(૧) મહર્ષિ ગૌતમ અને એમનાં ધર્મપત્ની અહલ્યા બ્રહ્મગિરિ પર્વતની તળેટીમાં પોતાના આશ્રમમાં રહેતાં હતાં. વર્ષોનો દુષ્કાળ આ વિસ્તારના લોકોને ઘેરી વળ્યો. વરુણરાજાની મહેરથી સારો વરસાદ વરસે એવી ઇચ્છાથી આ ઋષિદંપતીએ શિવની આરાધના આદરી.

– ૐ નમ: શિવાય, ૐ નમ: શિવાય.

– ૐ નમ: શિવાય, ૐ નમ: શિવાય.

(૨) એમના તપથી પ્રસન્ન થઈને શિવજીએ એ વિસ્તાર પર વરસાદ વરસાવ્યો. આશ્રમની નજીકનું તળાવ પાણીથી છલછલી ઊઠ્યું. આશ્રમમાં લીલીછમ હરિયાળી છવાઈ ગઈ.

(૩) આજુબાજુના વિસ્તારના બીજા સંતો ઋષિઓ પોતપોતાની સહધર્મિણીઓ સાથે આ બ્રહ્મગિરિની હરિયાળી ભૂમિ પર આવ્યા અને સ્થાયી થયા. ધીમે ધીમે સમય વહેતો ગયો. અહલ્યાએ પોતાના તપથી પ્રભુની અમીકૃપા વરસાવી એને માટે પેલા સાધુસંતોની ધર્મચારિણીઓને કૃતજ્ઞતાની લાગણી ન હતી.

– જોયું, અહલ્યા તો કેવી અભિમાની!

– હા, મેં જોયું. એણે અને એના પતિએ શિવની આરાધના કરીને અહીં વરસાદ વરસાવ્યો એમ વિચારીને તેઓ અભિમાની બની ગયાં છે.

– એનું અભિમાન આપણે છોડાવવું જોઈએ.

(૪) ગૌતમ ઋષિ અને અહલ્યાએ કરેલ કલ્યાણ કાર્યને ભૂલીને એ બધી તો ચાલી ભગવાન ગણેશ પાસે અને એમને પ્રાર્થના કરવા લાગી.

– હે ગણેશ મહારાજ! આ ગૌતમ અને અહલ્યા અહીંથી ચાલ્યા જાય એવું કરો. તમે જ આમાં અમને મદદ કરી શકશો.

– અરે! બહેનો! તમે બધાં પાણીના અભાવે મરતાં હતાં. આ દંપતીએ તપ કર્યું, વરસાદ વરસાવ્યો અને તમને બધાને આશ્રય આપ્યો. એમણે કંઈ તમારું અહિત નથી કર્યું. એમણે તમારું સારું કર્યું છે, એને તમે ભૂલી ગયાં છો અને એમને અહીંથી હાંકી કાઢવા ઇચ્છો છો? આ તો મોટું પાપ કહેવાય.

– હે પ્રભુ! કૃપા કરીને અમે જે ઇચ્છીએ છીએ એ વરદાન અમને આપો.

(૫) ગણેશજીએ આ કૃતઘ્ન નારીઓને બોધપાઠ ભણાવવાનું નક્કી કર્યું. એમના પર ઉપકાર કરતા હોય તેમ ગણેશજીએ ગાયનું રૂપ લીધું, ગૌતમના આશ્રમમાં ગયા અને ત્યાં લીલી હરિયાળીમાં જે કંઈ હતું એ બધું ખાવા મંડ્યા.

– અહલ્યા! અહીં તો આવ આ આશ્રમમાં આ ગાય ક્યાંથી આવી ગઈ?

– આ તો નવાઈ, ચાલો આપણે એને નજીકથી નિહાળીએ.

(૬) હાથમાં લાકડી લઈને ગૌતમ ઋષિ ગાય તરફ ગયા પણ એ ગાયની પાસે પહોંચે એની પહેલાં પેલી ગાય તો જમીન પર પડીને મરી ગઈ.

