(૧) ભગવાન શ્રીકૃષ્ણની કૃપાથી એમના એક ભક્ત દંપતીને પુત્રરત્ન સાંપડ્યું. તેમણે એનું નામ નારાયણ પાડ્યું. નાનપણથી જ નારાયણ પોતાનાં માતપિતા સાથે જ્યાં જ્યાં ભજનો ગવાતાં ત્યાં ત્યાં જતો. પોતાની જાતને ભૂલી જઈને તે બેસી રહેતો અને ભજનો સાંભળતો.

– મારો પુત્ર એક દિવસ આ દુનિયાની આસક્તિ છોડી દેશે અને સુખ્યાત બનશે.

– હે મા! મારો દિકરો સંન્યાસી થવો ન જોઈએ. અમારો વંશવેલો વૃદ્ધિ પામે તેવા આશીર્વાદ આપો.

(૨) નારાયણનાં માતાએ યોગ્ય ઉંમરની છોકરી પસંદ કરી અને પોતાના દીકરા સાથે પરણાવી.

– નારાયણની જેમ આ કન્યાને પણ ભક્તિગીતો અને સંગીતમાં ઘણો રસ હતો. તે ખૂબ સુંદર હતી, ચિંતાનું કંઈ કારણ ન હતું. હવે મારો દીકરો સાધુ નહિ બને.

(૩) યુવદંપતીએ થોડા સમય માટે ગૃહસ્થ જીવન જીવ્યું.

– હું થોડા દિવસ એમની સાથે રહું એમ મારા પિતાજી ઇચ્છે છે. મને તેઓ તેડવા આવ્યા છે. હું જાઉં?

– હા, તારે જવું જોઈએ. ત્યાં તું ઝાઝું રોકાતી નહિ. ઘણા દિવસ હું તારા વિના રહી ન શકું.

(૪) પોતાની પત્ની પિતાઘરે ગઈ તેને ઠીક ઠીક સમય વીતી ગયો. એટલે નારાયણ પોતાની પત્નીને પાછી લાવવા આતુરતા સાથે ઉપડ્યો. રસ્તામાં ભારે વરસાદને કારણે નદી બે કાંઠે જતી હતી. હોડી તો ક્યાંય મળે એમ  ન હતી. પોતાની પત્નીને મળવા આતુર નારાયણ નદીમાં ખાબક્યો અને તરવા લાગ્યો.

– તે ઊંડાં વહેણમાં સપડાઈ ગયો. હવે મારું આવી બન્યું. હું આ સંસાર પરની આસક્તિ દૂર કરવા માગું છું અને સંન્યાસી બનીને સંસારની વિદાય લેવા માગું છું. સંન્યાસ ધારણ કરીને સંન્યાસમંત્રનો જાપ કરીશ.

(૫) સંન્યાસમંત્ર જપતાં જપતાં જાણે કે તે દેહભાન ભૂલી ગયો અને પાણીનાં મોજાંએ એને કાંઠે લાવી દીધો. જ્યારે એને બાહ્ય દેહભાન આવ્યું ત્યારે એને પોતાની પત્નીની યાદ આવવા લાગી. પોતે સંન્યાસ લીધો છે એ વાત ઘરે પહોંચીને પત્નીને પણ નહિ કરે એવો એણે મનમાં નિશ્ચય કર્યો. પત્નીએ માન-આદર સાથે તેનું સ્વાગત કર્યું.

પરંતુ જ્યારે રાત્રે પત્ની નારાયણને મળવા આવી..

– અરે! આ શું! તમે તો સાધુનાં ભગવાં ધારણ કર્યાં છે. ભગવાં વસ્ત્ર, હાથમાં કમંડળ અને પવિત્ર ઉપરણું..!

(૬) જ્યારે તે ભાનમાં આવી ત્યારે…

– હે નાથ! મેં તમને કંઈ હેરાન-પરેશાન કર્યા હતા? તમે શા માટે મારો ત્યાગ કરીને સંન્યાસી બન્યા?

– ઈશ્વરે મને સત્યનો સંદેશ આપ્યો છે. હવે હું જાઉં છું.

(૭) સંન્યાસી નારાયણ તો નીકળી પડ્યા તીર્થયાત્રાએ અને કાવેરી નદીના વહેણના મધ્ય વિસ્તારમાં આવી પહોંચ્યા. અહીં એમને પેટમાં શૂળ ઉપડી. પીડાના માર્યા તેઓ આમતેમ તરફડીયા મારતા હતા. પેટશૂળ વખતે એમને એક સ્વપ્ન આવ્યું.

– તારી યાત્રા ચાલુ રાખજે. સવારમાં તારી સમક્ષ પ્રગટ થતા સ્વરૂપની પાછળ પાછળ તું જજે. હું તારી રાહ જોઉં છું.

(૮) સવારે જ્યારે નારાયણની ઊંઘ ઊડી ત્યારે એણે ભૂંડ જોયું. નારાયણ એવી પાછળ પાછળ જવા લાગ્યા. પહેલું ભૂંડ ભૂપતિરાજપુરમ્‌ વેંકટચલાપતિના મંદિર સુધી ગયું અને પછી અદૃશ્ય થઈ ગયું.

