ઔપચારિક મૂલ્યલક્ષી કેળવણીનું પૂર્વ પગલું : બાલક સંઘ

આપણા સમાજમાં અને આંતરરાષ્ટ્રિય ક્ષેત્રે સર્વત્ર મૂલ્યનિષ્ઠ કેળવણીની આવશ્યકતાની જબરી જાગૃતિ ઉદ્‌ભવી છે, એ આપણા માટે એક પુન: આશ્વાસનની વાત છે. આને લીધે વિદ્યાર્થીઓના માનવીય અને આધ્યાત્મિક દૃષ્ટિકોણનો વિકાસ થશે.

યુનેસ્કોનો અહેવાલ : ‘કેળવણી એટલે ભીતરનો ખજાનો ખોલવો’ યુનેસ્કોએ રજૂ કરેલા અહેવાલમાં શિક્ષણને આ મુખ્ય ચાર આધારશિલાઓ પર રહેલું છે એવી પરિકલ્પના કરી છે : (૧) જ્ઞાનપ્રાપ્તિ માટે કેળવણી (૨) કાર્યકૌશલ્ય માટે કેળવણી (૩) સહજીવન માટે કેળવણી અને (૪) જીવન શિક્ષણ માટે કેળવણી. આ ચારમાંથી ૨૧મી સદીમાં કેળવણીનું માળખું પૂરું પાડનાર કે આપનાર મધ્યસ્થ સ્તંભ કે આધારશિલા એટલે ‘સૌની સાથે જીવન જીવવાની કેળવણી’. પોતાનાં દેશબંધુઓ, ઇતિહાસ, પ્રણાલીઓ અને આધ્યાત્મિક મૂલ્યોની સમજણના સંવાદી વિકાસની મૂળભૂત વાત પણ એમાં આવી જાય છે.

ભારતમાં આ વિશેનું વિકાસલક્ષી કાર્ય : ૧૯૮૬માં કેન્દ્ર સરકારે સ્થાપેલ ‘ધ નેશનલ પોલિસી ઓફ એજ્યુકેશન’ દ્વારા કેળવણીમાં ગુણવત્તાલક્ષી સુધારણાનું આહ્‌વાન આપવામાં આવ્યું હતું. ઉપર્યુક્ત સંસ્થાએ ૧૯૯૨માં પુનરાવલોકન કર્યું અને તેના પરિણામે પ્લાન ઓફ એક્શન – કાર્યયોજનાનો અમલ થયો. આ યોજના પ્રમાણે એન.સી.ઈ. આર.ટી., એસ.સી.ઈ.આર.ટી. વિશ્વવિદ્યાલય, જિલ્લા શિક્ષણ તાલીમ ભવનો, ડી.પી.ઈ.પી., બી.ઈ.ઓ. અને એન.જી.ઓ. માટે વિશેષ પ્રકારની જવાબદારીઓ નક્કી કરી છે. સાથે ને સાથે રાષ્ટ્રિય, રાજ્ય, જિલ્લા કે તાલુકા કક્ષાએ આ નીતિ, તેનું આયોજન અને તેના અમલીકરણ તેમજ ગુણવત્તાવાળા શિક્ષણના નિરીક્ષણની સતત દેખરેખ ની જવાબદારી ઉપર્યુક્ત સંસ્થાઓ તેમજ શિક્ષણમાં જાગ્રત રસ લેનારા શિક્ષકો પર પણ મૂકી છે. એન.પી.ઈ. એ. સૂચવેલ ગુણવત્તાનાં નિદર્શનો પ્રમાણે અભ્યાસક્રમના વિષયોમાં ક્ષમતા અને સારા નાગરિક બનવા માટે આવશ્યક સુટેવો, વલણો, મૂલ્યો અને જીવનકલામાં પણ કુશળતા કેળવવી. ૧૯૯૯ની પાર્લામેન્ટની સ્ટેન્ડિંગ કમિટીના ૮૧મા અહેવાલમાં મૂલ્યલક્ષી કેળવણી વિશે નીતિવિષયક વિધાનમાં કહ્યું છે તે પ્રમાણે વૈશ્વિક માનવીય મૂલ્યો જેવાં કે સત્ય, આધ્યાત્મિકતાભર્યું વર્તન, શાંતિ, પ્રેમ અને અહિંસાને આપણા વિદ્યાર્થીઓ કેળવે એવું કરવું જોઈએ.

