સ્વામી વિવેકાનંદ પ્રેરક આદર્શ રૂપે : એક અનંત પ્રેરણાદાયી આદર્શ રૂપ મહામાનવ અને એમના મનના સ્વાભાવિક મહાનાયક રૂપે ભારતના લાખો યુવાનો માટે આજે પણ સ્વામી વિવેકાનંદ ઊભરી આવે છે. તેમનું વ્યક્તિત્વ જ અનેકમુખી પ્રતિભાવાળું હતું. એટલે જ જીવનનું પ્રત્યેક પાસું સુસંવાદી રીતે એમના વ્યક્તિત્વમાં નીખરતું. વ્યાયામપટુ, કુશળ મલ્લયોદ્ધા એવા સ્વામીજીએ પોતાની દેહયષ્ટિને કોઈ પણ ભયંકર સંજોગોનો સામનો કરી શકે તેવી રીતે ઘડી હતી. તેઓ સારા ઘોડેસવાર, નિષ્ણાત સંગીતકાર, કુશળ વાદ્યસંગીતજ્ઞ હતા અને રસોઈકળામાં પણ નિષ્ણાત હતા. અંગ્રેજી ભાષા પર જબરું પ્રભુત્વ ધરાવનાર સ્વામીજી એક અજેય વક્તા, સૌને મંત્રમુગ્ધ કરી દેનારી વક્તૃત્વશક્તિવાળા, પ્રસન્ન દેહમને પરસ્પર વાર્તાલાપ કરવામાં કુશળ અને અનન્ય હાજરજવાબી બુદ્ધિવાળા હતા. તેઓ ત્યાગ અને સેવા સમર્પણ, કરુણાપ્રેમ અને સાહસિકતાનું અનન્ય ઉદાહરણ બની રહ્યા. સૌને મુગ્ધ કરી દેતી એકાગ્રશક્તિ ધરાવતા સ્વામીજી ધ્યાનના અઠંગ અભ્યાસુ હતા. તેમણે અનુપમ કાર્યનિષ્ઠા દાખવી હતી. પોતાના બાળપણથી જ તેઓ જીવનના ગહનતમ હેતુને સમજવા અવિરત ડૂબ્યા રહેતા અને એ વિશે લોકોને પ્રશ્નો પૂછતા રહેતા. ભીતરની દિવ્યતાની શોધને એમણે આદર્શ સ્વરૂપે સ્વીકારી હતી. એમની નિષ્ઠાને કારણે તેઓ પોતાના ગુરુદેવ શ્રીરામકૃષ્ણ પરમહંસના સંપર્કમાં આવ્યા અને એમની નિશ્રા અને કાળજી હેઠળ તેઓ એક પૂર્ણ વ્યક્તિત્વવાળા મહામાનવ તરીકે ઊભરી આવ્યા. પોતાની ધ્યેયસિદ્ધિ માટે એમણે પૂર્વના અને પશ્ચિમના લોકોનાં આધ્યાત્મિક અને નૈતિક જીવનનું પુનર્જાગરણ કરવામાં સર્જનાત્મક, ઘનિષ્ઠ અને અવિરત પ્રયાસો કર્યા. ભાવાત્મક અભિગમથી જ એમણે કોઈ પણ વસ્તુને સુધારવા માટે બધી તકો ઝડપી લીધી હતી. તેઓ પોતાના ભોગે પણ બીજાને સહાય કરવાનું અદ્‌ભુત વલણ ધરાવતા હતા અને મનની પૂરી તાકાતથી તેઓ અન્યાયનો વિરોધ પણ કરતા.

ભારત સરકારે ૧૯૮૫ના વર્ષથી સ્વામી વિવેકાનંદના જન્મદિન ૧૨ જાન્યુઆરીને રાષ્ટ્રીય યુવદિન રૂપે ઊજવવાનું નક્કી કર્યું છે અને એ પ્રમાણે સમગ્ર રાષ્ટ્ર ૧૨મી જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રીય યુવદિનનું મહાપર્વ ઊજવે છે.

૯. શિક્ષક એક સંયોજક રૂપે

સંયુક્ત પ્રયાસોની શક્તિ પર જ કોઈ પણ સામાજિક મહાકાર્યની સફળતાનો આધાર છે. પોતાના કાર્યને સુસંગઠિત કરવા ભારતના પોતાના શિષ્યોને સંબોધીને સ્વામી વિવેકાનંદે ૧૮૯૪માં એક પત્ર લખ્યો હતો. એ પત્રમાં એમણે આવી ભલામણ કરી હતી.

