(૧) મહાશિવરાત્રીની રાત હતી. શિવમંદિરમાં ભક્તો ઊમટી રહ્યા હતા. રાજ દરબારના પંડિત વિદ્યાપતિ રાજા શિવસિંઘે રચેલ ભક્તિગીતો મધુર કંઠે ગાતા હતા.

રાજા અને મહારાણી લક્ષ્મીદેવી આ ભજનો સાંભળતાં હતાં. થોડી પળ જાણે કે પોતાની જાતને પણ ભૂલી ગયાં.

– કેવું દિવ્ય સંગીત!

– હા, જાણે કે આપણે સાંભળ્યે જ રાખીએ!

(૨) એકરાતે વિદ્યાપતિ સૂતા હતા. ભગવાન શિવે એમને સ્વપ્નમાં દર્શન આપ્યા અને તેના મસ્તક ઉપર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા.

– વત્સ! તારા ગીતગાનથી હું અત્યંત ખુશ થયો છું. પરંતુ દિવ્યપ્રેમને વ્યક્ત કરતાં રાધા અને કૃષ્ણનાં ભક્તિગીતો હું તારી પાસેથી સાંભળવા ઇચ્છું છું. ભગવાન તને એવી શક્તિ આપે.

– તમારી આ ઇચ્છાને અમલમાં મૂકવી એ મારું પરમ સદ્‌ભાગ્ય છે, પ્રભુ!

(૩) બીજા દિવસે વહેલી સવારે વિદ્યાપતિએ સ્નાન કર્યું અને ભગવાન શિવની પૂજા કરવા બેઠા. એકાએક તેમના હૃદયમાં પ્રસરી જતી દિવ્યશક્તિનો અનુભવ થયો.

– અરે! યમુનાતટે ભગવાન કૃષ્ણ રાધાના દિવ્ય પ્રેમના બંધનથી બંધાઈને ઊભા છે. હું ભગવાનની મહાન ભક્ત ગોપીઓ અને ગાયો, પક્ષીઓને ભાન ભૂલીને સ્થિર ઊભેલાં જોઉં છું.

(૪) બીજે દિવસે વિદ્યાપતિએ પોતે નજરે નિહાળેલ રોમાંચક અનુભૂતિનું વર્ણન કરતાં અને સ્વરચિત ગીત રાજદરબારમાં ગાયાં. આ સાંભળીને રાજા તો ક્રોધે ભરાયા.

– અરે! મેં તો તને રાજપંડિત રૂપે ભગવાન શિવ વિશેના મારા રચેલાં ગીત સાંભળવા નિમ્યો છે. તું આ પદ માટે જરાય યોગ્ય નથી. મારા રાજ્યમાંથી નીકળી જા.

– ધાર્યું ધણીનું થાય.

(૫) વિદ્યાપતિનું આ ભક્તિગાન ગામડામાં તો ચાલતું જ રહ્યું. મંદિરમાં શ્રીકૃષ્ણ નામનાં ગુણગાન ગવાતાં રહ્યાં. હરિના ભક્તો ઉપસ્થિત રહેતા અને આનંદ અનુભવતા.

– હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, રાધારમણ હરે હરે!

(૬) દિલ્હીના સુલતાને રાજા શિવસિંઘનું રાજ્ય જીતી લીધું અને રાજાને કેદી બનાવીને દિલ્હી લઈ ગયો. રાણી લક્ષ્મીદેવીએ વિદ્યાપતિને સંદેશો કહેવડાવ્યો.

– તમારા હૃદયને ભાંગવા બદલ પ્રભુએ રાજાને સજા કરી છે. જો તમે દિલ્હી જાઓ અને સુલતાનને વિનંતી કરો તો રાજાની મુક્તિ થાય. આમ મારું માનવું છે.

– જેવી તમારી ઇચ્છા. હું દિલ્હી જઈશ. પ્રભુ મને સહાય કરશે.

(૭) દિલ્હીના રસ્તે જટાધારી એક શિવભક્ત મળ્યો. તેણે તેને ખાવાનું આપ્યું. તે રાત્રીએ સ્વપ્નમાં વિદ્યાપતિને ખ્યાલ આવ્યો કે એ અજાણ્યો ભક્ત શિવજી પોતે છે.

– વિદ્યાપતિએ તે ભક્તને કહ્યું: ‘પ્રભુ! તમે ગુપ્તવેશે મને મદદ કરવા આવ્યા છો!

– શિવજીએ કહ્યું: ‘જો તને સફળતા જરૂર મળવી જ જોઈએ. એટલે જ હું આવ્યો છું. પરંતુ તું કોઈનેય મારું આ રહસ્ય કહેતો નહિ. નહિ તો હું ચાલ્યો જઈશ અને અદૃશ્ય થઈ જઈશ. આટલું યાદ રાખજે.’

(૮) પેલા ભક્તની મદદથી વિદ્યાપતિ સુલતાનના દરબારમાં જઈને મળી શક્યા. રાધા અને કૃષ્ણના દિવ્ય પ્રેમનાં મધુર ગીતો સાંભળીને સુલતાન અને તેના દરબારીઓના મનનું પરિવર્તન થયું. જાણે કે તેઓ સ્વર્ગભૂમિમાં પ્રવેશી ગયા.