૨૦૦૫નું રાષ્ટ્રિય પાઠ્યક્રમનું માળખું : ‘શાંતિ અને સુસંવાદી સહઅસ્તિત્વ સાથે જોડાયેલ મૂલ્યો માટેનાં સ્પષ્ટ પૂર્વ નિર્ધાર’નું આહ્‌વાન કરતાં રાષ્ટ્રિય પાઠ્યક્રમ રૂપરેખા સંરચના ૨૦૦૫ દ્વારા શાળાના પાઠ્યક્રમમાં શાંતિને એક ભાવાત્મક આધારમૂલક મૂલ્ય તરીકે રજૂ કરાઈ છે. સાથે ને સાથે તે એ જણાવે છે કે ‘રાષ્ટ્રની સારી સુધારણા માટે અને એને પુન: શક્તિમાન બનાવવા માટે’ આ શાંતિના મૂલ્યમાં જબરી તાકાત છે. ઉપર્યુક્ત સંસ્થાના અહેવાલમાં આ શબ્દો આલેખ્યા છે:

‘પોતાને માટે સુસંવાદી જીવન જીવવું અને બીજાની અને સમગ્ર પ્રકૃતિ સંગાથે પણ એ સંવાદિતાનો સૂર છેડવા માટે નૈતિક વિકાસને પોષવાની અને મૂલ્યોને, રુચિવલણો અને કૌશલ્યોને કેળવવાની આવશ્યકતા છે. એને લીધે પ્રેમ, આશા, હિંમત જેવા ઉદાત્ત ગુણો સાથે જીવનનો આનંદ પ્રગટે છે અને વ્યક્તિત્વનો વિકાસ પણ થાય છે. એનાથી માનવીય અધિકારો, ન્યાય, સહિષ્ણુતા, સાથ-સહકાર, સામાજિક જવાબદારી અને સંસ્કૃતિની વિવિધતા પ્રત્યે માન-આદરનો ભાવ જાગે છે. સાથે ને સાથે એને લીધે લોકશાહી પ્રત્યેની દૃઢ પ્રતિબદ્ધતા અને અહિંસક ક્રાંતિનો દૃઢ નિર્ધાર પણ ઉદ્‌ભવે છે.’

મૂલ્યશિક્ષણનાં ઔપચારિક પૂરક કેન્દ્રો ઊભાં કરો : આપણા રાષ્ટ્રિય શિક્ષણને મૂલ્યલક્ષી કેળવણીમાં પૂર્વ પ્રસ્થાન કરતી આ વિકાસની પ્રક્રિયાઓ ખરેખર પ્રશંસાને પાત્ર છે. અલબત્ત સાચી વાત તો એ છે કે છેલ્લા પાંચ દાયકાથી આવા પ્રયાસો થઈ તો રહ્યા છે પણ એનું પરિણામ નહિવત્‌ રહ્યું છે.

તો પછી શું આપણે આપણા બાળકોમાં મૂલ્યો કેળવવાં માટે કોઈ ઔપચારિક શૈક્ષણિક પદ્ધતિની રાહમાં બેસી રહેવું જોઈએ? વાસ્તવિક રીતે તો માતપિતા, શિક્ષકો અને સમાજ એ ઔપચારિક શિક્ષણપદ્ધતિ કરતાં વધુ સારી રીતે કામ કરી શકે તેમ છે.

પોતાનાં સંતાનો અને વિદ્યાર્થીઓના ચારિત્ર્ય ઘડતરની ચિંતા સેવતા લોકો -બધાં માબાપ, વાલી અને શિક્ષકો- જો આ ભગીરથકાર્યમાં ઔપચારિક પૂરક કેન્દ્ર બની રહે તો નિશ્ચિત કાર્યયોજના દ્વારા મહત્ત્વની સિદ્ધિઓ હાંસલ કરવાનો માર્ગ મોકળો બની જાય. પ્રબળ અસર ઊભી કરવા માટે થોડાઘણા સમર્પિત અને દૃઢ મનના લોકો આ જવાબદારી ઉપાડી શકે. સમગ્ર દેશમાં દરેકેદરેક વિસ્તારમાં મૂલ્યલક્ષી કેળવણીનાં આવાં ઔપચારિક પૂરક કેન્દ્રો માતપિતા અને શિક્ષકોએ શરૂ કરવાં જોઈએ. આવો પ્રારંભ પછીથી ભાઈઓ માટે બાલકસંઘ અને બહેનો માટે બાલિકાસંઘના રૂપે પરિણમશે. આમાં ૭ થી ૧૬ વર્ષની ઉંમરનાં ભાઈબહેનો જોડાઈ શકે.