‘એક મહાન ભાવિ ભારત સર્જવાનું સઘળું રહસ્ય સંગઠનમાં, સત્તાને એકત્રિત કરવામાં, સહુની ઇચ્છાશક્તિઓના સમન્વયમાં સમાયેલું છે… એક મનવાળા થવું એ સમાજનું રહસ્ય છે… ક્ષુલ્લક બાબતો માટે વાદવિવાદ અને ઝઘડા વધારે કર્યા કરશો તેમ તેમ ભારતના ભાવિનું સર્જન કરનારાં જે શક્તિસંગ્રહ અને સત્તા છે તેનાથી તમે દૂર દૂર જતા જશો. તમે એ ખસૂસ ધ્યાનમાં રાખજો કે ભારતનું ભાવિ સંપૂર્ણપણે તેના પર અવલંબે છે. ઇચ્છાશક્તિનું એકીકરણ, સમન્વય અને એ બધાંને, એક મધ્યકેન્દ્રમાં લાવવાં એ જ મુખ્ય મુદ્દો છે.’  (૪.૧૭૧)

શિક્ષકમાં સમાજની શ્રદ્ધેયતા : આપણાં બાળકોનું ચારિત્ર્ય ઘડતર નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોની પ્રબળ આધારશીલા પર કરવાના આપણા રાષ્ટ્રિય ભગીરથકાર્યમાં વિવિધ સામાજિક બળોનું સુયોગ્ય સંયોજન કરવું આવશ્યક છે.

ચારિત્ર્યઘડતર કરનાર જૂથનું સંયોજન : શિક્ષક તરીકે તમારે હવે ચારિત્ર્ય ઘડતરની આ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં અને તેને આગળ દોરી જવા માટે પવિત્ર શ્રદ્ધાની ગતિપ્રેરતી શક્તિનો ઉપયોગ કરવો જોઈએ. આ તમારી એક પવિત્ર સામાજિક જવાબદારી છે. આ જવાબદારી ઉત્તમ રીતે તો સામૂહિક પ્રયત્ન દ્વારા જ પૂર્ણ થાય છે. ચારિત્ર્યઘડતરનાં આ જૂથમાં માતપિતા, શાળાનું સમગ્ર સંચાલનતંત્ર, સમાજના સભ્યો કે સામાજિક સંસ્થાઓનો સમાવેશ થાય છે. શિક્ષક તરીકે તમારે જૂથના સભ્યો સાથે ખભેખભા મિલાવીને કામ કરવું જોઈએ અને એક પ્રબળ સંબંધના તાંતણે બંધાવું જોઈએ. ચારિત્ર્ય ઘડતરના આ ઉત્ક્રાંતિ કાર્યમાં એમનું સામેલ થવું એ તમારાં વલણ, પ્રકૃતિ અને મૂલ્યનાં પૂરતાં જ્ઞાનસમજણ પર આધાર રાખે છે. સુસંવાદી જૂથભાવના ઊભી કરવા માટે અહીં કેટલાક ઉપયોગી સૂચનો આપીએ છીએ.

વિદ્યાર્થીઓને સહભાગી બનાવો

‘ૐ સહનાવવતુ સહનૌભુનક્તુ સહવીર્યં કરવાવહે ।
તેજસ્વીનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે ॥’

‘અમને બંનેને (ગુરુ અને શિષ્યને) જ્ઞાનભંડાર ખોલી આપીને રક્ષો; અમને બંનેને જ્ઞાનનાં ફળનું આદાનપ્રદાન કરાવીને સમૃદ્ધ બનાવો; અમે બંને સાથે મળીને ઊર્જાપ્રાપ્તિ કરીએ. અમે જે કંઈ પણ ભણીએ તે અમારી શક્તિનો સ્રોત બની રહો. અમે બંને એક બીજાની ઈર્ષ્યા ન કરીએ.’ ઉપનિષદની આ સુખ્યાત પ્રાર્થના છે.

એટલે કે ચારિત્ર્ય ઘડતરના જૂથમાં વિદ્યાર્થીઓનો તો સમાવેશ થાય જ છે. એમની સક્રિય ભાગીદારી સિવાય જ્ઞાનનું સંક્રમણ થતું નથી અને ચારિત્ર્ય ઘડતરનું કાર્ય પણ થતું નથી. નિર્ણય લેવાની પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને સહભાગી બનાવો. આવી ભાગીદારી તેમનામાં પોતિકાપણું જગાડે છે અને ચારિત્ર્ય ઘડતરની પ્રવૃત્તિઓનો આદર કરવા તેમને પ્રેરે છે.