– મારા પર અમીદૃષ્ટિ કરવા પ્રભુ જ ભૂંડના રૂપે આવ્યા છે. મારું પેટશૂળ પણ ગયું!

(૯) નારાયણ તો મંદિરની પરસાળમાં બેઠા અને ભજનધ્યાનમાં લીન થઈ ગયા. મંદિરમાં આવતા ભક્તજનો પણ એનાં ધ્યાનભજનમાં જોડાવા લાગ્યા.

– અહા! કેવી ભાવસમાધિ!

– કેવું મજાનું અદ્‌ભુતસંગીત!

– તેનો કંઠ મધુર છે!

– ગોવિંદ, હરિગોવિંદ! રામકૃષ્ણ ગોવિંદ.

(૧૦) સમય જતાં ગ્રામજનોએ નારાયણ માટે ઝૂંપડી બાંધી. મંદિરમાં પ્રભુજીને નૈવેદ્ય માટે ફળફળાદિની વ્યવસ્થા પણ ગોઠવી દીધી. કેટલાક લોકો એમના શિષ્ય પણ બન્યા.

– મિત્રો! મારાં અધ્યાત્મદર્શનથી હું પ્રભુનું લીલાગાન કરું છું. દરરોજ ગવાતું આ ગાન શ્રીકૃષ્ણલીલાતરંગિણી કહેવાશે. તેનું વિમોચન તો પ્રભુ પોતે જ પધારીને કરશે.

– પુસ્તકના વિમોચન માટે ભક્તજનોએ મંદિરને અદ્‌ભુત રીતે શણગાર્યું.

(૧૧) પ્રભુને આભૂષણોથી શણગાર્યા અને પાછળ સુંદર મજાનો પડદો પણ રાખ્યો.

– તમે તો પડદાથી પ્રભુને ઢાંકી દીધા. હવે તેઓ લીલાતરંગિણી કેવી રીતે સાંભળી શકે અને એનો આનંદપૂર્વક સ્વીકાર પણ કેવી રીતે કરી શકે?

– તમે તમારા કાર્યનો પ્રારંભ કરો. જો એમની કૃપા હશે તો તેઓ ચોક્કસ તમારા આ ગ્રંથને સ્વીકારશે.

(૧૨) પોતાના મનશ્ચક્ષુ દ્વારા ભગવાન કૃષ્ણની દિવ્યલીલાને જોતાં જોતાં નારાયણતીર્થ લીલાતરંગિણી ગાવા લાગ્યા. લોકો ઊમટી પડ્યા.

– પડદાની પાછળથી ઝાંઝરનો ઝણકાર સંભળાય છે!

– અરે! એ ઝણકાર તો વધુ ને વધુ મોટો થતો જાય છે.

– પ્રભુ, ભાવાવસ્થામાં નૃત્ય કરી રહ્યા છે. માત્ર એમનાં ઝાંઝરનો ઝણકાર જ સાંભળવાનો છે.

(૧૩) પ્રથમ દૃશ્ય પૂરું થયું અને પડદો એની મેળે ખસી ગયો. દીવા ઝળહળી ઊઠ્યા. ભક્તજનોએ બાળ કૃષ્ણના રૂપે તેજોમય શ્યામનાં દર્શન કર્યાં.

– માધવ! મધુસૂદન! કેશવ! નારાયણ! કૃષ્ણ!

– ગોવિંદ! પરમાત્મા! આપનાં દર્શનથી આ ગ્રામ્યજનોને પ્રેરણા મળો.

(૧૪) ગામના લોકોએ નારાયણતીર્થની શોભાયાત્રા કાઢી. એમનું બહુમાન પણ કર્યું. એનો બદલો વાળવા નારાયણતીર્થ ગામડે ગામડે ફર્યા અને દિવ્ય હરિનામનો મહિમા ફેલાવ્યો. એમણે ભજનગીતો રચ્યાં અને શાસ્ત્રગ્રંથો પર ટીકાઓ લખી. એમની કીર્તિ ચોમેર ફેલાઈ.

– પ્રભુની કૃપા પામવાનો સરળ રસ્તો છે અને એ છે એમનાં ગુણગાન ગાવાનો!

(૧૫) ભગવાનની ઇચ્છા પ્રમાણે પવિત્ર કાવેરી નદીના કિનારે આવેલ થિરુપુંતુરુથિ નામના ગામમાં નારાયણતીર્થ સ્થિર થયા. ત્યાં સંન્યાસ આશ્રમની સ્થાપના પણ થઈ. એક દિવસ નારાયણતીર્થ ઊંડી સમાધિમાં બેઠા હતા અને એનો આત્મા ઊડી ગયો.

– ગોવિંદ નામ સંકીર્તન!

– ગોવિંદ! ગોવિંદ!

(૧૬) એમની સમાધિ પાસે આજે પણ એનો સમાધિદિન ઉજવાય છે. અહીં અનેક સંગીતકારો એકઠા મળે છે અને એ મહોત્સવમાં ભાગ લે છે.

Total Views: 47

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.