ઈત્યેવં વદન્તિ જનજલ્પનિર્ભયા: એકમતા: કુમાર – વ્યાસ – શુક – શાણ્ડિલ્ય – ગર્ગ – વિષ્ણુ – કૌણ્ડિન્ય – શેષોદ્વવારુણિ – બલિ – હનુમદ્‌ – વિભીષણાદયો ભક્ત્યાચાર્યા: ॥૮૩॥

(ઈતિ એવમ્‌ વદન્તિ, એમ કહે છે; જનજલ્પનિર્ભયા:, માણસો શું કહેશે એની કશી પરવા ન રાખનારા; એકમતા:, એક – સમાન અભિપ્રાયવાળા; કુમાર આદ્ય:, નારદ, વ્યાસ, શુક, શાંડિલ્ય, ગર્ગ, વિષ્ણુ, કૌન્ડિન્ય, શેષ, ઉદ્ધવ, આરુણિ, બલિ, હનુમાન, વિભીષણ અને બીજા; ભક્ત્યાચાર્યા:, ભક્તિમાર્ગના ઉપદેશકો.)

૮૩. આ રીતે લોકપવાદની કશી દરકાર રાખ્યા વગર એકી અવાજે એ બધા જ એટલે કે કુમાર (નારદ), વ્યાસ, શુકદેવ, શાંડિલ્ય, ગર્ગ, વિષ્ણુ, કૌણ્ડિન્ય, શેષ, ઉદ્ધવ, આરુણિ, બલિ, હનુમાન, અને વિભીષણ વગેરે ભક્તિમાર્ગના ઉપદેશકો ઉદ્‌ઘોષણા કરે છે.

હવે નારદ આમ કહીને ઉપસંહાર કરે છે કે કુમાર, વ્યાસ, શુક, શાંડિલ્ય, વિષ્ણુ, કૌન્ડિન્ય, ગર્ગ, શેષ, ઉદ્ધવ, આરુણિ, બલિ, હનુમાન, વિભીષણ વગેરે ઘણા ભક્તિમાર્ગના મહાન આચાર્યોની આ બાબતમાં એકમતી છે. નારદ કહે છે કે ભક્તિમાર્ગના અન્ય મહાન આચાર્યોની અનુભૂતિ કરતાં અલગ એવા પોતાના કોઈ વિચાર આપી રહ્યા નથી. એટલા માટે નારદ ભક્તિમાર્ગના ઘણા આચાર્યોની એક યાદી આપે છે કે જે આચાર્યોએ તેમના જીવનમાં જુદા જુદા ભક્તિભાવોની અનુભૂતિ કરી હોય. એ આચાર્યોએ તેમના જીવનમાં આ વિવિધ ભક્તિ વલણોનો કેવી રીતે વિકાસ થઈ શકે? તે તે પ્રકારની ભક્તિની સાધનાનું અનુસરણ કરીને દર્શાવી આપ્યું છે.

ભક્તિમાર્ગના આ મહાન આચાર્યોએ લોકો પોતાને માટે શું કહેશે એની કશી દરકાર રાખી નથી. આ એક અગત્યનો મુદ્દો છે. ભલે ને લોકો એના આવા વલણની ટીકા કરે! એવા લોકો તો ટીકા કરતા રહેવાના જ! પણ ભક્તોને એમનો કશો ડર લાગતો નથી. લોકો શું કહે છે, એને તેઓ ગણકારતા જ નથી. પોતાનો માર્ગ સાચો છે જ, એવી પ્રતીતિ તેમને હોવાથી તેઓ તો પોતાને માર્ગે ચાલતા જ રહે છે : તેમને ખાતરી હોય છે કે તેમનો માર્ગ તેમને ઉચ્ચતર પદે દોરી રહ્યો છે અથવા તો એણે તેમને ઉચ્ચતર પદે પહોંચાડી દીધા છે. એટલે એમને જનસમાજ કે અન્યના અભિપ્રાયોનો કશો ડર હોતો નથી.

પરંતુ, આવી ટીકા જો કોઈ ખરેખર આચાર્ય તરફથી – અધિકારી ઉપદેશ તરફથી – આવે તો ભક્તે એના ઉપર વિચાર કરવો જોઈએ; તો એણે સચેત થઈ જવું જોઈએ. પરંતુ અહીં આ ભક્તિમાર્ગની અસરકારકતાની બાબતમાં તો ભક્તિમાર્ગના બધા આચાર્યો એકમતી જ ધરાવે છે. અને એટલા માટે લોકવાણીના કશા ડર વગર તેઓ આવો ઉપદેશ આવે છે.