વિદ્યાર્થીઓને માન આપો : દરેક વિદ્યાર્થીમાં, અરે! સૌથી વધારે તોફાની ટપુડિયામાં પણ દિવ્ય શક્તિ રહેલી છે એટલું મનમાં યાદ રાખવું. આવી ભાવના રાખવાથી વિદ્યાર્થી સાથેનાં આપણાં વર્તનભાવ એમના ગૌરવને યોગ્ય રહેશે અને હેતાળ પણ બનશે. જે રીતે તમે તમારા વિદ્યાર્થીઓને સંબોધો છો કે ભાવવર્તન રાખો છો તેનો વિદ્યાર્થીઓનાં ચારિત્ર્ય ઘડતર અને વિકાસમાં ઘણો મોટો પ્રભાવ પડે છે. તમારા વિદ્યાર્થીને માન-આદર આપો અને તમારું કાર્ય વિદ્યાર્થીમાં રહેલા નારાયણની પૂજાનું સ્વરૂપ બની જશે.

પ્રેમ અને હૂંફવાળો સંબંધ રાખો : મૂલ્યોના સંક્રમણનું સૌથી વધારે શક્તિશાળી માધ્યમ અને સાધન તો છે પ્રેમ. જો તમે વિદ્યાર્થીઓ સાથે એની કાળજી અને ચિંતા સેવતો હેતાળ સંબંધ રચી શકો તો તમારા બંનેના પરસ્પરનાં ભાવવર્તન અને આપલેમાં સુધારો થશે; તેને લીધે તમારી પાસેથી શીખવાની તેની ઇચ્છા પ્રબળ બનશે તેમજ તમારા નૈતિક શિક્ષણને જીવનમાં ઉતારવા માટે પણ તેનામાં ઇચ્છા ઊભી કરશે. વિદ્યાર્થીના જન્મદિવસે શુભભાવના પ્રગટ કરવા જેવા કે એમના કુટુંબ વિશે ક્ષેમકુશળ પૂછવા જેવા નાનાં કાર્યો પણ નજીકનો નાતો બાંધી આપે છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે: ‘આ દુનિયાને પ્રબળ અને નિ:સ્વાર્થ પ્રેમવાળા જીવન જીવનારાઓની જરૂર છે. આવો નિ:સ્વાર્થ પ્રેમ ઉચ્ચારેલ દરેક શબ્દને વિદ્યુતસમો બનાવી દે છે.’

વિદ્યાર્થીઓને એમના વ્યક્તિગતરૂપે પણ જાણો : થોડી ક્ષણો માટેનો પણ પ્રત્યક્ષ સંપર્ક-સંબંધ વિદ્યાર્થી પર એક ઘણો મોટો પ્રભાવ પાડે છે. આને લીધે એમની શક્તિઓ અને નિર્બળતાઓનો તમને ખ્યાલ આવશે. સાથે ને સાથે એમની સામાજિક સાંસ્કૃતિક પૂર્વભૂમિકાનો પણ ખ્યાલ આવી જશે. એને લીધે એમની સાથેનાં કાર્ય અને વ્યવહારમાં તમને ઘણી મોટી સહાય મળશે. એટલે જ વિદ્યાર્થીઓ પર સમયે સમયે વ્યક્તિગત રીતે ધ્યાન આપવાનો પ્રયત્ન કરો.

એમને મથવા દો : ઝઝૂમવું એ જ જીવનનો આનંદ છે. વિદ્યાર્થીઓને એમની સમસ્યાઓનું પૃથક્કરણ કરવામાં અને જીવનમાં દ્વિધા ભરેલી પરિસ્થિતિને સમજવામાં માર્ગદર્શન આપો. સાથે ને સાથે પોતાની મૂંઝવણોનો ઉત્તર સ્વતંત્ર રીતે તેઓ મેળવતા શીખે તે માટે પ્રેરો; એમને ભીતરના અવાજને સાંભળવાની કળા કેળવતા કરો; તાર્કિક રીતે વિચારતા અને દૃઢ તેમજ ચોક્કસ દૃષ્ટિબિંદુ કેળવતા કરો. આવું સ્વશિક્ષણ તેમને ચારિત્ર્યનિર્માણની મહાન ઉત્ક્રાંતિમાં એક જવાબદાર ભાગીદાર બનાવશે.

