રામકૃષ્ણ મિશન, લીંબડી

રામકૃષ્ણ મિશન, લીંબડીની જલધારા પરબનું ૪૧મું સોપાન મંડાય છે. રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાની રુખીસૂકી ભૂમિની અને ગ્રામ્યજનોની કાયમી તરસ છીપે એવા આ યુગના અત્યંત ઉપકારી કાર્ય રામકૃષ્ણ જલધારા પ્રકલ્પ દ્વારા ઝામડી ગામે ૭ મે, ૨૦૦૮ના રોજ ૪૧મા તળાવનું ખોદકામ શરૂ થઈ ચૂક્યું છે. જલધારાના પ્રત્યેક પ્રકલ્પમાં રૂપિયા ૧૦,૦૦૦નો હેન્ડ પંપ, રૂપિયા ૨૦,૦૦૦ની પાણીની ટાંકી, તળાવ ખોદકામ માટે ૧.૫ લાખ રૂપિયા અને બોરવેલ માટે ૨.૫ લાખ રૂપિયાની જરૂર પડે છે. ગ્રામ્યજનોની કાયમી તરસને છીપાવતી આ જલધારા યોજનામાં ઉદારદિલના સદ્‌ગૃહસ્થો, દાનવીરો, ઉદ્યોગવીરો, વ્યાપારીઓ પોતાની સહાય ‘રામકૃષ્ણ મિશન, લીંબડી’ના નામે ‘રામકૃષ્ણ મિશન, રામકૃષ્ણ નગર, લીંબડી – ૩૬૩ ૪૨૧ (સુરેન્દ્રનગર)’ એ સરનામે મોકલી શકે છે.

બાલસંસ્કાર શિબિર

૧ થી ૧૧ મે સુધી ટાવર બંગલામાં બાલસંસ્કાર શિબિરનું આયોજન થયું હતું. આ શિબિરમાં ચિત્રકામ, ભજન, વાર્તા-કથન, અભિનય, ગીત, વક્તૃત્વ, યોગાસન, સંગીત જેવી પ્રવૃત્તિઓ બાળકો દ્વારા થઈ હતી. અંતિમ દિવસે લીંબડી મોટા મંદિરના મહંત લલિતકિશોર શરણદાસના વરદ હસ્તે બાળકોને પારિતોષિક અને પ્રમાણપત્રો અપાયાં હતાં.

રામકૃષ્ણ મઠ, ચેન્નઈના પ્રકાશન વિભાગનો શતાબ્દિ મહોત્સવ

૧૨-૧૩-૧૪ એપ્રિલના રોજ રામકૃષ્ણ મઠ, ચેન્નઈના પ્રકાશન વિભાગનો શતાબ્દિ મહોત્સવ યોજાયો હતો. આ મહોત્સવ પ્રસંગે ‘હિસ્ટ્રી ઓફ પબ્લિકેશન ઓફ મઠ – મઠના પ્રકાશનનો એક ઇતિહાસ’ના ચિત્ર પ્રદર્શન તેમજ યુવાન ભાઈ, યુવબહેનો અને શિક્ષકો માટે ત્રણ સેમિનારનું વિશિષ્ટ આયોજન થયું હતું. ચિત્રપ્રદર્શનનું મંગલ ઉદ્‌ઘાટન ૧૨ એપ્રિલ, ૦૮ના રોજ સવારે ૧૦.૩૦ વાગ્યે રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી સ્મરણાનંદજી મહારાજના વરદ હસ્તે થયું હતું. સાંજના યોજાયેલ શતાબ્દિ સમારોહમાં રામકૃષ્ણ સંઘના જનરલ સેક્રેટરી શ્રીમત્‌ સ્વામી પ્રભાનંદજી મહારાજ અધ્યક્ષ સ્થાને હતા. આ મહોત્સવ પ્રસંગે ઘણાં પુસ્તકોને સસ્તાદરે વેંચાણમાં મૂકયાં હતાં. એમણે પ્રકાશન વિભાગના લેખકો, કલાકારો, અનુવાદકો અને ભૂતપૂર્વ સંપાદકોનું મરણોપરાંત સન્માન કર્યું હતું.

મા સારદા સંસ્કાર શિબિર

શ્રીરામકૃષ્ણ આશ્રમ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ “મા સારદા સંસ્કાર શિબિર” ના આયોજન હેઠળ બાળકમાં રહેલી સુષુપ્ત પ્રતિભાને ખીલવવાનો પ્રકલ્પ હાથ ધર્યો હતો.

આ સંસ્કાર શિબિરમાં પ્રાર્થના, શાંતિમંત્ર, ભગવદ્ગીતા, ભજન, યોગાસન, અભિનય, હસ્તકલા, ચિત્રકલા, સામાન્યજ્ઞાન, જૂથચર્ચા, વકતૃત્વકળા, સર્જનાત્મક પ્રવૃત્તિઓ, આત્મવિશ્વાસ-જીવનઘડતર, વ્યકિતત્વ વિકાસને લગતી પ્રવૃત્તિઓ, વિશ્વ વિભૂતિઓનાં જીવનવૃત્તાંત અને રમત ગમત વગેરે વિવિધ પ્રવૃત્તિઓ આવરી લેવાઈ હતી.

૫ મે થી ૩૦ મે ૨૦૦૮ સુધી સવારે ૮:૩૦ થી ૧૦:૩૦ (સોમવાર થી શુક્રવાર) યોજાયેલ આ સંસ્કાર શિબિરમાં ૮ થી ૧૩ વર્ષનાં ૬૦ બાળકોએ ભાગ લીધો હતો.

Total Views: 40

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.