– કવિરાજ! હું ખૂશ થયો છું. તમે તમારી ઇચ્છા પ્રમાણે માગી લો. હું એ આપીશ જ.

– નામદાર, સુલતાન! હું તો રાજા શિવસિંઘની મુક્તિ ઇચ્છું છું. તેને પોતાનો માન મોભો ફરીથી મળે એમ ઇચ્છું છું.

(૯) પોતાનું વચન પાળીને સુલતાને રાજા શિવસિંઘને છોડી મૂકવાનો આદેશ આપ્યો. રાજા શિવસિંઘ અને પેલા ભક્ત સાથે વિદ્યાપતિ પોતાના દેશમાં પાછા આવ્યા. ભવ્ય સ્વાગત થયું.

– શિવસિંઘજી અમર રહો.

– સંગીતના પ્રેમી રાજા અમર રહો.

(૧૦) રાજાને વિદ્યાપતિએ મુક્ત કર્યા. તેના પર ભેટ સોગાદો વરસી પડી અને ભૂમિદાન પણ મળ્યું. વિદ્યાપતિનાં પત્નીનું અભિમાન આને લીધે વધી ગયું. તેણે તો માની લીધું કે આ ભક્ત તો મારા પતિનો નોકર છે. એ તો મંડ્યાં દરેક જાતનું કામ ચિંધવા.

– તારા માલિકના કપડાં ધોઈ નાખ.

– હા, એ થઈ જશે. હું તો પ્રભુના ભક્તોની સેવા કરવા જ આવ્યો છું.

(૧૧) વિદ્યાપતિને આ બધી બાબતોનો ખ્યાલ ન હતો. એક દિવસ એ ભક્તને પોતાનાં કપડાં ધોતો જોઈને ભયચકિત થઈ ગયા.

– હે પ્રભુ! આ તે કેવો અત્યાચાર! તમે અને મારાં કપડાં ધુઓ!

– કેમ રે! શું આપણે એને અન્ન રહેઠાણ નથી આપતા? એ આવાં કામ કેમ ન કરે?

(૧૨) વિદ્યાપતિ એને એક બાજુએ લઈ ગયો.

– શરમા, શરમા. તે કોણ છે, એનો વિચાર કર્યો છે? આ ભક્તના રૂપે તો શિવજી પોતે આવ્યા છે. એમની કૃપા વિના આવી મહાનતા મને મળી હોત! જા, એનાં ચરણે પડ અને એને ભોજન માટે આમંત્રણ આપ.

– જે પ્રભુ સમગ્ર બ્રહ્માંડનું રક્ષણ કરે છે અને એને પોષે છે એ જ આ પ્રભુ છે એ વાત મને પહેલા કેમ ન કરી! અરે! મેં તો ભયંકર ભૂલ કરી નાખી.

(૧૩) જ્યારે તે પ્રભુ તરફ તેમને મળવા અને માફી માગવા દોડી ત્યારે…

– એ તો ક્યાંય ન દેખાણા. હવે મારે કરવું શું?

– તે અહીં નહીં જ હોય એ ચોક્કસ છે. મેં મોટી ભૂલ કરી નાખી. એની ચેતવણીનેય મેં ન સાંભળી. હવે એમને નજરે જોયા વિના હું કંઈ નહિ ખાઉં.

(૧૪) વિદ્યાપતિ તો મંદિરમાં ગયા. ત્યાં બેઠા. દુર્ગાદેવી પણ એમની સાથે ગયાં.

– હે પ્રભુ! જો તમે પાછા નહિ આવો તો હું પાણીનું ટીપુંયે નહિ પીઉં.

(૧૫) આ વાત જાણીને લોકો મંદિરમાં ટોળે વળ્યા. રાજા પોતે આવ્યા અને એને વિનંતી કરી. પણ વિદ્યાપતિ તો અચલ રહ્યા. ભૂખ અને ઉપવાસથી તેઓ હાડપિંજર બની ગયા. એક મધરાતે..

– વિદ્યાપતિ, ઊભો થા. આખો દેશ તારી રાહ જુએ છે. આ સમગ્ર ભૂમિ પર તારાં મધુર ભજનગાન પ્રસરતાં રહો. ભક્તિમાં વૃદ્ધિ થતી રહો અને આજથી યાત્રાનો આરંભ કરો.

(૧૬) બીજે દિવસે ઉજ્જવળ મુખકાંતિ સાથે વિદ્યાપતિ તો નીકળી પડ્યા યાત્રાએ.

– તપપૂર્ણ થયું. આ મહાન આત્માએ પોતાની યાત્રા પ્રારંભી.

– ‘રાધે શ્યામ, રાધે શ્યામ

રાધારમણ, રાધેશ્યામ.’

** શિવભક્તના સંગીતના સૂરનો નાદ એમનાં મધુર ગીતો ગાઈને સમગ્ર દેશે સાદ દીધો. વિદ્યાપતિ વૃદ્ધ થયા, તેમણે પોતાનો દેહ પવિત્ર ગંગામાં વહાવી દીધો. આજે પણ મનહૃદયને ભરી દેતાં એમનાં મધુર ગીતો ગવાય છે.

Total Views: 37

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.