એમના પ્રત્યે ક્યારેય કઠોરતાથી ન જોતા : કોઈ પણ વિદ્યાર્થીને ક્યારેય નિરર્થક કે નકામા ન ગણી કાઢવા. તમારો અભિપ્રાય જ વિદ્યાર્થીના વર્તનવ્યવહારને ઘડે છે. સાથે ને સાથે બીજા વિદ્યાર્થીઓની હાજરીમાં વિદ્યાર્થીની ભૂલોની જાહેરમાં ટીકા ન કરો. એને લીધે એની લાગણીને ઠેસ પહોંચે છે અને એ એના આત્મવિશ્વાસને ડગમગાવી દે છે. આવું કરવાને બદલે એમને ધીમે ધીમે પોતાનાં વર્તનભાવમાં કેવી રીતે સુધારો લાવવો એ વિનયપૂર્વક બતાવતાં રહેવું.

ચારિત્ર્યને જ તમારો માપદંડ બનાવો : વિદ્યાર્થીઓની વિદ્યાકીય ક્ષેત્રની સિદ્ધિઓની સાથે ને સાથે તેમનાં ચારિત્ર્ય ઘડતર પર પણ હંમેશાં ભાર દેવો જોઈએ. એમના વલણરુચિ, મિજાજ કે જુસ્સો અને મૂલ્યો એમના જીવનમાં સૌથી વધુ મહત્ત્વનાં બની રહે છે. એમના ચારિત્ર્યને જાણી-ઓળખીને સ્વામીજીના આ શબ્દો તમારે હંમેશાં યાદ રાખવા :

‘વ્યક્તિના ચારિત્ર્યનો નિર્ણય કરવો હોય તો માત્ર એનાં મોટાં કાર્યો જ તપાસવાનાં ન હોય. જિંદગીના કોઈ એકાદ કાળે મૂર્ખ વ્યક્તિ પણ મહાન બને. વ્યક્તિ નાનાં નાનાં કાર્યો કરતી હોય ત્યારે તેને જોવી જોઈએ. આ નાનાં કાર્યોમાંથી મહાન વ્યક્તિના સાચા ચારિત્ર્યની પિછાન થશે. મહાન સંયોગો ક્ષુદ્રમાં ક્ષુદ્ર વ્યક્તિને પણ કોઈ પ્રકારની મહત્તા પ્રાપ્ત કરવા પ્રેરે છે, પણ એ જ ખરી મહાન વ્યક્તિ છે, જે હરકોઈ કાર્ય કરતી વખતે ચારિત્ર્યમાં એટલી જ મહાન રહે છે.’ (૩.૨૪)

માબાપને પણ આ મહાન કાર્યમાં જોડો

શાળાના વર્ગખંડ અને ઘર વચ્ચેનો સક્રિય સહકાર આવશ્યક છે. કોઈ પણ વિદ્યાર્થીની સફળતાનો પ્રત્યક્ષ આધાર શિક્ષક-આચાર્ય અને માબાપ વચ્ચેના સહસંપર્કની ગુણવત્તાના પ્રમાણ પર છે.

માતપિતાને સક્રિય ભૂમિકા ભજવવા દો : માતપિતાના હૃદયપૂર્વકના સક્રિય સહકાર વિના વિદ્યાર્થીઓના ચારિત્ર્યઘડતરના કાર્યમાં ઘણી ઓછી પ્રગતિ શક્ય છે. જો માતપિતાને શાળામાં શીખવાતાં મૂલ્યોથી પરિચિત કરવામાં ન આવે તો માબાપ ઘરે પોતાનાં સંતાનોને કદાચ એનાથી વિરોધી જીવનસંદેશ આપી બેસશે. એટલે જ માબાપ તમારાં કાર્યક્ષેત્રમાં કોઈ ઘૂસણિયા છે એમ ન માનશો. તેઓ તો ચારિત્ર્યઘડતરના મહાન કાર્યમાં તમારા મુખ્ય સહસાથી છે. માબાપનાં બાળકો વિશેના અભિપ્રાય એમની પાસેથી મેળવો અને એ અભિપ્રાયને નજરઅંદાજ ન કરો; સાથે ને સાથે જ્યારે જ્યારે જરૂર લાગે ત્યારે તેમની સહાયને આવકારો.