બાલકસંઘની સ્થાપના : ઉપર્યુક્ત ઔપચારિક પૂરક કેન્દ્રના સંચાલન માટે તેમજ એમાં મૂલ્યલક્ષી કેળવણી આપવા માટે કેટલીક માર્ગદર્શક સૂચનાઓ આ પ્રમાણે છે : (૧) કેન્દ્રના ઉદ્દેશ્યો, (૨) કેન્દ્રના પ્રારંભની પૂર્વતૈયારીઓ, (૩) આ કેન્દ્રના સંવાહકની પસંદગી, (૪) કેન્દ્રની પ્રવૃત્તિઓની રૂપરેખા ઘડવી. આ માર્ગદર્શક સૂચનાઓ બાલકસંઘ અને બાલિકાસંઘ બંને માટે સર્વસામાન્ય જેવી છે. અત્યારે તો બાલકસંઘ પૂરતી જ આ સૂચના મર્યાદિત રાખવી.

હેતુઓ

આ સાહસભર્યા કાર્યનો મુખ્ય ઉદ્દેશ તો અડોશપડોશનાં બાળકોને એકઠાં કરવાનો અને એમની શારીરિક શક્તિ, બૌદ્ધિક શક્તિ, નૈતિક તાકાત અને આધ્યાત્મિક બળ વિકસે એવા કાર્યક્રમો યોજવાના છે. એટલે કે આવાં કેન્દ્રો દ્વારા ‘સમસંવેદનાભર્યું હૃદય, ગ્રહણશક્તિ વધારતું મસ્તિષ્ક અને કામ કરતો હાથ’ કેળવવાનાં છે.

એટલે જ બાલકસંઘે બાળકોને આવી પ્રવૃત્તિ કરવા પ્રેરવા જોઈએ :

(૧) આપણી સુગ્રથિત સંસ્કૃતિમાં જીવંતરસ બાળકો લેતાં થાય એવું કરવું જોઈએ; સંતો, ભક્તો, સ્વદેશપ્રેમથી રંગાયેલા નરવીરો અને વીરાંગનાઓ, તેમજ સામાજિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય કરી ગયેલા અને કરનારા સામાજિક કાર્યકરોના જીવનકાર્યનો તેઓ અભ્યાસ કરે તેવું વાતાવરણ રચો. પોતાના રાજ્ય અને રાષ્ટ્રની ઐતિહાસિક પશ્ચાદ્‌ભૂમિકાને પણ એમણે જાણવી જોઈએ. એને લીધે એમનામાં રાષ્ટ્રિયતાની અને સ્વદેશ પ્રેમની ભાવના વિકસશે.

(૨) બાલક સંઘના બીજા સભ્યો સાથે ભ્રાતૃભાવનાથી અને મૈત્રીભાવથી વર્તે અને રહે એવી જીવનકળા એમને શીખવવી જોઈએ.

(૩) જવાબદારીનું મહત્ત્વ અનુભવતા થાય અને ઘરે તેમજ સમાજ કે શાળામાં હસતે મુખે જવાબદારીઓ ઉપાડી લે તેવી ભાવનાવાળાં બાળકોને બનાવવા જોઈએ.

(૪) પોતાની સાર્વત્રિક સુખાકારી તો મેળવવી જોઈએ પણ સાથે ને સાથે પોતાના દેશભાંડુઓ માટેના ક્ષેમકલ્યાણ માટે પણ કાર્ય કરવાની જવાબદારી એ ઉપાડી લે એવી સમજણ કેળવવી જોઈએ. સામાજિક રીતભાતો કેળવવી અને કાર્યકુશળતા પ્રાપ્ત કરવી જોઈએ. ક્રમશ: તેઓ પોતાનાં કાર્યમાં જાગૃતિ, નિયમિતતા, ચોકસાઈ અને ધીરતા-સ્થિરતા રાખતાં શીખે તેવું કરવું જોઈએ. આને લીધે તેઓ સ્વાવલંબી વ્યક્તિત્વ અને નેતૃત્વ કેળવી શકે.

પૂર્વતૈયારી

આજુબાજુના બધાને આ પ્રવૃત્તિમાં સામેલ કરો : ચારિત્ર્ય નિર્માણની આ ઉત્ક્રાંતિમાં આસપાસના સૌને ભાગ લેવા પ્રેરતા રહેવું જોઈએ. જે તે વિસ્તારમાં એક સભાનું આયોજન કરો અને આ ભાવ-આંદોલનનો પ્રારંભ કરો. જે તે વિસ્તારના ચારિત્ર્યવાન લોકોને પ્રારંભથી જ આ પ્રવૃત્તિમાં સામેલ કરવા જોઈએ. આટલી વાત યાદ રાખવી કે આ ભગીરથકાર્ય સંપૂર્ણપણે બીનરાજકીય હોવું જોઈએ.