અન્ય લોકોએ આ માર્ગની સખત ટીકાઓ કરી છે. દાખલા તરીકે જ્ઞાનમાર્ગના અનુયાયીઓએ. તેઓ કહે છે કે  ‘ખાલી લાગણીવેડાની બાબતોમાં ડૂબ્યા રહેવાનો શો અર્થ છે? માણસને એ ક્યાં ખેંચી જશે? એ માણસને જીવનના પરમ ધ્યેયરૂપ મોક્ષ – મુક્તિ સુધી ક્યારેય પણ ન જ લઈ જઈ શકે.’ આ રીતે તેઓ ભક્તના માર્ગને સખત રીતે વખોડી કાઢે છે. પણ આવી કોઈ ટીકાથી ભક્ત વિચલિત થતો નથી. દાખલા તરીકે જ્યારે શ્રીરામકૃષ્ણ ભગવાનના ગુણાનુવાદ ગાઈ રહ્યા હતા અને તાળીઓ પાડી રહ્યા હતા. ત્યારે જ્ઞાનમાર્ગના અનુયાયી અને તેમના ઉપદેશક એવા તોતાપુરીએ એમની ટીકા કરીને કહ્યું કે ‘આમ રોટી કેમ બનાવી રહ્યા છો?’ (જૂના જમાનામાં ભારતમાં લોકો હાથમાં લોટની બાંધેલી કણકનો લોંદો લઈને પોતાના બન્ને હાથની હથેળીઓ વચ્ચે એને રાખીને એને ટીપીને પોતાને ગમતી પહોળાઈ અને માપવાળી રોટી બનાવતા – હાથની તાળીઓ પાડવા જેવી લગભગ એ ટીપવાની રીત હતી) તોતાપુરી આમ રામકૃષ્ણની ઠેકડી ઉડાડતા. એમને એવો કશો ખ્યાલ જ ન હતો કે આવું વલણ પણ સાધનાની એક રીત છે અને એ પણ ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવી શકે છે. એ આવી બાબતોમાં માનતા જ ન હતા અને તેથી ટીકા કરતા રહેતા.

જ્યારે શ્રીરામકૃષ્ણે કહ્યું કે ‘હું મારાં જગદમ્બાને પૂછી જોઈશ કે મારે ‘સંન્યાસ’ લેવો કે નહિ?’ એમ કહીને તેઓ તો મંદિરમાં દિવ્ય માતા કાલીને પૂછવા પણ ગયા! તોતાપુરી તો સ્તબ્ધ જ થઈ ગયા : ‘આ તે શું? આ છોકરો દેખાય છે તો વેદાંતનો સુયોગ્ય અધિકારી; છતાંય એનામાં આવો ભ્રમ-દંભ- કેમ હશે? માતાને પૂછવા એ મંદિરમાં જાય છે! સંન્યાસને અને આને શો સંબંધ?’

કહેવાનું તાત્પર્ય એ છે કે ‘દેવોનાં બધાં સ્વરૂપો, બધાં પ્રતીકો, બધી મૂર્તિઓ વગેરે બ્રહ્મજ્ઞને મતે તદ્દન અર્થ વગરનાં છે, એની કશી ઉપયોગિતા નથી. અર્થાત્‌, એકમાત્ર પરમ સત્‌ તત્ત્વ બ્રહ્મની સરખામણીમાં એ કશી વિસાતમાં નથી, એ મિથ્યા છે. તો પછી રામકૃષ્ણે મંદિરમાં શા માટે જવું જોઈએ? અને શા માટે એ મિથ્યાભૂત (Unreal) માતાની પરવાનગીની પરવા કરવી જોઈએ? – તોતાપુરીનો આવો વિચાર હતો.

એટલે આપણે જોઈએ છીએ કે આ ભક્તિપરક વલણ, અન્ય સાધનામાર્ગોના અનુયાયીઓ દ્વારા અત્યંત ટીકાપાત્ર બની શકે છે. પણ એમની એવી ટીકાખોરી ભક્તના નિશ્ચયને, એની શ્રદ્ધાને, એની આસ્થાને ડગાવી શકતી નથી. ભક્ત તો પોતાને માર્ગે સતત ચાલતો જ રહે છે.

હવે આપણે આ નારદીય ભક્તિસૂત્રની વ્યાખ્યાનમાળાને છેડે આવીને ઊભા છીએ. હું આશા રાખું છું કે આ સૂત્રો ઉપરના મારા વિચારોએ તમને કોઈક માર્ગ અનુસરવા કે કશું કર્તવ્ય કરવા માટે કશુંક આપ્યું હશે. હું એમ કહેવા માગતો નથી કે આ એક જ માર્ગ છે. પણ બીજા જે કોઈ માર્ગો છે, તેમાંનો આ એક મહત્ત્વનો માર્ગ છે કે જે ઈશ્વર સુધી પહોંચાડે છે.

નારદે એક વાત ખાસ એ કહી છે કે તે અન્ય આચાર્યો દ્વારા વર્ણવેલ ન હોય, તેવી ઉપદેશની એક પણ નવી વાત કહેતા નથી. તેઓ નમ્ર્રતાથી અન્ય પ્રમાણભૂત લોકોના નામની યાદી પણ આપે છે. અને તેમની ઓથે ઓથે પોતાના કથનનો એને ટેકો આપે છે. તે કહે છે કે ‘ભક્તિમાર્ગના આચાર્યો એકમતે આ રીતે માણસોની ટીકાખોરીનો ડર રાખ્યા વગર કહે છે.’ અને ત્યાર પછી તે તેમનાં નામ આપવા લાગે છે. આ યાદી ઘણી લાંબી છે : કુમાર, વ્યાસ, શુક, શાંડિલ્ય, ગર્ગ, વિષ્ણુ, કૌન્ડિન્ય, શેષ, ઉદ્ધવ, બલિ, હનુમાન, વિભીષણ અને બીજાઓ! તાત્પર્ય એ છે કે જ્યાં સુધી સત્યનો સવાલ છે, ત્યાં સુધી એ સત્યને કોઈ પ્રમાણ કે એના કર્તાની જરૂર હોતી નથી. સત્ય તો શાશ્વત જ છે અને ઘણા ઘણા આચાર્યો સેંકડો વરસોથી અને લાખો જનો પણ એક જ સત્યને પોતપોતાની રીતે શીખતા અને શિખવાડતા આવ્યા છે.