માતપિતા સાથે બાળકની બાબતોમાં વિચારોની આપલે કરતા રહો : જ્યારે શાળામાં વાલી કે મા-બાપ આવે ત્યારે કે પત્ર દ્વારા, ટેલીફોન દ્વારા, ઈમેઈલ દ્વારા મા-બાપની સાથે સંપર્કસંબંધ સ્થાપવાનો પ્રારંભ કરો. તેમનાં બાળકો જ્યારે ગેરવર્તન કરે ત્યારે જ તેમની સાથે પત્ર વ્યવહાર કરવો, પણ સાથે ને સાથે એ બાળક શાળામાં કે વર્ગમાં જે કંઈ સારું કાર્ય કરે છે એમની જાણ કરવા માટે પણ તમારે એમની સાથે સમાચારની આપલે કરવી જોઈએ એ વાત શિક્ષકોએ યાદ રાખવી ઘટે. આને લીધે માતપિતા વિદ્યાર્થીના ચારિત્ર્યઘડતરમાં વધારે રસ લેતા થશે અને જ્યારે એમની મદદની જરૂર હોય ત્યારે તેઓ આનંદ અને આતુરતાપૂર્વક પ્રતિસાદ આપશે.

હાર્દરૂપ મૂલ્યોની પસંદગીમાં માબાપનાં સલાહસૂચન મેળવો : હેતુપૂર્ણ અને રચનાત્મક રીતે મૂલ્યોને વિદ્યાર્થીના જીવનમાં ઉતારવા તમારી પાસે એક પદ્ધતિસરનો અભિગમ હોવો જોઈએ. આવતા વિદ્યાકીય વર્ષમાં હાર્દરૂપ મૂલ્યોની પસંદગી પર વધારે ભાર દેવાનો છે કે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે, અને આ મુખ્ય પાસું છે. આવા મર્મરૂપ મૂલ્યોની પસંદગીમાં માબાપને પણ સામેલ કરો અને ઘરે એ બધાં મૂલ્યોને વિદ્યાર્થીના જીવનમાં કેવી રીતે રેડી શકાય એની પણ ચર્ચા કરતા રહો.

ચારિત્ર્ય નિર્માણના અભિગમો વિશે માબાપને માર્ગદર્શક બની રહો : માતપિતાને શિક્ષણકળાની તાલીમ મળી નથી હોતી. એટલે જ ચારિત્ર્ય નિર્માણના ભગીરથકાર્યમાં શાળા સાથે કેવી રીતે સથવારો નિભાવવો એના વિશે એમને સ્પષ્ટ ખ્યાલ ન પણ હોઈ શકે. બાળકોને પ્રેરીને માતપિતા પોતાની ભૂમિકા સારી રીતે ભજવી શકે તે માટે એમને સહાયરૂપ બનો. જરૂર પડે તો ચારિત્ર્ય નિર્માણનાં સ્રોત કે ક્ષેત્રો અને આદર્શ – વિચારો પણ પૂરાં પાડતાં રહો.

માતપિતાને તજ્‌જ્ઞ રૂપે આમંત્રણ આપો : કોઈ પણ વિશિષ્ટ મૂલ્ય કે વિષય વિશેષનો અભ્યાસ કરતી વખતે માતપિતાને તજ્‌જ્ઞ તરીકે લાવો અને એમનાં જ્ઞાન અને અનુભવનો લાભ લો.

શિક્ષકોની સામૂહિક ભાગીદારીને પ્રોત્સાહન આપો

કોઈ પણ શાળા કે સંસ્થા શિક્ષકોના સ્વેચ્છિક અને સામુહિક સાથ-સહકાર વિના ચારિત્ર્યનિર્માણ કરતી કેળવણીમાં સફળતાપૂર્વક પ્રવૃત્ત ન રહી શકે.

તમે રાષ્ટ્રના ઘડવૈયા છો એમ વિચારો : ચારિત્ર્યનિર્માણના આ ઉત્ક્રાંતિભર્યા મહાન કાર્યના નેતા રૂપે શિક્ષકોને પોતાની છબી નિર્મળ હોય એ વધારે અગત્યનું છે. તમે શાળા કે શિક્ષણ સંસ્થામાં માત્ર કર્મચારી નથી, પરંતુ એક પવિત્ર સામાજિક જવાબદારી અદા કરતા ભારતના મહત્ત્વના નાગરિક છો, એ તમારે હંમેશાં ધ્યાનમાં રાખવું જોઈએ. આ વિશ્વની નવીનતા વિહોણી કામની દુનિયામાં માનસિક તણાવ કે હતાશા નિરાશાથી તમે ઘેરાઈ જાઓ કે અકળાઈ જાઓ ત્યારે તમારે તમારી જાતને અને તમારા સહસાથીઓએ યાદ રાખવું જોઈએ કે તમે તો મૂલ્યો અને સંસ્કૃતિના જ્યોતિર્ધર છો – ‘રાષ્ટ્રના મૂક ઘડવૈયા છો’. આવી જાતની પોતાની છબી આ મહાન કાર્યમાં એક પ્રબળ પ્રેરણાનું સાધન બની રહેશે. સ્વામી વિવેકાનંદે અવારનવાર આપેલ આ આહ્‌વાનને શિક્ષકો જ સૌથી વધારે સારો પ્રતિસાદ આપી શકે તેમ છે.