બાળકોની નામનોંધણી : ૭ થી ૧૬ વર્ષની ઉંમરનાં બાળકો બાલકસંઘમાં જોડાય તે માટે તેમને પ્રેરવા જોઈએ. એક જ શેરીનાં બાળકોને આ કેન્દ્રના પ્રારંભમાં લાવી શકાય. બાલકસંઘમાં જોડાવા માટેનો અરજીપત્ર તૈયાર કરો અને બાળકોનાં સરનામાં, શિક્ષણ, આરોગ્ય અને રસરુચિઓ વિશે એક માહિતીપત્રક તૈયાર કરો. જે તે વિસ્તારના લોકોની આર્થિક પરિસ્થિતિ જાણીને બાળકો જેટલી ફી આપી શકે તેટલી સામાન્ય ફીનું ધોરણ રાખવું.

શિક્ષકોની યાદી તૈયાર કરો : સમર્પણભાવનાવાળા અને ઉત્સાહી શિક્ષકો જ બાલકસંઘના મુખ્ય આધારસ્તંભ છે. વ્યવસાયી શિક્ષકો, નિવૃત્ત શિક્ષકો, અધિકારીઓ, દાક્તરો, સંગીત-નૃત્ય અને ચિત્રકલાના કલાકારોની યાદી તૈયાર કરો. એ બધાની યોગ્ય સમયે સેવાઓ લેવી જોઈએ. આ બધા સમર્પિત શિક્ષકોમાં સેવાપ્રેમ હોવો જોઈએ.

ફંડ ઊભું કરો : આવા બાલકસંઘની પ્રવૃત્તિઓના સંચાલન માટે નાણાની આવશ્યકતા રહે છે. વ્યક્તિગત રીતે તેમજ સ્થાનિક વેપાર ઉદ્યોગની પેઢીઓ, બેંક કે સેવાભાવી સંસ્થાઓની ‘આર્થિક સહાયથી એમના સૌજન્યથી’ પ્રવૃત્તિઓ કરતા રહો. અલબત્ત, પૈસાથી જ બધું થતું નથી પણ સમર્પિત ભાવનાવાળા વડીલો અને ઉત્સાહી બાળકો જ આ બાલકસંઘની ઈમારતને રચી શકે છે.

ચોક્કસ સ્થળ નિશ્ચિત કરો લો : બાલકસંઘના કેન્દ્રનું સ્થાન સુનિશ્ચિત સ્થળે હોવું જોઈએ. મોટા સાર્વજનિક સભાખંડ, વિશાળ મંદિર, મસ્જિદ, ચર્ચ કે ગુરુદ્વારા તેમજ સ્થાનિક શાળાના મકાનનો ઉપયોગ કરી શકાય.

સમયગાળો સુનિશ્ચિત કરો : પ્રારંભમાં તો આવું કેન્દ્ર માત્ર રવિવારે જ કાર્ય કરે એવું આયોજન કરો. ધીમે ધીમે એ બરાબર ચાલતું રહેતું થાય તો એને દરરોજનું બનાવી શકાય. જો કે એમાં બે વિભાગ પાડવા જોઈએ – (૧) જે દરરોજ નિયમિત આવી શકતા હોય એના માટેનો વિભાગ (૨) જે રવિવારે આવી શકતા હોય એના માટે બીજો વિભાગ. જો શિક્ષકોની સંખ્યા ઓછી હોય તો માત્ર રવિવાર પૂરતાં જ વર્ગો ચલાવવા. સામાન્ય રીતે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અનુકૂળ આવે એ રીતે સવારના કે સાંજના સમયે આવા વર્ગો ગોઠવી શકાય. જરૂર જણાય તો જાહેર રજાના દિવસોનો ઉપયોગ પણ કરી શકાય.

પુસ્તકાલય પણ ઊભું કરો : ઘણાં બાળકોને ઉપનિષદ, મહાભારત, રામાયણ જેવા મહાન પ્રાચીન ગ્રંથોની વાર્તાઓ તેમજ વિશ્વનાં બીજાં સાહિત્ય; સંતો, પયગંબરો, વૈજ્ઞાનિકો, વિશ્વના નેતાઓ, મહાન દેશભક્તો અને સમાજસેવકોની આત્મકથા તથા જીવનકથાના ગ્રંથો; ઉપરાંત પર્યાવરણ, લલિતકલા, ઇતિહાસનાં પુસ્તકો વાંચવાં ગમે છે. બજારમાં સુપ્રાપ્ય આવાં પુસ્તકોને ધીમે ધીમે ખરીદવાનો પ્રયત્ન કરતા રહો. સૌ પ્રથમ કેન્દ્રના સંવાહકના કાર્યાલયના એકાદ-બે કબાટમાં આ પુસ્તકો રાખી શકાય. જરૂર જણાય તો સ્થાનિક પુસ્તકાલયોનો સંપર્ક સાધો અને બાળકોના વાચન માટે ત્યાંથી પુસ્તકો મેળવવાનો પ્રયત્ન કરતા રહો.