ય ઈદં નારદપ્રોક્તં શિવાનુશાસનં વિશ્વસિતિ, શ્રદ્ધતે, સ: ભક્તિમાન્‌ ભવતિ સ: પ્રેષ્ઠં લભતે સ: પ્રેષ્ઠં લભતે ॥૮૪॥
॥ ૐ તત્‌ સત્‌ ॥

(ય:, તે કે જે; ઈદમ્‌, આ; નારદપ્રોક્તમ્‌, નારદે કહેલું; શિવાનુશાસનમ્‌, મંગલકારી ઉપદેશ; વિશ્વસિતિ, માને છે; શ્રદ્ધતે, એના ઉપર વિશ્વાસ રાખે છે; સ:, તે; ભક્તિમાન્‌, ભગવાનનો ભક્ત; ભવતિ, થાય છે; સ:, તે; પ્રેષ્ઠમ્‌, પોતાનું સૌથી પ્રિય; લભતે, મેળવે છે. ૐ તત્‌ સત્‌ ॥)

 ૮૪. નારદના આ મંગલકારી ઉપદેશનું જે કોઈ મનુષ્ય અનુસરણ કરે છે, એના ઉપર શ્રદ્ધા રાખે છે, તે ભગવાનનો ભક્ત બને છે અને પોતાનું વહાલામાં વહાલું જીવનનું સત્ત્વ પ્રાપ્ત કરી લે છે.

કેટલાંક આગળનાં સૂત્રોમાં કર્યા પ્રમાણે નારદ અહીં પણ આ વિચાર પર ભાર દેવાને માટે અને ગ્રંથની સમાપ્તિ દર્શાવવા માટે છેલ્લા શબ્દોને બેવડાવે છે.

ઉપસંહારમાં એવું કહેવામાં આવ્યું છે કે ગમે તે મનુષ્ય નારદના આ મંગલકારી ઉપદેશને અપનાવે છે અને એના ઉપર શ્રદ્ધા રાખીને એનું અનુસરણ કરે તો એ ભગવાનનો ભક્ત બની જાય છે અને પોતાની સૌથી વહાલી વસ્તુને પામે છે અને જીવનના ઉચ્ચતમ ધ્યેયને હાંસલ કરે છે.