– અરે! આ શું થઈ ગયું? ગાય તો પડી ગઈ છે!

– હે ભગવાન, કેવી આકરી કસોટી!

(૭) પેલી ઈર્ષ્યાળુ નારીઓ તો આ જ પળની રાહ જોતી હતી. એ બધી ચાલી પોતાના પતિદેવો પાસે.

– અરે! ગૌતમ ઋષિએ ગાયને મારી મારીને ઠેકાણે કરી નાખી.

– અરે! એવું છે!

(૮) બધા સાધુઓ ગૌતમ ઋષિ પાસે ગયા.

– અરે! મહારાજ, તમે તો અક્ષમ્ય અપરાધ કર્યો. ગાયને મારી નાખી! અમે આ વાત માની શકતા નથી.

– તમે તો ગાયહત્યાનું જઘન્ય પાપ કર્યું છે.

– આ પાપમુક્તિ માટે તમારે મહાન તપ કરવું પડે.

– તમારે એ માટે આ બ્રહ્મગિરિ પર્વતની ૧૦૧ પ્રદક્ષિણા કરવી પડે. સાથે ને સાથે તમારે એક કરોડ શિવલિંગ બનાવવી પડે અને એની પૂજા પણ કરવી પડે.

(૯) વિરોધ કર્યા વિના ગૌતમજી ભગવાન શિવના ધ્યાનમાં બેસી ગયા. અંતે ભગવાન શિવ મા ઉમા દેવી સાથે પ્રત્યક્ષ પ્રગટ થયા.

– હે પ્રભુ પેલી ગોહત્યાના પાપમાંથી કૃપા કરીને મને ઉગારો.

(૧૦) ભગવાન શિવે ગૌતમ ઋષિને પેલી દુષ્ટ નારીઓની દુષ્ટતાની વાત કરી.

– તમારે કારણે ગાયને કંઈ નથી થયું. આ બધાના મૂળમાં તો પેલા સાધુસંતોની સ્ત્રીઓ જ છે.

(૧૧) દેવાધિદેવ ભગવાન શિવ તમે મારા પર અમીદૃષ્ટિ કરી છે. હે પ્રભુ! હું આપને પ્રાર્થના કરું છું કે આ જ સ્થળે જ્યોતિર્લિંગ રૂપે વસો અને અહીં આવતા ભક્તો પર આશીર્વાદ વરસાવો.

– હે ગૌતમ, તમારી ઇચ્છા પરિપૂર્ણ થાઓ. મારી જટામાંથી હું તમને પાવનકારી ગંગાનાં થોડાં જલબિંદુ આપું છું. એમને ગ્રહણ કરો.

(૧૨) ગૌતમે તો શિવજીએ આપેલ ગંગાનાં નીરને બ્રહ્મગિરિમાં આવેલ અંજીર વૃક્ષોના મૂળમાં સીંચ્યું. આ ગંગા તો ફૂલી ફાલી અને માતા ગોદાવરી નદીના નામે વહેવા માંડી.

(૧૩) – હે ઋષિ અમારો અપરાધ ક્ષમા કરો.

– અહલ્યાદેવી! અમને માફ કરો. તમારા પર આવી પડેલાં દુ:ખ માટે અમે જવાબદાર છીએ.

(૧૪) અરે બહેનો! મને તમારા પ્રત્યે જરાય રોષ નથી.

– અરે, સંતો! તમારે કારણે જ મને શિવજીનાં દર્શનનો અમૃત અવસર સાંપડ્યો.

(૧૫) ગૌતમ ઋષિ આ નદીને અહીં લાવ્યા હતા એટલે એનુ નામ ગૌતમી અને ગોદાવરી પડ્યું. જે સ્થળે ગૌતમ ઋષિને ભગવાને પ્રત્યક્ષ દર્શન આપ્યાં હતાં એ સ્થળે તેઓ ત્ર્યંબકેશ્વરના નામે વિરાજે છે અને પોતાના ભક્તો પર સદૈવ અમીદૃષ્ટિ કરતા રહે છે.

Total Views: 63

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.