સંવાહક

સંવાહકની પસંદગી : બાલકસંઘની સ્થાપના અને તેની ઉન્નતિનો આધાર મહદંશે સંવાહકના વ્યક્તિત્વ પર આધાર રાખે છે. બાળકોના વ્યક્તિત્વ વિકાસમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે કેન્દ્રના સંવાહકમાં સાહિત્ય, કલા, સંગીત, નૃત્ય, નાટકનું થોડુંઘણું જ્ઞાન હોવું જોઈએ.

જ્યારે અને જ્યાં આવી રીતે બાળકો એકઠાં થાય તો તેમની વચ્ચે ગેરસમજણ, ઈર્ષ્યા, હળવા લડાઈ-ઝઘડા થવાની શક્યતા રહે છે. એટલા માટે સંવાહકમાં બાળ મનોવિજ્ઞાનનું જ્ઞાન હોવું જોઈએ અને આવી સમસ્યાઓનું નિરસન કરવાની શક્તિ તેનામાં હોવી જોઈએ.

બાળકોએ વ્યક્તિત્વ વિકાસની કળા શીખવાની છે. એટલા માટે આવા કેન્દ્રના સંવાહકમાં વિનયવિવેક, ઉદારતા, ક્ષમા, શાંતિ, શિસ્તપ્રિયતા અને સત્યનિષ્ઠા તથા સમાનતાના ગુણો હોવા જોઈએ. સંવાહકમાં બધાં બાળકોને ચાહતું માતાનું હૃદય હોવું જોઈએ. પ્રેમ જ આ વિશ્વની સૌથી પ્રબળ તાકાત છે.

આ વાત સાચી છે કે આવી ગુણવત્તાવાળા સંવાહકને શોધવા મુશ્કેલ છે. અને એવો હઠાગ્રહ રાખવાથી બાલકસંઘ અસ્તિત્વમાં ન આવે એવું પણ બની શકે. આમ છતાં પણ સંવાહકના આ બધા ઇચ્છવા લાયક ગુણો છે અને આવી થોડીઘણી ગુણવત્તાવાળી કોઈ પણ વ્યક્તિ મળી રહે તો તે સંવાહક બની શકે. પરંતુ આવા સંવાહકે બાલકસંઘનું સંચાલન કરતાં કરતાં ઉપર્યુક્ત ક્ષમતા ક્રમશ: વિકસાવવી જોઈએ અને એ માટે આવશ્યક નિષ્ઠા અને ઉત્કટતા રાખવી જોઈએ. સામાન્ય રીતે સંવાહકની પ્રગતિ પર જ બાલકસંઘની પ્રગતિનો આધાર છે.

પ્રવૃત્તિઓ

પ્રવૃત્તિઓનું આયોજન : બાલકસંઘની પ્રવૃત્તિઓ બાળકના શારીરિક, બૌદ્ધિક-માનસિક, નૈતિક અને આધ્યાત્મિક એવી ચતુર્વિધ શક્તિના વિકાસને લક્ષમાં રાખીને કરવી જોઈએ. આ બધી શક્તિઓનો સુસંવાદી વિકાસ કોઈ પણ વ્યક્તિના સર્વાંગીસંપૂર્ણ વ્યક્તિત્વને રચે છે.

દેહયષ્ટિનો વિકાસ : ૧૮૯૬માં સ્વામી વિવેકાનંદે આલાસિંગા પેરુમલને લખેલા એક પત્રમાં આ શબ્દો ઉચ્ચાર્યા હતા :

વત્સ! મારે જે જોઈએ છે તે છે લોખંડી-સ્નાયુઓ અને પોલાદી જ્ઞાનતંતુઓ કે જેની અંદર, જે પદાર્થનું વજ્ર બનેલું હોય છે એ જ પદાર્થનું બનેલું મન વસે છે. આપણને જોઈએ છે બળ અને શૌર્ય, ક્ષાત્રવીર્ય+બ્રહ્મતેજ. (૧૧ : ૨૯૯)