આ સૂત્રોમાં નારદે લેશમાત્ર પણ પોતાની વિદ્વત્તા બતાવવાનો ઈરાદો રાખ્યો નથી. ભક્તિસૂત્રોના ઉપદેશો ખૂબ સરળ છે, જલદી સમજાઈ જાય તેવા છે અને સરળતાથી આચરી શકાય તેવા પણ છે. ભક્તિયોગ એ પરમાત્માનો પ્રાપ્ત કરવા માટેનો લોકપ્રિય માર્ગ છે. એ લોકપ્રિય એટલા માટે છે કે એણે પોતાની પૂર્વશરત તરીકે કોઈ મોટી વિદ્વત્તાની જરૂર જોઈ નથી, કોઈ એવા મોટા તપની પણ એને આવશ્યકતા નથી. ભક્તિમાર્ગના આચાર્યોએ એવા મોટા તપને તો અનુમતિ જ આપી નથી. અને વિદ્વત્તા પણ કોઈક વાર માણસના મનમાં અભિમાન ઉત્પન્ન કરે છે કે ‘હું તો મોટો પંડિત છું.’ ભક્તિયોગ તો અભિમાનને બદલે ઊલટું અત્યંત નમ્ર્રતા દર્શાવવાનો જ ઉપદેશ આપે છે. એટલે વિદ્વત્તા એ ભક્તિમાર્ગ માટે કોઈ ભારે મહત્ત્વની વાત નથી. અલબત, ઘણા ભક્તિમાર્ગના એવા કેટલાક મહાન આચાર્યો અવશ્ય થયા છે કે જેમણે ભક્તિમાર્ગનું વિસ્તૃત નિરૂપણ કર્યું હોય! છતાં પણ એ વિદ્વત્તા પોતે તો ભક્તિયોગ માટેની કોઈ પાત્રતા ધરાવતી નથી. શ્રીરામકૃષ્ણ કહેતા કે જેમ કોઈ બાળક પોતાના પિતાની મહત્તાને ન પણ જાણતો હોય, આમ છતાં પણ એના પિતાને એ પ્રેમ કરે છે અને પિતા એ બાળકને પ્રેમ કરે જ છે! વળી, આ ભક્તિમાર્ગમાં કોઈ વિધિવિધાનોને ચુસ્તપણે વળગી રહેવાની પણ જરૂર નથી. ફરી જેમ શ્રીરામકૃષ્ણ કહે છે તેમ કોઈ બાળક ભલે ‘પિતા’ એવા સ્પષ્ટ ઉચ્ચારથી પોતાના પિતાને બોલાવી શક્તું ન હોય, એ ભલે કોઈક અસ્પષ્ટ તોતડો અવાજ જ કાઢતો હોય અને છતાંયે પિતા તો સમજે જ છે કે એ બાળક એને જ ઝંખી રહ્યો છે! એટલે શાસ્ત્રોમાં વર્ણવાયેલા મંત્રોનું વિશુદ્ધ ઉચ્ચારણ કરવું કે અન્ય વિધિવિધાનો બરાબર રીતે કરવાની કશી જરૂર નથી! અહીં તો ફક્ત ભગવાન માટેનો ભક્તનો તલસાટ હોય એટલું જ જરૂરી છે; ભલે એ કોઈ પ્રકારના વિધિવિધાન સાથે જોડાયેલ ન હોય! અને કોઈ ખાસ પદ્ધતિસરની એવી વિધિની અહીં બિલકુલ આવશ્યકતા છે જ નહિ! આ હકીકત શ્રીરામકૃષ્ણે પોતાના જીવનમાં આચરી બતાવી છે. જ્યારે તેઓ જગદમ્બાનો સાક્ષાત્કાર ઝંખી રહ્યા હતા, ત્યારે જેનાથી માતાનું આવાહ્‌ન થઈ શકે તેવી કોઈ ખાસ પદ્ધતિ વિશે તેમણે કશો વિચાર કર્યો નહતો. તેઓ તો બસ કેવળ ઝંખતા જ રહ્યા હતા. જગદંબાનાં દર્શન માટે તેમનું હૃદય નિચોવાઈ રહ્યું હતું. અને એ રીતે એમણે એ નિદર્શન કરી બતાવ્યું કે ભક્તિયોગમાં કોઈ ખાસ પ્રકારનું વિધિવિધાન આચરવાની આવશ્યકતા નથી. ભક્ત એ વિધિઓથી પરિચિત હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. જો એ સામાન્ય ભક્તિમાં કરાતી આવી વિધિઓથી પરિચિત હોય તો ભલે એ વિધિઓનું અનુષ્ઠાન કરે પણ ભગવાન સુધી પહોંચવા માટે તો એ બધી વિધિઓ ખરેખર રીતે તો જરૂરી નથી જ. શ્રીરામકૃષ્ણને જ્યાં સુધી પોતાના મનમાં જગદમ્બાના સાક્ષાત્કાર માટેનો તીવ્રતમ તલસાટ જાગ્યો ન હતો, ત્યાં સુધી તો તેઓ શાસ્ત્રોમાં બતાવ્યા પ્રમાણેનાં જ પૂજાપાઠ આદિ કરતા રહ્યા હતા. પણ જ્યારે એ ધલવલાટ ઊપડ્યો ત્યારે તો પછી એ પ્રેમમાં પાગલ જ બની ગયા! બધાં જ વિધિવિધાનોને વિસરી ગયા. એવે વખતે તેઓ જ્યારે કાલીની પૂજા કરતા, ત્યારે ત્યાં રીતિ-પદ્ધતિ જેવું કશું જ ન હતું. ત્યારે તો ફક્ત માતાની હાજરીમાં બાળકનું વર્તનમાત્ર હતું. આ દ્વારા શ્રીરામકૃષ્ણે એ દર્શાવ્યું છે કે ક્રિયાકાંડો બિલ્કુલ જરૂરી નથી. જો કે શ્રીરામકૃષ્ણ ઔપચારિક રીતે શક્તિ સંપ્રદાયના દીક્ષિત હતા પણ એ તો માત્ર એક પ્રથા પૂરતી જ દીક્ષા હતી. એના ઉપર એમણે પોતાનાં કથનોમાં ક્યારેય ભાર મૂક્યો જ નથી. એનો અર્થ એ થયો કે આવી કોઈ કર્મકાંડી અભિમુખતા વગર પણ ભગવાન એમના પ્રત્યેના માત્ર સ્નેહને કારણે જ પ્રાપ્ત થઈ શકે છે. ભક્તિયોગની આ ખાસિયત છે અને ત્યાર પછી બૌદ્ધિક પાસાંની વાત કરીએ તો વિદ્વત્તા પણ ભક્તિયોગને માટે કોઈ મજબૂત મુદ્દો નથી. નારદ પોતે ઘણા વિદ્વાન હતા. પણ તેમણે ક્યારેય પણ પોતાની વિદ્વત્તાનું આ સૂત્રોના સંદર્ભે પ્રદર્શન કર્યું નથી. આપણે પહેલેથી તે છેવટ સુધી જોયું છે કે તેમણે જે કંઈ કહ્યું છે, તેના સમર્થનમાં શાસ્ત્રોમાંથી ક્યાંય પરિચ્છેદો ટાંક્યા નથી. આ સૂત્રોમાં ક્યાંય પણ શાસ્ત્રોનાં ઉદ્ધરણો આવેલાં દેખાતાં નથી. એનો અર્થ એવો નથી કે નારદ પોતાનાં વાક્યોના સમર્થનમાં શાસ્ત્રોનાં પ્રમાણો ટાંકી શકવા માટે સમર્થ ન હતા. પણ એમણે એવું વિચાર્યું જ ન હતું કે આમાં શાસ્ત્ર પ્રામાણ્ય બતાવવું પડે! ખાસ તો એમણે એટલા માટે એવું કર્યું છે કે ભક્તને માટે વિદ્વાન બનવાનું જરા પણ જરૂરી નથી. વિદ્વાન ન હોવા છતાં ભક્ત ભગવાન પાસે ભક્તિમાર્ગ દ્વારા, જઈ શકે છે અને એનો સાક્ષાત્કાર કરી શકે છે. ભગવાન માટેની ઝંખનામાં વિદ્વત્તાનું કશું જ કામ નથી. શ્રીરામકૃષ્ણે પણ આવો જ વિચાર દર્શાવ્યો છે પછી રહી સામાજિક મોભાની વાત. તો ભક્તને માટે ઉચ્ચ જાતિના હોવું પણ જરૂરી નથી. અથવા તો સમાજમાં માન-સન્માન પામવાનું પણ જરૂરી નથી. નારદ પોતે એક દાસીને પેટે જન્મ્યા હતા અને એના પૂર્વજો વિશે કોઈ કશું જાણતું નહતું. જોકે કેટલીક વખત નારદને માટે ‘બ્રહ્મકુમાર’ એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે કે એમને ‘બ્રહ્મ’ અથવા ‘બ્રહ્મા’ના પુત્ર તરીકે લેખવામાં આવ્યા છે ખરા. પણ એ બધા તો પ્રાસંગિક ઉલ્લેખ માત્ર જ છે. નારદની કથામાં તો નારદના પૂર્વજોનો કશો ઉલ્લેખ મળતો નથી. એમના પિતા વિશે પણ કશું કહેવામાં આવ્યું નથી. ફક્ત એટલો જ સંદર્ભ આવે છે કે એમનાં માતા એક નોકરાણી હતાં અને નારદના મનમાં બહુ વહેલાંથી ત્યાગની ભાવના જાગી ઊઠી હતી. એમણે સંસારનો ત્યાગ કરી દીધો અને પોતાના આદર્શને મૂર્તિમંત કરવા અથવા તો ઈશ્વરનો સાક્ષાત્કાર કરવા માટે જગતથી દૂર ચાલ્યા ગયા. ત્યાં તેમણે ખૂબ ઝંખનાથી ભગવાનનું ધ્યાન કર્યું અને પ્રાર્થના કરી તેથી ભગવાન તેમની સામે ઉપસ્થિત થયા. આવી રીતે તેમના જીવન દ્વારા દર્શાવાયું છે કે ભગવાનનો સાક્ષાત્કાર કરવા માટે કોઈ ઊંચા પાંડિત્ય, કોઈ ઊંચા કુળ કે ઋષિઓ અથવા સંતોના કુળમાં જન્મ લેવા વગેરેની કશી જરૂર નથી. સમાજના કોઈપણ સ્તરમાંથી આવેલ મનુષ્ય કશા જ ખચકાટ વિના ભક્તિમાર્ગનું અનુસરણ કરી શકે છે અને જો તે પોતાની સાધનામાં સન્નિષ્ઠ અને તીવ્ર તલસાટવાળો હોય તો એને અવશ્ય જ ઈશ્વરનો સાક્ષાત્કાર થાય છે. પણ ભક્તિમાર્ગના અનુયાયીઓના હૃદયમાં અડગ શ્રદ્ધાની અનિવાર્યતા છે. નારદ કહે છે કે તેમણે ભક્તિમાર્ગના વિષયમાં અહીં જે કંઈ વર્ણવ્યું છે, તે એ જ બધું મહાન પૂર્વાચાર્યોએ પણ વર્ણવ્યું છે. (આગળ એની યાદી આપી છે) નારદ કહે છે કે આ બધાં સૂચનો અને ઉપદેશ તો શિવે આપેલાં છે. નારદ પોતે તો ખાલી એનું વર્ણન જ કરે છે.