‘આજે અસ્તિત્વ ધરાવતી માનવજાતનો જો એક થોડોક જ ભાગ સ્વાર્થી, સંકુચિતતા અને ક્ષુદ્રતાના વિચારો છોડી દે, તો આવતીકાલે આ પૃથ્વી સ્વર્ગ બની જાય. આત્મજ્ઞાનની ઉપયોગીતા આ છે; માત્ર યંત્રસામગ્રીથી અને ભૌતિક જ્ઞાનમાં વૃદ્ધિ થવાથી આ જગત કદીયે સ્વર્ગ બની શકે નહિ. જેમ આગમાં ઘી હોમવાથી અગ્નિ વધુ પ્રજ્વલિત થાય તેમ તે માત્ર દુ:ખમાં જ વધારો કરશે… આપણે ત્યાં પણ જ્યારે દેશની ખાતર પોતાના સર્વસ્વનું બલિદાન આપવાને તૈયાર હોય એવા હાડેહાડમાં સાચા મનુષ્યો ઊભા થશે ત્યારે ભારત પણ દરેક રીતે મહાન થશે. દેશને મહાન બનાવનાર તો માણસો છે.’ (૭.૧૦૨ અને ૮.૨૪)

સંઘભાવનાને વિકસાવો : શિક્ષકોમાં કેટલા અંશે સંઘભાવના છે તેના પર શાળામાં વિદ્યાર્થીઓના ચારિત્ર્ય-ઘડતરના મહાન કાર્યની સફળતાનો આધાર રહેલો છે. આવો સામૂહિક સહકારી સંઘભાવ વિકસાવવા સામૂહિક અભિગમ માટે તેમજ અરસપરસ માન-આદર અને વિશ્વાસને કેળવવા, નિષ્ણાતપણામાં સૌને સહભાગી બનાવવા, કોઈના પ્રત્યે આંગળી ચીંધવાની વૃત્તિથી દૂર રહેવા તમારે તમારા પક્ષે તમારાં કેટલાંક વ્યક્તિગત વલણોને છોડી દેવા પણ પડે.

સંસ્થાની પડખે ઊભા રહો : તમારી સાથે કામ કરતા શિક્ષકો સાથે ભાવાત્મક અને તંદુરસ્ત વલણ રાખો. તેમના વિશે રચનાત્મક ભાવે વાણી ઉચ્ચારો, સાથે ને સાથે વિદ્યાર્થીઓના સાર્વાત્રિક કલ્યાણ, શાળાપ્રણાલી અને પોતાના વ્યવસાય વિશે સંચાલકોને કે સત્તાવાહકોને માહિતી આપતી વખતે પૂરતા પ્રામાણિક રહો.

વહીવટકારોને સહકાર આપો

ચારિત્ર્ય નિર્માણની કેળવણીની સફળતા માટે શાળા-સમાજનો દરેકેદરેક સભ્ય એટલે કે શિક્ષક, આચાર્ય, વહીવટી કર્મચારીઓ, બસનો ડ્રાઈવર, માળી અને ઝાડુવાળનારો પણ શાળામાં શીખવાતાં મુખ્ય અને હાર્દ મૂલ્યોને પ્રતિબિંબિત કરે એ સૌથી વધારે મહત્ત્વનું છે. તદુપરાંત મૂલ્યલક્ષી કેળવણી એ શાળાની બધી પ્રવૃત્તિઓનું આધારભૂત કેન્દ્ર બનવું જોઈએ. જ્યારે શિક્ષકો વહીવટ કરનારાઓને કે સંચાલકોને પૂરેપૂરો સાથ-સહકાર આપે ત્યારે આ બધાં ધ્યેય સિદ્ધ કરવા શક્ય બને.