આવી દેહયષ્ટિનો વિકાસ કરવા બાળકોને ફૂટબોલ, કબડ્ડી, ખોખો જેવી રમતો રમાડવી જોઈએ. વિશેષ કરીને યોગાસનોમાં રસ લેતાં કરવાં જોઈએ અને યોગાસનોને વિદ્યાર્થીઆલમમાં લોકપ્રિય બનાવવાં જોઈએ. આસન વ્યાયામની આ આપણી જૂની પ્રણાલીગત વૈજ્ઞાનિક પદ્ધતિમાં કોઈ મોટાં મેદાનોની જરૂર રહેતી નથી. એ બધાનો અભ્યાસ સ્વતંત્ર રીતે એક નાના હવાઉજાસવાળા ઓરડામાં થઈ શકે છે. યોગાસનમાં પ્રાણાયામનો સમાવેશ થાય છે. એને લીધે બાળકોમાં ઊર્જાશક્તિ પુન: જાગ્રત થાય છે. એને લીધે ઘણા મોટા પ્રમાણમાં એકાગ્રતા અને આત્મસંયમનો વિકાસ થાય છે. આ બંને બાળકને ધ્યાન અને અભ્યાસમાં ધીરસ્થિર મુદ્રામાં બેસવામાં સહાય રૂપ નીવડે છે.

બૌદ્ધિક શક્તિ અને નૈતિક ભાવનાને કેળવવી : અત્યંત સ્વાભાવિક અને રસ પડે એવી રીતે બાળકોની બુદ્ધિશક્તિને કેળવવી એ ઘણું મોટું પડકારરૂપ કાર્ય છે. બાળકો સમક્ષ કેટલાક ઉમદા ગુણો પદ્ધતિસર રજૂ કરો. એ માટે તમે અહીં દર્શાવેલી શિક્ષણપદ્ધતિઓનો ઉપયોગ કરી શકો. (૧) અવધારણ કે સંકલ્પના પદ્ધતિ (૨) આત્મકથાત્મક કે જીવનકથાત્મક પદ્ધતિ (૩) વાર્તાકથન પદ્ધતિ (૪) સમૂહચર્ચા કે પરિસંવાદ પદ્ધતિ.

અવધારણ કે સંકલ્પના પદ્ધતિ : સત્ય, અહિંસા, સાહસિકતા, મૈત્રીભાવ, આત્મસંયમ, નિયમિતતા, સ્વચ્છતા-સુઘડતા, પ્રામાણિકતા, અખિલતા, પ્રબળ ઇચ્છાશક્તિ, સેવા, ત્યાગભાવના કે ઉદારતા, શ્રદ્ધા, સૌંદર્ય જેવા ગુણોમાંથી એકાદને બોધપાઠના વિષય રૂપે લઈને આ પદ્ધતિ દ્વારા પ્રત્યક્ષ અને હેતુપૂર્વકનું શિક્ષણકાર્ય કરીને અહીં આપેલ સોપાનો પ્રમાણે નૈતિકતા કેળવી શકાય છે :

પ્રથમ સોપાન : (૧) વિષયવસ્તુથી બાળકોને અભિમુખ કરો અને આ ભાવાત્મક મૂલ્યને વધુ સમજાવવા અને સ્પષ્ટ કરવા ઘણાં ઉદાહરણો રજૂ કરો. (૨) કોઈ ચોક્કસ વ્યાખ્યા પર આવવાનો પ્રયત્ન ન કરો. આપણો હેતુ તો બાળકોમાં પસંદ કરેલ મૂલ્યની સાચી સમજણ વિકસાવવાનો છે.

દ્વિતીય સોપાન : જે તે મૂલ્યનો અર્થ અને એની જીવનમાં ઉપયોગિતા વિશે મહાપુરુષોનાં જીવન અને દૈનંદિન ઘટતી ઉદાત્ત ઘટનાઓ દ્વારા પૂરેપૂરાં સમજાવવાં.

તૃતીય સોપાન : આવાં મૂલ્યોનું જેમાં ‘સર્વજનહિતાય અને સ્વહિતાય’ અનુસરણ થયું હોય એવી દૈનંદિન પરિસ્થિતિઓને વિદ્યાર્થીઓ સમક્ષ સુવ્યવસ્થિત રીતે રજૂ કરવી જોઈએ.

આત્મકથાત્મક કે જીવનકથાત્મક પદ્ધતિ : સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘વિશ્વનો ઇતિહાસ એટલે એવા ગણ્યાંગાઠ્યા માનવીઓનો ઇતિહાસ કે જેમને પોતાનામાં શ્રદ્ધા હતી. આ આત્મશ્રદ્ધા ભીતરની દિવ્યતાને બહાર લાવે છે.’

સિદ્ધાંતનિષ્ઠામાં ઊંડી શ્રદ્ધા ધરાવતા અને જેમણે જીવનમાં સર્વોત્કૃષ્ટતા પ્રાપ્ત કરી હોય એવી પ્રભાવક વ્યક્તિઓની આત્મકથા કે જીવનકથા પસંદ કરો. બાળકો પોતાના જીવનમાં આવાં મૂલ્યો કેળવતાં થાય એવી ઇચ્છાશક્તિનો તેમના પર પ્રભાવ પાડવો જોઈએ.