જે મનુષ્ય આ ઉપદેશોને સ્વીકારે છે અને એનું અનુસરણ કરે છે તેનું શું થાય છે? એને ભક્તિનું વરદાન મળે છે. અને એની ચરમસીમારૂપે એને ઈશ્વરનો સાક્ષાત્કાર થાય છે. એ જ તો જીવનનું પરમોચ્ચ સુખ છે! આ શબ્દો પ્રકરણનો, અંત સૂચવવા માટે બેવડાવ્યા છે. (સ: પ્રેષ્ઠં લભતે) અથવા તો એ પુનસહિતનો એવો પણ અર્થ કરી શકાય કે તે અવશ્ય જ પરમોચ્ચ પ્રભુની પ્રાપ્તિ કરે છે, કે જે ભક્તને સૌથી વધારે પ્રિય છે. આમાં બે વાત છે : ગમે તેવા માણસને એના ઉપર શ્રદ્ધા હોય અને એની એ સાધનામાં એ પ્રવૃત્ત થઈ જાય, તો એની પ્રાપ્તિ અવશ્ય કરે છે. ખાલી ઉપરછલ્લું માનવું એ કંઈ પૂરતું નથી. મનુષ્યે પોતાના જીવનને યોગ્ય રીતે એ તરફ પૂરો વળાંક આપવો જોઈએ. તો જ આ બધા ઉપદેશો એને માટે મૂલ્ય ધરાવી શકે. પોતે ભક્ત થયા વગર ભક્તિ ઉપર ભાષણો આપનારા વિદ્વાનો તો જગતમાં ઘણાયે મળે છે. જેમકે શ્રીરામકૃષ્ણ કહેતા : ભાગવતનું ભારે વિવેચન કરનારા એક ભાઈની કથા છે. કોઈક રાજાના દરબારમાં રાજાની સમક્ષ જ એ ભાઈ ભક્તિનો ઉપદેશ કરી રહ્યા હતા. ઉપદેશ પૂરો થયા પછી એણે પૂછ્યું ‘મહારાજ! તમે સમજ્યા ને?’ ત્યારે રાજાએ જવાબ આપ્યો : ‘પહેલાં તમે તો સમજો!’ પેલા પંડિત તો આવા જવાબથી આભો જ બની ગયો : ‘આ તે કેવું? મેં તો જિંદગીભર શાસ્ત્રોને વાગોળ્યા જ કર્યાં છે અને હું મને સંતોષ થાય એ રીતે આ ઉપદેશોનું વિવેચન કરું છું અને છતાં પણ રાજા કહે છે કે ‘પહેલાં તમે તો સમજો!’ શું હું સમજ્યો નથી?’ રાજા સાથે આ પછી ત્રણવાર મેળાપ થયો.