રચનાત્મક અને ભાવાત્મક ભાવે સહસાથી બનો : કોઈ પણ વ્યક્તિ તેના પર પ્રભાવ પાડતી નીતિઓને ઘડવા અને અમલમાં મૂકવા માટે મહત્ત્વનો ભાગ ભજવી શકે અને એ મહાન કાર્ય કરવું જોઈએ – એ સિદ્ધાંત પર લોકશાહીનું વહીવટીતંત્ર કાર્ય કરે છે. વહીવટકાર સૂચનો, ચર્ચાવિચારણા, ઉકેલો અને અમલીકરણ જેવાં માધ્યમસ્રોતો ઊભાં કરીને એક સંવાહક કે સુવિધા ઊભી કરનાર વ્યક્તિ તરીકે કાર્ય કરે છે. તમારી રચનાત્મક અને ભાવાત્મક ભાગીદારીથી આવી વ્યવસ્થાને વધુ શક્તિશાળી બનાવવાનું એક શિક્ષક તરીકે તમારા માટે વધુ આવશ્યક છે.

વહીવટકારના દૃષ્ટિબિંદુને પણ ધ્યાનમાં લેતાં શીખો : કોઈ પણ પરિસ્થિતિનો ઉકેલ લાવવા વહીવટકારના કે સંચાલકોના દૃષ્ટિબિંદુને ગંભીરતાથી ધ્યાનમાં લેવું જોઈએ. એનું કારણ એ છે કે વહીવટકારને વહીવટ ચલાવવાનો એક સર્વાંગી દૃષ્ટિકોણ હોય છે અને તે શૈક્ષણિક પ્રક્રિયાઓ કે કાર્યો અને નીતિઓને શાળામાં અમલમાં મૂકવા માટે જવાબદાર પણ છે. બીજાનાં દૃષ્ટિબિંદુઓને ધ્યાનમાં લેવાં કે સાંભળવાં એ કોઈ પણ જાતના સંપર્ક સંબંધો સાધવા માટે પાયાની બાબત છે.

સામૂહિક અને સામાજિક જાગૃતિ ઉજાગર કરો

ચારિત્ર્ય ઘડતરની ઉત્ક્રાંતિની સફળતામાં સ્થાનિક સમાજ કે લોકસમૂહનું સક્રિયપણે સામેલ થવું એ ઘણું મહત્ત્વનું પાસું છે. આ પ્રકારની શાળાસમાજની સહભાગીદારી નિર્માણ કરવાની જવાબદારી શિક્ષકોની અને શાળાના સંચાલકોની છે.

તમારી શાળાને ભાવાત્મક લક્ષમાં લાવો : શાળાને સમાજકેન્દ્રી બનાવવા અને એ રીતે ચારિત્ર્ય ઘડતરના આ મહાન કાર્યમાં સમાજની સેવા અને હૃદયપૂર્વકનો સાથ-સહકાર મેળવવા તમારે સમાજનો નૈતિક અને આર્થિક સહકાર મેળવવો જોઈએ. બેંક જેવી નાણાકીય સંસ્થાઓ, વેપાર ઉદ્યોગો, સહકારી મંડળીઓ કે સમિતિઓ, ધર્મસંસ્થાઓ તેમજ પોલિસ, મ્યુનિસિપલ, ફાયરબ્રિગેડ અને સ્થાનિક વહીવટીતંત્ર સુધી આપણે પહોંચી જવું જોઈએ અને પરસ્પર ભાવાત્મક સંપર્કસંબંધ રચવા માટે નિષ્ઠાપૂર્વક એમનો સહકાર મેળવવો જોઈએ. શાળાના વિદ્યાકીય અને અભ્યાસપૂરક પ્રવૃત્તિઓમાં તેઓ ભાગ લે તેવી તકો ઊભી કરો.

