ વધુ પાકો કરી દેશે અને ભક્તિ-વિશ્વાસથી તારું હૃદય-પરિવર્તન કરી દેશે.”

ભક્ત: “જપ કેવી રીતે કરવો? શું તેનો કોઈ વિશેષ નિયમ છે?”

મહાપુરુષજી: “પ્રીતિ સહિત વારંવાર નામ લેવું, એ જ જપ. એમ જ કર, કરતાં કરતાં આનંદ મેળવીશ. જપનો વિશેષ કોઈ નિયમ નથી. હરતાં-ફરતાં, ખાતા-પીતા, નિદ્રામાં, સ્વપ્નમાં, જાગતા હોઈએ ત્યારે—બધી અવસ્થાઓમાં જપ થઈ શકે છે. અસલ વાત છે—પ્રેમ. જેટલા પ્રેમથી એમનો નામ જપ કરીશ એટલી વધુ આનંદની અનુભૂતિ થશે. તેઓ અંતર્યામી છે. તેઓ જુએ છે હૃદય. હૃદયમાં વ્યાકુળતા આવી, અને વ્યાકુળતાપૂર્વક એમને પોકાર્યા, સાથે સાથે જ પ્રત્યક્ષ ફળ મળ્યું.

શિશુ જેમ મા-બાપની પાસે માગણી કરે, ઠીક એવી જ રીતે ઠાકુરની પાસે રોતાં રોતાં વિશ્વાસ, ભક્તિ, પ્રેમ માગ. તેઓ તો છે જીવંત-જાગ્રત દેવતા—પતિતપાવન, કલિકલ્મષહારી, પરમ કારુણિક, ભક્તવત્સલ, પ્રેમમય પ્રભુ. એમનું નામ ખૂબ કર્યે જા. સર્વાવસ્થામાં જેટલો બની શકે એટલો જપ તો કર જ, પરંતુ વિશેષરૂપે પ્રભાતે-સંધ્યા સમયે નિયમ કરીને નિર્દિષ્ટ એક જ સ્થાને બેસીને જપ-ધ્યાન કરવાની ઘણી જરૂર છે. એમ જ કર.”

Total Views: 830

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.