એમાં પણ ‘પહેલાં તમે તો સમજો’ અથવા તો ‘કૃપા કરીને પહેલાં તમે પોતે સમજી લો’ આવો પ્રતિભાવ રહ્યા કર્યો ત્યારે પંડિત વિચારવા લાગ્યો કે આમ કહેવા પાછળ રાજાનો શો ઈરાદો હશે? પંડિત તો એક સમજુુ વિદ્વાન હતો અને નિષ્ઠાવાળો પણ હતો. એટલે એણે એ વાક્યનું વિશ્લેષણ કરવા માંડ્યું. રાજાએ ‘તમે પહેલા સમજો’ – એમ મને શા માટે કહ્યું હશે? પછી ખૂબ વિચારને અંતે એને રાજાના કથનનો મર્મ સમજાયો કે એ ઉપદેશનો મર્મ એ છે કે ‘ભગવાનને માટે મનુષ્યે સર્વસ્વનો ત્યાગ કરવો જોઈએ? શું મેં એવો ત્યાગ કર્યો છે ખરો? ના, એટલા માટે જ તો રાજા જ્યારે કહે છે કે ‘તમે તો પહેલાં સમજો!’ પછી છેવટે પંડિતે એ બધું ઉપદેશ આપવાનું છોડી દીધું અને રાજાને કહેણ મોકલ્યું કે ‘હા, હવે હું સમજી ગયો છું.’ અને એણે સંસારનો ત્યાગ કરી દીધો. આ જ ભક્તિનું રહસ્ય છે! આ વાત જો આપણે બરાબર સમજી લઈએ તો જ આપણે એનું સત્ત્વ પારખ્યું ગણાશે. આ કોઈ બૌદ્ધિક સમજણ જ નથી. બૌદ્ધિક સમજણ તો આપણને ક્યાંય પણ આગળ લઈ જઈ શકે તેમ નથી. શ્રીરામકૃષ્ણદેવ જેમ ઘણી વખત કહેતા કે આવી વિદ્વત્તાની મને તલભાર પણ પડી નથી. આવી વિદ્વત્તા કીર્તિ અને ધન તો અપાવી શકે પરંતુ મુક્તિ તો એ ન જ અપાવી શકે. એટલે એ બધું વ્યર્થ છે. ગીધ આકાશમાં ખૂબ ઊંચે ઊડે છે પણ એનું ધ્યાન તો નીચે પડેલા મૂડદાં પર જ ચોંટેલું હોય છે. ભક્તિયોગમાં તો આ લક્ષ્ય ખાસ હાથવગું છે – ભગવાન માટે તડપતા મનુષ્ય માટે તો આ ત્યાગ અવશ્ય જ સર્વસ્વનો ત્યાગ, ઉચ્ચ કક્ષાનો ત્યાગ જ હોવો જોઈએ. પણ ભક્ત માટે આ ત્યાગ એક ચમત્કાર જ ગણાવો જોઈએ. કારણ કે જે રીતે વિદ્વાનને બુદ્ધિથી જગતની અસારતાની સમજણ હોય છે, તેવી તો ભક્તને હોતી નથી એને તો ફક્ત હૃદયના ઊંડાણમાંથી એ ભાવના થાય છે કે એને જેની જરૂર છે એ વસ્તુ જગત નથી. જગત એની ઝંખનાનો વિષય. એને તો એના પ્રિયતમ પ્રભુની જ ઝંખના છે. એના તલસાટના વિષય ભગવાન છે. એટલે એને માટે ભગવાન વગરનું જગત નિરર્થક છે : જગત તો એને પ્રભુથી દૂર દૂર ખેંચી જાય છે. જેવી કે એક કથા છે : એકવાર હનુમાનની ભક્તિથી પ્રસન્ન થઈને સીતાએ એને પોતાનો મોતીનો હાર ભેટ આપ્યો. હનુમાન તો વાનર રહ્યા! એ તો જેમ વાનરો કરે છે તેમ એ હાર લઈને મોતીઓ ચાવવા લાગ્યા, ચાવી ચાવીને ભાંગવા લાગ્યા અને ભાંગી ભાંગીને બહાર ફેંકી દેવા લાગ્યા! આ જોઈને કોઈકે ટીકા કરી કે ‘એ તો ખરેખર વાંદરાની જેમ જ વર્તે છે, એને હારના મૂલ્યની ખબર ન જ પડે. મોતીઓ તો અમૂલ્ય છે. છતાં એ તો હારને તોડીફોડીને ફેંકી દે  છે!’ પછી કોઈકે હનુમાનને પૂછ્યું કે ‘આવાં અમૂલ્ય મોતીઓને તમે શા માટે ફેંકી દો છો? એ મોતીઓની કેટલી બધી કિંમત છે, એની તમે ખબર નથી. તમે એને શા માટે ભાંગી નાખો છો?’ હનુમાને જવાબ આપ્યો કે ‘હું એની અંદર ક્યાંય રામ છે કે નહિ, તે જોવા માટે એને ભાંગી નાખું છું પણ મને એમાં ક્યાંય રામ જડ્યા નહિ એટલે હું એને ભાંગીને ફેંકી દઉં છું.’ આ સાંભળીને પેલા પ્રશ્ન કરનારે ટકોરે કરી કે ‘ઠીક, આ તમારું જે શરીર છે તો શું એમાં રામ ખરા કે જેથી તમે એને ફેંકી દેતા નથી?’ પછી કથા એવું કહે છે કે હનુમાને પોતાની છાતી ચીરી નાખી અને અહા! એમના હૃદયમાં રામ બિરાજી રહ્યા હતા! આમ ન હોત તો તો હનુમાને પોતાનો દેહ પણ ક્યારનોય ફેંકી દીધો હોત! એટલે ભક્તનું વલણ આવું હોય છે. એને માટે ભગવાન વગરની કોઈ વસ્તુ મૂલ્યવાન હોતી નથી, બીજું બધું જ એને માટે તુચ્છ છે. આ વાતો એકલા નારદે જ કહી છે, એવું નથી. આ ઉપદેશોને સમર્થન આપતા ભક્તિમાર્ગના અન્ય આચાર્યોના સમૂહની યાદી અહીં આનુષંગિક રીતે આપવામાં આવી છે. અને છેલ્લે તારણમાં એનું ઉમેરણ કર્યું છે કે ‘જે કોઈ મનુષ્યને આ ઉપદેશો સ્વીકારવા યોગ્ય લાગ્યા હોય અને એમાં શ્રદ્ધા બેસી ગઈ હોય તો’ … વગેરે આ શબ્દો પણ લગભગ એ જ અર્થ સૂચવે છે. અહીં શ્રદ્ધાનો અર્થ ‘શાસ્ત્રોમાં આસ્થા, એવો થાય છે અને ‘વિશ્વાસ’ (માન્યતાનો સ્વીકાર)નો અર્થ, એવી પ્રતીતિ-ખાતરી કે જે શાસ્ત્રોની કશી મદદ વગર પણ સામાન્ય રીતે આપણે કેળવી શકીએ – એવો થાય છે. એટલે જે મનુષ્ય પાસે આ વિશ્વાસ અને શ્રદ્ધા બન્ને છે, તે સાક્ષાત્કાર કરી શકશે. પણ એ સાક્ષાત્કાર શેેનો છે? તે ઈશ્વરનો સાક્ષાત્કાર છે કે જે સૌથી વધારે પ્રિય છે. અહીં ખૂબ સુંદર રીતે એવો ઉપસંહાર કર્યો છે કે ‘તે સૌથી વધારે પ્રિય વસ્તુને પામે છે.’ પરંતુ એ સૌથી પ્રિય વસ્તુ કઈ? એમાં ભગવાનનું નામ નથી. એ ભગવાન ન પણ હોય! એનો મહિમા પણ અહીં જરૂરી લેખાયો નથી! ભગવાનનું નિર્ગુણરૂપ પણ અહીં હોઈ શકે; જો તે ભક્તને પ્રિયતમ હોય, અને એના જીવનનું પરમ લક્ષ્ય હોય! ગમે તે હોય પણ ભક્ત પોતાનું એ ઈષ્ટતમ પ્રાપ્ત કરે છે. હવે જ્યારે જીવનનું પરમલક્ષ્ય જ જ્યારે પ્રાપ્ત થઈ ચૂક્યું છે, ત્યારે પછી મેળવવાનું બાકી શું રહ્યું? કશું જ નહિ. કારણ કે એની બધી જ ઇચ્છાઓ પૂરી થઈ ચૂકી છે. હવે એ પોતે પોતામાં જ શાન્તિનો અનુભવ કરી રહ્યો છે, – એનું હૃદય એના પ્રિયતમ માટેના પ્રેમથી છલકાઈ રહ્યું છે. અને એ પ્રિયતમ સાથે એકાકાર બની ગયો છે. ભક્ત માટે આ પ્રેમની ચરમસીમા છે. આ રીતે સુંદર ઉપદેશનો આ સુંદર ઉપસંહાર છે.