સોપાનો : (૧) આત્મકથા કે જીવનકથા માટે સુયોગ્ય વ્યક્તિની પસંદગી કરો. (૨) આત્મકથા કે જીવનકથા પસંદ કરો ત્યારે જો શક્ય હોય તો એક કરતાં વધારે લેખકોની કૃતિઓ પસંદ કરવી. એને લીધે વ્યક્તિત્વ વિશે એક વિશાળ દૃષ્ટિકોણ મળી રહેશે. (૩) જે તે વ્યક્તિની જન્મતિથિ, એનું કૌટુંબિક તથા સામાજિક વાતાવરણ તેમજ એની પ્રારંભની કેળવણીના કાળ પર વધારે ધ્યાન આપવું. જે તે વ્યક્તિના ચારિત્ર્યઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવનાર બીજાં બધાં પાસાંનું વર્ણન કરવું જોઈએ. (૪) જે તે વ્યક્તિના જીવનના પ્રસંગો પસંદ કરો અને એના પર ચર્ચા કરો. એનાથી એણે શા માટે એવું વર્તન કર્યું અને એની અસરો કઈ કઈ થઈ એ બાળકો સમજી શકે. (૫) બાળકો પાસે આવા કોઈ સમાંતર ઘટનાપ્રસંગો છે એ પણ જાણી લેવા જોઈએ. વધુ અભ્યાસ માટે સંદર્ભગ્રંથસૂચિ પણ આપવી.

આ પદ્ધતિનું મહત્ત્વ અને એની ગુણવત્તા : (૧) જીવનકથા કે આત્મકથા વાર્તાના બધાં તાત્ત્વિક પાસાં સાથેની એક સાચા જીવનની વાત છે. એને લીધે બાળકોનો રસ સરળતાથી જળવાઈ રહે છે. (૨) જે બાળકો તરુણાવસ્થામાંથી પસાર થતા હોય એમને માટે પોતાની પરિકલ્પનાઓને સાકાર રૂપ આપવા અને એ પ્રમાણે પોતાના જીવનને ઘડવામાં આ પદ્વતિઓ એક અનુસરણીય આદર્શ બની રહે છે.

વાર્તાકથન પદ્ધતિ : વાર્તાઓ કહેવી એ બાળકની રસરુચિને જાળવવાનું ઉત્તમ સાધન છે. એને લીધે બાળકોની કલ્પનાશક્તિ અને સ્મૃતિશક્તિ જાગ્રત થાય છે. એ બધી વાતો એમના હૃદયને સ્પર્શી જાય છે અને એમની લાગણીઓનું ઊર્ધ્વીકરણ કરે છે. વાર્તા કહેવી એ પણ એક કળા છે. શિક્ષકે વાર્તાઓ પુસ્તકની સહાય સિવાય કહેવી જોઈએ.

વાર્તાકથન પદ્ધતિનાં સોપાનો : (૧) સુયોગ્ય વાર્તા પસંદ કરવી. (૨) વાર્તાને પૂરેપૂરી જાણોસમજો અને એમાં આવતા ભાવાત્મક આરોહ-અવરોહને નોંધી લો. (૩) વાર્તાનો ઉપાડ રસમય રીતે થવો જોઈએ. લાંબી લચ પ્રસ્તાવનાથી દૂર રહો. (૪) બાળકો ગ્રહણ કરી શકે એવી ભાષા અને શબ્દોનો ઉપયોગ કરો. (૫) વાર્તાને સ્પષ્ટ અને અસરકારક અવાજે કહો. (૬) વ્યક્તિગત નોંધ પણ આપતા રહો. (૭) જો તમે સારા ચિત્રો દોરી શકતા હો તો ઉદાહરણો માટે કાળા પાટિયાનો ઉપયોગ કરી શકો. (૮) જ્યાં શક્ય હોય ત્યાં ઉદ્ધરણો ટાંકતા રહો. (૯) અંતે વાર્તાના નાયકના ચારિત્ર્યની સંક્ષેપમાં ચર્ચા કરો.

આ પદ્ધતિના ગુણપાસાં : (૧) બધી ઉંમરનાં બાળકો માટે વાર્તાકથન પદ્ધતિ રસિક અને રસપ્રદ બની રહે છે. (૨) વાર્તાઓ એકઠી કરવી, વાર્તાકથન કરવું અને પોતાની મેળે વાર્તાઓ લખવી એ માટે બાળકોને પ્રેરવા જોઈએ.