સમાજના સભ્યોને નિષ્ણાત તરીકે શાળામાં આમંત્રો : સમાજનો ઉપયોગ પાઠ્યક્રમના સ્રોત રૂપે પણ કરી શકાય. તમારી શાળાના શિક્ષકો સાથે પોતાના કાર્યસિદ્ધાંતો અને અનુભવોમાં સહભાગી બની શકે તે માટે સમાજના કુશળ તજ્‌જ્ઞ વ્યક્તિઓને શાળામાં આમંત્રણ આપો. સમાજમાંથી તેમજ સમાજના વેપારીઓ, ઉદ્યોગપતિઓ, કંપની સંવાહકો, સીટીબસ ડ્રાઈવર, પોસ્ટલ સેવા આપનાર અને ઉચ્ચકક્ષાના અધિકારીઓ જેવા જાહેર સેવાના કર્મચારીઓને શાળામાં અવારનવાર આમંત્રણ આપી શકાય. આવા સંપર્કસંબંધથી વિદ્યાર્થીઓમાં સામાજિક જાગૃતિનો વિકાસ થશે અને એમનામાં પોતિકાપણાની ભાવના આવશે. સાથે ને સાથે સમાજમાં પણ વિદ્યાર્થીઓના ક્ષેમકલ્યાણ માટે પોતાની જવાબદારીની ભાવના જાગ્રત થશે. ‘નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક – રાષ્ટ્રિય પાઠ્યક્રમની રૂપરેખા રચનાર-૨૦૦૫’ દ્વારા પાઠ્યક્રમનાં વિકાસ અને ઉન્નતિ માટે પાંચમાંથી બે માર્ગદર્શક સિદ્ધાંતોનું સૂચન થયું છે, એ આ પ્રમાણે છે : પાઠ્યપુસ્તકોથી પણ બહાર જઈને જ્ઞાનપ્રાપ્તિ કરી શકાય તે માટે શાળાની બહાર સામાજિક જીવન સાથે પણ જ્ઞાનને જોડવું જોઈએ અને પાઠ્યક્રમને સમૃદ્ધ બનાવવો જોઈએ. શૈક્ષણિક દસ્તાવેજમાં આવું સૂચન છે : આપણે ‘શાળાકીય સંકુલો અને બીજાં સરકારી અને બીનસરકારી સંઘો, શિક્ષકસંઘો જેવાં નાગરિક સામાજિક સમૂહોની વચ્ચે ભાગીદારીની ભાવના ઊભી કરીને આ વસ્તુ સિદ્ધ કરી શકાય’.

શિક્ષકના સ્વવિકાસ માટે કેટલાંક સૂચનો

(૧) તમારા અભ્યાસપાઠો વિશે સાંગોપાંગ પૂર્વતૈયારી કરી લો. કોઈ પણ વિષયની પૂરતી તૈયારી વિના વર્ગખંડમાં પ્રવેશવું એક નૈતિક અપરાધ છે અને એને લીધે ચોક્કસપણે વિદ્યાર્થીઓના શીખવામાં નડતરો ઊભી થાય છે.

(૨) તમે પોતે જ આત્મનિરીક્ષણ કરતા રહો અને નિષ્પક્ષપણે પોતાના દોષોને શોધો. પોતાના કાર્યની પરિપૂર્તિ ન કરનાર વિદ્યાર્થીવર્ગ શિક્ષકની અપૂરતી કાર્યસિદ્ધિનું પરિણામ છે.

(૩) વિદ્યાર્થીઓમાં પ્રશ્ન પૂછવાની વૃત્તિ અને પૃથક્કરણાત્મક તર્કશક્તિ જાગૃત કરો. પણ સાથે ને સાથે અરુચિકર મતમતાંતરોનો સામનો કરવા ઇચ્છુક કે તૈયાર રહે; ભવાં ચઢાવ્યાં વિના કે કોઈના દબાણમાં આવ્યા વિના જુસ્સાપૂર્વક પોતાનો અભિપ્રાય દર્શાવવા જાગ્રત રહે, તેવું કરવું.

(૪) શાળાની તમારી બધી પ્રવૃત્તિઓમાં સમયપાલન કરીને અને નિયમિત બનીને ‘સમય સોનું છે’ એ વાત વિદ્યાર્થીઓના મનમાં બેસાડો.

(૫) અનધિકૃત માણસો સાથે વિદ્યાર્થીઓની ખાનગી માહિતીની તેમજ સ્કૂલની ખાનગી રાખવા જેવી બાબતોની ક્યારેય ચર્ચા ન કરો.

(૬) સતત અભ્યાસ, સંશોધન, અવારનવાર શિબિર, પરિસંવાદોમાં હાજરી આપવી અને શિક્ષક સંઘો સાથે સક્રિય સભ્ય બનીને તમે તમારાં ધંધાકીય ઉન્નતિ અને વિકાસ માટે સતત મથતા રહો.

(૭) વધારાના વળતરની જરાય અપેક્ષા ન રાખો. આવું વધારાનું મહેનતાણું મેળવીને ઉમદા ફરજો બજાવવાથી તમારી નૈતિક તાકાતને નહિવત્‌ બનાવી દેશે અને વિદ્યાર્થીઓની નજરે તમે નીચા પડી જશો.

(ક્રમશઃ)

Total Views: 38

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.