આ ઉપદેશને ફક્ત બૌદ્ધિક પ્રતીતિ માટે જ લક્ષમાં લેવો યોગ્ય નથી એટલે કે કોઈની જિજ્ઞાસાને સંતોષ આપવા ખાતર જાણી લેવો યોગ્ય નથી પરંતુ, જીવનમાં ખરેખર જે સૌથી વધારે આવશ્યક વસ્તુ છે તેને પ્રાપ્ત કરવા માટે ઉપયોગમાં લેવાનો છે.. માનવજાતિ માટે ખૂબ જ મહત્ત્વ ધરાવતી વસ્તુ – અને તે છે ભગવાન સાથે એકાકાર થઈ જવું, ભગવાન પાસે પહોંચી જવું, ભગવાનના સાથી થઈને રહેવું – આ બધું ભક્તિયોગથી પ્રાપ્ત થાય છે. બીજા લોકો એને સ્વીકારે કે ન સ્વીકારે પણ નારદ તો કહે છે કે ભક્ત કોઈની દરકાર રાખતો નથી. અન્ય લોકો એની પાગલ તરીકે ઠઠ્ઠામશ્કરી કરે કે જગતના લોકોને એ અણગમતો લાગે તો પણ એમાં એ ભક્તનું શું બગડી જવાનું હતું? એણે તો એનું પરમલક્ષ્ય પ્રાપ્ત કરી જ લીધું છે. અને બીજાઓ શું કહે છે એની એને કશીય પડી હોતી નથી. આ પણ અહીં બધું સ્પષ્ટતાથી દર્શાવવામાં આવ્યું છે. આ ભક્તિયોગ છે અને સર્વસ્વનું સમર્પણ એ એનું ચૂકવવું પડતું મૂલ્ય છે. પોતાની માલિકીનું જે કંઈ હોય તે બધું જ  – શરીર સુદ્ધાં – નું સમર્પણ એ જ એનું મૂલ્ય છે. ગોપીઓએ પોતાને ભગવાનની દાસીઓ તરીકે વર્ણવી છે અને એને માટે એ કૃષ્ણ પાસે લેશમાત્ર પણ વળતર ઇચ્છતી નથી. એમ ભગવાનને ચરણે આત્મસમર્પણ કરી દીધું છે. એના સિવાયની કોઈપણ વસ્તુ એને વહાલી લાગતી નથી. એનું કશું જ વળતર એમને જોઈતું નથી. એ રીતે ભક્ત પણ ભગવાનને પોતાનું બધું જ અર્પણ કરી દે છે; એને બીજું કશું જ જોઈતું કારવતું નથી. એને પોતાનું સુખ પણ જોઈતું નથી. ભક્ત કંઈ સુખ તો ઇચ્છતો નથી, એને તો ભગવાન જ જોઈએ છે. સુખ તો વણમાગ્યું આવે છે. પોતાની બધી શાંતિ કામે લગાડીને હૃદયપૂર્વકની ભક્તિથી ભક્ત ભગવાનની સેવા કરી શકે છે એટલાથી જ એને પૂરો સંતોષ છે. એને જ સંપૂર્ણ નિષ્ઠાયુક્ત ભક્તિ કહેવાય. હૃદયનો કોઈપણ ખૂણો અન્ય વસ્તુ કે અન્ય વ્યક્તિ માટે ખાલી ન હોવો જોઈએ. આખું ને આખું હૃદય ભગવાને રોકી લીધેલું હોવું જોઈએ. એને જ એકાગ્રતા કહેવાય છે. એકાગ્રતામાં એક જ – અનન્ય – વિષય જ હોય છે. ભક્તના જીવનમાં આ મુદ્દો ધ્યાનમાં રાખવા જેવો છે. આનું આદર્શ ઉદાહરણ ગોપીઓ છે. એમણે પોતાનું બધું જ ભગવાનને આપી દીધું લોકોમાં મળવાપાત્ર માનમોભાનો પણ એમણે ભગવાનને માટે ત્યાગ કરી દીધો. ગોપીઓના જીવનની આ રમણીયતા છે. શ્રીરામકૃષ્ણે જેને ભક્તિના આદર્શ તરીકે ઉચ્ચ સ્થાન આપ્યું છે, તે આ છે. પોતાની પાસે કંઈ કરતાં કંઈ જ રાખ્યા વગર બીજું તો શું પણ સામાજિક મોભાનો પણ ત્યાગ કરી દેવો જોઈએ. ભક્તિયોગની આ જ તો સુંદરતા છે! જ્યારે કોઈ એને પ્રાપ્ત કરે છે, ત્યારે એ જીવનનું પરમ લક્ષ્ય હાંસલ કરે છે એટલે કે ‘પ્રેષ્ઠ’ – પ્રિયતમ પરમાત્માને પ્રાપ્ત કરે છે ભક્તિયોગની આ ફલશ્રુતિ છે.