સમૂહચર્ચા કે પરિસંવાદ પદ્ધતિ : બાળકોની સમજણશક્તિ, વિચારશક્તિ અને તર્કશક્તિને વધુ વિસ્તૃત બનાવવા માટે ચર્ચા કે પરિસંવાદ આવશ્યક છે. એના દ્વારા વિચારો અને દૃષ્ટિબિંદુઓની આપલે થાય છે. એને લીધે ઉત્તમ રીતે કેટલાક પ્રશ્નોના ઉત્તર પણ બાળકોને મળી રહે છે. પોતાના પ્રશ્નોના મળતા ઉત્તરનો આધાર એની મહત્તા પર જ નથી પણ સમૂહમાં બીજા લોકો કેટલે અંશે એ વિચાર કે આદર્શને સ્વીકારે છે એના પર રહેલો છે.

સોપાનો : (૧) ચર્ચાનો વિષય કે સમસ્યાની પસંદગી કરો. (૨) બાળકો વર્તુળાકારમાં બેસે તેવી વ્યવસ્થા ગોઠવો. (૩) વિનમ્રભાવે અને પ્રમાણમાં નીચા અવાજે વાતચીત કરવી. પોતાના મતાભિપ્રાયોને વધુ લાગણીપૂર્વક વળગી રહેવાને બદલે બીજાના મતાભિપ્રાયોને પણ સાંભળવા જોઈએ. કોઈ પણ જાતની અડચણ ઊભી ન થાય એ રીતે વક્તાને પોતાની વાત પૂરી કરવા દેવી જોઈએ. ચર્ચામાં બીજાનાં માનલાગણી દુભાય એ રીતે કોઈ વ્યક્તિગત આક્ષેપો કે ટિપ્પણી કરવાથી દૂર રહેવું. વાત ચાલતી હોય ત્યારે વચ્ચે વચ્ચે ટીકાઓ કરવી કે કાનફૂસી કરવી ન જોઈએ. કોઈ પણ ચર્ચામાં પોતાનો જ ઈજારો છે એવું વલણ ન દાખવો. (૪) બાળકો આ ચર્ચાનો અહેવાલ બરાબર રાખે અને જાળવે એવી જવાબદારી વિશ્વાસપૂર્વક એમના પર નાખવી જોઈએ. (૫) ચર્ચાના વિષયનો પ્રારંભ પ્રથમ તો તમે જ કરો અને પછી બાળકોને એના વિશે પોતપોતાના મતાભિપ્રાય આપવા કહેતા રહો. (૬) ચર્ચા વખતે લોકશાહીનું નિખાલસ મનનું વાતાવરણ રહેવું જોઈએ અને વધુ ને વધુ સંખ્યામાં બાળકો ભાગ લે તે જોવું જોઈએ. ચર્ચાસભાના દરેક સભ્યને પોતપોતાના દૃષ્ટિબિંદુઓ રજૂ કરવા માટે પ્રશ્નો કરવા માટે પ્રેરતા રહો. (૭) જ્યારે ચર્ચાના નિયમોનો ભંગ થાય ત્યારે એના તરફ બધાનું ધ્યાન દોરો. સાથે ને સાથે નિયમપાલન માટે પૂરેપૂરો ભાર દેતા રહો. ખોટાં વલણને તપાસતાં રહો અને કોઈના દૂરાગ્રહ કે હઠાગ્રહને શાંત કરવા પ્રયત્ન કરવો જોઈએ. (૮) અપ્રત્યક્ષ રીતે નિયમન થઈ શકે તેવા વ્યવસ્થાપક રૂપે વર્તો. ચર્ચાના અગત્યના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ચર્ચાને અંતે સારસંક્ષેપ પણ આપવો જોઈએ.

આ પદ્ધતિનાં ગુણપાસાં : (૧) સમસ્યાઓના સમાધાન માટે ચર્ચાપદ્ધતિ સુયોગ્ય ઉપાય છે, એ વાત બાળકો શીખે છે. (૨) શરમાળ કે ઓછાબોલા બાળકો આત્મશ્રદ્ધાનો વિકાસ કરે એ માટે એમને પ્રેરી શકાય છે. (૩) બાળકો પોતાની વૈચારિક શક્તિઓને શોધી શકે છે અને પોતાની મેળે વિચારતા શીખે છે. તાર્કિક રીતે વિચારવાની શક્તિ, દૃઢ ન્યાય શક્તિ, સ્પષ્ટ અભિવ્યક્તિ જેવા ઉદાત્ત ગુણો બાળકમાં આ પદ્ધતિ દ્વારા વિકાસ પામે છે.

(ક્રમશ:)

Total Views: 76

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.