એટલા માટે આપણે જોયું કે ભક્ત આવશ્યક રીતે વિદ્વાન હોય, એ જરૂરી નથી, એ પવિત્ર આચરણવાળો હોય કે એણે મોટા મોટા યજ્ઞો કર્યા હોય કે પછી ઘણાં ઘણાં આધ્યાત્મિક અનુષ્ઠાનો કર્યાં હોય એવું કશું જ જરૂરી નથી. સામાન્ય રીતે લોકો જેને સદાચાર કહે છે, એવા આચારના નિયમો પાળવાનું પણ એને માટે જરૂરી નથી. અને આમ છતાં એ સદાયે પવિત્ર જ છે, શુદ્ધ જ છે. અને એનો એક સ્પર્શ પણ, એની હાજરી પણ સામા માણસને પવિત્ર કરી દે છે. એનો સહેજ સ્પર્શ પણ પાપીને પુણ્યશાળી બનાવી દે છે. ભક્તિનો આ મહિમા છે, ભક્તનો આ મહિમા છે! શ્રીકૃષ્ણે ભાગવતમાં કહ્યું છે કે ‘ગોપીઓ પાસેથી જે પ્રેમ હું પામ્યો છું, એ પ્રેમનું પૂરેપૂરું વળતર તો હું કેવી રીતે આપી શકું? … ગોપઓએ મારા ઉપર જે પ્રેમ વરસાવ્યો છે એ પ્રેમનું પૂરું વળતર ચુકવાય એવો પ્રેમ તો હું આપી શકતો નથી! ’ ભક્તને ભગવાન પર જેવો ભાવ હોય છે, તેવો જ ભાવ, ભગવાનને ભક્ત ઉપર પણ હોય છે. શ્રીકૃષ્ણ કહે છે : ‘ઋષિઓ અને મારા મહાન ભક્તો જ્યાં જ્યાં જાય છે, ત્યાં ત્યાં તેમની પાછળ હું પણ જાઉં છું કે જેથી તેમનાં ચરણોની રજ મારા ઉપર પડે અને એથી હું પવિત્ર થઈ જાઉં.’ માનવજાતિને માટે આપવા યોગ્ય આ મોટામાં મોટી અંજલિ છે.

Total Views: 48

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.